Wednesday, October 14, 2015

ટેક ઓફ : મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ...

Sandesh - Ardh Saptahik Purti - 14 Oct 2015

ટેક ઓફ 

પોરબંદરના બગવદર ગામના એક મોભાદાર મેરાણીએ 'ફિલ્ડ વર્ક'કરવા નીકળેલા ઝવેરચંદ મેઘાણીને કંઈકેટલાય રાસડા ગાઈ સંભળાવ્યા ત્યારે કલ્પના નહીં કરી હોય કે આ રીતે મેઘાણીના ચિત્તમાં ચંપાઈ ગયેલી લોકગીતપ્રેમની ચિનગારીથી ગુજરાતના લોકસંગીત પર કેટલો મોટો ઉપકાર થઈ જવાનો છે! પરંપરાગત રાસ-ગરબામાં એવી કઈ તાકાત હોય છે જે આપણને આજે પણ ઝુમાવી દે છે?
Jhaverchand Meghani

ગુજરાતની લોકકથાઓ અને લોકસંગીતની વાત આવે ત્યારે ઝવેરચંદ મેઘાણી (જન્મઃ ૧૮૯૭, મૃત્યુઃ ૧૯૪૭) આપણને સૌથી પહેલાં યાદ આવે. મેઘાણીને લોકગીતોનો નાદ શી રીતે લાગ્યો હતો? બહુ રસપ્રદ કહાણી છે. એક વાર તેઓ પોરબંદરના બગવદર ગામે કથાસાહિત્યના સંશોધન માટે ગયા હતા. એ વખતે એમની ઉંમર હશે સત્તાવીસેક વર્ષ. બહુ મહેનત કરી, પણ જોઈતી સામગ્રી હાથ ન લાગી. તેઓ મેરાણીઓના રાસડા પ્રત્યક્ષ સાંભળવા માગતા હતા, પણ એમાંય મેળ ન પડયો. બહુ મહેનતને અંતે એમનો ભેટો ઢેલીબહેન નામની મેરાણી સાથે થઈ ગયો. આ મહિલાએ હાડ ગાળી નાખે એવી ઠંડીમાં, પોણી રાત જાગીને,ઘાસલેટના દીવાની જ્યોતમાં અસંખ્ય ગીતો સંભળાવ્યાં ને મેઘાણીના લોકગીતોના સંશોધનનો શુભારંભ થઈ ગયો!
ઢેલીબહેનને તે પછી મેઘાણી ફરી ક્યારેય મળી ન શક્યા. મેઘાણી બહુ નાની ઉંમરે જતા રહ્યા. કેવળ પચાસ વર્ષનું એમનું આયુષ્ય. એમના મૃત્યના બે દાયકા પછી, ૧૯૬૭માં સર્જક-સંશોધક નરોત્તમ પલાણે ઢેલીબહેનની મુલાકાત લીધી હતી. ઢેલીબહેન તે વખતે ૯૦ વર્ષનાં હતાં, પણ ૪૩ વર્ષ પહેલાં મેઘાણી સાથે થયેલી મુલાકાત એમને યથાતથ યાદ હતી! એ દિવસને સંભારતાં ઢેલીબહેને કહેલું, 'મેઘાણી એક દિવસ મારી પાસે આવ્યા, ધોળા ધોળા લૂગડાંમાં. મોટી મોટી આંખો નીચે ઢાળીને મારે આંગણે ઈ ઊભા'તા. જોતાં જ આવકાર આપવાનું મન થાય એવો માણસ! મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડયા. હું હેઠે બેસવા જતી'તી ત્યાં પગે પડીને 'હં... હં... હં... તમે અહીં ઉપર બેસો નહીંતર હુંય નીચે બેસું છું' એમ કહીને મનેય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતાં'તાં એની અડધી અડધી કડીઓ પોતે બોલે ને હું આખું ગીત પૂરું કરી દઉં. નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવ્યે જાય. મને ગીત ગાયા વિના બોલતાં નો આવડે એટલે પોતે હસે અને હું તો જેના જેવા રાગ તેમ મન મૂકીને હલકો કાઢીને ગાઉં! આજુબાજુનાંય ભેળાં થઈ ગ્યાં અને છેક બપોર સુધી ગીતો ગાયાં.'
જમવાનો સમય થયો. ગારવાળા ઘરમાં મહેમાનનાં કપડાં ન બગડે તે માટે ઢેલીબહેને પાટલો ઢાળ્યો, પણ મેઘાણી કહે, 'રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનારો ઊંચે બેસે એ ક્યાંનો ન્યાય?' એ ધરાર નીચે જ બેઠા. પૂરું જમી લે એ પહેલાં તો આખું ગામ ઓસરીમાં ભેગું થઈ ગયું.
'અમારી કોમમાં ગીતો ગાવાં-સાંભળવાં બઉ ગમે,' ઢેલીબહેને કહેલું, 'જમીને એમણે મેઘાણીએ એક ગીત ગાયું - અસલ અમે ગાઈએ એ જ ઢાળમાં! અમે તો બધાં એના મોઢા સામંુ જોઈ જ રિયાં! ને પછે તો એક પછે એક રોંઢો ઢળ્યા સુધી એની પાસે ગવડાવ્યે રાખ્યું! પછી અમારો વારો આવ્યો. અમે આઠ દસ બાયુંએ ગીત ગાવાં માંડયાં, પણ બધી બાયું ભેળી થાય એટલે બેસીને કેમ ગવાય? થયાં ઊભાં અને ફળિયામાં જ રાસડા માંડયા. પોતે તો હમણાં ઢગલોએક હસી નાખશે એવા થતાં થતાં કાગળિયામાં ટપકાવ્યે જાય. જોણાંને ને રોણાંને તેડું થોડું હોય? ઢગ બાયું ભેળી થઈ અને અંધારું થયા સુધી રાસડા હાલ્યા. વાળુ કરીને પાછાં ભેળાં થ્યાં તે એક પછી એક નવાં નવાં ગીત મધરાત સુધી ગાયાં. છેલ્લે પોતે થોડાક મરકડાં કીધાં ને સઉને હસાવ્યા.'
ના, વાત અહીં પૂરી ન થઈ. થોડાં ગીતો બાકી રહી ગયેલાં તે ઢેલીબહેને બીજા દિવસે સવારે ગાયાં. મેઘાણી એમનાં વખાણ કરતા જાય ને મોઢું નીચું કરીને લખતા જાય. ઢેલીબહેનને આખેઆખાં ગીતો યાદ હોય. સવારોસવાર ગાય તોય એકનું એક ગીત બીજી વાર જીભે ન આવે. બીજા દિવસે મેઘાણીને બગવદરથી બાજુનાં બખરલા ગામે જવું હતું એટલે શિરામણ કરીને ગાડું જોડયું, પણ એ કહે, હું ગાડાંમાં ન બેસું. એક જીવ તાણે અને બીજા જીવથી અમથું અમથું નો બેસાય! 'અમારા સંધાયની આંખમાં પાણી આવી આવી ગ્યાં,' ઢેલીબહેને કહેલું, 'ઓહોહો! આવો માણસ મેં કોઈ દી' જોયો નથી! એની હાજરીનો કોઈ કરતાં કોઈને ભાર જ નો લાગે!'

