Thursday, June 13, 2013

હોલીવૂડ હંડ્રેડ: પ્રીટી વુમન : મેરે ખ્વાબોં મેં જો આએ...


                  મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - હોલીવૂડ હંડ્રેડ - તા. ૧૪ જૂન ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

બોલિવૂડ શું કે હોલિવૂડ શું, સપનાંના રાજકુમારવાળી થીમ એવરગ્રીન છે. જુલિયા રોબર્ટ્સને સુપરસ્ટાર પદે મૂકી દેતી આ ફિલ્મની વાર્તા જ્યોર્જ બર્નાર્ડ શોના ‘પિગ્મેલિયન’ યા તો સંતુ રંગીલીના કુળની છે. ફિલ્મ નંબર ૨૬. પ્રીટી વુમન

ગયા અઠવાડિયે ‘ધ સેવન યર ઈચ’માં મેરિલીન મનરોનાં નખરાં જોયાં પછી આજે એક ઓર ‘પ્રીટી વુમન’ની વાત કરીએ. ફિલ્મનું ટાઈટલ જ આ છે- ‘પ્રીટી વુમન’. પહોળું મોંફાડ, ભરેલા હોઠ અને સરસ હાઈટવાળી એની હિરોેઈન જુલિયા રોબર્ટસ વધારે ખૂબસૂરત છે કે વધારે ટેલેન્ટેડ એ નક્કી કરવું મુશ્કેલ છે.

ફિલ્મમાં શું છે?

આ એક હળવી રોમેન્ટિક અમેરિકન ફિલ્મ છે. ઝીણી ઝીણી આંખોવાળો હેન્ડસમ નાયક એડવર્ડ લેવિસ (રિચર્ડ ગેર) પાક્કો બિઝનેસમેન છે, જ્યારે નાયિકા વિવિયન વોર્ડ (જુલિયા રોબર્ટ્સ) લોસ એન્જલસની સડકો પર ધંધો કરતી વેશ્યા છે. એડવર્ડ કોઈક બિઝનેસના કામે એલ.એ. આવ્યો છે. હોટલનો રસ્તો ભુલી જતા એ કાર ઊભી રાખી, કાચ નીચે કરી, ભડકામણા કપડાં પહેરીને ઘરાક શોધી રહેલી વિવિયનને પૂછે છે: બિવર્લી હિલ્સ હોટલ કઈ બાજુ આવી? પેલી મફતમાં શું કામ જવાબ આપે. એ કારનો દરવાજો ખોલી બાજુમાં ગોઠવાય છે. બન્ને વચ્ચે વાતચીત શરુ થાય છે. વિવિયનમાં એક પ્રકારની નિર્દોષતા અને આકર્ષક ચુલબુલાપણું છે. હોટલ નજીક આવતાં એડવર્ડ એને પૂછે છે: આખી રાતના કેટલા ચાર્જ કરે છે તું? પેલી કહે છે: તને નહીં પોસાય. એડવર્ડ કહે છે: બોલ તો ખરી. વિવિયન કહે છે, ત્રણસો ડોલર. એડવર્ડ સ્મિત કરે છે: ડન.  

