Thursday, July 16, 2020

ગુજરાતી ભાષા ફાવે તેમ લખાય, એમ?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 15 જુલાઈ 2020

ટેક ઓફ
અત્યાર સુધી માત્ર છાપામાં લખનારા અને ટીવીવાળા ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. સોશિયલ મિડીયાને કારણે આજે સાડાછ કરોડ ગુજરાતીઓને માતૃભાષા પર અત્યાચાર કરવાનો પરવાનો મળી ગયો છે.

સોશિયલ મિડીયા જેવું લેવલર બીજું એકેય નથી. લેવલર એટલે બધાને એક જ સ્તર પર લાવી દેતી વસ્તુ. ફેસબુક નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને જે પ્લેટફૉર્મ આપે છે તે જ પ્લેટફૉર્મ તમને પણ આપે છે. ટ્વિટર પર અમિતાભ બચ્ચનના ટ્વિટની તરત નીચે તમારું ટ્વિટ હોઈ શકે છે. માત્ર ફેમસ વ્યક્તિની જ નહીં, તમારી પોસ્ટ પણ વાઇરલ થઈને હજારો-લાખો લોકો સુધી પહોંચી શકે છે, જો તે દમદાર હશે તો. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો છાપામાં લેખો લખીને પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હતા. આજે સમગ્ર પ્રજા ગમે ત્યારે સોશિયલ મિડીયા પર જઈને પોતાનું મંતવ્ય જણાવી શકે છે, અહેવાલ આપી શકે છે, પોતાના ગમા-અણગમા દુનિયા સામે બેધડક રજૂ કરી શકે છે. સરસ વાત છે આ.

સોશિયલ મિડીયાને કારણે આજે અસંખ્ય લોકો ગુજરાતીમાં લખતા થયા છે. ગુજરાતી ભાષાને, ફોર ધેટ મેટર, ચલણમાં હોય તેવી કોઈ પણ ભાષાને, જીવંત ને ધબકતી રાખી શકવાની સોશિયલ મિડીયાની તાકાત જબરદસ્ત છે. આ અદભુત વાત છે. તકલીફ એ છે કે સોશિયલ મિડીયા બેધારી તલવાર જેવું છે. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો કે પછી ગુજરાતી ન્યુઝ ચેનલોવાળા જ ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે સોશિયલ મિડીયાને પ્રતાપે સાડાછ કરોડ ગુજરાતીઓ માતૃભાષા પર ગમે ત્યારે, દિવસ-રાત દરમિયાન કેટલીય વાર, સતત અત્યાચાર કરી શકે છે.   

ગોબરું, ચિતરી ચડે એવું, માથામેળ વગરનું, દમ વગરનું... આપણે કેવું ગુજરાતી લખીએ છીએ સોશિયલ મિડીયા પર? જરા થોભીને જુઓ તો ખરા. માત્ર ઉચ્ચ કક્ષાની સાહિત્યિક ભાષામાં જ લખવું જોઈએ તેવું કોઈ કહેતું નથી. તે જરૂરી પણ નથી ને શક્ય પણ નથી, પણ સાહેબ, ગુજરાતીમાં લખતી વખતે ભાષાનું થોડુંઘણું માન તો જાળવો. બેઝિક નિયમો તો પાળો. ફેસબુક પર કોઈની પોસ્ટ વાંચીએ યા તો વોટ્સએપ પર કોઈનું ફૉરવર્ડ મળે ત્યારે લખાણનો  મુદ્દો સમજાય જાય, માણસ શું કહેવા માગે છે એટલી ખબર ખબર પડી જાય એટલે આપણને સંતોષ થઈ જાય છે. તે લખાણની ભાષા, વ્યાકરણ, વાક્યોનું બંધારણ, જોડણી વગેરે તમ્મર ચડી જાય તેટલાં વાહિયાત હોય તો પણ આપણને ફર્ક પડતો નથી. આપણા પેટનું પાણી સુધ્ધાં હલતું નથી. ગંદી ગુજરાતીમાં લખાયેલો પ્રેરણાદાયી ક્વૉટ કે ટુચકો આપણે ફટાફટ વાંચી જઈએ છીએ ને પાછા તેને શૅર કે ફોરવર્ડ પણ કરી નાખીએ છીએ. ભાષાના મામલામાં આપણી ઉદારતાનો જોટો જડે તેમ નથી.

