Sunday, January 8, 2012

કામિલની કમાલ


  દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૮ જાન્યુઆરી ૨૦૧૨


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

ગીતકાર ઈર્શાદ કામિલે ‘રોકસ્ટાર’ માટે સુપર્બ ગીતો લખ્યાં, પણ ફિલ્મની મ્યુઝિક બહાર પડી ત્યારે તેનાં જેકેટ પરથી એમનું નામ કેમ ગાયબ થઈ ગયું હતંું? હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગીતકારો વિશે પ્રમાણમાં ઘણું ઓછું ચર્ચાય છે. એનું કારણ એ છે કે ‘ઢીંકાચીકા’ અને ‘કોલાવેરી ડી’ના જોડકણાંયુગમાં નોંધ લેવી પડે તેવાં ગીતો ખાસ લખાતાં પણ નથી. પણ આજે આપણે ઈર્શાદ કામિલ વિશે વાત કરવી છે. ઈર્શાદ કામિલ એટલે ‘રોકસ્ટાર’નાં નક્કર ગુણવત્તાંવાળાં ગીતો લખનાર ટેલેન્ટેડ ગીતકાર. ઘણા સમય બાદ આપણને હિન્દી ફિલ્મમાં આવાં અર્થગંભીર ગીતો જોવાં મળ્યાં છે.

આ ગીતો એે. આર. રહેમાને કંપોઝ કર્યા છે. રહેમાનનાં ગીતો સામાન્યપણે આપણને પહેલા ધડાકે ગમી જતાં નથી. એ દારૂના નશાની જેમ ધીમે ધીમે ‘ચડે’ છે. આપણા કાનને, આપણી સિસ્ટમને એ ગીતો સાથે ટેવાતા થોડો સમય લાગે છે, પણ એક વાર આપણા સંવેદનતંત્રને ઝંકૃત કરી લે પછી આ ગીતો લગભગ કાયમી ધોરણે એનો હિસ્સો બની જાય છે. ફિલ્મ રિલીઝ થઈ તે અરસામાં અમિતાભ બચ્ચને કોઈક જગ્યાએ લખેલું કે આજકાલ મારા કમરામાં અને કારમાં સતત ‘રોકસ્ટાર’નાં ગીતો જ વાગ્યાં કરે છે!

‘રોકસ્ટાર’નાં ગીતો આપણને તે તીવ્રતાથી ‘અડી’ શક્યાં તેનો જશ રહેમાન ઉપરાંત, નેચરલી, ગીતકાર ઈર્શાદ કામિલને પણ આપવો પડે. આ ગીતોમાં પ્રેમ, આક્રોશ, વિદ્રોહ અને વિરહની વાત છે. એક મુલાકાતમાં ઈર્શાદ કહે છે, ‘હું આ ગીતો લખી રહ્યો હતો ત્યારે મારો અપ્રોચ કમર્શિર્યલ નહોતો. મારા મનમાં ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી કે સંગીતકાર રહેમાનને ખુશ કરી દેવાની ભાવના નહોતી. આ ગીતોથી સૌથી પહેલાં તો હું ખુદને રાજી કરવા, ખુદને સંતુષ્ટ કરવા માગતો હતો. મેં મારી ભીતર જોયું, હૃદય ફંફોસ્યું અને તેમાંથી આ ગીતો સર્જાયાં.’

‘રોક્સ્ટાર’નું સંગીત રિલીઝ થયું ત્યારે શરૂઆતમાં એની ટીકા થઈ હતી. ઘણા લોકોને રહેમાનનું સંગીત બહુ અઘરું અને ન સમજાય એવું લાગ્યું. પણ એક વાર ફિલ્મ રિલીઝ થઈ, લોકોએ પડદા પર ગીતો નિહાળ્યાં પછી મ્યુઝિક ઊપડ્યું. ઈર્શાદ કહે છે, ‘રહેમાનના કેસમાં મોટે ભાગે આવું જ બનતું હોય છે. આપણે બધા મુુવિંગ ઈમેજીસથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે સંગીત સાંભળીને જાતે કલ્પનાની દુનિયા ઊભી કરવામાં આપણને કષ્ટ પડે છે.’

Imtiaz Ali and Irshad Kamil


ઈમ્તિયાઝ અલીએ સૌથી પહેલી વાર ‘રોકસ્ટાર’ની સ્ટોરી સંભળાવી તે જ ઘડીથી ઈર્શાદનું આ પાત્રો સાથે સંધાન થઈ ગયું હતું.  બહુ મહત્ત્વનું હોય છે આમ થવું. ‘મેં પહેલી વખત ફિલ્મ જોઈ ત્યારે કેટલીય વાર મારી આંખો ભીની થઈ ગઈ હતી,’ ઈર્શાદ કહે છે, ‘ઈન ફેક્ટ, અમુક દશ્યો તો મને હજુય ખૂબ અસર કરી જાય છે. જેમ કે ‘કુન ફાયા કુન’ ગીતની આખી સિકવન્સ. આ સૂફી ગીત મેં જ લખ્યું છે, પણ છતાંય જ્યારે જ્યારે હું એ પડદા પર જોઉં છું ત્યારે દર વખતે હલબલી જાઉં છું.’

