Sandesh - Ardh Saptahik Purti - 5 Nov 2014
ટેક ઓફ
કોણ કહે છે કે ડિટેક્ટિવ નવલકથા 'ચાલુ' સાહિત્યપ્રકાર ગણાય? ફ્રેન્ચ સાહિત્યકાર પેટ્રિક મોદીએનોની કૃતિઓમાં રહસ્યરંગી નવલકથાઓનું પ્રમાણ સૌથી વધારે છે અને તેઓ આ વર્ષના નોબેલપ્રાઈઝ વિનર છે. તેમને લેખનપ્રવૃત્તિ આનંદદાયક લાગવાને બદલે બોજરૂપ શા માટે લાગે છે તે પ્રશ્નનો ઉત્તર પણ એક રહસ્ય છે!
સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક ઘોષિત થવું તે એક આંતરરાષ્ટ્રીય ઘટના છે. દર વર્ષે નોબેલ પ્રાઈઝ વિજેતા સાહિત્યકારની ઘોષણા છાપાંમાં છપાય એટલે આપણે વિનરનું નામ વાંચી લઈએ, એ કયા દેશનો વતની છે તે જાણી લઈએ ને પછી બીજા સમાચાર વાંચવામાં બિઝી થઈ જઈએ. ગયા વર્ષનાં કેનેડિયન વિજેતા એલિસ મુનરો હોય કે તેની પહેલાંના ચાઇનીઝ સાહિત્યકાર મો યેન હોય, જો તમે સમકાલીન વિશ્વ સાહિત્યના અઠંગ રસિયા નહીં હોવ તો આ સાહિત્યકારોનાં નામ અને કામ મોટા ભાગે તો અપરિચિત લાગવાનાં. જો તમે અભ્યાસુ માણસ હો તો વાત અલગ છે.
થોડાં અઠવાડિયાં પહેલાં ૨૦૧૪ના નોબેલ પ્રાઈઝ વિજેતા સાહિત્યકારનું નામ જાહેર થયું - પેટ્રિક મોદીએનો. આ વખતે આ નામ સાંભળીને સામાન્ય માણસો જ નહીં, વર્તમાન વર્લ્ડ લિટરેચરના ખેરખાંઓ પણ માથું ખંજવાળવા લાગ્યાઃ પેટ્રિક મોદીએનો? એ વળી કોણ? પેટ્રિક મોદીએનો વરિષ્ઠ ફ્રેન્ચ નવલકથાકાર છે. ફ્રાન્સમાં એમનું બહુ મોટું નામ છે. કંઈકેટલાંય પ્રતિષ્ઠિત ફ્રેન્ચ પારિતોષિકો તેઓ ઓલરેડી જીતી ચૂક્યા છે. જોકે ફ્રાન્સની બહાર ૬૯ વર્ષના આ લેખક અજાણ્યા છે એવું ખુદ નોબેલ પ્રાઈઝવિનરોની પસંદગી કરતી કમિટીના સભ્યો સ્વયં સ્વીકારે છે. આનું કારણ એ છે કે અત્યાર સુધીમાં પેેટ્રિક મોદીએનોનાં થોડાંક જ પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે. આમાંથી કેટલાંય આઉટ-ઓફ-પ્રિન્ટ છે.
પેટ્રિક મોદીએનોની પસંદગી થઈ એટલે થોડો વિવાદ પણ થઈ ગયો. શું તેઓ ખરેખર નોબેલને હકદાર છે ખરા? શા માટે નોબેલ કમિટી વારે વારે યુરોપિયન સાહિત્યકારોને જ પસંદ કર્યા કરે છે? ખેર, આપણે વિવાદોમાં ન પડીએ. અગાઉ કહ્યું તેમ, પેટ્રિક મોદીએનો ફ્રાન્સમાં ખૂબ માનભર્યું સ્થાન ધરાવે છે. અતિ અંતર્મુખ સ્વભાવના આ લેખક સાહિત્યિક ઈવેન્ટ્સ કે પાર્ટીઓમાં ક્યારેય ભાગ લેતા નથી. મીડિયાથી દૂર રહે છે. તેમનાં પુસ્તકોની સંખ્યા પચ્ચીસેક જેટલી છે. અનુવાદો અલગ. પેટ્રિક માત્ર નવલકથાકાર નથી. તેમણે બાળસાહિત્ય ઉપરાંત ત્રણ ફિલ્મો લખી છે ને થોડુંક ટેલિવિઝન માટે કામ કર્યું છે. એમની નવલકથાઓ પરથી પણ ફિલ્મો બની છે. ૧૯૯૭માં રિલીઝ થયેલી એક ફ્રેન્ચ ફિલ્મમાં એમણે એક્ટિંગ સુધ્ધાં કરી છે.
