Tuesday, January 31, 2017

મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે?

Sandesh - Ardh Saptahik purti - 25 Jan 2017
ટેક ઓફ
‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’



રસ સવાલ છે. જિનિયસ લોકો, સફ્ળ માણસો, બીજાઓ માટે રોલમોડલ બની ચૂકેલી વ્યકિતઓનું રોજિંદુ શેડયુલ કેવું હોય છે? એમનું જાગવાનું-સૂવાનું-કામ કરવાનું ટાઈમટેબલ કેવું હોય છે? મેસન કરી નામના એક અમેરિકન પત્રકાર-લેખકના મનમાં આ પ્રશ્ન પેદા થયો. એણે જુદાં જુદાં ક્ષેત્રોની પ્રેરણારૂપ વ્યકિતઓની લાઈફ્સ્ટાઈલ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. જે કંઈ માહિતી મળતી ગઈ તે એણે પોતાના બ્લોગ પર શેર કરવા માંડયું. ત્યાર બાદ આ જ વિષય પર એક પુસ્તક લખ્યું – ‘ડેઈલી રિચ્યુઅલ્સઃ હાઉ આર્ટિસ્ટ્સ વર્ક’. ૧૬૧ જેટલા લેખકો, ચિત્રકારો, સંગીતકારો, ચિંતકો, વૈજ્ઞાાનિકો, ગણિતશાસ્ત્ર્રીઓ અને રાજકીય વ્યકિતઓની વાતો એણે આ પુસ્તકમાં વણી લીધી છે.
સફ્ળ માણસોની કામ કરવાની આદત, રિલેકસ થવાની આદત અને અન્ય લાક્ષણિકતાઓમાં કયાંક એની સફ્ળતાની એકાદ-બે ચાવી છુપાયેલી હોવાની. પુસ્તક વિદેશી છે એટલે એમાં જે લોકો વિશે વાત થઈ છે તે પણ વિદેશી છે. એમાંના અમુકના નામ અને કામ તમને કદાચ અજાણ્યા લાગે તો લાગવા દેજો. મહત્ત્વ એમના વિશેની વિગતોનું છે.
એક સવાલ અવારનવાર પૂછાતો હોય છે કે દિવસનો કયો સમય વધારે ક્રિયેટિવ ગણાય? સવાર કે રાત? આનો કોઈ નિશ્ચિત ઉત્તર નથી. મહાત્મા ગાંધીના ઘનિષ્ઠ ગણાતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ નોંધ્યું છે તે પ્રમાણે, ગાંધીજી સવારે ચાર વાગે ઉઠી જતા. પછી હાથ-મોં ધોઈને પ્રાર્થના કરવા બેસે. નાસ્તો કરીને ફરવા નીકળે ને ત્યાર બાદ કામે લાગી જાય. નવેક વાગે તેલમાલિશ કરાવે. માલિશ કરાવતી વખતેય કામ તો ચાલુ જ હોય. પછી સ્નાન કરે. સ્નાન બાદ અગિયાર વાગે ભોજન લઈ એક વાગ્યા સુધી કામ કરે. બપોરે એકથી બેની વચ્ચે સૂઈ જાય. (ગાંઘીજી ગમે તેમ તોય કાઠિયાવાડી તો ખરા જ ને!) બે વાગે ઉઠીને શૌચક્રિયા કરવા જાય. ત્યાર બાદ પેટ પર માટીનો પાટો બાંધીને આરામ કરે. સૂતાં સૂતાં કામ તો જોકે ચાલતું જ હોય. ચાર વાગે કાંતવા બેસે. પછી લખવા-વાંચવાનું શરૂ થાય. સાંજે પાંચ વાગે તો વાળુ એટલે કે રાત્રિભોજન કરી લે. પછી ફરી પાછા લખવા બેસવાનું. સાત વાગે પ્રાર્થના. તે પછી થોડું કામ ને પછી રાત્રે સાડાનવની આસપાસ સૂઈ જવાનું. જરૂર પડ્યે ગાંઘીજી મધરાતે બે વાગે ઉઠીને કામ આરંભી દેતા. 

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ સવારે સાડાસાતે ઊઠીને બે કલાક સુધી પથારીમાંથી ઊભા ન થતા. બ્રેકફાસ્ટ કરવો, મુખ્ય છાપાં અને પત્રો વાંચવા તથા એકાધિક સેક્રેટરીઓને સૂચનાઓ  કે ડિકટેશન આપવું – આ બધું જ તેઓ આ બે કલાક દરમિયાન પથારીમાં જ પડયા પડયા કરી નાખતા. તાજા તાજા ભૂતપૂર્વ બનેલા અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા સવારે સાત વાગે ઊઠીને, વેઈટ્સ અને કાર્ડિયો જેવી એકસરસાઈઝ પતાવીને નવ વાગતા પહેલાં પોતાની ઓફ્સિ પહોંચીને કામ શરૂ કરી દેતા. રાતે ફેમિલી સાથે ડિનર કર્યા બાદ કેટલીય વાર તેઓ પાછા ઓફ્સિ આવી જતાં અને રાતના દસેક વાગ્યા સુધી કામ કર્યા કરતા.
એનેલિટિકલ સાઈકોલોજિના જન્મદાતા ગણતા કાર્લ જંગનું સ્પષ્ટ કહેવું હતું કે, ‘દિવસના મહત્ત્વના કામકાજ તો શરીર-મન થાકે એ પહેલાં જ પતી જવાં જોઈએ. થાકીને ચૂર થઈ ગયો હોય, કંટાળેલો હોય, એનાં તન-મનને આરામની જરૂર હોય છતાંય ઢસરડો કરતો હોય એ માણસ નક્કી મૂરખ હોવાનો.’ મોઝાર્ટ સવાર છ વાગે ઊઠીને રાત્રે એક વાગ્યા સુધી મ્યુઝિક લેસન, કોન્સર્ટ, મિટિંગ વગેરેમાં બિઝી રહેતા. આઈરિશ કવિ-લેખક જેમ્સ જોય્સ સવારે દસ વાગે ઊઠતા. એક કલાક સુધી પથારીમાં જ પડયા રહેતા. પછી ઊઠીને નહાતા, શેવિંગ કરતા અને પિયાનો વગાડવા બેસતા. આ બધા કાર્યક્રમ પતે પછી બપોરે તેમને લખવાનો મૂડ ચડતો. અમેરિકન લેખક જોન અપડાઈક શિસ્તપૂર્વક વહેલી સવારે લખવા બેસી જતા. તેઓ કહેતા, ‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’
અમુક ક્રિયેટિવ વ્યકિતઓ માટે ચાલવા જવાની એકસરસાઈઝ બહુ જ અગત્યની હોય છે. પગની મૂવમેન્ટ્સ એમના દિમાગને ગતિશીલ રાખે છે. સોરેન કિકેગાર્ડ નામના ડેનિશ ચિંતકને ચાલતાં ચાલતાં અચાનક કંઈક નવો વિચાર આવતો તો તેઓ ઝપાટાબંધ ઘર તરફ્ પાછા પાછળ વળી જતા અને વોકિંગ સ્ટિક અને છત્રી સમેત સ્ટડીરૂમમાં ધસી જઈને ફ્ટાફ્ટ લખવા બેસી જતા. બ્રિટિશ લેખક ચાર્લ્સ ડિકન્સ સવારે નહીં પણ બપોરે ચાલવા નીકળતા. મહાન જર્મન કમ્પોઝર અને પિયાનિસ્ટ બીથોવન પણ જમ્યા બાદ પગ છૂટો કરવા નીકળતા. તેઓ ખિસ્સામાં કાગળ અને પેન્સિલ અચૂક રાખતા કે જેથી અચાનક કોઈક ધૂનની પ્રેરણા મળે તો એના નોટેશન્સ ટપકાવી શકાય. ક્રિયેટિવ અથવા ‘ઊંચા માંહૃાલા’ વિચારો કયારેક દિમાગમાંથી સાવ છટકી જતાં હોય છે એટલે તે નાસીને અદશ્ય થઈ જાય અથવા ભુલાઈ જાય તે પહેલાં નોંધી લેવા જોઈએ!

પોતે રોજ કેટલું લખે છે એનો લેખકે હિસાબ રાખવો જોઈએ? નોબલ પ્રાઈઝવિનર અર્નેસ્ટ હેમિંગ્વે રોજ પોતે કેટલા શબ્દો લખ્યા એનો રીતસર ચાર્ટ બનાવતા, કે જેથી ખુદને ઉલ્લુ બનાવી ન શકાય! બી.એફ્. સ્કિનર નામના અમેરિકન લેખક-સાઈકોલોજિસ્ટ લખવા બેસે ત્યારે રીતસર ટાઈમર સેટ કરતા અને પછી કલાક દીઠ કેટલા શબ્દો લખ્યા એનો નિયમિત ચાર્ટ બનાવતા.
સમજદાર જીવનસાથી કે પાર્ટનર પર પણ કયારેક ઘણી વાતો નિર્ભર કરતી હોય છે. માનસશાસ્ત્રના પિતામહ એવા સિગ્મન્ડ ફ્રોઈડની પત્ની માર્થા એમની ખૂબ સેવા કરતી. ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢીને બ્રશ પર લગાડવાનું કામ સુદ્ધાં સિગ્મન્ડ ફ્રોઈડ જાતે ન કરતા. ફ્રોઈડ નસીબદાર ગણાય. બાકી કંકાસણી પત્નીના પતિઓએ પણ ઉત્તમ સર્જન કર્યા હોવાના ઘણા દાખલા છે. અંગ્રેજ લેખિકા જેન ઓસ્ટિન પરણ્યાં નહોતાં. પણ એમની બહેન કસાન્ડ્રા ઘરનું તમામ કામ પતાવી નાખતી કે જેથી જેન પોતાની તમામ શકિત લખવામાં પરોવી શકે.
મહાન કલાકારોમાંથી કેટલાકનું એક કોમન લક્ષણ મર્યાદિત સામાજિક જીવન છે. ફ્રેન્ચ લેખિકા- ફેમિનિસ્ટ સિમોન દ બુવ્વા કયારેક કોઈ પાર્ટીમાં ન જતાં, કોઈ આમંત્રણ ન સ્વીકારતાં કે ન લોકો સાથે સાથ હળતાંભળતાં. એમણે પ્રયત્નપૂર્વક આ પ્રકારની લાઈફ્સ્ટાઈલ વિકસાવી હતી. ચિત્રકાર પિકાસો દોસ્તોને હળવામળવા માટે અડધો રવિવાર અલાયદો રાખતા. બાકીના દિવસોમાં માત્ર કામ, કોઈ ડિસ્ટર્બન્સ નહીં.

