Wednesday, August 27, 2014

ધ્રુવ ભટ્ટ શી રીતે નવલકથાઓ લખે છે?

Sandesh - Ardh Saprtahik Purti - 27 Aug 2014

ટેક ઓફ 

 ધ્રુવ ભટ્ટની કથાઓને અધ્ધરજીવે વાંચી જવાની હોતી નથી, પણ એની સાથે ધીમે ધીમે વહેવાનું હોય છે. વચ્ચે વચ્ચે અટકીને, ખુદમાં ડૂબકી લગાવતા રહીને, સંપૂર્ણ ગાંભીર્ય સાથે આગળ વધવાનું હોય છે. ધ્રુવ ભટ્ટની કૃતિઓ વાંચતી વખતે ભીતર કશુંક ઊઘડી રહ્યું હોય તેવી અનુભૂતિ થાય, એ ક્ષણમાં ક્યાંય સુધી રમમાણ રહેવાનું મન થાય. ધ્રુવ ભટ્ટની કથાઓ ટાઇમલેસ છે - એને સતત પ્રસ્તુત રહેવાનો આશીર્વાદ મળ્યો છે.



સ્ત. સરળ. સાચુકલાં. પ્રેમાળ. જીવનને ઠીક ઠીક સમજી ચૂકેલાં અથવા સમજવા મથી રહેલાં. સૌમ્ય છતાં મક્કમ. શાંત. આત્મવિશ્વાસ ધરાવતાં. સમગ્ર સજીવસૃષ્ટિ અને પ્રકૃતિ પ્રત્યે અપાર સમસંવેદન અને મજબૂત સંધાન ધરાવતાં. અલગારી. 
ધ્રુવ ભટ્ટની નવલકથાઓનાં પાત્રોની આ કોમન લાક્ષણિકતાઓ છે. એમનું ખુદનું વ્યક્તિત્વ ઘણે અંશે આવું જ છે. વર્તમાન ગુજરાતી નવલકથાજગતનું કોઈ એક નામ રાષ્ટ્રીય સ્તરે છાતી કાઢીને ઊભું હોય તો એ ધ્રુવ ભટ્ટનું છે. છાપાં-સાપ્તાહિકોમાં તેમની ધારાવાહિક નવલકથાઓ કે કોલમોનું બોર્મ્બાિંડગ થતું નથી. તેઓ કદાચ ગુજરાતનાં ઘરેઘરમાં જાણીતા નથી કે જેને આપણે ટિપિકલ અર્થમાં'માસ અપીલ' કહીએ છીએ એ તેઓ ધરાવતા નથી, પણ આ આખો અલગ વિષય થયો. ધ્રુવ ભટ્ટની કથાઓને અધ્ધરજીવે વાંચી જવાની હોતી નથી, પણ એની સાથે ધીમે ધીમે વહેવાનું હોય છે. વચ્ચે વચ્ચે અટકીને, ખુદમાં ડૂબકી લગાવતા રહીને, સંપૂર્ણ ગાંભીર્ય સાથે આગળ વધવાનું હોય છે. ધ્રુવ ભટ્ટની કૃતિઓ વાંચતી વખતે ભીતર કશુંક ઊઘડી રહ્યું હોય તેવી અનુભૂતિ થાય, એ ક્ષણમાં ક્યાંય સુધી રમમાણ રહેવાનું મન થાય. ધ્રુવ ભટ્ટની કથાઓ ટાઇમલેસ છે - એને સતત પ્રસ્તુત રહેવાનો આશીર્વાદ મળ્યો છે.
Dhruv Bhatt
હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું બન્યું- 'યાત્રા ભીતરનીઃ ધ્રુવ ભટ્ટની કથાઓનું રસદર્શન'. મુકેશ મોદીએ લખેલંુ આ પુસ્તક ધ્રુુવ ભટ્ટના ચાહકો માટે મસ્ટ-રીડ છે. એમાંય પુસ્તકના ઉત્તરાર્ધમાં અપાયેલો ૨૮ પાનાંનો અફલાતૂન ઇન્ટરવ્યૂ જોઈને ચાહકોને એવું લાગવાનું છે કે જાણે મીઠાઈના શોખીનને કોઈએ કંદોઈની દુકાનમાં પૂરી દીધા હોય.
'અગ્નિકન્યા', 'સમુદ્રાંતિકે', 'તત્ત્વમસિ', 'અતરાપિ', 'કર્ણલોક', 'અકૂપાર' અને 'લવલી પાન હાઉસ' જેવી નવલકથાઓના આ લેખક સંપૂર્ણ સહજતાથી કહે છે, "વાર્તા કેવી રીતે બને, એના ફોર્મ શું હોય, એના મીટર શું હોય એની બધી મને કાંઈ ખબર નથી. મારો કોઈ એવો અભ્યાસ નથી. નવલકથા વિશે પણ હું કંઈ નથી જાણતો. હું લખું છું એ નવલકથા સ્વરૂપ થાય છે કે શું થાય છે એ મને કાંઈ ખબર પડતી નથી. એટલે પછી જે લખું છું તેની મજા આવે છે."
લેખકો-કવિઓને સૌથી વધારે પુછાતો કોઈ સવાલ હોય તો એ છે, તમને આ બધું લખવાનું કઈ રીતે સૂઝે છેે? ઘણા સાહિત્યકારો આના ભારેખમ જવાબ આપતા હોય છે, પણ ધ્રુવ ભટ્ટ સાવ સહજભાવે કહે છે, "એવું મારા નોંધવામાં નથી આવ્યું કે મને શું કામ લખવાનું મન થાય છે. એવું છે કે નાનકડા બાળકને કેમ ચંદ્ર જોઈ બીજાને બતાવવાનું મન થાય છે કે જો, કેવો સરસ છે! મોટા થયા પછી પણ શુક્ર-ચંદ્રની યુતિ હોય તો બીજાને ફોન કરીને કહીએ, "જો બહાર નીકળીને જો..." એટલે મેં જે કંઈ જોયું તે તરત જ બીજાને બતાવવું એવો આશય લખવા પાછળ હશે."