પેટ્રિક મોદીએનોની કૃતિઓમાં રહેલું 'આર્ટ ઓફ મેમરી'નું તત્ત્વ નોબેલ કમિટીને સૌથી આકર્ષક લાગ્યું છે. શાની મેમરી? બીજા વિશ્વયુદ્ધ અને એની પશ્ચાત્ અસરો સાથે સંકળાયેલી મેમરી. સેકન્ડ વર્લ્ડવોરે લાખો-કરોડો લોકોનાં નસીબ પલટી નાખ્યાં, એમની જિંદગીએ યા તો મોતની દિશા બદલી નાખી. ૧૯૪૫માં પેરિસમાં પેટ્રિકનો જન્મ થયો ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણતાના આરે હતું. ૧૯૪૦થી ૧૯૪૪ દરમિયાન જર્મન હકૂમત હેઠળ ફ્રેન્ચ લોકોએ જે યંત્રણા સહેવી પડી હતી તે પેટ્રિકની કૃતિઓમાં તીવ્રતાથી ઝિલાઈ છે. આ સમયગાળામાં પેરિસની કેવી સ્થિતિ હતી, એની શેરીઓ- કાફે- મેટ્રો સ્ટેશનો કેવાં હતાં, લોકોનું જીવન કેવું હતું વગેરે વિશેનું જબરદસ્ત ડિટેલિંગ પેટ્રિકની નવલકથાઓમાં હોય છે.
પેટ્રિકનું બાળપણ ખૂબ પીડામાં વીત્યું. એમના પિતા ઈટાલિયન યહૂદી હતા. કોન્સન્ટ્રેશન કેમ્પથી બચવા તેઓ ભાગતાં ફરતાં ને ક્રિમિનલ એક્ટિવિટિઝમાં રમમાણ રહેતા. સ્વકેન્દ્રી પિતામાં પરિવારની જવાબદારી ઉપાડવાની ઔકાત નહોતી. પેટ્રિકને એક નાનો ભાઈ હતો. અભિનેત્રી તરીકે કામ કરતી માતા પતિની ગેરહાજરીમાં દીકરાઓને બમણું વહાલ કરવાને બદલે ઊલટાનું ઓરમાયું વર્તન કરતી. નાનો ભાઈ દસ વર્ષની ઉંમરે લ્યુકેમિયામાં મૃત્યુ પામ્યો. પેટ્રિકની બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા ર્બોિંડગ હાઉસની ઉદાસીમાં વીતી. સત્તર વર્ષની ઉંમરે એમણે પિતા સાથેના સંબંધો સંપૂર્ણપણે કાપી નાખ્યા. તેનાં પંદર વર્ષ પછી પિતાનું મૃત્યુ થયું. પિતાને ક્યાં દફનાવવામાં આવ્યા છે તેની પેટ્રિકને ખબર પણ નહોતી ને પરવા પણ નહોતી.
રેમન્ડ ક્યુનો નામના એક મોટા લેખક પેટ્રિકના મેથ્સ ટીચર હતા. એણે પેટ્રિકનું કેટલુંક લખાણ વાંચ્યું ને એમનું હીર પારખી લીધું. માત્ર બાવીસ વર્ષની ઉંમરે પેટ્રિકે પહેલી નવલકથા લખી - 'ધ સ્ટાર્સ પ્લેસ'. રેમન્ડ ક્યુનોની ભલામણથી એક પ્રકાશકે આ નવલકથા છાપી. તેમાં એક યહૂદી આદમીની દુષ્ટતાની વાત હતી. આ પુસ્તક વાંચીને પેટ્રિકના પિતા એવા ભડકી ઊઠયા કે તેમણે પુસ્તકની શક્ય એટલી નકલો ખરીદીને જલાવી દીધી કે જેથી બીજા કોઈના હાથમાં તે ન જાય!
ઘણાં વિવેચકોનું કહેવું છે કે પેટ્રિક એકની એક નવલકથા વારેવારે લખ્યા કરે છે. આ વાત જોકે કેટલાય સિદ્ધહસ્ત લેખકો માટે સાચી છે. પેટ્રિક માટે સ્વ-ઓળખ એ સૌથી મોટો કોયડો રહ્યો છે. શું હું મારા અતીતના તંતુઓને પકડીને આગળ વધુ તો મારાં અસ્તિત્વનાં મૂળિયાં સુધી પહોંચી શકું? આ પ્રશ્ન તેમના લેખનકાર્યનું મુખ્ય ચાલકબળ રહ્યું છે. પોતાનું પીડાદાયી બાળપણ અને નાઝીઓની હકૂમત હેઠળનંુ ફ્રાન્સ - આ બે બાબતોનું એમની નવલકથાઓમાં સતત પુનરાવર્તન થતું રહે છે. પેટ્રિકે એક મુલાકાતમાં કહ્યું છે, "નવલકથા પૂરી થાય એટલે મને થાય કે મારે જે કહેવું હતું તે કહી દીધું છે, મારું દિમાગ હવે સાફ થઈ ગયું છે, પણ ઊંડે ઊંડે મને ખબર હોય કે આ જ બધું મારી આગલી નવલકથામાં ફરીથી આવવાનું છે, નવી વિગતો સાથે, નવાં રંગરૂપ સાથે. આવું દરેક નવલકથા વખતે બને છે. આખરે તો આપણે જે સ્થળે અને જે સમયે જન્મ્યા છીએ તેનાથી જ આપણી પર્સનાલિટી ડિફાઈન થતી હોય છે."
