Friday, December 24, 2010

મિડ-ડે રિવ્યુઃ તીસ માર ખાન

મિડ-ડે તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


દસ માર ખાન


આ ફિલ્મી થાળીમાં માત્ર કોમેડીની આઈટમો અને નાચગાના છે, લાગણીસભર વાનગીની સદંતર ગેરહાજરી છે. ‘મૈં હૂં ના’ અને ‘ઓમ શાંતિ ઓમ’ની તુલનામાં આ ફિલ્મ નિરાશાજનક પૂરવાર થાય છે.

રેટિંગ ઃ બે સ્ટાર



ફિલ્મમાં તોફાની ફરાહ ખાને બોલીવૂડની ઈનહાઉસ જોક જેવો તકિયા કલામ અક્ષયકુમારના મોઢે મુક્યો છેઃ ‘ખાનોં મેં ખાન? તીસ માર ખાન.’ ફિલ્મનું રિઝલ્ટ આવ્યા પછી શાહરૂખ ખાન મૂછમાં મલકવાનો. ફરાહે આ વખતે પહેલી વાર શાહરૂખ વગર ફિલ્મ બનાવી અને અક્ષય પાસે શાહરૂખ જેવો કરિશ્મા નથી જ તે વાત પૂરવાર કરી બતાવી. ફરાહે ડિરેક્ટ કરેલી ‘મૈં હૂં ના’ અને ‘ઓમ શાંતિ ઓમ’માં કમર્શિયલ હિન્દી સિનેમાની મસાલેદાર ફોર્મ્યુલાઓનું ચટાકેદાર સેલિબ્રેશન હતું. ‘તીસ માર ખાન’નો મસાલો આગલી બે ફિલ્મોની તુલનામાં ફિક્કો સાબિત થાય છે.






ચોર મચાયે શોર



ફિલ્મની શરૂઆત મજાની છે. મા (અપરા મહેતા, બહુ સરસ) મારધા઼ડવાળી હિન્દી ફિલ્મોની જબરી શોખીન છે. તેના ગર્ભમાં રહેલું બાળક (જે મોટું થઈને અક્ષયકુમાર બને છે) અત્યારથી જ ન શીખવાનું શીખવા માંડે છે. જન્મતાંની સાથે ડોક્ટરની ઘડિયાળ અને નર્સની ચેન ચોરી લેનાર બેબી અક્ષય મોટો થઈને, નેચરલી, અઠંગ ચોર-ઉઠાવગીર બને છે. આ વખતે એણે અબજો રૂપિયાનો ખજાનો ચાલુ ટ્રેનમાંથી લૂંટવાનો છે. બસ, આ મિશન પાર પાડવા માટે તે જે ઉધમપછાડ કરે છે તે વિશેની આ ફિલ્મ છે. કેટરીના કૈફ સી-ગ્રેડમાં કામ કરતી એકટ્રેસ છે, જે અક્ષયની ગર્લફ્રેન્ડ છે. ‘રોડીઝ’ શોથી ફેમસ થયેલા ટકલા ટિ્વન્સ અક્ષયના બોસ છે. આ સિવાય ચક્રમ સુપરસ્ટાર અક્ષય ખન્ના છે, ત્રણેક ભાઈલોગ છે, ફિલ્મમાં કામ કરવા ગાંડું થયેલું આખું ગામ છે, અડબૂથ પોલીસ છે, ગૅ સીબીઆઈ ઓફિસરો છે, આઈટમ સોંગ્સ છે અને મજેદાર કર્ટન કૉલ છે.



જુવાન શીલા, ઘરડી કોમેડી



‘મૈં હૂં ના’ અને ‘ઓમ શાંતિ ઓમ’માં એવું શું હતું જે ‘તીસ માર ખાન’માં નથી? અફકોર્સ, શાહરૂખ સિવાય? ઈમોશનલ પંચ. કમર્શિયલ સિનેમાની મિક્સ વેજ સબ્જીમાં લાગણીઓનો વઘાર. ‘મૈં હૂં ના’માં ભાઈભાઈ વચ્ચેનો સ્નેહ હતો તો પુનર્જન્મની કહાણી કહેતી ‘ઓમ શાંતિ ઓમ’માં બિછડે હુએ પ્રેમીનો દર્દ-એ-ડિસ્કો હતો. ‘તીસ માર ખાન’ની ફિલ્મી થાળીમાં માત્ર કોમેડીની આઈટમો અને નાચગાના છે, દર્શકના હ્યદયને થોડીઘણી પણ સ્પર્શી શકે એવા લાગણીસભર તત્ત્વોની સદંતર ગેરહાજરી છે. પાત્રો સાથે પ્રેક્ષકો અનુસંધાન કે અનુકંપા અનુભવી શકતા નથી. તેને લીધે ‘તીસ માર ખાન’ અક્ષયકુમારની એક ટિપિકલ કોમેડી ફિલ્મ બનીને રહી જાય છે.



