Sunday, February 25, 2018

એક અઠવાડિયામાં બે નવલકથા લખવાની કળા


ચિત્રલેખા - ફેબ્રુઆરી ૨૦૧૮

 કોલમ: વાંચવા જેવું 




‘જિંદગી એ નથી જે તમે જીવ્યા છો. જિંદગી વિશે વાત કરવા બેસીએ ત્યારે જે યાદ આવે અને જેવી રીતે યાદ આવે, એ જ ખરી જિંદગી છે.’

 નોબલ પ્રાઇઝવિનર લેખક ગાબ્રિયેલ ગાર્સિયા ર્માર્કેઝનું આ ક્વોટ છે, જેને ટાંકીને વીનેશ અંતાણીએ પોતાના લેટેસ્ટ પુસ્તકનો ઉઘાડ કર્યો છે. વીનેશ અંતાણીએ સભાનતાપૂર્વક ‘આત્મકથા’ શબ્દનો પ્રયોગ ટાળીને ‘સ્મૃતિકથા’ શબ્દ પ્રયોજ્યો છે. ‘આત્મકથા’ કરતાં ‘સ્મૃતિકથા’ વધારે અનૌપચારિક, વધારે સિલેક્ટિવ હોય છે?

 ગુજરાતી વાંચકે વીનેશ અંતાણીનાં સર્જનને ખૂબ ચાહ્યા છે. ખાસ કરીને એમની નવલકથાઓને. ઉમાશંકર જોશીના અદભુત સંપાદન ‘સર્જકની આંતરકથા’માં વીનેશ અંતાણીએ પોતાની ક્રિયેટિવ પ્રોસેસ વિશે વિગતે વાત કરી જ છે, છતાંય ‘એક હતો વીનેશ’માં એમની જુદી જુદી કૃતિઓની સર્જનકથાના નવા અને મસ્તમજાના શેડ્ઝ સામે આવે છે. જેમ કે, ‘પ્રિયજન’ અને ‘આસોપાલવ’ આ બન્ને નવલકથાઓ વીનેશ અંતાણીએ એક જ અઠવાડિયામાં બેક-ટુ-બેક લખી હતી!

 ‘પ્રિયજન’ ગુજરાતી સાહિત્યમાં ક્લાસિકનો દરજ્જો પામી ચુકેલી અત્યંત સંવેદનશીલ નવલકથા છે જેને વાચકોની એકાધિક પેઢીઓનો ચિક્કાર પ્રેમ મળ્યો છે. ‘પ્રિયજન’ મૂળ તો ‘માલિપા’ નામનું રેડિયોનાટક. વીનેશ અંતાણીએ પછી પોતાના જ નાટક પરથી નવલકથા લખવા માટે ઓફિસમાંથી એક અઠવાડિયાની રજા લીધી. મનમાં બધું જ સ્પષ્ટ હતું, છતાંય પહેલા દિવસે કશું લખાયું નથી. બીજો દિવસ પણ કોરોધાકોડ જઈ શક્યો હોત, પણ એ બપોરે નવી ઘટના બની. ‘પ્રિયજન’નો એક અક્ષર પણ કાગળ પણ પડ્યો નહોતો, પણ જેના વિશે અગાઉ કશુંય વિચાર્યું સુધ્ધાં નહોતું એવી તદ્દન જુદી જ નવલકથા લખવાનું એમણે શરુ કરી દીધું. આ નવલકથા એટલે ‘આસોપાલવ’. કોઈ પણ અવરોધ વિના સડસડાટ કલમ ચાલતી રહી અને અઢી દિવસમાં ‘આસોપાલવ’ પૂરી પણ થઈ ગઈ. 

 ‘આસોપાલવ’ની સમાપ્તિની બીજી જ મિનિટે ‘પ્રિયજન’ લખવાનો પ્રારંભ થઈ ગયો. લાગલગાટ ત્રણ દિવસમાં આ નવલકથા પણ આખેઆખી લખાઈને તૈયાર થઈ ગઈ!

 આ કૃતિ વીનેશ અંતાણીએ ગોલ્ડન કલરની ‘હેરો’ બ્રાન્ડની ઇન્ડિપેનથી લખી હતી. ત્યાર પછી ‘કાફલો’થી ‘ધૂંધભરી ખીણ’ સુધીનું બધું જ એ પેનથી લખાયું. વીનેશ અંતાણી કહે છે:

 ‘હવે એ ઇન્ડિપેન સાચવી રાખી છે. ક્યારેક કબાટનું ખાનું ખોલીને એને અડકી લઉં છું. એ પેન મારા વીતેલા સમયની, મુંબઈ અને ચંડીગઢ જેવા શહેરોમાં મેં અનુભવેલી એકલાતની, લખતાં-લખતાં મને થયેલા અવર્ણનીય રોમાંચની સાક્ષી છે. હું એની સાથે એટલા જ લાગણીભર્યા સંબંધે જોડાયેલો છું, જેટલા મારા પ્રિયજનો સાથે.’