ધ્રુવ ભટ્ટ નવલકથાનું પ્રકરણ લખવા બેસે ત્યારે ફક્ત પહેલો અને છેલ્લો પેરેગ્રાફ નક્કી હોય. કમ્પ્યૂટર
ઓન કરીને ટાઇપ કરવાનું શરૂ કરે એટલે ફ્લો શરૂ થાય અને શબ્દો-વાક્યો આપોઆપ આવતાં જાય. એવુંય બને કે આગલી રાતે કશુંક વિચારી રાખ્યું હોય,પણ લખવા બેસે ત્યારે કશુંક જુદું જ લખાય. એમની મોટાભાગની નવલકથાઓ નવરાત્રિના ગરબા ગવાતા હોય ત્યારે લખાઈ છે. અવાજ થતો હોય, સામે ટીવી ચાલતું હોય અને એમનું લખવાનું ચાલતું હોય. લખાયેલાં પ્રકરણો મિત્રો સાથે શેર કરવાં એમને બહુ ગમે. મિત્રોનાં સૂચનોને આધારે જરૂર લાગે તો પ્રકરણમાં ફેરફાર પણ થાય ને આખરી ઘાટ મળે.
ધ્રુવ ભટ્ટની કથાઓ અલગ અલગ લોકાલ પર આકાર લે છે, પણ તે વાંચતી વખતે એવું ન લાગે કે લેખક આ સ્થળો પર કેવળ 'રિસર્ચ' કરવા ગયા હશે. તેઓ જે-તે સ્થળ પર ખૂબ ઘૂમે (રખડપટ્ટી તેમનો મુખ્ય શોખ), ત્યાંના લોકોની સાથે એમના જેવા થઈને રહે. સ્થાનિક લોકોની બોલી, આંતરસૂઝ અને સંસ્કૃતિ સમજતા રહે, ભીતર ઉતારતા રહે. નવલકથા તો જાણે આ આખા અનુભવની સાઇડ પ્રોડક્ટ તરીકે યા તો બીજાઓ સાથે શેર કરવાની લાગણીની અભિવ્યક્તિ રૂપે આવે. 'અકૂપાર' લખવા માટે ત્યાં રીતસર પરિવાર સાથે ગીરમાં સ્થાયી થઈ ગયા. ગીર આ કથાનું લોકાલ પણ છે અને મુખ્ય પાત્ર પણ છે. નાયક ચિત્રકાર છે, જેને ગીરના 'પાણાથી માણા' સૌને જાણવા છે.
'અકૂપાર'ના અંત સુધી પહોંચતા આપણને સમજાય કે આ કંઈ કેવળ ગીર-સેન્ટ્રિક કૃતિ નથી. ગીર તો ફક્ત એક પ્રવેશદ્વાર છે. મૂળ વાત છે, પ્રકૃતિ સાથેના અનુસંધાનની. કથાનો નાયક એક જગ્યાએ કહે છે, "હું જે સૂત્રની શોધમાં છું તેનો એક તાંતણો મારા મનમાં કંડારાઈ રહ્યો છે. હું સ્તબ્ધ છું. જગતના જીવો વચ્ચેની એકાત્મકતાના અનેક પુરાવા પામી રહ્યો છું."
કેવળ મનુષ્યો અને પ્રાણીઓ નહીં, પણ સૃષ્ટિનાં સઘળાં તત્ત્વો એકબીજા સાથે કોઈક તંતુ દ્વારા જોડાયેલાં છે. સૌની એકમેક પર અસર પડે છે. આપણે સમષ્ટિ સાથે એકરૂપ છીએ, સમરસ છીએ એવું લેખક સીધેસીધું કહેતા નથી, પણ આ પ્રતીતિ 'અકૂપાર' વાંચતી વખતે આપોઆપ આપણને ક્રમશઃ થતી જાય છે.
'યાત્રા ભીતરની' પુસ્તકમાં ધ્રુવ ભટ્ટની નવલકથાઓના કેટલાંય ઉત્તમ સંવાદો યા વન-લાઇનર્સ સંગ્રહાયા છે. જેમ કે, કેમિકલનાં કારખાનાં નાખવાથી પર્યાવરણને બહુ નુકસાન થઈ જશે એવી 'સમુદ્રાંતિકે'ના નાયકને ચિંતા છે. એક બંગાળી બાવો એને પોલિટિકલી ઇનકરેક્ટ છતાંય સચોટ વાત કહી દે છે, "અપને આપકો ઇતના ઊંચા મત સમજ... પ્રકૃતિ સદાસર્વદા મુક્ત હૈ. કોઈ ઇસે બાંધ નહીં પાતા ઔર ન બિગાડ સકતા હૈ. તૂ ઇસે કુછ નહીં કરેગા તો ભી યે બદલને વાલા હૈ. તૂ ખુદ બદલા નહીં હૈ? જો તેરા કામ હૈ વો તો તુઝે કરના હી હૈ." 
'તત્ત્વમસિ'નો હીરો માણસને માણસ તરીકે નહીં, પણ કશીક પ્રોડક્ટિવિટીના ભાગરૂપે અથવા અર્થશાસ્ત્રના એકમ તરીકે જુએ છે. સુપ્રિયા નામનું પાત્ર એને સ્પષ્ટપણે કહી દે છે, "માણસ સંસાધન (રિસોર્સ) નથી... મધમાખીને પણ સંસાધન ન ગણશો. એ અસ્તિત્વ છે." 'કર્ણલોક'માં એક ધારદાર વાક્ય છેઃ "માણસજાતને માથે હજાર પીડાઓ ભૂલીને પણ આનંદથી જીવવાનો શાપ છે."
 ધ્રુવ ભટ્ટના કથાવિશ્વમાં મસ્તમૌલા થઈને પ્રવાસ કરવા જેવો છે, જો હજુ સુધી ન કર્યો હોય તો... 
0 0 0 

