Saturday, July 18, 2015

'પ્રેમજી' કેવી છે?

શું પ્રેક્ષક તરીકે આપણને 'પ્રેમજી' જોઈને ક્ષોભ થાય છે, સંકોચ અનુભવવો પડે છે? જવાબ છે, ના. પ્લસ-માઇનસ બન્ને પોઇન્ટ્સને ધ્યાનમાં લઈએ તો સરવાળે 'પ્રેમજી'ને એક સારી ફિલ્મ કહેવાય કે ન કહેવાય? જવાબ છે,'પ્રેમજી' સરવાળે એક સારી ફિલ્મ પણ છે અને ન્યૂ વેવ ગુજરાતી સિનેમાની ઇમ્પોર્ટન્ટ ફિલ્મ પણ છે. વિજયગીરી ગૌસ્વામીએ અપેક્ષા જગાડી છે. હવે પછી તેઓ શું બનાવે છે, એક આર્ટિસ્ટ તરીકે અને એક ફિલ્મમેકર તરીકે એમનો કરિયર ગ્રાફ કેવી રીતે વિકસે છે તે જોવાની મજા આવશે.



'બાહુબલિ' જ્યારે દેશભરનાં થિયેટરોને ગજવી રહી હતી ત્યારે એને સમાંતરે આપણે ત્યાં ઘરઆંગણે 'પ્રેમજી' નામની ઘટના બની રહી હતી. 'બાહુબલિ' જે દિવસે ચાર હજાર સ્ક્રીન પર એકસાથે ત્રાટકી હતી તે જ દિવસે રિલીઝ થયેલી 'પ્રેમજી'ના ફાળે માંડ ૩૬ થિયેટરો આવ્યાં. આ એક ગુજરાતી ફિલ્મ છે અને ગુજરાતી ફિલ્મો ડિસ્ટ્રિબ્યુટ થવાની પેટર્ન તેમજ ગણિત જુદાં હોય છે. દૃોઢ મહિના પહેલાંફિલ્મ હજુ પોસ્ટ પ્રોડકશનના અંતિમ તબક્કામાં હતી ત્યારે એનો ફર્સ્ટ ક્ટ જોયો હતો. તાજેતરમાં તેનું ફાયનલ વર્ઝન જોયું. 

