Wednesday, June 15, 2016

ટેક ઓફ : ઉડતા ફૂટબોલ : પંજાબનાં એક ગામે ડ્રગ્ઝના દૈત્યનો મુકાબલો શી રીતે કર્યો?

Sandesh - Ardh Saptahik Purti - 15 June 2016
ટેક ઓફ 
 સાદો સિદ્ધાંત છેઃ જુવાનિયાઓમાં સ્પોર્ટ્સનાં માધ્યમ દ્વારા એટલું પેશન, આત્મસન્માન તેમજ વિશ્વાસ જગાવી દો કે તેમને બીજા કોઈ નશાનો વિચાર જ ન આવે. ધારો કે તેમને કોઈ બંધાણનો ચસકો લાગી ચૂકયો હોય તોય એમાંથી ધીમે ધીમે તેમાંથી બહાર આવતા જાય. યુવાનોને ડ્રગ્ઝના દૂષણથી બચાવવા માટે પંજાબના રુરકા કલાન નામનાં ગામે સ્પોર્ટ્સનો સફળ ઉપયોગ કરી જાણ્યો છે.



'ઉડતા પંજાબ' ફિલ્મ કેટલાય દિવસોથી ચર્ચામાં છે. નશીલી દવા યા ડ્રગ્ઝની સમસ્યા નવેસરથી એકદમ પ્રકાશમાં આવી છે. આ સંદર્ભમાં પંજાબના જલંધર જિલ્લામાં આવેલા રુરકા કલામ નામનાં નાનકડાં ગામની વાત કરવી છે.
વર્ષ હશે ૧૯૯૭નું. બાવીસ વર્ષનો ગુરુમંગલદાસ સોની નામનો એક સ્થાનિક જુવાનિયો તાજો તાજો ઈલેક્ટ્રોનિકસ એન્જિનિયર બન્યો હતો. એને હજુ આગળ ભણવાની હોંશ હતી. સદભાગ્યે એને અમેરિકાની મિશિગન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન પણ મળી ગયું હતું. આ ઉંમરે જુવાનિયાઓ જોતાં હોય એવાં બધાં સપનાં એ પણ જોઈ રહ્યો હતો. એયને અમેરિકાની ડિગ્રી લઈને ત્યાં જ સેટલ થઈ જઈશ, તગડા પગારવાળી જોબ હશે, વૈભવી લાઈફસ્ટાઈલ હશે, લાઈફ મસ્ત સેટ થઈ જશે. એના મનમાં એવું ય હતું કે અમેરિકાથી પિતાજીને પૈસા મોકલતો રહીશ. પિતાજી એમાંથી પરિવાર માટે અને ગામના કલ્યાણ માટે પૈસા ખર્ચતા રહેશે.
પ્લાન સરળ અને મજાનો હતો, પણ ગુરુમંગલદાસે છેલ્લી ઘડીએ અમેરિકા જવાનું માંડી વાળ્યું. એણે જોયું કે વતનને એના પૈસાની નહીં, પણ પરસેવાની, શારીરિક હાજરીની અને દ્રષ્ટિની વધારે જરૂર છે. ગુરુમંગલદાસનું મન બદલી જવાનું કારણ ગામના જુવાનિયા હતા. તેઓ નશીલી દવાના બંધાણી થઈ ચૂક્યા હતા. તેમની હાલત બદથી બદતર થઈ રહી હતી. ખાસ કરીને ગામના ખેતમજૂરોના સંતાનો નશીલી દવાઓના બહુ જલદી શિકાર બની રહ્યા હતા. આખા પંજાબની આ હાલત હતી. પંજાબનો યુવાવર્ગનો