બીજે દિવસે એડવર્ડ એને કહે છે: હું અહીં છ દિવસ રોકાવાનો છું. તું પણ મારી સાથે રહી જા. એક રાતના ત્રણસો ડોલર લેખે છ રાતના તારા અઢારસો ડોલર, રાઈટ? વિવિયન કહે છે: પણ હું દિવસેય તારી હોઈશ. એડવર્ડ રકમ વધારે છે: તો બે હજાર ડોલર. પેલી તરત કહે છે: ત્રણ હજાર. આ સોદો પણ ડન થઈ જાય છે. આવી વૈભવી હોટલમાં રહેવાનું હોય અને પાર્ટી-બાર્ટીઓમાં સાથે જવાનું હોય ત્યારે વિવિયને આવા સડકછાપ રુપજીવિની જેવાં કપડાં પહેરેલાં હોય તે ન ચાલે. એડવર્ડ એને પૈસા આપે છે: જા, તારાં માટે સરસ કપડાં ખરીદી આવ. વિવિયન મોંઘાદાટ શોરુમમાં પહોંચી જાય છે, પણ એના રંગઢંગ જોઈને સેલ્સગર્લ્સ એને લગભગ કાઢી મૂકે છે. પાછી હોટલ પર પહોંચે છે ત્યારે હોટલનો મેનેજર એને અટકાવીને કહે છે કે આમ તો અમે તારા જેવી સ્ત્રીઓને હોટલમાં ઘૂસવા દેતા નથી, પણ મિસ્ટર એડવર્ડ અમારા ખાસ મહેમાન છે તેથી અપવાદરુપ કેસ તરીકે તને ચલાવી લઈએ છીએે. વિવિયન ખૂબ અપસેટ છે. સાંજે ડિનરમાં જવાનું છે અને એની પાસે પહેરવાનાં સારાં કપડાં પણ નથી. મેનેજર એને મદદ કરે છે. ખાવાપીવાની એટિકેટ પણ શીખવે છે. સાંજે વિવિયનને બદલાયેલા અવતારમાં જઈને પ્રભાવિત થાય છે.બીજા દિવસે વિવિયન એને શોપિંગ વખતે થયેલો કડવો અનુભવ કહે છે. આજે અડવર્ડ ખુદ એની સાથે જાય છે અને ચક્કર આવી જાય એટલું મોંઘુંદાટ શોપિંગ કરાવે છે. સ્ટાઈલિશ કપડાં અને ટાપટિપમાં વિવિયન ભદ્ર મહિલા જેવી દેખાવા લાગી છે. એડવર્ડ પછી તો એની ખૂબ આળપંપાળ કરે છે. એને પોલોની મેચમાં લઈ જાય છે, પ્રાઈવેટ જેટમાં ઓપેરા જોવા લઈ જાય છે. ઓપેરાનું સંગીત અને આ આખો અનુભવ વિવિયનને ખૂબ સ્પર્શી જાય છે. તેનો નિયમ હતો કે ઘરાક સાથે સેક્સ કરતી વખતે ક્યારેય એના હોઠ પર ચુંબન નહીં કરવાનું, કારણે કે લિપ-કિસ બહુ જ પર્સનલ વસ્તુ ગણાય. પણ તે રાતે વિવિયન નિયમ તોડે છે. ઘસઘસાટ સૂઈ ગયેલા એડવર્ડના હોઠને એ પ્રેમથી ચુમી લે છે. છ-સાત દિવસના સહવાસ દરમિયાન બન્નેેના દિલમાં એકબીજા પ્રત્યે કૂણી લાગણી જાગી ચુકી છે. એડવર્ડ એને કહે છે કે હું તને એક ફ્લેટ લઈ આપું, દર મહિને ઘરખર્ચ આપું. જ્યારે જ્યારે હું લોસ એન્જલસ આવીશ ત્યારે આપણે સાથે રહીશું. આ સાંભળીને વિવિયન ઘવાઈ જાય છે. એને એડવર્ડમાં સપનોં કા રાજકુમાર દેખાઈ રહ્યો હતો, પણ આ ફ્લેટવાળી ઓફર સાંભળતા જ એને ભાન થાય છે કે આ તો મને વધુમાં વધુ એક રખાત તરીકે જ રાખી શકે. ઘણી ઘટનાઓ બને છે. અલવિદા કહેવાની પળ નજીક આવતી જાય છે. વિવિયનના સહવાસને કારણે એડવર્ડમાં પણ પરિવર્તન આવ્યું છે. એને સમજાય છે કે આખો દિવસ પૈસાની પાછળ ભાગવાનું ન હોય, જીંદગી પણ માણવાની હોય. એડવર્ડના એટિટ્યુડમાં આવેલું પરિવર્તન એના એક બિઝનેસ અસોસિયેટને ગમતું નથી. એ વિવિયન પર ભડકે છે: એડવર્ડમાં આ જે ફેરફાર થયો છે એનું કારણ તું છે. એ વિવિયન પર વધારે આક્રમક થાય તે પહેલાં એડવર્ડ તેને મુક્કો મારીને પાડી દે છે. ડઘાઈ ગયેલી વિવિયન હોટલ છોડીને જતી રહે છે. આમેય એડવર્ડ સાથેના છ દિવસ-છ રાત હવે પૂરાં થઈ ગયાં છે. એને વેશ્યા-વ્યવસાય છોડી દેવો છે, એ હવે આગળ ભણવા માગે છે. આ બાજુ એરપોર્ટ તરફ જઈ રહેલો એડવર્ડ અચાનક રસ્તો બદલીને વિવિયનના ઘર તરફ વળી જાય છે. કોઈપણ રીતે એ વિવિયનને શોધી કાઢે છે. એની પાસે વિવિયનને આપવા માટે લાલ ગુલાબ છે. આમ, વિવિયનને આખરે પોતાનાં સપનાંનો રાજકુમાર મળી જ જાય છે અને બન્ને ખાઈ-પીને રાજ કરે છે.