સો વાતની એક વાત. ઉત્તમ સર્જન કરવા માટે કોઈ એક જડબેસલાક પદ્ધતિ કે નિયમો હોતાં નથી. સર્જનશકિત ધરાવતા સફ્ળ માણસો પોતાની તાસીર પ્રમાણે ખુદની પદ્ધતિ વિકસાવી લેતા હોય છે.
0 0 0 

તમે મારી સાથે સૂવા આવશો, પ્લીઝ?

Sandesh - Sanskaar purti - 29 Jan 2017
મલ્ટિપ્લેક્સ 
રિતેશ બત્રાને ‘ધ લન્ચબોક્સ’ નામની એક જ ફ્લ્મિ બનાવવાનો અનુભવ છે છતાંય એને હોલિવૂડ અને ઇંગ્લેન્ડમાં ફ્લ્મિો બનાવવાની તક કેવી રીતે મળી? તે પણ મોટા ગજાના ઇન્ટરનેશનલ કલાકારોને લઈને?
Our Souls at Night: (L to R) Robert Redford, Ritesh Batra and Jane Fonda

ક નાનકડા શાંત નગરમાં એક વૃદ્ધા રહે છે. વિધવા છે. ઉંમર હશે સિત્તેરેક વર્ષ. વાળ સફેદ થઈ ગયા છે, પણ શરીર સ્વસ્થ છે. એક સાંજે એ પાડોશીના ઘરે જાય છે. પાડોશી પણ એકલો છે, વિધુર છે અને લગભગ એની જ ઉંમરનો છે. બંને લાંબા અરસાથી એક જ ગલીમાં રહે છેે એટલું જ, બાકી એકમેકના ઘરે જવાનો પ્રસંગ અગાઉ કયારેય આવ્યો નથી.
પ્રારંભિક ઔપચારિકતા પૂરી કરીને વૃદ્ધા સહેજ સંકોચાઈને મુદ્દા પર આવે છે, ‘હું તમારી પાસે એક પ્રપોઝલ લઈને આવી છું.’
‘કેવી પ્રપોઝલ?’ આદમી પૂછે છે.
‘જુઓ, આપણે બેય એકલાં જીવ છીએ. કેટલાય વર્ષોથી હું મારી રીતે જીવું છું. મારા ખ્યાલ પ્રમાણે તમારું પણ એવું જ છે. મને વિચાર આવ્યો કે… તમે કયારેક મારા ઘરે રાત્રે મારી સાથે સૂવા આવો તો કેવું?’
‘એટલે?’ વૃદ્ધ એને તાકી રહે છે, ‘હું સમજ્યો નહીં.’
‘હું સેક્સની વાત નથી કરતી. મારી સેક્સની ઇચ્છા તો વર્ષો પહેલાં મરી પરવારી છે. હું કંપનીની વાત કરું છું. શું છે કે બુઢાપામાં રાત કેમેય કરીને નીકળતી નથી. મારે પછી નછૂટકે ઊંઘવાની ગોળી ખાવી પડે છે, પણ આ ગોળી લઉં એટલે બીજા દિવસે સુસ્તીનો પાર નહીં.’
‘હા, મને એનો અનુભવ છે.’
‘એટલે મને એમ કે જો રાતે કોઈ સારો સથવારો મળે તો જરા સારું પડે. તમારા જેવો સારો માણસ બાજુમાં સૂતો હોય, નિકટતા હોય, અંધારામાં પડયા પડયા મોડે સુધી વાતો થતી હોય તો શું છે કે પછી ઊંઘ વ્યવસ્થિત આવી જાય. બોલો, શું વિચાર છે તમારો?’
‘બોલો, કયારથી સાથે સૂવાનું શરૂ કરવું છે?’
‘અવર સોલ્સ એટ નાઈટ’ નામની નવલકથાનો આ ઉઘાડ છે. કલ્પના કરો કે જે વાર્તાની શરૂઆત જ આવી કમાલની હોય તે આખેઆખી કૃતિ કેટલી સુંદર હોવાની. કેન્ટ હરુફ નામના અમેરિકન લેખકે પોતાની પાછલી ઉંમરે આ નવલકથા લખી હતી, જે ૨૦૧૫માં પ્રકાશિત થઈ. આ એમના જીવનની અંતિમ કૃતિ બની રહી.

Charlotte Rampling and Jim Broadent in The Sense of an Ending

મૂળ વિષય પર આવતા પહેલાં બીજી એક મસ્તમજાની નવલકથા વિશે ટૂંકમાં જાણી લઈએ. એનું શીર્ષક છે, ‘ધ સેન્સ ઓફ અેન એન્ડિંગ’. જુલિયન બાર્ન્સ નામના બ્રિટિશ લેખકે લખેલી આ નવલકથાને ૨૦૧૧માં પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ મળ્યું હતું. આ કથાના કેન્દ્રમાં પણ એક વૃદ્ધ ડિવોર્સી આદમી છે. ટોની વેબ્સ્ટર એનું નામ. એક દિવસ એને ટપાલમાં પ૦૦ પાઉન્ડનો ચેક મળે છે. આ રકમ એને એક વસિયતના ભાગ રૂપે મળ્યો છે. વસિયત બનાવનાર સ્ત્રીને એ જિંદગીમાં એક જ વાર મળ્યો હતો. તે પણ ચાલીસેક વર્ષ પહેલાં. આ સ્ત્રીની વેરોનિકા નામની દીકરી એક જમાનામાં ટોનીની ગર્લફ્રેન્ડ હતી. વેરોનિકા સાથે ટોનીનું ખરાબ રીતે બ્રેકઅપ થઈ ગયું હતું, બંને વચ્ચે કોઈ સંપર્ક રહૃાો નહોતો, પણ વેરોનિકાની મા તરફ્થી આ નાનકડી રકમનો અણધાર્યો વારસો મળ્યો એટલે ટોનીને થાય છે કે વેરોનિકા સાથે વાત કરવી જોઈએ.
ટોની જુવાનીમાં મહત્ત્વાકાંક્ષી અને ઉત્પાતિયો માણસ હતો. એને ખૂબ વાંચવા જોઈએ, ખૂબ સેક્સ કરવા જોઈએ. જોકે વેરોનિકા સાથેનો એનો સંબંધ કયારેય શરીરસુખના તબક્કા સુધી પહોંચ્યો નહોતો. ટોનીને એડ્રીઅન નામનો બુદ્ધિશાળી અને આદર્શવાદી દોસ્તાર હતો. વેરોનિકા સાથે બ્રેકઅપ થયા બાદ એને ખબર પડી હતી કે એની અને એડ્રીઅન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો છે. થોડા સમય પછી એવા સમાચાર આવ્યા હતા કે એડ્રીઅને આત્મહત્યા કરી નાખી છે. ટોની પછી બીજી એક યુવતી સાથે પરણ્યો અને છૂટો પણ પડી ગયો. ઘણું બધું બની ગયું હતું છેલ્લાં ચાર દાયકામાં. ટોની એક જગ્યાએ સરસ વાત કરે છે કે, ‘માણસ વીસ કે ત્રીસ વર્ષનો થાય પછી એની પર્સનાલિટી લગભગ થીજી જતી હોય છે. જિંદગીના પહેલા બે-ત્રણ દાયકામાં જે શીખાઈ ગયું તે શીખાઈ ગયું. પછી માણસની માત્ર ઉંમર વધે છે, એ પોતાનામાં ખાસ નવું કશું ઉમેરી શકતો નથી.’
ચાલીસ વર્ષનાં વહાણાં વાઈ ગયા પછી ટોની અને વેરોનિકાનો ભેટો થાય છે. જિંદગીની કેટલીય બાબતોના અધૂરા રહી ગયેલા હિસાબ-કિતાબ પૂરા કરવાની કોશિશ થાય છે અને એક ખટમીઠા બિંદુ પર વાર્તા પૂરી થાય છે.
‘અવર સોલ્સ એટ નાઈટ’ અને ‘ધ સેન્સ ઓફ અેન એન્ડિંગ’ – આ બંને અંગ્રેજી નવલકથાઓમાં ઘણાં તત્ત્વો કોમન છે. બંનેમાં તૂટતા અને જોડાતા સંબંધોની વાત છે, બંનેમાં એકલતા સામે ઝઝૂમી રહેલાં અને પાછલી વયે પોતાના આખા જીવનનું મૂલ્યાંકન કરી રહેલાં પાત્રો છે, બંનેમાં કિરદારો પોતપોતાનાં સત્યો શોધવાની મથામણ કરે છે. આ સિવાય પણ એક વસ્તુ બંનેમાં કોમન છે. તે એ કે વાચકો અને વિવેચકો બંનેને સ્પર્શી ગયેલી આ બેય નવલકથાઓ પરથી ફ્લ્મિો બની છે અને તે ફ્લ્મિ બનાવનાર વ્યકિત એક જ છે – રિતેશ બત્રા! રિતેશ બત્રા એટલે એ બમ્બૈયા ફ્લ્મિમેકર, જેણે ૨૦૧૩માં ઇરફાન ખાન, નિમરત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને ‘ધ લંચબોકસ’ નામની અફ્લાતૂન ફ્લ્મિ બનાવી હતી. રિતેશની આ પહેલી જ ફ્લ્મિ હતી. કાન સહિત કેટલાય પ્રતિષ્ઠિત ફ્લ્મિ ફેસ્ટિવલમાં ડંકો વગાડી આવેલી આ નાનકડી ઇન્ડિપેન્ડન્ટ ફ્લ્મિને પછી કરણ જોહરે ખરીદીને દુનિયાભરમાં રિલીઝ કરી હતી.
રિતેશ બત્રા આજકાલ ન્યૂઝમાં છે. ‘વરાયટી’ નામનું અમેરિકન સામયિક નિયમિતપણે ‘ડિરેકટર્સ ટુ વોચ- આઉટ’ પ્રકારનું લિસ્ટ બહાર પાડે છે. અત્યંત આશાસ્પદ હોય એવા, ભવિષ્યમાં જેની પાસેથી ખૂબ ઊંચી અપેક્ષા રાખી શકાય એવા આખી દુનિયામાંથી કાળજીપૂર્વક પસંદ કરેલા દસ સુપર ટેલેન્ટેડ ડિરેકટરોને આ લિસ્ટમાં સ્થાન આપવામાં આવે છે. એક સમયે ક્રિસ્ટોફર નોલન (‘ઇન્સેપ્શન’, ‘ઇન્ટરસ્ટેલર’) અને બેન એફ્લેક (‘આર્ગો’) જેવા તેજસ્વી નામો આ લિસ્ટમાં ચમકયાં હતાં. આંતરરાષ્ટ્રીય ફ્લ્મિ વર્તુળો તેમજ મીડિયા ‘વરાયટી’ના આ લિસ્ટને ખૂબ ગંભીરતાથી લે છે. ‘વરાયટી’ની આ વખતની લેટેસ્ટ ટોપ-ટેન સુચિમાં રિતેશ બત્રાનું નામ પણ મૂકવામાં આવ્યું છે. મજા જુઓ. આ માણસની હજુ એક જ ફ્લ્મિ રિલીઝ થઈ છે, બીજી ફ્લ્મિ (‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’)નું સ્ક્રીનિંગ ફ્કત એકાદ-બે ફ્લ્મિ ફેસ્ટિવલમાં થયું છે અને ‘અવર સોલ્સ ઈન ધ નાઈટ’નું તો હજુ પોસ્ટ પ્રોડકશન વર્ક ચાલી રહ્યું છે. આમ છતાં એનું નામ દુનિયાના સૌથી આશાસ્પદ યુવાન ડિરેકટર તરીકે લેવાઈ રહ્યું છે. યાદ રહે, આ બંને અંગ્રેજી ફ્લ્મિો જરાય મામૂલી નથી. ‘અવર સોલ્સ ઈન ધ નાઈટ’માં એકટર-ડિરેકટર રોબર્ટ રેડફોર્ડ (‘આઉટ ઓફ્ આફ્રિકા’, ‘ઇન્ડિસન્ટ પ્રપોઝલ’) અને જેન ફેન્ડા (‘કલુટ’, ‘કમિંગ હોમ’) મેઈન રોલ કરે છે. આ બંને કલાકારો બબ્બે ઓસ્કર એવોર્ડ્ઝ જીતીને બેઠાં છે અને બેયની ગણના હોલિવૂડના લેજન્ડ્સ તરીકે થાય છે.
‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ના મુખ્ય કલાકાર જિમ બ્રોડબેન્ટને  ‘આઈરીસ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એકટર તરીકેનો ઓસ્કર મળ્યો હતો, જ્યારે શાર્લોટ રેમ્પલિંગ (‘સ્ટારડસ્ટ મેમરીઝ’ – વૂડી એલનની ફ્લ્મિ, ‘મોં આવુર’, ‘ફોર્ટીફાઈવ યર્સ’)ને ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં કેટલાય ઊંચા માંહૃાલા ખિતાબો મળી ચૂકયા છે. પ્રતિષ્ઠા પામેલી સાહિત્યકૃતિઓ પરથી ઊંચા ગજાના કલાકારોને લઈને ફ્લ્મિો બની રહી હોય અને તેના ડિરેકશન માટે માત્ર એક જ ફ્લ્મિનો અનુભવ ધરાવતા ઇન્ડિયન ડિરેકટરને સાઈન કરવામાં આવે તે જેવી તેવી વાત નથી.
Ritesh Batra

