Friday, November 21, 2014

હોલીવૂડ હન્ડ્રેડ : Film 97 : Koker Trilogy

Mumbai Samachar - Matinee - 21 Nov 2014

હોલીવૂડ હન્ડ્રેડ - શિશિર રામાવત

અત્યંત કડક પાબંદીઓ વચ્ચે અને ડુઝ-એન્ડ-ડોન્ટ્સના જંગલ વચ્ચે પણ - કદાચ એટલે જ - અત્યંત અસરકારક અને હૃદયસ્પર્શી ફિલ્મો બનાવી શકાય છે એ ઈરાનના ડિરેક્ટર-રાઈટર અબ્બાસ કિઆરોસ્તામીએ આખી દુનિયાને શીખવ્યું છે. 

જીવન ચલને કા નામ
મે ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરવાના શોખીન છો? ઈરાનીઅન ફિલ્મો તમને પસંદ છે? તો અબ્બાસ કિઆરોસ્તામીનાં નામ અને કામથી તમે અપરિચિત નહીં હો. અબ્બાસે ઈરાન જેવા રૂઢિચુસ્ત દેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્ટેટસ આપવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. ખૂબ બધી ફિલ્મો બનાવી છે એમણે. અબ્બાસની કોકર ટ્રિલોજી તરીકે મશહૂર થયેલી ત્રણ ફિલ્મોની વાત આજે એકસાથે કરવી છે. ટ્રિલોજી એટલે ત્રણ ફિલ્મોનું ઝૂમખું.

ફિલ્મોમાં શું છે?

ટ્રિલોજીની પહેલી ફિલ્મ ‘વેર ઈઝ ધ ફ્રેન્ડ્’ઝ હોમ?’માં એક નવેક વર્ષના ક્યુટ છોકરાની વાત છે. ભોળો ભોળો અને અતિ માસૂમ એવો આ છોકરો ઉત્તર ઈરાનના કોકર નામના ગામમાં રહે છે. અહમદ (બાબેક અહમદ પૂર) એનું નામ. અહમદ પાસે એની સાથે ભણતા એક ભાઈબંધની નોટબુક પડી છે, જે પેલો ક્લાસમાં ભૂલી ગયેલો. હવે જો ભાઈબંધ આ નોટબુકમાં લેસન કર્યા વગર બીજા દિવસે નિશાળે પહોંચી જશે તો ટીચર ચોક્કસપણે ગુસ્સે થશે અને એને બહાર કાઢી મૂકશે. આવું ન થાય તે માટે નોટબુક બાજુના ગામમાં રહેતા મિત્રના ઘરે આજે જ પહોંચાડવી જરૂરી છે.

અહમદ નિકળી પડે છે. રસ્તામાં નાના-મોટા અનુભવો કરતો કરતો અહમદ ફિલ્મના એન્ડમાં દોસ્તના હાથમાં નોટબુક સોંપી દે છે. બસ, આટલી જ અમથી વાત. રસ્તામાં અહમદ સાથે જે કંઈ બને છે એ ફિલ્મનો મુખ્ય હિસ્સો છે. અહીં કશું જ ડ્રામેટિક કે આઘાતજનક બનતું નથી. સાવ નાની નાની વાતો છે. જેમ કે, સૂની શેરીમાં કૂતરાથી બચવું, કોઈ ઘરના રવેશમાંથી નીચે પડી ગયેલું સૂકું કપડું ગમે તેમ કરીને મહિલાના હાથમાં મૂકવું, વગેરે. અહમદના મા-બાપ અને વચ્ચે મળતા ગામલોકોમાંથી કોઈ એની મદદ કરવા તૈયાર નથી, છતાંય એ દોસ્ત પ્રત્યેની વફાદારી નિભાવ્યે છૂટકો માને છે. બીજી ફિલ્મ ‘લાઈફ, એન્ડ નથિંગ મોર...’માં ઈરાનમાં ૧૯૯૦માં આવેલા ભયાનક ભૂકંપનો સંદર્ભ લેવાયો છે. આ ધરતીકંપમાં ૩૦,૦૦૦ કરતાં વધારે માણસોએ જીવ ખોયો હતો. આ ફિલ્મ ડોક્યુમેન્ટરી સ્ટાઈલમાં બનેલી સેમી-ફિક્શન છે. આગલી ફિલ્મ ‘વેર ઈઝ ધ ફ્રેન્ડ્’ઝ હોમ?’ના કલાકારોનું આ ધરતીકંપમાં શું થયું તે જાણવા ડિરેક્ટર (ફરહાદ ખેરદમંદ) એમને શોધવા કોકર ગામ તરફ નીકળે છે. કુદરતી વિનાશને કારણે કોકર જતા રસ્તા બંધ થઈ ગયા છે. ડિરેક્ટરનો ભેટો કેટલાય સ્થાનિક લોકોે સાથે થાય છે. સૌ એને પોતપોતના અનુભવો કહે છે અને કોકર સુધી પહોંચવામાં થાય એટલી મદદ કરે છે.

