Saturday, December 24, 2011

ફ્લેશબેક ૨૦૧૧


       દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ


૧૦૭ હિન્દી ફિલ્મો, ૧૯ નવા ડિરેક્ટરો અને ખૂબ બધી ઊથલપાથલ. બોલીવૂડનું ૨૦૧૧નું વર્ષ ખાસ્સું ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થયું.  


૨૦૧૧ની શરૂઆત ‘નો-વન કિલ્ડ જેસિકા’એ સરસ રીતે કરી આપી અને વર્ષનો અંત શાહરૂખ ખાનની ‘ડોનટુ’ જેવી હાઈપ્રોફાઈલ ફિલ્મથી થયો. આ બન્નેની વચ્ચે આખા વર્ષ દરમિયાન શું શું બન્યું? લેટ્સ સી.

આ વર્ષે કુલ ૧૦૭ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ. ‘મિશન ઈમ્પોસિબલ-ફોર’ જેવી હિન્દીમાં ડબ થયેલી ફિલ્મો લટકામાં. ફિલ્મી પંડિતો કહે છે કે આ વર્ષે સૌથી વધારે કમાણી સલમાન ખાનની સુપરહિટ ‘બોડીગાર્ડે’ કરી. આ સિવાય ‘રેડી’, ‘રા.વન’ અને ‘સિંઘમ’ પણ માત્ર આ વર્ષની જ નહીં, બલકે અત્યાર સુધીની હાયેસ્ટ-ગ્રાોસિંગ-હિન્દી-ફિલ્મ્સ-ઓફ-ઓલ-ટાઈમના લિસ્ટમાં વટથી સામેલ થઈ ગઈ. ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘ડર્ટી પિક્ચર’, ‘યમલા પગલા દીવાના’, ‘મર્ડર-ટુ’, ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘દિલ્હી બેલી’, ‘તનુ વેડ્સ મનુ’ વગેરે ફિલ્મોને પણ સરસ રિસ્પોન્સ મળ્યો.

માણસ હોય કે પ્રોડક્ટ, આપણને નંબર વન  નંબર ટુ જેવા લેબલ આપવાની બહુ મજા આવતી હોય છે. ૨૦૧૧ના વર્ષ પર એ રીતે બાકીના બન્ને ખાનોની તુલનામાં સલમાન ખાન વધારે છવાયેલો રહ્યો. બબ્બે સુપરડુપર હિટ ફિલ્મો ઉપરાંત ‘બિગ બોસ’ને લીધે પણ તે, ટીવી ચેનલોની ભાષામાં કહીએ તો ખાસ્સો સુર્ખીયોમાં છવાયેલો રહ્યો. આમિર ખાને પોતે પ્રોડ્યુસ કરેલી બન્ને ફિલ્મો ‘દિલ્હી બેલી’ અને ‘ધોબીઘાટ’માં અનુક્રમે નાની ભુમિકામાં અને આઈટમ સોંગમાં દેખાઈને સંતોષ માન્યો. ‘થ્રી ઈડિયટ્સ’ પછી તેની હીરો તરીકેની મોટી ફિલ્મ ‘તલાશ’ આવતા વર્ષે રિલીઝ થવાની.

