Wednesday, August 1, 2018

તમારો તાબેદાર... ભગતસિંહ!

સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - 1 ઓગસ્ટ 2018
ટેક ઓફ
'પિતાજી, તમે મને જેલમાં મળવા આવો ત્યારે એકલા જ આવજો. માને સાથે ન લાવતા. કારણ વગર એ રડી પડશે અને મને પણ તકલીફ થશે... '


ન્ટરનેટ અને ડિજિટલ માધ્યમો પ્રચલિત નહોતા બન્યા ત્યારે બહારગામ વસતા પરિવારજનો, મિત્રો તેમજ સંબંધીઓ સાથે સંપર્કમાં રહેવા માટે આપણે પત્રો લખતા. આ પત્ર એટલે કાં તો પોસ્ટકાર્ડ અથવા ઇન્લેન્ડ અથવા કવર. પત્રો લખવાનો અને વાંચવાનો અલગ જ ચાર્મ હતો. હાથેથી લખાયેલા પત્રમાં માણસનું એક અલગ વ્યક્તિત્ત્વ ઝીલાતું હોય છે. માણસ વધારે આત્મીય, વધારે હૂંફાળો લાગતો હોય છે. આજે શહીદ ભગતસિંહે લખેલા થોડા પત્રો વિશે વાત કરવી છે.

ભગતસિંહ (જન્મઃ 28 સપ્ટેમ્બર 1907)ને ઉગ્ર રાષ્ટ્રપ્રેમ વારસામાં મળ્યો હતો. એમના કાકા અજીતસિંહ, લાલા લજપતરાયના સાથીદાર હતા. કિસાન આંદોલનનું પ્રતિનિધિત્વ કરવા બદલ અંગ્રેજ સરકારે એમને બર્મામાં કેદ રાખ્યા હતા. ભગતસિંહના પિતા કિશનસિંહને અંગ્રેજ સરકારે નેપાળમાંથી પકડીને પછી છોડી મૂકેલા. સૌથી નાના કાકા સ્વર્ણસિંહ પર કેટલાય કેસ ચાલતા હતા. જેલમાં થયેલો ભયાનક અત્યાચાર એમની શહીદીનું કારણ બન્યું. ભગતસિંહનું પાલનપોષણ દાદા અર્જુનસિંહની નજર હેઠળ થયું હતું. ભગતસિંહ નાના હતા ત્યારથી જ દાદાજી એમને સામાજિક ચેતના, સમાનતા અને પ્રગતિની વાતો કરતા.

ભગતસિંહના ભણતરની શરૂઆત એમના ગામમાં થઈ હતી (આજે આ ગામ પાકિસ્તાનમાં લાયલપુર નામે ઓળખાય છે). પછી આગળ ભણવા તેઓ લાહોર આવ્યા. લાહોર આવ્યા બાદ એમણે પહેલો કાગળ પોતાના દાદાજીને લખ્યો હતો, એ પણ ઉર્દૂમાં. એ વખતે તેઓ છઠ્ઠા ધોરણમાં ભણતા હતા, 11 વર્ષના ભગતસિંહે કાગળમાં શું લખ્યું હતું?

                                                                            લાહોર, 22 જુલાઈ 1918
પૂજ્ય બાબાજી,

નમસ્તે.

(અર્જ યે હૈ કિ) તમારો પત્ર મળ્યો. વાંચીને દિલ ખુશ થયું. પરીક્ષાની વાત એવી છે કે મેં પહેલાં એટલા માટે નહોતું લખ્યું કારણ કે અમને કહેવામાં આવ્યું નહોતું. હવે અમને અંગ્રેજી અને સંસ્કૃતનું પરિણામ કહેવામાં આવ્યું છે. હું એમાં પાસ છું. સંસ્કૃતમાં મને 150માંથી 110 માર્કસ આવ્યા છે. અંગ્રેજીમાં 150માંથી 68 માર્ક્સ છે. જો 150માંથી 50 માર્કસ આવે તો એ પાસ ગણાય. 68 માર્કસ આવ્યા હોવાથી હું સારી રીતે પાસ થઈ ગયો છું. કોઈ પ્રકારની ચિંતા ન કરતા. બીજું કશું કહેવામાં આવ્યું નથી. રજાઓ, 8 ઓગસ્ટે પહેલી રજા પડશે. તમે ક્યારે આવશો તે જણાવશો.
તમારો તાબેદાર
ભગતસિંહ
આપણે સામાન્યપણે 'જયભારત સાથ જણાવવાનું કે' લખીને પત્રની શરૂઆત કરતા. ભગતસિંહ 'અર્ઝ હૈ કિ' લખીને વાત માંડતા. 'ભગતસિંહ ઔર ઉનકે સાથિયોં કે સમ્પૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેજ' નામના પુસ્તકમાં સંગ્રહાયેલા ભગતસિંહના પત્રોમાંથી પસાર થતી વખતે એમનું એક અલગ જ ચિત્ર આપણા મનમાં અંકાતું જાય છે. તેમના અમુક પત્રો ગુરુમુખી લિપિમાં (પંજાબી) તો અમુક ઉર્દૂમાં લખાયેલા છે.  1919માં લખાયેલો ભગતસિંહનો ઓર એક પત્ર જુઓ. આ કાગળ પણ દાદાજીને ઉદ્દેશીને લખાયો છેઃ

શ્રીમાન પૂજ્ય દાદાજી, નમસ્તે.