કોકરમાં એને પોતાની ફિલ્મમાં કામ કરનારો એક ઍક્ટર એમને મળી જાય છે. ધરતીકંપમાં બચી ગયેલા લોકો પાસેથી ઑર કેટલાક કિસ્સા સાંભળવા મળે છે. સદભાગ્યે પેલા નાનકડા અહમદ સાથે પણ ભેટો થાય છે. ડિરેક્ટર બેઘર બની ચૂકેલા લોકોને ટેન્ટમાં લાવે છે. અબ્બાસના દીકરાને ટીવી પર ફૂટબોલ વર્લ્ડ કપ જોવો છે. બીજા ટાબરિયા અને લોકો પણ ફૂટબોલ મેચ જોવામાં ગુલતાન થઈ જાય જાય છે. ડિરેક્ટર જુએ છે કે આટલા વિનાશ પછી પણ લોકો પોતાની વેદના ભૂલી શકે છે. એમનો જીવન જીવવાનો જુસ્સો અકબંધ છે. આ ફિલ્મમાં એક યુવક-યુવતીની સિકવન્સ પણ છે, જે હવે પછીની ત્રીજી ફિલ્મ માટેનું ટ્રિગર પોઈન્ટની બની રહે છે.

ટ્રિલોજીની અંતિમ ફિલ્મ ‘થ્રૂ ધ ઓલિવ ટ્રીઝ’માં પેલાં કપલની વાર્તા વધારે ખૂલે છે. અહીં શરૂઆતમાં જ ડિરેક્ટર એક ફિલ્મ બનાવવાની ઘોષણા કરે છે. એને તે કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવા માગે છે. ફિલ્મ-વિધીન-ફિલ્મની સ્ટોરી એવી છે ભયાનક ધરતીકંપ પછી સ્વજનોને ખોઈ ચૂકેલો એક યુવક અને યુવતી લગ્ન કરવાનો નિર્ણય લે છે, કેમ કે જીવન તો ચાલતું જ રહેવું જોઈએ. એક સ્થાનિક યુવાન અને યુવતીને ઍક્ટર તરીકે પસંદ કરવામાં આવે છે. યુવક હુસેન (હોસેની રેઝાઈ) આમ તો અભણ મજૂર છે, પણ એને ફિલ્મમાં એક્ટિંગ કરવાનો મોકો મળી ગયો છે. એની પ્રેમિકા બનતી યુવતી તહેરા એને ખરેખર ગમી જાય છે. તહેરા એને ટાળતી રહે છે, કેમ કે એના પર ખૂબ બધી પાબંદીઓ છે. બન્નેના ધર્મ જુદા છે ને બેયનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સાવ જુદાં છે. રીલ અને રિઅલ લાઈફની સેળભેળ થતી રહે છે. શૂટિંગ ચાલુ ન હોય એવા કલાકોમાં યુવક હિંમત હાર્યા વગર યુવતીનું દિલ જીતવાની કોશિશ કરે છે. ડિરેક્ટરને વાતની ખબર પડે છે. આખરે યુવતી યુવકની પ્રપોઝલનો જવાબ આપે છે. આ એક લોંગ શોટ છે. યુવતીએ પેલાનો પ્રેમ સ્વીકાર્યો કે ન સ્વીકાર્યો તેનો ઉત્તર દર્શકને મળતો નથી. આ અસ્પષ્ટતા પર ફિલ્મ પૂરી થાય છે. ટ્રિલોજી પણ.

કથા પહેલાંની અને પછીની

હિન્દી ફિલ્મોવાળા અવારનવાર સેન્સર બોર્ડ સાથે યુદ્ધે ચડતા હોય છે અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન્સના મુદ્દે આક્રમક મુદ્રા ધારણ કરતા હોય છે. કલ્પના કરો કે ઈરાન જેવા અતિ રૂઢિચુસ્ત દેશમાં ફિલ્મમેકરોના હાથ-પગ કેટલા બંધાઈ જતા હશે. છતાંય આ દેશમાં જે રીતે સિનેમાએ છેલ્લા ત્રણ દાયકામાં જે વિકાસ કર્યો છે તે અસાધારણ છે. અત્યંત કડક પાબંદીઓ વચ્ચે અને ડુઝ-એન્ડ-ડોન્ટ્સના જંગલ વચ્ચે પણ - કદાચ એટલે જ - અત્યંત અસરકારક અને હૃદયસ્પર્શી ફિલ્મો બનાવી શકાય છે એ ઈરાનના મેકરોએ આખી દુનિયાને શીખવ્યું છે. આમાં ડિરેક્ટર-રાઈટર અબ્બાસ કિઆરોસ્તામીનું નામ શિરમોર છે.