”ધ લન્ચબોકસ’ પછી હું એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહૃાો હતો તે દરમિયાન મને ‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ની ઓફર થઈ હતી,’ રિતેશ બત્રા એક મુલાકાતમાં કહે છે, ‘મેં આ નવલકથા ઓલરેડી વાંચેલી હતી. ખાસ ફ્લ્મિ માટે લખાયેલી સ્ક્રિપ્ટ પર કામ કરવું સહેલું છે, છપાયેલી અને વખણાયેલી નવલકથાને ફ્લ્મિ સ્વરૂપ આપવું અઘરું છે. એક તો, તમારે મૂળ કૃતિને વફાદાર રહેવું પડે અને પાછું, તમારે પોતાના તરફ્થી કશાક નવાં તત્ત્વો એમાં ઉમેરવા પડે. મારી સૌથી મોટી કસોટી ત્યારે થઈ જ્યારે ‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ નવલકથાના લેખક  જુલિયન બાર્ન્સ પોતે ફ્લ્મિના સ્ક્રીનિંગમાં બેઠા. ફ્લ્મિ જોઈને તેઓ બહુ જ ખુશ થયા. મને દિલથી અભિનંદન આપ્યા. મારા માથા પરથી મોટો બોજ ઉતરી ગયો. જ્યારે બુકર પ્રાઈઝવિનર લેખક પોતે પોતાના પુસ્તક પરથી બનેલી ફ્લ્મિથી સંતુષ્ટ હોય તો તેના કરતાં મોટી વાત બીજી કઈ હોવાની. એમણે મને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો જે મેં મઢાવીને રાખ્યો છે.’
‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’નું કામકાજ હજુ ચાલી રહ્યું હતું ત્યાં રિતેશને ફોન આવ્યો કે રોબર્ટ રેડફોર્ડ તમારી સાથે વાત કરવા માગે છે. રોબર્ટે રેડફોર્ડે એમને મળવા અમેરિકા બોલાવ્યા. મિટિંગ દરમિયાન એમણે ધડાકો કર્યો કે રિતેશ, હું ‘અવર સોલ્સ એટ નાઈટ’ નવલકથા પરથી ફ્લ્મિ પ્રોડયૂસ કરવા માંગું છું. મેઈન રોલ પણ હું જ કરીશ. મારી ઇચ્છા છે કે એનું ડિરકશન તું કરે. બોલ કરીશ?
‘રોબર્ટ રેડફોર્ડ જેવી હસ્તીને તમે ના કેવી રીતે પાડી શકો?’ રિતેશ કહે છે, ‘જુઓ, તમે આવી બધી વસ્તુઓ
પ્લાન કરી શકતા નથી. ઇટ જસ્ટ હેપન્સ. હું એવું વિચારવા બેસતો નથી કે મારામાં એવું તે વળી શું ખાસ છે કે આ લોકો આટલી ઇમ્પોર્ટન્ટ બ્રિટિશ અને હોલિવૂડની ફ્લ્મિો મને ડિરેકટ કરવા માટે આપે છે? બાકી મારા પપ્પા તો મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા ને મમ્મી આજની તારીખેય યોગની ટીચર તરીકે કામ કરે છે. ફ્લ્મિલાઈન સાથે મારી ફેમિલીને દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો. સિનેમા પ્રત્યે મને નાનપણથી આકર્ષણ હતું એટલે ઇકોનોમિકસનું ભણીને આ ફ્લ્ડિમાં આવી ગયો. એનીવે, મારી ખુદની સ્ક્રિપ્ટ પરથી ફ્લ્મિ બનાવવાની હજુ બાકી જ છે. આ બંને વિદેશી ફ્લ્મિો રિલીઝ થઈ જશે પછી એનું કામકાજ શરૂ કરીશ.’

‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ તેમજ ‘અવર સોલ્સ એટ નાઈટ’ આપણે ત્યાં રિલીઝ થાય ત્યારે અચૂકપણે જોઈશું જ, પણ તેની પહેલાં આ બંને નવલકથાઓ ઓનલાઈન ઓર્ડર કરીને વાંચી પણ કાઢીશું. સવાલ જ નથી.
                                          0 0 0 

Friday, January 20, 2017

સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત સમજાય એવું હોતું નથી!

Sandesh - Ardh Saptahik Purti - 18 Jan 2017
ટેક ઓફ
વર્જિનિયા વુલ્ફ ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.

વિશ્વવિખ્યાત રશિયન-અમેરિકન લેખિકા એન રેન્ડની સર્વપ્રથમ નવલકથા ‘આઈડીઅલ’ તેમનાં મૃત્યુનાં ૩૪ વર્ષ પછી, છેક ૨૦૧૫માં બહાર પડી. આ આખા ઘટનાક્રમ વિશે આપણે ગયા બુધવારે વિગતવાર વાત કરી હતી.  એક સજ્જ, પ્રમાણિક લેખક શા માટે પોતાના સર્જનને કયારેક લોકોની સામે મૂકવાનું પસંદ કરતો નથી? શા માટે અમુક ઉત્તમ કૃતિઓ સર્જકના મૃત્યુ પછી પ્રકાશમાં આવે છે? આનાં અનેક કારણો હોઈ  શકે છે.
નોબલ પ્રાઈઝ વિનર અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની આત્મકથનાત્મક કૃતિ  ‘અ મૂવેબર ફીસ્ટ’ તેમની આત્મહત્યાના ત્રણ વર્ષ પછી બહાર પડી હતી. હેમિંગ્વએ ચાર લગ્નો કર્યાં હતાં. બાવીસ વર્ષે પહેલાં લગ્ન કર્યાં બાદ ૧૯૨૦ના દાયકમાં તેઓ પત્ની સાથે પેરિસ શિફ્ટ થઈ ગયા હતા. અહીં તેઓ એક અખબારના ફોરેન કોરસપોન્ડન્ટ તરીકે કામ કરતા હતા. ‘અ મુવેબલ ફીસ્ટ’માં તેમણે પેરિસ શહેર વિશે, પોતાનાં નવા નવા લગ્નજીવન વિશે અને લેખક બનવાના પોતાના પ્રયાસો વિશે ખૂલીને લખ્યું છે. માનસિક બીમારીઓનો ભોગ બની ચૂકેલા હેમિંગ્વેએ રિવોલ્વરથી આત્મહત્યા કરી ત્યારે તેઓ ૬૨ વર્ષના હતા. ‘અ મૂવેબલ ફીસ્ટ’ પુસ્તક્ એમની ચોથી પત્નીએ એડિટ કરીને છપાવ્યું હતું.
બ્રિટિશ લેખિકા વર્જિનિયા વૂલ્ફ્ની કહાણી પણ કંઈક અંશે હેમિંગ્વે જેવી જ છે. બંને સમકાલીન હતાં. વર્જિનિયા ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.
જર્મન વાર્તાકાર-નવલકથાકાર ફ્રાન્ઝ કાફ્કા ફ્કત ચાલીસ વર્ષ જીવ્યા. તેઓ ઇન્શ્યોરન્સ ઓફ્સિર તરીકે કામ કરતા રહૃાા અને બાકીના સમયમાં ચુપચાપ લખતા રહૃાા. જીવતેજીવ તેમણે પોતાનું એકપણ લખાણ ન છપાવ્યું. તેઓ તો ઇચ્છતા હતા કે મૃત્યુ પછી તેમની તમામ હસ્તપ્રતો બાળી નાખવામાં આવે, પણ એક જાણકાર મિત્રે એમની આ  મરણોત્તર ઇચ્છા ધરાર પૂરી ન કરી. તેમણે કાફ્કાનું લખાણ છપાવ્યું અને કાફ્કા વીસમી સદીના સૌથી પ્રભાવશાળી લેખક તરીકે પ્રતિષ્ઠા પામ્યા! કાફ્કાની જેમ એન ફ્રેન્ક પણ જર્મન હતાં, જેમણે તરુણવયે લખેલી નોંધપોથી ‘અ ડાયરી ઓફ્ અ યંગ ગર્લ’ જગમશહૂર બની ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એન ફ્રેન્ક એમના પરિવાર સાથે કેવી રીતે બે વર્ષ સુધી નાઝીઓની નજરથી બચીને જેમતેમ જીવતાં રહૃાાં તેની બહુ જ હ્ય્દયસ્પર્શી વાત આ પુસ્તકમાં છે. એન ફ્રેન્કનો પરિવાર આખરે પકડાઈ ગયેલો. સૌને કોન્સન્ટ્રેશન કેમ્પમાં ધકેલી દેવામાં આવ્યા. ત્યાં જ એન ફ્રેન્કે જીવ ખોયો. એન ફ્રેન્કની ઇચ્છા હતી કે એમની ડાયરી છપાઈને લોકો સુધી પહોંચે. દીકરીની આ ઇચ્છા પછી એમના પિતાએ પૂરી કરી. આખા પરિવારમાંથી એક માત્ર એમના પિતાજી જીવતા રહી શકયા હતા.
ઓસ્કરવિનિંગ ‘અ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’ (૨૦૧૧) ફ્લ્મિ આપણે થિયેટરમાં જોઈ શકયા નહોતા, કેમ કે તેના કંપાવી મૂકે એવા સેકસ્યુઅલ હિંસાનાં દશ્યો સામે આપણા સેન્સર બોર્ડને વાંધો પડી ગયો હતો. આ ફ્લ્મિ આ જ ટાઈટલ ધરાવતી નવલકથા પરથી બની છે. એના સ્વીડિશ લેખક સ્ટીગ લાર્સન જાણીતા પત્રકાર હતા, જે માત્ર શોખ ખાતર નવલકથાઓ લખતા. સ્ટીગે ત્રણ ક્રાઈમ-નોવેલ્સની શૃંખલા લખી હતી –  ‘ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’, ‘ધ ગર્લ હુ પ્લેય્ડ વિથ ફાયર’ અને ‘ધ ગર્લ હુ કિકડ ધ હોર્નેટ્સ નેસ્ટ’. ૨૦૦૪માં પચાસ વર્ષની વયે સ્ટીગનું મૃત્યુ થયું પછી આ કૃતિઓ અચાનક એમની ગર્લફ્રેન્ડની નજરે ચડી. એણે આ નવલકથાઓ છપાવી, જે ઇન્ટરનેશનલ બેસ્ટસેલર બની.