તો 'પ્રેમજી'કેવી છે? 'પ્રેમજી'માં શું છે ને શું નથી? 'પ્રેમજી' અથવા તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી ગુજરાતી સિનેમામાં જે નવો પ્રવાહ પેદા થયો છે તેનો હિસ્સો બનેલી કોઈ પણ મોડર્ન ગુજરાતી ફિલ્મને શી રીતે જોવી જોઈએ? પ્રમાણવી જોઈએ? સૌથી પહેલાં તો આટલાં વર્ષોમાં બોલિવૂડ-હોલિવૂડની ફિલ્મો જોઈને આપણી ભીતર જે પેલો વાયડો વિવેચક પેદા થઈ ગયો છે એને કંટ્રોલમાં રાખવાનો. છરી-ચાકા સજાવીને તૈયાર રાખ્યાં હોય તો એને પાછાં ડ્રોઅરમાં મૂકી દેવાનાં. તલવાર જો કાઢી રાખી હોય તો એને ફરી મ્યાન કરી દેવાની. ટૂંકમાં, નવી ગુજરાતી ફિલ્મ જોતી વખતે 'આજે તો મારી નાખું-કાપી નાખું-છોતરાં કાઢી નાખું-ભુક્કો બોલાવી દઉં' એ ટાઇપનો એટિટયૂડ તો બિલકુલ નહીં રાખવાનો. આ એક વાત થઈ. આના વિરુદ્ધ છેડા પર પ્રતિદલીલ એ થઈ શકે કે ભાઈ,ઓડિયન્સ તો ઓડિયન્સ છે. પૈસા, સમય અને શક્તિ ખર્ચીને ફિલ્મ જોવા જતા દર્શકને ફક્ત અને ફક્ત એન્ટરટેઇનમેન્ટમાં રસ છે. એ શું કામ કોઈ પણ ફિલ્મ તરફ કૃપાદૃષ્ટિ રાખીને ગ્રેસના માર્ક્સ આપે? તો આના જવાબમાં સામો સવાલ એ કરવાનો કે મોડર્ન ગુજરાતી સિનેમા હજુ તો ભાખોડિયા ભરી રહેલું કુમળું બાળક છે તે હકીકત શી રીતે ભૂલી શકાય? બાળકની સરખામણી 'બાહુબલિ' સાથે કેવી રીતે કરાય? નોટ ફેર.
આ બેમાંથી એકેય અંતિમ પર ફંગોળાયા વગર વિજયગીરી ગૌસ્વામીએ લખેલી, ડિરેક્ટ કરેલી અને પ્રોડયુસ કરેલી 'પ્રેમજી' વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો ફિલ્મ જોતી વખતે આ એક જેન્યુઇન પ્રયાસ છે એવું સતત ફીલ થયા કરે છે. ફિલ્મમેકરનો ઉદ્દેશ પ્રામાણિક છે એવી પ્રતીતિ આપણને એકધારી થયા કરે છે. આવું બધું ફિલ્મોમાં બનતું નથી. કેટલીય ફિલ્મોમાં ફિલ્મમેકરની ક્રિએટિવ ડિસઓનેસ્ટી ગંધાતી હોય છે. 'ધ ગૂડ રોડ'માં આવી અપ્રામાણિકતાની વાસ સતત આવ્યા કરતી હતી. યોગાનુયોગે વિજયગીરી 'ધ ગૂડ રોડ' સાથે પણ ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા, પણ તેના મેકર સાથે વિખવાદ થવાથી ફિલ્મ અધવચ્ચેથી છોડી દીધી હતી.