ઢેલીબહેને કલ્પના સુધ્ધાં નહીં કરી હોય કે એમણે અને ગામની અન્ય મહિલાઓએ એ રાતે મેઘાણીના દિલદિમાગમાં લોકગીતપ્રેમની ચિનગારી ચાંપીને ગુજરાતના લોકસંગીત પર કેટલો મોટો ઉપકાર કરી નાખ્યો હતો! પછી તો ગુજરાતનાં લોકગીતો વિશે સંશોધન કરવા મેઘાણીએ ગજબનાક ઉદ્યમ કર્યો. અગાઉ લોકગીતો કેવળ ગવાતાં હતાં, એનું વ્યવસ્થિત લિખિત દસ્તાવેજીકરણ બિલકુલ થયું નહોતું. કેટલાય લોકગીતો લગભગ નષ્ટ થઈ ચૂક્યાં હતાં. મેઘાણી ગુજરાતભરનાં ગામડાં ખૂંદી વળ્યા. અડધાપડધા, વેરવિખેર ગીતોના ટુકડા એકઠા કર્યા. પોતાની સમજ, તર્કશક્તિ, કલ્પના અને ઇવન ચાતુરીનો ઉપયોગ કરીને ગીતોના આ ટુકડાઓને સાંધ્યા, અખંડિત સ્વરૂપ આપ્યું અને 'રઢિયાળી રાત'ના ચાર સંગ્રહો બહાર પાડીને અમર બનાવી દીધા. 'મારા લોકગીતપ્રેમની પ્રાણની જનેતા' તરીકે ઢેલીબહેનને નવાજીને અને સંગ્રહનો ચોથો ભાગ ઢેલીબહેનને અર્પણ કરીને મેઘાણીએ ઋણસ્વીકાર કર્યો છે.
અત્યારે નવરાત્રી બરાબરની જામી છે ત્યારે આવો, 'રઢિયાળી રાત'માં સંગ્રહાયેલા કેટલાક રાસ-ગરબા માણીએ. ગીતો વાંચતાં વાંચતાં સાથે ગણગણવાનું ફરજિયાત છે! શરૂઆત કરીએ ઝૂલણ મોરલીથી.
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!
એ હાલાને જોવા જાયે રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર!
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર...
દસેય આંગળિયે વેઢ રે
મોરલી વાગી રે, રાજાના કુંવર!
હવે પછીના ગરબામાં એવી દુખિયારી વહુની વાત છે જેનું સાસરું અને પિયર બન્ને એક જ ગામમાં છે. એક વાર સ્ત્રીએ પોતાની મા પાસે જઈને દુઃખો સંભળાવ્યાં. પાછળ જાસૂસ બનીને આવેલી નણંદે આ વાત ઘરે જઈને કહી. 'મોટા આબરુદાર ઘર'ની નિંદા વહુ બહાર કરતી ફરે તે સાસરિયાઓથી શી રીતે સહન થાય? સૌએ વરને ખૂબ ઉશ્કેર્યો. વરે સ્ત્રી સામે ઝેરનો કટોરો ધર્યોઃ કાં તું પી, કાં હું પીઉં. 'મોટા ખોરડા'ની જાજરમાન વહુએ ઝેર પીને જીવ આપી દીધો.
ગામમાં સાસરું ને ગામમાં પી'રિયું રે લોલ
દીકરી કે'જો સખદખની વાત જો.
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
સખના વાયરા તો માડી, વહી ગયા રે લોલ.
દખનાં ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
પછવાડે ઊભી નણદી સાંભળે રે લોલ.
વહુ કરે છે આપણા ઘરની વાત જો!
વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ...