આ તો થઈ વિદેશી લેખકોની વાતો. ગુજરાતી સાહિત્યજગતમાં કઈ કૃતિઓ લેખકના મૃત્યુ બાદ વિખ્યાત બની છે? કવિ નર્મદે (૧૮૩૩-૧૮૮૬) પોતાની આત્મકથા ‘મારી હકીકત’ લખીને છપાવી રાખેલી, પણ તેમની ઇચ્છા હતી કે આ પુસ્તક એમના મૃત્યુ પછી જ બજારમાં મૂકાય. એવું જ થયું. આપણી ભાષાના મહાન સાક્ષર એવા મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૧૮૫૮-૧૮૯૮)એ સોળેક વર્ષ સુધી નિરંતરપણે અંગત ડાયરી લખી હતી. કેમય કરીને દમન ન થઈ શકતી પોતાની હવસવૃત્તિ, ગુપ્તરોગો, પત્ની સાથેના સંબંધો વગેરે વિશેનું એમનું લખાણ એવું હેબતાવી દે એવું છે કે આપણને થાય કે એક લેખક, ચિંતક અને લોકશિક્ષક તરીકે કીર્તિ પામેલા માણસનું અંગત જીવન આટલું કુરુપ કેવી રીતે હોઈ શકે? ૧૯૭૯માં મણિલાલનું ‘આત્મચરિત્ર’ બહાર પડયું ત્યારે હોબાળો મચી ગયો હતો, જે સ્વાભાવિક હતો.
ડાયરીલેખન તો ગાંધીજીના અંગત મદદનીશ એવા મહાદેવ દેસાઈએ પણ કર્યું હતું, પણ અલગ પ્રકારનું. ૧૯૪૨માં તેમના નિધન થયું તે પછી છ વર્ષે  ‘મહાદેવભાઈની ડાયરી’નો પહેલો ભાગ બહાર પડયો. ૧૯૮૦ સુધી ક્રમશઃ સત્તર ભાગ પ્રકાશિત થતા ગયા. 
માત્ર છવ્વીસ વર્ષનું આયુષ્ય પામેલા કવિ કલાપીની તમામ કાવ્યરચનાઓ તેમના મૃત્યુ બાદ પ્રગટ થઈ હતી. ‘કલાપીનો કેકારવ’ સંગ્રહનું મરણોત્તર પ્રકાશન મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાન્તના હાથે થયું હતું. યોગાનુયોગ જુઓ. કાન્ત પોતાના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ને જોવા પામ્યા ન હતા. ૧૬ જૂન ૧૯૨૩ના રોજ  ‘પૂર્વાલાપ’ બહાર પડયો અને એ જ દિવસે એમનું મૃત્યુ થયું. કલાપીની જેમ રાવજી પટેલ પણ સાવ કાચી વયે મૃત્યુ પામ્યા હતા – ૨૯ વર્ષે. રાવજી પટેલના ‘અંગત’ અને મણિલાલ દેસાઈના ‘રાનેરી’ કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થયું હતું.
૧૯૬૪માં ધૂમકેતુનું નિધન થવાથી એમની ‘ધ્રૂવદેવી’ નામની ઐતિહાસિક નવલકથા અધૂરી રહી ગઈ હતી. ગુણવંતરાય આચાર્યે આ નવલકથા પૂરી કરવાના આશયથી હાથમાં લીધી હતી. ત્રણેક પ્રકરણો લખ્યાંય ખરા, પણ તેમનું ય અવસાન થઈ જતાં નવલકથા પાછી અધૂરી રહી ગઈ. આખરે ધૂમકેતુના પુત્ર દક્ષિણકુમાર જોષીએ આ નવલકથા અપૂર્ણ સ્વરુપમાં પ્રગટ કરી. રમણલાલ વસંતલાલ દેસાઈની ‘ત્રિશંકુ’ નવલકથા તેમના મૃત્યુ બાદ બહાર પડી હતી. ઝવેરચંદ મેઘાણી ૮ માર્ચ ૧૯૪૭ના રોજ મૃત્યુ પામ્યા એના એકાદ દિવસ પહેલાં જ તેમણે સંપાદિત કરેલા ‘સોરઠી સંતવાણી’ પુસ્તકના પ્રૂફ જોવા માટે આવ્યા હતા. અણધાર્યા મૃત્યુને કારણે તેમની ‘કાળચક્ર’ નામની નવલકથા અધૂરી રહી ગઈ. આ નવલકથામાં આગળ તેઓ આઝાદ હિંદ ફોજ અને લોકક્રાંતિની વાતોને વણી લેવા માગતા હતા. મેઘાણીના મૃત્યુના એક મહિના બાદ ‘સોરઠી સંતવાણી’ અને ‘કાળચક્ર’ (અપૂર્ણ સ્વરુપમાં) પ્રગટ કરવામાં આવ્યાં. ‘સોરઠી સંતવાણી’માં સંગ્રહાયેલાં પ્રાચીન ભજનોની સીડી આગામી માર્ચમાં બહાર પડવાની છે, મેઘાણીની ૭૦મી પુણ્યતિથિએ.
સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત ખરેખર સમજાય એવું હોતું નથી!
0 0 0 

Tuesday, January 10, 2017

તમારી ફેવરિટ હીરોઈન અસલી ખૂન કરે તો તમે એની મદદ કરો ખરા?

Sandesh - Ardh Saptahik Purti - 11 Jan 2017
ટેક ઓફ
વીસમી સદીનાં સૌથી પ્રભાવશાળી સર્જકોમાંનાં એક એવાં એન રેન્ડે સૌથી પહેલી 'આઈડીઅલ' નામની નવલકથા લખી હતી, પણ આ કૃતિ એમણે ક્યારેય છપાવી નહીં.  તેઓ વર્લ્ડ-ફેમસ રાઈટર બની ગયાં પછી પણ નહીં. આ નવલકથા એમનાં મૃત્યુનાં છેક 33 વર્ષ પછી બહાર પડી. સિદ્ધહસ્ત લેખક સર્જન કર્યા પછી તેને લોકો સામે ન મૂકવાનું ક્યારેક પસંદ કરતો હોય છે તેનું કારણ શું?