અબ્બાસ કિઆરોસ્તામીની ફિલ્મોમાં બજેટ પાંખું હોય, સ્પેશિયલ ઈફેક્ટસ કે બીજી ઝાકઝમાળનું નામોનિશાન ન હોય, પણ એની કન્દ્રિય થીમ અને વાતાવરણ એટલાં અસરકારક હોય કે સંવેદનશીલ દર્શકનું હૃદય ભીનું થયાં વગર ન રહે. આર્ટ અને કમર્શિયલના ખાનાં પાડવા જ હોય તો અબ્બાસની ફિલ્મો આર્ટ-હાઉસ સિનેમાના ખાનાંમાં સ્થાન પામે.

આ લેખમાં જેની ચર્ચા થઈ રહી છે એ ત્રણ ફિલ્મોનું ઝૂમખું દુનિયાભરમાં વખણાયું છે. આ ત્રણેય ફિલ્મોને ટ્રિલોજી ગણવાનું કામ ફિલ્મ સમીક્ષકોએ કર્યું છે, અબ્બાસે નહીં. ઈન ફેક્ટ, અબ્બાસને તો આને ટ્રિલોજી ગણવા સામે વાંધો હતો. એમનું કહેવું હતું કે આ ત્રણેય ફિલ્મોમાં કોકર ગામ સિવાય બીજું કશું કોમન નથી. જો સિરીઝ ગણવી જ હોય તો બીજી અને ત્રીજી ફિલ્મ સાથે ‘ટેસ્ટ ઓફ ચેરી’ (૧૯૯૭) નામની ફિલ્મને જોડો, કેમ કે એ ત્રણમાં જિંદગી મૂલ્યવાન છે એવો કેન્દ્રીય વિચાર કોમન છે.

નાના છોકરાવાળી ‘વેર ઈઝ ધ ફ્રેન્ડ’ઝ હોમ?’ ફિલ્મ અબ્બાસની કરીઅરની બીજી જ ફિલ્મ છે. નિતાંત માસૂમિયત છલકે છે એમાંથી. છોકરાની મુસાફરી વાસ્તવમાં એક પ્રતીક છે. સ્વજનો અનુકૂળ ન હોય, સમાજ સાથ આપતો ન હોય છતાંય સંબંધમાં વફાદારી નિભાવવાની એટલે નિભાવવાની જ. જો ઈરાદો મજબૂત હોય તો બધું જ શક્ય છે, એવો આ ફિલ્મનો સંદેશ છે. બીજી ધરતીકંપવાળી ફિલ્મ ‘લાઈફ, એન્ડ નથિંગ મોર...’નો સંદેશ બહુ સ્પષ્ટ છે: જીવન ચલને કા નામ. ચાહે કેટલી મોટી વિપદા કેમ ન આવે, જિંદગી કોઈ પણ સંઘાતથી અટકી પડવી ન જોઈએ. અબ્બાસ કિઆરોસ્તામી અને મોહસીન મખમલબેફ - ઈરાનના આ બે ફિલ્મમેકરો એવા છે જે વાસ્તવ અને કલ્પના વચ્ચેની ભેદરેખા ઘણી વાર ભૂંસી નાખે છે. આ ફિલ્મમાં અબ્બાસની આ લાક્ષણિકતા સરસ ઊપસી છે. ત્રીજી ફિલ્મ ‘થ્રૂ ધ ઓલિવ ટ્રીઝ’ના મેકિંગ દરમિયાન લોકેશન પર ખૂબ બધાં ઈમ્પ્રોવાઈઝેશન થયાં હતાં એટલે કે શૂટિંગ કરતાં કરતાં નાનામોટા ઘણા ફેરફારો થયા હતા. આ ફિલ્મની ક્લાઈમેક્સ (કે જેમાં યુવતી એના પ્રેમીને જવાબ આપે છે) વિશે ખૂબ ચર્ચા અને વિશ્ર્લેષણો થયાં છે. અગાઉ અબ્બાસની એવી છાપ પડી ગઈ હતી કે એ ક્યારેય લવસ્ટોરી બનાવતા નથી, પણ આ ઈમેજ ‘થ્રૂ ધ ચેરી ટ્રીઝ’થી તૂટી. ફિલ્મનો સંદેશ એ છે કે સબ સે ઊંચી પ્રેમસગાઈ. જો જીવનમાં પ્રેમનું તત્ત્વ હોય તો જ એ જીવવા જેવું અને સુંદર બની શકે છે.