થથરી જવાય એવડો તોતિંગ હિસ્સો વત્તેઓછે અંશે ડ્રગ્ઝની લપેટમાં આવી ચૂક્યો હતો. આમાં ગરીબથી લઈને તવંગર સુધીના બધા આવી ગયા. ડ્રગ્ઝને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું હતું. એક અહેવાલ પ્રમાણે આજે ય આખા દેશની એવરેજની તુલનામાં પંજાબમાં નશીલી દવાનો  વપરાશ નવ ગણો વધારે છે. પંજાબની સરહદ નશીલી દવાઓનું સૌથી મહત્ત્વનું એન્ટ્રી પોઈન્ટ ગણાય છે. પાકિસ્તાનમાંથી ઘુસાડવામાં આવતી ડ્રગ્ઝ વાયા પંજાબ થઈને પછી આખા દેશમાં સરક્યુલેટ થાય છે. આ આતંકવાદી પ્રવૃત્તિઓનો જ એક હિસ્સો છે.
જુવાનિયાઓને નશીલી દવાના બંધાણમાંથી બહાર કાઢવાનો ઉપાય ગુરુમંગલદાસને રમતગમતમાં દેખાયો. એક જમાનામાં રુરકા કલાન સ્પોર્ટ્સમાં ખૂબ આગળ હતું. કમનસીબે ગામનો રમતગમતનો માહોલ ક્રમશઃ મંદ થતો ગયો. ૧૯૯૦ના દશક સુધીમાં તો સ્પોર્ટ્સ પ્રત્યેનું આકર્ષણ સાવ ઓસરી ચૂકયું હતું. જુવાનિયાઓ ડ્રગ્ઝમાંથી ઊંચા આવે તો રમતગમત વિશે કંઈક વિચારેને. ગુરુમંગલદાસને લાગ્યું કે ગામમાં સ્પોર્ટ્સ કલ્ચરને પાછું જીવતું કરવું પડશે અને બાળકો-યુવાનોને રમતગમત સાથે જોડવાં પડશે.
કોઈપણ કામ નાણાં વગર થતું નથી. ગુરુમંગલદાસ અને એમના દોસ્તારો કશીક સ્પર્ધામાં ઈનામ તરીકે એક લાખ રૂપિયા જીત્યા હતા. ગુરુમંગલદાસે સૌને કન્વિન્સ કર્યા કે આ પૈસા સરખે ભાગે વહેંચી લેવાને બદલે એમાંથી ગામમાં ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કરીએ ને બીજી સુવિધાઓ ઊભી કરીએ. ગુરુમંગલદાસને ખુદને ફૂટબોલનો જબરો શોખ રહ્યો છે. પોતાની કોલેજમાં તેઓ સ્પોર્ટ્સ સ્ટાર ગણાતા. એમના પિતાજીએ બાપીકી જમીનનો એક મોટો ટુકડો ગામના નામે કરી આપ્યો. જમીન ઉબડખાબડ હતી ને તેના પર ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં. ગામના ખેડૂતોને મદદની અપીલ કરવામાં આવી. ખેડૂતો શ્રમદાન કરવા તૈયાર થયા. તેમણે પરસેવો રેડીને મેદાનને સમથળ કરી આપ્યું. છેક વીસ કિલોમીટર દૂરથી માટી ઊંચકી લાવવામાં આવતી. જોતજોતામાં સરસ મજાનું ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું.