(અર્જ હૈ કિ) હું મજામાં છું અને તમે પણ મજામાં હશો એવી શ્રીનારાયણ પાસે પ્રાથર્ના કરું છું. અહેવાલ એ છે કે અમારી છમાસિક પરીક્ષા લેવાઈ ગઈ છે, જે જુલાઈમાં શરૂ થયેલી. ઘણા છોકરાઓ એમાં નાપાસ થયા છે, આથી અમારી હિસાબની પરીક્ષા નવ ઓગસ્ટે ફરીથી લેવાશે. બાકી બધું બરાબર છે. તમે ક્યારે આવવાના છો. ભાઈયાજી (પિતાજી)ને કહેજો કે છમાસિક પરીક્ષામાં હું સારી શ્રેણીમાં પાસ થઈ ગયો છું. માતાજી, ચાચીજીને નમસ્તે. કુલતારસિંહ (ભાઈ)ને 24 જુલાઈની રાતે અને 25 જુલાઈની સાંજે તાવ આવ્યો હતો. હવે એને સારું છે. કોઈ જાતની ચિંતા કરશો નહીં.
તમારો તાબેદાર
ભગતસિંહ
13 એપ્રિલ 1919ના રોજ જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ શાંતિથી એકઠા થયેલા નિઃશસ્ત્ર લોકો પણ આડેધડ ગોળીઓ ચલાવીને ભયાનક કત્લેઆમ કર્યો. બાર વર્ષીય ભગતસિંહ બીજા દિવસે સ્થળ પર ગયા હતા. લોહીથી લાલ થઈ ગયેલી માટી ઘરે લાવતી વખતે એમના મનમાં કેટલાય સવાલ હતા. લગભગ બે વર્ષ પછી પાકિસ્તાની પંજાબના નાનકાના સાહિબ નામના નગરમાં 140 સિખોને બેરહમીથી મારી નાખવામાં આવ્યા. ભગતસિંહે આ જગ્યા પણ જોઈ હતી. આ કત્લેઆમ પછી ઉગ્ર આંદોલનનો પ્રારંભ થયો હતો. પંજાબી પુરુષો કાળી પાઘડી પહેરવા લાગ્યા. ભગતસિંહ પણ આ તમામ ઘટનાઓનો તીવ્ર પ્રભાવ પડ્યો હતો. હવે પછીનો પત્ર જેલમાં શહીદ થઈ ગયેલા કાકા સ્વર્ણસિંહની વિધવા પત્ની હુક્મકૌરને લખાયેલો છે. એ વખતે ભગતસિંહની ઉંમર હતી 14 વર્ષ.

                                                                                     15 નવેમ્બર 1921
મારી પરમ પ્યારી ચાચીજી,

મારાથી કાગળ લખવામાં મોડું થઈ ગયું છે. આશા છે કે તમે માફ કરશો. ભાઈયાજી દિલ્હી ગયા છે. ભેભે (બેબે, માતા) મોરોંવાલી ગઈ છે. બાકી બધું કુશળ-મંગલ છે. મોટાં કાકીને નતમસ્તક પ્રણામ (બડી ચાચી જી કો મત્થા ટેકના). માતાજીને નતમસ્તક પ્રણામ. કુલબીર, કુલતારસિંહને સતશ્રી અકાલ અથવા નમસ્તે.
તમારો આજ્ઞાકારી
ભગતસિહં
આ જ કાકીને લખેલો ઓર એક પત્રઃ

                                                                             લાહોર, 24 ઓક્ટોબર 1921
મેરી પ્રિય ચાચીજી,

નમસ્તે!

હું  જલસો જોવા માટે લાયલપુર ગયો હતો. મારે ગામ આવવું હતું, પણ બાપુજીએ મનાઈ કરી દીધી એટલે હું ગામ ન આવી શક્યો. મને માફ કરજો, જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો. ચાચાજી (શહીદ સ્વર્ણસિંહ)નું ચિત્ર બની ગયું છે, મારે સાથે લાવવું જ હતું, પણ ત્યારે પૂરું નહોતું થયું એટલે માફ કરજો. જવાબ જલદી આપજો. બડી ચાચીને નતમસ્તક પ્રણામ, માતાજીને પણ નતમસ્તક પ્રણામ, કુલબીર અને કુલતાર (ભાઈઓ)ને નમસ્તે.
તમારો પુત્ર
ભગતસિંહ