‘ને’, ‘નું’, ‘ના’, ‘નો’, ‘માં’, ‘થી’ - આ અક્ષરોને મૂળ શબ્દથી અલગ પાડી દેવાનો કાયદો ક્યારથી અમલમાં આવી ગયો? લોકો લખશે કે - 

‘નરેન્દ્ર મોદી ને દેશ ચલાવતા આવડતો નથી’, 
‘કોરોના નો કાળો કેર’, ‘લૉકડાઉન માં છૂટ અપાશે’, 
‘અમિતાભ બચ્ચન થી ચડિયાતો કોઈ એક્ટર નથી’.... 

અરે સાહેબ, નરેન્દ્ર ‘મોદી ને’ કે નરેન્દ્ર ‘મોદીને? 
‘કોરોના નો’ કે ‘કોરોનાનો? 
‘લૉકડાઉન માં’ કે ‘લૉકડાઉનમાં? 
‘બચ્ચન થી’ કે ‘બચ્ચનથી? 

ને-નો-માં-થી... આ અક્ષરોની પહેલાં સ્પેસ શા માટે ઘુસાડી દો છો તમે? આ ગુજરાતી ભાષા છે, હિન્દી નથી. હિન્દીમાં આ પ્રકારના અક્ષરો છૂટ્ટા પડી જાય, પણ ગુજરાતીમાં નો-ની-નુ-ના-ને જેવાં વિભક્તિનાં પ્રત્યયો અને માં-થી જેવા અક્ષરો આગલા શબ્દની સાથે જોડાયેલા જ રહે.


લોકો દલીલ કરશે કે એ તો અમે મોબાઇલમાં ગુજરાતી ટાઇપ કરતા હોઈએ ત્યારે શબ્દ પૂરો થાય પછી આપોઆપ સ્પેસ થઈ જાય છે. એમાં અમે શું કરીએ? આ ટેક્નોલોજીકલ ગરબડ છે તે સાચી વાત છે. જ્યાં સુધી ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, સેમસંગ જેવી કંપનીઓ આ ક્ષતિ પર કામ નહીં કરે ત્યાં સુધી આ ગરબડ થતી રહેશે, પણ સાહેબ, તમે પોતે સ્પેસ દૂર કરીને શબ્દને વ્યવસ્થિત કેમ કરતા નથી? શા માટે તમે ઊંધું ઘાલીને ટાઇપ કર્યા જ કરો છો ને બિનજરૂરી સ્પેસ હટાવ્યા વગર, લખાણને એડિટ કર્યા વગર ફેસબુક કે વૉટ્સએપ પર ચડાવી દો છો?

રસ્તાઓ પર તોતિંગ હોર્ડિંગ અને પોસ્ટરોમાં, છાપા-મૅગેઝિન-ટીવી પર જોવા મળતી મોંઘીદાટ જાહેરાતોમાં આવી ભયાનક ભૂલો આંખ પર સતત અથડાતી રહે છે. થથરી ઉઠાય છે આ ગંદવાડ જોઈને. એડવર્ટાઇઝમેન્ટ પાછળ હજારો-લાખો રૂપિયા ખર્ચી નાખનારા વિજ્ઞાપનદાતાઓ પોતાની પ્રોડક્ટની એડમાં સાચી ગુજરાતી ભાષા વાપરવાનો આગ્રહ કેમ રાખતા નહીં હોય? જાહેરાત તૈયાર કરનારી એડ એજન્સીઓને ખુદને સમજાતું નહીં હોય કે લખાણમાં ગુજરાતી ભાષાનો દાટ વળી ગયો છે? શું તેઓ તદ્દન અભણ કોપીરાઇટરોને નોકરીએ રાખતા હશે? શું તેઓ તેલુગુ અને તમિલભાષીઓ પાસે ગુજરાતી જાહેરાતો લખાવતા હશે? શક્ય છે, બિલકુલ શક્ય છે. કદાચ તેઓ પરગ્રહના નિવાસીઓ પાસે સસ્તામાં ગુજરાતી કોપીરાઇટિંગ કરાવતા હોય એવુંય બને. તે સિવાય આટલી બધી ભૂલો કેવી રીતે રહી જાય?     

