Friday, March 18, 2016

‘આખું જીવન પ્રેમમય હોય એવું તો ક્યાંથી બને?’


ચિત્રલેખા -  માર્ચ ૨૦૧૬

 કોલમ: વાંચવા જેવું 

 લેખિકા ધીરુબહેન પટેલે  જાણે ભૂત વળગ્યું હોય તેમ  ‘વાંસનો અંકુર’ લઘુનવલ એક અઠવાડિયામાં અને ‘વિનાશના પંથે’ ત્રણ જ દિવસમાં લખી નાખી હતી! ઘણા નવલકથાકારો ફરિયાદ કરતા હોય છે કે પાત્રો કહ્યામાં રહેતા નથી. ધીરુબહેનના કિસ્સામાં ક્યારેય એવું બન્યું નથી. દિમાગની ભીતર કોઈ બળવા એ ચલાવી ન લે. નવલકથાનો આખો નક્શો મનમાં તૈયાર થાય પછી જ લખવા બેસે. પાત્રો પુરેપુરાં સમજાય જાય એ પહેલાં લખવાની ઉતાવળ ન કરે. ર્જક પાસેથી એની સર્જનકળા વિશેની વાત સાંભળવા જેવો આનંદ બીજો એકેય નથી. ગેબી સર્જનપ્રક્રિયાના એકેએક તાર છૂટા પાડવા શક્ય ન પણ બને, છતાંય કલાકાર પોતાના અંતરમનની વાત કરવા તૈયાર થાય અને એમની પાસેથી વાત કઢાવનારી વ્યક્તિ સુસજ્જ હોય ત્યારે જલસો પડી જાય છે. આજે જેની વાત કરવી છે એ  શરીફા વીજળીવાળા લિખિત ‘સમ્મુખ’ પુસ્તકમાંથી પસાર થતી વખતે આવી જ અનુભૂતિ થાય છે.

 સર્વોેદય કાર્યકર સ્વ. નારાયણ દેસાઈએ ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચાર દળદાર ખંડમાં સમગ્ર ગાંધીજીવનચરિત્ર આલેખવાનું અદભુત કાર્ય કર્યું છે. કઈ રીતે એ આટલું પડકારજનક કામ પાર પાડી શક્યા? ઉત્તરમાં એમણે કહ્યું છે:

 ‘જે પ્રકરણની વાત આવે તે એના માટેની નોટમાં નોંધતો જાઉં, પ્રકરણ માંડતાં પહેલાં એ નોટ વાંચી જાઉં. પ્રકરણદીઠ ૧૦૦ થી ૧૨૫ મુદ્દાઓ નોંધાય પણ પછી લખતી વેળા હું કંઈ ન જોઉં. લખાઈ જાય પછી જ જોઉં. કશુંક બદલાય પણ ખરું, પણ (પિતાજી) મહાદેવભાઈના લખવા અંગેના સંસ્કાર મારા મન પર પાક્કા પડેલા એટલે છેકછાક વગર લખવાની ટેવ. એક જ ડ્રાફ્ટમાં કામ પતે. ઘણી વાર પરકાયાપ્રવેશનો અનુભવ થાય. કવચિત એવો પણ અનુભવ થાય કે જાણે સમાધિ હોય!’

 ક્યાંક સમાધિ તો ક્યાંક વળગાડ. લેખિકા ધીરુબહેન પટેલે, એમના જ શબ્દોમાં કહીએ તો, જાણે ભૂત વળગ્યું હોય તેમ  ‘વાંસનો અંકુર’ લઘુનવલ એક અઠવાડિયામાં અને ‘વિનાશના પંથે’ ત્રણ જ દિવસમાં લખી નાખી હતી! ઘણા નવલકથાકારો ફરિયાદ કરતા હોય છે કે પાત્રો કહ્યામાં રહેતા નથી. ધીરુબહેનના કિસ્સામાં ક્યારેય એવું બન્યું નથી. દિમાગની ભીતર કોઈ બળવા એ ચલાવી ન લે. નવલકથાનો આખો નક્શો મનમાં તૈયાર થાય પછી જ લખવા બેસે. પાત્રો પુરેપુરાં સમજાય જાય એ પહેલાં લખવાની ઉતાવળ ન કરે. ધીરુબહેને તો નાટક ઉપરાંત ‘ભવની ભવાઈ’ જેવી અવોર્ડવિનિંગ ફિલ્મ પણ લખી છે. કહે છે:

 ‘એ ક્ષેત્રમાં (સિનેમામાં) ઘણો રોમાંચ. પણ તમારી એકહથ્થુ સત્તાનો ત્યાં અંત આવી જાય. દિગ્દર્શક ૭૫ ટકા અને નિર્માતા-અભિનેતા વગેરે ૨૫ ટકા તમારી કૃતિના સહસર્જકો બની જાય. દિગ્દર્શક સમજદાર હોય અને તમારે સારો મનમેળ હોય તો લખવાની મજા આવે. પણ આમાં સમય ઘણો બગડે. એ પરવડતું હોય તો તેણે ઝુકાવવા જેવું ખરું.’

