Sunday, May 3, 2015

ટેક ઓફ : રેંટિયાવાળા: આ હતા અસલી રેન્ચો!

Sandesh - Ardh Saptahik Purti - 29 April 2015
ટેક ઓફ 
આપણે ધીરુભાઈ અંબાણીથી લઈને બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ જેવા દેશી-વિદેશી ભેજાબાજ ઉદ્યોગ-સાહસિકોની ગાથાઓથી પ્રભાવિત થતા રહીએ છીએ, એ સારું જ છે, પણ અમદાવાદમાં સૌથી પહેલી કાપડમિલ સ્થાપીને ગુજરાતમાં ઔદ્યોગિક યુગના મંડાણ કરાવનાર નાગરપુત્ર રણછોડલાલ છોટાલાલને કેમ ભૂલી ગયા છીએ?

ગભગ પોણા બે સદી પહેલાંની વાત. ઘોઘા બંદરે કસ્ટમ ખાતામાં એક તેજસ્વી અને સુશિક્ષિત યુવાન નોકરી કરે. એ હંમેશાં જુએ કે અંગ્રેજો અહીંથી જહાજોનાં જહાજો રૂ ભરીને ઇંગ્લેન્ડ લઈ જાય છે અને ત્યાંના માન્ચેસ્ટર તેમજ લેન્કેશાયરની મિલોમાં કાપડ તૈયાર કરીને, જહાજોમાં લાદીને પાછા ભારત લાવે છે. મતલબ કે કાચા માલને પાકો બનાવીને આ અંગ્રેજો ભારતમાંથી લખખૂટ પૈસા કમાય છે. જુવાન વિચારે ચડયો. એને થાય કે આ કામ આપણે કેમ ન કરી શકીએ? આપણે ત્યાં કાચો માલ પેદા થાય છે, અહીં કાપડ માલ વેચવા માટે વિશાળ બજાર છે. ઇંગ્લેન્ડની સરખામણીમાં ભારતમાં મજૂરી પણ સાવ સસ્તી છે, તો પછી રૂમાંથી કાપડ બનાવવાનું કામ આપણે જાતે કેમ ન કરી શકીએ? સવાલ ખાલી મશીનરીનો છે. ધારો કે વિદેશથી મશીનો મગાવીએ અને થોડાક અંગ્રેજ ઇજનેરોને નોકરીએ રાખીને આપણે જ મિલ ઊભી કરીએ તો શું આપણે પણ નાણાં ન કમાઈ શકીએ?
કહે છેને કે એક જડબેસલાક આઇડિયા આખી જિંદગી, આખો માહોલ, આખો નકશો બદલી નાખે છે. ઓગણીસમી સદીમાં ઘરઆંગણે રૂમાંથી કાપડ બનાવવાનો વિચાર કરનાર અને તેને અમલમાં મૂકનાર યુવાન હતા, રણછોડલાલ છોટાલાલ. અમદાવાદમાં સૌથી પહેલી કાપડ મિલ એમણે ઊભી કરી. અમદાવાદની ભારતના માન્ચેસ્ટર તરીકેની જે ઓળખ ઊભી થઈ હતી તેનો પહેલો પથ્થર રણછોડલાલે મૂક્યો હતો. આપણે ધીરુભાઈ અંબાણીથી લઈને બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ જેવા દેશી-વિદેશી ભેજાબાજ આંત્રપ્રિન્યોર્સ યા તો ઉદ્યોગ-સાહસિકોની ગાથાઓથી પ્રભાવિત થતા રહીએ છીએ, એ સારું જ છે, પણ ગુજરાતને મક્કમપણે ઉદ્યોગયુગમાં પ્રવેશ કરાવનાર આ પાયોનિયરને સાવ ભૂલી ગયા છીએ. આજે રણછોડલાલ છોટાલાલની ૧૯૨મી જન્મજયંતી પર એમને યાદ કરીએ.     