ધારો કે તમે પ્રિયંકા ચોપરાના જબરદસ્ત ફેન છો. પ્રિયંકા મિસ વર્લ્ડ બની ત્યારથી તમે એની પાછળ પાગલ છો. એમાંય બોલિવૂડની ટોપની હિરોઈન બન્યા પછી પ્રિયંકા હાલ જે રીતે હોલિવૂડમાં ધામા નાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે તરંગો સર્જી રહી છે એ જોઈને તમારી છાતી ગજ ગજ ફૂલે છે. તમે એવા હરખાઓ છો કે જાણે તમારું હૃદય છાતીનું પિંજરું ફડીને બહાર આવી જશે. તમે કેટલાય વર્ષોથી એના બર્થડે પર એને ગિફ્ટ અને બુકે મોકલો છો. સાથે સાથે ફેન-લેટર પણ બીડો છો. દર વર્ષે તમે પત્રમાં તમે એક વાત જરૂર લખો છોઃ પ્રિયંકા, હું તારો એટલો મોટો ફેન છું અને તને એટલો બધો ચાહું છું કે તારા માટે મારો જીવ આપી શકું. પ્રિયંકાએ એક વાર સામે તમને ‘થેન્કયુ’નું કાર્ડ મોકલ્યું હતું જે તમે ભારે ગર્વથી મઢાવીને ડ્રોઇંગરૂમમાં ટાગ્યું છે.
હવે કલ્પનાને આગળ વધારો. ધારો કે અસલી પ્રિયંકા ચોપરાનાં હાથે હોલિવૂડના કોઈ મોટા ડિરેકટરનું ખૂન થઈ જાય છે. શૂટિંગ દરમિયાન કેમેરા સામે નહીં, પણ સાચેસાચું, ભયાનક ક્રોધના પરિણામ રૂપે ડિરેકટરના ઘરની ચાર દીવાલ વચ્ચે થઈ ગયેલું અસલી ખૂન. જ્યાં સુધીમાં પોલીસ-મીડિયા વગેરેની નજરમાં હત્યાનો મામલો ચડે ત્યાં સુધીમાં પ્રિયંકા ઇન્ડિયા ભાગી આવે છે. એ કોઈ સલામત જગ્યાએ સંતાવા માગે છે, પણ એને ખબર નથી કે કયાં અને કોની પાસે જવું. અચાનક તેના દિમાગમાં તમારું નામ ઝબકે છે. એ વિચારે છે કે મિસ્ટર સો-એન્ડ-સો મારો આવડો મોટો ફેન છે, દર વર્ષે મારા માટે જાન હથેળી પર હાજર કરવાની વાત કરે છે, તો એ મને જરૂર મદદ કરશે. ધારો કે પ્રિયંકા ચોપડા તમને ફોન કરીને કાકલૂદી કરે કે દોસ્ત, હું મુસીબતમાં છું, પ્લીઝ મારી મદદ કરો… તો? તમે સારી રીતે જાણો છો કે આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસ હવે આખી દુનિયામાં ગાજી રહૃાો છે અને ઇવન ભારતની પોલીસ પણ સાબદી થઈ ગઈ છે એટલે જો તમે પ્રિયંકાને સહેજ અમથી મદદ કરશો તો પણ ભેખડે ભરાઈ જશો. તો હવે તમે શું કરશો?
બસ, આ છે મહાન લેખિકા એન રેન્ડની સૌથી પહેલી નવલકથા ‘આઈડીઅલ’નો પ્લોટ, જે એમના મૃત્યુના ૩૩ વર્ષ પછી, છેક ૨૦૧૫માં પ્રકાશિત થઈ. નવલકથામાં એન રેન્ડે આ પ્લોટને ખૂબ બહેલાવ્યો છે. આમાં હત્યાના આરોપથી ખરડાયેલી હોલિવૂડની ટોચની હીરોઈન પોતાના પર જીવ ન્યોછાવર કરવા તૈયાર હોય એવા એક નહીં પણ છ-છ ચાહકોની મદદ માગે છે. એક ગૃહસ્થ છે, બીજો ડાબેરી એકિટવિસ્ટ, ત્રીજો ચિત્રકાર, ચોથો ઉપદેશક, પાંચમો પ્લેબોય અને છઠ્ઠો ફ્કકડ ગિરધારી આદમી છે. જેને તેઓ પોતાની ડ્રિમગર્લ કે આદર્શ સ્ત્ર્રી માનતા હતા એ હીરોઈન સાક્ષાત જ્યારે મદદ માટે હાથ લંબાવે છે ત્યારે બધાની પ્રતિક્રિયાઓ સાવ જુદી જુદી આવે છે. આ પ્રતિક્રિયાઓમાંથી સૌનું ખરું વ્યકિતત્વ છતું થાય છે. 
અફ્લાતૂન પ્લોટ છે. ૧૯૩૪માં આ નવલકથા લખી ત્યારે એન રેન્ડ પૂરાં ત્રીસ વર્ષનાં પણ નહોતાં. રશિયામાં જન્મેલાં અને પણ પછી અમેરિકાને પોતાની કર્મભૂમિ બનાવનારાં એન રેન્ડની પહેલી પ્રકાશિત નવલકથા ‘વી ધ લિવિંગ’ ૧૯૩૬માં આવી. તે પછી બહાર પડેલી ‘ધ ફાઉન્ટનહેડ’ (૧૯૪૩) અને ‘એટલાસ શ્રગ્ડ’ (૧૯૫૭) સર્વકાલીન કલાસિક કૃતિઓ ગણાય છે. આ અદભુત નવલક્થાઓ વાંચીને દુનિયાભરની કેટલીય પેઢીઓ તીવ્રતાથી પ્રભાવિત થઈ છે, આજેય થઈ રહી છે. ‘ધ ફાઉન્ટનહેડ’ બહાર પડી ત્યારે એન રેન્ડ ૩૮ વર્ષનાં હતાં અને ‘એટલાસ શ્રગ્ડ’ વખતે બાવનનાં.

આજે આપણે વાત ‘આઈડીઅલ’ની કરવી છે. એને રેન્ડ એક વાર કોઈ અઠંગ ફ્લ્મિપ્રેમી સાથે વાતચીત કરી રહૃાાં હતાં ત્યારે પેલો બોલ્યો હતો કે ફ્લાણી હીરોઈન તો મને એટલી બધી ગમે છે કે એના માટે હું જીવ આપી દેતા ન ખચકાઉં. એન રેન્ડનાં મનમાં તરત સવાલ ઝબકયોઃ ખરેખર? બસ, આ વિચારબીજ પરથી એમણે સો-સવાસો પાનાંની (ટુ બી પ્રિસાઈઝ, ૩૪ હજાર શબ્દોની) 'આઈડીઅલ' નામની આ નવલકથા લખી નાખી.
એન રેન્ડે આ કૃતિ લખી ખરી, પણ છપાવી નહીં. આમાં એક પછી એક છ પાત્રોની વાત વારાફરતી આવે છે એટલે એન રેન્ડે વિચાર્યુ કે વાચકોને કદાચ આ નવલકથા ધીમી લાગશે. એમને આ વિષય નવલકથા કરતાં નાટક માટે વધારે યોગ્ય લાગ્યો. આથી એમણે ‘આઈડીઅલ’ શીર્ષક યથાવત્ રહેવા દઈને આ જ પ્લોટ પરથી ફુલલેન્થ નાટક લખ્યું. નવલકથાનાં કાગળિયાં તેઓ ૧૯૮૨માં મૃત્યુ પામ્યાં ત્યાં સુધી ફાઈલમાં એમ જ પડી રહૃાાં.
એન રેન્ડનાં એક વિશ્વાસુ મિત્ર હતા – લિઓનાર્ડ પિકોફ. તેઓ સ્વયં લેખક-વિચારક છે અને આજની તારીખેય હયાત છે. એમણે ૧૯૮૫માં એન રેન્ડ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. એન રેન્ડનાં નિધનના થોડા અરસા પછી એક વાર તેઓ એન રેન્ડનાં કાગળિયાં, પુસ્તકો વગેરે ગોઠવી રહૃાા હતા ત્યારે અચાનક તેમના હાથમાં ‘આઈડીઅલ’ નવલકથાની પેલી જૂની ફાઈલ આવી ગઈ. આ નામનાં નાટક વિશે લિઓનાર્ડ જાણતા હતા, પણ એને રેન્ડે નાટકની પહેલાં આ નવલકથા પણ લખી હતી તેનો તેમને અંદાજ નહોતો. લિઓનાર્ડે જસ્ટ એમ જ ઉપરઉપરથી પાનાં ફેરવવાનું શરૂ કર્યું, પણ આમ કરતાં કરતાં કયારે વાર્તાના પ્રવાહમાં તણાઈ ગયા એનું એમને ભાન ન રહૃાું. નવલકથા પૂરી થઈ ત્યાં સુધીમાં તેમની આંખો છલકાઈ ચૂકી હતી. લિઓનાર્ડને થયું કે આટલી સરસ રચના… એને દુનિયાભરમાં ફેલાયેલા એન રેન્ડનાં ચાહકો સામે ન મૂકીએ તો તો પાપ પડે!

આ પ્રોજેકટ વર્ષો પછી એન રેન્ડનાં લખાણોનું ડિજિટાઈઝેશનની ગતિવિધિ શરૂ થઈ ત્યારે પાર પડયું. લિઓનાર્ડ આ નવલકથાને એન રેન્ડનું જુવેનાઈલ (બચ્ચા જેવું, બાલિશ, કાચું) લખાણ કહે છે. એને રેન્ડે જ્યારે આ કૃતિ લખી ત્યારે બીજાઓ શું, એમણે પોતે પણ કલ્પના કરી નહીં હોય કે ભવિષ્યમાં તેઓ કેવું વિરાટ કામ કરવાનાં છે. એન રેન્ડ જેવાં પ્રભાવશાળી સર્જકના પ્રારંભિક અને ‘બચ્ચા જેવા’ લાગતાં લખાણોમાં પણ તેમના ચાહકોને જ નહીં, અભ્યાસુઓને પણ ઊંડો રસ પડતો હોય છે. મસ્ત વાત એ છે કે જો તમે ‘આઈડીઅલ’ નવલકથા ખરીદશો કે ઓનલાઈન ઓર્ડર કરશો તો નાટક તમને ફ્રીમાં મળશે, કારણ કે ચોપડીમાં આ બન્નેને એકસાથે સમાવી લેવામાં આવ્યાં છે. આને કહેવાય ડબલ બોનાન્ઝા. એન રેન્ડના ચાહકોએ આ નવલકથા અને નાટક બન્ને વારાફરતી વાંચી બન્નેમાં ક્યાં અને કેવા ફેરફાર કર્યા છે તેનો અભ્યાસ કરવા જેવો છે. જલસો પડે એવી એકસરસાઈઝ છે આ.

હા, તો ફરી એ જ સવાલ. ધારો કે તમારી ફેવરીટ હીરોઈન કે હીરો કે લેખક કે ઉપદેશક કે નેતા કોઈપણ સફળ સેલિબ્રિટી કે જેના પ્રત્યે તમને જબરદસ્ત પ્રેમ અને આદર છે અને જેનાથી તમે ખૂબ પ્રભાવિત છો એવી વ્યક્તિ ખૂન જેવો ભયંકર ગુનો કરીને ભાગેડુ બની ગઈ હોય તો તમે એની મદદ કરો ખરા? 
0 0 0 

Sunday, January 8, 2017

બોલિવૂડ ૨૦૧૭

Sandesh - Sanskar Purti - 8 Jan 2017
Multiplex
2016માં આપણે અલગ અલગ વિષયો પર બનેલી કેટલીક મસ્તમજાની ફિલ્મો જોઈ. આ વર્ષે બોલિવૂડ આપણી સામે  કેવો ફિલ્મી અન્નકોટ પેશ કરવાનું છે? આગામી મહિનાઓમાં એવી કઈ કઈ ફિલ્મો આવવાની છે જેની રાહ જોવાનુ આપણને મન થાય? 

