Saturday, January 22, 2011

મિડ-ડે રિવ્યુઃ ધોબી ઘાટ

મિડ-ડે તા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત

એક શહેર, ચાર જિંદગી

કિરણ રાવે ડિરેક્ટર તરીકે આત્મવિશ્વાસપૂર્વક સુંદર શરૂઆત કરી છે. આ આર્ટહાઉસ સિનેમાને તમે કાં તો ખૂબ ચાહશો યા તો સદંતર ધિક્કારશો. આ ફિલ્મમાં એક જ વ્યક્તિ મિસફિટ છે  - આમિર ખાન. 


રેટિંગ ઃ સાડા ત્રણ સ્ટાર 

કેટલીક ફિલ્મો હંમેશાં અંતિમો પર પ્રતિક્રિયા જન્માવે છે. કાં તો એ ફિલ્મ અત્યંત સ્પર્શી જશે અથવા તો પછી તમને એમાં સૉલિડ કંટાળો આવશે યા તો ખીજ ચડશે. આવી ફિલ્મો ક્યારેય ‘ઠીક ઠીક’ કે ‘ઓકે’ હોતી નથી. તમે કાં એને ખૂબ ચાહશો અથવા ખૂબ ધિક્કારશો. છેલ્લે ‘દેવ.ડી’ આ કેટેગરીમાં સ્થાન પામી હતી. હવે ‘ધોબી ઘાટ’ આ મુદ્રા લઈને પેશ થઈ છે.

ફર્સ્ટટાઈમ ડિરેક્ટર અને રાઈટર કિરણ રાવ તેમજ તેનો સુપરસ્ટાર પ્રોડ્યુસર પતિ શરૂઆતથી જ કહી રહ્યાં હતાં કે મહેરબાનો, ‘ધોબી ઘાટ’ એક આર્ટહાઉસ સિનેમા છે, તે ટાઈમપાસ મસાલાના ચાહકોને ગમે તેવી કમર્શિયલ ફિલ્મ બિલકુલ નથી. સાવ સાચી વાત છે. જો તમારો ટેસ્ટ ટિપિકલ બોલીવૂડ મસાલાઓની પેલે પાર વિસ્તરેલો હશે તો ‘ધોબી ઘાટ’ એક સુંદર ફિલ્મ જોયાનો ભરપૂર સંતોષ અનુભવ કરાવશે. 

નમણી નગરકથા

માય મ્યુઝ, માય હૉર, માય બિલવ્ડ...

આમિર ખાનનું પાત્ર મુંબઈ માટે આ શબ્દો વાપરે છે. આમિર અરૂણ નામનો પેઈન્ટર બન્યો છે અને મુંબઈ શહેર તેને પોતાની પ્રેરણા, વેશ્યા અને પ્રિયતમા જેવું લાગે છે. આ શબ્દો ફિલ્મના અર્ક જેવા છે. ‘ધોબી ઘાટ’માં અમુકતમુક પાત્રોવાળી અને શરૂઆત-મધ્ય-અંતવાળી વાર્તા નથી. આ એક નગરકથા છે.  ફિલ્મનું મુખ્ય પાત્ર છે મુંબઈ શહેર પોતે. આ વિરાટ શહેર કંઈકેટલાંય સ્પંદનો પેદાં કરતું રહે છે, સતત. પ્રેમ અને પીડાનાં સ્પંદન, એકલતા અને સમસંવેદનનાં સ્પંદન, સફળતા અને વિષાદનાં સ્પંદન, શોધ અને ઝૂરાપાનાં સ્પંદન...  અહીં વસતા પ્રત્યેક માણસને પોતપોતાનું વર્તુળ છે. આ વર્તુળો કોઈક બિંદુએ એકમેકને સ્પર્શે છે, છેદે છે યા તો સંદતર દૂર રહી જાય છે. રાઈટર-ડિરેક્ટરે અહીં ચાર પાત્રો પસાવ્યાં છે, જે ખરેખર તો મુંબઈનું મંુબઈત્વ ઝીલવા માટેનાં માધ્યમો છે.

ÜðLÞù (પ્રતીક બબ્બર) આઠ વર્ષની ઉંમરે ભૂખમરાથી પીડાઈને બિહારથી મુંબઈ આવ્યો છે. તે ધોબી છે, ધોબી ઘાટ પર કપડાં ધુએ છે, ઘરે ઘરે જઈને કપડાંની ડિલીવરી કરે છે. રાત્રે ડાંગથી ઉંદરો મારે છે. પણ તેનું સપનું એક્ટર બનવાનું છે. રેલવેના પાટાને લગોલગ આવેલી તેની ખોલીમાં અરીસા પર તેણે સલમાન ખાનની તસવીરો ચોંટાડી રાખી છે. તે સલમાન જેવું આસમાની રંગનું કડું પહેરે છે અને ડંબેલ્સથી બોડી પણ બનાવે છે. પ્રતીક વહેલી સવારના અંધકારમાં પાટા પાસે ખુલ્લામાં નહાય છે ત્યારે ‘ચક્ર’ ફિલ્મમાં તેની સ્વર્ગસ્થ મમ્મી સ્મિતા પાટિલે ભજવેલા કંઈક આ જ પ્રકારના પેલા યાદગાર સ્નાન દશ્યનું સ્મરણ થાય છે.