અબ્બાસની સાદગીભરી ફિલ્મોમાં વાર્તા સામાન્યપણે સાવ પાંખી હોય. દૃશ્યો પડદા પરનાં કાવ્ય જેવાં હોય. પાત્રોનાં બેકગ્રાઉન્ડ વિશે બહુ જ ઓછી માહિતી આપવામાં આવી હોય. અબ્બાસ ઓડિયન્સને પણ ક્રિયેટિવ પ્રોસેસનો હિસ્સો ગણે છે. તેથી ઘણું બધું તેઓ ઓડિયન્સની કલ્પના અને અર્થઘટન પર છોડી દે છે. અબ્બાસ જાણે કે માત્ર ટપકાં દોરે છે, ટપકાં જોડીને આખું ચિત્ર ઊપસાવવાનું કામ દર્શકે જાતે કરી લેવાનું. સૌ પ્રેક્ષકો એકસરખું ચિત્ર ઊપસાવે તે પણ જરાય જરૂરી નહીં. સૌની દૃષ્ટિ જુદી, સૌનાં અર્થઘટન વેગળાં. અબ્બાસ કહે છે કે જો આપણે પેઈન્ટિંગમાં, વાર્તા-કવિતામાં અને શિલ્પમાં એબ્સટ્રેક્ટ સ્વીકારી શકતા હોઈએ તો સિનેમામાં કેમ નહીં.

એક ઈન્ટરવ્યૂમાં અબ્બાસ કહે છે, ‘મારા ઘરની લાઈબ્રેરીમાં તમને વાર્તા-નવલકથાનાં પુસ્તકો નવાનક્કોર દેખાશે, પણ કવિતાનાં પુસ્તકો સાવ ચોળાઈ ગયેલાં હોય. ઘણાનાં પાનાં, પૂઠાં નીકળી ગયાં હોય. આવું એટલા માટે કે વાર્તા-નવલકથા એક વાર વાંચીને હું સાઈડમાં મૂકી દઉં છું, પણ કવિતા પાસે મારે વારે વારે જવું પડે છે. કવિતા હંમેશાં તમારાથી દૂર ભાગે છે. એને પોતાના તરફ ખેંચતા રહેવું પડે. કવિતાને સમજવી અઘરી છે. તેથી એને વારે વારે વાંચવી પડે અને દર વખતે તમારી સામે નવા અર્થો ઊઘડે. અલબત્ત, બધી કવિતાઓ કંઈ આવી હોતી નથી. એ જ પ્રમાણે વાર્તા-નવલકથામાં પણ કાવ્યાત્મકતા હોઈ શકે છે. જોડકણા જેવી નહીં, પણ ગહનતા ધરાવતી સત્ત્વશીલ કવિતામાં ગજબની તાકાત હોય છે. ફિલ્મોનું ય એવું છે. હું માનું છું કે સીધીસાદી સ્ટોરીટેલિંગ ધરાવતી ફિલ્મો કરતાં પોેએટિક સિનેમા વધારે જીવશે.’

ગદ્ય કરતાં પદ્ય ચડિયાતું છે એવા અબ્બાસ કિઆરોસ્તામીના વિચાર સાથે તમે અસહમત હોઈ શકો છો, પણ એક ફિલ્મમેકર તરીકેનો એમનો મિજાજ અને ફિલોસોફી આ ક્વોટમાં આબાદ ઉપસે છે. ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરવાના શોખીન હશો તો એમની ફિલ્મો તમે ઓલરેડી માણી ચૂક્યા હશો, પણ જો આવો મોકો મળ્યો ન હોય તો અબ્બાસની આ ત્રણેય ફિલ્મો જોજો. ફિલ્મો ધૈર્યપૂર્વક માણજો, એ ખૂબ ધીમી લાગે તો પણ.

કોકર ટ્રિલોજી ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર-રાઈટર : અબ્બાસ કિઆરોસ્તામી

કલાકાર : બાબેક અહમદ પૂર, ફરહાદ ખેરદમંદ, બુબા બેયર, હોસેની રેઝાઈ, મોહમદ અલી કેશાવરાઝ

રિલીઝ યર : અનુક્રમે ૧૯૮૭, ૧૯૯૨, ૧૯૯૪

ભાષા : પર્શિઅન

મહત્ત્વના અવૉર્ડઝ : ‘થ્રૂ ધ ઓલિવ ટ્રીઝ’ને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેશન

0 0 0 

1 comment:

  1. Thanks for the article, shishir bhai ...will surely catch up with this trilogy now...

    ReplyDelete