Tuesday, June 19, 2012

કેટલાં દુષ્કૃત્યો પછી પૃથ્વી ડૂબી જાય?


 ચિત્રલેખા - અંક તા. ૧૮ જૂન ૨૦૧૨ 

કોલમઃ વાંચવા જેવું 


                                                                                                                                                                                                                             
માણસનું મન કેટલા સંઘાતો ઝીલી શકે? એમાંય કુમળાં બાળકનું મન? આકરા પ્રહારો ઝીલવાની આઠ-દસ-બાર વર્ષનાં બચ્ચાંની તાકાત કેટલી? બાળપણમાં થયેલા આઘાતના પડછાયા જીવનના ફલક પર ક્યાં સુધી લંબાતા હોય છે? કુંઠિત થઈ ગયેલું મન પૂર્વવત થાય ખરું? જો થાય તો કેવી રીતે? હિમાંશી શેલતની નવી નવલકથા ‘સપ્તઘારા’ આ અને આના જેવા કેટલાય સંવેદનશીલ સવાલો ઊભા કરે છે.

ખરું પૂછો તો ‘સપ્તધારા’ને ગુજરાતી નવલકથાનાં બીબાંઢાળ સ્વરૂપ સાથે એકરૂપ થઈ જવાની કોઈ ઝંખના નથી. એને તો છળી ઉઠાય એવા અનુભવોમાંથી પસાર થયેલાં સાત બાળકોનાં મનમાં ઊઠતા તરંગો સાથે નિસ્બત છે. આ સાત બાળકો એટલે બુલ્લાં-દલજીત-પૂરવ-ગણેશ-સલમા-રેણુ-રજત. સૌના ટ્રોમા અલગ. સૌની કહાણી ભિન્ન, પણ સૌના કારુણ્ય એક.

વંટોળિયા જેવા દલવીરનાં માબાપ એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં છે. મોડી રાતે એના શબ ઘરે આવ્યાં હતાં. દલવીરની આંખ ફાટી ગઈ. ચાચા એને દિલ્હી તેડી ગયા, પણ ત્યાં દંગા થઈ ગયા. સ્ત્રીઓ અને બીજાં બાળકો સાથે દલવીરને અંધારિયા ઓરડામાં ધકેલી દેવામાં આવ્યો. ગાંડૂતૂર ટોળું ડેલાં તોડીને ઘરમાં ઘૂસી ગયું. બે ડોકાં ધડથી અલગ થઈ ગયાં. ગાદલાં અને પટારા વચ્ચે ભરાયેલા દલવીરે બારીક ફાટમાંથી લાલ રંગનો ધસમસતો ઉછાળ જોયો. એ પથ્થર જેવો મૂંગો થઈ ગયો. કોઈએ જાણે એની જીભ કાપી નાખી.



મોત રેણુએ પણ જોયું હતું. સગી બહેનનું. પરિવારના પુરુષોએ જ એનું શિરચ્છેદ કરી નાખ્યું હતું. એનો અપરાધ શો? ઊતરતા વરણના છોકરા સાથે પ્રેમ કરવાનો. એના લોહીના રેલામાંથી તિલક થયાં. દીકરીનું બલિદાન દીધું એટલે કુળની આબરુ સચવાઈ ગઈ. નાનકડી બુલ્લાંની માને પણ આબરુની જ ચિંતા હતી, પણ એની ચિંતા ઘણી નક્કર હતી. એ પોતાના પતિનો જીવ લઈને જેલમાં ગઈ ગતી. એ ડર હતો એ આ નઠારો ધણી બીજી છોકરીઓની સાથે માસૂમ બુલ્લાંને પણ વેચી નાખશે!

બાર વર્ષના રજતે આત્મહત્યાની કોશિશ કરી હતી. આ ઉંમરે એવું તે કયું દુખ? એ પરીક્ષામાં ધાર્યું પરિણામ ન લાવે એટલે એના પિતાજી પાગલ થઈ જતા. મારા કુટુંબમાં તો સૌ ભણવામાં એકએકથી ચડિયાતા, પણ આ ડોબો... ગણેશના મિત્ર પર એના અણધડ શિક્ષકે ચોરીનો આરોપ મૂક્યો. છોકરાને બહુ ખોટું લાગી ગયું. બે દિવસ પછી નહેરમાંથી એનું શબ મળ્યું. ગણેશને ભયાનક ગુસ્સો ચડ્યો. એણે શિક્ષકને સાઈકલ પરથી પછાડ્યા. ભરપેટ ગાળો દીધી. સ્કૂલના ચોપડા સળગાવી માર્યા. આ લોકો મને શું ભણાવવાના? પૂરવ અને સલમાની કથા પણ એટલી જ દારુણ છે, પ્રશ્નો એટલા જ દારુણ છે.

