Thursday, May 3, 2018

હેદરાબાદની ધરતી પર જ્યારે ગુજરાતી રંગભૂમિનો જન્મ થાય છે...


માણસ મૂળભૂત રીતે પ્રતિભાવાન હોય, જેન્યુઇન હોય અને છોગામાં પેશનેટ પણ હોય તો એ ખાસ અનુકૂળ ન હોય એવી પરિસ્થિતિમાં પણ પોતાને માફક આવે એવું વાતાવરણ પેદા કરી લેતો હોય છે. થોડા સમય પહેલાં મિહિર પૂજારા નામના આ યુવાનના પરિચયમાં આવવાનું થયું ને આ સત્ય ફરી એક વાર ઘૂંટાયૂં. મિહિર પાક્કા ગુજરાતી છે. કાઠિયાવાડી, ટુ બી પ્રિસાઇઝ. ધાંગધ્રામાં મોટા થયા છે. ગુડગાંવમાં પ્રોફેશનલ લાઇફની શરૂઆત કરીને હાલ હૈદરાબાદમાં નોવારટીસ નામની જાયન્ટ મલ્ટિનેશનલ હેલ્થકેર કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. અભિનયનો શોખ એટલે હૈદરાબાદમાં હિન્દી-અંગ્રેજી નાટકો ભજવતાં જે થોડાઘણાં થિયેટર ગ્રુપ્સ છે તેની સાથે ઇન્ટરેક્ટ કરવાનું શરૂ કર્યું.
હૈદરાબાદની થિયેટર સરકિટ મુંબઈ જેવી વેલ-ડેવલપ્ડ કે વેલ-ડિફાઇન્ડ નથી. અહીં માત્ર નાટકોમાં કામ કરીને સર્વાઇવ થવાનું અત્યંત મુશ્કેલ હોવાથી મોટા ભાગના કલાકાર-કસબીઓ વાસ્તવમાં અન્ય ક્ષેત્રોના વર્કિંગ પ્રોફેશનલ્સ છે. પોતાની જોબ કરતાં કરતાં વહેલી સવારે, મોડી સાંજે અને વીકએન્ડ્સ દરમિયાન તેઓ રિહર્સલ્સ કરે, જે મહિનાઓ સુધી ચાલે. આ રીતે તેઓ ટુકડે ટુકડે નાટક ઊભું કરે. આપણને આશ્ચર્ય થાય કે જેના માંડ ત્રણ-ચાર-છ શો થવાના છે એ નાટક માટે આ લોકો કેટલા બધા ખેંચાય છે અને ગાંઠનું ગોપીચંદન કરીને કેટલી બધી મહેનત કરે છે.

Mihir Pujara

મિહિરે પણ એવું જ કર્યું. હૈદરાબાદમાં આ જ એક રસ્તો છે, અભિનયના કીડાને શાંત કરવાનો. મિહિરે એક થિયેટર વર્કશોપ કરી, તાજમહલ કા ટેન્ડર અને નારાયણપુર કી રામાયણ નામનાં નાટકમાં મહત્ત્વના રોલ કર્યા, બે નાટકોમાં બેકસ્ટેજનો અનુભવ લીધો, એકાદું એકાંકી કર્યું. હૈદરાબાદમાં ઘણા ડિરેક્ટરો-પ્રોડ્યુસરો એવા છે જેનો તમે કામ માટે અપ્રોચ કરો તો કહેશેઃ મારી વર્કશોપમાં જોઈન થઈ જા, પછી જોઈશું. આ વર્કશોપની ફી તોતિંગ હોય. મિહિરે વિચાર્યું કે વર્કશોપ્સ કર્યે રાખવા કરતાં જાતે જ નાટક કેમ ન કરવું? હૈદરાબાદમાં બે લાખ જેટલા ગુજરાતીઓ છે, જે બહુ રસથી મુંબઇથી આવતાં નાટકોને માણે છે. તો પછી હિન્દી નાટક કરવાને બદલે આપણી ભાષામાં જ નાટક કેમ ન ભજવવું?
એમણે ઘણા બધા લેખકોનો અપ્રોચ કર્યો. સૌમ્ય જોશી એમને અમે બધા સાથે તો દુનિયા લઈ માથે નાટકના રાઇટ્સ આપ્યા. મિહિરે ફેસબુક પર ટહેલ નાખીઃ જે રસિયાઓને આ ગુજરાતી નાટકમાં કામ કરવામાં રસ હોય એ સંપર્ક કરે. ઘણા ઉત્સાહીઓ આગળ આવ્યા. ટીમ બની. આ રીતે સંકલન થિયેટર ગ્રુપની સ્થાપના થઈ. હૈદરાબાદના ઇતિહાસનું સંભવતઃ આ સર્વપ્રથમ ગુજરાતી થિયેટર ગ્રુપ.  

