Saturday, June 11, 2011

બેસૂરો રાગ દરબારી

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૧૨ જૂન ૨૦૧૧માં પ્રકાશિત


કોલમ ઃ મલ્ટિપ્લેક્સ

ઈસ્માઈલ દરબાર પાસે ભરપૂર પ્રતિભા છે પણ સાતત્ય, સંતુલન અને સોફિસ્ટીકેશનનો અભાવ છે. આ સુરતી લાલા આજકાલ ઘાંઘા થયા છે. બાર વર્ષમાં બે જ ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપવા છતાં સારી એવી પ્રતિષ્ઠા મેળવનાર ઈસ્માઈલભાઈએ એ.આર. રહેમાન વિરુદ્ધ અધ્ધરતાલ બખાળા કાઢીને દાટ વાળ્યો છે.

અલ્લાહ માફ કરે, મૈં અપને સામને કિસી કો કુછ સમજતા નહીં હૂં... અૌર મુઝ મેં કોઈ ઘમંડ નહીં હૈ.આ વિરોધાભાસી શબ્દો ઈસ્માઈલ દરબારના છે. તે આજકાલના નથી, છ વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યુમાં ઉચ્ચારેલા છે. એ.આર. રહેમાને ઓસ્કર અવોર્ડ્ઝ પૈસા દઈને ખરીદ્યા છે, તેની ટ્યુન્સ ચોરેલી છે અને મારી પાસે એના પૂરાવા છે એવાં તાજેતરમાં ઢોલનગારાં વગાડીને પછી પાણીમાં બેસી ગયેલા સુરતી મ્યુઝિક ડિરેક્ટર ઈસ્માઈલ દરબારનો પ્રોબ્લેમ શો છે? એ કેમ આવા ઘાંઘા થયા છે? એમની મિડલાઈફ ક્રાઈસિસ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે કે શું? મિડલાઈફ ક્રાઈસિસ એટલે આધેડ વયે જીવનમાં સજાર્તી અંધાધૂંધી યા તો કટોકટી. દિશાહીનતા અનુભવાય, જાત પ્રત્યે શંકા જાગે, અડધાથી વધારે જીવન વીતી ગયું હોવા છતાં કરીઅરમાં ધાર્યા નિશાન પાર પડ્યાં ન હોય એટલે ધીરજનું તળિયું દેખાવા લાગે, ‘હાય રે! બધા જતા રહ્યા અને હું બસ ચૂકી ગયો...’ એવો રઘવાટ જાગે, અંગત જીવન વેરવિખેર થવા માંડે, તીવ્ર હતાશામાંથી પાર વગરની નેગેટિવિટી પેદા થાય. એમાંય માણસ જો સિનેમા, કળા કે મિડીયા સાથે સંકળાયો હોય તો લોકોનું ધ્યાન ખેંચવા ગાંડાની જેમ હવાતિયાં મારે એવુંય બને. શું આ બધાં લક્ષણો કે અપલક્ષણો ઈસ્માઈલ દરબારને બરાબર લાગુ પડે છે?એ.આર. રહેમાન સામેનો એમનો વાંધો કંઈ આજકાલનો નહીં, વર્ષો જૂનો છે. સુભાષ ધઈની ફલોપ ફિલ્મ ‘કિસ્ના’ (૨૦૦૫)માં ઈસ્માઈલ દરબારે છ અને રહેમાને બે ગીતો કંપોઝ કરેલાં. આ ફિલ્મનું ટાઈટલ સોંગ ઠીકઠીક વખણાયું હતું, જે ઈસ્માઈલ દરબારનું હતું. દરબારે તે વખતે હુંકાર કરેલોઃ ‘વાત માત્ર ‘કિસ્ના’ની નથી, મારું સંગીત કાયમ રહેમાન કરતાં સારું હોય છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’નું મ્યુઝિક ‘તાલ’ કરતાં ચડિયાતું હતું અને ‘દેવદાસ’નું સંગીત ‘સાથિયા’ કરતાં ચડિયાતું હતું.’


