Sunday, June 3, 2018

આલિયામાં એવું તે શું છે?

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 3 જૂન 2018

મલ્ટિપ્લેક્સ                   

છ વર્ષની કારકિર્દી. કુલ દસ ફિલ્મો, જેમાંથી નવ બોક્સઓફિસ પર સફળ. ભુમિકાઓમાં ભરપૂર વૈવિધ્ય. ઓડિયન્સ, સમીક્ષકો અને ઇન્ડસ્ટ્રીના લોકો એમ સૌને પ્રીતિપાત્ર...  પોતાની ઉંમરના જ નહીં, ભલભલા સિનિયર કલાકારોને પણ ઇર્ષ્યાનો અટેક આવી જાય એવી સુપરડુપર આલિયાની કરીઅર છે.


ક કિસ્સો છે, જે આલિયા ભટ્ટ અને એના ફિલ્મમેકર ફાધર મહેશ ભટ્ટ ભારે ઉત્સાહથી અને આનંદપૂર્વક મિડીયાને મુલાકાત આપતી વખતે શેર કરતાં હોય છે. આલિયાની સૌથી પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' (2012) હિટ ઘોષિત થઈ એટલે મહેશ ભટ્ટે દીકરીનો ઓટોગ્રાફ માગ્યો હતો. આલિયાએ ભારે શાનથી પિતાજીને ઓટોગ્રાફ આપ્યો, જેમાં સહી કરતાં પહેલાં લખ્યું કે, 'થેન્કયુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ' અર્થાત્ મને બિલકુલ મદદ ન કરવા બદલ તમારો આભાર, પપ્પા!

આ વાક્યનો સૂર રમતિયાળ પણ છે અને વ્યંગાત્મક પણ છે. મહેશ ભટ્ટ સ્વયં સફળ ડિરેક્ટર-પ્રોડ્યુસર-રાઇટર છે, ખુદનું બેનર છે, કેટલાય એક્ટરોને એમણે બોલિવૂડમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે, પણ સગી દીકરીની કરીઅરનો શુભારંભ કરવા માટે એમણે ફિલ્મ બનાવવાની તસ્દી ન લીધી. (મહેશ ભટ્ટે પ્રોડ્યુસ  કરેલી અક્ષયકુમાર - પ્રીતિ ઝિન્ટાવાળી 'સંઘર્ષ' ફિલ્મમાં આલિયા સાધારણ બાળકલાકાર તરીકે દેખાઈ હતી, પણ તે કંઈ આલિયાની કરીઅરનું લોન્ચિંગ નહોતું.) આલિયા ભટ્ટને 'સ્ટુડન્ટ ઓફ ય ધ યર' દ્વારા ફિલ્મોમાં વિધિવત બ્રેક આપનાર કરણ જોહર હતા.

કારકિર્દીની ગ્લેમરસ શરૂઆત કર્યા બાદ આલિયાએ છ વર્ષમાં દસ ફિલ્મો કરી જેમાંથી નવ સફળ પૂરવાર થઈ. એણે એકએકથી ચડે એવાં પર્ફોર્મન્સીસ આપ્યાં અને હિન્દી સિનેમાની નવી પેઢીની સૌથી કામિયાબ અને સૌથી પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે ખુદને પ્રસ્થાપિત કરી. ના, મહેશ ભટ્ટે હજુ સુધી આલિયા સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. ગઈ 15 માર્ચે આલિયા પચ્ચીસ વર્ષની થઈ ત્યારે પપ્પાએ એને ગિફ્ટમાં એક ફોટોફ્રેમ આપી. આ ફોટોફ્રેમમાં શું હતું? છ વર્ષ પહેલાં આલિયાએ આપેલો પેલો ઓટોગ્રાફ જેમાં એણે લખ્યું હતું કે થેન્ક્યુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ!