તો, આ વર્ષે મહત્ત્વની ક્હી શકય એવી ક્ઈ ફ્લ્મિો રિલીઝ થવાની છે? વાતની શરૂઆત ખાન ત્રિપુટીથી કરીએ. ટુ બી પ્રિસાઈઝ, શાહરૂખ ખાનથી. ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં એવી એવી એક ઊભડક માન્યતા છે કે જાન્યુઆરી મહિનો નવી ફ્લ્મિોની રિલીઝ માટે ઠંડો પુરવાર થાય છે. જોવાનું એ છે કે પચ્ચીસ જાન્યુઆરીના બુધવારે રિલીઝ થઈ રહેલી શાહરૂખની બ્રાન્ડ-ન્યૂ ફ્લ્મિ ‘રઈસ’ બોકસઓફ્સિ પર ગરમાટો લાવી શકે છે કે નહીં. ‘દંગલ’ અને ‘રઈસ’ વચ્ચે ભલે સમ ખાવા પૂરતું ય સામ્ય ન હોય, પણ તોય બંને વચ્ચે કમસે કમ બોકસઓફ્સિની ક્માણીના સ્તરે તુલના થવાની. ‘રઈસ’ના ડિરેક્ટર રાહુલ ધોળકિયાએ ભૂતકાળમાં ‘પરઝાનિયા’ નામની ફ્લ્મિમાં ગોધરાકાંડ અને એ પછીની ઘટનાઓને ભયંકર રીતે તોડીમરોડીને, વિકૃત રીતે પેશ કરી હતી. ‘રઈસ’ના પ્રોમો તો મજાના છે. જોવાનું એ છે કે ‘પરઝાનિયા’નાં પાપ ‘રઈસ’ ધોઈ શકે છે કે નહીં. માહિરા ખાન નામની પાકિસ્તાની મેઈન હીરોઈન હોવા છતાં ‘રઈસ’ શાંતિપૂર્વક રિલીઝ થઈ જવી જોઈએ. ટચવૂડ.
શાહરૂખની ૨૦૧૭ની બીજી ફ્લ્મિ છે, ‘ધ રિંગ’. ડિરેકટર ઇમ્તિયાઝ અલી. સૌથી પહેલાં તો શાહરૂખ અને ઇમ્તિયાઝ અલીનું કોમ્બિનેશન જ ભારે ઇન્ટરેસ્ટિંગ છે. આ એક લવસ્ટોરી છે, નેચરલી. અનુષ્કા શર્મા એક ગુજરાતી કન્યા બની છે જે યુરોપના પ્રવાસે નીકળી છે. એની સગાઈની રિંગ એટલે કે વીંટી ખોવાઈ જાય છે. તે શોધવામાં ટૂર ગાઈડ શાહરૂખ એની મદદ કરે છે. ‘ધ રિંગ’ ટાઈટલ કદાચ બદલાશે, પણ રિલીઝ ડેટ યથાવત્ રહેશે – ૧૧ ઓગસ્ટ.
ખાન નંબર ટુ – સલમાન. આ વર્ષે સલ્લુમિયાની પણ બે ફ્લ્મિો આવવાની. પહેલી છે, ‘ટયૂબલાઈટ’ (રિલીઝ ડેટઃ ઈદ, ૨૦૧૭). ‘બજરંગી ભાઈજાન’ જેવી અસરકારક ફ્લ્મિ બનાવનાર કબીર ખાન આ ફ્લ્મિના ડિરેકટર છે. આ એક યુદ્ધકથા છે. ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે થયેલું યુદ્ધ આ ફ્લ્મિનું પશ્ચાદભૂ રચે છે. હીરોઈન ચીની છે અને એનું નામ એના ચહેરા જેવું જ કયુટ છે – ઝુ ઝુ! સલમાનની બીજી ફ્લ્મિ છે, ‘ટાઈગર ઝિંદા હૈ’. અલી અબ્બાસ ઝફરના ડિરેકશનમાં બની રહેલી આ ફ્લ્મિ ‘એક થા ટાઈગર’ની સિકવલ છે. આમાં સલમાન અને કેટરિના કૈફ બ્રેકઅપ કે બાદ પહેલી વાર સાથે દેખાશે. ઘણું કરીને તે ૨૦૧૭ની ક્રિસમસ પર રિલીઝ થશે.
આમ તો ક્રિસમસવાળા વીકએન્ડ પર આમિરની ફ્લ્મિો ચપ્પટ બેસી જતી હોય છે, પણ આ વર્ષે, ફેર અ ચેન્જ, આમિરની આગામી ફ્લ્મિ ‘સિક્રેટ સુપરસ્ટાર’ ઓગસ્ટના પહેલા વીકમાં રિલીઝ થવાની છે. પોતાના મેનેજર અદ્વૈત ચંદન નામના ટેલેન્ટેડ યુવાનને આમિર આ ફ્લ્મિ દ્વારા એક ડિરેકટર તરીકે બ્રેક આપી રહૃાો છે. એક મુસ્લિમ ટીનેજ છોકરી છે (ઝાઈરા વસિમ, જેને આપણે ‘દંગલ’માં નાની ગીતા ફેગટના રોલમાં હમણાં જ જોઈ). એને ગાવાનો શોખ છે. એ પોતાની યુ-ટયૂબ ચેનલ શરૂ કરે છે અને પોતાના બુરખાવાળા વીડિયો અપલોડ કરવાનું શરૂ કરે છે. જોતજોતામાં એ ડિજિટલ સર્કિટની સુપરસ્ટાર બની જાય છે. આ ફ્લ્મિ આમિર-કેન્દ્રી નથી. આખી ફ્લ્મિનો ભાર ઝાઈરા વસિમ પર હોવાનો.
સિનિયોરિટી અને સ્ટેટસ પ્રમાણે આગળ વધીને હવે અક્ષયકુમારની ફ્લ્મિોની વાત કરીએ. સૌથી પહેલાં તો ‘જોલી એલએલબી પાર્ટ-ટુ’, દસમી ફેબ્રુઆરી. પહેલાં પાર્ટમાં ડફેળ વકીલનો રોલ અરશદ વારસીએ સુંદર રીતે ભજવેલો. અક્ષયની આ વર્ષની બીજી ફ્લ્મિનું ટાઈટલ હસાવી અને ચમકાવી દે તેવું છે – ‘ટોઈલેટ- એક પ્રેમકથા’! હીરોઈન છે, ‘દમ લગા કે હઈશા’ની જાડુડીપાડુડી નાયિકા, ભૂમિ પેડણેકર. સો મણનો સવાલ એ છે કે ‘ટોઈલેટ – એક પ્રેમકથા’માં એવું તે શું હોવાનું? અગાઉના મુંબઈના માળાઓમાં સવારના પહોરમાં હળવા થવા કોમન ટોઈલેટની બહાર લાઈનો લાગતી. તો શું આ ફ્લ્મિમાં હાથમાં ભરેલી બાલ્દી લઈને અલગ-અલગ કતારમાં પોતાનો વારો આવે એની રાહ જોતાં ઊભેલાં અક્ષય અને ભૂમિ વચ્ચે ઈલુ-ઈલુ થઈ જતું હશે? કે પછી, કોઈ પછાત ગામડામાં ખુલ્લામાં હાજતે જતી વખતે બંને વચ્ચે ઈશ્ક થઈ જતો હશે? એ તો બીજી જૂને ફ્લ્મિ જોઈએ એટલે ખબર. અક્ષયની આ વર્ષની ત્રીજી ફ્લ્મિ છે, દિવાળી પર રિલીઝ થનારી ‘૨.૦’ (ટુ પોઈન્ટ ઝીરો). આ રજનીકાંતની સુપરડુપર હિટ ‘રોબો’ની સિકવલ છે, જેમાં અક્ષય વિલન બન્યો છે. સુપર્બ લુક છે એનો. કહે છે કે ભારતીય સિનેમાના ઇતિહાસની આ સૌથી મોંઘી ફ્લ્મિ બની રહેશે.
બજેટના મામલામાં ‘૨.૦’ને ટક્કર આપશે ‘બાહુબલિ – ધ કન્કલ્યુઝન’. નરેન્દ્ર મોદી હવે કેવા ખેલ કરશે તે સવાલ તો નવો નવો પેદા થયો છે, બાકી ભારતીયોના મનમાં લાંબા સમયથી ઘુમરાઈ રહેલો મહાપ્રશ્ન તો આ છેઃ કટપ્પા ને બાહુબલિ કો કયૂં મારા? બસ, આનો જવાબ ૨૮ એપ્રિલે મળી જશે. ‘બાહુબલિ’ની આ સિકવલ સાથે વર્ચ્યુઅલ રિયાલિટીનું અફ્લાતૂન આકર્ષણ પણ જોડાવાનું છે.
સૈફ અલી ખાન, શાહિદ કપૂર અને કંગના રનૌતની ‘રંગૂન’ માટે ફ્લ્મિપ્રેમીઓમાં સારી એવી તાલાવેલી છે એનું મુખ્ય કારણ એ છે કે વિશાલ ભારદ્વાજ જેવા ગુણી ડિરેકટર તે બનાવી રહૃાા છે. ફિલ્મનું ટ્રેલર જોયું તમે? સુપર્બ છે. કંગના આમાં ૧૯૪૦ના દાયકાની ફ્લ્મિસ્ટાર બની છે. સરહદે લડી રહેલા જવાનોના મનોરંજન માટે એને રંગૂન મોકલવામાં આવે છે. સૈફ અલી એક ફ્લ્મિ પ્રોડયૂસર છે, જે કંગનાનાં પ્રેમમાં છે, પણ કંગનાને ફૌજી ઓફ્સિર બનેલા શાહિદ સાથે પ્રેમ થઈ જાય છે. ટૂંકમાં, આ હોલિવૂડની માસ્ટરપીસ ગણાતી ‘કાસાબ્લાન્કા’ ટાઈપનો પ્રણયત્રિકોણ છે. અમુક ગોસિપબાજો ૨૪ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફ્લ્મિની એટલા માટે પણ રાહ જોઈ રહૃાા છે કે આમાં કરીના કપૂરનાં પૂર્વ પ્રેમી શાહિદ અને વર્તમાન પતિ સૈફે એકસાથે કામ કર્યું છે!
હવે રીતિકનો વારો. પપ્પા રાકેશ રોશને પ્રોડયૂસ કરેલી અને સંજય ગુપ્તાએ ડિરેકટ કરેલી ‘કાબિલ’ એક રિવેન્જ ડ્રામા છે. રીતિક અને એની હીરોઈન યામી ગૌતમ બંને અંધ છે. યામી સાથે ન થવાનું થાય છે અને પછી રીતિક બંને આંખે અંધ હોવા છતાં વિલન લોકોનો બદલો લે છે. ‘મોહેન્જો દારો’ બોકસઓફ્સિ પર ખરાબ રીતે પિટાઈ ગઈ હતી એટલે ‘કાબિલ’નું બોકસઓફ્સિ રિઝલ્ટ રીતિક માટે બહુ જ મહત્ત્વનું પુરવાર થવાનું. રિલીઝ ડેટ, ૨૫ જાન્યુઆરી. ‘રઈસ’ અને ‘કાબિલ’ સામસામે ન ટકરાવું શાહરૂખ અને રીતિક બંને માટે સારું પુરવાર થાત. ખેર.
હવે આજના યંગ સુપરસ્ટાર્સ પર આવીએ. સૌથી પહેલાં રણબીર કપૂર. આ વર્ષે એેની બે ફ્લ્મિો આવશે. પહેલી છે, ‘જગ્ગા જાસૂસ’ (૭ એપ્રિલ). ‘બરફી’ જેવી મસ્તમજાની ફ્લ્મિ આપનાર અનુરાગ બાસુએ ‘જગ્ગા જાસૂસ’નું કામકાજ છેક ૨૦૧૩માં શરૂ કરી દીધું હતું, પણ કોઈને કોઈ કારણસર ફ્લ્મિ પાછળ ધકેલાતી ગઈ. રણબીર-કેટરિનાનું બ્રેકઅપ પણ વિલંબનું એક કારણ બન્યું. ભલે મોડું થયું, પણ ‘જગ્ગા જાસૂસ’નું કમસે કમ ટ્રેલર એટલું સરસ બન્યું છે કે તે જોઈને રણબીર-પ્રેમીઓ પુલકિત થઈ ગયા છે. આ ફ્લ્મિમાં જગ્ગા નામનો જાસૂસ બનેલો રણબીર પોતાના લાપતા પિતાની શોધમાં નીકળી પડે છે ને પછી કેટરિનાની સંગાથમાં જાતજાતનાં પરાક્રમો કરે છે.

