Wednesday, December 24, 2014

ટેક ઓફ : કોઈનાં લાડકવાયાં

Sandesh - Ardh Saptahik Purti - 24 December 2014
ટેક ઓફ 
સંતાન નાનપણમાં મૃત્યુ પામ્યું હોય, એની સાથે પ્રમાણમાં ખૂબ ઓછો સમય ગાળ્યો હોય છતાંય એના પ્રત્યેનો પ્રેમ ગજબની તીવ્રતા શી રીતે ધારણ કરી લેતો હશે? 


પેશાવરની ઘટનાએ એટલો મોટો ઘા કર્યો છે આપણાં સૌનાં દિલ પર કે જખમ પર રૂઝ આવતા બહુ વાર લાગવાની છે. એક પછી એક ૧૩૨ માસૂમ જીવ રહેંસાઈ રહ્યા હશે તે બિહામણી ક્ષણોનું સત્ય કેવી રીતે પકડી શકાય? પેશાવરની શાળામાં જે બન્યું તે માનવસર્જિત હતું, પણ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ધરતીકંપના તાંડવને લીધે ગુજરાતની કેટલીક શાળાઓમાં જે બનેલું તે પ્રકૃતિનું પાપ હતું. પ્રજાસત્તાક દિને સ્કૂલમાં તિરંગો ઝંડો લહેરાવવા ગયેલાં કેટલાંય માસૂમ બાળકો ક્યારેય પાછાં આવ્યાં નહીં. વાત પેશાવરની હોય કે અંજારની, બે કાંઠે વહેતી વેદનાના ઘૂઘવાટમાં તર્ક થીજી જાય ત્યારે ક્યારેક કવિતાની કૂંપળ જન્મી જતી હોય છે. કૃષ્ણ દવેએ ગુજરાતના ધરતીકંપમાં જીવ ખોનાર સ્કૂલી બચ્ચાંઓ માટે 'વંદે માતરમ્' નામનું અત્યંત હૃદયસ્પર્શી કાવ્ય લખ્યું હતું. તેના કેટલાક અંશોને પાકિસ્તાની હત્યાકાંડના સંદર્ભમાં પણ જોઈ શકાય છે. કવિ લખે છે -
હમણાં આવું છું એમ કહીને ગયેલી આ પગલીના વાયદાનું શું?
અધખુલ્લી પાંપણ પર છાપી નાખેલ તારા ખરબચડા કાયદાનું શું?
                 ઝાકળને જોખવામાં ફૂલની જગ્યાએ કાંઈ પથ્થરના હોય નહીં તોલ!
મનગમતા તડકાને પહેરીને છોડ બધા કેવા થયેલા તૈયાર!
કોની એ કાળમીંઢ આંખોમાં ખટક્યો આ લીલપનો આખો તહેવાર?
                   ખેતરની ચીસ એ તો ઢેફું થઈ જાય આંખ સામે વઢાઈ ગયો મોલ!
આંગળીએ વળગેલી ધૂળ કહે અહીંયાંથી મુઠ્ઠી ભરીને લઈ જાવને,
સન્નાટો તોડીને કૂંપળ ફૂટે ને અહીં એવું એકાદ ગીત ગાવને!
                   શોધી આપોને હજુ હમણાં ખોવાયા મારા માટીમાં રમવાના કોલ!
કહે છે ને કે નાનકડી કોફિનનો ભાર સૌથી વધારે લાગે છે. મૃત સંતાનના શબનો બોજ બાપ કેમેય કરીને જીરવી શકતો નથી. નિકોલસ ગોર્ડન નામના કવિનો પ્રલાપ જુઓઃ
લાગે છે, અનહદ પીડાને કારણે મારું હૃદય ધડકતું બંધ થઈ જશે.
તું મને એટલો બધો યાદ આવે છે, મારા બચ્ચા...
કે તારી સ્મૃતિનો અંધકાર મારો જીવ ખેંચી લેશે.
મને ખબર છે કે તું હવે ક્યારેય પાછો નહીં આવે,
પણ તોય તારા શરીરને અળગું કરી શકતો નથી.
તારા પર વહાવેલું સઘળું વાત્સલ્ય વ્યર્થ ગયું,
ઓહ, મારું આખું જીવન વેડફાયું.

