Tuesday, November 29, 2011

સિલ્ક સ્મિતાઃ ધ ડર્ટી હિરોઈન

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૨૭ નવેમ્બર ૨૦૧૧


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

રહસ્યના આવરણમાં વીંટળાયેલું અસ્પષ્ટ મોત જિંદગીને બહુ આકર્ષક બનાવી દે છે. સોફ્ટ પોર્ન હિરોઈન તરીકે વર્ષો સુધી વગોવાયેલી સિલ્ક સ્મિતાનું જીવન અને મૃત્યુ બન્ને ઘટનાપ્રચૂર હતાં.


પણા સૌની ફેવરિટ ફિલ્મ ‘સદમા’માં કમલ હસન અને શ્રીદેવી ઉપરાંત એક ઑર પાત્ર પણ હતું જે આપણને યાદ રહી ગયું છે. તે હતું, કમલ હસન જેમાં ભણાવે છે તે સ્કૂલના પ્રિન્સિપાલની પત્નીનું કિરદાર. તે કામુકતાથી છલકાય છે અને કમલ હસનને કાચેકાચો ખાઈ જવા માગતી હોય એટલી હદે એ વિહ્વળ થઈ ચૂકી છે. કમલ હસન એની ઉપેક્ષા કરે છે. એના જીવનમાં એક સ્ત્રી આવી છે શ્રીદેવી. કમાલનો વિરોધાભાસ છે. શ્રીદેવી પાસે યુવાન સ્ત્રીનું ભર્યુ ભર્યુ શરીર છે, પણ પોતાની સેક્સ્યુઆલિટીથી તે બિલકુલ અજાણ છે અને તેનું મન વર્તન નાની બાળકી જેવાં નિર્દોષ છે. સામે પક્ષે, પ્રિન્સિપાલની અૌરત છે જેનું ચિત્ત સતત વાસનાથી ખદબદતું રહે છે. ‘સદમા’માં શ્રીદેવીનું પાત્ર યાદગાર બની શક્યું છે તેનું એક કારણ આ અૌરતનું કિરદાર પણ છે. તેની નિરંકુશ હવસને લીધે, તેના કોન્ટ્રાસ્ટમાં, શ્રીદેવીની માસુમિયત વધારે તીવ્રતાથી ઊપસી છે.


Sadma : Kamal Hasan with Shreedevi  (above) and Silk Smita (below)


