Monday, November 18, 2019

જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 17 નવેમ્બર 2019
મલ્ટિપ્લેક્સ
બે મહાન સમકાલીન અભિનેત્રીઓ વચ્ચે શું કેવળ સ્પર્ધા અને ઇર્ષ્યાનો જ સંબંધ હોઈ શકે? ના. નરગીસ-મીનાકુમારી વચ્ચે મૈત્રી અને સમસંવેદનનો સુંદર સંબંધ વિકસ્યો હતો.   



રગીસ અને મીનાકુમારી બન્ને ભારતીય સિનેમાની સર્વકાલીન મહાનતમ અભિનેત્રીઓ. બન્ને એકમેકની સમકાલીન. નરગીસ (જન્મઃ 1929, મૃત્યુઃ 1981) કરતાં મીનાકુમારી (જન્મઃ 1933, મૃત્યુઃ 1972) ઉંમરમાં ચાર વર્ષ નાનાં. શમા નામના હવે બંધ પડી ગયેલા ઉર્દૂ ફિલ્મ મૅગેઝિનમાં નરગીસનો ફર્સ્ટ પર્સનમાં લખાયેલો એક લેખ છપાયો હતો, જેનું ટાઇટલ છે, મીના – મૌત મુબારક હો!’ યાસિર અબ્બાસી નામના લેખકે અનૂદિત કરેલા અંગ્રેજી પુસ્તક યે ઉન દિનોં કી બાત હૈમાં આવરી લેવાયેલા આ લેખમાં નરગીસે પોતાની સખી વિશે દિલપૂર્વક વાતો કરી છે.   

એક વખત સુનીલ દત્ત મદ્રાસમાં મૈં ચુપ રહૂંગી (1962) ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ એ સમયગાળાની વાત છે જ્યારે મધર ઇન્ડિયા (1957) સહિતની કેટલીય ફિલ્મો રિલીઝ થઈ ચુકી હતી અને નરગીસ, નરગીસ બની ચુક્યાં હતાં. મીનાકુમારીની સાહબ, બીબી ઔર ગુલામ અને પાકિઝા જેવી કરીઅરની શ્રેષ્ઠતમ ફિલ્મો આવવાની હજુ વાર હતી. મૈં ચુપ રહૂંગીનું શેડ્યુલ લાંબુ ચાલવાનું હતું એટલે સુનીલ દત્તે નરગીસને બાળકો સહિત મદ્રાસ તેડાવી લીધા. સંજય દત્ત તે વખતે અઢી વર્ષના અને નાની નમ્રતાને તો માંડ બે મહિના થયેલા. હોટલ ઓશિનિકમાં એમનો ઉતારો હતો. મૈં ચુપ રહુંગીનાં હિરોઈન મીનાકુમારીનો ઉતારો પણ આ જ હોટલમાં હતો.

એક જ ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં મીનાકુમારી અને નરગીસ અગાઉ એક જ વખત મળ્યાં હતાં. મૈં ચુપ રહૂંગીના શૂટિંગ દરમિયાન તેમનો બીજી વાર આમનોસામનો થયો. નરગીસને જોતાં જ મીનાકુમારીએ એમની પાસે જઈને કહ્યું, મને તમારાં પ્રત્યે બહુ જ માન છે. હું તમને બાજી (મોટી બહેન) કહીને બોલાવું તો વાંધો નથીને?’  બન્ને વચ્ચે તરત બહેનપણાં થઈ ગયાં.

એક વખત દત્તસાહેબને ચેન્નાઈમાં કોઈક જગ્યાએ વખણાતું ચાઇનીઝ ફૂડ ખાવાનું મન થયું. એમણે મીનાકુમારીને આમંત્રણ આપ્યું કે તું પણ અમારી સાથે ચાલ. મીનાકુમારીએ કહ્યું કે હું સહેજ થાકેલી છું ને પેટ પણ ભરાયેલું છે એટલે તમને કંપની તો નહીં આપી શકું, પણ તમારાં બાળકો મને આપતાં જાઓ. એમની ચિંતા ન કરતાં. હું બેયને સાચવીશ.


સુનીલ દત્ત અને નરગીસ ડિનર પતાવીને રાત્રે અગિયાર વાગે હોટલ પાછાં ફર્યાં ત્યારે બાળકોની દેખભાળ માટે સાથે આવેલી નૅનીએ કહ્યું કે બચ્ચાં હજુ મીનાકુમારીના રૂમમાં જ છે. નરગીસ એમને લેવા ગયાં. ધીમેથી કમરાનું બારણું ખોલીને તેમણે અંદર જોયું કે ડબલબેડ પર વચ્ચે મીનાકુમારી સૂતાં છે. એક બાજુ સંજય અને બીજી બાજુ નમ્રતા ઘસઘસાટ ઊંઘે છે ને મીનાકુમારીએ બન્ને પર હળવેથી પોતાનો હાથ મૂક્યો છે. મીનાકુમારીના ચહેરા પર ગજબની શાંતિ અને સંતોષ છવાયેલાં હતાં. ઊંઘતાં બાળકોને હળવેકથી ઊંચકીને નરગીસ પોતાના રૂમમાં આવી ગયાં. નૅનીએ પછી જણાવ્યું કે મારે બાળકોને સાચવવાની જરૂર જ ન પડી. સંજય (દત્ત)ને છી-છી પી-પી કરાવવું, નમ્રતાનાં બાળોતિયાં બદલવાં, દૂધની બોટલ તૈયાર કરવી, હાલરડાં ગાઈને બન્નેને ઊંઘાડી દેવાં – આ બધું કામ મીનાકુમારીએ જાતે કર્યું હતું.

