Monday, May 23, 2011

આર્ટ ઓફ ઈન્ટરવ્યુ

 ચિત્રલેખા 
અંક તા. ૧૬ મે ૨૦૧૧માં
પ્રકાશિત

  કોલમઃ વાંચવા જેવું 

                                                                                                
૧૯૯૦ના દાયકાની શરૂઆતની વાત છે. અમદાવાદમાં ભવાનભાઈ નામના એક દર્દીની એન્જિયોપ્લાસ્ટી થવાની હતી. કોઈક કારણસર ડોક્ટર મુંબઈથી આવી ન શક્યા. તેમને અગાઉ આસિસ્ટ કરી ચૂકેલા એક યુવાન ડોક્ટરે દર્દીને પૂછ્યુંઃ તમે કહેતા હો તો હું પ્લાસ્ટી કરી આપું. સ્વતંત્ર રીતે આ મારો પહેલો કેસ થશે. પેશન્ટે વિશ્વાસ મૂક્યો. તેમણે વિચાર્યું કે હૃદયરોગમાં ટ્રીટમેન્ટ નહીં થાય તો આમેય મરવાનું છે, તો એના કરતાં આ નવશીખીયા ડોક્ટર પાસે એન્જિયોપ્લાસ્ટી કરાવવાનું જોખમ લેવામાં શું ખોટું? પેલા ડોક્ટરે ભવાનભાઈ પર હાથ અજમાવ્યો. પ્લાસ્ટી સફળ રહી. ડોક્ટર અને પેશન્ટ બન્નેને હાશકારો થયો. આજની તારીખે ય ભવાનભાઈ તે ડોક્ટર માટે વીઆઈપી પેશન્ટ બની રહ્યા છે. ચેકઅપ માટે આવે ત્યારે ડોક્ટર તેમને ટોપ પ્રાયોરિટી આપે. પોતાના ઘરે લઈ જઈને જમાડે પણ ખરા!


Dr. Tejas Patel
 આ ડોક્ટર એટલે દેશવિદેશમાં નામના મેળવનાર તેજસ પટેલ અને આ કિસ્સો જેમાં ટાંકવામાં આવ્યો છે તે પુસ્તકના લેખક એટલે કૌશિક મહેતા. વર્ષોથી ‘ચિત્રલેખા’ સાથે સંકળાયેલા કૌશિક મહેતા ‘ફૂલછાબ’ દૈનિકના તંત્રી છે. તેમનાં બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત થયાં  ‘નાખી માટીના અનોખા માણસ’ અને ‘ટાઢા પો’રે’. આજે આપણે ‘નોખી માટી...’ વિશે વાત કરવી છે કે જેમાં ૧૯ નોંધપાત્ર  વ્યક્તિઓની ઈન્ટરેસ્ટિંગ મુલાકાતોનો સંગ્રહ થયો છે. આ કંઈ ઈશ્યુબેઝડ, વાંચીને ભુલી જવાની શુષ્ક મુલાકાતો નથી. ખરેખર તો આ મુલાકાતનાં સ્વરૂપમાં ચરિત્રચિત્રણો છે. ધર્મ, બિઝનેસ, કલાશિક્ષણસાહિત્ય અને સમાજસેવા જેવાં ક્ષેત્રોમાં નિશ્ચિત  ઊંચાઈ હાંસલ કરનાર મહાનુભાવોનાં સમગ્ર વ્યક્તિત્વની બહુપરિમાણી ઝલક આ ઈન્ટરવ્યુઝમાંથી મળે છે.


Morari Bapu
 એક હૃદયસ્પર્શી કિસ્સો સાંભળો. ભાદરકાંઠે દેવીપૂજકોના લાભાર્થે એક વખત મોરારીબાપુની કથાનું આયોજન થયેલું. એક દેવીપૂજક મહિલાએ બાપુને કહ્યુંઃ બાપુ, તમે મારા ઘરે ચા પીવા ન આવો? બાપુએ હા પાડી. મહિલાએ ઉત્સાહભેર કહ્યુંઃ તો પછી મારે ત્યાં રોટલોય ખાજો.  મોરારીબાપુ વર્ષોથી ગંગાજળ જ પીએ છે અને એમની રસોઈ પણ ગંગાજળમાંથી જ બને છે. બાપુએ પોતાના ઉતારેથી એક બોટલ ગંગાજળ આ મહિલાના કૂબે પહોંચાડવાની સૂચના આપી. સાંજે સંધ્યા બાદ બાપુ પાંચ-છ લોકો સાથે મહિલાને ત્યાં પહોંચ્યા. કૂબામાં ન લાઈટ, ન બેસવાની જગ્યા. બાપુ બહાર બેસી ગયા. મહિલાને તો હરખનો પાર નહીં. એણે રોટલો અને દૂધીનું શાક પીરસ્યાં. બાપુએ પૂછ્યુંઃ ગંગાજળમાં રસોઈ બનાવી છેને! મહિલાએ ના પાડી. કહેઃ મેં તો ભાદરનાં પાણીમાં રસોઈ બનાવી છે. બાપુ મહિલાની સામે જોઈ રહ્યા. એની આંખો ભીની હતી. બાપુ ધર્મસંકટમાં મૂકાયા. એક બાજુ વર્ષોનું ગંગાજળ વ્રત હતું અને બીજી બાજુ આ ભોળી મહિલાની ભાવના હતી. બાપુએ વ્રત તૂટવા દીઘું. મહિલાને કહેઃ ‘તેં જેમાં રસોઈ બનાવી એ ભાદરનું પાણી અને આંખમાં જે આંસુ છે એ જ મારા માટે ગંગાજળ છે.’ આમ કહીને તેમણે પ્રેમથી રોટલોશાક ખાધાં!

પત્રકાર હોવાનો સંભવતઃ સૌથી મોટો આનંદ એ છે કે તમે સંતથી માંડીને ક્રિમિનલ સુધીના ભાતભાતના લોકોના જીવનને સ્પર્શી શકો છો, તેમનાં દિલદિમાગમાં અધિકારપૂર્વક ડોકિયું કરી શકો છે. જો યોગ્ય સંધાન થઈ શકે તો ઈન-ડેપ્થ મુલાકાત દરમિયાન સામેની વ્યક્તિ ખીલતી જાય, ખૂલતી જાય અને પોતાના આંતરિક વ્યક્તિત્વને ઘીમે ઘીમે અનાવૃત કરતી જાય. પોતે કરેલી ખરેખરી અથવા તો સંભવિત ભુલોની કબૂલાત કરવી આસાન નથી હોતી. મુલાકાત લેનાર વ્યક્તિ પોતાની વાતને સાચા સંદર્ભમાં મૂલવી શકશે અને યોગ્ય રીતે રજૂ કરી શકશે એવો ભરોસો બેસે ત્યારે જ આ શક્ય બને. ઉદાહરણ તરીકે,  મોટી મોટી કંપનીઓને હંફાવનાર ઓરપેટ ગ્રુપના ડિરેક્ટર જયસુખ પટેલ, કૌશિક મહેતાને  કહી શકે છેઃ અમારી ઝીરો બોરોઇંગ કંપની છે. ક્યારેક એવું લાગે કે મૂડી બજાર ન જઈ અથવા બીજી રીતે ફાઈનાન્સ ન લઈ અમે ફાસ્ટ ડેવલપમેન્ટ કરી શક્યા નથી. અમે રસ્તે ગયા હોત તો આજે અમારાં ગ્રુપનું ટર્નઓવર બેથી ત્રણ ગણું વધારે હોત...


Parimal Nathvani
 માત્ર ઈન્ટરવ્યુ લઈ લેવાથી વાત પૂરી થઈ જતી નથી, તે અસરકારક રીતે કાગળ પર ઉતરવી પણ જોઈએ. પરિમલ નથવાણી વિશેના લેખમાં કહેવાયું છે કે જામનગર પાસે મોટી ખાવડીમાં રિલાયન્સની રિફાઈનરી નું કામકાજ શરૂ થયું તે પહેલાં ખેડૂતો પાસેથી જમીનસંપાદન કરવાના કામમાં પરિમલભાઈએ મહત્ત્વની ભુમિકા ભજવી હતી. તે વખતે તેઓ વડોદરમાં શેરબજારનું કામકામ કરતા હતા. ધીરુભાઈએ પરિમલભાઈને રિલાયન્સમાં જોડાઈ જવાની ઓફર આપતા કહ્યું, ‘ભાઈ, સ્ટોક એક્સચેન્જ છોડ, એમાં કંઈ નહીં વળે.’ પરિમલભાઈ કહે, ‘પણ મારે નોકરી નથી કરવી.’ આ મિટીંગ વખતે મુકેશ અંબાણી પણ હાજર હતા. તેઓ કહે, ‘આમાં નોકરીની ક્યાં વાત આવી? તું મારો શેઠ. હું તને પરિમલશેઠ કરીને બોલાવીશ, બસ?’ ધીરુભાઈ કહે, ‘તું રિલાયન્સ પરિવારનો એક મેમ્બર. જામનગરમાં ઓફિસરોને રહેવા માટે મકાન-ફ્લેટ જોઈશે. વાહનો જોઈશ. આ બધું કોણ કરશે? તારે જ  કરવાનું છે...’

