Saturday, February 6, 2016

મલ્ટિપ્લેક્સ : બડી ચોટ ખાઈ... જવાની પે રોએ

Sandesh - Ardh Saptahik Purti - 7 Feb 2016
મલ્ટિપ્લેક્સ 
'જિંદગીમાં મને ખૂબ દુખ મળ્યું છે અને થોડી ઘણી સુખની ક્ષણો પણ મળી છે. જો જમા-ઉધારનો તાળો મેળવવામાં આવે તો સિલકમાં મને કડવાશ વધારે દેખાય છે. આ કડવાશને મેં બળપૂર્વક દિલના કોઈ ખૂણે ભંડારી દીધી છે, કેમ કે જો એ બહાર આવે તો એની વેદના અસહૃા બની જાય. એ વાત સાચી છે કે જિંદગીના દરેક અનુભવમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે, પણ કોઈક અનુભવ એટલી હદે પીડાદાયી હોય છે કે એના આઘાતમાંથી કયારેય બહાર આવી શકાતું નથી.'

ધુબાલાને જો વેન્ટ્રીકયુલર સેપ્ટલ ડિફેકટ નામની બીમારી ન હોત અને જો એમની કુંડળીમાં દીર્ઘ આયુષ્ય લખાયું હોત તો ૧૪ ફેબ્રુઆરીએ તેઓ ૮૩ વર્ષ પૂરાં કરીને ૮૪મા વર્ષમાં પ્રવેશ કરત. મધુબાલાનો મૃત્યુદિન પણ આ જ મહિનામાં આવે છે - ૨૩ ફેબ્રુઆરી. દર પાંચસોમાંથી એક બાળક વેન્ટ્રીકયુલર સેપ્ટલ ડિફેકટ સાથે, અથવા સાદી ભાષામાં કહીએ તો, હ્ય્દયમાં છિદ્ર સાથે જન્મતું હોય છે. આ સ્થિતિમાં શરીરમાં શુદ્ધ અને અશુદ્ધ લોહીની ભેળસેળ થતી રહે છે. જો યોગ્ય સમયે યોગ્ય ઉપચાર ન થાય તો આ સ્થિતિ ઘાતક નીવડી શકે છે. આજે તો બાળક સાવ નાનું હોય ત્યારે જ સર્જરી કરીને હ્ય્દયનું છિદ્ર પૂરી નાખવામાં આવે છે, પણ મધુબાલા નાનાં હતાં ત્યારે આવી કોઈ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નહોતી. તેઓ આ બીમારી સાથે મોટાં થતાં ગયાં અને કામ કરતાં રહૃાાં. પરિવારના સભ્યો સિવાય બહુ ઓછા લોકોને આ બીમારી વિશે ખબર હતી. ૧૯૫૪માં 'બહુત દિન હુએ' નામની ફિલ્મના શૂટિંગ દરમિયાન ૨૧ વર્ષીય મધુબાલાને સેટ પર લોહીની ઉલટી થઈ ત્યારે દુનિયાને પહેલી વાર જાણ થઈ કે સ્ક્રીન પર હસતી-ગાતી રહેતી આ સુપર હિરોઈનની તબિયત કેટલી નાજુક છે.
માત્ર શરીર જ નહીં, મધુબાલાનું અંગત પણ તંદુરસ્ત નહોતું રહી શકયું. નવ વર્ષના પ્રેમસંબંધ બાદ દિલીપકુમાર સાથે બ્રેક-અપ થતાં જ આ સંબંધ ખરેખર શા માટે તૂટયો તે વિશેની જાતજાતની થિયરીઓ વહેતી થઈ હતી. મોટા ભાગની થિયરીઓમાં મધુબાલાના અતિ રુઢિચુસ્ત પિતા અતાઉલ્લા ખાન વિલન તરીકે ઊભરતા હતા. દીકરીને તેમણે નાનપણથી અત્યંત કડક ચોકીપહેરા હેઠળ રાખી હતી. ઘરથી શૂટિંગ અને શૂટિંગથી સીધા ઘર. કામ સિવાય બીજી કોઈ વાત નહીં. ફિલ્મી પાર્ટીઓ કે ઈવેન્ટ્સ અટેન્ડ કરવાની નહીં. કોઈના ઘરે જવાનું નહીં. કોઈને ઘરે બોલાવવાના નહીં. મધુબાલાની ફી નક્કી કરવી, આ પૈસાના કયાં ઈન્વેસ્ટ કરવા, કયાં વાપરવા આ સઘળું અતાઉલ્લા ખાન નક્કી કરતા. તેમણે ખુદ પ્રોડકશન કંપની શરુ કરેલી. મધુબાલાના પૈસે એમણે જે થોડીઘણી ફિલ્મો પ્રોડયુસ કરેલી તે સઘળી ફ્લોપ થતાં પુષ્કળ નુકસાન સહેવું પડયું હતું.