આજની તારીખે બોલિવૂડમાં સૌથી પ્રાઉડ પાપા જો કોઈ હોય તો એ કદાચ મહેશ ભટ્ટ છે. તેઓ કહે છે કે એરપોર્ટ પર, રેસ્ટોરાંમાં, બુકશોપમાં વગેરે લોકો મારી સાથે ફોટા-સેલ્ફી પડાવે છે. પોતાના માટે નહીં, પોતાનાં બાળકો કે ટીનએજ સંતાનો ખાતર અને એ પણ હું મહેશ ભટ્ટ છું એટલા માટે નહીં, પણ હું આલિયા ભટ્ટનો ફાધર છું એટલા માટે!   

મહેશ ભટ્ટનો હરખ સમજી શકાય તેવો છે. આલિયાની ફિલ્મોનું બોક્સઓફિસ પર્ફોર્મન્સ જુઓ. ફિલ્મી પંડિતોએ ફિલ્મના બજેટ અને કમાણીને ધ્યાનમાં રાખીને કરેલી આંકડાબાજી અનુસાર, આલિયાની 'સ્ટુડન્ટ ઓફ ધ યર' અને 'હાઇવે' હિટ છે, 'ટુ સ્ટેટ્સ', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'ડિયર ઝિંદગી' અને 'બદરીનાથ કી દુલ્હનિયા' સુપરહિટ છે, 'કપૂર એન્ડ સન્સ' અને 'ઉડતા પંજાબ' એવરેજ છે. આલિયાની લેટેસ્ટ ફિલ્મ 'રાઝી' ઓલરેડી મોંઘેરી હન્ડ્રેડ કરોડ ક્લબમાં શામેલ થઈ ચુકી છે. 2018માં અત્યાર સુધીમાં કુલ પાંચ જ ફિલ્મો 100 કરોડમાં સ્થાન મેળવી શકી છે (અન્ય ચાર ફિલ્મોઃ 'પદ્માવત', 'બાગી-ટુ', 'સોનુ કે ટીટુ કી શાદી', 'રેઇડ'). ટૂંકમાં, આલિયાના બાયોડેટામાં ફ્લોપના નામે એક માત્ર 'શાનદાર' જ બોલે છે. સમકાલીન એક્ટરો જ નહીં,  ભલભલા સિનિયર કલાકારોને ઇર્ષ્યાનો અટેક આવી જાય એવો જબરદસ્ત આલિયાનો ટ્રેક-રેકોર્ડ છે.   

ફિલ્મ કમાણી કરે તે એક વાત થઈ (એમ તો તદ્દન રદ્દી ફિલ્મો પણ ક્યારેક કરોડો કમાઈ લેતી હોય છે), પણ એક કલાકાર તરીકે સતત વિકસતા જવું, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને સાવ નવા જ પડકારો ઉપાડવાની કસોટીમાંય ડિસ્ટીંક્શન માર્ક્સ સાથે પાસ થવું, દર્શકો ઉપરાંત ડિરેક્ટરો-પ્રોડ્યુસરો-સહકલાકારોમાં પણ સતત લોકપ્રિય બનતા જવું - આ કંઈ સહેલું નથી. ઘણા વાંકદેખાઓ કહેતા હોય છે કે આલિયાનો સ્વભાવ અતિ વિચિત્ર છે, પણ સચ્ચાઈ એ છે કે વિચિત્ર સ્વભાવવાળી વ્યક્તિની કરીઅર આટલી રુઆબદાર હોઈ જ ન શકે. સફળ થવા માટે મૂળભૂત પ્રતિભા ઉપરાંત માણસના વ્યક્તિત્ત્વમાં એક પ્રકારનું સંતુલન જોઈએ, મગજમાં સફળતાની હવા બિલકુલ ભરાવા દેવાની નથી અને નિષ્ફળતાથી જરાય નાસીપાસ થવાનું નથી એ વાતની એકધારી આત્મસભાનતા જોઈએ અને તગડો ઇક્યુ (ઇમોશનલ ક્વોશન્ટ) પણ જોઈએ. મહેશ ભટ્ટ કહે છે કે અમારા પાગલ પરિવારમાં આલિયા સૌથી નાની છે, પણ અમારા બધાયમાં સૌથી ઠાવકી એ જ છે!