પરિમલ નથવાણી પછી તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રસિડેન્ડ (કોર્પોરેટ અફેર્સ) બન્યા. તેમની વાત કરતી વખતે લેખક ગણતરીના શબ્દલસરકાઓમાં ધીરુભાઈ અંબાણી અને મુકેશ અંબાણીની પર્સનાલિટી પણ ઉપસાવી દે છે. એક વ્યક્તિવિશેષ વિશે લખતી વખતે તેના પરિઘમાં આવતી અન્ય વ્યક્તિઓને આબાદ રીતે ઉપસાવી દેવી તે કુશળ આલેખકની નિશાની છે.

કેટકેટલી વાતો! રાજકોટમાં શિક્ષણસંસ્થા ચલાવતા શામજીભાઈ ખૂંટને રિવોલ્વર કઈ રીતે વગેરેનું ડેમોન્ટ્રેશન આપતી વિડીયો કેસેટ મોકલતા સ્વામી સચ્ચિદાનંદ, ભાઈજી રમેશભાઈ ઓઝાની સૌથી પહેલી ભાગવત કથામાં રોજ નિયમિતપણે હાજરી આપતો અને કથા પૂરી થતાં જ મૃત્યુ પામતો કૂતરો, હાસ્યમાં રિયલાઈલેશન હોવું જોઈએ, રિએક્શન નહીં એવી મનુભાઈ પંચોળીએ કહેલી વાતને ગાંઠે બાંધી લેતા તેમજ થાનની નિશાળમાં વિદ્યાર્થિનીઓ માટે બ્રાન્ડન્યુ બેન્ચ આવતાં રડી પડતા શાહબુદ્દીન રાઠોડ... ઉત્કૃષ્ટ ઢોલકવાદક હાજી રમકડુંની વાત લેખકે એેટલી સુંદર રીતે લખી છે કે જાણે ધૂમકેતુની કોઈ નવલિકા વાંચતા હોઈએ એવી લાગણી થાય.

કૌશિક મહેતા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘કોઈપણ વ્યક્તિનો ઈન્ટરવ્યુ લેતા પહેલાં હું પાક્કું હોમવર્ક કરું, એનું બેકગ્રાઉન્ડ બરાબર જાણું અને પછી જે કામને લીધે તે પબ્લિક ફિગર બની છે તે વિષય પર આવું. મુલાકાત લેનાર સારો શ્રોતા હોવો જોઈએ. વ્યક્તિ ક્યારેક એટલી વ્યસ્ત હોય કે મુલાકાત ટુકડાઓમાં લેવાય, ક્યારેક બાકી રહી ગયેલી વાતો પછી ફોન પર પણ થાય. હું મુલાકાતોનું રેકાર્ડંિગ કરતો નથી, બલ્કે જવાબોના મુદ્દા ડાયરીમાં ટપકાવતો જાઉં છું.  મેં જોયું છે કે જેને ઓલરેડી જાણતો હોઉં તેની મુલાકાત કરતા ઈન્ટરવ્યુ વખતે જ પહેલી વાર મળ્યો હોઉં તેવી વ્યક્તિની મુલાકાત વધારે સરસ થાય છે.’

બહોળો બિઝનેસ છોડીને ભારતમાં ‘ગાંધી’ બનીને પરિભ્રમણ કરતા અમેરિકન જેફ નેબેલને બાદ કરતાં પુસ્તકમાં આવરી લેવાયેલા તમામ મહાનુભાવો ગુજરાતી છે. અશોક અદેપાલે તમામ વ્યક્તિવિશેષનાં સુંદર ઈલસ્ટ્રેશન્સ તૈયાર કર્યાં છે. જો સારા પ્રિન્ટિંગનો લાભ મળ્યો હોત તો ઈલસ્ટ્રેશન્સની વિઝયુઅલ અપીલ કંઈક ઓર જ હોત. પત્રકારત્વના ભાગ રૂપે તૈયાર થયેલાં પણ આકર્ષક સાહિત્યિક ગુણવત્તા ધરાવતાં  ઈન્ટરવ્યુઝનું આ કલેક્શન વાચકોને ગમ્યા વગર રહેશે નહીં એ તો નક્કી!


(નોખી માટીના અનોખા માણસ

લેખકઃ કૌશિક મહેતા

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર
દેરાસર પાસે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩૨૯૨૧, ૨૨૧૩૯૨૫૩

કિંમતઃ  રૂ. ૨૦૦ /
પૃષ્ઠઃ ૧૪૦)

૦૦૦
No comments:

Post a Comment