કહે છે કે અતાઉલ્લા ખાન નહોતા ઈચ્છતા કે દિલીપકુમાર એમના જમાઈ બને. જોકે આ વાતનો રદીયો ખુદ દિલીપકુમારે આપ્યો હતો. એમણે કહેલું, 'અતાઉલ્લા ખાનની પોતાની પ્રોડકશન કંપની હતી. હું એમની દીકરી સાથે લગ્ન કરું એની સામે એમને શા માટે વિરોધ હોય. એમના માટે તો આ સારી બિઝનેસ ડીલ હતી. મધુબાલા અને દિલીપકુમાર જેવા ટોચનાં સ્ટાર્સ ઘરમાં જ હોય એટલે એ તો જિંદગીભર એમના માટે કામ કરતાં રહેવાનાં.'
અતાઉલ્લા ખાને દિલીપકુમારને કહેલું કે જો તમે મારી સાથે એક એકટર તરીકે પ્રોફેશનલ કોન્ટ્રેકટ કરો તો જ હું મારી દીકરીને તમારી સાથે પરણાવવા રાજી થાઉં. કોન્ટ્રેકટની વાતથી દિલીપકુમાર સર્તક થઈ ગયા. એક જગ્યાએ એમણે કહ્યું છે, 'હું દૂરનું ભવિષ્ય જોઈ શકતો હતો. આ કોન્ટ્રેકટ કરવાથી ભવિષ્યમાં એવી સ્થિતિ પેદા થઈ શકે તેમ હતી કે મારી ઈચ્છા ન હોય તો ય ધરાર અતાઉલ્લા ખાનની ફિલ્મોમાં કામ કરવું પડે. આટલી મહેનત અને નિષ્ઠાથી જે કરીઅર બનાવી છે તેની લગામ હું બીજા કોઈના હાથમાં કેવી રીતે સોંપી દઉં? આખરે મેં મધુબાલા સાથે લગ્ન ન કરવાનું મુનાસિબ માન્યું.'
મધુબાલા-દિલીપકુમારના કથળી રહેલા પ્રેમસંબંધ પર હંમેશ માટે પૂર્ણવિરામ મૂકવામાં 'નયા દૌર' ફિલ્મ નિમિત્ત બની હતી. 'નયા દૌર'માં અગાઉ મધુબાલાને સાઈન કરવામાં આવ્યાં હતાં. મુંબઈમાં એમણે શૂટિંગ કરવાનું પણ શરુ કરી દીધું હતું, પણ ગરબડ ત્યારે થઈ જ્યારે શૂટિંગ માટે ગ્વાલિયર નજીકના કોઈ લોકેશન પર જવાની વાત આવી. મારી દીકરી મુંબઈની બહાર શૂટિંગ નહીં કરે એવો અતાઉલ્લા ખાનનો હંમેશા આગ્રહ રહેતો. આથી આઉટડોર શૂટિંગની વાતથી તેઓ ભડકયા. મધુબાલાની જગ્યાએ વૈજયંતિમાલાને રિપ્લેસ કરવામાં આવ્યાં. મધુબાલાવાળાં દશ્યોનું શૂટિંગ નવેસરથી કરવું પડયું હોવાથી પ્રોડયુસર-ડિરકેટર બી.આર. ચોપડાને ઘણું નુકસાન ગયું. બાપ-દીકરી સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો. કેસની કાર્યવાહી દરમિયાન દિલીપકુમારે પ્રોડયુસરની તરફેણ કરી અને બાપ-દીકરી વિરુદ્ધ જુબાની આપી. અતાઉલ્લા ખાને મધુબાલાને ટોણા મારવાનું શરુ કર્યું: દિલીપકુમાર તને પ્રેમ કરે છે, એમ? તો પછી તારી વિરુદ્ધ કોર્ટમાં જુબાની શું કામ આપી?
with Dilip Kumar in Mughal-e-Azam

