Wednesday, November 15, 2017

ટાગોર, નોબેલ પ્રાઇઝ અને ફ્રસ્ટ્રેશન

Sandesh - Ardh Saptahik Purti - 8 Nov 2017
ટેક ઓફ

'નોબેલ પ્રાઇઝને કારણે)અચાનક આવી પડેલી ખ્યાતિના ખાબકેલા કોઈ બોમ્બનો ધુમાડો હજુ ઠર્યો નથી. કોઈ દારુણ તોફન મારા જીવન પર કાયમી ખાનાખરાબી ઝીંકી ગયું હોય એવું લાગે છે. હું આમાંથી નાસી છૂટવા માગું છું, પણ લાગે છે કે એ મારી હસ્તીનો હિસ્સો બની ગયું છે. કીર્તિની આ ઝાકઝમાળ એવી નઠારી નીવડી છે કે મારું વતન જ મારે માટે વસવાલાયક મટી ગયું છે.'



વીન્દ્રનાથ ટાગોરને ૧૯૧૩માં સાહિત્યનું નોેબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે ૪૮ વર્ષના હતા. યુરોપિયન ન હોય એવી કોઈ વ્યકિતને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય એવી આ પહેલી ઘટના. કેટલી પ્રચંડ સિદ્ધિ. ભારત આજે સો કરતાં વધારે વર્ષ પછીય ટાગોરને મળેલા આ સન્માનના કેફ્માં ઝુમી રહૃાું છે. કોઈપણ સાહિત્યકાર માટે નોબેલ પ્રાઇઝ કરતાં વધારે મોટી સ્વીકૃતિ બીજી કઈ હોવાની. આ કક્ષાનું આંતરરાષ્ટ્રીય બહુમાન મળે એટલે માણસ ધન્ય ધન્ય થઈ જાય, સુખી સુખી થઈ જાય, ખરું?
ના!
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને આનંદ, ગર્વ, સંતોષ બધું જ થયું હશે, એક સર્જક તરીકેનો એમનો ઇગો પણ ખૂબ સંતોષાયો હશે, પણ એમણે લખેલા પત્રો વાંચતા આપણને સમજાય છે કે નોબેલ પ્રાઇઝે એમને આૃર્ય થાય એટલી હદે અકળાવી મૂકયા હતા. આ પત્રો ગુરિદેવે વિલિયમ રોધેન્સ્ટાઇનને લખ્યા છે. લંડનવાસી ચિત્રકાર રોધેન્સ્ટાઇન એટલે ટાગોરના પરમ મિત્ર. ટાગોરને અને એમની કૃતિઓને પશ્ચિમમાં સર્વપ્રથમ ઇન્ટ્રોડયુસ કરાવનાર વ્યકિત આ જ. તેઓ પહેલી વાર પ્રત્યક્ષ મળ્યા ત્યારે ટાગોર ઓગણચાલીસ વર્ષના હતા અને રોધેન્સ્ટાઇન પચાસના. ક્રમશઃ અંતરંગ બનતી ગયેલી એમની મૈત્રી ત્રણ દાયકા સુધી વિસ્તરી. મેરી લેગો નામનાં અમેરિકન મહિલાએ આ બંને કલાપુરુષો વચ્ચે થયેલા પત્રવ્યવહારનું અદ્ભુત સંપાદન કર્યું છે.
ટાગોરે નોબેલ પ્રાઇઝને કારણે પેદા થયેલું ફ્રેસ્ટ્રેશન મુકતમને પોતાના વિશ્વાસુ સખા રોધેન્સ્ટાઇન સાથે શેર કર્યું છે. ૧૮ નવેમ્બર, ૧૯૧૩ના રોજ શાંતિનિકેતનથી ટાગોર લખે છેઃ
મારા પ્રિય મિત્ર,
મને નોબેલ-સન્માનથી નવાજેશ મળી એ સંદેશો આવ્યો એ જ ઘડીએ મારું હૃદય સ્નેહ અને કૃતજ્ઞાતાથી સભર તમારી તરફ્ વળ્યું છે. (આ ઘટનાથી) મારા મિત્રોમાંથી તમારા કરતાં વધુ ખુશી કોઈને ન થાય તેની મને ખાતરી છે. સર્વોચ્ચ સન્માન તો એ છે કે આવા સન્માનથી પ્રિયજનોના હૈયે હર્ષના હિલ્લોળ ઊઠે. પણ સાથે સાથે આ બધું મારી આકરી કસોટી કરે એવું છે. પ્રજાના ઉન્માદનો જે વંટોળ ઊઠયો છે એ સાચે જ બિહામણો છે. કૂતરાની પૂંછડીએ ખાલી ડબલું બાંધીએ તો એ જ્યાં જશે ત્યાં અવાજ કરીને લોકોને ભેગા કરશે. બસ, આના જેવી જ નઠારી સ્થિતિ મારી છે. થોડા દિવસથી (ખુશાલીના) તાર-કાગળનો ઢગલો થાય છે. જેમને મારે માટે સદ્ભાવનાનો છાંટો નહોતો કે જેમણે મેં લખેલો અક્ષરેય વાંચ્યો નથી એ લોકોનો કોલાહલ સહુથી કર્ણકટુ છે. આ શોરબકોરથી કેટલો થાકયો છું એ તમને કઈ રીતે કહું? ખરેખર તો આ લોકો મને નહીં, મને મળેલ સન્માનને નવાજવા નીકળ્યા છે. હા, શાંતિનિકેતનનાં બાળકો જે સાચુકલા ગર્વ અને આનંદપૂર્વક પ્રસંગ ઉજવે છે એ એકમાત્ર સાટું વાળનાર બીના છે.
પ્રજાનો ઉન્માદ ટાગોરને બિહામણો લાગે છે અને પોતાની જાતને તેઓ લગભગ કૂતરા સાથે સરખાવી દે છે! ત્રણ જ અઠવાડિયાં પછી, ૧૦ ડિસેમ્બર ૧૯૧૩ના રોજ કવિવર બીજા એક કાગળમાં સ્પષ્ટપણે એવા મતલબનું લખે છે કે નોબેલને લીધે જે મારી આસપાસ જે હાઇપ ઊભી થઈ છે તે મારી પ્રકૃતિને અનુરૂપ છે જ નહીં.

