Friday, June 10, 2011

‘જીવનને પીડા આપતી પરિસ્થિતિઓ જાગૃતિથી રૂઝાય, ગિલ્ટથી નહીં’

અહા! જિંદગી - જૂન  ૨૦૧૧માં પ્રકાશિત

કોલમઃ ફલક

‘કોઈને સંપૂર્ણપણે અને હંમેશ માટે માફ કરી દેવાનું કદાચ અઘરંુ લાગે, પણ તે માણસને શું હું આ એક ક્ષણ પૂરતો માફ ન કરી શકું?’




 હ્યુ પ્રેધર જાણીતા અમેરિકન ચિંતક છે. સેલ્ફહેલ્પનાં પુસ્તકોનાં માર્કેટને હજુ ગરમાગરમ થવાને ઘણી વાર હતી તે વર્ષોમાં તેમણે ‘નોટ્સ ટુ માય સેલ્ફ’ નામનું સદાબહાર પુસ્તક લખ્યું. દુનિયાભરમાં તે ખૂબ વંચાયું અને વેચાયું છે. આ પુસ્તકની સુપર સફળતા પછી હ્યુ પ્રેધરનાં બીજાં પુસ્તકો પણ આવ્યાં પણ ‘બોસ, ‘નોટ્સ ટુ માય સેલ્ફ’ જેવું પાછું કંઈક લાવો’ તે પ્રકારની ટિપિકલ ડિમાન્ડ પ્રકાશકો અને વાચકો બણે તરફથી સતત થતી રહી.


Hugh Prather
હ્યુ પ્રેધર કહે છે, ‘મને ‘૩૬૫ દિવસના ૩૬૫ વિચારો’ એ પ્રકારનું પુસ્તક લખવાનું  કહેવામાં આવેલું પણ આ ડિમાન્ડને હું સતત ખાળતો રહ્યો. તેનું કારણ એ કે માર્કેટમાં આ ફોર્મેટનું ઢગલાબંધ ચિંતનાત્મક સાહિત્ય ઠલવાઈ ચૂક્યું હતું... પણ અમુક અરસા પછી મેં નોંધ્યંુ કે અમુક વિચારો ઊઠતાની સાથે જ મારા મનનો કબજો જમાવી લે છે. ધીમે ધીમે આ વિચારો સ્થિર થવા માંડ્યા અને પછી તો તેની સાથે હું એટલો કમ્ફર્ટેબલ થવા માંડ્યો જાણે એ જૂનું શર્ટ ન હોય.’


આખરે પુસ્તક લખાયું અને છપાયું ‘મોર્નિઁગ થોટ્સઃ ૩૬૫ મેડિટેશન્સ ટુ વેક અપ વિથ’. પેશ છે તેના કેટલાક અંશો. ક્ષમા વિશે હ્યુ પ્રેધરના શા વિચારો છે? જુઓ...    


ક્ષમા સ્પોન્ટેનિયસ હોય છે. કોઈને માફ કરવા માટે ‘સારા જજમેન્ટ’ની જરૂર નથી.

ક્ષમા કરવા માટેના ઉત્તમ સમય જેવું કશું હોતું નથી. સામેની વ્યક્તિ ‘સીધી ચાલે’ ત્યાં સુધી રાહ જોઉં અને પછી જ એને માફી આપું એવું પણ કશું હોતું નથી. કોઈને માફ કરી દેવું એ તો ખુદની માનસિક સ્થિરતા જાળવી રાખવાની ક્રિયા થઈ. કોઈના અયોગ્ય કૃત્યને લીધે મને ક્રોધ ચડ્યો હોય અને તેના કારણે મારા દિમાગને નુક્સાન પહોંચી રહ્યું હોય તો આ નુક્સાની અટકાવવાના પ્રયાસરૂપે  ક્ષમા આપોઆપ અપાઈ જવી જોઈએ.

*

સામેના માણસને ક્ષમા આપવી એટલે મારા પોતાના સુખ માટે તૈયાર થવું. 

‘હે ભગવાન, હું ફલાણાને માફ કરી શકું તે માટે મને મદદ કર’ એવી પ્રાર્થના હું કદી નહીં કરું. સામેના માણસ માટે મેં જે વિચારી લીધું હતું કે નક્કી કરી લીધું હતું તેમાંથી તેને આઝાદ કરી દેવાની તીવ્ર ઈચ્છામાંથી જ ક્ષમા પ્રગટશે. જે વ્યક્તિએ કે જે ઘટનાએ મને માનસિક સ્તરે ખળભળાવી મૂક્યો હતો તેને હું જ માફ કરીશ. મારી માનસિકતાને બદલવાની જવાબદારી મારી છે, ભગવાનની નહીં. ભગવાનની મદદ માગવાનો અર્થ એ થયો કે હું સામેના માણસને માફ કરવાનું પાછળ ધકેલી રહ્યો છું અને મારી જાત સાથે હું જે કરી રહ્યો છું એનો ભોગ બનતા રહેવાનું ચાલુ રાખું છું. મને ખુદને અમુક બાબતની તીવ્ર ઈચ્છા થઈ રહી ન હોય તો ભગવાન કંઈ તે માટે મારા પણ દબાણ નહીં કરે.