મધુબાલા-દિલીપકુમારનો સંબંધવિચ્છેદ થયો ત્યારે 'મુગલ-એ-આઝમ'નું શૂટિંગ હજુ પૂરું થયું નહોતું. શહેજાદા સલીમ અત્યંત કુમાશથી પ્રેમિકા અનારકલીના ગાલ પર મોરનું પીછું ફેરવે છે તે અવિસ્મરણીય રોમેન્ટિક સીન ભજવાયો ત્યારે મધુબાલા અને દિલીપકુમાર ઓલરેડી એકબીજા માટે અજનબી થઈ ચુકયાં હતાં.
આખું હિંદુસ્તાન મધુબાલા પાછળ પાગલ હતું, પણ મધુબાલાએ અંગત જીવનમાં બહુ ઓછું સુખ જોયું. એક ઈન્ટરવ્યુમાં એમણે કહેલું, 'જિંદગીમાં મને ખૂબ દુખ મળ્યું છે અને થોડી ઘણી સુખની ક્ષણો પણ મળી છે. જો જમા-ઉધારનો તાળો મેળવવામાં આવે તો સિલકમાં મને કડવાશ વધારે દેખાય છે. આ કડવાશને મેં બળપૂર્વક દિલના કોઈ ખૂણે ભંડારી દીધી છે, કેમ કે જો એ બહાર આવે તો એની વેદના અસહૃા બની જાય. એ વાત સાચી છે કે જિંદગીના દરેક અનુભવમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે, પણ કોઈક અનુભવ એટલી હદે પીડાદાયી હોય છે કે એના આઘાતમાંથી કયારેય બહાર આવી શકાતું નથી.'
દિલીપકુમાર સાથેના સંબંધવિચ્છેદની પ્રતિક્રિયારુપે મધુબાલાએ કિશોરકુમાર સાથે સંબંધ બાંધ્યો. એમ તો ભારત ભૂષણ અને પ્રદીપકુમારે પણ પ્રપોઝ કરી જોયું હતું, પણ મધુબાલાને કિશોરકુમાર વધારે ગમ્યા. કિશોરકુમાર એને હસાવી શકતા. એમની ગાયકી પણ મધુબાલાને ખૂબ ગમતી. કિશોરકુમારનાં એકટ્રેસ-સિંગર રુમાદેવી સાથેનાં લગ્ન તૂટી ચુકયાં હતાં અને ડિવોર્સની પ્રક્રિયા શરુ થઈ ચુકી હતી. 'ચલતી કા નામ ગાડી' અને 'હાફ ટિકિટ'માં મઘુબાલા-કિશોરકુમાર હીરો-હિરોઈન હતાં. આ બે ફિલ્મોના મેકિંગ દરમિયાન તેમનો સંબંધ વિકસતો ગયો. ત્રણ વર્ષની રિલેશનશીપ બાદ ૧૯૬૦માં બન્ને પરણી ગયાં. મધુબાલા તે વખતે ૨૭ વર્ષનાં હતાં. મધુબાલાના પરિવારે કિશોરકુમારને સમજાવેલા કે અમે મધુબાલાને ઈલાજ માટે લંડન લઈ જવા માગીએ છીએ,ત્યાંથી પાછા ફરીએ ત્યાર બાદ તમે લગ્ન ગોઠવજો. કિશોરકુમાર ન માન્યા. તેઓ એક જ વાત કરતા રહૃાા કે તમે ખોટી ચિંતા કરો છો. મધુબાલા રાતી રાયણ જેવી છે. એને કંઈ નહીં થાય!
with Kishore Kumar