પહેલી અડધી કલાકમાં જ તમે ‘શીલા કી જવાની’ દેખાડી દો છો અને ઓડિયન્સને કહી દો છો કે અક્ષય શી રીતે ટ્રેન લૂંટવાનો છે. પછી કોઈ પણ અણધાર્યા ટિ્વસ્ટ્સ-ટર્ન્સ વગર એક્ઝેક્ટલી એ જ રીતે તમે ફિલ્મ આગળ ધપાવતો રહો છો. આમાં પ્રેક્ષકોને મજા કેવી રીતે આવે અને શું કામ આવે? સ્કીનપ્લેની આ સૌથી મોટી નબળાઈ છે, જે ફિલ્મને ભારે પડી જાય છે. પટકથા-સંવાદો શિરીષ કુંદર અને અશ્મિત કુંદરે (અનુક્રમે ફરાહના પતિદેવ અને દિયર) લખ્યા છે અને તે ફિલ્મના મોટા માઈનસ પોઈન્ટ્સ બની રહે છે. ફિલ્મની સ્ટોરી એક જૂની હોલીવૂડની ફિલ્મમાંથી ઉઠાવાઈ છે છતાં આ હાલ છે. રમૂજી દશ્યો એક મર્યાદા સુધી જ અપીલ કરે છે. આખી ફિલ્મ માત્ર એક જ મહાલૂંટ ફરતે ગોળ ગોળ ફર્યા કરે છે.



અક્ષય પોતાની માને ગુંડી કહે છે અને પ્રેમિકાને કમીની. ખલનાયકો તેના માટે દો હંસો કા જોડા છે. વિલનો કન્જોઈન્ડ એટલે કે કમરેથી જોડાયેલા ટિ્વન્સ છે અને તેમાં એક પ્રકારનું નાવીન્ય છે, કોમેડી માટે અહીં ઘણી શકયતાઓ હતી, પણ ફિલ્મમાં આ એલીમેન્ટ વેડફાઈ ગયું છે. ‘સ્લમડોગ મિલ્યનેર’ ફિલ્મ અનિલ કપૂરની પહેલાં શાહરૂખને ઓફર થઈ હતી તે વિગત અને શાહરૂખની પીઠના દુખાવાની ફિલ્મમાં સારી એવી ખિલ્લી ઉડાવવામાં આવી છે. અહીં હોલીવૂડ ડિરેક્ટર મનોજ નાઈટ શ્યામલન બદલાઈને મનોજ ડે રામલન થઈ જાય છે અને ‘જય હો’, ‘ડે હો’ થઈ જાય છે. ફરાહ ખાને ‘ઓમ શાંતિ ઓમ’માં મનોજકુમારની મશ્કરી કરી હતી. આમાં એણે ડેની ડેંગ્ઝપ્પા જેવા સિનિયર એક્ટરને અપમાનિત કરી નાખ્યા છે.



ફિલ્મની પૅસ જોકે સારી છે. આ ફિલ્મ ‘નો પ્રોબ્લેમ’ ટાઈપની ભંકસ કોમેડી કરતાં તો સારી છે. અક્ષયકુમાર આ ફિલ્મમાં પાછો ફૉર્મમાં આવી ગયો છે. કોમેડી અક્ષયનો ગઢ ગણાય. કેટરીનાએ નાચવા ઉપરાંત પોતાને જેવી આવડે એવી ગાંડીઘેલી એક્ટિંગ કરી છે. ફરાહ ઉછળી ઉછળીને મિડીયાને કહ્યાં કરતી હતી કે ‘શીલા કી જવાની’ ગીત માટે કેટરીના ભયંકર મહેનત કરીને બૅલી ડાન્સિંગ શીખી છે. ક્યાં છે બૅલી ડાન્સિંગ? આના કરતાં અનેકગણું ચઢિયાતું બૅલી ડાન્સિંગ તો ટીવીના ટેલેન્ટ શોઝના સ્પર્ધકો ઓડિશન રાઉન્ડ્સમાં કરે છે. અલબત્ત, આ ગીત જમાવટ કરે છે એ તો સ્વીકારવું પડે. ગીતસંગીત અને નાચગાના ફરાહની ફિલ્મોમાં ન જામે તો ક્યાં જામવાનાં? જોકે સલમાન ખાનવાળું ધરાર ઘુસાડેલું આઈટમ સોંગ બીજી જ મિનિટે ભુલાઈ જાય એવું છે.



ફિલ્મનું સરપ્રાઈઝ પૅકેજ તો ઓસ્કરક્રેઝી સુપરસ્ટારની ભુમિકા એણે બિન્દાસપણે ભજવનાર અક્ષય ખન્ના છે. ફરાહ જેવી મજેદાર ઍન્ડ ક્રેડિટ્સ બીજું કોઈ આપી શકતું નથી. અહીં ઓસ્કર ફંકશનમાં પ્રોડ્યુસરોથી માંડીને સ્પોટબોય્ઝ સુધીના સૌ અવોર્ડ્ઝ ઉસરડી જાય છે.



જો તમે અક્ષયના મહાફૅન હો યા તો જીવનમાં કરવા માટે બીજું કોઈ બહેતર કામ ન હોય તો જ આ ફિલ્મ જોજો. બાકી મોટી સ્ક્રીન હોય કે ટીવી સ્ક્રીન, શીલાની જુવાની બન્ને પડદે સરખી જ દેખાવાની છે.
000

No comments:

Post a Comment