રણબીરની આ વર્ષની બીજી ફ્લ્મિ એટલે સંજય દત્તની બાયોપિક. ડિરેકટર છે, રાજકુમાર હિરાણી. આવાં ત્રણ-ત્રણ મોટાં માથાં જ્યારે ભેગા થતાં હોય ત્યારે ફ્લ્મિ આપોઆપ હાઈ-પ્રોફાઈલ બની જાય. ઘણા સવાલો છે. આ ફ્લ્મિ કેટલી હદે પ્રમાણિક રહી શકશે? સંજય દત્તના જીવનની અસલિયત કેટલી દેખાડશે? કેટલી છુપાડશે? શું ફ્લ્મિ સંજય દત્તને ગ્લોરીફય કરતી એક પીઆર એકસરસાઈઝ બનીને રહી જશે? ગુડ બોય રણબીર કપૂર બેડ બોય સંજય દત્તના પાત્રને કેટલી હદે ન્યાય આપી શકશે? સંજુબાબાની બાયોપિક આ વર્ષની વન-ઓફ્-ધ-મોસ્ટ-અવેઇટેડ ફ્લ્મિ બની રહેવાની એ તો નક્કી. આ ફ્લ્મિને લગતું કામકાજ હજુ એના પ્રારંભિક તબક્કામાં છે એટલે તેની રિલીઝ ડેટ નક્કી થઈ નથી. શકય છે કે આ ફ્લ્મિ આ વર્ષે ન પણ આવે. વચ્ચે સાવ ઢીલી પડી ગયેલી રણબીરની કરિયર ‘અય દિલ હૈ મુશ્કિલ’થી પાછી ચડતી કળાએ છે. જોવાનું એ છે કે ‘જગ્ગા જાસૂસ’ અને સંજુબાબાની બાયોપિક રણબીરની કારકિર્દીને વધારે વેગવંતી બનાવે છે કે નવેસરથી બ્રેક મારે છે.
રણબીર કપૂરનું નામ લઈએ ત્યારે એ જ શ્વાસમાં રણવીર સિંહનું નામ પણ લેવું પડે એવી અફ્લાતૂન પ્રગતિ આ સુપર એનર્જેટીક હીરોએ કરી છે. રણવીર આ વર્ષે છેક નવેમ્બરના ત્રીજા વીકમાં ત્રાટકશે, ભવ્યાતિભવ્ય ‘પદ્માવતી’માં અલાઉદ્દીન ખિલજીના રૂપમાં. સંજય લીલા ભણસાલી સાથેની આ તેની ત્રીજી ફ્લ્મિ. રિયલ-લાઈફ પ્રેમિકા દીપિકા પદુકોણ ટાઈટલ રોલમાં કાસ્ટ થઈ છે અને રણવીર પોતાની કરિયરમાં પહેલી વાર ખલનાયકનો રોલ કરી રહૃાો છે. દીપિકાનાં પતિ રાજા રાવલ રતન સિંહની ભૂમિકા શાહિદ કપૂર ભજવે છે. આ ફ્લ્મિની રાહ જોવાની મજા આવશે.
સેવ બેસ્ટ ફેર ધ લાસ્ટ. અમિતાભ બચ્ચન! અમિતાભ અભિનયસમ્રાટ હતા, છે અને રહેશે તે સત્ય સૌ શીશ ઝુકીને સ્વીકારે છે. બોકસઓફ્સિની દોડમાંથી ગરિમાપૂર્વક બહાર નીકળી ગયેલા બિગ બીની આ વર્ષે ‘સરકાર-થ્રી’ આવશે. રામગોપાલ વર્માની ‘સરકાર’ સિરીઝે અત્યાર સુધીનો તો નિરાશ નથી કર્યા. ૧૭ માર્ચે જોવાનું એ છે કે ‘સરકાર-થ્રી’ આપણને આનંદિત કરી શકે છે કે નહીં. આ સિવાય અમિતાભ પાસે અનીસ બઝમીના ડિરેકશનમાં બની રહેલી ‘આંખેં’ની સિકવલ પણ છે, જે કદાચ દિવાળીની આસપાસ રિલીઝ થશે.
ઓત્તારી! સુશાંત સિંહ રાજપૂત, વરુણ ધવન અને અર્જુન કપૂર જેવી લેટેસ્ટ બેચના હીરોની વાત તો રહી જ ગઈ. નવાઝુદ્દિન સિદ્દીકી અને ઇરફન ખાનનું શું? એમ તો હીરોઈનોને પણ આપણે હજુ સુધી કયાં અડયા છીએ? આ બધું ઉપરાંત ૨૦૧૭ની મોસ્ટ પ્રોમિસિંગ હોલિવૂડની ફ્લ્મિોની વાત હવે પછી. 

0 0 0 

Sunday, January 1, 2017

મલ્ટિપ્લેક્સઃ બોલિવૂડનો રુદનસમ્રાટ!

Sandesh - Sanskaar Purti - Jan 1 2017
Multiplex
'...અને તે દિવસે મેં સોગન ખાધા કે હું લાઈફ્માં કયારેય ‘પ્રેકિટકલ’ નહીં બનું! ભાડમાં જાય શેડયુલ, ભાડમાં જાય આર્થિક ગણતરીઓ. બજેટ વધી જતું હોય તો વધારાના બે દિવસના પૈસા હું મારા ખિસ્સામાંથી ચૂકવી દઈશ, પણ ક્રિયેટિવિટી સાથે હું કયારેય છેડખાની નહીં થવા દઉં.'


ગેમચેન્જર. સુપરસ્ટાર વિથ મિડાસ ટચ. કોમર્સ (બોકસઓફ્સિ પર થતી જંગી કમાણી) અને ક્રેડિબિલિટી (વિશ્વસનીયતા, ગુણવત્તાની ગેરંટી) સાથે એન્ટરટેઇનમેન્ટનું અફ્લાતૂન કોમ્બિનેશન કરીને તેમાં સામાજિક સંદેશનો ઉત્તમ વઘાર કરી શકતો હિન્દી સિનેમાનો એકમાત્ર હીરો. આ બધા આમિર ખાન માટે સતત અને યોગ્ય રીતે વપરાતા વિશેષણો છે. આ સિવાય પણ આમિરની એક ખાસિયત છે, જેને અલગ તારવીને ભાગ્યે જ વાત થઈ છે. તે છે, આમિરની રુદનક્ષમતા! સ્ક્રીન પર આમિર જેટલું સરસ રડતાં બીજા કોઈ હીરોને આવડતું નથી! રડવાના દશ્યોમાં આમિર દર વખતે છગ્ગો નહીં તો કમસે કમ ચોગ્ગો તો ફ્ટકારી જ દે છે. હોલિવૂડમાં ટોમ હેન્ક્સને બેસ્ટ રડતા આવડે છે, જ્યારે બોલિવૂડમાં આમિર ખાનને!
લેટેસ્ટ ‘દંગલ’ની વાત કરીએ. બુઢ્ઢો થઈ ગયેલો હરિયાણવી પહેલવાન સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના સાહેબોને બે હાથ જોડીને આજીજી કરી રહૃાો છે કે મારી દીકરીઓએ બિચારીઓએ ભારે મહેનત કરીને ખોબા જેવડા ગામડાથી શરૂઆત કરીને નેશનલ લેવલ સુધીની સફર કાપી છે, એને મહેરબાની કરીને કાઢી ન મૂકો, એને એક ચાન્સ આપો. આ દશ્યમાં ધૂ્રજતી હડપચી સાથે રડતો આમિર એના પાત્રની અસહાયતા, લાચારી અને ઉચાટ અસરકારક રીતે વ્યકત કરી દે છે. ‘પીકે’ના ક્લાઈમેકસમાં યાન પકડતા પહેલાં અનુષ્કાને છેલ્લી વખતે અલવિદા કહી રહેલા અને મહામહેનતે આંસુને આંખોમાં દબાવી રાખવાનો પ્રયત્ન કરી રહેલા પરગ્રહવાસી આમિરના એકસપ્રેશન્સ યાદ છે? 
‘તલાશ’ આમિરની કદાચ સૌથી અન્ડરરેટેડ ફ્લ્મિ છે. નાનકડો દીકરો અણધાર્યો મૃત્યુ પામ્યો છે ત્યારથી પોલીસ ઓફ્સિર આમિર જાણે પથ્થર બની ગયો છે. મૃત દીકરાનો આત્મા એને સંદેશો આપે છે કે ડેડી, બોટ તળાવમાં ઊંધી વળી ગઈ ને હું ડૂબીને મરી ગયો એમાં તમારો કોઈ વાંક નહોતો, તમારી કોઈ બેદરકારી નહોતી. તમે શું કામ ગિલ્ટ મનમાં રાખીને જીવો છો? તળાવના કિનારે મરેલા દીકરાનો કાગળ વાંચી રહેલા આમિર જે રીતે આક્રંદ કરે છે તે સંવેદનશીલ દર્શકને હલબલાવી દે છે. તમે એક દર્શક તરીકે અનુભૂતિ કરી શકો કે આમિરના આંસુ કેવળ ગ્લિસરીનનો પ્રતાપ નથી, આ આંસુ એની ભીંસાયેલી છાતીમાંથી, એની ભીતરના કોણ જાણે કયા પ્રદેશમાંથી ખેંચાઈને બહાર આવ્યાં છે. આમિરના ઓલ-ટાઈમ-ગ્રેટ પરફોર્મન્સીસમાં ‘તલાશ’નો આ સીન અનિવાર્યપણે મૂકવો પડે.
‘અકેલે હમ અકેલે તુમ’ની કલાઈમેકસમાં અદાલતનો ચુકાદો આપે છે કે આમિરે જેને એકલે હાથે જીવની જેમ સાચવ્યો હતો એ નાનકડા દીકરાનો કબ્જો વિખૂટી પડી ચૂકેલી પત્નીને સોંપી દેવો. ભૂતપૂર્વ બની ચૂકેલી સ્વકેન્દ્રી પત્ની તેડવા આવે તે પહેલાં આમિર દીકરાનો સામાન પેક કરે છે. પછી પાડોશમાં રહેતી એક ભલી મહિલા (તન્વી આઝમી) સાથે દીકરાને નીચે મોકલે છે. ઘરમાં એકલો પડતાં જ આમિર મોંફટ રુદન કરે છે. આ ૨૧ વર્ષ જૂની ફ્લ્મિમાં આમિર હજુ અદાકાર તરીકે પૂરેપૂરો મંજાયો નથી, છતાંય આ દશ્યનો સૂર બિલકુલ કરેકટ પકડાયો છે.