Rabindranath Tagore with William Rothenstein, July 1912

મારા મિત્ર,
મારા આ દિવસો ખલેલોથી ખદબદ, મારે માટે સાવ નકામા છે. પત્રો લખીને, ખોબે ભરીને આભારવચનો પાઠવીને અને મુલાકાતીઓને આવકારીને હું થાકી ગયો છું. તમને કઈ રીતે સમજાવું કે એકાએક આવી પડેલ આ બહુમાનને ગાંઠે એવી મારી પ્રકૃતિ નથી. શિયાળાનો આ તડકો મધુરો લાગે છે, અને હરિયાળી પોતાનો વૈભવ મારી ચોતરફ્ પાથરીને બેઠી છે… મારે નિરાંતની મિજલસ રચવી છે અને મારા વિચારોને આકાશની નીલિમામાં ઝબોળવા છે. ચોપાસ ઊડતાં પંખીઓ કોઈ માનઅકરામની પરવા વિના આનંદના ટહુકા કર્યા કરે છે. આજે સવારે જ એક એક વાછરડું ઘાસ ઉપર લંબાવીને નિરાંતે તડકો માણી રહૃાું હતું, ત્યારે મારા મનમાં આ વિશાળ સૃષ્ટિ પર વેરાયેલી નિસર્ગ-સંપદાને અને જીવનના આ વૈભવને મુકતપણે માણવાની ઉત્કંઠા ઊગે છે. પણ મારા સત્ત્વ સાથે જેનો કોઈ મેળ નથી એવી બાબતો મારા ચિત્ત પર સવાર થઈ છે ને મારો સમય બરબાદ કરી કરી છે. મારા મિજાજ પર તમને હસવું આવશે, પણ આ પણ એક સત્ય છે.
સ્નેહપૂર્વક, હું છું સદાય તમારો
રબીન્દ્રનાથ ટાગોર
ફેબ્રુઆરી ૧૯૧૪માં ટાગોરે રોધેન્સ્ટાઇનને લખેલા કાગળનો એક અંશઃ
‘…મારા અંગ્રેજ મિત્રો પરના મારા પત્રો સામાન્ય રીતે ટૂંકા હોય. કારણ એ નથી કે મારી યાદદાસ્ત ક્ષીણ છે કે મારો પ્રેમ અલ્પ છે, કે લખવાના વિષયોનો તોટો છે. તમને મારે માટે અનુકંપા ન જ હોય, કારણ કે તમારી ભાષામાં લખવું મારે માટે સરળ નથી એ તમે સમજી નહીં શકો. અંગ્રેજી ભાષાના સાદા વપરાશો બાબતમાં હું છબરડા વાળતો હોઉં. વાકયરચના નાની કરવાની શબ્દ-કરામતો મને આવડતી ન હોય. ઘણી વાર સાવ સાદી વાત અંગ્રેજીમાં લખતા ન આવડે. લોકોને પ્રશ્ન થાય કે ‘ગીતાંજલિ’નાં કાવ્યોના અનુવાદ આમણે કર્યા હશે? – તો એમાં નવાઈ નથી.