કથાની નાયિકા સુચિતાના મનમાં પ્રશ્ન થાય છેઃ કેટલાં દુષ્કૃત્યો પછી પૃથ્વી ડૂબી જાય? સુચેતાને બાળકો પ્રત્યે સચ્ચાઈભરી નિસ્બત છે. એ અંગત સ્તરે અથવા બીજા લોકો સાથે જોડાઈને બાળકો માટે સતત કામ કરતી રહે છે.  શું આઘાતમાંથી બહાર આવેલા બાળકો નવા માહોલમાં ધીમે ધીમે ગોઠવાઈ જતાં હોય છે? સુચેતાને અનુભવે સમજાયું છે કે ના, સહેલાઈથી ગોઠવાઈ જવાતું નથી. જાતને કાપીકૂપીને, ઘસીને, રંધો ફેરવીને જે આકાર આપણે ભાગો આવ્યો હોય તે અપનાવી લેવાનો અને આટલું થયા પછી પણ બંધબેસતા થવાતું હોતું નથી. સુચેતાને એમ કે બે મહિનામાં છોકરાંવને રમતાં કરી દેવાશે. એમનું વિસ્મય, રોમાંચ, ધમાલમસ્તી પાછાં આવી જશે. પણ એવું બનતું  નહીં. ચૂરચૂર થઈ ગયેલા આત્મવિશ્વાસની રજેર ભેગી કરવાનું કામ આસાન થોડું છે? 

સમગ્ર કથાપ્રવાહને બાંધી રાખતો તંતુ સુચેતા જ છે. એણે સ્વયં બાળપણમાં મન પર ઘાવ ઝીલ્યા છે. કદાચ એટલે જ બાળકો પ્રત્યેનું તેનું સમસંવેદન તીવ્ર અને સહજ છે. એ સાવ નાની હતી ત્યારે એક રાતે એની મા પપ્પા સાથે ઝઘડીને, બેગમાં કપડાં ઠસોઠસ ભરીને ઘર છોડીને ચાલી નીકળી હતી. બહાર નીકળતી વખતે માત્ર એક વાર દીકરી સામે જોયું હતું. એના માથાં તરફ હાથ લંબાયો ખરો પણ માથાને અડ્યો નહીં. બારણું ધડ દઈને બંધ થઈ ગયું. મમ્મા જતી રહી. હોસ્ટેલમાં જીવન જીવાતું રહ્યું.





...પણ એ રાતે માત્ર ઘરનો દરવાજો બંધ નહોતો થયો. યુવાની પસાર કરીને મધ્યવય તરફ આગળ વધી ગયેલી સુચેતાના દિલના દરવાજા ચસોચસ ભીડાયેલા રહ્યા. કોઈને એણે અંદર આવવા ન દીધા. જે સંબંધો જરાતરા અડ્યા એને ગાઢ થવા ન દીધા. નિકટતાનો તબક્કો આવે એ પહેલાં તો સુચેતા સલામત અંતરે દૂર જતી રહે. એ માનવા લાગી હતી કે સાથીદાર હોવા છતાં એકલતા અનુભવવી પડે એના કરતાં આરંભથી જ એકલા હોવાની સ્થિતિ વધારે સ્વીકાર્ય છે.

અલગાવ જરુર છે, પણ સુચેતાએ પોતાનાં સાથેનો સંપર્કસેતુ સતત જળવી રાખ્યો છે. સાતેય બાળકો માટે સુચેતા જે રીતે ઘસાઈ રહી છે એ જોઈને મા વિચારે છે પોતે એકમાત્ર દીકરીનું ય જતન ન કરી શકી, પણ મારી દીકરી કેટલાંયને અપનાવી રહી છે!

લેખિકા હિમાંશી શેલતે કુલ ૨૦ વર્ષ સુધી રેલવે પ્લેટફોર્મ પર રઝળતાં બાળકો, ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ન્કસ્ટ્રક્શન સાઈટના મજૂરોનાં બાળકો તેમજ રિમાન્ડ હોમના બાળકો માટે કામ કર્યું છે. એ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મને લાગે છે કે આપણે બાળકોના અપરાધી છીએ. ભારતના અને ઈવન પશ્ચિમના દેશોમાં માબાપો કદાચ પૂરતી પાત્રતા કેળવી શક્યાં નથી. શિક્ષણ પણ બાળપણની અવજ્ઞા કરે છે. સમાજમાં જે પ્રશ્નો ઊભા થાય છે એનાં મૂળમાં આ જ બાબત રહેલી છે. હું તબક્કે કેટલાંય અવગણાયેલાં બાળકોના સંપર્કમાં આવી છ . આ અનુભવોને મેં ‘પ્લેટફોર્મ નંબર ચાર’ પુસ્તકમાં યથાતથ મૂક્યા હતા, પણ અહીં મેં સચ્ચાઈને કલ્પનાના વાઘાં પહેરાવી પેશ કરી છે.’

લાઘવ એ લેખિકાનાં લખાણોનો હંમેશા મોટો પ્લસ પોઈન્ટ રહ્યો છે. આ નવલકથા ચીલાચાલુ મનોરંજન માટે છે જ નહીં. ‘સપ્તધારા’નો કથાપ્રવાહ ભાવકના મનહૃદયમાં વેદનાનાં સ્પંદનો પેદા કરે છે, એમને વિચારતા કરી મૂકે છે અને પોતાના આગવા લયમાં વહેતો રહે છે. સંવેદનશીલ વાચકોને સ્પર્શી જાય એવી સરસ કૃતિ.                                                                                                                                 0 0 0


સપ્તધારા


લેખિકાઃ હિમાંશી શેલત


પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદ-૬


ફોનઃ (૦૭૯) ૨૨૧૧ ૪૧૦૮, ૬૫૨૩ ૦૧૩૫


કિંમતઃ  રૂ. ૯૦ /     પૃષ્ઠઃ ૧૧૨


                                             

2 comments:

  1. આભાર.શિશીર.પણ આ પુસ્તક કરુણ રસથી ઉભરાતું હશે----વાંચવા હિંમત જોઈશે...

    ReplyDelete
  2. It is very good and satisfactory read for sure.

    ReplyDelete