આલિયાની સગી મોટી બહેનનું નામ શાહીન છે, જે ક્યારેય લાઇમલાઇટમાં આવી નથી. મહેશ ભટ્ટની પ્રથમ પત્નીનાં બે સંતાનો એટલે પૂજા અને રાહુલ. પૂજા ભટ્ટે ફિલ્મલાઇનમાં શરૂઆત કરી ત્યારે એની કરીઅર ઠીક ઠીક ઝમકદાર હતી (યાદ કરો 'ડેડી', 'દિલ હૈ કે માનતા નહીં', 'સડક'), પણ પૂજાની પર્સનાલિટીમાં આલિયા જેવું સંતુલન ક્યારેય નહોતું. બેફામ અંગત જીવન, લગ્ન પછી ઇન્ડસ્ટ્રીમાંથી ખોવાઈ જવું, ડીવોર્સ, આલ્કોહોલિક બની જવું - આ બધામાં એની અભિનયની કરીઅર હતી - ન હતી થઈ ગઈ.

આલિયાનો મોટો પ્લસ પોઇન્ટ એ છે કે એ જોખમ લેતાં ડરતી નથી. 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં અલ્ટ્રા-ગ્લેમરસ રોલ કર્યા પછી એણે ઇમ્તિયાઝ અલીની 'હાઇવે'માં બાળપણમાં સેકસ્યુઅલ અબ્યુઝનો ભોગ બનેલી યુવતીનો રોલ કર્યો. 'હાઇવે' એની કરીઅરની ત્રીજી જ ફિલ્મ છે, જે ખરાબ રીતે પીટાઈ શકી હોત, પણ આ ફિલ્મ સફળ થઈ અને આલિયા એક અભિનેત્રી તરીકે એકદમ લોંઠકી કે એ હકીકત પ્રસ્થાપિત થઈ ગઈ. 'હાઇવે'માં એણે એક ગીત પણ ગાયું હતું. પછી તો એણે અન્ય ફિલ્મોમાં પણ ગીતો ગાયાં.


આલિયા ખરેખર સ્માર્ટ છોકરી છે. અગાઉ આલિયાના નામના જોક્સ ધડાધડ વાઇરલ થવા માંડ્યા હતા. બીજું કોઈ હોત તો આવા ઉપહાસથી તૂટી જાત, પણ આલિયા સામે ચાલીને પોતાની જ મજાક ઉડાવતા એઆઈબીના 'જિનીયસ ઓફ ધ યર' નામના વિડીયોની હિસ્સેદાર બની. લોકોએ પથ્થર ફેંક્યા તો આલિયાએ એમાંથી મહેલ ચણ્યો. આજની તારીખે લોકોને યાદ પણ નથી આલિયાને  એક સમયે બાઘ્ઘીનું બિરુદ મળ્યું હતું.    

મેઘના ગુલઝારે 'રાઝી' ફિલ્મ માટે આલિયાનો સંપર્ક કરેલો ત્યારે ફક્ત એક જ લીટીમાં ફિલ્મનો કોન્સેપ્ટ સંભળાવ્યો હતોઃ એક કાશ્મીરની મુસ્લિમ છોકરી છે, પાકિસ્તાની ફૌજીને પરણે છે, સાસરે જઈને ભારત માટે જાસૂસી કરે છે અને વતનની સલામતી માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દે છે. બસ, આટલું જ. આલિયાનો જવાબ હતોઃ મેઘના, હું તમારી ફિલ્મ કરીશ. મેઘનાએ કહ્યું કે પણ હજુ તો મારે પ્રોડ્યુસર શોધવાનો પણ બાકી છે. આલિયાએ કહ્યુઃ કશો વાંધો નહીં. તમને જ્યારે પણ પ્રોડ્યુસર મળે ત્યારે હું તમારી આ ફિલ્મ કરવા તૈયાર હોઈશ એટલું નક્કી જાણજો!

ઇન્ડસ્ટ્રીમાં મેઘના ગુલઝારનું સ્થાન કંઈ ઝોયા અખ્તર કે ફરાહ ખાન જેવું મજબૂત નથી કે હિરોઈનો આંખ મીંચીને હા પાડી દે, પણ આલિયાએ 'રાઝી'ના એક લીટીના નરેશન પરથી પારખી લીધું કે આ દળદાર રોલ છે અને ફિલ્મ કરવા જેવી છે. આલિયાની સ્ટોરી-સેન્સ અથવા સ્ક્રિપ્ટ-સેન્સ તગડી છે એ એનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. 'શાનદાર'નું હજુ શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ એણે ડિરેક્ટર વિકાસ બહલને કહી દીધું હતું કે સર, આપણી ફિલ્મમાં લોચો છે.