મેદાન તો બન્યું, પણ લોકો ત્યાં રમવા પણ આવવા જોઈએને. કેટલાંય વાલીઓ સ્પોર્ટ્સને સમયનો વેડફાટ ગણે છે. આ ખોટું છે. ડ્રગ્ઝની કે બીજી કોઈ સમસ્યાથી છૂટવા માટે જ નહીં, પણ સામાન્ય સંજોગોમાં ય ખેલકૂદ ખૂબ જરૂરી છે. બાળકના શારીરિક અને મનોવૈજ્ઞાાનિક એમ બંને પ્રકારના વિકાસ માટે પણ ખેલકૂદનું ખૂબ મહત્ત્વ છે. સ્પોર્ટ્સ બાળકને જીતતાં જ નહીં, હારતાં પણ શીખવે છે. હારને ખેલદિલીપૂર્વક પચાવતાં શીખવે છે. મેચમાં કયારેક જીત થાય તો કયારેક હાર પણ થાય. એકવાર મેચ હારી ગયા તો શું થયું, નાહિંમત થયા વગર વધારે પ્રેક્ટિસ કરવાની, ફરીથી મેદાનમાં ઊતરવાનું, ફરીથી લડત આપવાની ને જીતી બતાવવાનું. સ્પોર્ટ્સને લીધે બાળકોને નાનપણમાં મળેલા આ સંસ્કાર આગળ જતાં જીવનનાં તમામ ક્ષેત્રોમાં કામ આવે છે.
ગુરુમંગલદાસને રુરકા કલાનના બચ્ચાઓમાં ફૂટબોલપ્રેમ પાછો જગાડવો હતો. એમણે વાલીઓને સમજાવ્યા, સ્કૂલોમાં જઈને શિક્ષકો-પ્રિન્સિપાલોને મળ્યા. નવા તૈયાર થયેલા ફૂટબોલ ગ્રાઉન્ડ પર ધીમે ધીમે છોકરાઓ રમવા આવવા લાગ્યા. દલિત પરિવારોને સમજાવવાનું વિશેષ મુશ્કેલ સાબિત થતું હતું. પણ ધીમેધીમે તેમનાં સંતાનો ય આવવાં લાગ્યાં. સારા કોચની વ્યવસ્થા કરવામાં આવી. ગામમાં રમતગમતનો માહોલ બનવા માંડયો. નવરાશના સમયમાં ડ્રગ્ઝ તરફ આકર્ષાતા તરુણો-યુવાનો હવે ફૂટબોલ ગ્રાઉન્ડ પર પરસેવો પાડતા થયા. યુવાનોની ધોધમાર ઊર્જાને વહેવા માટે એક સરસ દિશા સાંપડી. અમુક બાળકો બહુ સારું ફૂટબોલ રમી શકે તેમ હતા, પણ તેમને રહેવાની અને ખાવાપીવાની સમસ્યા હતી. સારા આશાસ્પદ ખેલાડીઓને ગુરુમંગલદાસ અને એમનાં પત્ની પોતાનાં ઘરે રાખતા.
રુરકા કલાન ગામના ખૂબ બધા લોકો અમેરિકા-કેનેડામાં સ્થાયી થયા છે. તેમના તરફથી સારી એવી આર્થિક મદદ મળવાની શરૂઆત થઈ. એ નોન-રેસિડન્ટ-પંજાબીઓ સારી રીતે જાણે છે કે જુવાનિયાઓને સાચી દિશામાં વ્યસ્ત રાખવા હશે તો ખેલકૂદ કરતાં બહેતર કોઈ વિકલ્પ નથી. ૨૦૦૧માં રુરકા કલાનમાં એક રેસિડેન્શિયલ ફૂટબોલ એકેડેમી સ્થાપવામાં આવી. એને નામ આપવામાં આવ્યું, વાયએફસી (યૂથ ફૂટબોલ કલબ). દર વર્ષે સૌથી આશાસ્પદ એવા વીસથી પચ્ચીસ ખેલાડીઓને પસંદ કરીને તેમને એકડેમીમાં એડમિશન આપવાનું શરૂ થયું. છોકરાઓએ અહીં જ રહેવાનું, ખાવાનું-પીવાનું ને ફૂટબોલની રમતમાં હોશિયાર બનવાનું. એમના ભણતરનો ખર્ચ પણ એકેડેમી જ ઉઠાવે. વાયએફસીને મળતા ભંડોળનો વહીવટ વ્યવસ્થિતપણે થઈ શકે તે માટે ૨૦૦૩માં રજિસ્ટર્ડ સોસાયટી બનાવવામાં આવી.
રુરકા કલામની ફૂટબોલ ટીમે અલગ અલગ ટૂર્નામેન્ટોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. સરસ પરિણામો દેખાવાં લાગ્યાં. છોકરાઓ પ્રોત્સાહિત થતા ગયા. સિનિયર ફૂટબોલ ટીમનું પર્ફોર્મન્સ ઉત્તરોત્તર નીખરતું ગયું તેઓ જે પ્રાઈઝમની લાવતા તેને સ્પોર્ટ્સના વિકાસ માટે જ ઉપયોગમાં લેવાતું.