 અશ્ર્વિની ભટ્ટની ‘ઓથાર’ નવલકથા પરથી સરસ ફિલ્મ બની શકે એવું રઘુવીર ચૌધરી સુધ્ધાંનું માનવું છે. સાહિત્યજગતમાં ઊંચું સ્થાન ધરાવતા રઘુવીર ચૌધરીને મોટા ભાગના ખેતીકામ આવડે છે ને એ થોડુંઘણું કડિયાકામ પણ કરી જાણે છે! ‘સમ્મુખ’ વાંચતાં આ પ્રકારની રસપ્રદ વિગતો પણ જાણવા મળે છે કેમ કે પુસ્તકમાં સંગ્રહાયેલી વિવિધ મુલાકાત કેવળ સાહિત્યસર્જન પૂરતી સીમિત રહેતી નથી. લેખિકાને તો સર્જકના સમગ્ર આંતરિક વ્યક્તિત્ત્વમાં રસ છે. આથી જ એ રઘુવીર ચૌધરીને હળવેકથી એમની પ્રેમની અનુભૂતિ વિશે પૂછી લે છે કે જેથી ‘તમારા વિશેની દંતકથાઓ ઓછી થાય અને લોકોને સાચી વાત જાણવા મળે!’ રધુવીર ચૌધરી ઠાવકાઈથી જવાબ આપે છે:

 ‘હું પ્રેમને સર્વોેચ્ચ મૂલ્ય માનું છું અને પ્રેમની તીવ્રતા અનુભવી ય છે વિહરમાં... આખું જીવન પ્રેમમય હોય એવું તો ક્યાંથી બને? પણ પ્રેમની એકાદ ક્ષણ મૂડીરુપ બને... સૌંદર્ય પ્રત્યે આકર્ષણ જાગે પછી લોભ કરવાને બદલે કદર કરી શકાય તો એ સૌંદર્ય અનન્ય રહે. જે સુક્ધયાઓ અને સન્નારીઓને મળવાનું બન્યું છે એમના પ્રત્યેનો ભાવ લોભનો નહીં, કદરનો રહ્યો છે.’

 પછી તરત પોતાનાં જીવનના જ નહીં, બલકે આખા પરિવારનાં કેન્દ્ર રુપ એવાં પત્ની પારુનો ઉલ્લેખ કરી ઉમેરે છે:

 ‘કોઈ જિજ્ઞાસુ ક્ધયા કે વિદુષી યુવતીના મારા પ્રત્યેના સ્નેહાદરથી એને (પત્નીને) સવિશેષ આનંદ થયો છે. મને મળતો પુરસ્કાર એનો હોય એ રીતે.’

 નેશનલ બુક ટ્રસ્ટનાં ભૂતપૂર્વ ડિરેક્ટર તેમજ લેખિકા વર્ષા દાસ પોતાના અંતરંગ જીવનની વાતો સ્વસ્થતાથી શર કરે છે. વિખ્યાત ચિત્રકાર જતીન દાસ સાથેના દીર્ધાયુ ન પામેલાં લગ્નજીવન વિશે એ કહે છે:
   
 ‘આજે એવું લાગે કે હું જતીન પ્રત્યે આકર્ષાઈ એના કરતાં વધારે એની રંગ, રેખાની કમાલ લાગે એવી પ્રક્રિયા તરફ વધુ આકર્ષાઈ હતી.... (જતીનથી) છૂટી કેમ પડી? કદાચ હું ખાસ્સી ઈમ્મેચ્યોર હતી... છૂટા પડવા માટે હું જતીનને કોઈ રીતે દોષ નથી દેતી. હું માનું છું કે મેં લાગણીની અવસ્થામાં, કદાચ આવેશમાં એવું પગલું લીધું હતું. આજે કોઈ પણ એવું પગલું ભરવા જઈ રહ્યું હોય તો હું ના પાડું છું.’

 સંબંધ વિચ્છેદ પોતાની સાથે કટુતા, આક્રોશ, નકારાત્મકતા અને કડવાશ લાવતો હોય છે. વર્ષા દાસ બૌદ્ધ સાધનાના પ્રતાપે આ હાનિકારક માનસિક માહોલમાંથી સફળતાપૂર્વક બહાર આવી શક્યાં અને જતીન દાસ સાથે મૈત્રીનાં સ્તરે જોડાઈ શક્યાં.

 ઊંચી સાહત્યિક ગુણવત્તા ધરાવતા ‘ફાર્બસ’ ત્રૈમાસિકનાં ભૂતપૂર્વ વિદૂષી સંપાદિકા મંજુ ઝવેરીએ નિખાલસતાપૂર્વક કબૂલ કર્યું છે કે ક્યારેક નબળો લેખ છપાય એ ખૂંચે છે જ. એવું બન્યું છે કે લેખકને એ માટે ચેતવણી પણ આપી હોય, ના પણ પાડી હોય, છતાં એ લેખકની દલીલમાં આવી જઈને લેખ સ્વીકારવો પડ્યો હોય... પણ હવે ભવિષ્યમાં મક્કમ રહેવું છે!

 પુસ્તકમાં ગુજરાતી સાહિત્યજગત સાથે ગાઢ રીતે સંકળાયેલી નવ વ્યક્તિ ઉપરાંત લવકુમાર ખાચર જેવા જાણીતા પ્રકૃતિવિદ છે અને નોબલ પ્રાઈઝવિનર યિદ્દીશ લેખક ઈઝાક બોશેવિસ સિંગર તેમજ ઈંતિઝાર હુસૈન જેવા પાકિસ્તાની સાહિત્યકારની અનુદિત મુલાકાત પણ છે. સાહિત્યના શોખીનોએ પુસ્તક ખાસ વાંચવા જેવું છે. ઈંતિઝાર હુસૈનવાળા લેખમાં અતિ વિચિત્ર અને અતિ  ગંભીર પ્રિન્ટિંગ મિસ્ટેક્સ રહી ગઈ છે, તો પણ.    

 ----------------------------------------------------------------------
સમ્મુખ                             
લેખિકા: શરીફા વીજળીવાળા
પ્રકાશક: ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ-૧
 ફોન: (૦૭૯) ૨૨૧૪૪૬૬૩
 કિંમત:  ‚. ૨૪૦ /
  પૃષ્ઠ: ૨૪૪

 ૦  ૦ ૦ 

No comments:

Post a Comment