સો વાતની એક વાત. અત્યાર સુધી લિખિત ગુજરાતી ભાષાની ગરિમા સાચવવાની જવાબદારી મુખ્યત્ત્વે સાહિત્યકારો, છાપાં-મૅગેઝિનો, ટીવી ચેનલો-અને એડ એજન્સીઓ પર હતી. હવે આ જવાબદારી સોશિયલ મિડીયા પર માતૃભાષામાં પોતાની વાત રજૂ કરતા તમામ ગુજરાતીઓ ઉપાડી લેવાની છે. 




Tuesday, July 14, 2020

ડિરેક્ટર અને લેખક વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો છે!


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13 જૂલાઈ 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

‘તમે મોટો લેખક જ લાવો તે જરુરી નથી. મને નવોદિત લેખક પણ ચાલશે. શરત માત્ર એટલી કે એને ભાષાની પૂરતી સમજ હોવી જોઈએ.’

Javed Siddiqui

બોલિવુડનાં નૃત્યોને એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચાડનાર જન્નતનશીન કોરિયોગ્રાફર સરોજ ખાનનું સ્મરણ કરીને આપણે ગયા રવિવારે શરૂ કરેલી વાતને આગળ વધારીએ. વાત એમ હતી કે ભારતમાં કટોકટી લદાયેલી હતી તે અરસામાં મુંબઈની હોટલ પ્રેસિડન્ટમાં વર્લ્ડક્લાસ બંગાળી ફિલ્મમેકર સત્યજિત રાય અને જાવેદ નામના એક યુવા પત્રકારની મિટીંગ થાય છે. કશી જ પિષ્ટપિંજણ કર્યા વિના સત્યજિત રાય યુવાનના હાથમાં અંગ્રેજીમાં લખાયેલી એક ફિલ્મની સ્ક્રિપ્ટ પકડાવીને કહે છેઃ આના ડાયલોગ્ઝ તારે લખવાના છે! આશ્ચર્ય અને આનંદથી મૂઢ થઈ ગયેલો યુવાન પોતાની મિત્ર શમા ઝૈદીના ઘરે પહોંચી જાય છે,

‘યાર, શમા! આ મુનશી પ્રેમચંદની વાર્તા છે ને સત્યજિત રાય જેવા મહાન ફિલ્મમેકર તેના પરથી ફિલ્મ બનાવવા માગે છે,’ જાવેદે કહ્યું, ‘સંવાદોમાં ક્યાંક જરાક અમથી પણ ભૂલ થઈ ગઈ તો લોકો મને પકડીને મારશે.’

‘રિલેક્સ! કોઈ તને નહીં મારે.’

આખરે એવું નક્કી થયું કે જાવેદ અને શમા બન્ને સાથે મળીને આ ફિલ્મના સંવાદો લખશે. શમા પાસે ‘ગરમ હવા’ સહિતની કેટલીક ફિલ્મોનું સહલેખન લખવાનો અનુભવ હતો. મુનશી પ્રેમચંદની ‘શતરંજ કે ખિલાડી’ નામની ટૂંકી વાર્તા પરથી સિનિયર બંગાળી લેખક માણિકદાએ અંગ્રેજીમાં હાઇક્લાસ સ્ક્રીનપ્લે તૈયાર કર્યો હતો. 1850ના દાયકામાં આકાર લેતી આ કથામાં મિરઝા સજ્જાદ અલી અને મિર રોશન અલી નામના અવધમાં વસતા બે કુલીન પુરુષો કેન્દ્રમાં છે. તેમને શતરંજ રમવાનો ગજબનો શોખ છે. તેમની શતરંજની ચાલ અને અસલી રાજકીય કાવાદાવા બન્ને સમાંતરે ચાલ્યા કરે છે. સત્યજિત રાયની આ પહેલી હિન્દી ફિલ્મમાં સંજીવ કુમાર, સઈદ જાફરી, અમઝદ ‘ગબ્બર’ ખાન, શબાના આઝમી, ફારુક શેખ અને ‘ગાંધી’ ફિલ્મના ડિરેક્ટર રિચર્ડ એટનબરોની તેમાં અભિનય કરવાનાં હતાં.      