 કથા પહેલાંની અને પછીની 

સૌથી લોકપ્રિય અને સફળતમ રોમેન્ટિક કોમેડીના લિસ્ટમાં હંમેશા મોખરાનું સ્થાન પામતી ‘પ્રીટી વુમન’ની મૂળ વાર્તા તો ઘણી જુદી અને ખાસ્સી ડાર્ક હતી. ઓરિજિનલ ડ્રાફ્ટમાં વિવિયનને ડિઝનીલેન્ડ જોવાનું ઘણું મન છે. એ ડ્રગ્ઝની બંધાણી છે. એડવર્ડ એની સામે શરત મૂકે છે કે જો તારે મારી સાથે રહેવું હોય તો અઠવાડિયા સુધી કોકેઈનને હાથ પણ લગાડી નહીં શકે. ફિલ્મના અંતમાં એડવર્ડ રોષે ભરાઈને વિવિયનને કારમાંથી ઉતારી દઈને જતો રહે છે અને વિવિયન ડિઝનીલેન્ડ જવાની બસ પકડે છે. સ્ટુડિયોના એક બિગ બોસે આગ્રહ કર્યો કે આવી સિરિયસ ફિલ્મ બનાવવાને બદલે રાજકુમાર-રાજકુમારી પ્રકારના ફીલવાળી મોડર્ન લવસ્ટોરી બનાવીએ. આખી સ્ક્રિપ્ટ નવેસરથી લખવામાં આવી. મૂળ ટાઈટલ ‘થ્રી થાઉઝન્ડ ડોલર’ બદલીને ‘પ્રીટી વુમન’ કરવામાં આવ્યું.કાસ્ટિંગની વિધિ ખૂબ લાંબી ચાલી. એડવર્ડના પાત્રમાં ક્રિસ્ટોફર રિવ, ડેન્ઝલ વોશિંગ્ટન અને ડેનિયલ ડે-લેવિસ જેવા કલાકારો ક્ધસીડર થયા હતા. અલ પચીનોએ તો રિડીંગ રિહર્સલ સુદ્ધાં કર્યા હતા, પણ પછી એમણે ના પાડી દેતા રિચર્ડ ગેરને હીરો તરીકે લેવામાં આવ્યા. હિરોઈનના રોલ માટે તો ગણી ગણાય નહીં એટલી અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવેલો. મેગ રાયન, મિશેલ ફાયફર, જીના ડેવિસ, બો ડેરેક, મડોના, જેમી લી કર્ટિસ, એમા થોમ્પસન, શેરોન સ્ટોન, બ્રિજેટ ફોન્ડા, કિમ બેસિન્જર અને બીજી કેટલીય. કેટલીકને આ રોલ વધારે પડતો બોલ્ડ લાગ્યો, કોઈ આ ભુમિકા માટે ખૂબ નાની પડતી હતી, કોઈ મોટી પડતી હતી. જ્યારે કોઈ વિકલ્પ ન બચ્યો ત્યારે જુલિયા રોબર્ટ્સ નામની એકવીસ વર્ષની નવીસવી અભિનેત્રીની વરણી કરવામાં આવી. અગાઉ ‘સ્ટીલ મેગ્નોલિઆસ’ નામની ફિલ્મમાં એને ઓસ્કરનું નોમિનેશન જરુર મળ્યું હતું, પણ તને બાદ કરતાં હોલિવૂડમાં નહોતું એનું નામ કે નહોતી કોઈ ઈમેજ. ‘પ્રીટી વુમન’માં અફલાતૂન અભિનય કરીને જુલિયા રોબર્ટ્સે તરખાટ મચાવી દીધો. એ રાતોરાત ગ્લોબલ સુપરસ્ટાર બની ગઈ. પોતાની આ પોઝિશન એણે વર્ષો સુધી જાળવી રાખી.

શૂટિંગ દરમિયાન રિચર્ડ ગેર ડિરેક્ટર ગેરી માર્શલને કેટલીય વાર મીઠી ફરિયાદ કરતા કે યાર, આ જુલિયા તો ગજબની છે. આટલું અદભુત કામ કરે છે... એ એકલી જ કાફી છે આખી ફિલ્મ ઊંચકી જવા માટે. હીરોનું કામ જ શું છે? ગેરી માર્શલે પછી કબૂલ્યું હતું કે રિચર્ડ ગેરની જગ્યાએ કોઈ સાધારણ એક્ટર હોત તો જુલિયા આખી ફિલ્મ પર છવાઈ જાય છે એ વાતે વિરોધ કરત, પોતાનો રોલ જુલિયા કરતાં વધારે પાવરફુલ બનાવવા માટે ત્રાગાં કરત, પણ રિચર્ડે જુલિયાને ઉડવા માટે પૂરતી મોકળાશ આપી. રિઝલ્ટ આપણી સામે છે. જુલિયા રોબર્ટ્સનો ચાર્મ અને રિચર્ડ ગેર સાથેની એની કેમિસ્ટ્રી માણવા માટે આ રોમેન્ટિક વરસાદી મોસમમાં ચા અને ગરમાગરમ ભજિયાંના સંગાથમાં ‘પ્રીટી વુમન’ જોવા જેવી છે.

 ‘પ્રીટી વુમન’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : ગેરી માર્શલ,
લેખક             : જે. એફ. લોટન,
કલાકાર           : જુલિયા રોબર્ટ્સ, રિચર્ડ ગેર    
રિલીઝ ડેટ        : ૨૩ માર્ચ, ૧૯૯૦
મહત્ત્વના અવોર્ડઝ: જુલિયા રોબર્ટ્સને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ અને ઓસ્કર નોમિનેશન                                         ૦૦૦

1 comment:

  1. it is one of my favourite film sir.... superb romentic film chhe!

    ReplyDelete