Wednesday, December 7, 2016

પુરુષે કેટલી હદે સ્ત્રી જેવા બનવું જોઈએ?

Sandesh - Ardh Saptahik Purti - 7 Dec 2016
ટેક ઓફ
હવે પુરુષને પણ સર્વશ્રેષ્ઠ સ્ત્રી હોવાનું બહુમાન મળી શકે છે! સ્ત્રી-પુરુષ વચ્ચે આના કરતાં વધારે કેટલી સમાનતા જોઈએ છે તમારે?

મે કદાચ બોનોના નામથી પરિચિત હશો. કદાચ ન પણ હો. સૌથી પહેલી વાત તો એ કે તે મન, શરીર અને કાયદાથી બાલબચ્ચાવાળો પ્રોપર પુરુષ છે. બીજું, એ ફેમસ રોકસ્ટાર છે. બાવીસ ગ્રેમી એવોર્ડ્ઝ જીતી ચૂકેલા U2 નામના સુપરહિટ રોક-બેન્ડનો સભ્ય છે.
તમે કદાચ ‘ગ્લેમર’ નામના અમેરિકન મેગેઝિનનું નામ સાંભળ્યું હશે. ન પણ સાંભળ્યું હોય. દુનિયાભરના સત્તર દેશોમાંથી પ્રગટ થતાં સ્ત્રીઓ માટેના આ ટિપિકલ સામયિકમાં ફેશન, મેકઅપ, રેસિપી, સંબંધો, સેકસ વગેરે જેવી ગ્લોસી સામગ્રી છપાતી રહે છે.
આજકાલ બોનો અને ‘ગ્લેમર’ બંને ન્યૂઝમાં છે. ‘ગ્લેમરે’ તાજેતરમાં બોનોને ‘વુમન ઓફ્ ધ યર’ એવોર્ડ આપ્યો. એવોર્ડના દાવેદાર તરીકે કેટલીય સફ્ળ સ્ત્ર્રીઓ ક્તારમાં હતી બોનો નામનો ભાયડો આ બધી બાઈઓને પાછળ રાખીને ‘દુનિયાની સર્વોત્તમ સ્ત્રી’ હોવાનું સન્માન જીતી ગયો, એટલું જ નહીં, ઝાકઝમાળભરી સેરીમનીમાં એણે હરખાતાં હરખાતાં ઠાવકી સ્પીચ પણ આપી. બોનો રોકસ્ટાર ઉપરાંત એકિટવિસ્ટ પણ છે. દુનિયામાં સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા સ્થપાય તે માટે એ ઉત્તમ કામગીરી કરી રહૃાો હોવાથી એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે એવું મેગેઝિનવાળાઓનું ક્હેવું છે.
તો દોસ્તો, વાત હવે અહીં સુધી પહોંચી ચૂકી છે. હવે પુરુષને પણ સર્વશ્રેષ્ઠ સ્ત્રી હોવાનું બહુમાન મળી શકે છે! સ્ત્રી-પુરુષ વચ્ચે આના કરતાં વધારે કેટલી સમાનતા જોઈએ છે તમારે?
અલબત્ત, ‘ગ્લેમર’ના આ ગતકડાંની ટીકા અને મજાક પણ ઘણા થયા છે. શું મેગેઝિનની એડિટોરિયલ ટીમને દુનિયાની ૩.૫૨ અબજ સ્ત્રીઓમાંથી એવોર્ડ આપી શકાય એવી એક પણ લાયક મહિલા ન મળી કે મરદ મૂછાળાને બોલાવવો પડયો? ભરપૂર લાયકાત હોવા છતાં સ્ત્રીઓને તક, નોકરી તથા પોઝિશન મળતાં નથી એવી ફરિયાદો સતત થતી રહે છે અને આ એવોર્ડે આ વાત ફરી એકવાર સાબિત કરી આપી! કોઈએ કમેન્ટ કરી કે તો શું હવે આપણી દીકરીઓએ એવી પ્રેરણા લેવાની કે મોટા થઈને અમારે બોનો બનવું છે? યુનાઈટેડ નેશન્સ ઇચ્છે છે કે સાલ ૨૦૩૦ સુધીમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા ખતમ થઈ જવી જોઈએ. વિશ્વભરની બાલિકાઓ અને મહિલાઓના સશક્તિકરણ માટે યુનાઈટેડ નેશન્સે જે કાર્યક્રમ ઘડયો છે એની એમ્બેસેડર કોણ છે? વંડર વુમન નામનું કાર્ટુન કેરેકટર! બોનોને એવોર્ડ મળ્યો એટલે ઉકળનારાઓ પાછા ઊકળી પડયાઃ આ શું થવા બેઠું છે? એક કાર્ટુનને યુએન જેવી સંસ્થા સ્ત્ર્રી સશક્તિકરણનું પ્રતીક બનાવે છે અને એક પુરુષને દુનિયાની સર્વોત્તમ સ્ત્રી હોવાનું સન્માન મળે છે. ધરતી પર હવે અસલી સ્ત્રીઓ બચી જ નથી કે શું?
સ્ત્રી-પુરુષ સમાનતા બહુ જ નાજુક અને પેચીદો મામલો છે. સુશિક્ષિત ઘરમાં પેદા થયેલા વીસ-ત્રીસ ઇવન ચાલીસ વર્ષના શહેરી ડિસન્ટ પુરુષોને ઘણી વાર સમજાતું નથી આ આખો હોબાળો શા માટે થઈ રહૃાો છે? કારણ કે તેઓ પેટમાં હતા છેક ત્યારે પણ એમની મમ્મીઓ જોબ કરતી હતી, નિર્ણયો લેતી હતી અને આર્થિક રીતે સ્વતંત્ર હતી. નાનપણથી એમણે સતત પોતાની મા ઉપરાંત કાકીઓ, માસીઓ, ફોઈઓ, બહેનો, પાડોશમાં રહેતી આન્ટીઓને નોકરી કરતાં, પૈસા કમાતાં, કરિઅર બનાવતા જોઈ છે. એમની ફ્રેન્ડ્સ, ગર્લફ્રેન્ડ્સ, પત્ની, ઓફ્સિની કલિગ્સ, બોસ વગેરે રેગ્યુલર મહિલાઓ છે. મહિલા-બોસ અને પુુરુષને એકબીજા સાથે કામ કરવામાં ક્યારેય કોઈ પ્રકારની ગ્રંથિ અનુભવ થતો નથી કે ઓકવર્ડ લાગતું નથી. કચડાયેલી, શોષિત અને ગરીબ ગાય જેવી સ્ત્રીની દુઃખી ઇમેજ સાથે આ પુરુષના વર્તુળમાં ગોઠવાયેલી મહિલાઓને નહાવાનિચોવવાનો ય સંબંધ નથી. 
ફ્કત સફ્ળ થવા માટે અને કરિઅરમાં આગળ વધવા માટે જ નહીં, પણ બગડવા માટે, બેવફાઈ કરવા માટે, બેફામ સંબંધો બાંધવા માટે પણ શહેરની ક્માતી ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રીઓને પુરુષો જેટલી જ તકો મળે છે! કરિઅર માટે વતન છોડીને મોટા શહેરમાં આવેલો, સ્વજનોની હૂંફ્થી દૂર રહેતો આજનો સંસ્કારી સોફ્સ્ટિીકેટેડ પુરુષ, એ ટેકનિક્લી પોતાનું ઘર કે પિયર છોડીને આવેલી સ્ત્રી જેટલો જ વલ્નરેબલ છે – લાગણીના સ્તરે, આર્થિક સ્તરે, સામાજિક સ્તરે! આ પુરુષ વ્યકિતગત સ્તરે સ્ત્રી-સશકિતકરણના ઢોલનગરાં સાથે ઘણી વાર આઇડેન્ટિફાય કરી શકતો નથી, કારણ કે એણે સ્ત્રી-પુરુષને સમાન સ્તરે જ જોયા છે અને અનુભવ્યા છે. બાળપણથી એનો પનારો સ્ટ્રોન્ગ અને ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રીઓ સાથે જ પડયો છે. અલબત્ત, આ પ્રકારનું માઇન્ડસેટ ધરાવતા પુરુષો કરતાં આવું માઇન્ડસેટ ન ધરાવતા પુરુષોની સંખ્યા ઘણી મોટી હોવાની.

આજની સ્ત્રી પુરુષ જેવી અને પુરુષ સ્ત્ર્રી જેવો બની રહૃાો છે તે વાત કેટલી હદે સાચી છે? એક તાજા અભ્યાસ પરથી વાત બહાર આવી છે કે પુરુષની શરીરરચનામાં કાળક્રમે ફેરફરો થયા ન હોત અને એ વધુ ને વધુ ફેમિનાઇન (સ્ત્રી જેવો) બન્યો ન હોત તો પૃથ્વી પર માણસજાતની ઉત્ક્રાંતિ અથવા વિકાસ થઈ જ શકયો ન હોત! ગુફાયુગ શરૂ થયો તેની પહેલાંના એકાદ લાખ વર્ષ સુધી પુરુષો નિરુદ્દેશ ર્ફ્યા કરતાં હતા. સમયની સાથે પુરુષના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં ઘટાડો થતાં તેે ઓછો આક્રમક અને વધારે ‘સ્ત્રી જેવો’ બન્યો, એનું શરીર પ્રમાણમાં ઓછું સ્નાયુબદ્ધ બન્યું, તેનામાં અન્ય મનુષ્યપ્રાણીઓ સાથે સંબંધ બાંધવાની અને સહકાર આપવાની ‘સોશિયલ સ્કિલ’ આવી. ધીમે ધીમેએ ગુફામાં રહેતો થયો, મારે બહાર જઈને માદા અને બચ્ચા માટે શિકાર કરવાનો છે એવી ભાવના વિકસી. પછી તીર-કામઠાં જેવાં હથિયારો બનાવતા તેમજ માછલી પકડતા શીખ્યોને આ રીતે માનવઉત્ક્રાંતિ તેમજ માનવસંસ્કૃતિનો સિલસિલો આગળ વધ્યો. ટૂંકમાં, પુરુષત્વના પ્રતીક જેવા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ ઘટવાથી પુરુષો થોડા થોડા ‘સ્ત્રી જેવા’ સૌમ્ય અને સંવેદનશીલ બન્યા ન હોત તો આજેય માનવજાત ભૂતકાળના કોણ જાણે ક્યા યુગમાં જીવતો હોત!
જો આ થિયરીને જડબેસલાક સાચી હોય તો એનો સાદો અર્થ એ થયો કે પુરુષ પોતાની ટિપિકલ મર્દાનગી છોડીને ક્રમશઃ સ્ત્રી જેવો બનતો જાય એ ઉત્ક્રાંતિનો તકાજો છે! પુરુષો, સાવધાન! જો તમારે પૃથ્વીના પટ પરથી સાવ નિર્મૂળ ન થઈ જવું હોય તો તમારી ‘ફેમિનાઈન સાઈડ’ને ઝપાટાભેર અપનાવતા શીખી જવું પડશે. વેલ, લાગે છે કે પુરુષો સારું પરફોર્મ કરી રહૃાા છે. જુઓને, હવે તો પુરુષને સર્વશ્રેષ્ઠ સ્ત્રીનો એવોર્ડ પણ મળવા લાગ્યો છે. શાબાશ!
0 0 0 

No comments:

Post a Comment