ઈર્શાદ અને ઈમ્તિયાઝ અલીનું અસોસિએશન આજકાલનું નથી. ઈમ્તિયાઝની ‘જબ વી મેટ’ તેમજ ‘લવ આજ કલ’ ફિલ્મોનાં ગીતો પણ ઈર્શાદે જ લખ્યાં છે. ‘લવ આજ કલ’ના ‘આજ દિન ચઢેયા’ ગીતમાં એક પંક્તિ છેઃ ‘માંગા જો મેરા હૈ, જાતા ક્યા તેરા હૈ, મૈંને કૌન સી તુઝસે જન્નત માંગ લી’. અમુક મુસ્લિમ બિરાદરોને આ પંક્તિ સામે વાંધો પડી ગયો હતો. એમનું કહેવું હતું કે અલ્લાહ સાથે આવી ભાષામાં કેવી રીતે વાત કરી શકાય? તે વખતે ઈમ્તિયાઝ ઈર્શાદની મદદે આવ્યા હતા. ઈમ્તિયાઝે તેમને પ્રેમપૂર્વક સમજાવ્યું કે આ પંક્તિમાં તો ઈશ્વરની સામે પ્રેમીનો મીઠો રોષ પ્રગટ થયો છે, અલ્લાહનો અનાદર કરવાની કોઈ હેતુ ગીતકારનો નથી.‘જબ બી મેટ’ અને ‘લવ આજ કલ’નું સુપરહિટ સંગીત પ્રીતમે આપ્યું હતું, પણ ‘રોકસ્ટાર’ માટે ઈમ્તિયાઝ અલીએ રહેમાનને પસંદ કર્યા. ‘તે એટલા માટે કે ઈમ્તિયાઝના મનમાં આ ફિલ્મનો આઈડિયા વર્ષોથી રમતો હતો અને રહેમાન સાથે એનું કમિટમેન્ટ ઓલરેડી થઈ ચૂક્યું હતું’, ઈર્શાદ ખુલાસો કરે છે, ‘ધારો કે પ્રીતમે ‘રોકસ્ટાર’નું સંગીત કમ્પોઝ કર્યું હોત તો એમાં માસઅપીલ વધારે હોત અને છતાંય સ્ટોરીલાઈનને વફાદાર તો હોત જ... અને પ્રીતમને નકલખોર નથી, પ્લીઝ. જો એ માત્ર નકલ કરી જાણતા હોત તો આટલો બધો વખત ઈન્ડસ્ટ્રીમાં ટકી જ ન શકત. એમનાં ગીતોનો સક્સેસ રેશિયો સૌથી ઊંચો છે. એમની તકલીફ કદાચ એ છે કે એ વધુ પડતું કામ હાથમાં લઈ લે છે. એ મધરાતે બે વાગે ફોન કરીને મને કહેશેઃ ઈર્શાદ જો તો, આ ટ્યુન કેવી લાગે છે? પ્રીતમ જેટલી ઝડપથી કામ કરવાનું મારું ગજું નહીં.’

ઈર્શાદે શરૂઆત ટીવી સિરિયલોના લેખક તરીકે કરી હતી. ગીતકાર તરીકેની કરીઅર ૨૦૦૪માં ‘ચમેલી’ ફિલ્મથી થઈ. ‘રોકસ્ટાર’ એમની ચોંત્રીસમી ફિલ્મ છે. આ ફિલ્મની મ્યુઝિક સીડી લોન્ચ થઈ ત્યારે એના જેકેટ પર ગીતકાર તરીકે એમનું નામ જ નહોતું! કોઈ પણ કલાકાર માટે દામ કરતાંય નામ ઘણું વધારે મહત્ત્વનું હોય છે. ઈર્શાદ તે વખતે વિદેશ હતા. તેમને કોઈએ ફોન કરીને કહ્યું પણ ખરું કે ‘રોકસ્ટાર’ની સીડી પર તમને ક્રેડિટ આપવામાં આવી નથી. ‘પણ મેં ઈમ્તિયાઝ અલીને ફોન કરવાની તસ્દી સુધ્ધાં ન લીધી,’ ઈર્શાદ કહે છે, ‘કારણ કે મને તેમના પર ભરોસો છે. ઈન ફેક્ટ, ઈમ્તિયાઝનો સામેથી મને ફોન આવ્યો હતો. એમણે કહ્યું કે આમાં કોઈનો વાંક નથી, વાસ્તવમાં સીડી બહાર પાડનાર ટીસિરીઝ કંપનીમાં કોઈથી આ ક્લેરિકલ મિસ્ટેક થઈ ગઈ છે. ઈમ્તિયાઝની વાત ન માનવાનું કોઈ કારણ નહોતું, કેમ કે ટીસિરીઝમાં મારે કોઈની સાથે દુશ્મનાવટ નથી. કોઈ મારા નામ સાથે શું કામ છેડછાડ કરે?’

વેલ, યુ નેવર નો. આ બોલીવૂડ છે અને અહીં કંઈ પણ શક્ય છે!

શો સ્ટોપર


સૌથી સફળ ફિલ્મ આપનાર નંબર વન એક્ટર કહેવાવો જોઈએ. તે હિસાબે ‘થ્રી ઈડિયટ્સ’ આપનાર આમિર ખાન હીરો નંબર વન છે, હું નહીં.  

 - સલમાન ખાન

5 comments:

 1. Good Article focusing on Kamil..! :)

  ReplyDelete
 2. really bahu mast article che

  ReplyDelete
 3. Nice article on nicer song writer..I am mesmerized by his song writing...kun faya kun is also my fav.

  ReplyDelete
 4. શિશીર -
  કામીલભાઈ પર લખવા બદલ ધન્યવાદ.બાકી ગીતકાર ને કોણ પૂછે છે...!!
  રાજુ

  ReplyDelete