મને અન્યાય કરનારો એક લાભ તમને એ છે કે તમે મને અંગ્રેજીમાં લખેલા પત્રોનો જવાબ હું મારી બંગાળી ભાષામાં નથી લખી શકતો. આમ, તમારા મારી ભાષાના અજ્ઞાાનને કારણે મારે સહેવાનું થાય, તેમ તમારી ભાષાના મારા અજ્ઞાાનને કારણે તમારે સહન કરવાનું બને છે કે નહીં એ જાણતો નથી.’
આવડો મોટો જગપ્રસિદ્ધ કવિ ‘મને અંગ્રેજી બરાબર ફાવતું નથી’ એવા મતલબની કબૂલાત કરે છે! અંગત મિત્રની સામે જ ભલે, પણ પોતાના અહંકારને દાબડીમાં બંધ કરીને આવું પારદર્શક વિધાન કરવા માટે કેટલા નિખાલસ હોવું પડે? નોબેલ પ્રાઇઝ મળ્યું એના સાડાત્રણ વર્ષ પછી ૬ જુલાઈ, ૧૯૧૭ના રોજ ટાગોર લખે છેઃ
મારા પરમ મિત્ર,
હું અમેરિકામાં ભાષણો ઠપકારતો આમથી તેમ ઘુમતો હતો ત્યારે તમારા કેટલાક પત્રો મારી સુધી પહોંચ્યા નહીં હોય.
અમેરિકાના પ્રવાસ-સાહસ પછી હંુ ઈંગ્લેન્ડ રોકાયા વિના સ્વદેશ પાછો આવ્યો એ મારી મોટી નિરાશાની વાત બની. મારા એક સમયના મનગમતા એકાંત પર અચાનક આવી પડેલી ખ્યાતિના ખાબકેલા કોઈ બોમ્બનો ધુમાડો હજુ ઠર્યો નથી. કોઈ દારુણ તોફન મારા જીવન પર કાયમી ખાનાખરાબી ઝીંકી ગયું હોય એવું લાગે છે. હું આમાંથી નાસી છૂટવા માગું છું, પણ લાગે છે કે એ મારી હસ્તીનો હિસ્સો બની ગયું છે. કીર્તિની આ ઝાકઝમાળ એવી નઠારી નીવડી છે કે મારું વતન જ મારે માટે વસવાલાયક મટી ગયું છે. મને કેમ ભૂલી જવો એ મારા દેશબાંધવો સમજતા નથી. એ બાબત એમને માટે ઇચ્છનીય નથી તેમ મારે માટે પણ સારી નથી. ઘરની દીવાલોને આંખ અને જીભ હોતી નથી તો એ વસવાયોગ્ય હોય છે. મારી આસપાસ જે દીવાલો છે એ જોઈ શકે છે અને બોલબોલ કર્યા કરે છે. તેથી મને મારા અંગ્રેજ મિત્રોનું શરણું લેવાની ઇચ્છા જાગે છે.
…પણ અવની ન આકાશ બેઉમાં વિહાર કરનાર જીવ જેવી બેવડી વૃત્તિ મને વરેલી છે. મારો ખોરાક પશ્ચિમમાં છે અને શ્વાસ હું પૂર્વમાંથી શ્વસું છું. માળો બાંધવાની જગ્યા મને જડતી નથી. લાગે છે કે મારે યાયાવર પંખી બની રહેવું પડશે – જેણે વારેવારે સાગર પાર કરવાનો હશે અને બંને ઓવારે માળો બાંધવા પડશે.