તારાથી દૂર થવા માગું છું, પણ કેવી રીતે થાઉં?
મારા વહાલા બચ્ચા, ફરી મારી પાસે આવ.
તું જ મારો સૂરજ ને તું જ મારી વર્ષા,
મારું સુખ તું, મારું સર્વસ્વ તું,

મારી શક્તિનો સ્રોત તું,
લાગે છે કે આ વેદના મારો જીવ લઈ લેશે.
મારા વહાલા બચ્ચા, ફરી મારી પાસે ક્યારે આવશે?
સંતાન નાનપણમાં મૃત્યુ પામ્યું હોય, એની સાથે પ્રમાણમાં ખૂબ ઓછો સમય ગાળ્યો હોય છતાંય એના પ્રત્યેનો પ્રેમ ગજબની તીવ્રતા શી રીતે ધારણ કરી લેતો હશે? મેરી યાર્નેલ પોતાના મૃત્યુ પામેલા સંતાનને ઉદ્દેશીને કહે છે -
જિંદગી હજુ તો માંડ શરૂ થઈ હતી,
હજુ તો જગતમાં સ્થાન બનાવવાનું હતું બાકી,
કેટલું બધું કરી શક્યો હોત તું,
પણ તને સમય જ ન મળ્યો,
પણ બેટા, તેં ભરપૂર પ્રેમ જરૂર મેળવ્યો.

ન તેં દુનિયા જોઈ, ન પ્રકૃતિની સુંદરતા,
હજુ ઘરની બહાર પગલાં જ ક્યાં પાડયાં હતાં તેં?
ન તેં ગીત ગાયાં, ન મન મૂકીને નાચ્યો,
પણ બેટા, તેં ભરપૂર પ્રેમ જરૂર મેળવ્યો.