1823માં ભગતસિંહ લાહોરસ્થિત નેશનલ કોલેજના વિદ્યાર્થી હતા. લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ડ્રામા-ક્લબમાં ભાગ લેતા હતા. ક્રાંતિકારી વિચારધારા ધરાવતા અધ્યાપકો અને સાથીઓ સાથે 16 વર્ષીય ભગતસિંહનું સંધાન થઈ ગયું હતું. ભારતને આઝાદી કઈ રીતે મળી શકે એમ છે તે વિશે સતત ચર્ચાવિચારણા, અભ્યાસ અને દલીલબાજી ચાલ્યા કરતી. આ બાજુ દાદાજી ભગતસિંહ માટે કન્યા શોધી રહ્યા હતા. દાદાજી સામે ભગતસિંહનું કંઈ ન ચાલતું એટલે એમણે પોતાના પિતાજીને આ પત્ર લખ્યો ને પછી કાનપુરમાં ગણેશશંકર વિદ્યાર્થી પાસે જઈને 'પ્રતાપ' નામના હિંદી અખબારમાં કામ શરૂ કરી દીધું. અહીં અન્ય ક્રાંતિકારીઓ સાથે એમની મુલાકાત થઈ. કાનપુર જવું ભગતસિંહ માટે નિર્ણાયક પગલું પૂરવાર થયું. પત્ર વાંચોઃ

પૂજ્ય પિતાજી,

નમસ્તે.

મારી જિંદગી ઉચ્ચ ધ્યેય એટલે કે હિંદુસ્તાનની આઝાદી માટે દાનમાં અપાઈ ચુકી છે. આથી મારી જિંદગીમાં આરામ કે સાંસારિક ઇચ્છાઓ માટે કોઈ જગ્યા નથી.
તમને યાદ હશે કે હું નાનો હતો ત્યારે બાપુજી (દાદાજી)એ મારી જનોઈ વખતે જાહેર કર્યું હતું કે મને દેશસેવા માટે સમર્પિત કરવામાં આવે છે. એ વખતે લીધેલી પ્રતિક્ષા હું પૂરી કરવા જઈ રહ્યો છે.
આશા છે કે તમે મને માફ કરશો,
તમારો તાબેદાર
ભગતસિંહ 
એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ચકચાર મચાવ્યા પછી ભગતસિંહે દિલ્હીની જેલમાંથી પોતાના પિતાજીને પત્રમાં શું લખ્યું હતું? વાંચોઃ

                                                                        દિલ્લી જેલ, 26 એપ્રિલ 1929
પૂજ્ય પિતાજી,

(અર્જ યે હૈ કિ) અમને લોકોને 22 એપ્રિલે પોલીસની હવાલાતમાંથી દિલ્લી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. લગભગ એક મહિનામાં આ નાટક પૂરું થઈ જશે. વધારે ચિંતા કરવાની જરૂર નથી. મને ખબર પડી કે તમે અહીં આવ્યા હતા અને કોઈ વકીલ વગેરે સાથે વાતચીત કરી હતી, પણ કશીક વ્યવસ્થા ન થઈ શકી. પરમ દિવસે મને કપડાં મળી ગયાં. જે દિવસે તમે આવશો ત્યારે મળી શકાશે. વકીલ વગેરેની કોઈ ખાસ જરૂર નથી. હા, એક-બે બિંદુ પર થોડી સલાહ લેવા માગું છું, પણ એનું ખાસ કંઈ મહત્ત્વ નથી. તમે કારણ વગર વધારે કષ્ટ ન લો. તમે મળવા આવો તો એકલા જ આવજો. બેબેજી (મા)ને સાથે ન લાવતા. કારણ વગર એ રડી પડશે અને મને પણ તકલીફ થશે. ઘરના હાલચાલ તમારી પાસેથી ખબર પડી જશે. હા, જો શક્ય હોય તો 'ગીતા રહસ્ય', 'નેપોલિયન કી જીવનગાથા' જે તમને મારાં પુસ્તકોમાંથી મળી જશે અને થોડી સારી નવલકથાઓ લેતા આવજો. બેબેજી, મામીજી, માતાજી અને ચાચીજીને ચરણસ્પર્શ. કુલબીર સિંહ, કુલતાર સિંહને નમસ્તે. બાપુજીને ચરણસ્પર્શ. અત્યારે પોલીસ હવાલાત અને જેલમાં અમારી સાથે બહુ સારો વ્યવહાર થઈ રહ્યો છે. તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરશો. મને તમારા સરનામાની ખબર નથી એટલે આ સરનામે લખી રહ્યો છું.
તમારો આજ્ઞાકારી,
ભગતસિંહ
આ પત્ર લખાયો એના બે વર્ષ બાદ, 23 માર્ચ 1931ના રોજ, ભગતસિંહને ફાંસીએ ચડાવવામાં આવ્યા. એ વખતે એમની ઉંમર હતી ચોવીસ વર્ષ. અર્થપૂર્ણ અને ઘટનાપ્રચુર જીવન માટે માણસનું આયુષ્ય કેટલું લાંબું હોવું જોઈએ?    
0 0 0  

No comments:

Post a Comment