હવે સવાલ એ ઊભો થયો કે જો ફિલ્મના સંવાદો ઓગણીસમી સદીની અવધ ભાષામાં લખાશે તો ઑડિયન્સને કશું સમજાશે નહીં. સંવાદો એવી રીતે લખાવા જોઈએ જે આસાનીથી સમજાય પણ જાય ને તેમાંથી જૂના જમાનાની લખનવી સુવાસ પણ આવ્યા કરે. આ કામ કોને સોંપવું? પ્રોડ્યુસર સુરેશ જિંદાલના મનમાં રાજિન્દરસિંહ બેદીનું નામ હતું. સંજીવકુમાર ઇચ્છતા હતા કે સંવાદો ગુલઝાર પાસે જ લખાવવા જોઈએ. શબાના આઝમી અને આર્ટ ડિરેક્ટર બંસી ચંદ્રગુપ્તાનું સૂચન હતું કે આ કામ કૈફી આઝમી (શબાનાના પિતા) કરતાં બહેતર બીજું કોઈ ન કરી શકે. આ સિવાય અખ્તર-ઉલ-ઇમાન નામના લેખક પણ રેસમાં શામેલ હતા. માણિકદાએ કહ્યું કે રાજિન્દરસિંહ બેદી અને ગુલઝાર ઉચ્ચ દરજ્જાના લેખકો છે તેની ના નહીં, પણ તેમનું બૅકગ્રાઉન્ડ પંજાબનું છે. તેઓ કદાચ લખનવી સેન્સિબિલિટીથી એટલી હદે વાકેફ ન પણ હોય. અખ્તર-ઉલ-ઇમાને અગાઉ બી.આર. ચોપરાની ફિલ્મો માટે સંવાદો લખ્યા હતા. આ પ્રકારનું લખાણ આપણી ફિલ્મમાં નહીં ચાલે.



છેલ્લે એક જ નામ બચ્યું – કૈફી આઝમી. એમની પાસે ‘હીર રાંઝા’ અને ‘ગરમ હવા’ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો લખવાનો અનુભવ પણ હતો. કૈફીસાહેબ અને સત્યજિત રાય જેવા બે દિગ્ગજો વચ્ચે મિટીંગ ગોઠવાઈ. તકલીફ એ થઈ કે કૈફી આઝમીને અંગ્રેજીમાં ફાંફા, જ્યારે સત્યજિત રાય ફક્ત બંગાળી અને અંગ્રેજી સિવાયની ત્રીજી કોઈ ભાષામાં કમ્યુનિકેટ ન કરી શકે. શબાના કહે, કશો વાંધો નહીં. 

સંવાદલેખનની આખી પ્રોસેસ દરમિયાન મારા પિતાજી માટે હું ટ્રાન્સલેટર અને દુભાષિયાનું કામ કરીશ. સત્યજિત રાયનું માનવું હતું કે ડિરેક્ટર અને લેખક વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો હોય છે. એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી ન જ હોવી જોઈએ. સત્યજિત રાયે પોતાની ટીમને કહ્યું, ‘તમે મોટો લેખક જ લાવો તે જરુરી નથી. મને નવોદિત લેખક પણ ચાલશે. શરત માત્ર એટલી કે એને ભાષાની પૂરતી સમજ હોવી જોઈએ.’

આ તબક્કે શમા ઝૈદી, કે જે ‘શતરંજ કે ખિલાડી’ માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરવાનાં હતાં, તેમણે સૂચન કર્યુઃ જાવેદ સિદ્દીકી નામનો એક યંગ જર્નલિસ્ટ છે, મુંબઇના ઉર્દૂ અખબારમાં સરસ કૉલમો લખે છે, એમને અજમાવી જુઓ. સત્યજિત રાયે કહ્યુઃ તો પછી છોકરાને મેસેજ આપ કે મને આવીને મળી જાય. આ રીતે સત્યજિતદા અને જાવેદ સિદ્દીકીની મુલાકાત થઈ.

તહેરાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને આઠ દિવસ પછી સત્યજિત રાય મુંબઇ પાછા ફર્યા ત્યાં સુધીમાં તો જાવેદ સિદ્દીકી અને શમા ઝૈદીએ સાથે મળીને આખી ફિલ્મના સંવાદો લખીને તૈયાર કરી નાખ્યા હતા! ફરી પાછી મિટીંગ ગોઠવાઈ. હોટલની રૂમમાં આ વખતે સત્યજિત રાય ઉપરાંત માણિકદા, પ્રોડ્યુસર જિંદાલ, આર્ટ ડિરેક્ટર ઉપરાંત ઉર્દૂ ભાષાના ધૂરંધર નિષ્ણાતો પણ હાજર હતા. કોઈથી ન અંજાવાનો જર્નલિસ્ટીક મિજાજ ધરાવતા જાવેદ સિદ્દીકીએ એક પછી એક સીનના સંવાદો મોટેથી વાંચવાનું શરૂ કર્યું. દોઢ કલાકના પઠન બાદ સવાલો પૂછાયા. જાવેદ અને શમાએ સંતોષકારક જવાબો આપ્યા. મિટીંગનું પરિણામ આવી ગયું. ‘શતરંજ કે ખિલાડી’ના સંવાદલેખક તરીકે જાવેદ સિદ્દીકીનું નામ ફાયનલ થઈ ગયું.

આ રીતે જાવેદ સિદ્દીકીની ક્રિયિટિવ યાત્રાની શરૂઆત થઈ. પછી તો એમણે કેટલીય લેન્ડમાર્ક કૃતિઓ લખી - ‘ઉમરાવ જાન’ જેવી આર્ટિસ્ટિક અને ‘બાઝીગર’, ‘ડર’, ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’, ‘રાજા હિંદુસ્તાની’ જેવી સુપરહિટ મેઇનસ્ટ્રીમ ફિલ્મો, ‘તુમ્હારી અમૃતા’ નાટક, ‘ભારત એક ખોજ’ ટીવી સિરીઝ વગેરે. ખુદ સત્યજિત રાયે જે હીરાને પસંદ કર્યો હોય તે ન ચમકે તો જ નવાઈ!


shishir.ramavat@gmail.com



Monday, June 29, 2020

વેલકમ બૅક, સુસ્મિતા!


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 28 જૂન 2020, રવિવાર 
મલ્ટિપ્લેક્સ
ઉત્તમ લખાવટ, અફલાતૂન ડિરેક્શન અને મસ્તમજાનાં પર્ફોર્મન્સીસવાળી ‘આર્યા’ વેબ સિરીઝ જોવાય. ચોક્કસપણે જોવાય.


 ‘આર્યા’ વેબ શો વિશે ઉત્સુકતા જાગવાનાં બે મુખ્ય કારણો હોય. એક તો, સુસ્મિતા સેને વર્ષો પછી અભિનેત્રી તરીકે પુનરાગમન કર્યું છે. ભૂતપૂર્વ મિસ યુનિવર્સ રહી ચૂકેલી આ એક્ટ્રેસના ઇન્ટરવ્યુઝ જોવા-વાંચવાની હંમેશા મજા આવી છે. આપણને થાય કે આટલી સુપર કૉન્ફિડન્ટ, આટલી ચાર્મિંગ અને ઠીક ઠીક પ્રતિભાશાળી એવી સુસ્મિતાએ કેમ આટલું ઓછું અને પાંખું કામ કર્યું હશે? ‘આર્યા’માં રસ પડવાનું બીજું કારણ છે, વેબ શોના ડિરેક્ટર, રામ માધવાણી. એમની છેલ્લી ફિલ્મ ‘નીરજા’ (2016) ખરેખર અસરકારક હતી. એમની પહેલી ફિલ્મ ‘લેટ્સ ટૉક’ (2002), કે જેના થકી બમન ઇરાનીએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, તે પણ ખાસ્સી ઇન્ટરેસ્ટિંગ હતી.

કોઈ પણ ફિલ્મ કે સિરીઝ સારી યા ખરાબ છે તે માપવાનો મૂળભૂત માપદંડ એ જ હોવાનો કે તે તમને જકડી રાખી શકે છે કે કેમ. તો શું હોટસ્ટાર પર મૂકાયેલી ‘આર્યા’ દર્શકને સતત બાંધી રાખે છે? જવાબ છે, હા બિલકુલ. સરેરાશ પચાસેક મિનિટનો એક એવા નવ એપિસોડવાળો આ શો તમે માત્ર જોતા નથી, તમે બિન્જ-વૉચ કરો છો, મતલબ કે ભૂખ્યો માણસ એકશ્વાસે આખી થાળી સફાચટ કરી નાખે તેમ તમે પણ, જો સમયની પૂરતી મોકળાશ હોય તો, ‘આઇલ્લા... હવે શું થશે, હવે શું થશે’ કરતાં કરતાં આખો શો સડસડાટ જોઈ કાઢો છો.  



શું છે ‘આર્યા’માં? આ શો મૂળ ‘પેનોઝા’ (2010) નામની એક ડચ વેબ સિરીઝની રિમેક છે. થોડી સ્પોઇલર-ફ્રી વિગતો જોઈ લઈએ. સુસ્મિતા સેન (આર્યા) એક રાજસ્થાનના એક અતિ ધનિક પરિવારની સ્ત્રી છે. એ વાત અલગ છે કે પાત્રોની બોલચાલ અને લાઇફસ્ટાઇલ પરથી વાર્તાનું લોકાલ રાજસ્થાનને બદલે મુંબઈ કે દિલ્હી જેવું વધારે લાગ્યા કરે છે. હવામાં ઊંધા લટકીને એરિયલ એક્સરસાઇઝ કરતી સ્ટાઇલિશ આર્યા ત્રણ સંતાનોની મા છે. એનો પ્રેમાળ  બિઝનેસમેન પતિ (ચંદ્રચૂડ સિંહ, યાદ છે?) નામ પૂરતી એક ફાર્માસ્યુટિકલ કંપની ચલાવે છે. મૂળ તો એ અફીણનો ગેરકાયદે ધંધો કરે છે. આર્યાના પિતાએ આખી જિંદગી આ જ બેનામી ધંધો કરીને કરોડોની કમાણી કરી છે. આર્યાનો માથાફરેલ લાલચુ ભાઈ પણ આ જ લાઇનમાં છે. ટૂંકમાં, ‘ગૉડફાઘર’ની માફક આ પણ એક માફિયા પરિવાર છે. શોના પ્રારંભમાં જ આર્યાના પતિની ધોળે દિવસે હત્યા થઈ જાય છે. દુશ્મનો વસૂલી કરવા ડાઘિયા કૂતરાની જેમ પાછળ પડે છે. આર્યાએ હવે પરિસ્થિતિની લગામ પોતાના હાથમાં લઈને પરિવારને સુરક્ષિત રાખવાનો છે. એણે (અને ઑડિયન્સે) કલ્પના પણ ન કરી હોય તેવા ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવ્યા કરે છે ને આખરે... વેલ, આખરે શું થાય છે તે તમારે જાતે જોઈ લેવાનું છે.

રામ માધવાણી ખરેખર તો ડચ શો ‘પેનોઝા’ પરથી ફિચર ફિલ્મ બનાવવા માગતા હતા. ફિલ્મ તો ન બની, પણ સાત વર્ષના સ્ટ્રગલ બાદ વેબ શો જરૂર બન્યો. ‘આર્યા’ જોઈને આપણને જરૂર લાગે કે આ કથાનક પરથી એકાધિક સિઝન ધરાવતી વેબ સિરીઝ બને તે જ સારું છે. રામ માધવાણી, કે જે આ શોના સહનિર્માતા અને સહનિર્દેશક છે, તેમણે 59 દિવસોમાં આખી સિઝનનું શૂટિંગ પૂરું કરી નાખ્યું હતું. કલાકારોએ ડબિંગ લૉકડાઉન દરમિયાન પોતપોતાના ઘરેથી કર્યું! 

શૂટિંગ પહેલાં વર્કશોપ વખતે જ કલાકારોને કહી દેવામાં આવ્યું હતું કે તમારે જાણે થિયેટરમાં રંગમંચ પર પર્ફોર્મન્સ આપતા હો તે રીતે એક્ટિંગ કરવાની છે. કૅમેરા ટીમને સૂચના આપવામાં આવી હતી કે તમારે એક્ટર્સને એમની રીતે હરવાફરવાની પૂરી છૂટ આપવાની છે. ધારો કે કોઈ સીનમાં ડાઇનિંગ ટેબલ પર બેઠેલી સુસ્મિતા સેનને ડાયલોગ બોલતાં બોલતાં ઊભા થઈને ફ્રિજમાંથી પાણી પીવાનું મન થાય તો એ આવું ચોક્કસ કરી શકે. સ્ક્રિપ્ટમાં આવી ચેષ્ટા લખાયેલી ન હોય, તો પણ. કૅમેરા ટીમે તમામ એક્ટર્સનાં આવાં સ્પોન્ટેનિયસ હલનચલનને કેપ્ચર કરવા માટે સતત એલર્ટ રહેવાનું. લાંબા લાંબા, દસ-દસ મિનિટના શોટ્સ હોય. શોટની શરૂઆતમાં મજાકમસ્તી ચાલતાં હોય ને અચાનક એ જ શોટમાં કોઈ પાત્રને ખરાબ ન્યુઝ મળે ને સ્ક્રિપ્ટ પ્રમાણે એણે ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું હોય. સુસ્મિતા સેને ડિરેક્ટરને પૂછ્યું પણ ખરું કે આંખમાં ગ્લિસરીન નાખ્યા વગર એકાએક હું કેવી રીતે રડું? રામ માધવાણીએ કહી દીધુઃ તો નહીં રડવાનું. સિમ્પલ. એક્ટરોને સમજાઈ ગયું કે અહીં અમારે ટિપિકલ ફિલ્મ કે ટીવી શોની જેમ શૂટિંગ કરવાનું નથી, બલ્કે, ખરેખર પાત્રપ્રવેશ કરીને જે-તે કિરદારની લાગણીઓને ભીતરથી અનુભવીને પર્ફોર્મ કરવાનું છે. રામ માધવાણીએ એક ઇન્ટરવ્યુમાં સરસ વાત કરી કે એક્શનની કન્ટિન્યુટી કરતાં મને ઇમોશનની કન્ટિન્યુટીમાં વધારે રસ હોય છે. ઘટનાઓ માત્ર શોટ ચાલુ હોય ત્યારે જ બનતી નથી. ઘટનાઓ ‘એક્શન’નો આદેશ અપાય તે પહેલાં અને ‘કટ’ બોલાય તે પછી પણ ચાલતી હોય છે.\



‘આર્યા’ના પહેલાં એકાદ-બે એપિસોડ્સમાં સુસ્મિતા સેનનો અભિનય સપાટ લાગે છે. તે દર્શકનાં મન-હૃદયમાં ખાસ સ્પંદનો પેદા કરી શકતી નથી. સદભાગ્યે આ ફરિયાદ લાંબો સમય ટકતી નથી. સુસ્મિતા પછી તો પોતાના પાત્રને એવું તો બોચીએ પકડે છે કે છેક સુધી પકડ ઢીલી કરતી નથી. લાગે છે, સુસ્મિતાની એક્ટ્રેસ તરીકેની આ ઇનિંગ્સ ઘણી વધારે સંતોષકારક પૂરવાર થવાની.

તો શું ‘આર્યા’ જોવાય? જવાબ છેઃ હા. ઉત્તમ લખાવટ, અફલાતૂન ડિરેક્શન અને મસ્તમજાનાં પર્ફોર્મન્સીસવાળી આ વેબ સિરીઝ જોવાય. ચોક્કસપણે જોવાય.                    


0 0 0