તાપી તારો તરખાટ

અમે બધા સાથે... માટે એક્ટરો તો મળ્યા, પણ ડિરેક્ટ કોણ કરશે? કહે છેને કે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. નેસેસિટી ઇઝ મધર ઓફ ઓલ ઇન્વેન્શન્સ! મિહિરે પ્રોડક્શન ઉપરાંત ડિરેક્શનની જવાબદારી પણ ઉપાડી. કહો કે, ઉપાડવી પડી. શો થયો. સરસ ગયો. રિસ્પોન્સ પણ ઉત્સાહપ્રેરક હતો, પણ અમુક ટેક્નિકલ કારણસર આ નાટકના વધારે શોઝ ન થઈ શક્યા.
પાછી બીજા નાટકની શોધ. ખૂબ પ્રયત્નો પછી શક્તિ ડોડિયા લિખિત તાપી તારો તરખાટ નામના નાટકના રાઇટ્સ મળ્યા. શક્તિ ડોડિયા હિંમતનગરની એક કોલેજમાં અકાઉન્ટિંગ અને ફાયનાન્સ ભણાવે છે. તાપી તારો તરખાટ એક ફુલલેન્થ સોશિયલ કોમેડી પ્લે છે. નવેસરથી એક્ટરોની શોધ શરૂ થઈ. અમે બધા સાથે...ના અમુક એક્ટરો રિપીટ થયા, અમુક નવા જોડાયા. ચાર મહિના સવાર-સાંજ, સવાર-સાંજ રિહર્સલ કર્યા બાદ ગયા રવિવારે, 29 એપ્રિલે હૈદરાબાદના હાઇટેક સિટી સ્થિત ફિનિક્સ એરેનામાં એનો પહેલો શો યોજાયો. હું નાટક જોવા તો ગયો, પણ ફ્રેન્કલી, મારા મનમાં કોઈ ઊંચી અપેક્ષા નહોતી. કેવી રીતે હોય? મિહિર પૂજારા, કે જે કેપ્ટન ઓફ ધ શિપ હતા ને મેઇન રોલ પણ કરતા હતા, એમનો ખુદનો રંગભૂમિનો અનુભવ કેટલો ને વાત કેટલી. આપણે ભલભલા અનુભવી અને ફુલટાઇમ એક્ટર-ડિરેક્ટરોને સંપૂર્ણપણે પ્રોફેશનલ સેટઅપમાં થાપ ખાતા કેટલીય વાર જોયા છે, જ્યારે અહીં તો લગભગ બધા જ નવાનિશાળીયા હતા. અડધોઅડધ એક્ટરો તો જિંદગીમાં પહેલી વાર સ્ટેજ પર ચડવાના હતા.


ખેર. નાટક શરૂ થયું. થોડી મિનિટ ગઈ ને લાફ્ટર આવવાનું શરૂ થયું. પહેલા સીન દરમિયાન મોટા ભાગનાં પાત્રો ઇન્ટ્રોડ્યુસ થઈ ગયાં. એમનાં પર્ફોર્મન્સ, ડાયલોગ ડિલીવરી અને ખાસ તો કોન્ફિડન્સ જોઈને થયું કે, એક મિનિટ, આ નાટક પાસેથી આટલી બધી ઓછી અપેક્ષા રાખવાની જરૂર નથી! એક પછી એક સીન ભજવાતાં ગયાં અને ઓડિયન્સને મજા આવવા લાગી. મને પણ. ઓડિયન્સનું નાટકની સાથે સંધાન થયું છે કે નહીં એ ચકાસવાનો સૌથી સાદો રસ્તો એ છે કે ચાલુ નાટકે ઓડિયન્સમાં મોબાઇલનાં કેટલાં ચોરસ ધાબાં ઝગમગતા દેખાય છે તે જોવું! ઓડિયન્સ કંટાળે એટલે કાં તો ખોંખારા ખાવાનું શરૂ કરી દે, સીટ પર ઊંચાનીચા થવા માંડે અથવા ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને વોટ્સએપ કે ફેસબુક ચેક કરવા માંડે. સરપ્રાઇઝિંગલી, અહીં આમાંનું ભાગ્યે જ કશું નજરે ન ચડ્યું.
નાટક યા તો ફિલ્મની સ્ટોરી ભલે સાધારણ અને પ્રેડિક્ટબેલ હોય, પણ જો રજૂઆત સારી હોય, વાત ગતિશીલ હોય તો પ્રેક્ષકને મજા આવે છે. આ નાટકમાં એવું જ થયું. ચિક્કાર લાફ્ટરની વચ્ચે વચ્ચે ઇમોશનલ સીન્સ આવતાં ગયાં, વાર્તા ગૂંથાતી ગઈ ને ક્લાઇમેક્સ સુધીમાં જે કંઈ રિઝોલ્વ થવું જોઈએ તે વ્યવસ્થિત રીતે પાર પડી ગયું. નાટકમાં, અફ કોર્સ, નબળાઈઓ પણ હતી જ. જેમ કે લાઇટ અને મ્યુઝિકનું ડિપાર્ટમેન્ટ સાવ કાચું પડતું હતું, પાર વગરના બ્લેકઆઉટ્સ નડતરરૂપ બનતાં હતાં. આઠ પૈકીના એકાદ-બે આર્ટિસ્ટોએ સ્ટેજ પર કમ્ફર્ટેબલ બનવામાં ઠીક ઠીક સમય લીધો હતો. ક્યાંક ક્યાંક નાટક ડ્રેગ પણ થતું હતું. આ બધાની સામે સૌથી મોટો પ્લસ પોઇન્ટ શું હતો? નાટકે ઓડિયન્સને સહેજ પણ બોર ન કર્યા! જ્યારે ભલભલા સુપરસ્ટારોની ફિલ્મ પણ જો નબળી હોય તો આપણને ઊંઘ આવી જતી હોય છે ત્યારે મંચ પર ભજવાતું નાટક, એમાં અમુક-તમુક ક્ષતિઓ હોવા છતાંય, જો બે-અઢી કલાક સુધી સતત તમારું અટેન્શન હોલ્ડ કરી શકે તો એ નાનીસૂની વાત નથી! આખા નાટક દરમિયાન સ્પોન્ટેનિયસ લાફ્ટર અને ક્લેપ્સ આવતા ગયા. નાટક પૂરું થયું ત્યારે બધાના ચહેરા પર સંતોષ હતો. મારા પણ.