કેટલા બધા ઉદાહરણો છે. ‘દિલ ચાહતા હૈ’માં પિતા સાથે ફોન પર ફ્કત બે-ચાર વાકયોની આપ-લે થાય છે, પણ આ ગણતરીની ક્ષણોમાં આમિરનો રૃંધાયેલો, ભારે થઈ ગયેલો અવાજ એના કિરદારનો વિષાદ અને એકલતા આબાદ વ્યકત કરી દે છે. ‘રંગ દે બસંતી’માં આમિર ખાતાં ખાતાં રડી પડે છે તે સીનને એક માસ્ટરપીસ ગણવામાં આવે છે. સિચ્યુએશન એવી છે કે વહીદા રહેમાનનો ફૌજી દીકરા માધવનનું ફાઈટર પ્લેન ક્રેશ થતાં ઓન-ડયૂટી મૃત્યુ થઈ ગયું છે. સોહા અલી, કે જે આમિરની બહુ સારી દોસ્ત છે, તેની સાથે માધવનના લગ્ન થવાના હતા. દિલ્હીના ઇન્ડિયા ગેટ પર ભ્રષ્ટ તંત્ર વિરુદ્ધ દેખાવ કરવા એકઠા થયેલા લોકો પર પોલીસ લાઠીચાર્જ કરે છે, જેમાં વહીદા રહેમાન ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે, આમિર અને બીજા દોસ્તારો પણ લોહીલુહાણ થાય છે. વહીદા રહેમાનને હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ આમિર થોડું ખાવાપીવાનું પેક કરાવીને વિદેશી ગર્લફ્રેન્ડ સૂ (એલિસ પેટન) સાથે એના ફ્લેટ પર આવે છે. ઘેરાયેલા વાદળા કોઈપણ ક્ષણે મુશળધાર વરસી પડશે તેવા આમિરના એક્સપ્રેશન્સ છે. સૂ ડાઈનિંગ ટેબલ પર પ્લેટ્સ વગેરે ગોઠવીને ખાવાનું કાઢે છે. આમિર કોળિયાં ભરવાનું શરૂ કરે છે, પણ એના મનમાં ઘમાસાણ મચ્યું છે. એ ત્રુટક-ત્રુટક બોલવાનું શરૂ કરે છે. માધવન જેવા બાહોશ અને દેશપ્રેમી ઓફ્સિરે શું કામ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે? સોહા… આવી મજાની છોકરી… શું વાંક હતો એનો? આમિરના મોંમાં કોળિયો છે અને એ બોલતાં બોલતાં ધોધમાર રડી પડે છે. અત્યંત અસરકારક અને દષ્ટાંતરૂપ સીન છે આ. આજની તારીખેય ફ્લ્મિોના ઓડિશન આપવા આવતા છોકરાઓને આમિરનો આ સીન ભજવી બતાવવાનું કહેવામાં આવે છે.
પણ આમિરને ખુદને આ સીન સામે ભયાનક અસંતોષ છે! હમણાં એક ન્યૂઝ ચેનલ પર આમિર અને રણવીર સિંહ વચ્ચે વાતચીતનો અફ્લાતૂન પ્રોગ્રામ ગોઠવાયો હતો, જેમાં પોતે શા માટે આ સીનથી અત્યંત નાખુશ છે તે વાત આમિરે વિગતે સમજાવી હતી. બન્યું એવું કે મુંબઈના ફ્લ્મિસિટીમાં ‘રંગ દે બસંંતી’ની ફ્રિંગી હીરોઈનના ફ્લેટનો સેટ લગાવવામાં આવ્યો હતો. શૂટિંગ શરૂ થાય તેના ત્રણ દિવસ પહેલાં આમિર, ડિરેકટર રાકેશ ઓમપ્રકાશ મહેરા અને સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાન સેટ જોવા ગયા. આમિરે સૂચન કર્યું કે આ લોકેશન પર આપણે ઘણા સીન શૂટ કરવાના છે, પણ મારો રડવાવાળો સૌથી અઘરો સીન સૌથી પહેલાં શૂટ કરીશું. બીજા દિવસે સીનનું બ્લોકિંગ કરવામાં આવ્યું એટલે કે મૂવમેન્ટ્સ નક્કી કરવામાં આવી. ત્રીજા દિવસે આમિરે કેમેરા સાથે હળવું રિહર્સલ કર્યું.
‘હું ચકાસવા માગતો હતો કે હું આ સીન કરવા માટે તૈયાર છું કે નહીં,’ આમિર કહે છે, ‘…એન્ડ આઈ વોઝ ટોટલી ધેર! જાણે કે પાણી ગ્લાસની એકદમ ધાર સુધી ભરાઈ ગયું હતું. ગ્લાસને સહેજ હલાવું તો પાણી છલકાઈને બહાર આવી જાય એટલી જ વાર હતી. રિહર્સલ પતાવીને હું ઘરે ગયો. આખી રાત એ સીન વિશે વિચારતો રહૃાો. મારા દિમાગમાં સીનનો સૂર એકદમ પકડાઈ ચૂકયો હતો. આઈ વોઝ જસ્ટ ફ્લોઇંગ! સવારે ઊઠીને શાવર લેતી વખતે ફરી એક વાર આખું દશ્ય મનોમન ભજવી નાખ્યું. આઈ વોઝ લાઈક, વાઉ… આઈ એમ રેડી ફેર ધ સીન. હું ‘ઝોન’માં પહોંચી ચૂકયો હતો અને આ જ મનઃ સ્થિતિમાં હું સેટ પર આવ્યો.’
પણ સેટ પર કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. આસિસ્ટન્ટ ડિરેકટરે મોકણના સમાચાર આપ્યા કે સર, શેડયુલ બદલાઈ ગયું છે, આજે આપણે તમારા રડવાવાળો સીન નહીં, પણ બીજો સીન શૂટ કરવાના છીએ. આમિરે ડિરેકટર રાકેશ ઓમપ્રકાશ મહેરાને બોલાવીને કહ્યું કે, યાર, ઐસા મત કર. હું રડવાવાળા સીનના જે ઈમોશન્સ છે એની એકદમ ધાર ઉપર ઊભો છું. હવે છેલ્લી ઘડીએ ફેરફાર ન કર. મહેરાએ કહૃાું કે બિનોદ પ્રધાનનું કહેવું છે કે જો તે સીન પહેલો શૂટ કરીશું તો પછી લાઈટિંગ બદલવામાં દોઢ દિવસ લાગી જશે ને સરવાળે શેડયુલ બે દિવસ વધારે ખેંચાઈ જશે. આથી આજે આપણે બીજો સીન પતાવી નાખીએ. તારા રડવાવાળો સીન ત્રણ દિવસ પછી શૂટ કરીશું.


આમિર વિચારમાં પડી ગયો. એ ફ્લ્મિ પ્રોડયૂસરનો દીકરો છે, ખુદ પ્રોડયૂસર છે, આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કરી ચૂકયો છે. એ બરાબર જાણે છે કે શેડયુલ નિર્ધારિત સમયે પૂરું થવું જ જોઈએ, કેમ કે શૂટિંગ જો એક દિવસ પણ વધારે લંબાય તો વધારાના લાખો રૂપિયા ખર્ચાઈ જાય. આ બધા પ્રેકિટકલ કારણોસર આમિરે વિરોધ કર્યા વગર વાત સ્વીકારી લીધી. પેલા રડવાવાળા સીનનું શૂટિંગ ત્રણ દિવસ પછી થયું.
‘પણ ત્રણ દિવસ પછી એ સીન હું જેવી રીતે કરવા માગતો હતો તે પ્રમાણે થયો જ નહીં!’ આમિર કહે છે, ‘હું જે રીતે ઇમોશન્સ વ્યકત કરવા માગતો હતો તે મારી અંદરથી નીકળ્યા જ નહીં. મારાથી સૂર પકડાયો જ નહીં. હું એટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો કે ન પૂછો વાત…. અને તે દિવસે મેં સોગન ખાધા કે હું લાઈફ્માં કયારેય ‘પ્રેકિટકલ’ નહીં બનું! ભાડમાં જાય શેડયુલ, ભાડમાં જાય આર્થિક ગણતરીઓ. બજેટ વધી જતું હોય તો વધારાના બે દિવસના પૈસા હું મારા ખિસ્સામાંથી ચૂકવી દઈશ, પણ ક્રિયેટિવિટી સાથે હું કયારેય છેડખાની નહીં થવા દઉં, કારણ કે પેલી મેજિક મોમેન્ટ જો હાથમાંથી જતી રહેશે તો એ કયારેય પાછી નહીં આવે…’
આટલું કહીને આમિર ઉમેરે છે, ‘લોકો જ્યારે આ સીનના ભરપેટ વખાણ કરે છે ત્યારે મનોમન મને થાય કે અરે યાર, મારું ફ્રસ્ટ્રેશન તમને કેવી રીતે સમજાવું! ફ્લ્મિમાં હાલ જે સીન છે એમાં મારા મોંમાં ખાવાનું છે ને હું રડી પડું છું. ડિરેકટરે વિચારેલું કે હું ડાઈનિંગ પર બેસીશ ને રડવા લાગીશ, પણ મેં કહૃાું કે ના, હું ખાવાનું શરૂ કરી દઈશ અને પછી ખાતાં ખાતાં રડી પડીશ. લોકોને આ ખાતાં ખાતાં રડવાવાળો ટચ બહુ ગમ્યો છે, બાકી મારું પરફેર્મન્સ કંઈ એટલું બધું સારું નથી.’
આમિરે આ દશ્ય નિર્ધારિત શેડયુલ પર શૂટ કર્યું હોત તો તે કયા લેવલ પર પહોંચ્યું હોત તેની કલ્પના જ કરવી રહી!