 ક્ષમા આપવી હંમેશાં શક્ય છે -  વર્તમાનમાં.



કોઈને સંપૂર્ણપણે અને હંમેશ માટે માફ કરી દેવાનું કદાચ અઘરંુ લાગે, પણ તે માણસને શું હું આ એક ક્ષણ પૂરતો માફ ન કરી શકું? મારી માનસિક શાંતિને સહેજ પણ ખલેલ પહોંચાડ્યાં વગર શું તેની છબી વર્તમાનની એક પળ પૂરતી હું પકડી ન શકું? કમસે કમ મારે આટલો પ્રયત્ન તો કરવો જ જોઈએ.

*

કોઈને માફ કરતાં પહેલાં સૌથી પહેલાં તો મારે મારી જાત સાથે પ્રામાણિક બનવું પડે. 

કોઈને ક્ષમા આપીને આપણે વાસ્તવિકતાને બદલી નાખવાની કોશિશ કરી રહ્યા હોઈએ એવું ક્યારેક લાગે પણ ક્ષમા આપવાનો સાદો મતલબ છે શાંતિ તરફ પાછા ફરવું. કોઈ માણસને લીધે હું  વિહ્વળ થઈ ગયો હોઉં તો મારે મારા અસ્થિર મનને ચગદી નાખવાનું ન હોય. મારે માત્ર શાંતિભર્યા મન તરફ ગતિ કરવાની હોય કે જ્યાં કશુંય સુધારવાની કે બદલાવવાની જરૂર ન હોય. તે માટે મારે સૌથી પહેલાં તો મને ડિસ્ટર્બર્ કરી રહેલી પેલી વ્યકિત અને પરિસ્થિતિની કલ્પના કરવી પડે અને તેના પર ફોકસ કરવું પડે.  ના, આનો મતલબ એ નથી કે હું જેતે માણસે જે કંઈ કર્યું તેને વખોડી રહ્યો છું, આનો અર્થ ફક્ત એટલો જ કે મને તકલીફ આપી રહેલા મારા મનના એ ચોક્કસ હિસ્સા સાથે હું કામ પાર પાડી રહ્યો છું.

જે લોકો માફ કરી શકતા નથી, તેમણે હજુ સુધી જીવવાનું શરૂ જ કર્યું નથી.
ક્ષમા કરવાના ઘણા લાભ છે અને આ લાભ તો જ સમજાય જો તમે ખરેખર ક્ષમા કરવાનું શરૂ કરી દો. ક્ષમા કર્યા વિના ક્ષમા વિશે શીખવું એ તો શ્વાસ લીધા વિના શ્વાસોચ્છવાસની પ્રક્રિયા વિશે જાણવા જેવું થયું.



*

જીવનને પીડા આપતી પરિસ્થિતિઓ જાગૃતિથી રૂઝાય, ગિલ્ટથી નહીં.

સાચું પૂછો તો, માણસની બિહેવિયર પેટર્ન એના જીવનના મ્યુઝિયમમાં મુકાયેલી કલાકૃતિઓ જેવી છે. આપણી બિહેવિયર પેટર્ન આપણી આત્મકથાના નાના નાના ટુકડાઓ છે, જેને વિસ્તારથી સમજવાનું મન થાય. તમારી જાતને પૂછોઃ આ પેટર્ન કેવી રીતે રચાય છે? કેવી રીતે નાશ પામે છે? કેવી રીતે ટકી રહે છે? એની સાથે સામાન્યપણે શું શું સંકળાયેલું હોય છે? ના, પોતાની ભૂલોને મનોમન ચૂંથતા રહેવાની આ વાત નથી, આ તો આ ભૂલોને શક્તિહીન કરી દેવાની કોશિશ છે. 

*

ક્ષમા ક્યારેય અપ્રામાણિક ન હોય.

કોઈને ક્ષમા આપવી એ કંઈ નિરર્થક સુષ્ઠુ સુષ્ઠુ ક્રિયા નથી કે જેના થકી સરવાળે આપણે પોતાની જાતને છેતરતા હોઈએ છીએ. જે કોઈ ઘટના બની તેના વિશે મેં ઓલરેડી નકારાત્મક અર્થઘટન કર્યું હતું. ક્ષમા આપવાનો અર્થ એ નથી કે પેલા નકારાત્મક અર્થઘટનને હું ભૂંસી નાખીશ અને તેની ઉપર, એ જ ઘટનાનું નવેસરથી કરેલું હકારાત્મક અર્થઘટન થોપી દઈશ.  ક્ષમા એક ભેટ છે, જે હું મારી જાતને આપું છું. આ ભેટ થકી હું મારા વર્તમાન તરફ પાછો ફરી શકીશ અને ભગવાને મને જે બનાવ્યો છે તેવો બની શકીશ.

0 0 0

3 comments:

  1. વાહ... ખુબ સરસ... આભાર...

    ReplyDelete
  2. Maja aavi gai boss.! Prernaatmak article aapyo chhe,vaachine hu khus thai gayo.

    ReplyDelete