એક બાજુ પંજાબનું યૂથ ડ્રગ્ઝમાં બરબાદ થઈ રહ્યું હતુ, જયારે બીજી બાજુ રુરકા કલાન નામના આ નાનકડાં ગામના પંજાબી છોકરાઓ ફૂટબોલના દિવ્ય નશામાં રમમાણ રહીને સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હતા. અહીં ડ્રગ્ઝની સમસ્યા નક્કરપણે ઘટી રહી હતી. જેમ ખરાબ વસ્તુ તરત ફેલાય છે એમ સારી વસ્તુ પણ પ્રસર્યા વગર રહેતી નથી. રુરકા કલાનના સ્પોર્ટ્સ કલ્ચરને એક આદર્શ મોડલ તરીકે જોવામાં આવ્યું. યૂથ ફોર ચેન્જ ઇનિશિયેટિવની લોકપ્રિયતા આજુબાજુનાં ગામડામાં પણ ફેલાઈ. ત્યાંથી માગ ઊઠી કે અમારે ત્યાં પણ આવું કેન્દ્ર ખોલો. આજની તારીખે પંજાબમાં યુથ ફોર ચેન્જનાં બાર કેન્દ્રો ધમધમે છે. તમામ કેન્દ્રોમાં બાળકોને સ્પોર્ટ્સ કિટ આપવામાં આવે છે. અનુભવી કોચ દ્વારા તાલીમ અપાય છે અને સ્પોર્ટ્સ કેમ્પનાં આયોજન થાય છે.
છોકરાઓ જો ફૂટબોલમાં સારો દેખાવ કરતા હોય તો છોકરીઓ શા માટે પાછળ રહે? છોકરીઓ એકેડેમી ઓફિસમાં આવીને પૃચ્છા કરવા લાગીઃ તમે અમારા માટે કેમ કશું કરતા નથી? કેનેડાથી આવેલી એક યુવતીએ બીડું ઝડપ્યું. ગામની છોકરીઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનાં આયોજન શરૂ કર્યાં. ગામડાગામમાં મહિલાકોચ તો ક્યાંથી હોય. આથી જેન્ટ્સ કોચ છોકરીઓને તાલીમ આપતા. આપણા સમાજમાં અમુક ટિપિકલ સમસ્યાઓ ઊભી થતી હોય છે. પોાતાની દીકરીઓ ફૂટબોલની ટ્રેનિંગ માટે સ્કૂલ પૂરી થયા પછી સાંજે મોડે સુધી ઘરની બહાર રહે અને જેન્ટ્સ કોચ પાસેથી તાલીમ લે તેની સામે રૂઢિચુસ્ત વાલીઓને વાંધો પડવા લાગ્યો. આ સમસ્યાનો ય તોડ કાઢવામાં આવ્યો. છોકરીઓને સાંજે બોલાવવાની જ નહીં. એમને સ્કૂલ-ટાઈમ દરમિયાન ટ્રેઇનિંગ આપવાની. 
રુરકા ક્લાનમાં આજે ફૂટબોલ કલ્ચર એટલું વિકસી ગયું છે કે, ગામનાં સોએક જેટલાં પરિવારોનો જીવનનિર્વાહ ફૂટબોલને લીધે ચાલે છે. અહીંના ખેલાડીઓની ઉપલબ્ધિઓ પણ જેવી તેવી નથી. રુરકા કલાનની સ્પોર્ટ્સ એકેડેમીમાં તૈયાર થયેલા અનવર અલી નામના ખેલાડી દેશના સૌથી સફળ અને મોંઘા ફૂટબોલ-સ્ટાર્સમાં સ્થાન પામે છે. અહીંના ૧૦૦ કરતાં વધારે ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે અલગ અલગ કેટેગરીમાં રમી ચૂક્યા છે અને ૧૫ વખત ભારતનું ઈન્ટરનેશનલ લેવલ પર પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ૨૦૧૦ માં સાઉથ આફ્રિકામાં યોજાયેલા 'સ્ટ્રીટ ચાઈલ્ડ વર્લ્ડ કપ'માં પણ ભારત તરફથી રુરકા કલામની ટીમને મોકલવામાં આવી હતી.
Anwar Ali