મુન્નાની દોસ્તી શાઈ (મોનિકા ડોંગરા) નામની ઈન્વેસ્ટમેન્ટ બેન્કર સાથે થાય છે. શાઈને લાગે છે કે તેનું જીવન ગૂંચવાઈ ગયું  છે. તેને ચેન્જની જરૂર છે. તેથી તે પોતાના કામમાં મોટો બ્રેક લઈને ન્યુયોર્કથી મુંબઈ આવી છે. શાઈ આકસ્મિકપણે આમિર ખાન -  કે જે એક ઉદાસ, અંતર્મુખ અને પોતાની જાતમાં જ ઉલઝેલો રહેતો ચિત્રકાર છે  - તેની સાથે એક રાત ગાળે છે. બીજા દિવસે સવારે અરૂણ શાઈને કહે છે કે દારૂના નશામાં તે ઘણી વાર ‘રેન્ડમ થિંગ્સ’ કરી નાખતો હોય છે એટલે પ્લીઝ કંઈ વધારે અપેક્ષા ન રાખતી. આમિરના હાથમાં યાસ્મિન (કૃતિ મલ્હોત્રા) નામની યુપીથી આવેલી કોઈ મુસ્લિમ પરિણીતાએ શૂટ કરેલી વિડીયો કેસેટ્સ આવે છે. તે ખરેખર તો એના ભાઈને ઉદ્ેશીને લખાયેલા વિડીયો લેટર્સ છે. ‘લવ, સેક્સ ઔર ધોકા’ના પેલા નાયકની જેમ તે આખો દિવસ પોતાના ઘરની બારીમાંથી અથવા તો મુંબઈમાં જ્યાં જ્યાં ફરે ત્યાં શૂટિંગ કરતી રહે છે અને એકલી એકલી બોલતી રહે છે. કમાલનું પસ્યું છે આ પાત્ર.


સંયમિત અને અસરકારક

‘ધોબી ઘાટ’ની ટેગલાઈન ‘મુંબઈ ડાયરીઝ’ છે. કિરણ રાવનો આ જ ઉદેશ છે અને એમાં તેઓ સફળ થયાં છે. આ ફિલ્મમાં પોઈન્ટ ‘એ’થી પોઈન્ટ ‘બી’ સુધી પહોંચવાનો કોઈ આશય નથી. તેથી વાતનો પ્રવાહ અનિશ્ચિતપણે, ચારેય પાત્રોનાં જીવનને ગૂંથતો ગૂંથતો આગળ વહ્યા કરે છે. નિર્દેશિકાએ અહીં ક્યાંય કશાને લાઉડ બનવા દીધું નથી. તેમની શૈલી સંયમિત છે. તેમણે પાત્રો કરતાં ખાસ તો મુંબઈનાં વિઝયુઅલ્સને અને મુંબઈના અવાજોને બાલવા દીધાં છે. દરિયો, સ્કાયલાઈન, વરસાદ, ટ્રાફૅિક, આર્ટ ગેલેરી, ગીચ ગલીઓ, ઝૂંપડપટી, સીફેસિંગ ફ્લેટ્સ અને માણસો-માણસો-માણસો...  સિનેમેટોગ્રાફરે તુષાર કાંતિ રાયે મુંબઈને કેમેરામાં અફલાતૂન રીતે ઝડપ્યું છે.

કાસ્ટિંગ પરફેક્ટ હોય તો અડધો જંગ આમ જ જીતી જવાતો હોય છે. માત્ર અવાજથી અને અન્ય પાત્રોનાં એકશન-રિએકશન વગર પર્ફોર્મ કરવું અઘરું છે, પણ કૃતિ મલ્હોત્રાએ યાસ્મિનનાં પાત્ર યાદગાર બનાવી દીધું છે. શાઈ મજબૂત છે અને છતાં વલ્નરેબલ છે. મોનિકા આ કોમ્બિનેશનને સારી રીતે પસાવી શકી છે. અભણ ધોબી તરીકે પ્રતીક ખાસ્સો સ્ટાઈલિશ લાગે છે, છતાંય તે પોતાના પાત્રને ગમતીલું બનાવી શક્યો છે. એક કામવાળી બાઈ અને ઇંગ્લિશ મિડીયમમાં ભણતી તેની ટીનેજ દીકરીનું કાસ્ટિંગ અને અભિનય જોજો. કિરણ રાવને દાદ આપ્યા વગર રહી નહીં શકો.

આખી ફિલ્મમાં જો કોઈ મિસફિટ હોય તો તે છે આમિર ખાન. દાળ  ભાત - બે શાક - ફૂલકા રોટલી - ટમેટા-કોબી-કાંદાનું કચુંબર અને પાપડવાળી ગુજરાતી થાળીમાં વચ્ચે ઓચિંતા કોઈએ ઈટાલિયન પિત્ઝાનો ટુકડો મૂકી દીધો હોય તેવો આમિરનો ઘાટ છે. અલબત્ત, તેના અભિનયમાં કશી કમી નથી, પણ તેનું હોવું માત્ર ફિલ્મના સંતુલન અને ટેક્સચર બન્નેને બગાડી નાખે છે. આમિરને બદલે ઈરફાન ખાન જેવો અથવા તો કોઈ સાવ નવો સારો એક્ટર હોત તો ફિલ્મની અપીલ ઘણી પ્રામાણિક રહી શકત.   

ખેર, કેળવાયેલા દર્શકો માટે ‘ધોબી ઘાટ’ સમગ્રપણે અસરકારક ફિલ્મ બની શકી છે એ તો સ્વીકારવું પડશે. અલબત્ત, આમિરનું નામ અને ચહેરો જોઈને જે ‘ટિપિકલ’ ઓડિયન્સ કૂદતું કૂદતું ‘ધોબી ઘાટ’ જોવા જશે તે ગાળો દેતું દેતું બહાર આવશે એ પણ સ્વીકાર્યા વગર નહીં જ ચાલે.
૦ ૦

2 comments: