Wednesday, February 2, 2011

ધારો કેઆપણું મિડીયા...

‘અહા! જિંદગી’ અંક ફેબ્રુઆરી ૨૦૧૧માં પ્રકાશિત


કોલમ ઃ ફલક


મિડીયા બરાબર જાણતું હોય છે કે અમુક નઠારા તત્ત્વોની ગાડી કઈ દિશામાં આગળ વધી રહી છે. તો પછી આ બધાને શા માટે અન્ડરપ્લે ન કરી શકાય? આ જમાતને બિનજરૂરી મહત્ત્વ ન આપીને મોટા ભા બનતા અટકાવવાનું શું ખરેખર એટલું બધું અઘરું છે?



તમે જાણો છો કે આ કદીય સાકાર થવાનું નથી, છતાંય થોડી વાર પૂરતી એક કલ્પના કરી જુઓ. ધારો કે દુનિયાભરનું પ્રિન્ટ અને ટેલિવિઝન મિડીયા સંપી જાય છે અને એક વાતની ગાંઠ વાળે છેઃ અમે બનાવોને અને વ્યક્તિઓને એના ખરેખરાં મૂલ્ય જેટલું જ મહત્ત્વ આપીશું. અમે નઠારા માણસોની અને ઘટનાઓની બુદ્ધિપૂર્વક અવગણના કરીશું. અમે નેગેટિવ તત્ત્વો વિશે છાપછાપ કરીને કે દેખાડદેખાડ કરીને તેને ગ્લેમરાઈઝ પણ નહીં કરીએ કે તેનો પ્રચાર પણ નહીં કરીએ.



તમે કહેશો કે આ તો શેખચલ્લી જેવી વાત થઈ. ખરું છે. આ ખરેખર યુટોપિઅન કલ્પના જ છે. મિડીયા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા બન્ને બચ્ચાં જેવાં છે. નાનું બાળક એકનાં એક રમકડાંથી કંટાળી જાય છે. તેને હંમેશાં કશુંક નવું નવું જોઈતું હોય છે. મિડીયાનું પણ એવું જ છે. એનેય ‘રમવા’ માટે સતત ચટાકાની, સનસનીની અને નવા ચહેરાની જરૂર પડે છે. ચહેરો જેટલો વધારે વાયડો અને ‘ઘટનાપ્રચુર’ હશે એટલો મિડીયાને એમાં વધારે રસ પડશે.



એક ઉદાહરણ લો. થોડા મહિનાઓ પહેલાં શિવસેનાએ આદત મુજબ રાડ પાડીઃ બૂકર પ્રાઈઝ માટે નોમિનેટ થઈ ચૂકેલા લેખક રોહિંગ્ટન મિસ્ત્રીનાં ‘સચ અ લોંગ જર્ની’ પુસ્તકને મુંબઈ યુનિવર્સિટીના સિલેબસમાંથી દૂર કરો. શા માટે? તેમાં શિવસેના વિશે માટે ઘસાતું લખવામાં આવ્યું છે, એટલે. બસ, થઈ ગયો વિવાદ. વાઈસ ચાન્સેલરે પ્રેશરમાં આવીને પુસ્તક પાછું ખેંચી લીધું, પુસ્તક સેલેબસમાંથી જ નહીં, પુસ્તકોની દુકાનમાંથી પણ ગાયબ થઈ ગયું. આ આખા હોબાળાના કેન્દ્રમાં એક એવી વ્યક્તિ હતી જેની અટક તો જૂની હતી, પણ નામ નવું હતું. આદિત્ય ઠાકરે. વીસેક વર્ષનો, લબરમૂછિયો યુવાન. એકવડિયો બાંધો, આંખે ચશ્માં, મામૂલી દેખાવ. શિવસેનાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ઉદ્ધવ ઠાકરેનો એ સુપુત્ર અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનો પૌત્ર. મિડીયા માટે આ નવો ચહેરો હતો.



‘સચ અ લોંગ જર્ની’ના વિવાદને લીધે મિડીયામાં હજુ આદિત્ય.. આદિત્ય થવાનું બંધ થાય તે પહેલાં શિવસેનાની વાર્ષિક રેલી યોજાઈ. પરફેક્ટ સેટિંગ હતું. ટકોરાબંધ ટાઈમિંગ હતું. રેલીમાં બ્રાન્ડન્યુ યુવાસેના ઊભી કરવામાં આવી તેના પ્રેસિડેન્ટ તરીકે આદિત્યને બેસાડી દેવામાં આવ્યો. આ પદ માટે આદિત્યની લાયકાત શી? એ ઠાકરે પરિવારમાં પેદા થયો છે, એટલી જ. બીજે દિવસે દેશભરમાં અખબારોમાં એક તસવીર છપાઈ. જોઈને એકાદ ક્ષણ સ્થિર થઈ જવાય એવી, નેગેટિવિટીની અપ્રિય લહેરખી પેદા કરી દે તેવી એક તસવીર. આદિત્ય કોઈ યોદ્ધાની જેમ ધારદાર, ચમકતી તલવાર ઉગામીને ઊભો છે. એવી અસર પેદા થાય છે કે જાણે કોઈ પાટવી કુંવરનો રાજ્યાભિષેક થઈ રહ્યો હોય. આદિત્યના ચહેરા પરના અર્ધસ્મિતમાં વ્યંગાત્મક ગર્વ છલકાય છે. પાછળ લાલચટ્ટાક બેકગ્રાઉન્ડમાં ત્રાડ પાડતાં વાઘનું ચિતરેલું મોઢું અને આગળ સ્ટેજ પર ચડી ગયેલા શિવસેનાના નેતાઓના હસતા ચહેરાઓની કતાર દેખાય છે. આ તસવીરે મહારાષ્ટ્રને અને ખાસ કરીને મુંબઈગરાઓને ચોખ્ખો સંદેશો આપી દીધોઃ શિવસેનાની ત્રીજી પેઢી તૈયાર થઈ ગઈ છે, આદિત્ય ઠાકરે નામનો આ છોકરડો ‘શિવસેનાનું ભવિષ્ય’ છે... સાવધાન!



શિવસેનાની આ સભા અને આદિત્યનું યુવાસેનાના ઓફિશીયલ લીડર તરીકે નિમાવું એક ‘વેલિડ ન્યુઝ’ ગણાય. મિડીયાએ તેને ઠીક ઠીક કવરેજ આપ્યું. ઠીક છે. આદિત્યની સવારી હવે નીકળી પડી છે. થોડા અરસા પછી શિવસેનાની સ્ટુડન્ટ વિંગ, ભારતીય વિદ્યાર્થી સેના મુંબઈ યુનિવર્સિટીનું સેનેટ ઈલેકશન જીતી જાય છે. એ અલગ વાત છે કે આ ચૂંટણી જીતવા માટે શિવ સેના મહિનાઓથી ઊંધું ઘાલીને તૈયારી કરી રહી હતી. આદિત્યને ‘મહારાષ્ટ્રના રાજકારણના ઊભરતા સિતારા’ તરીકે પ્રમોટ કરવા માટે આટલી મહેનત તો કરવી જ પડે.



થોડા દિવસો પસાર થાય છે અને આ ‘ઊભરતો સિતારો’ પોતાનું કેરેક્ટર દેખાડે છે. ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી હોકી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈ યુનિવર્સિટીની ટીમ સિલેક્ટ થાય છે. તેમાં ખાલસા કોલેજમાં ભણતા પણ મૂળ હરિયાણાના એવા પાંચ સ્ટુડન્ટનો એની યોગ્યતાના આધારે સમાવેશ કરવામાં આવે છે. પત્યું. પચાસ જેટલા શિવ સૈનિકોનું ધાડું ધડ્ ધડ્ ધડ્ કરતું સિલેકશન કમિટી પાસે પહોંચી જાય છેઃ આપણા (એટલે કે સ્થાનિક) છોકરાઓને પડતા મૂકીને તમે ‘બહાર’ના છોકરાઓને શું કામ ટીમમાં લીધા? ઘટતું કરો નહીંતર...



પાંચમાંથી ત્રણ છોકરાઓને ડ્રોપ કરવામાં આવે છે અને તેમના સ્થાને ઓછી યોગ્યતા ધરાવતા મુંબઈના મુલગાઓને લેવામાં આવે છે. બીજે દિવસે સ્થાનિક પેપરોમાં ફ્રન્ટ પેજ ન્યુઝ છપાય છેઃ ‘રોહિંગ્ટન મિસ્ત્રીની બૂક બાળ્યા પછી સેનાએ યુનિવર્સિટીની હોકી ટીમમાં ધાર્યું કરાવ્યું.’ સમાચારની સાથે આદિત્ય ઠાકરેની મોટી તસવીર છપાઈ છે. શાબાશ. આદિત્ય કી તો ભઈ નિકલ પડી. આ ઘટનાને એવી રીતે ચમકાવવામાં આવે છે કે મુંબઈગરાઓ ‘રાઈઝિંગ સ્ટાર’ની ફરી એક વાર પાકી નોંધ લે. શિવસેનાના સાહેબોને આ જ તો જોઈતું હતું.



શિવસેનાની ડિકશનરીમાં કે રૂપરેખામાં કે રાજકીય ફિલોસોફીમાં સર્જનાત્મકતા જેવો કોઈ શબ્દ નથી. કન્સ્ટ્રક્ટિવ હોવું એટલે શું વળી? શિવસેના તો ડિસ્ટ્રક્ટિવ એટલે કે ખંડનાત્મક, તોડફોડનાં કામો કરી જાણે. અને આદિત્યને જે રીતે પ્રમોટ કરવામાં આવી રહ્યો છે તે પરથી સ્પષ્ટ છે કે એણે શિવસેનાના કુસંસ્કારો બરાબર અપનાવ્યા છે. ધ્યાન ખેંચવું છે? હીરો બનનું છે? નેતાવેડા કરવા છે? તો પ્રહાર કરો, સળગાવો, ધમકાવો. અને હા, આ બધાં કારનામાં ચુપચાપ ક્યારેય નહીં કરવાનાં. એના ઢોલનગારાં વાગવાં જોઈએ, હો-હા થવી જોઈએ, ભલે ગાળો ખાવી પડે પણ એની ચર્ચા થવી જોઈએ. જ્યાં સુધી છાપામાં ને ટીવી પર તમારા તસવીરો નહીં દેખાય, તમારા વિશેની ખબરો નહીં છપાય ત્યાં સુધી બધું નકામું છે. યાદ રહેે, નેગેટિવ પબ્લિસિટી ઈઝ ધ બેસ્ટ પબ્લિસિટી. મિડીયા તો રાહ જોઈને બેઠું જ છે, ફોગટમાં પબ્લિસિટી આપવા. કશું પણ સનસનાટીભર્યું બને એટલે મિડીયાને ગોળનું ગાડું મળી જાય છે. નવું રમકડું જોઈને કિલકિલાટ કરી મૂકતાં નાના છોકરાની જેમ તે ફોર્મમાં આવી જાય છે ને હુડુડુડુ કરતું સેન્સેશન પેદા કરનાર વ્યક્તિ કે વિષય તરફ સાગમટે હડી કાઢે છે.



આદિત્ય ઠાકરે પોતાના નામના સ્પેલિંગમાં એક્સ્ટ્રા ‘એ’ ઉમરે તો છાપાં આવી ફાલતુ વાતની ન્યુઝ આઈટમ બનાવે છે. ચાંપલા આંકડાશાસ્ત્રી આ વિશે ફલાણુંઢીંકણું કહે છે તે મતલબના ક્વોટ પણ છાપે છે. ફેન્સી મેગેઝિનોનાં અપરિપક્વ છોકરડા-છોકરડીઓ એને લગભગ યુથ આઈકોન તરીકે ચિતરતાં ઈન્ટરવ્યુ લઈને પછી કાલાં થઈને લખે છેઃ અરરર... બિચારો આદિત્ય આટલી નાની ઉંમરે કન્ટ્રોવર્સીઝનો ભોગ બન્યો છે, એના પર છાણાં થપાય છે, પણ રાજકારણ એના લોહીમાં વસે છે એટલે આ કડવી વાસ્તવિકતાનો સામનો કરતાં તે જલદી શીખી જ જશે. અરે? શેનો ભોગ? કેવાં છાણાં? કઈ કડવી વાસ્તવિકતા?



આપણે ત્યાં શેકેલો પાપડ તોડ્યા વગર સેલિબ્રિટી બનવા માટે જાણીતા પરિવારમાં જન્મ લેવો કાફી છે. વંશપરંપરાગત નેતૃત્વનું વળગણ આમજનતાને વધારે છે કે મિડીયાને તે નક્કી કરવું મુશ્કેલ છે. ગાંધીપરિવારમાં જન્મેલા રાહુલને ‘યુવરાજ’નું બિરુદ આપી ન દીધું ત્યાં સુધી મિડીયાને ચેન ન પડ્યું. વૈચારિક પક્વતા, કોઠાસૂઝ, સ્વબળમાંથી જન્મતી આભા... આ કઈ ચિડિયાનું નામ છે?



રાજ ઠાકરેએ આજ સુધીમાં કરેલાં સમાજકલ્યાણનાં ફક્ત ત્રણ કાર્યો ગણાવો, ચલો. શિવસેનામાંથી અલગ થયા તે પછી તેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તો મારપીટના, બસોટ્રકો બાળવાનાં અને શહેરને બાનમાં લઈ લેવાના ઘટિયા કામો ર્ક્યા. ન્યુઝ ચેનલોએ આ બધું એટલું ચગાવ્યું કે રાજ ઠાકરેનું નામ એકદમ જ રાષ્ટ્રીય સ્તરે જાણીતું થઈ ગયું. તે વખતે ઊંચાનીચા થઈ ગયેલા ઉદ્ધવ ઠાકરે અને બાળાસાહેેબ હવે નિશ્ચિંત થઈ જાય. આદિત્યના ‘ઉદય’ને ચારેક મહિના માંડ થયા છે, પણ ટીઆરપી અને સરક્યુલેશન ભૂખ્યાં મિડીયાએ તેને બળપૂર્વક પોતાની ભ્રમણકક્ષામાં ખેંચી લીધો છે. મિડીયા હવે એને હીરો બનાવીને જ છોડશે.



મિડીયા બરાબર જાણે છે કે આ નમૂનાઓની ગાડી કઈ દિશામાં આગળ વધી રહી છે. તો પછી આ જમાતને શા માટે અન્ડરપ્લે ન કરી શકાય? આ લોકોને બિનજરૂરી મહત્ત્વ ન આપીને મોટા ભા બનતા અટકાવવાનું શું ખરેખર એટલું બધું અઘરું છે? દાઉદ ઈબ્રાહિમ જેવા અંડરવર્લ્ડના આદમીઓને અને ઈવન આતંકવાદીઓને મિડીયાએ જ ગ્લેમરાઈઝ કર્યા છે. પોઝિટિવ કે નેગેટિવ પબ્લિસિટી સત્ત્વહીન રાજકારણીઓ અને અમુક કહેવાતી સેલિબ્રિટીઓ માટે પ્રાણવાયુનું કામ કરે છે. સારુંનરસું મિડીયા કવરેજ એક નિશ્ચિત જમાતને પોષે છે. જો એમના વિશે લખાતું-ચર્ચાતું-દેખાડાતું બંધ થઈ જાય તો તેઓ ઘાંઘા થઈ જશે, તેમનો પાવર ખતમ થઈ જશે. પણ શું આવું થવું શક્ય છે? ના. ખેર, માણસની કિસ્મતની શું લખાયું છે તે કોઈ જાણતું નથી પણ પોતે શું લખવું, કેટલું લખવું અને કેવી રીતે લખવું (કે દેખાડવું) એ તો મિડીયા ખુદ નક્કી કરી શકે.



પણ મિડીયા એવું કરશે નહીં. છતાંય એક કલ્પના કરો. ધારો કે.... ૦૦૦



































2 comments:

  1. શુ આ ઘેટાના ટોળા જેવા મિડીયા સાથે આપણે ચાલવું જરૂરી છે?

    આ લેખ ન મુક્યો હોય તો ન ચાલે?

    આભાર

    ReplyDelete
  2. @Deepak, I know what are you talking about. To criticise somebody or something, one has to write about it- it is an ironic and irritating but necessary.

    ReplyDelete