એક તબક્કે અમેરિકા સેટલ થઈને હાઈ-ફાઈ જિંદગી જીવવાનું શમણું જોનારા ગુરમંગલદાસ સોનીએ આખી જિંદગી પોતાના વતનની યુવા પેઢી માટે અર્પણ કરી દીધી છે. તેઓ કહે છે, 'બાળકો માટે બાર વર્ષ સુધીની ઉંમર રમતગમત શીખવાનો ગોલ્ડન પિરિયડ ગણાય. આપણે ત્યાં તો છોકરાઓ ફૂટબોલ રમવાની શરૂઆત જ પંદરેક વર્ષે કરે છે. ખરેખર તો સાવ નાનપણથી જ બચ્ચાઓને સ્પોર્ટ્સ તરફ વાળી દેવા જોઈએ. સ્પોર્ટ્સ જીવનશૈલીનો એક ભાગ હોવો જોઈએ. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે સ્પોર્ટ્સ કરતાં ચડિયાતું બીજું કશું નથી. મેડલો તો પછી આપોઆપ આવશે.'
આ તો ખેર જનરલ વાતો થઈ, પણ સ્પોર્ટ્સ કલ્ચરને લીધે રુરકા કલાન અને તેની આસપાસનાં
Gurumangal Das Soni
ગામોમાં વસતા કેટલાય જુવાનિયોઓ ડ્રગ્ઝના સકંજામાં આવતા બચી શક્યા છે તે બહુ મોટી વાત છે. યુવાનોને ડ્રગ્ઝના દૂષણથી બચાવવા માટે સ્પોર્ટ્સનો અસરકારક માધ્યમ તરીકે ઉપયોગ કરવાના પ્રયોગો દુનિયાભરમાં થાય છે. જેમ કે, બોલિવિયામાં તાહૂચી ફૂટબોલ કલબ શરૂ થઈ હતી, જેનો હજારો ગરીબ બાળકો લાભ ઉઠાવી ચૂકયા છે. નૈરોબી અને દુનિયાના બીજા ભાગોમાં પણ આવાં ઘણાં ઈનિશિયેટિવ લેવામાં આવે છે. યંગસ્ટર્સને છોકરાઓને ડ્રગ્ઝથી દૂર રાખીને સતત બહેતર પર્ફોર્મન્સ અને ઈમ્પ્રુવમેન્ટની દિશામાં વાળવામાં આવે છે. આ પ્રયાસોની ફિલોસોફી એક જ હોય છેઃ જુવાનિયાઓમાં સ્પોર્ટ્સનાં માધ્યમ દ્વારા એટલું પેશન, આત્મસન્માન તેમજ વિશ્વાસ જગાવી દો કે તેમને બીજા કોઈ નશાનો વિચાર જ ન આવે. ધારો કે તેમને કોઈ બંધાણનો ચસકો લાગી ચૂકયો હોય તોય એમાંથી ધીમે ધીમે તેમાંથી બહાર આવતા જાય.

પંજાબમાં કે દેશના બીજા કોઈ પણ ભાગમાં યુંવાધનને સાચા રસ્તે વાળવું હોય તો વાયએફસી-રુરકા કલાન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ. ફિલ્મો પર કાતર ચલાવવા જેવી બેવકૂફ ચેષ્ટાઓથી કશું નહી વળે.
0 0 0 

No comments:

Post a Comment