Wednesday, May 27, 2020

માણસજાતને માંસાહારની લક્ઝરી પોસાવાની નથી


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 May 2020

ટેક ઓફ

માણસજાતે બેફામ જીવહિંસા કરીને જે પાપનાં પોટલાં બાંધ્યાં છે એનું જ પરિણામ કોરોનાના રૂપમાં આવ્યું છે એવું તમે માનો કે ન માનો, પણ આંખ સામે દેખાતી સચ્ચાઈ સાવ સ્પષ્ટ છે.



પૃથ્વીની બહાર માનવવસાહત સ્થાપવાનું સપનું જોતા અમેરિકન સેલિબ્રિટી બિઝનેસમેન ઇલન મસ્કે થોડા દિવસો કહ્યું કે, માણસે પોતાની ઇચ્છા અને ગમા-અણગમા પ્રમાણે જ જીવવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું, પણ જો આપણે બીજા કોઈ ગ્રહ પર માનવવસાહત સ્થાપી શકીશું તો ત્યાં શાકાહારી ખોરાક જ ચલણમાં હશે, કેમ કે માંસાહાર માટે પ્રાણીઓને ઉછેરવા જેટલી એનર્જી અને સ્પેસ જોઈએ તે ત્યાં પરગ્રહમાં મળશે જ નહીં.

પરગ્રહમાં માનવવસાહતની સ્થાપના એ તો ખેર, દૂરના ભવિષ્યની કલ્પના થઈ. વર્તમાનમાં તો કોરોના વાઇરસે માણસની ગતિવિધિઓને સજ્જડપણે પૉઝ કરીને એને વિચારતો કરી મૂક્યો છે. માનવજાતની તવારીખમાં કોરોના પહેલાં અને કોરોના પછી એવી સ્પષ્ટ વિભાજનરેખા દોરાઈ રહી છે ત્યારે આપણને આપણી જાતને, આપણી લાઇફસ્ટાઇલને રિસેટ કરવાનો અભૂતપૂર્વ મોકો મળ્યો છે. કોરોનાનો આતંક માણસજાતે બેફામ જીવહિંસા કરીને જે પાપનાં પોટલાં બાંધ્યાં છે એનું પરિણામ છે એવું તમે માનો કે ન માનો, કોરોના વાઇરસ નોનવેજ ફૂડથી ફેલાય છે કે કેમ તે વિશે તમે દલીલો કરો કે ન કરો, પણ સાવ આંખ સામે દેખાતી સચ્ચાઈ આ છેઃમાણસજાતને હવે માંસાહારની લક્ઝરી પોસાવાની નથી! ધરતી પર પાણીના સ્રોત સતત સૂકાઈ રહ્યા છે, પર્યાવરણની જાણવણીના પ્રશ્નો ભીષણ વાસ્તવ બનીને આંખ સામે છાતી કાઢીને ઊભા છે. આવી સ્થિતિમાં આવનારી પેઢીઓનો મને-કમને શાકાહારને અપનાવ્યે જ છૂટકો થવાનો છે.

ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પ્રાણીઓ માત્ર એક વસ્તુ છે, લાઇવ સ્ટૉક છે. એનિમલ ફાર્મ્સ અને કતલખાનાં પુષ્કળ કચરો પેદા કરે છેતેને પુષ્કળ પાણીની જરૂર પડે છેતે હાનિકર્તા મિથેન ગેસ રિલીઝ કરે છે, જેની સીધી અને માઠી અસર પર્યાવરણ પર પડે છે. મિથેન તો કાર્બન ડાયોક્સાઇડ કરતાંય અનેકગણો વધારે હાનિકારક છે. માણસજાત જે મિથેન પેદા કરે છે એ પૈકીના 37 ટકા કેવળ ગાય અને ઘેટાંની કતલને કારણે પેદા થાય છે. ક્લાયમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે માણસજાતે જે પગલાં ભરવાનાં છે એમાંની એક મહત્ત્વની તકેદારી એ છે કે ગાય અને ઘેટાંના માંસથી દૂર રહેવું.

