Sunday, September 4, 2011

વાત્સલ્ય, વિદ્રોહ અને વિકૃતિ

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૪ સપ્ટેમ્બર ૨૦૧૧

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

આ અઠવાડિયે રિલીઝ થયેલી બે લેટેસ્ટ ફિલ્મોમાં બાપ-દીકરીના સંબંધો કેન્દ્રમાં છે, પણ એકમાં વહાલને બદલે વિદ્રોહ છે અને બીજીમાં વાત્સલ્યનું સ્થાન વિકૃતિએ લીધું છે.


યોગાનુયોગ જુઓ. આ અઠવાડિયે રિલીઝ થયેલી બે ફિલ્મો ‘બોલ’ અને ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’માં પિતા અને પુત્રીનો સંબંધ કેન્દ્રમાં છે. પહેલી પાકિસ્તાની ફિલ્મ છે અને બીજી, ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મહાલતા ઈન્ટરનેશનલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં બાપદીકરીના જે સંવેદનો જોવા ટેવાયેલા છીએ તેનાથી આ બન્ને ફિલ્મો જોજનો દૂર છે. બેમાંથી એકેયને ‘બાબુલ કી દુવાંએ લેતી જા... ’ પ્રકારની લાગણીઓ સાથે નહાવા-નિચોવાનો સંબંધ નથી. વાત્સલ્યનાં સંવેદનો અને પિતૃપ્રેમની કુમાશ એટલે શું વળી? અહીં તો જ્વાળામુખીની જેમ ફાટતો વિદ્રોહ છે યા તો ત્રાસ થઈ આવે એવી વિકૃતિ છે.



‘બોલ’ એટલે મોઢું ખોલ, વાત કર, મનમાં જે હોય તે વ્યકત કર. ફિલ્મના ડિરેક્ટર છે શોએબ મન્સૂર. તેમણે ૨૦૦૭માં ‘ખુદા કે લિયે’ નામની કરીઅરની સૌથી પહેલી ફિલ્મ બનાવી હતી, જે આતંકવાદના વિષય પર આધારિત હતી. ‘ખુદા કે લિયે’ એટલી
Shoaib Mansoor

અફલાતૂન ફિલ્મ હતી કે શોએબ મન્સૂર જેવો ટેલેન્ટેડ રાઈટર-ડિરેક્ટર પેદા કરનાર પાકિસ્તાનની આપણને ઈર્ષ્યા થઈ આવે. ‘બોલ’ શોએબની બીજી ફિલ્મ છે, જે ‘ખુદા કે લિયે’ કરતાં તદ્દન વેગળી છે અને ખાસ્સી અસરકારક છે. આ બે ફિલ્મો પરથી શોએબ મન્સૂરની એક ફિલ્મમેકર તરીકેની તાસીર સુરેખપણે ઉપસી આવે છે. આ ફિલ્મો સ્પષ્ટ કરી આપે છે કે શોએબ મન્સૂર સિનેમાના માધ્યમને તેઓ પૂરેપૂરી ગંભીરતાથી લે છે. પાવરફુલ સ્ટોરીટેલિંગ, કમર્શિયલ સેટઅપ અને મનોરંજનક તત્ત્વો અકબંધ રાખીને એમને ઓડિયન્સને વિચારતા કરી મૂકે એવી ફિલ્મો બનાવવામાં રસ છે.



‘બોલ’માં દીકરાનું મોઢું જોવાના ધખારાને કારણે સાત-સાત દીકરીઓની લંગાર ખડી કરી દેતા અને એક જડભરત હકીમની વાત છે. આ વિષય શહેરી ભારતીયોને આઉટડેટેડ લાગશે, પણ આપણાં ગામડાંમાં કે ઈવન નાનાં નગરોમાં આજે પણ દીકરો મેળવવાના આશામાં એક પછી એક દીકરીઓ જણ્યા જતા નમૂનાઓ જોવા મળે છે. ‘બોલ’ના હકીમને આખરે દીકરો નસીબ તો થાય છે, પણ એ જન્મજાત હીજડો છે. હકીમ એને ધિક્કારે છે, પણ લાચાર મા અને મોટી બહેનોને એ જેવો છે એવો ખૂબ વહાલો છે. હકીમ આખરે પોતાના આ સ્ત્રૈણ દીકરાના શા હાલહવાલ કરે છે?

Manzar Sehbai : Oh father....


ખેર, આ તો ફિલ્મની અડધી જ વાર્તા થઈ. બાપ પોતાના જૂનવાણી અને સગવડીયા વિચારોનો ગુલામ છે. કંગાલિયતની ખીણમાં ધકેલાઈ ચૂકેલા પરિવારને એ જાણેઅજાણે સહન ન થઈ શકે એવા આઘાતો આપતો જાય છે. મોટી દીકરી ઝૈનબ (અભિનેત્રી હુમૈમા મલિક, બહોત અચ્છે) સમજુ છે, પ્રગતિશીલ છે, પણ બાપને એની આંખોમાં બગાવત દેખાય છે. બાપ-દીકરી વચ્ચે સતત ઘર્ષણ થતું રહે છે અને આખરે....


