Thursday, March 23, 2017

હવે બહુ થયું, બીબીસી!

ટેક ઓફ
ભારતમાં એક લાખ કરતાંય વધારે રજિસ્ટર્ડ સમાચારપત્રો છે અને ચોવીસે કલાક નોનસ્ટોપ ચાલતી 400 કરતાંય વધારે ન્યુઝ ચેનલો છે. આમ છતાં આપણે ત્યાં એક પણ તગડું ગ્લોબલ ન્યુઝ નેટવર્ક નથી, જેની ઓફિસો દુનિયાભરનાં મહત્ત્વનાં મહાનગરોમાં ધમધમતી હોય અને જેના રિપોર્ટરો દુનિયાના ખૂણે-ખૂણે ઝપાટાબંધ પહોંંચીને જે-તે ઘટનાનું આપણા દષ્ટિકોણથી ફર્સ્ટહેન્ડ રિપોર્ટિંગ કરીને વર્લ્ડ ઓડિયન્સ સુધી પહોંચાડતી હોય.   



વ હિમ ઓર હેટ હિમ, બટ યુ કેન નોટ ઇગ્નોર હિમ. તમે એને ગમાડો કે ધિક્કારો, પણ તમે એની અવગણના તો ન કરી શકો. નોનસ્ટોપ બૂમાબૂમ અને અતિ આક્રમક શૈલી માટે જાણીતા ન્યૂઝ એન્કર અર્ણવ ગોસ્વામી માટે આ પંકિત પરફ્ેકટ લાગુ પડે છે. ટાઈમ્સ નાઉ અંગ્રેજી ન્યૂઝ ચેનલ અને અર્ણવ ગોસ્વામી લગભગ સમાનાર્થી બની ગયાં હતાં, પણ અર્ણવે તે છોડી એ વાતને સાડાત્રણ મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે. એમની પોતાની રિપબ્લિક ટીવી નામની અંગ્રેજી ન્યૂઝ ચેનલ થોડાં અઠવાડિયાઓમાં લોન્ચ થઈ જવી જોઈએ.
ચેનલનુ મૂળ નામ રિપબ્લિક હતું, પણ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક કરતાં વધારે વખત ધ્યાન દોર્યું હતું કે ભાઈ, તમે કોઈ પણ ધંધાદારી સાહસનું નામ રિપબ્લિક ન રાખી શકો. જો રાખશો તો એમ્બલમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ) એક્ટ - 1950 હેઠળ ભારતીય કાનૂનનું ઉલ્લંઘન કર્યું ગણાશે. સુબ્રમણ્યમ સ્વામીની વાતને ધરાર કાને ધરવામાં ન આવી એટલે જાન્યુઆરીમાં તેમણે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીને પત્ર લખીને ફરિયાદ નોંધાવી. સાથે ચીમકી આપી કે જો સરકાર કોઈ નહીં લે હું કોર્ટમાં જઈશ. આથી અર્ણવ વેળાસર ચેનલનું રિપબ્લિક નામ બદલીને રિપબ્લિક ટીવી કરી નાખ્યું. 
કોઈ ન્યુઝ ચેનલ લોન્ચ થાય તેની પહેલાં જ એના વિશે આટલી બધી હાઈપ ઊભી થઈ ગઈ હોય એવું અગાઉ ક્યારેય બન્યું નથી. રિપબ્લિક ટીવી શરુ કરવા પાછળ અર્ણવનો ઇરાદો શો છે? ડિસેમ્બર ૨૦૧૫માં એક મીડિયા ઇવેન્ટમાં અર્ણવ ગોસ્વામીએ આડકતરી રીતે ઈશારો આપી દીધો હતો. પબ્લિક ડિબેટ પ્રકારની ઇવેન્ટ રશિયા ટુડે (આરટી) ચેનલની દસમી એનિવર્સરી નિમિત્તે યોજવામાં આવેલી હતી. અર્ણવે કહૃાું હતું કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓના ટીવી ક્વરેજમાં બીબીસી અને સીએનએનનું આધિપત્ય બહુ ચાલ્યું. જે રીતે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ તેમજ વિશ્લેષણ આખી દુનિયા સામે રજૂ કરવામાં આવે છે તેમાં પશ્ર્ચિમનો દષ્ટિકોણ સર્વોપરી હોવાનો.
સીએનએન (કેબલ ન્યૂઝ નેટવર્ક) દુનિયાની પહેલી ગ્લોબલ ન્યૂઝ ચેનલ છે. તેની સ્થાપના ૧૯૮૦માં થઈ હતી. બીબીસી (બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન)વર્લ્ડ ચેનલ ૧૯૯૧માં લોન્ચ થઈ. તે વખતે તેનું નામ બીબીસી વર્લ્ડ સર્વિસ ટીવી હતું. બીબીસી ઈંગ્લેન્ડની સમાચાર સંસ્થા છે. સીએનએન અમેરિકન છે. વાત કેવળ ટીવી ચેનલો પૂરતી સીમિત નથી. આપણું પ્રિન્ટ મીડિયા પરદેશના સમાચારો માટે દાયકાઓથી જે ન્યૂઝ એજન્સીઓ પર આધાર રાખતું આવ્યું છે તે સઘળી વિદેશી છે. રોઈટર્સનું હેડકવાર્ટર લંડનમાં છે, એએફ્પી (જેનો ફ્રેન્ચ ઉચ્ચાર એજોન્સ ફ્રોન્સ પ્રેસ એવો થાય છે)નું હેડકવાર્ટર પેરિસમાં છે, જ્યારે એપી (અસોસિયેટેડ પ્રેસ)નું વડું મથક ન્યૂયોર્કમાં છે. આ આપણા મુખ્ય સોર્સ છે, વિદેશી ઘટનાઓના સમાચાર માટેના. ઇન્ટરનેટને સમાચારને સોર્સ તરીકે ઉપયોગ કરવાનું શરૂ ર્ક્યું તે વાતને એક્-દોઢ દાયકા કરતાં વધારે સમય થયો નથી.
ઇવેન્ટમાં આંકડા ટાંકતા કહેવાયું હતું કે લગભગ ૯૧ ટકા ભારતીયોને વિદેશમાં બનતી ઘટનાઓના સમાચારમાં રસ પડે છે. તેની સામે અમેરિકા-ઇંગ્લેન્ડના માત્ર ૪૪થી ૪૬ ટકા લોકો જ પરદેશના સમાચારોને ફોલો કરે છે. આંકડાની ચોક્સાઈમાં હાલ ન પડીએ, પણ મુદ્દો એ છે કે દુનિયાની ગતિવિધિ જાણવામાં આપણને જેટલો રસ પડે છે એટલો ગોરાઓને પડતો નથી. આ સમજાય તેવું છે. તેઓ આર્થિક રીતે સુખી-સંપન્ન પ્રજા છે, આત્મનિર્ભર છે, તેમનું માનસિક બંધારણ જુદું છે, સામાજિક-સાંસ્કૃતિક-ઐતિહાસિક સંદર્ભો જુદા છે. દુનિયાના બીજા ખૂણાઓમાં શું ચાલી રહૃાું છે તે જાણવાની તાલાવેલી જેટલી આપણને હોય છે એટલી ત્યાંની આમજનતાને ન હોય. આમ છતાં ગ્લોબલ ન્યૂઝના ૭૪ ટકા સ્ત્રોત પર અમેરિકા-ઇંગ્લેન્ડનું આધિપત્ય છે. એશિયાની સમાચાર સંસ્થાઓનો ફળો કેવળ ત્રણ ટકા જેટલો છે! આ અસંતુલન આંખો પહોળી કરી નાંખે એટલું મોટું છે. બીબીસી, બાય ધ વે, હવે ગુજરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુ ભાષામાં પણ ટીવી ચેનલો લોન્ચ કરવા જઈ રહી છે. 

