Thursday, May 28, 2015

'વાંચવા જેવું' : જીવતા માણસનું જ નહીં, સંબંધનું પણ મૃત્યુ થતું હોય છે...

ચિત્રલેખા - અંક તા. 1 જૂન 2015 માટે 

કોલમ: વાંચવા જેવું 

‘મુક્ત જિંદગી જીવી જનારી કોઈ વ્યક્તિ પોતાના મનની કેદમાં જ જીવનભર સબડ્યા કરે છે - ને એને નથી ખબર પડતી કે એની સજાની કે નથી ખબર પડતી એના મનની આંટીઘૂંટીઓની. એનું મુક્ત હોવું જ એક મોટી સજા હોય છે.’



                                                                                 
‘પ્રિયજન’, ‘પલાશવન’, ‘ધૂન્દભરી ખીણ’ જેવી કેટલીય યાદગાર નવલકથાઓ આપનાર વીનેશ અંતાણી ફરી એક વાર ઉત્તમ કૃતિ લઈને પેશ થાય ત્યારે આપણા માટે તો ઉત્સવની ઘડી આવી કહેવાય. વીનેશ અંતાણીને ઘટનાઓની ઘમાસાણમાં રસ નથી. સપાટી પરની સ્થૂળતા એમને ખાસ આકર્ષતી નથી. એમને જે-તે ઘટના સુધી પહોંચતા રસ્તાઓમાં, રસ્તાના પથ્થરોને એક પછી એક ઊંચકીને ધ્યાનથી ચકાસવામાં અને રસ્તાએ કયાં અને કેવી રીતે વણાંક લીધા હતા એ જાણવામાં રસ છે. સંબંધ ક્ષણોના સરવાળામાંથી બનતો હોય છે. આજે જે નવલકથાની વાત કરવી છે એ ‘જિંદગી આખી’માં વીનેશ અંતાણીએ આ ક્ષણોના એક-એક રેષાને અત્યંત ખૂબસૂરતી અને મુલાયમિયતથી છુટ્ટા પાડ્યા છે.

શેખર નવલકથાનો યુવાન નાયક છે. એક દિવસ અચાનક એને એક ડાયરી મળે છે. પોતાના પિતા સુધાંશુ જોશીની ડાયરી, જે સંભવત: મૃત્યુ પામ્યા છે અને જેમની હયાતી વિશે શેખરને ત્રીસ-બત્રીસ વર્ષથી કશી જ ખબર નહોતી. શેખરની સાથે વાચક પણ આ ડાયરીના પાનાં વાંચતો જાય છે અને નવલકથા ક્રમશ: ઊઘડતી જાય છે. પિતા લખે છે:    

‘હું અહીં બેઠો છુંં. એકલો. તું મારાથી દૂર છે. અલગ. એક પિતા. એક મા. એક દીકરો. એમણે તો એક જ છત નીચે રહેવાનું હોય. આપણા ત્રણેયની વચ્ચે એ જ હવા વહેતી હોય, એ જ અજવાળું, એ જ સુગંધ... એવું નથી. તું અત્યારે કેવાં અજવાળામાં બેઠો હશે એ હું જાણતો નથી. હું કેવા અંધારામાં બેઠો છું એ તું જાણી શકવાનો નથી.’ 

ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલો નાયક ડાયરી સાથે બે સ્તરે આઈડેન્ટિફાય કરી શકે છે. એક તો, ડાયરીમાં પોતાનાં માતા-પિતાની તેમજ ખુદનાં બાળપણની વાતો છે. બીજું, નાયક સ્વયં એકલતા અનુભવી રહ્યો છે. એની પત્ની સુજાતા નાનકડા દીકરા બન્ટીને લઈને ઘર છોડીને ઈન્ડિયા જતી રહી છે. હંમેશ માટે? ખબર નથી. બે વર્ષ વીતી ગયાં છે અને સુજાતા જાણે આ સંબંધમાંથી ઊખડી ગઈ છે.



સુધાંશુ જોશી અને ગીતાનો સંબંધ કેમ તૂટી પડ્યો હતો? શા માટે શેખરે આખી જિંદગી પિતાની હૂંફથી વંચિત રહેવું પડ્યું? સુધાંશુ જોશીનાં ડાયરીનાં પાનાંમાંથી આ સવાલના જવાબ, અથવા તો જવાબનો આભાસ, ત્રુટક-ત્રુટક મળે છે. ડાયરીમાં ગીતાનું વ્યક્તિત્ત્વ સરસ રીતે ઊપસ્યું છે. આખી નવલકથાનાં તમામ પાત્રોમાં કદાચ ગીતાનું કેરેક્ટરાઈઝેશન સૌથી અસરકારક બન્યું છે. સુધાંશુ જોશી ડાયરીમાં લખે છે:

‘ગીતાને પોતાનું ઊભું કરેલું ભૂંસતા જવામાં જ રસ હતો. જ્યારે કશુંક ઊભું થવા લાગે ત્યારે એનામાં વિદ્રોહ જેવું ઝનૂન હોય અને એને ભૂંસવા તત્પર બને ત્યારે પણ એવું જ ઝનૂન હોય છે... એને જે જોઈતું હોય તે મળવવા માટે આકાશપાતાળ એક કરી નાખે અને એ મળી ગયા પછી એને ગુમાવી દેવા માટે પણ જે કરવું પડે, કરતાં ખચકાય નહીં. શું હશે એ, શેખર?’