અલબત્ત, લગ્નના થોડા અરસા બાદ વરઘોડિયા લંડન ફરવા ગયા ત્યારે કિશોરકુમારે એક અંગ્રેજ ડોકટર પાસે પત્નીનું નિદાન જરુર કરાવ્યું. ડોકટરે સ્પષ્ટ કહી દીધું: મધુબાલા પાસે હવે ઝાઝો સમય નથી. બહુ બહુ તો બે વરસ, બસ.
લંડનથી પાછા ફર્યા બાદ કિશોરકુમાર મધુબાલાને એમના પિયર મૂકી આવ્યા. કહૃાું: 'મારે અવારનવાર બહારગામ જવાનું થાય છે. મધુબાલા ભલે તમારી પાસે રહી. મારા કરતાં તમે એનું વધારે સારી રીતે ધ્યાન રાખી શકશો.' અતાઉલ્લા ખાને કહૃાું કે ફુલટાઈમ નર્સ રાખી લો. કિશોરકુમાર તૈયાર ન થયા. મઘુબાલા મૃત્યુમર્યંત પિયરમાં જ રહૃાાં. કિશોરકુમાર બે મહિને એકાદ વાર આવીને મળી જતા. તેમનું લગ્નજીવન થોડાં જ અઠવાડિયામાં પડી ભાંગ્યું હતું. બીમાર પત્નીને હૂંફ અને સધિયારો આપવામાં કિશોરકુમાર સદંતર નિષ્ફળ નીવડયા.
આ મામલામાં પણ ઘણી થિયરીઓ સંભળાય છે. કોઈ કહે છે કે મઘુબાલા જાણતાં હતાં કે તે વધારે જીવવાનાં નથી. એ કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાનાં હતાં, પણ આમ કરતાં પહેલાં સારું ઠેકાણું જોઈને પરણી જવા માગતાં હતાં. કોઈ કહે છે કે અતાઉલ્લા ખાનને કિશોરકુમાર સામે પણ વાંધો હતો, પણ આ વખતે દીકરીનો વિરોધ કરવાની નૈતિક તાકાત એમનામાં નહોતી. કહેનારાઓ એવુંય કહે છે કે કિશોરકુમારના પરિવારે કયારેય મધુબાલાનો ખુલ્લા દિલે સ્વીકાર ન કર્યો. કિશોરકુમારના મોટા ભાઈ અશોકકુમારે એક ઈન્ટરવ્યુમાં કહેલું, 'મધુબાલાનો સ્વભાવ બીમારીને કારણે બહુ ચીડીયો થઈ ગયો હતો. તે કિશોર સાથે ઝઘડયા કરતી ને પછી રિસાઈને પિયર ચાલી જતી. લગ્ન પછીનો મોટા ભોગનો સમય એણે પિયરમાં જ પસાર કર્યો.'
મધુબાલાનાં લગ્નનાં થોડાં વર્ષ પછી દિલીપકુમારે પણ નાજુકનમણી સાયરાબાનો સાથે લગ્ન કરી લીધાં. મધુબાલા આ સમાચાર સાંભળીને શરુઆતમાં તો ઉદાસ થઈ ગયેલાં પણ પછી પોતાની બહેનોનો કહેલું, 'ઉનકે નસીબ મેં વો (સાયરાબાનો) થી, મૈં નહીં... પણ સાયરા સરસ છોકરી છે. એમના (દિલીપકુમારને) પ્રત્યે વફાદાર રહેશે અને ખુશ રાખશે. ચાલો, હું રાજી છું કે તેઓ પણ ઠરીઠામ થઈ ગયા.'

જિંદગીના અંતિમ દિવસોમાં માંદગીના બિછાને પડેલી મધુબાલા વીસીઆરમાં 'મુગલ-એ-આઝમ', 'બરસાત કી રાત', 'ચલતી કા નામ ગાડી' અને 'મહલ' જેવી પોતાની ફેવરિટ ફિલ્મો જોયાં કરતાં. એમાંય 'પ્યાર કિયા તો ડરના કયા' ગીત તો એણે કમસે કમ પાંચસો વાર જોયું હશે.
છત્રીસ વર્ષની કાચી ઉંમરે મધુબાલાનું નિધન થયું. અપાર પ્રતિભા, અપાર સફળતા, અપાર કીર્તિ, અપાર વેદના અને કસમયનું મૃત્યુ... એક લેજન્ડ બનવા માટે આના કરતાં વિશેષ બીજું શું જોઈએ!
શો-સ્ટોપર

રુલા કે ગયા સપના મેરા... બૈઠી હૂં કબ હો સવેરા....
('જ્વેલથીફ'નું ગીત જે મધુબાલાને અત્યંત પ્રિય હતું. તેમને લાગતું કે આ ગીત એમના જીવનની કહાણી કહે છે)

No comments:

Post a Comment