ખાન નંબર ફોર સૈફ અલી આ વર્ષે માત્ર ‘આરક્ષણ’માં દેખાયો. અમિતાભ બચ્ચનની બે ફિલ્મો આવી ‘બુઢા હોગા તેરા બાપ’ અને ‘આરક્ષણ’. અભિષેક બચ્ચનની ‘ગેમ’ ફ્લોપ થઈ ગઈ, પણ ઠીકઠાક ‘દમ મારો દમ’ને લીધે, કહોને કે, એનું વર્ષ સચવાઈ ગયું. શાહિદ કપૂર ‘મૌસમ’ પર ઊંચી આશા બાંધીને બેઠો હતો, પણ એના પર સુનામીનું પાણી ફરી વળ્યું. દેસી બોય અક્ષય કુમાર માટે પણ આ વર્ષ પ્રમાણમાં ઠંડું પૂરવાર થયું, એને પ્રોપર હીરો તરીકે ચમકાવતી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હોવા છતાં.  હૃતિક રોશનની એક જ ફિલ્મ આવી   ‘જિંદગી ના મિલેગી દોબારા’, પણ એના અફલાતૂન પર્ફોર્મન્સ, ફિલ્મની સફળતા અને ‘જસ્ટ ડાન્સ’ ટેલેન્ટ શોને લીધે હૃતિક માટે આ વર્ષ સંતોષકારક થયું. ઈમરાન ખાનની બન્ને ફિલ્મો ‘દિલ્હી બેલી’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ હિટ થઈ એટલે બોલીવૂડમાં તેનું સ્થાન ઓર મજબૂત બન્યું. તેના સમકાલીન રણબીર કપૂરની એક જ ફિલ્મ આવી ‘રોકસ્ટાર’, પણ તેમાં એણે એવું તો જબરદસ્ત કામ કર્યુ કે એની પેઢીના જ નહીં, બલકે સિનિયર એક્ટરો પણ ઝાંખા પડી ગયા.બોલીવૂડની કન્યારત્નોની વાત કરીએ તો આ વર્ષે વિદ્યા બાલન નિઃશંકપણે સૌથી પ્રભાવશાળી રહી. ૨૦૧૧ના પ્રારંભમાં એની ‘નોવન કિલ્ડ જેસિકા’ આવી અને હમણાં થોડાં અઠવાડિયાં પહેલાં ‘ધ ડર્ટી પિક્ચર’ એવી સરપ્રાઈઝ હિટ પૂરવાર થઈ કે ઈવન હીરોલોગ પણ મોંમાં આંગળા નાખી ગયા. પ્રિંયંકા ચોપડાએ ‘સાત ખૂન માફ’માં જોર તો ઘણું કર્યુ, પણ ફિલ્મે જમાવટ ન કરી. કરીના કપૂરે બે સુપર ખાન સાથે કામ કર્યુ (‘બોડીગાર્ડ’, ‘રા.વન’) અને કેટરીના કૈફે પણ બે હિટ ફિલ્મો (‘જિંદગી ના...’, ‘મેરે બ્રધર કી દુલ્હન’) આપી એટલે ઈન્ડસ્ટ્રીમાં બેય જણીયુંની પોઝિશન જળવાઈ રહી.


ઈન્ડસ્ટ્રીમાં આ વર્ષે નવી ટેલેન્ટ કેટલી આવી? ઓહોહો, ઢગલાબંધ. ૨૦૧૧માં ૧૯ નવા ડિરેક્ટરોએ એન્ટ્રી કરી! ગણી લોઃ કિરણ રાવ (‘ધોબી ઘાટ’), અભિનવ દેવ (‘દિલ્હી બેલી)’, દીપા સાહી (‘તેરે મેરે સપને’), લવ રંજન (‘પ્યાર કા પંચનામા’), રેમો ડિસૂઝા (‘ફાલતુ’), અલી અબ્બાસ ઝફર (‘મેરે બ્રધર કી દુલ્હન’), પંકજ કપૂર (‘મૌસમ’), બરનાલી રે શુક્લ (‘કુછ લવ જૈસા’), નૂપુર અસ્થાના (‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’), અમોલ ગુપ્તે (‘સ્ટેન્લી કા ડબ્બા’), રાઘવ ધર (‘માય ફ્રેન્ડ પિન્ટો’),  બિજોય નામ્બિયાર (‘શૈતાન’), રોહિત ધવન (‘દેસી બોય્ઝ’), સત્યજિત ભટકળ (‘ઝોક્કોમો’),  પ્રવીન દબાસ (‘સહી ધંધે ગલત લોગ’), મૃગદીપ લાંબા (‘તીન થે ભાઈ’), નીલા પાંડા (‘આઈ એમ કલામ’), શુભ મુખર્જી (‘શકલ પે મત જા’) અને સોહન રોય (‘ડેમ ૯૯૯’).