માંસાહાર માટે ઉછેરવામાં આવતાં પ્રાણીઓએ ભયાનક યાતનામાંથી પસાર થવું પડે છે તે ઊઘાડું સત્ય છે. તમને શું લાગે છે, માણસજાતની માંસની ડિમાન્ડ પૂરી કરવા રોજના કેટલાં પ્રાણીઓની કતલ થાય છે? જવાબ છેઃ રોજનાં 20 કરોડ પ્રાણીઓ. આ મરઘાં, ઘેટાં, ગાય જેવાં રેગ્યુલર ખાદ્ય પ્રાણીઓ છે. જો માછલીઓ અને વન્ય પ્રાણીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો ત્રણ અબજ પર પહોંચે છે. આ કોરોના પહેલાંના આંકડા છે.



હવે થોડા ભૂતકાળમાં જાઓ. ફક્ત 1970ના દાયકાનાં પાછલાં વર્ષોને ધ્યાનમાં લઈએ તો દુનિયાભરના લોકો 13 કરોડ ટન માંસ ખાઈ ગયા હતા. 2000ની સાલમાં આ (વાર્ષિક) આંકડો 23 કરોડ ટન પર પહોંચી ગયો હતો. જો લોકોની ફૂડ હેબિટ્સમાં કશો ફર્ક ન પડ્યો તો 2050ની સાલ સુધીમાં પ્રાણીઓના માંસની વાર્ષિક ડિમાન્ડ લગભગ 64 કરોડ ટન થઈ જવાની. વધતી જતી માંગને પહોંચી વળવા માટે વધારે પ્રાણીઓ ઉછેરવામાં આવશે, તે પણ પ્રાણીઓની લિવિંગ કંડીશન સાથે ભયંકર સમાધાનો કરીને કે જેથી પ્રોડક્શન કોસ્ટ ઓછામાં ઓછી રહે.

એનિમલ એગ્રિકલ્ચર માટે પુષ્કળ પાણી અને જમીનની જરૂર પડે છે. એક કિલો માંસ પ્રોડ્યુસ કરવા માટે કમસે કમ 13 હજાર લીટર પાણી વપરાઈ જાય છે. આની સામે, એક કિલો ઘઉં પેદા કરવા માટે ફક્ત એકથી બે હજાર લીટર પાણીની જરૂર પડે છે. આ સંજોગોમાં માંસાહારને સસ્ટેનેબલ કેવી રીતે ગણવો?

પ્રાણીઓ અને માછલીઓ જલદી વિકસી જાય, વધારે માંસલ બને અને નરક જેવી સ્થિતિમાં પણ જીવતાં રહી શકે તે માટે તેમને જાતજાતની દવાઓ અપાતી હોય છે. કતલ થયેલાં આ પ્રાણીઓનું માંસ પછી માણસોના પેટમાં જાય. અમેરિકાના ખેડૂતો પ્રાણીઓને જલદી જલદી મોટાં કરી નાખવા માટે હોર્મોન્સના ઇંજેક્શનો આપે છે. આ હોર્મોન્સ આખરે માણસના શરીરમાં પહોંચીને અલગ અલગ પ્રકારનાં કેન્સર યા તો અન્ય બીમારીઓનું કારણ બને છે. અમેરિકન ખેડૂતો કહે છે કે અમે પ્રાણીઓને જે હોર્મોન્સ આપીએ છીએ તે બિલકુલ સેફ છે, પણ આ જ સેફ હોર્મોન્સના વપરાશ પર યુરોપિયન યુનિયને 1995થી પ્રતિબંધ મૂકી દીધો છે.

ધારો કે માંસાહારી માણસના હૃદયમાં એકાએક કરૂણા ને દયાભાવનાં ઝરણાં ફૂટી નીકળે ને એ સંપૂર્ણપણે શાકાહારી બની જવાનો નિર્ણય લે તો એનું શું પરિણામ આવે છે, જાણો છો? એક માંસાહારી માણસના આ એક નિર્ણયને લીધે વર્ષ દીઠ 100 જેટલાં પ્રાણીઓ બચી જાય.  દયામાયા કે ધર્મને વચ્ચે ન લાવીને ને માત્ર માણસજાતને ટકાવી રાખવાના સ્વાર્થ પર જ અટકી રહીએ તો પણ ભવિષ્યમાં શાકાહાર તેમજ વીગન લાઇફસ્ટાઇલ અનિવાર્ય બની જવાનાં. લિખ લો.

0 0 0 



No comments:

Post a Comment