Ismail Darbar and AR Rehman


આ બન્ને સંગીતકારોની શૈલી સાવ જુદી છે અને આ ચારેય ફિલ્મોનું મ્યુઝિક પોતપોતાની રીતે ઉત્તમ છે એટલે સીધી સરખામણી તો કેવી રીતે થાય. અલબત્ત, ‘હમ દિલ...’ અને ‘દેવદાસ’નાં ગીતો વધારે પોપ્યુલર બન્યાં છે તે દાવામાં તથ્ય છે. બન્યું એવું કે ૧૯૯૯માં બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરના મોટા ભાગના મહત્ત્વના અવોડર્ઝ રહેમાન ‘તાલ’ માટે તાણી ગયા. ૨૦૦૨માં દરબાર અને રહેમાન પાછા સામસામા ટકરાયા ત્યારે રહેમાન નવેસરથી ‘સાથિયા’ માટે બધા ઈમ્પોર્ટન્ટ પુરસ્કારો ઉસરડી ગયા અને દરબારસાહેબ હાથ ઘસતા રહી ગયા. રહેમાન વિરુદ્ધ તેઓ જે બખાળા કાઢી રહ્યા છે તેનાં મૂળિયાં અહીં દટાયેલાં છે.ઈસ્માઈલ દરબાર કહે છે કે ખુદ (સ્વ.) કે. આસિફ મારી પાસે આવે અને ‘મુગલે આઝમ’ ઓફર કરે તો પણ હું ન ગભરાઉં. પોતાની ટેલેન્ટમાં કોન્ફિડન્સ હોવો તે સારી વાત છે, પણ હકીકત એ છે કે ઈસ્માઈલભાઈ એક સંજય ભણસાલી સિવાય બીજા કોઈ ફિલ્મમેકર સાથે ખીલ્યા કે ખૂલ્યા નથી. ૧૨ વર્ષમાં માત્ર બે ફિલ્મોમાં સુપરડુપર હિટ સંગીત અને બીજાં બેચાર છૂટાંછવાયાં ગીતો એક મેઈનસ્ટ્રીમ સંગીતકાર માટે આ સ્કોર કંગાળ હેવાય. સફળ પ્રોફેશનલ મ્યુઝિક ડિરેક્ટરે સતત, એકધારા હિટ ગીતો આપતાં રહેવું પડે, અનેક ફિલ્મમેકર્સ અને બેનર્સ સાથે સંવાદિતાપૂવર્ક કામ કરવું પડે. રહેમાનની જેમ. અલબત્ત, રહેમાનનાં તમામ ગીતો કંઈ ઝુમાવી દે તેવાં નથી હોતાં, પણ તેમનાં કામમાં સાતત્ય છે અને પશ્ચિમમાં પણ તેમની કરીઅર ખાસ્સી વિસ્તરી છે.

Ismail Darbar and Sanjay Bhansali


રહેમાન પાસે પ્રતિભા ઉપરાંત જરૂર પૂરતું સોફિસ્ટીકેશન પણ છે, જે ભાતભાતની ખોપડી ધરાવતા દુનિયાભરના ડિરેક્ટરો સાથે કામ કરવામાં તેમને મદદરૂપ બને છે. ઈસ્માઈલભાઈની પર્સનાલિટીનાં પેકેજિંંગમાં ગરબડ છે. તેઓ રહ્યા દેસી માણસ અને સ્વભાવે પાછા જડભરત. તેમની સાથે પનારો પાડવા અને તેમની પાસેથી ઉત્તમ કામ કઢાવવા માટે જે અપાર ધીરજ તેમજ મ્યુઝિકલ તાસીર જોઈએ તે સરેરાશ ડિરેક્ટર ક્યાંથી લાવવાનો? આખાબોલા હોવું તે કંઈ ગુનો નથી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાય મુંહફટ લોકો છે જે સફળ પણ છે... પણ ઈસ્માઈલભાઈએ ‘રહેમાન ધૂનો ચોરે છે તેના મારી પાસે પૂરાવા છે’ અને ‘મણિ રત્નમ અને સુભાષ ધઈ પણ રહેમાનની અસલિયત જાણે છે’ એવી અધ્ધરતાલ વાતો કરીને દાટ વાળ્યો છે. એક ઊંચાઈ પર પહોંચી ચૂકેલા માણસને છંછેડવો અને પછી એના રિએકશનની રાહ જોવી (‘જો રહેમાન સાચો હોય તો જવાબ કેમ આપતો નથી?’) તે ચીપ હરકત છે. ઈસ્માઈલ દરબારે બે હિટ ફિલ્મોમાં યાદગાર સંગીત આપીને જે પ્રતિષ્ઠા મેળવી હતી તેના પર આ નિમ્ન કક્ષાની વર્તણૂકથી પાણી ફરી વળ્યું છે.આ હોબાળા પછી તરત ન્યુઝ આવે છે કે ઈસ્માઈલ દરબાર રાજકારણમાં જોડાઈ રહ્યા છે. લાગે છે, પોલિટિક્સમાં હોવા માટેની આવશ્યક ‘યોગ્યતાઓ’ ઈસ્માઈલભાઈ કેળવી ચૂક્યા છે....શો સ્ટોપર

હું એ.આર. રહેમાનના સંગીતનો જ નહીં, તેમની માણસાઈનો પણ મોટો ફેન છું.

- મણિરત્નમ

0000000000000

Link to Divya Bhaskar

http://www.divyabhaskar.co.in/article/MAG-multiplex-shishir-ramawat-ismail-darbar-2179815.html3 comments:

  1. ખુબ સરસ વિશ્લેષણ.

    ReplyDelete
  2. Thanks Himmat. How are you now-a-days, by the way?

    ReplyDelete
  3. સુંદર આર્ટિકલ છે.. મેં ફેસબુક પર શેર પણ કર્યો!!

    ReplyDelete