આલિયા વચ્ચે એક ઇન્ટરવ્યુમાં કહેતી હતી કે, 'પહેલાં મને 'ઉડતા પંજાબ'નો રોલ મારી કરીઅરનો સૌથી અઘરો રોલ લાગતો હતો. એક તો મારે એમાં બિહારી ગામડિયણ છોકરી બનવાનું હતું અને બીજું, એ કેરેક્ટરના ઇમોશનલ ચડાવઉતાર ખાસ્સા તીવ્ર હતા. આજે હું 'રાઝી'ના રોલને મેં અત્યાર સુધીમાં ભજવેલું સૌથી ડિફિકલ્ટ કિરદાર ગણું છું. ના, વાત અહીં પૂરી થતી નથી. અત્યારે હું 'કલંક' નામની ફિલ્મ કરી રહી છું અને હવે મને લાગે છે કે એનો રોલ તો 'ઉડતા પંજાબ' અને 'રાઝી' બન્ને કરતાં વધારે અઘરો છે. જેમ જેમ મારી ફિલ્મોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ મારાં પાત્રો વધુ ને વધુ કોમ્પ્લીકેટેડ થતાં જાય છે!'

કરણ જોહરના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'કલંક'ના ડિરેક્ટર અભિષેક વર્મન છે, જેણે ભૂતકાળમાં આલિયા સાથે 'ટુ સ્ટેટ્સ' બનાવી હતી. વરુણ ધવન 'કલંક'નો હીરો છે. આ ઉપરાંત સંજય દત્ત અને માધુરી દીક્ષિત પણ ફિલ્મમાં છે. માધુરીવાળો રોલ મૂળ શ્રીદેવી કરવાની હતી. શ્રીદેવીના અણધાર્યા મૃત્યુ પછી એની ભુમિકામાં એક જમાનામાં એની કટ્ટર હરીફ ગણાતી માધુરી ગોઠવાઈ ગઈ. આ સિવાય, આલિયા 'બ્રહ્માસ્ત્ર' કરી રહી છે. આ પણ કરણ જોહરનું પ્રોડક્શન છે અને અયાન મુખર્જી ('વેક અપ સિડ', 'યે જવાની હૈ દીવાની') એના ડિરેક્ટર છે. 'બ્રહ્માસ્ત્ર' એક સુપરહીરો ફેન્ટસી ફિલ્મ છે. ફિલ્મમાં આલિયા સાથે રણબીર કપૂરે જોડી જમાવી છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની આલિયાની તીવ્ર ઇચ્છા આખરે 'બ્રહ્માસ્ત્ર'માં પૂરી થઈ રહી છે. આલિયાની ત્રીજી આગામી ફિલ્મ છે, 'ગલી બોય'. ડિરેક્ટર, ઝોયા અખ્તર. હીરો, રણવીર સિંહ. આ એક મ્યુઝિકલ છે. આ ત્રણેય ફિલ્મોનું કામકાજ શરૂ થઈ ગયું છે. આ સિવાય આલિયાએ અશ્ર્વિની ઐયર તિવારી ('નીલ બટ્ટે સન્નાટા', 'બરેલી કી બરફી')ની ફિલ્મ પણ સાઈન કરી છે.

આલિયાની આ આગામી ફિલ્મોની વિગતો પરથી લાગે છે કે આવનારાં ચાર-પાંચ વર્ષ સુધી તો એનો નવી પેઢીની ટોપમોસ્ટ એક્ટ્રેસ તરીકેનો દબદબો વધતો જવાનો. આલિયાને આપણે હજુ સુધી કોમેડી કરતાં અને નેગેટિવ રોલમાં જોઈ નથી. બસ, અભિનયના આ બે રંગો પણ એ દેખાડી દે એટલે ભયો ભયો!

 0 0 0 

No comments:

Post a Comment