Wednesday, November 23, 2011

ગુજરાતી રાક્ષસ ગોવામાં

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 20 November 2011


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

મૂર્ધન્ય ગુજરાતી સાહિત્યકારની નવલિકા, મુંબઈના ઊભરતા ફિલ્મમેકરે તેના પરથી બનાવેલી ગુજરાતી ફિલ્મ, ગોવાનો ફેસ્ટિવલ અને દુનિયાભરની ફિલ્મોની વચ્ચે તેનું સ્ક્રીનિંગ... કોમ્બિનેશન ખરેખર મજાનું છે!

સૌથી પહેલાં તો દસેક વર્ષની એક ગ્રામ્ય કિશોરીનું આ વર્ણન વાંચોઃ‘એની આંખો જ જાણે પગમાં હતી. એક ક્ષણની પણ અનિશ્ચિતતા વિના એ મને દોરી જતી હતી. ઘડીમાં એ એની કાયાને સંકેલીને નાના દડા જેવી બનાવીને ઢાળ પરથી દડી જતી તો ઘડીમાં ઊડપંખ સાપની જેમ એ કૂદતી કૂદતી આગળ વધતી... ઝાડની ભુલભુલામણીઓમાંથી એ સાપની જેમ સરી જાય... તરાપ મારતા ચિત્તાની સાવધાની ને ચપળતા ને સાથે પતંગિયાની નાજુકાઈ... ગામને સીમાડે અડીને રહેલા વનને એ રજેરજ જાણતી.’
Suresh Joshi
 ગુજરાતી સાહિત્યજગતમાં ટ્રેન્ડસેટર તરીકે ઊંચી પ્રતિષ્ઠા પામેલા સુરેશ જોષી (જન્મઃ ૧૯૨૧, મૃત્યુઃ ૧૯૮૬)ની નવલિકા ‘રાક્ષસ’નો આ એક નાનકડો અંશ છે. આ કોલમમાં સુરેશ જોષીને યાદ કરવાનું ખાસ કારણ છે અને તે એ કે ‘રાક્ષસ’ પરથી એક ફિલ્મ બની છે, જે ૨૩ તારીખથી ગોવામાં શરૂ થઈ રહેલા દસ દિવસીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ)માં પ્રદર્શિત થવાની છે. આ, અલબત્ત, ફુલલેન્થ ફીચર ફિલ્મ નહીં પણ ટૂંકી વાર્તા પરથી બનેલી શોર્ટ ફિલ્મ છે અને તે બનાવી છે ઊભરતા ફિલ્મમેકર આલોક નાયકે.૩૪ વર્ષના આ મુંબઈવાસી યુવાને પોતાની ફિલ્મ માટે જે વાર્તાની પસંદગી કરી છે તે ખરેખર ધ્યાન ખેંચે એવી છે. એક ભલીભોળી ચંચળ ક્ન્યા એની જ ઉંમરના કિશોરનો હાથ ઝાલીમાં જંગલમાં ખેંચી જાય છે અને વાંચક સામે વિસ્મયની એક અજાયબ દુનિયા ખૂલી જાય છે. કુદરતનાં આશીર્વાદ પામેલું આ જંગલ કન્યા માટે પોતાનાં ઘર જેટલું પરિચિત છે. અહીં સાત આમલીના ઝુંડવાળો રાક્ષસ છે, મંછી ડાકણનો ધરો છે, પશુ-પક્ષી-કીટકોના જાતજાતના અવાજો છે, તરંગની જેમ વિસ્તરતી અદભુત હરીયાળી છે. વર્ષો પછી યુવાન બની ગયેલો પેલો છોકરો એક હોસ્પિટલમાં જાય છે. નાચતાંગાતાં પતંગિયાં જેવી પેલી છોકરી મરવા પડી છે. તે યુવાનનો હાથ પોતાના હાથમાં લે છે અને આંગળીથી એની હથેળી પર લખે છેઃ ‘રાક્ષસ’. આ બિંદુ પર વાર્તા પૂરી થાય છે.