Vijaygiri Goswami

'પ્રેમજી' એક બહુ જ જોખમી ફિલ્મ છે, વિષયની દૃષ્ટિએ. ફિલ્મનો નાયક ટિપિકલ અર્થમાં હીરો હોવાને બદલે સહેજ સ્ત્રૈણ હોય એવું છેલ્લે ક્યારે જોયું હતું? હીરો પર બળાત્કાર થતો હોય એવું દૃશ્ય ગુજરાતી કે હિન્દી તો શું, બીજી કોઈ ભાષાની ફિલ્મમાં જોયું હોવાનું પણ યાદ આવતું નથી. નાયક પર થતો સેક્સ્યુઅલ અબ્યુઝ આ ફિલ્મનું કેન્દ્ર છે. એના ફરતે આખી વાર્તા ગૂંથાઈ છે. આ એક અન્ડર-ડોગની, સામાન્ય દેખાતા માનવીમાં ધરબાયેલી અપાર શક્તિની વાર્તા છે. 'પ્રેમજી'માં હ્યુમન ટ્રાફિકિંગની, માસૂમ બચ્ચાંઓનાં શરીરને ભોગવતા વિકૃત પુરુષોની વાત પણ છે. ફિલ્મ જોતી વખતે આપણને ડિરેક્ટરને બન્ને ખભેથી પકડીને હચમચાવીને પૂછવાનું મન થાય કે ભાઈ, તમારી કરિયરની પહેલી જ ફિલ્મ બનાવો છો ત્યારે આવો રિસ્કી સબ્જેક્ટ શા માટે પસંદ કર્યો છે? જો સહેજ સંતુલન ચુકાય તો આખી ફિલ્મ ઊંધા મોંએ પટકાઈ શકે. સદ્ભાગ્યે સંતુલન ચુકાતું નથી. જો કોઈ કોમર્શિયલ નિર્માતાએ ફિલ્મ પ્રોડયુસ કરી હોત તો સ્ક્રિપ્ટમાં કેટલાય ફેરફાર કરાવ્યા હોત, વાર્તાની ધારને બુઠ્ઠી બનાવી દીધી હોત. આવું ન થાય તે માટે વિજયગીરીએ દેવું કરીને જાતે ફિલ્મ પ્રોડયુસ કરી. સેફ રમવાને બદલે સમજદારીપૂર્વક અને હિંમતભેર ઓરિજિનલ ફિલ્મ બનાવવા બદલ તેમને ફુલ માર્ક્સ. 
'કેવી રીતે જઈશ' અને 'બે યાર'ની સફળતા પછી એ ઢાળની નબળી અર્બન ફિલ્મોનો મારો થયો હતો. 'પ્રેમજી' આ ટ્રેપથી ઠીક ઠીક દૂર રહી શકી છે. ફિલ્મ નખશિખ ગુ-જ-રા-તી છે. મેહુલ સોલંકી, આરોહી પટેલ, મૌલિક નાયક, મલ્હાર પંડયા, નમ્રતા પાઠક,વિશાલ વૈશ્ય, હેપી ભાવસાર અને ઘનશ્યામ પટેલ જેવાં ફિલ્મના અદાકારો ગુજરાતી થિયેટર, ટેલિવિઝન કે રેડિયો સાથે સંકળાયેલાં નામો છે. મોટાભાગનાં (બધાં નહીં) પર્ફોર્મન્સીસ સારાં છે. સંભવતઃ સૌથી મોટો પડકાર પ્રેમજીનો કોમ્પ્લિકેટેડ ટાઇટલ રોલ ભજવતા મેહુલ સોલંકી સામે હતો. પ્રેમજી કંઈ હોમોસેક્સ્યુઅલ નથી, એ ફક્ત સહેજ સ્ત્રૈણ રહી ગયો છે. તે પણ જીવન પ્રત્યેના એટિટયૂડમાં નહીં, બલકે બોડી લેંગ્વેજમાં. આ પાત્રની ફેમિનિટીને એક્ટર-ડિરેક્ટરે ખૂબ સૂક્ષ્મતાથી ઉપસાવી છે. પ્રેમજીના પિતાનું કિરદાર 'ગુલાલ' અને 'રામ-લીલા' જેવી કેટલીય હિન્દી ફિલ્મો કરી ચૂકેલા અભિમન્યુ સિંહે ભજવ્યું છે. હુકમના એક્કા જેવો આ અદાકાર સેકન્ડ હાફમાં સ્ક્રીન પર આવે છે અને માહોલ એકાએક ગતિશીલ બની જાય છે. સરસ કોમિક ટાઇમિંગ ધરાવતા મૌલિક નાયકને જો યોગ્ય પ્રોજેક્ટ્સ મળતા રહેશે તો એમની કરિયર રોકેટની ઝડપે ગતિ કરવાની છે. નવોદિત આરોહી પટેલ સ્ક્રીન પર ર્ચાિંમગ અને સહજ લાગે છે. ફિલ્મનું સંગીત (કેદાર ઉપાધ્યાય - ભાર્ગવ પુરોહિત) કાનને ગમે છે.