૨૯ એપ્રિલ, ૧૮૨૩ના રોજ અમદાવાદના એક સમૃદ્ધ સાઠોદરા નાગર પરિવારમાં એમનો જન્મ. નાગરો એ વખતે સામાન્યપણે રાજકારભારમાં જોડાતા. રણછોડલાલના પિતા પહેલાં પાટણમાં દીવાનપદે હતા, પછી વડોદરા રાજ્યમાં નોકરી કરતા. એમણે શિક્ષકોને ઘરે બોલાવીને રણછોડલાલને સારામાં સારું શિક્ષણ અપાવ્યું. રણછોડલાલ તરુણવયે ફાંકડું અંગ્રેજી બોલતા શીખી ગયા હતા. એ જમાનામાં દેખીતી રીતે જ અંગ્રેજીના જાણકારોને બહુ માનપાન મળતા. રણછોડલાલને સહેલાઈથી કસ્ટમ ખાતામાં સારી નોકરી મળી ગઈ હતી. બઢતી મેળવીને થોડાં જ વર્ષમાં તેઓ પંચમહાલ જિલ્લાના આસિસ્ટન પોલિટિકલ એજન્ટ બની ગયા હતા.
ઘોઘાના બંદરે કાચા માલની નિકાસ અને પાકા માલની આયાત થતી જોઈને રણછોડલાલને જે વિચાર આવેલો તે ગુજરાતના વેપારીઓ અને ઇન્વેસ્ટરો સામે રજૂ કર્યો. ગુજરાતના વેપારીઓ તે વખતે મુખ્યત્વે વ્યાજવટા અને અફીણના ધંધા સાથે સંકળાયેલા હતા. કોઈએ રણછોડલાલની વાતમાં રસ ન લીધો. અજાણ્યા ધંધામાં કૂદીને જોખમ શું કામ લેવાનું? કોઈએ કહ્યું: પહેલાં મુંબઈના વેપારીઓને મિલ નાખવા દો. એ લોકો સફળ થાય તો પછી વિચારીશું. કોઈએ વળી ઊલટી સલાહ આપી કે રણછોડલાલ, તમે રહ્યા નાગર બ્રાહ્મણ. તમે કારભારું કરી જાણો. ધંધામાં તમને શું ગતાગમ પડે?
રણછોડલાલ હિંમત ન હાર્યા. દરમિયાન સુરતમાં એક ઘટનાક્રમ બન્યો. ૧૮૪૭માં કેટલાક વેપારીઓ ભેગા થયા. તેઓ મોડર્ન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોટન ગૂડ્સ બનાવવા માગતા હતા. ગુજરાતમાં રહેતા કેટલાક અંગ્રેજો તેમના ટેક્નિકલ કન્સલ્ટન્ટ્સ તરીકે કામ કરવાના હતા. કમનસીબે પ્રોજેક્ટનો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે વેપારીઓ પાણીમાં બેસી ગયા. પ્રોજેક્ટ કેવળ કાગળ પર જ રહ્યો. ઊંચો સરકારી હોદ્દો ધરાવતા રણછોડલાલને કેપ્ટન જ્યોર્જ ફુલજેમ્સ નામના અંગ્રેજ ઓફિસર દ્વારા સુરતના આ પડતા મુકાયેલા પ્રોજેક્ટ વિશે જાણ થઈ. ૧૯૫૦માં એમણે ફુલજેમ્સની મદદથી પ્રોજેક્ટ વિશેની સંપૂર્ણ ટેક્નિકલ વિગતો મેળવી. સુરતીઓએ ભલે પારોઠનાં પગલાં ભર્યાં હતાં, પણ રણછોડલાલને આમાં મિલ ઊભી કરવાનું પોતાનું સપનું સાકાર કરવાની તક દેખાઈ.