Alok Naik


સુરેશ જોષીની નવલિકા જેટલી સુંદર છે એટલી કઠિન પણ છે. તે વાચકની સજ્જતાની કસોટી કરે છે. વાર્તાનું સ્વરૂપ ઑપન-એન્ડેડ છે. વાચકે પોતાની સંવેદનશીલતા અને સમજ પ્રમાણે તેનું અર્થઘટન કરી લેવાનું છે. આલોક નાયક આ વાર્તાને કઈ રીતે પામ્યા છે? ‘હું નાની કિશોરીને પ્રકૃતિનું પ્રતીક ગણું છું,’ ચાર દિવસ પહેલાં જ એક સિનેમેટિક અસાઈન્મેન્ટ પતાવીને ગ્રાીસથી પાછા ફરેલા આલોક કહે છે, ‘વાર્તાનો નાયક મારી દષ્ટિએ મનુષ્યજાતનું પ્રતિનિધિત્વ કરે છે. એક સમયે માણસ પ્રકૃતિનો જ એક હિસ્સો હતો, પણ જેમ જેમ તે આધુનિક બનતો ગયો તેમ તેમ પોતાની આસપાસના પર્યાવરણ પ્રત્યે સંવેદનહીન બનતો ગયો. માણસના અવિચારીપણાને કારણે પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે. બેફામ અર્બનાઈઝેશનને કારણે પ્રકૃતિ અને નિદોર્ષતાનું જે હનન થઈ રહ્યું છે તેને અટકાવવામાં આપણે ઓલરેડી બહુ મોડું કરી નાખ્યું છે? કે પછી, હજુય થોડીઘણી આશા બચી છે? મારી ફિલ્મમાં મેં આ સવાલો ઉઠાવવાની કોશિશ કરી છે.’કોરિયોગ્રાફર તરીકે કરીઅરની શરૂઆત કરનાર આલોકે ચેન્નાઈની એક ફિલ્મ એકેડેમીમાંથી ફિલ્મ ડિરેક્શનનો કોર્સ કર્યો છે. એની ૧૨ મિનિટની ‘મલ્લિકા’ નામની શોર્ટ ફિલ્મ જર્મની, દિલ્હી, ગોવા અને મુંબઈના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સિલેક્ટ થઈ હતી. ‘રાક્ષસ’ એમની બીજી શોર્ટ ફ્લ્મિ છે. વડોદરાથી ૧૧૦ કિલોમીટરના અંતરે આવેલા તેજગઢ નજીકનાં જંગલમાં આલોકે આ ફિલ્મ શૂટ કરી છે. અમુક દશ્યોમાં સૂઝપૂર્વક અજમાવાયેલી સ્પેશિયલ ઈફેક્ટ્સ ખાસ ધ્યાન ખેંચે છે. ૨૧ મિનિટની લંબાઈ ધરાવતી ‘રાક્ષસ’ની ભાષા ગુજરાતી છે અને નીચે અંગ્રેજીમાં સબટાઈટલ્સ આવતા રહે છે. આ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ મજાની છે. સહેજે સવાલ થાય કે ફિલ્મમેકર બનવા માગતા ઉત્સાહી યંગસ્ટર્સ માટે કોઈ ફિલ્મ એકેડેમીની તાલીમ અને આ પ્રકારની શોર્ટ ફિલ્મ્સ બનાવવાનો અનુભવ ખરેખર કેટલો ઉપયોગી થતો હોય છે?

આલોક કહે છે, ‘એ સાચું છે કે હોમવિડીયોની કક્ષાની સાવ નબળી શોર્ટ ફિલ્મ્સ પણ બનતી હોય છે અને એનું સ્ક્રીનિંગ પણ થયું હોય છે, પણ ફિલ્મમેકર બનવાનું સપનું જોનારા પોતાની રીતે શોર્ટ ફિલ્મ બનાવવાની કોશિશ કરે તે સારું જ છે, કારણ કે તેમને સમજાવા માંડે છે કે નાની અમથી ફિલ્મ બનાવવાનું કામ પણ કેટલું કડાકૂટભર્યુ હોઈ શકે છે! માત્ર ફિલ્મોના ગ્લેમરથી અંજાયેલા કે ફિલ્મમેકિંગનું ખરેખરું પૅશન ન ધરાવનારાઓનો ભ્રમ એક શોર્ટ ફિલ્મ બનાવવાના અનુભવથી જ ભાંગી જતો હોય છે. બાકી ફિલ્મમેકર બનવાની ખરેખરી તાલીમ ફિલ્મના સેટ પર જ મળે છે. જો તમે અગાઉ કોઈ ફિલ્મ ઈસ્ટિટ્યુટમાં કોર્સ કરેલો હોય તો ફાયદો એ થાય છે કે સેટ પર કોઈને આસિસ્ટ કરતી વખતે તમે ફોકસ્ડ રહી શકો છો, તમારી આસપાસ જે કંઈ ચાલી રહ્યું હોય તેને સારી રીતે સમજી શકો છો અને ઝડપથી શીખી શકો છો. ફિલ્મ એકેડેમીમાં સ્ટુડન્ટ્સને દુનિયાભરની ફિલ્મો જોવાની જે તક મળે છે તેનાથી મનની બારીઓ ખુલી જાય છે અને ખુદની દિશા સ્પષ્ટ થવા માંડે છે. ફિલ્મ એકેડેમીમાં હોવાનો આ એક મોટો પ્લસ પોઈન્ટ છે.’સુધીર મિશ્રાને એમની ‘યે સાલી જિંદગી’ ફિલ્મમાં આસિસ્ટ કર્યા પછી હાલ આલોક ‘બ્લડ મની’ નામની મહેશ ભટ્ટના વિશેષ ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી ફિલ્મના ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી રહ્યા છે. આલોક બરાબર જાણે છે કે એણે માત્ર ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દેખાડાતી ઓફબીટ ફિલ્મ્સ પૂરતાં સીમિત રહેવાનું નથી. એ કહે છે, ‘હું મેઈનસ્ટ્રીમ હિન્દી ફિલ્મમેકિંગ તરફ આગળ વધવા માગું છું. વ્યાપક અપીલ ધરાવતી સત્ત્વશીલ કમર્શિયલ સિનેમા એ મારું ટાર્ગેટ છે...’ગુડ લક, આલોક.શો સ્ટોપર

‘રોકસ્ટાર’ના રાઈટર-ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી જેવો સેક્સી માણસ બીજો કોઈ નથી. સ્ત્રીની ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ જરૂરિયાતોને ઈમ્તિયાઝ જેવું બીજું કોઈ સમજી શકતું નથી.

- રણબીર કપૂર1 comment:

  1. સરસ માહિતી.સરસ ઇન્ટરવ્યુ.વાર્તાનું જે અર્થઘટન આલોકે કર્યું છે એ પણ ખૂબ સરસ છે.થેન્ક્સ.

    ReplyDelete