રજિસ્ટ્રાર ઓફ્ ન્યૂઝપેપર્સ ઓફ ઇન્ડિયા (આરએનઆઈ) અનુસાર, ૩૧ માર્ચ ૨૦૧૫ના રોજ ભારતમાં રજિસ્ટર્ડ સમાચારપત્રોની સંખ્યા ૧,૦૫,૪૪૩ હતી. એક લાખ કરતાંય વધારે છાપાં! આમાંથી કેટલાં ચાલતા હશે તે અલગ વિષય છે. રજિસ્ટર્ડ અંગ્રેજી સમાચારપત્રોનો આંકડો ૧૩,૬૬૧ પર પહોંચ્યો હતો. ચોવીસે કલાક અને સાતેય દિવસ નોનસ્ટોપ ચાલતી ન્યૂઝ ચેનલ્સની સંખ્યા ૪૦૦ કરતાંય વધારે છે. આમ છતાં ભારતમાં એક પણ તગડું ગ્લોબલ ન્યૂઝ નેટવર્ક નથી, જેની ઓફ્સિો લંડન-ન્યૂયોર્ક-પેરિસ-મોસ્કે-સિડની-મિડલ ઇસ્ટમાં ધમધમતી હોય, રિપોર્ટરોની આખી ફેજ હોય જે દુનિયાના ખૂણે-ખૂણે ઝપાટાબંધ દોડી જઈને ઘટનાઓ ક્વર ક્રતી હોય અને આપણા દષ્ટિકોણથી વર્લ્ડ ઓડિયન્સ સુધી પહોંચાડતી હોય.
ગયા નવેમ્બરમાં એક ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે, ‘ભારત પાસે વર્લ્ડ કલાસ મીડિયા હોવું જોઈએ. સીએનએન, બીબીસી અને અલ જઝીરાને આપણે પડકાર તરીકે જોવા જોઈએ. આનું કારણ એ છે કે જો દુનિયામાં ભારત એક મહત્ત્વના દેશ તરીકે ઊપસી રહૃાો હોય તો આપણને જે મુદ્દા સૌથી મહત્ત્વના લાગે છે તે તમામ દુનિયા સુધી અસરકારક રીતે પહોંચવા જોઈએ.’
માણસ હોય કે સંસ્થા, સૌને પોતાની આસપાસની પરિસ્થિતિઓ, પ્રશ્નો અને પ્રજાની સૌથી વધારે પરવા હોય છે. આ બિલકુલ સ્વાભાવિક વાત છે. બીબીસી-સીએનએન મંુબઈમાં થયેલા આંતકવાદી હુમલાનું અથવા આફ્રિકાના કેઈ ગરીબ દેશમાં ફેલાયેલી ખતરનાક બીમારીનું રિપોર્ટિંગ એટલી તીવ્રતાથી કે જોશભેર નહીં જ કરે, જેટલું પેરિસના આતંકવાદી હુમલાનું કરશે. 