Iman Ali : Pakistani Umrao Jaan


હિન્દી ફિલ્મો સુપરહિટ ગીતો આપીને તરખાટ મચાવનાર પાકિસ્તાની પ્લેબેક સિંગર આતીફ અસલમે ‘બોલ’માં હીરોગીરી કરી છે. આખી ફિલ્મમાં આતીફનો ચહેરો રંધો મારેલા પાટિયા જેવો સપાટ રહે છે અને અભિનયના મામલામાં એ સૌથી નબળો પૂરવાર થાય છે. શોએબ મન્સૂરને ડિરેક્ટ કરેલી ફિલ્મોમાં આમેય અસલી હીરો એ પોતે જ હોય છે. હકીમ બનતા મંઝર સેહબી અને તવાયફની ભુમિકા અદા કરનાર ઈમાન અલી (જે ‘ખુદા કે લિયે’ની લીડ હિરોઈન હતી) એટલાં ઈન્ટરેસ્ટિંગ અદાકારો છે કે બોલીવૂડે તાત્કાલિક આ બન્નેને ઈમ્પોર્ટ કરી લેવાં જોઈએ. ‘બોલ’માં ભલે ‘ખુદા કે લિયે’ જેવી ઝમક ન હોય (આ બે ફિલ્મોની સરખામણી જ ન કરવી જોઈએ, ખરેખર તો), પણ તોય એ જોવી ગમે તેવી છે. હા, ફિલ્મ લાંબી જરૂર છે.



એમ તો ‘ઘેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ માંડ દોઢેક કલાકની હશે, પણ તોય કેટલી લાંબીલચ્ચ લાગે છે. રાઈટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ ઓડિયન્સને ચોંકાવી દેવામાં માહેર છે. ‘દેવ.ડી’માં એણે દેવદાસપારોચંદ્રમુખીને ને એકવીસમી સદીમાં ઈમ્પ્લાન્ટ કર્યા હતાં અને એટલી ‘હટ કે’ ફિલ્મ બનાવી હતી કે સાહિત્ય કૃતિ ‘દેવદાસ’માં રહેલી માસૂમિયત અને મુગ્ધતાની વાટ લાગી ગઈ હતી.


Anurag Kashyap - Kalki Koechlin


બાપ અને સંતાન વર્ષો પહેલાં વિખૂટાં પડી ગયાં હોય, સંતાન જુવાન થાય એટલે બાપની શોધમાં નીકળે અને આખરે બન્નેનો મેળાપ થાય આ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી થીમને કેટલી જુદી રીતે પેશ કરી શકાય? ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ આ સવાલનો જવાબ છે. આ ફિલ્મમાં બ્રિટીશ યુવતી અર્જુન પટેલ નામના પોતાના પિતાને શોધવા મુંબઈ આવે છે અને એક મસાજપાર્લરમાં કામ કરવા માંડે છે. મસાજ-કમ-સેક્સ પાર્લરનું ફિલ્ડ જ એવું છે કે ભમરાળાં દશ્યો વગર ચાલે નહીં. સ્ક્રિપ્ટ કી ડિમાન્ડ, યુ સી. હિન્દી (આમ તો હિંગ્લીશ) ફિલ્મોમાં ક્યારેય કલ્પના કરી ન હોય એવાં સેક્સના જુગુપ્સાપ્રેરક (સજેસ્ટિવ) દશ્યોની અહીં ભરમાર છે. ફિલ્મનો અંત તો ઓર ઘૃણાસ્પદ છે. આ મેનિપ્યુલેટિવ ફિલ્મમાં જોકે કેટલાંય પાત્રો અને ટ્રેક્સ અર્થહીન પૂરવાર થાય છે.અનુરાગ કશ્યપ પાવરફુલ ફિલ્મમેકર છે, પણ ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ એમની નબળી ફિલ્મોમાંની એક ગણાશે.



બીબાંઢાળ ફિલ્મોથી કશુંક અલગ અને મજાનું જોવું હોય તો ‘બોલ’ જોઈ શકાય. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દેખાડાતી અતરંગી ફિલ્મોમાં જો તમને મજા પડી જતી હોય તો જ ‘ધેટ ગર્લ...’ હિંમત કરવી. બાકી કોઈ પણ જાતનું જોખમ ન લેવું હોય અને માત્ર મસાલો એન્જોય કરવો હોય તો કરીના કપૂરના ઠુમકા ને ‘બોડીગાર્ડ’ સલમાનના ઝટકા તો છે જ!



શો સ્ટોપર

ઈન્સાન કો મારના ઝુલ્મ હૈ તો પૈદા કરના ક્યૂં નહીં?

- ‘બોલ’નો એક સંવાદ


















































1 comment:

  1. સરસ .બંને ફિલ્મો વિષે સારી ટીપ્પણી છે-
    રાજુ

    ReplyDelete