4 comments:

  1. વાહ સુંદર લેખ! ધ્રુવ ભટ્ટની બધી જ નવલકથાઓ વાંચી છે અને હું એમનો ડાયહાર્ડ ફેન છું. તમે કહ્યું એમ એમને વાંચતા હોઈએ ત્યારે એમ જ લાગે કે આપણે વહી રહ્યા છીએ અને ભીતરમાં ડૂબકી લગાવી રહ્યા છે.. હિમાંશી શેલતને વાંચીને હું બાળકો તેમજ પ્રાણીઓને ઉત્કટતાથી ચાહતો થયો તો ધ્રુવ ભટ્ટે મને પ્રકૃતિને ચાહવાનું શીખવ્યું..... હવે 'યાત્રા ભીતરની' પણ વાંચવું જ રહ્યું....

    ReplyDelete
    Replies
    1. Very true Ankit.. I agree.. Have you read the latest novel by him.. "timirpanthi"? It its also awesome.. Nice article Shishir bhai

      Delete
  2. ધ્રુવ ભટ્ટ સર વિષે લખું એટલું ઓછું પડે... પહેલી વખત ફોન માં વાત કરતા કરતા કોઈ રીતે ફોન કટ થઇ ગયો ત્યારે એમને મને દુબઈ ફોન કરેલો અને ઘણી મીનીટો વાત કરેલી... કમનસીબે એમને મળવાનું સૌભાગ્ય હજુ નથી મળ્યું પણ ઘણી વખત મળ્યો હોવ એવો અહેસાશ જરૂર થયો છે....

    ReplyDelete