દીકરા, જે વધુ જીવે છે એણે વધુ સહેવું પડે છે,

એ રીતે તું ભાગ્યશાળી ખરો.
ન તેં નફરત જોઈ, ન આંસુ, ન ક્રોધ જોયો, ન વિશ્વાસઘાત,
તારી નાનકડી જિંદગીમાં તેં જોયો પ્રેમ, પ્રેમ અને કેવળ પ્રેમ...
સંતાન વહેલું જતું રહ્યું એટલે જીવનના કારમા સંઘાતોથી બચી ગયું એમ વિચારતી મા કે બાપ જરૂર જાણતાં હોય છે કે આ તો પોતાની જાતને છળવાની વાત થઈ, પણ સત્ય સ્વીકારવું પડે છે. ગમે તેમ કરીને જીરવવું પડે છે, જીવવું પડે છે. સ્વજનો સાંત્વન આપવાની કોશિશ કરે છે એમ કહીને કે, સંતાન ભગવાન પાસેથી અમુક જ વર્ષો લઈને આવ્યું હતું, એ વર્ષો પૂરાં થઈ ગયાં એટલે આપણને છોડીને પાછું ભગવાન પાસે જતું રહ્યું. માણસ માત્ર આખરે તો પ્રભુનું જ સંતાન છેને! એક બહુ સુંદર અંગ્રેજી કાવ્ય છે જેનાં એકાધિક વર્ઝન બન્યાં છે. તેમાં ઈશ્વર અને મનુષ્ય વચ્ચે સામસામા સંવાદ થાય છે. સાંભળોઃપ્રભુએ કહ્યું, લે, લઈ જા મારું બાળક.
પણ થોડા સમય માટે જ હં,
કાયમ માટે નહીં.
તારી પાસે રહે એટલી વાર ખૂબ વહાલ કરજે એને.
એ વિદાય લે ત્યારે શોકથી રડી લેજે.
એ તારી પાસે છ-સાત વર્ષ રહે
કે વીસ-બાવીસ વર્ષ પણ રહે.
પણ જ્યાં સુધી એને પાછું ન બોલાવું હું,
એની હૃદયપૂર્વક સંભાળ રાખીશ તું?
એના હોવા માત્રથી પુલકિત થઈ જઈશ તું.
ભલે રહે એ થોડો સમય
એની યાદોથી સમૃદ્ધ બની જઈશ તું.
આ સ્મૃતિ જ પછી બનશે તારા દર્દની દવા.
એ કાયમ તારી પાસે જ રહેશે એવું કોઈ વચન આપતો નથી તને.
પણ ત્યાં નીચે મૃત્યુલોકમાં એણે કેટલાક પાઠ છે શીખવાના.
ઇચ્છું છું હું કે એ તારી પાસે રહીને શીખે.
મેં ખૂંદી નાખ્યો આખો સંસાર.
જોયું, કોણ એને સારામાં સારી રીતે
શીખવી શકે તેમ છે જિંદગીના પાઠ?
અને મેં પસંદગીનો કળશ ઢોળ્યો તારા પર.
તો શું તું એના પર વરસાવી શકીશ પ્રેમ લગાતાર?
એ વિદાય લેશે ત્યારે 'મારો પ્રેમ વેડફાઈ ગયો'
એવું તો નહીં કહેને?
હું એને મારી પાસે પાછું બોલાવી લઈશ ત્યારે
મને ધિક્કારશે તો નહીંને?
તારી સઘળી શરતો મને મંજૂર છે, પ્રભુ!
આ બાળક એટલું બધું સુખ આપવાનું છે કે
સઘળી પીડાનું જોખમ ઉઠાવવા તૈયાર છું હું...
હે પ્રભુ! એનું જીવ કરતાંય વધારે જતન કરીશ હું.
ભીંજવી દઈશ ભરપૂર વાત્સલ્યથી...
જેટલો સમય અમારી સાથે રહેશે
ધન્યતા ને સાર્થકતા અનુભવ કરીશું અમે.
પણ હે ઈશ્વર! તેં એને આટલો જલદી પાછો બોલાવી લીધો?
કેમ એને લેવા ફરિશ્તાને આટલો વહેલો મોકલી દીધો?
એને વિદાય આપવા અમે હજુ તૈયાર નહોતાં...
પણ હે પ્રભુ! જીવ શોષી લે એવી કારમી વેદનાની વચ્ચે પણ
અમે હિંમત ટકાવી રાખીશું
તેં જે શરતો મૂકી હતી
તેને યાદ કરવાની ને સ્વીકારવાની કોશિશ કરીશું...
પોતાની અણધારી વિદાયથી મા-બાપ ફાટી પડયાં છે એ શું ઉપરથી સંતાનો જોતાં નહીં હોય? એક અનામી કવિની અંગ્રેજી કવિતામાં સ્વર્ગે સિધાવેલો નાનકડો દીકરો પોતાની માને કહે છેઃ
મા, પ્લીઝ દુઃખી ના થા.
મનેય તારા વગર ગમતું નથી.
અહીં બધું બહુ સરસ છે,
પણ મને તારી ફિકર થયા કરે છે.
અહીં ફરિશ્તાઓ મારું ખૂબ ધ્યાન રાખે છે,
અહીં ફક્ત પ્રેમ જ પ્રેમ છે.
અહીં ક્યારેય એકલું એકલું લાગતું નથી,
મને ક્યારેય ડર લાગતો નથી,
કેમ કે ભગવાન અહીં મારી આસપાસ જ હોય છે હંમેશ.
હું રોજ ભગવાન સાથે ચાલવા જાઉં છું.
બહુ જ પ્રેમાળ અને ભલા છે એ.
મારી જરાય ચિંતા ન કરતી, મા,
સોનેરી સડક ઓળંગતી વખતે,
ભગવાન મારી આંગળી પકડે છે.
હું ક્યારેય રડતો નથી, કોઈને હેરાન કરતો નથી.
દાદાજીને રોજ મળું છું,
ખૂબ રમું છું, હસું છું, મજા કરું છું.
તું પ્રાર્થના કરતી હોય ત્યારે કાન દઈને તારા શબ્દો સાંભળું છું.
પ્લીઝ મા, ભગવાન પર નારાજ ન થા.

એ પણ મને બહુ વહાલ કરે છે.
ભલે હું તારી આસપાસ ન હોઉં

છતાંય હું તારી સાથે જ છું, હરહંમેશ...      

0 0 0 

2 comments:

  1. લાગણીઓ ની ભીનાશ કવિતા સ્વરૂપે...
    ભલે પછી એ ભારત હોય કે પાકિસ્તાન

    ReplyDelete
  2. very sad and painful state of being when one loses a child. only parents who have gone through such pain know what it feels like. prayers for all the children who made early exit from the world.

    ReplyDelete