બીબીસી-સીએનએનનો એકાધિકાર તોડવાના પ્રયાસો સાવ થયા નથી એવુંય નથી. અલ જઝીરા ચેનલ ૧૯૯૬ની સાલમાં દોહામાં આંશિક રીતે કતારના શાસક પરિવારના પૈસે શરૂ થઈ. અલ જઝીરા લોન્ચ થઈ તેની પહેલાં બીબીસીએ એરેબિક ભાષામાં ચેનલ શરૂ કરી હતી, પણ તેના પર વધારે પડતા અંકુશ મૂકવામાં આવતાં દોઢ જ વર્ષમાં બંધ કરી દેવામાં આવી હતી. ૨૦૦૫માં અલ જઝીરાની ઇંગ્લિશ ચેનલ (એજેઈ) શરૂ થઈ. લંડન, વોશિંગ્ટન અને કુલાઆલુમ્પુરમાં તેની ઓફિસો  ખૂલી. મિડલ ઇસ્ટમાં હેડકવાર્ટર હોય તેવી દુનિયાની આ પહેલી અંગ્રેજી ગ્લોબલ ન્યૂઝ ચેનલ છે. અલ જઝીરા પર એન્ટિ-અમેરિકન હોવાનો આક્ષેપો થતા રહૃાા છે, પણ આ એક સફ્ળ નોન-અમેરિકન અને નોન-બ્રિટિશ ગ્લોબલ ચેનલ છે તે હકીક્ત છે. 
આ સિવાય ઇરાનની પ્રેસ ટીવી નામની અંગ્રેજી ચેનલ છે, રશિયા ટુડે ચેનલ છે, સીસીટીવી-નાઈન નામની ચાઈનીઝ ચેનલ છે. સીસીટીવી-નાઈન ચેનલ ગ્લોબલ ન્યૂઝ પણ ડોકયુમેન્ટરી પ્રસારિત કરે છે. એની અંગ્રેજી આવૃત્તિનું નામ આ વર્ષની શરૂઆતમાં બદલીને સીજીટીએન ડોકયુમેન્ટરી કરી નાંખવામાં આવ્યું છે. આ સૌ ગ્લોબલ ચેનલોએ બીબીસી-સીએનએનના આધિપત્યને પડકાર્યું છે.
અર્ણવ ગોસ્વામી કહે છે તેમ, દસ-બાર વર્ષ પહેલાં કોણે વિચાર્યું  હતું કે ભારત દુનિયાનું સોફ્ટવેર કેપિટલ બની જશે. ગ્લોબલ ન્યૂઝના મામલામાં પણ ભારત એક તગડું ખેલાડી બનીને ઊભરી શકે છે. અલબત્ત, ગ્લોબલ ન્યૂઝ નેટવર્ક સફ્ળતાપૂર્વક ચલાવવા માટે વિઝન, અનુભવ અને પ્રતિભા ઉપરાંત ચિક્કાર નાણાં પણ જોઈએ. જેમ કે, રશિયા ટુડે ચેનલ ચલાવવાનો અંદાજિત વાર્ષિક ખર્ચ ૩૦થી ૪૦ મિલિયન ડોલર જેટલો આવે છે. ફ્રાન્સ-ટ્વેન્ટીફોર ચેનલનું વાર્ષિક બજેટ અંદાજે ૧૦૦ મિલિયન ડોલર છે! આટલી વિરાટ ધનરાશિ સરકાર હાથ મિલાવે તો જરૂર પ્રાપ્ત થાય, પણ સરકારની દરમિયાનગીરીથી મામલો પેચીદો બની જાય. વાત ફ્કત ગ્લોબલ બનવાની નથી, ‘ઇન્ડીપેન્ડન્ટ જર્નલિઝમ’ની પણ છે. એ જે હોય તે, આવનારા વર્ષો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ કવરેજના મામલામાં ઇન્ટરેસ્ટિંગ પુરવાર થવાના એ તો નક્કી. 0 0 0 
(Sandesh - Ardh Saptahik Supplement - 22 March 217 - Edited version) 
0 0 0 

No comments:

Post a Comment