એક પ્રકારની આત્મવિનાશક વૃત્તિ? પૂર્ણપણે ન વિકસી શકેલું સંવેદનતંત્ર? કદાચ, હા. ગીતા પતિથી અલગ થઈ ગઈ, પણ છૂટાછેડા ન લીધા. એ પતિને મુક્ત કરવા માગતી નહોતી કે ખુદ નિતાંત આઝાદી ઈચ્છતી હતી? સુધાંશુ લખે છે:

‘મુક્ત જિંદગી જીવી જનારી કોઈ વ્યક્તિ પોતાના મનની કેદમાં જ જીવનભર સબડ્યા કરે છે - ને એને નથી ખબર પડતી કે એની સજાની કે નથી ખબર પડતી એના મનની આંટીઘૂંટીઓની. એનું મુક્ત હોવું જ એક મોટી સજા હોય છે.’

સંબંધમાં પેદા થઈ ગયેલું અંતર ન ગીતા પાર કરી શકી. ન સુધાંશુ. લખે છે:

‘પછી એકાએક એવો સમય આવી જાય છે, શેખર, કે કશુંય સાચવી શકાતું નથી. બહુ મોડું થઈ જાય પછી કોઈ પ્રેમ, કોઈ સમજણ, કોઈ જ સંબંધ કામ લાગતો નથી. જ્યારે તૂટવા લાગે છે ત્યારે બધું એકીસાથે કડડભૂસ થતું જમીનદોસ્ત થઈને જ રહે છે.’

સંવેદનશીલ માણસ માટે એકલતા જેટલી કારમી ચીજ બીજી એકેય નથી, પણ સંવેદનહીન સંબંધમાં સબડતા રહેવા કરતાં એકલતા સહી લેવી બહેતર વિકલ્પ નથી શું? સુધાંશુ યોગ્ય જ કહે છે:  

‘મૃત્યુ જીવતા માણસનું જ થતું નથી, સંબંધનું મૃત્યુ પણ થાય છે. એવો સંંબંધ, જેને તમે જીવની જેમ જાળવી રાખવા મથ્યા હો છો. એના સિવાય બીજું કશુંય તમને જોઈતું હોતું નથી. તમે કરેલો પ્રેમ, તમે લીધેલી કાળજીઓ, તમારા સ્પર્શો, તમારાં આલિંગનો, એકબીજામાં ભળી જતા તમારા શ્ર્વાસોચ્છવાસ... બધું જ એક પળમાં મૃત્યુ પામે છે. એ પણ એક મૃત્યુ જ છે, શેખર - મૃત્યુથી પણ વધારે ભયાનક, વધારે એકાકી.’  



એવું માની લેવાની બિલકુલ જરુર નથી કે પુરુષોને છોડી ગયેલી બન્ને સ્ત્રીઓ ખલનાયિકા છે. લેખકે નવલકથામાં પ્રગલ્ભ તટસ્થતા જાળવી રાખી છે. નથી એમણે કોણ સાચું ને કોણ ખોટું એવા ચુકાદા તોળ્યા કે નથી સ્પષ્ટ કારણો દેખાડ્યાં. સ્ત્રીપાત્રોનાં દષ્ટિકોણને પણ અહીં પૂરતો અવકાશ મળ્યો છે.  નવલકથામાં ગીતા અને સુજાતા ઉપરાંત રેણુ નામનું એક સ્ત્રીપાત્ર પણ છે. સુધાંશુ જોશીના જીવનમાં આવેલી આ રેણુ કોણ છે? એક બિંદુ પર પુત્ર શેખરના મનમાં સવાલ સુધ્ધાં થાય છે કે પિતા ડાયરીમાં જેવા દેખાવાનો પ્રયત્ન કરે છે એનાથી જુદી વ્યક્તિ હશે? કે પછી, જાત સાથે પણ એ આત્મવંચના કરતા હશે?

નવલકથામાં આખરે શું થાય છે? શું શેખર સુજાતા સાથેના સંબંધમાં જે કંઈ બચ્યું છે એ બધું સમેટીને સંબંધને પુન: ઊભો કરવાની કોશિશ કરે છે? શબ્દ સ્વરુપે જેમને પહેલી વાર ઓળખ્યા છે એ પિતા, કે જેણે ડાયરીમાં ક્યારેય ‘બેટા’ એવું સંબોધન કર્યું નથી, એમની હૂંફ શું હવે જિંદગી આખી સાથે રહેવાની છે? આ પ્રશ્ર્નના ઉત્તર તમારે નવલકથા વાંચીને મેળવી લેવાના છે. સાહિત્યિક ગુણવત્તા ધરાવતી સંવેદનશીલ નવલકથાના ભાવકોએ અચુક વાંચવા જેવું પુસ્તક.                                                                                0 0 0

 જિંદગી આખી   
                                
લેખક: વીનેશ અંતાણી
પ્રકાશક: આર.આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોન: (૦૭૯) ૨૫૫૦ ૬૭૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
કિંમત:  ‚. ૧૫૦ /
 કુલ પૃષ્ઠ: ૧૭૮
 

૦ ૦ ૦

2 comments:

  1. Dear Shishirbhai, Very nice review of Jindagi Aakhi... though I haven't read yet but will order from my own site for my personal copy...

    ReplyDelete
  2. ખુબ સરસ વર્ણન શિશિરભાઈ...... આ ગુજરાતી પુસ્તક કોઈ મિત્રો ને ખરીદવું હોઈ તો ઘેર બેઠા મળી શકે છે... અહીં ક્લિક કરી ને

    ReplyDelete