પેટ્રિકની નવલકથાઓ નાની નાની હોય છે - માંડ ૧૩૦થી ૧૫૦ પાનાંની. એમની લેખનશૈલી જેટલી સરળ છે એટલી જ ધારદાર છે. ટૂંકાં ટૂંકાં વાક્યો. ક્યાંય ભારેખમ વર્ણનોની ભરમાર નહીં. કોણ કહે છે કે ડિટેક્ટિવ નવલકથા 'ચાલુ' સાહિત્યપ્રકાર ગણાય? પેટ્રિક મોદીએનોએ રહસ્યરંગી નવલકથાઓ સૌથી વધારે લખી છે ને તેઓ નોબેલ પ્રાઈઝ વિનર છે. અલબત્ત, તેમની કૃતિઓમાં કેવળ સ્થૂળ રહસ્ય હોતું નથી. એમાં આખરે તો પોતાનાં મૂળિયાં, પોતાના અતીતને શોધવાની વાત હોય છે. પેટ્રિકને મિસ્ટરી એટલી બધી પસંદ છે કે ફ્રેન્ચ ભાષામાં એક આખો શબ્દ ઉમેરાઈ ગયો છે- 'મોદીએનેસ્ક' (modianesqe). કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ ખૂબ અસ્પષ્ટ અથવા ભેદી હોય તો તેના માટે 'મોદીએનેસ્ક' શબ્દ વપરાય છે. તેમણે 'પેડિગ્રી' નામના આત્મકથાનાત્મક પુસ્તકમાં લખ્યું છેઃ "વસ્તુસ્થિતિ જેટલી વધારે ભેદી હશે એટલો મને વધારે રસ પડશે. કોઈ પરિસ્થિતિ ઘીના દીવા જેવી સ્પષ્ટ હોય તો પણ હું એમાં ગમે તેમ કરીને રહસ્યનું આરોપણ કરતો હોઉં છું."
આવડો મોટો લેખક લેખનકાર્યને બોજ ગણાવે ત્યારે આપણે શું માનવું? લેખનપ્રવૃત્તિને લીધે જે માનપાન મળ્યાં છે તે વાતનો એમને આનંદ અને ગર્વ છે, પણ એક મુલાકાતમાં એમણે કહ્યું છે, "લખવું મારા માટે આનંદ નહીં પણ બોજ છે. મેં લખવાનું શરૂ કર્યું હતું ત્યારે પણ આ કામ મને ખૂબ કષ્ટદાયક લાગતું હતું. વર્ષોથી હું લખવાના કામમાંથી સંપૂર્ણપણે નવરો થઈ જવાનું સપનું જોઈ રહ્યો છું. દુર્ભાગ્યે હકીકત એ છે કે હું નવરો નથી પડયો. હું હજુય એક જ જગ્યાએ ઘુમરાયા કરું છું અને મને લાગે છે કે આ ઘુમરાવાનું કામ ક્યારેય પૂરું થવાનું નથી. હું ક્યારેક મારાં જૂનાં લખાણો જોઉં છું ત્યારે મને બધું અત્યંત ખીચોખીચ લાગે છે. વિચારોની ગીચતા, લાગણીઓની ગીચતા. જાણે કે એ સમયે હું ગૂંગળાઈ રહ્યો હતો. મારા માટે લખવાનું કામ ધુમ્મસમાં કાર ચલાવવા જેવું છે. ધુમ્મસને લીધે કશું જ દેખાતું ન હોય છતાંય આગળ વધતા રહેવું પડે છે."
તો પેટ્રિક મોદીએનોમાં રસ પડયો તમને? એમનું સાહિત્ય વાંચવું હોય તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? જાણકારોનાં સૂચન મુજબ, અંગ્રેજીમાં અનુદિત થયેલી આ ત્રણ નવલકથાઓથી - 'મિસિંગ પર્સન', 'આઉટ ઓફ ધ ડાર્ક' અને 'ડોરા બ્રુડર'. આપણે બંદા તો વહેલામાં વહેલી તકે આ ત્રણેય નવલકથાઓ ઓનલાઈન ઓર્ડર કરી દેવાના છીએ. તમે?
0 0 0
|
Excellent Piece ;)
ReplyDeleteવાંચનના લાંબા બ્રેક પછી સૌથી પહેલો આ લેખ વાંચ્યો... દિવસ સુધરી ગયો, મજા પડી ગઈ. અદભુત લેખ!
ReplyDelete