ટાગોર એવી રીતે વાત કરે છે જાણે નોબેલ પ્રાઇઝ મળવું એ એમના જીવનની કોઈ દુર્ઘટના હોય! ૧ જૂન ૧૯૧૮ના રોજ તેઓ પત્રમાં લખે છે કે,મારી આસપાસ એક પડ બાઝ્યું છે – ખ્યાતિ અને પ્રચારનું પડ. એને ભેદીને નિરાંતમાં લહેરાતી મોજો માણવાની સ્વાધીનતા મેળવી શકું તેમ નથી.’
ભારતીયોએ ટાગોરને પોતાના મસ્તક પર મૂકયા ખરા, પણ પશ્ચિમના સાહિત્યજગતે એમના પર મહાનતાનો થપ્પો માર્યો તે પછી. આ વાસ્તવિકતાથી ટાગોર સભાન હોય જ. આથી જ ૨૬ નવેમ્બર ૧૯૩૨ના રોજ તેઓ લખે છેઃ
‘કેટલીક વાર મનોમન ક્ષોભ પામું છંુ કે મારા દેશબાંધવો અને અમારું સાહિત્યજગત મારા કર્તૃત્વની કદર કરી શકે એ માટે બહારના જગતમાં મારો મહિમા થાય એની રાહ જોવાની થઈ…. (મારાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કરીને) તે અંગ્રેજી વાચકો પાસે મૂકવાનું ન વિચાર્યું હોત તો મારા એ અનુવાદો કેવળ નિજાનંદ માટે હતા. જાહેરમાં મૂકવા માટે નહોતા. જો એવું બન્યું હોત તો જીવનપર્યંત મને આનંદ અને સંતોષ હોત. તમે ફ્રી એક વાર (વીસમી સદીના મહાનતમ કવિઓમાંના એક એવા ઈંગ્લેન્ડના) યેટ્સનો મારા વતી પાડ માનજો કે મારી કૃતિઓના વિદેશી અવતારના જોખમી સાહસમાં એમણે મદદ કરી. એમના સાહિત્ય-બંધુત્વનું મૂલ્ય હું જરાય ઓછું નથી કરતો. પછી તો મેં મારી ગદ્ય-પદ્ય કૃતિઓના અંગ્રેજી અનુવાદો કોઈની સહાય વિના કર્યા છે. પણ એ તો મારા વિચારોની અભિવ્યકિત માટે, મારી નથી એ ભાષાની મારી ક્ષમતા સિદ્ધ કરવા નહીં.’
ટાગોરના આ પત્રો ખરેખર વિસ્મય પમાડે છે. કવિવરના આંતરજગતમાં લટાર મારવા માટે ટાગોર-રોધેન્સ્ટાઇના દ્વિપક્ષી પત્રવ્યવહારવાળો આખો લેખ વાંચવા જેવો છે, જે રવીન્દ્રચર્યા નામના નિરંજન ભગત- રાજેન્દ્ર શુક્લ - શૈલેશ પારેખ સંપાદિત પુસ્તકનો હિસ્સો છે.

0 0 0 

No comments:

Post a Comment