એક બાજુ ગરીબ ગાય જેવી વહુ છે, તો બીજી બાજુ અવળચંડી નાર છે. ઘરનાં કામ કરાવી કરાવીને સાસુ એને થકવી નાખે છે. એ વાત અલગ છે કે આ જોગમાયામાં સાસુએ જે કહ્યું હોય એનાથી ધરાર ઊલટું સમજવાની ગજબની આવડત છે! આ મસ્તીભર્યો ગરબો જુઓ -


મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર!
સૈયર મેંદી લેશું રે...
મારી સાસુએ એમ કહ્યું કે વાસીદા વાળી મેલ્ય
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય!
સૈયર મેંદી લેશું રે...
મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ્ય
મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય!
સૈયર મેંદી લેશું રે...

 જવાની ચાર દિન કી હોતી હૈ એવું હિન્દી ફિલ્મી ગીતો આપણને વર્ષોથી કહ્યાં કરે છે. અહીં ટીપણી ટીપતા મજૂરો ગાય છે કે હે માનવીઓ! જોબનિયાને સાચવીને રાખો. જોબનિયું એટલે વધારે વ્યાપક અર્થમાં ટકાટક હેલ્થ. જો ફિઝિકલી ફિટ હોઈશું તો જ જીવતરનો ઉલ્લાસ માણી શકીશું. સાંભળોઃ
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે.
જોબનિયાને માથાના અંબોડામાં રાખો જોબનિયું કાલ્ય જાતું રે'શે.
જોબનિયાને આંખ્યુંના ઉલાળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતંુ રે'શે...

હવે એક બહુ જ લોકપ્રિય અને મીઠું ગીત, જે ડિસ્કો ડાંડિયાનો જમાનો નહોતો આવ્યો ત્યાં સુધી મહિલાઓ તાળીઓના તાલે ગાતી હતીઃ
સોના ઈંઢોણી રૂપા બેડલું
નાગર ઊભા રો' રંગરસિયા...
પાણીમાં ગઈ'તી તળાવ રે
નાગર, ઊભા રો' રંગરસિયા....
કાંઠે તે કાન ઘોડા ખેલવે રે... નાગર
કાન મુને ઘડુલો ચડાવ્ય રે.... નાગર

રાસ-ગરબાથી રોમાન્સ ક્યાં સુધી દૂર રહી શકે? સાંભળોઃ

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા
લીલો તે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.
પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
કાંબિયુંની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા.
કેડ પરમાણે ઘાઘરો સોઈ રે વાલમિયા
ઓઢળીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.

ફરમાઈશ આગળ વધતી જાય છે. હાથ પ્રમાણે ચૂડલા, ડોકપ્રમાણે તુલસી, કાન પ્રમાણે ઠોળિયાં, નાક પ્રમાણે નથણી! રાસ-ગરબા સાથે કાનુડો અભિન્નપણે જોડાયેલો છે. આ સાંભળોઃ
મારી શેરીએથી કાન કંુવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢયાના અંબર વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ
અમરાપરના ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું કે હરિ અહીં વસે રે લોલ.
બીજું એક કૃષ્ણગીતઃ

વા વાયા ને વાદળ ઊમટયાં
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સંુદિરવર શામળિયા

પરંપરાગત રાસ-ગરબામાં પરિવારના તમામ સભ્યોને જબરી મીઠાશ સાથે આવરી લે છે. જેમ કે -
મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો...
નાનો દિયરિયો લાડકો રે, જઈ લાવ્યો મેંદીનો છોડ રે
મેંદી રંગ લાગ્યો...
વાંટી ઘૂંટીને ભર્યો વાટકો ને, ભાભી રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો...


0 0 0 

4 comments:

 1. ખુબ જ સરસ.... ઝવેરચંદ મેઘાણી વિષે તો વાંચીએ અને લખીએ એટલું ઓછુ પડે

  ReplyDelete
 2. Wah supreb bro meghani jevu j tamaru y research hoy che hamesha keep it up bro nice article. .

  ReplyDelete
 3. Wah supreb bro meghani jevu j tamaru y research hoy che hamesha keep it up bro nice article. .

  ReplyDelete
 4. આવા પરિચય-શબ્દોથી થકી જ એ અમર કર્મ નવી નવી પેઢીઓમાં જીવતું રહેશે. આપને ઉષ્માપૂર્વક અભિનંદન.

  ReplyDelete