એક દિવસ લંચબ્રેક વખતે નરગીસે પૂછ્યું, મીના, તને બાળકો આટલાં વહાલાં છે તો તને ખુદને મા બનવાનું મન નથી થતું?’ મીનાકુમારીએ જવાબ આપ્યો, એવી કઈ સ્ત્રી હશે જેને મા બનવાનું મન ન થતું હોય?’ આટલું બોલતાં એની આંખો ભરાઈ આવી. તે રાત્રે મીનાકુમારીના કમરામાંથી મારપીટ અને રોકક્કળના અવાજો સંભળાતા હતા. એમના પતિ કમાલ અમરોહી તે વખતે ચેન્નાઈ આવી ગયેલા. બીજા દિવસે તબિયત સારી ન હોવાનું બહાનું કાઢીને મીનાકુમારી શૂટિંગ પર ન ગયાં.

એક વાર નરગીસે મીનાકુમારીના પતિનો જમણો હાથ ગણાતા સેક્રેટરી બકર અલીને પકડીને ધધડાવ્યોઃ તમારે લોકોએ મીનાને મારી નાખવી છે? તમારા માટે એ બિચારી રાત-દિવસ મહેનત કરે છે. ક્યાં સુધી બેઠાં બેઠાં એના હાથના રોટલા ખાવા છે?’      

મુંબઈ પાછાં ફર્યા બાદ બન્ને અભિનેત્રીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. નરગીસના કાને જોકે મીનાકુમારી વિશે જાતજાતની વાતો પડ્યા કરતી. એક વાર ખબર પડી કે એ પતિનું ઘર છોડીને બહેનને ત્યાં રહેવા જતાં રહ્યાં છે. પિંજરે કે પંછી ફિલ્મના સેટ પર બકર અલી સાથે એમનો એટલો મોટો ઝઘડો થઈ ગયો હતો. મીનાકુમારી ખૂબ દારૂ પીવા લાગ્યાં છે તેવી વાતો પણ સતત સંભળાયા કરતી. એક વાર એમને જૉન્ડિસ (કમળો) થઈ ગયો. નરગીસ ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયાં. હિંમત કરીને એમણે કહી દીધું, મીના, તું હવે આઝાદ છે, પણ આઝાદીનો ઉપયોગ તું દારૂ પી-પીને ખુદને ખતમ કરવામાં કરીશ તો એનો શો મતલબ છે?’

મીનાકુમારીએ પોતાનું હૈયું ઠાલવ્યું. કહે, બાજી, ધીરજની પણ કોઈ સીમા હોય છે. કમાલસાહેબના સેક્રેટરીની હિંમત કેવી રીત થઈ મારા પર હાથ ઉપાડવાની? મેં કમાલસાહેબને તરત આ બનાવ વિશે જાણ કરી હતી. મને એમ કે આ સાંભળીને તેઓ બધાં કામ પડતાં મૂકીને મારી પાસે દોડી આવશે ને બકર અલીને એ જ વખતે સેક્રેટરીની નોકરીમાંથી કાઢી મૂકશે. એને બદલે એમણે શું કહ્યું, ખબર છે? કહે, તું ઘરે આવ, પછી હું નિર્ણય લઈશ. નિર્ણય લેવા માટે હજુ શું બાકી રહી ગયું હતું? એટલે નિર્ણય એમણે નહીં, પણ મેં લીધો કે આ માણસના ઘરમાં હવે હું ક્યારેય પગ નહીં મૂકું.

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાની સીધી અસર પાકીઝા પર થઈ. કમાલ અમરોહી આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યાં હતાં અને મીનાકુમારીનો લીડ રોલ હતો. મીનાકુમારીએ એના શૂટિંગ પર જવાનું બંધ કરી દીધું. એક તબક્કે કમાલ અમરોહી બીજી કોઈ એક્ટ્રેસને લઈને નવેસરથી આ ફિલ્મ બનાવવાનું વિચારતા હતા. નરગીસે મીનાકુમારીને સમજાવ્યું, મંજુ, જો પાકીઝા અધૂરી રહી જશે તો બહુ મોટી કરૂણતા ગણાશે. તારી રાહ જોઈ જોઈને થાકેલા કમાલસાહેબ હવે તને રિપ્લેસ કરવાનું વિચારી રહ્યા છે. પ્લીઝ, એવું ન થવા દેતી. તું ફિલ્મ પૂરી કર. કમાલસાહેબ સાથે હું વાત કરું છું. મીનાકુમારી જવાબ આપ્યો, બાજી, તમે કહો એમ હું કરીશ.



નરગીસે પછી કમાલ અમરોહીને પણ સમજાવ્યા. અધૂરું રહી ગયેલું શૂટિંગ પાછું આગળ વધ્યું ને આપણને પાકીઝા જેવી માતબર ફિલ્મ મળી.

જરા વિચારો, નરગીસે આ બધી વાતો પોતાના શબ્દોમાં કહી છે. યે ઉન દિનો કી બાત હૈ પુસ્તકમાં એ જમાનાના કલાકાર-કસબીઓની આવી કેટલીય વાતોનો ખજાનો છે. ખજાનો ચોક્કસપણે લૂંટવા જેવો છે!

 0 0 0 



No comments:

Post a Comment