આ એક સક્સેસફુલ પહેલો પ્રયોગ હતો એ તો નક્કી. અગાઉ કહ્યું તેમ, એકને બાદ કરતાં  નાટકના બધા જ કલાકારો જુદી જુદી કંપનીઓમાં કામ કરતા ફુલટાઇમ પ્રોફેશનલ્સ છે. જેમ કે, ગુંજન ભટ્ટાચાર્ય – જે મૂળ બંગાળી છે, પણ વડોદરામાં ઉછેર થયો હોવાથી સરસ ગુજરાતી બોલે છે અને આ આખી ગેંગમાં રંગભૂમિનો સૌથી વધારે અનુભવ એમની પાસે છે – ટેક માહિન્દ્રમાં બ્રાન્ડ મેનેજર છે, ભૂષણ સુરતી દુનિયાનાં ટોપ-ફોર અકાઉન્ટિંગ ઓર્ગેનાઇઝેશન્સમાં સ્થાન પામતી ડિલોઇટ કંપનીમાં પ્રોજેક્ટ લીડ છે, અમિત ભટ્ટ નોવારટીસમાં એનેલિસ્ટ છે, એ જ મલ્ટિનેશનલમાં અભિષેક ઝાલા મેનેજર અને ઉર્વિ મિહિર પૂજારા એચઆર એક્ઝિક્યુટિવ છે. હાઉસવાઇફ અમિશા પંચોલી આ ટીમમાં અપવાદરૂપ છે. આ સૌએ માત્ર અભિનયના પેશનને કારણે હજાર વસ્તુઓ એડજસ્ટ કરીને નાટક ભજવ્યું. એમની પાસે નથી પૂરતાં સાધનો, નથી આર્થિક પીઠબળ કે નથી પ્રોપર ગાઇડન્સ. નાટકની પ્રોસેસ દરમિયાન તેઓ ભુલો કરે છે, પડે-આખડે છે, પણ મહત્ત્વનું એ છે કે તેઓ શીખતા રહે છે. પોતાની સિન્સિયારિટી અને પ્રતિભાના જોરે, ટ્રાયલ-એન્ડ-એરર થકી વિકસતા રહે છે અને નાહિંમત થયા વગર ના-ટ-ક કરવા માટે પ્રતિબદ્ધ રહે છે.
'તાપી તારો તરખાટ'ના હજુ વધારે શો થશે. થવા જ જોઈએ. તે સાથે ક્રમશઃ નાટક પોલિશ પણ થતું જશે. સૌથી પ્રશંસનીય અને મને જેમાં સૌથી મજા પડી ગઈ તે વાત એ છે કે ગુજરાત અને મુંબઈથી સેંકડો કિલોમીટર દૂર, દક્ષિણ ભારતના તેલુગુભાષી હૈદરાબાદ શહેરમાં ગુજરાતી રંગભૂમિનો પાયો નખાયો છે, એક ગુજરાતી થિયેટર ગ્રુપનો જન્મ થયો છે અને એ આત્મવિશ્વાસપૂર્વક પા-પા પગલી કરવાની શરૂઆત પણ કરી દીધી છે.   
અભિનંદન, મિહિર. અભિનંદન, ટીમ. હેવ અ લોન્ગ લાઇફ, સંકલન ગ્રુપ!      
0 0 0 

No comments:

Post a Comment