તેમણે જેમ્સ લેન્ડન નામના એક બ્રિટિશ કોટન પ્લાન્ટર સાથે હાથ મિલાવ્યા. લેન્ડન ભરૂચમાં કપાસ લોઢવાના સંચા ચલાવતા હતા. લેન્ડને કહ્યું: જો તમે અડધો ખર્ચ ઉપાડી લેવા તૈયાર હો તો બાકીનો અડધો ખર્ચ હું કરીશ. વડોદરાના બે શાહુકારની પેઢીઓ શરૂઆતમાં તો પૈસા રોકવા તૈયાર થઈ, પણ પછી એમણે હાથ ખંખેરી નાખ્યો. એમને લેન્ડન પર વિશ્વાસ નહોતો બેસતોઃ આ ગોરો અમારું નાણું ઉચાપત કરીને ઇંગ્લેન્ડ ભાગી ગયો તો? રણછોડલાલ નિરાશ થયા વગર પોતાની રીતે આગળ વધ્યા. લેન્ડનની સલાહ પ્રમાણે ઇંગ્લેન્ડની બ્રાયન એન્ડ ડંકન કંપનીને પત્ર લખીને યંત્રસામગ્રી મંગાવી. મશીનરી આવતાં જ રણછોડલાલે ભરૂચમાં ચાર લાખના ખર્ચે જિનિંગ મિલ શરૂ કરી. ૧૮૫૨નું આ વર્ષ. જેમ્સ લેન્ડન મેનેજર બન્યા. બળતણની મુશ્કેલી કહો કે કાબેલ કારીગરોનો અભાવ કહો, પણ મિલ શરૂ થાય તે પહેલાં જ એનું બાળમરણ થઈ ગયું. રણછોડલાલ મેસર્સ કરમચંદ પ્રેમચંદ નામની પેઢીમાં મેનેજર તરીકે નોકરીએ લાગી ગયા.
બે વર્ષ પછી મુંબઈના કાવસજી દાવર નામના પારસીએ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની સ્થાપના કરીને દેશની પહેલી કોટન મિલ શરૂ કરી. રણછોડલાલને પાછી ચાનક ચડી. તેમણે અમદાવાદમાં કોટન મિલ સ્થાપવાની હિલચાલ કરી દીધી. આ વખતે ઇન્વેસ્ટરોના ગળે વાત ઉતારવા માટે મુંબઈની મિલનું ઉદાહરણ હાથવગું હતું. "એ લોકો ત્યાં માન્ચેસ્ટરમાં જે કરે છે તે આપણે અહીં અમદાવાદમાં કરીએ" આ વાક્ય કરતાં "એ લોકો ત્યાં મુંબઈમાં જે કરે છે તે આપણે અહીં અમદાવાદમાં કરીએ" તે વાક્ય રોકાણકારોને સાંભળવામાં સારું લાગ્યું! તેઓ પૈસા રોકવા તૈયાર થઈ ગયા. ૧૮૫૯માં અમદાવાદના શાહપુર વિસ્તારમાં'અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ'નું ખાતમૂહુર્ત થયું, પણ અણધાર્યાં વિઘ્નોને કારણે મિલ શરૂ થવામાં બીજાં બે વર્ષ નીકળી ગયાં. કેવાં વિઘ્નો? સૌથી પહેલાં તો સુએઝની નહેર ખૂલી નહોતી એટલે વિલાયતથી મશીનરી લઈને નીકળેલાં જહાજોએ ખૂબ લાંબો રસ્તો કાપવો પડે તેમ હતો. અધૂરામાં પૂરું, જે જહાજ પર યંત્રો લદાયેલાં હતાં તેમાં મધદરિયે આગ લાગી ગઈ. સઘળો સરંજામ દરિયાના પેટાળમાં ગરક થઈ ગયો. સારું થયું કે તેનો વીમો ઉતરાવેલો હતો. બીજો કોઈ હોય તો હતાશ થઈને આઇડિયા પડતો મૂકે, પણ રણછોડલાલ જુદી માટીના બનેલા હતા. તેમણે નવેસરથી મશીનરીનો ઓર્ડર આપ્યો. આ વખતે પાછી નવી ઉપાધિ આવી પડી. જે અંગ્રેજ એન્જિનિયર મશીનોને ઇન્સ્ટોલ કરવાના હતા, એ મશીન ભારતની ધરતી પર ઊતરે તે પહેલાં જ અકાળે મૃત્યુ પામ્યો. મશીનો મુંબઈથી બળદગાડાંમાં લદાઈને અમદાવાદ લાવવાં પડયાં હતાં! આખરે ૩૦ મે, ૧૮૬૧ના રોજ સાંજે પોણા પાંચે સાયરન વગાડીને ગુજરાતની સૌપ્રથમ મિલનો પ્રારંભ કરવામાં આવ્યો.