આ વર્ષે ‘રા.વન’ના ‘છમ્મકછલ્લો’ (વિશાલ-શેખર) અને ‘કોલાવરી ડી’ ગીતે આપણને ખૂબ એન્ટરટેઈન કર્યા, પણ વર્ષનું શ્રેષ્ઠ આલબમ તો બોસ, ‘રોકસ્ટાર’ (એ. આર. રહેમાન) જ છે. સવાલ જ નથી.

બ્રાન્ડન્યુ હીરોની વાત કરીએ. રાણા દગુબત્તી (‘દમ મારો દમ’) ખાસ તો બિપાશા સાથેની રિલેશનશિપની ગોસીપને કારણે સૌથી વધારે ચર્ચામાં રહ્યો.  વિવાન નસીરુદ્દીન શાહ (‘સાત ખૂન માફ’),  શિવ પંડિત અને ગુલશન દેવૈયા (બન્ને ‘શૈતાન’) તેમજ વિદ્યુત જામવાલ (‘ફોર્સ’) આશાસ્પદ જણાયા. નવીનક્કોર હિરોઈનોમાં નરગીસ ફકરી (‘રોક્સ્ટાર’) મુખ્ય ગણાય. જો ઓડિયન્સના નસીબ સારા હશે તો ઊંટ જેવા હોઠવાળી આ કન્યાને ધીમે ધીમે એક્ટિંગ કરતા આવડી જશે. પ્રિયંકા ચોપડાની કઝિન પરિણતી ચોપડા ‘લેડીઝ વર્સસ રિકી બહલ’માં એટલી બધી જીવંત અને ક્યુટ લાગે છે કે એણે અનુષ્કા શર્મા કરતાં પણ ઓડિયન્સનું ધ્યાન વધારે ધ્યાન ખેંચ્યું. પરિણતીની કરીઅર કેવી રીતે આગળ વધે છે તે જોવાની મજા આવશે.

અરે! બે નવોદિત નામોની વાત કરવાની રહી જ ગઈ. આ બે નામ એવાં છે જે આજકાલ નહીં પણ વીસ વર્ષ પછી ફિલ્મોમાં સૉલિડ ધમાલ મચાવવાનાં છે. એક છે, ઐશ્વર્યાઅભિષેકની ‘બિટીયા બી’ અને બીજો, આમિર ખાન કિરણનો સુપુત્ર આઝાદ!

શો સ્ટોપર

ઓડિયન્સ બદલાઈ ગયું છે. અગાઉ લોકો ફિલ્મસ્ટાર્સને અહોભાવથી જોયા કરતા. આજે લોકો સ્ટારની બાજુમાં બેસશે, એની સાથે વન-ટુ-વન લેવલ પર વાતચીત કરશે, મિત્રની જેમ વર્તશે. હીરોને ભગવાનની જેમ પૂજવાનો જમાનો હવે ગયો.

-  અભિષેક બચ્ચન 4 comments:

 1. ભાઈ શિશીર-
  આ સરવૈયા માં ભારત માં રીલીઝ થયેલી શોએબ મન્સૂર ની પાકિસ્તાની ફિલ્મ ‘બોલ’ ચુકાઈ ગયી...નોંધ ખાતર-નારીપ્રધાન અને વ્યવસાયિક ભીડ માં બરછટ અવાઝવાળી આ ફિલ્મ ની નોંધ લાવી રહી...
  -રાજુ

  ReplyDelete
 2. શિશીરભાઈ,

  આરક્ષણ ફ્લોપ કેવી રીતે હોઈ શકે? આ ફિલ્મે ૬૦-૭૦ કરોડની કમાણી કરી છે.અને ફિલ્મ વિવેચકોએ પણ પૂરતા માર્ક્સ આપ્યા છે.

  ReplyDelete
 3. @Hiren. But who says Aaraskshan is a flop?

  ReplyDelete
 4. @Raju Patel. The idea is not to list ALL important films of 2011. The names given here are only representative ones. I loved Bol big time. In fact, I had written a piece on it as well in my column.

  ReplyDelete