આ કામુક માદાનું પાત્ર ભજવ્યું હતું સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ સિલ્ક સ્મિતાએ. અણધાર્યું મોત બડી કમાલની ચીજ છે. દક્ષિણ ભારતમાં વર્ષો સુધી સુપરસ્ટાર જેવો દબદબો અનુભવ્યા પછી એક દિવસ સિલ્ક સ્મિતાનો પાંત્રીસ વર્ષનો નિષ્પ્રાણ દેહ સિલીંગ ફેન પર લટકતો મળી આવ્યો. રહસ્યના આવરણમાં વીંટળાયેલું અસ્પષ્ટ મૃત્યુ અદાકારલેખકગાયકચિત્રકારના જીવનને બહુ આકર્ષક બનાવી દે છે! તેથી જ ‘સોફ્ટ પોર્ન હિરોઈન’ તરીકે વર્ષો સુધી વગોવાયેલી રહેલી સિલ્ક સ્મિતાના જીવન પરથી એકતા કપૂરે ‘ધ ડર્ટી પિક્ચર’ નામની ફિલ્મ બનાવી છે, જે આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે.ચરબીથી લથપથતું કાળું શરીર, આંખોમાં આમંત્રણ અને દાંત વચ્ચે દબાતા હોઠ સિલ્ક સ્મિતાનો આ ટ્રેડમાર્ક લૂક હતો. ઓડિયન્સ ઉશ્કેરાઈ જાય અને સેન્સર બોર્ડને પરસેવો છૂટી જાય એટલી હદે શરીર બતાવીને ફિલ્મમાં કામુકતાનો ડોઝ ઉમેરવાની કળામાં સિલ્ક એ માહેર હતી. ૧૯૮૦ના દાયકામાં સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં સિલ્ક સ્મિતાની જોરદાર ડિમાન્ડ ફાટી નીકળી હતી. દસ વર્ષના ગાળામાં સિલ્ક સ્મિતાએ પાંચસો જેટલી ફિલ્મોમાં કામ કર્યું. એક તબક્કો એવો આવેલો કે જ્યારે લગભગ ૯૦ ટકા સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં એ દેખાતી. સિલ્ક સ્મિતાનું નામ ફિલ્મી ભાષામાં એમ.આર. એટલે કે મિનિમમ ગેરેંટી ગણાતું સિલ્કને સાઈન કરો એટલે એટલે ફિલ્મ બનાવવાનો ખર્ચો તો નીકળી જ જાય! વર્ષો સુધી ડબ્બામાં પૂરાઈ રહેલી ફિલ્મોમાં એનું એક સેક્સી ગીત ઉમેરી દેવાથી ફિલ્મ વેચાઈ જતી. એક ગીત શૂટ કરતાં એને માત્ર બે દિવસ લાગતા. સિલ્ક સ્મિતાનું નામ એવું ચલણી બની ગયું હતું કે ફિલ્મમેકરો નવીસવી છોકરીઓને વેમ્પના રોલમાં કાસ્ટ કરીને એમને કાપડનાં નામ આપવા માંડ્યા હતા નાયલોન નંદિની, જ્યોર્જેટ ગંગા વગેરે. જોકે સિલ્ક સિવાયનું બીજું એકેય વસ્ત્ર હિટ ન થયું તે અલગ વાત છે!કે. બાલાચંદર અને ભાગ્યરાજ જેવા અમુક સારા માંહ્યલા ગણાતા ત્રણચાર ડિરેક્ટરો જોકે નાકનું ટિચકું ચડાવીને કહેતાઃ કોઈ આત્મસન્માની ડિરેક્ટર સિલ્ક સ્મિતા જેવી ચીપ એકટ્રેસને સાઈન ન કરે.... અમારા એવા ખરાબ દિવસો નથી આવ્યા કે અમારે સિલ્ક સ્મિતાના નામથી ફિલ્મો ચલાવવી પડે! ઈવન રજનીકાંતે પણ એકવાર કંટાળીને કમેન્ટ કરેલી કે બસ, બહુ થયું... હજુ કેટલી ફિલ્મોમાં સિલ્ક સ્મિતા અડધી ઉઘાડી થઈને મારી આસપાસ નાચ્યા કરશે!સિલ્ક સ્મિતા પોતાના સ્ટારપાવરથી પૂરેપૂરી સભાન હતી. એકવાર શિવાજી ગણેશન જેવા સિનિયર એક્ટર સેટ પર આવ્યા. બધા એમને માન આપવા ઊભા થઈ ગયા, પણ સિલ્ક સ્મિતા ગુમાનથી બેઠી રહી. ડિરેક્ટરે એને ઈશારો કરીને ઊભા થવા કહ્યું તો એ શિવાજી ગણેશનને સંભળાય તે રીતે બોલીઃ ‘મારું કામ ડાન્સ કરવાનું છે. લોકો તો સેટ પર આવજા કર્યા કરે, હું ક્યાં સુધી ઊઠબેસ કર્યા કરીશ?’ ડિરેક્ટર અને ગણેશન બન્ને છોભીલા પડી ગયા. સિલ્કને લોકોને આંચકા આપવામાં બહુ મજા આવતી. હિરોઈનો અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરીને શૂટિંગ કરતી હોય ત્યારે બે શોટની વચ્ચે એ ગાઉન પહેરીને શરીર ઢાંકી લેતી હોય છે, પણ સિલ્ક સ્મિતા આવું કરવાની તસ્દી લે? એ તો બિન્દાસપણે એ જ કપડાંમાં સેટ પર મુલાકાતીઓને મળતી અને ઈવન પત્રકારોને ઈન્ટરવ્યુ આપવા પણ બેસી જતી. પત્રકારો બાપડા શરમથી પાણી પાણી થઈ જતા. એક વાર સિલ્ક સ્મિતાએ કહેલુંઃ મારે સેન્સર બોર્ડના ચેરમેન સાથે લગ્ન કરી લેવાં છે કે જેથી મારી ફિલ્મો એક પણ કટ વગર પાસ થઈ જાય! આ સ્ટેટમેન્ટ પછી એટલો વિવાદ થયો કે પ્રોડ્યુસરે સેન્સર બોર્ડની લિખિત માફી માગવી પડી હતી.સિલ્ક કહેતી, ‘આજે આ પ્રોડ્યુસરો મારી આગળપાછળ ફરે છે, પણ કાલે હું બુઢી થઈશ અને મરણપથારીએ પડી હોઈશ ત્યારે આમાંનું કોઈ મારો હાથ ઝાલવાનો નથી. આજે પ્રેસવાળા મને ચીપ... ચીપ કહીને વગોવે છે, પણ હું કામ કરવાનું બંધ કરીશ તો શું ફિલ્મોમાંથી વલ્ગારિટી ગાયબ થઈ જવાની છે? માય ફૂટ! આજે હું ના પાડીશ તો મારી જગ્યા લેવા ડઝનબંધ છોકરીઓ તૈયાર ઊભી છે, જે મારા કરતાંય વધારે અંગપ્રદર્શન કરશે. મારે મારા પરિવારનું પેટ ભરવાનું છે. આજે મારો સિતારો ચમકે છે ત્યારે હું મારું ભવિષ્ય સિક્યોર કરી લેવા માગતી હોઉં તો તેમાં ખોટું શું છે?’દુર્ભાગ્યે સિલ્ક સ્મિતાનું ભવિષ્ય કદી આવ્યું જ નહીં. ગ્લેમર ગર્લ તરીકે વળતા પાણી શરૂ થયા એટલે સિલ્ક ખુદ પ્રોડ્યુસર બની, પણ ફિલ્મો ફ્લોપ થતાં જીવનભરની કમાણી ધોવાઈ ગઈ. સંબંધોમાં પણ એ નિભ્રરન્ત થઈ ચૂકી હતી. કદાચ આ બધાં પરિબળો એનું જીવન ટૂંકાવાનાં કારણો બન્યાં.એક ફિલ્મ બનાવવા માટેનો પૂરો મસાલો સિલ્કના જીવન અને મૃત્યુમાં છે. વિદ્યા બાલન કાબેલ અભિનેત્રી છે. ‘ધ ડર્ટી પિક્ચર’માં એ અને ડિરેક્ટર મિલન લુથરિયા સિલ્ક સ્મિતાને કેવી રીતે ઊપસાવે તે જોવાની મજા આવશે.શો સ્ટોપર


‘ધ ડર્ટી પિક્ચર’ના પ્રોમો દેખાડવાના શરૂ થયા ત્યારે મને મમ્મીપપ્પાની સાથે બેસીને ટીવી જોવાનું બહુ ઓકવર્ડ લાગતું હતું.


- વિદ્યા બાલન

No comments:

Post a Comment