અઢી હજાર સ્પિન્ડલની ક્ષમતાવાળી આ મિલમાં ૬૩ કારીગરો કામ કરતા હતા. થોડા અરસા બાદ મિલની ક્ષમતા વધારીને દસ હજાર સ્પિન્ડલ કરવામાં આવી. આ મિલ જામી ગઈ એટલે રણછોડલાલે ૧૮૭૨માં બીજી મિલ શરૂ કરી. તે પણ સરસ ચાલતી હતી, પણ ૧૮૭૫માં ફાટી નીકળેલી ભીષણ આગમાં આખી મિલ ભસ્મ થઈ ગઈ. રણછોડલાલ જેમનું નામ. એક વર્ષની અંદર એમણે મિલને ફિનિકસ પંખીની જેમ રાખમાંથી પાછી ઊભી કરી દીધી.
રણછોડલાલની કાપડ મિલની સફળતાએ અમદાવાદને ઔદ્યોગિક નગરી બનાવવા માટેના દરવાજા ખોલી નાખ્યા. બેચરદાસ લશ્કરી નામના એક ઉદ્યોગપતિએ પોતાની મિલ ખડી કરી. પછી તો બિલાડીના ટોપની જેમ એક પછી એક કેટલીય મિલો ધમધમતી થઈ ગઈ. ૧૮૯૯માં અમદાવાદની વસ્તી હતી દોઢ લાખ અને મિલોની સંખ્યા ૨૬ હતી. સત્તર હજાર જેટલા લોકોને આ મિલોને લીધે રોજીરોટી મળતી હતી. રણછોડલાલ છોટાલાલ અત્યાર સુધીમાં રણછોડલાલ રેંટિયાવાળાના નામે મશહૂર થઈ ચૂક્યા હતા. એમની લોકપ્રિયતા જોઈને સરકારે તેમને ૧૮૮૩માં મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનાવ્યા. અત્યાર સુધી ગોરા જ આ હોદ્દા પર નિમાતા હતા, પણ ગુજરાતમાં આ પદ મેળવનાર રણછોડલાલ પહેલા ભારતીય બન્યા.
એમનું કામકાજ હવે કેવળ મિલ પૂરતું સીમિત ન રહ્યું. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રણછોડલાલને સૌથી મોટું યોગદાન અમદાવાદને સ્વચ્છ બનાવવામાં તેમજ પાણીના નળ અને ગટર યોજનાનો અમલ કરીને આપ્યું. શરૂઆતમાં રૂઢિવાદીઓએ એમ કહીને જોરદાર વિરોધ કર્યો કે નળનું પાણી અપવિત્ર ગણાય અને તે પીવાલાયક નથી. સદ્નસીબે તે સમયના અખબારોએ જોકે રણછોડલાલને ખૂબ સપોર્ટ કર્યો. નળ અને ગટર યોજના આખરે સફળતા પામી. વર્નાક્યુલર સોસાયટીના પ્રમુખ તેમજ આજીવન સભ્ય તરીકે એમણે ખૂબ બધી સામાજિક અને તબીબી પ્રવૃત્તિઓ કરી.
અંગ્રેજ સરકારે પછી રણછોડલાલ રેંટિયાવાળાને રાવબહાદુરનો ખિતાબ આપ્યો હતો. રણછોડલાલની વિશેષતા એ રહી કે એમણે અંગ્રેજો સાથે હંમેશાં નજર ઉઠાવીને વાત કરી. તેઓએ અંગ્રેજોને માલિક તરીકે ક્યારેય ન જોયા, બલ્કે એમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવ્યા. તેમના ટેક્નિકલ જ્ઞાાનનો ભરપૂર લાભ લીધો અને આ લાભ પોતાના દેશબંધુઓ સાથે શેર કર્યો. તેઓ ૭૫ વર્ષ જીવ્યા. છેક સુધી તેઓ જુદી જુદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. 'થ્રી ઇડિયટ્સ'માં આમિર ખાને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા રણછોડલાલ ચાંચડ અથવા ટૂંકમાં રેન્ચો નામનું પાત્ર ભજવ્યું હતું, પણ રણછોડલાલ રેંટિયાવાળા ગુજરાતના અસલી રેન્ચો છે!
રણછોડલાલના પુત્ર માધવરાવે અને પછી દત્તક પૌત્ર ચીનુભાઈએ તેમનો વારસો બરાબર દીપાવ્યો. ચિનુભાઈને બેરોનેટની ઉપાધિ મળી હતી. તેઓ સર ચિનુભાઈ બેરોનેટ તરીકે જાણીતા બનેલા. ખુદ ગાંધીજીએ ૧૯૩૩માં અમદાવાદમાં ભદ્રકાળી મંદિર નજીક સર ચિનુભાઈ બેરોનેટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ગુજરાતના આવા બાહોશ સપૂતોને આપણે હંમેશાં સ્મૃતિમાં ધબકતા ન રાખવા જોઈએ શું?

0 0 0 

No comments:

Post a Comment