 લેખકના એક પ્રિયજન એટલે એમનાં સ્વગસ્થ બહેન, સરલા. સરલાનાં પતિ શશિકાંતભાઈ છેક દાર્જિલિંગ પાસે કલિમ્પોન્ગમાં નોકરી કરતા. કલિમ્પોન્ગથી એમના પત્ર આવે એટલે બહેન રસોડાવાળી ઓસરીની ભીંતે ટેકો લઈ, ખોળામાં થાળી રાખીને બેસે અને એની ઉપર ભાઈ વીનેશની નોટબુકનાં પાનાં પર કાગળનો જવાબ લખે. લેખક નોંધે છે:

 ‘યાદ કરું છું ને કારમી ટીસ ઉઠે છે. એ વખતે એને (સરલાને) ક્યાં ખબર હતી કે બહુ થોડાં વરસોમાં એ પોતે જ કોઈ એવા સ્થળમાં ચાલી જવાની છે, જ્યાં પત્ર પહોંચાડવા માટે સરનામું નહીં હોય.... બહુ જ જતનથી સાચવીને (હું) સરલાનો કાગળ લઈ જતો. ડબામાં નાખતાં પહેલાં વિચારતો - આ કાગળ વાંચતી વખતે શશિકાંતભાઈના મનમાં શું ચાલતું હશે? કદાચ એ દર વખતે પાછા આવી જવાનું વિચારતા હશે અને યાદ આવતું હશે કે કલિમ્પોન્ગ તો કચ્છથી બહુ દૂર છે.’

આટલું કહીને લેખક ઉમેરે છે:

 ‘પ્રિયજનનું એના પ્રિયજનથી અલગ હોવું... શું એવી જ કોઈ ક્ષણે મારા મનમાં ભવિષ્યમાં લખાનારી નવલકથાનું બીજ રોપાયું હશે?’

 કોણ કોનું સર્જન કરતો હોય છે - લેખક શબ્દોનું કે શબ્દો લેખકનું? કોણ કોને ઘાટ આપતો હોય છે? વીનેશ અંતાણી લખે છે:

 ‘નાનપણમાં નાનાકાકા (પિતાજી)એ લાકડાંનાં ખોખાં ગોઠવીને મારા માટે ટેબલ જેવું બનાવી આપ્યું હતું. બેસવાનું પણ એક ખોખા પર. હું ત્યાં બેસીને બારાખડી શીખ્યો. મૂળાક્ષરો ક્યારે શબ્દમાં ગોઠવાતા ગયા, એમાંથી અર્થ ક્યારે પ્રગટવા લાગ્યા એની ખબર પડી નથી. એટલું જ યાદ છે કે લખવાનું ગમે છે અને લખતો રહ્યો છું. મારી એકલતા, મારા વિષાદ, મારા આનંદ, મારા સંઘર્ષ - કોઈ પણ સ્થિતિમાં શબ્દ મારા સાથીદાર રહ્યા છે, શબ્દોએ જ મને ઉગાર્યો છે.’

 જીવનમાં બે સરવાણી સમાંતરે વહેતી ગઈ - એક સરવાણી લેખનની, બીજી આકાશવાણીના અધિકારી તરીકેની. ભારતભરના જુદા જુદા કેટલાય રેડિયો સ્ટેશન પર લેખકની બદલી થઈ. શહેરની સાથે જીવનનો લય પણ બદલાય. નવી જગ્યાએ પરિવારથી દૂર રહીને સ્થિર થવાની કોશિશ કરવી, એકલતા સાથે સંઘર્ષ કરવો... જીવનભર ક્યારેક બેકગ્રાઉન્ડમાં, ક્યારેક ફોરગ્રાઉન્ડમાં તો ક્યારેક બિલકુલ કેન્દ્રમાં ધબકતી રહેલી આ સ્થિતિ વિશે પુસ્તકમાં વિસ્તારપૂર્વક લખાયું  છે.

 વીનેશ અંતાણીએ પુસ્તકાકારે નવલકથાઓ લખ્યા બાદ ધારાવાહિક ફોર્મેેટ અજમાવ્યું, નવલિકા-નિબંધ લખ્યા, અખબારોમાં કોલમો લખી, ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિનું સંપાદન કર્યું. એમણે પુસ્તકો સંપાદિત કર્યાં અને નિર્મલ વર્માની કૃતિઓ ઉપરાતં એરિક સેગલની ‘લવ સ્ટોરી’ને ગુજરાતીમાં ઉતારી. ‘એક હતો વીનેશ’માં લેખકજીવનની સાથે સાથે કૌટુંબિક જીવન પણ આકર્ષક રીતે ઝીલાયું છે. કચ્છના નખત્રાણા ગામની શેરીઓ વહેતી વહેતી, કંંઈ કેટલાય પડાવ પસાર કરીને લેખકની જિંદગી હવે હૈદરાબાદમાં સ્થિર થઈ છે. આ એમનું સત્તાવીસમું ઘર છે!

 વીનેશ અંતાણીની સ્મૃતિકથા ‘તોફાનીે’ નથી. પુસ્તક એમની લેખનશૈલી જેવું જ છે - શાલીન, સંવેદનશીલ અને ગરિમાપૂર્ણ. પુસ્તક એમના ચાહકોને ખૂબ ગમવાનું છે એ તો નક્કી.       

00000

એક હતો વીનેશ  
લેખક: વીનેશ અંતાણી 
 પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની 
 ગાંધીમાર્ગ - અમદાવાદ, પ્રિન્સેસ સ્ટ્રીટ - મુંબઈ
 ફોન: (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧ 
 કિંમત:  Rs. ૨૦૦ /
  પૃષ્ઠ: ૨૨૬

00000

No comments:

Post a Comment