On the set (top); (bottom) Vijaygiri Goswami with Mehul Solanki

આ થયા ફિલ્મના પ્લસ પોઇન્ટ્સ. હવે માઇનસ પોઇન્ટ્સનો વારો. 'પ્રેમજી'ની સૌથી મોટી ખામી હોય તો એ છે એડિટિંગ, એડિટિંગ અને એડિટિંગ. ફિલ્મનો ફર્સ્ટ હાફ દર્શકને થકવી નાખે છે, એની ધીરજની જોરદાર કસોટી કરે છે. લક્ષ્ય તરફ સીધી લીટીમાં ગતિ કરવાને બદલે કોલેજ કેમ્પસનાં અસરહીન દૃશ્યો અને રાજકારણીના ઇન્વોલ્વમેન્ટ જેવા બિનજરૂરી ટ્રેક્સ પર આડીઅવળી, આમથી તેમ ગોથાં ખાધાં કરે છે. ફર્સ્ટ હાફમાં આપણને થાય કે ફિલ્મ પ્રેમજી વિશે છે કે એના દોસ્ત રોય વિશે?
ડિરેક્ટર અને એડિટર બન્ને પોતપોતાની રીતે ફિલ્મ 'બનાવતા' હોય છે. ડિરેક્ટર ફિલ્મના સેટ પર ફિલ્મ બનાવે, એડિટર એડિટિંગ ટેબલ પર. વિજયગીરીએ સેટ પર તો સારી મહેનત કરી, પણ પ્રોફેશનલ એડિટર હાયર ન કરીને ગરબડ કરી નાખી. એડિટિંગ ટેબલ પર પણ એ જાતે જ બેઠા અને જે કંઈ બનાવ્યું હતું તેેની ધાર કાઢીને ઇમ્પ્રુવ કરવાને બદલે અસર મંદ કરી નાખી. અલબત્ત, કોઈ પણ એડિટિંગ પ્રોસેસમાં ડિરેક્ટર ગાઢપણે સંકળાયેલો રહેવાનો જ, પણ મુખ્ય કામ અનુભવી એડિટર દ્વારા થવું જોઈએ.
ફિલ્મની પેસ એકધારી રહેવી જોઈએ, વાર્તા ચોક્કસ રિધમમાં ઊઘડતી જવી જોઈએ, વાર્તામાં વણાંકો ચોક્કસ સમય પર આવી જવા જોઈએ. 'પ્રેમજી'માં આવું બનતું નથી. ફિલ્મ લાંબી અને ક્યારેક કન્ફ્યુઝિંગ લાગવાનું કારણ કાચો સ્ક્રીનપ્લે છે. વળી, અમુક પાત્રોની ભાષામાં સાતત્ય જળવાતું નથી. પ્રેમજીની અશિક્ષિત કચ્છી માતા નાગર બ્રાહ્મણ જેવા શુદ્ધ ઉચ્ચારો કરવા માંડે કે સંવાદોમાં આકૃતિ અને પ્રતિબિંબ જેવા ભારેખમ શબ્દો બોલે તે કેમ ચાલે.


સો વાતની એક વાત, ફિલ્મમાં ઘણા સ્તરે ઘણી કચાશ રહી ગઈ છે તે વાત સાચી, પણ શું પ્રેક્ષક તરીકે આપણને 'પ્રેમજી' જોઈને ક્ષોભ થાય છે, સંકોચ અનુભવવો પડે છે? જવાબ છે, ના. પ્લસ-માઇનસ બન્ને પોઇન્ટ્સને ધ્યાનમાં લઈએ તો સરવાળે 'પ્રેમજી'ને એક સારી ફિલ્મ કહેવાય કે ન કહેવાય? જવાબ છે, હા, કહેવાય. 'પ્રેમજી' સરવાળે એક સારી ફિલ્મ પણ છે અને ન્યૂ વેવ ગુજરાતી સિનેમાની ઇમ્પોર્ટન્ટ ફિલ્મ પણ છે. 'પ્રેમજી'ની આખી ટીમે મેકિંગથી લઈને પ્રમોશન અને ડિસ્ટ્રિબ્યુશન સુધીના તમામ તબક્કે ખૂબ મહેનત કરી છે. વિજયગીરીએ અપેક્ષા જગાડી છે. હવે પછી તેઓ શું બનાવે છે, એક આર્ટિસ્ટ તરીકે અને એક ફિલ્મમેકર તરીકે એમનો કરિયર ગ્રાફ કેવી રીતે વિકસે છે તે જોવાની મજા આવશે. ઓલ ધ બેસ્ટ.

0 0 0

(The modified version of the article appeared as Multiplex column in Sandesh on 19 July 2015)

No comments:

Post a Comment