Sandesh -Ardh Saptahik Purti - 20 Aug 2014
ટેક ઓફ
સામેનો માણસ તો જ તમારો પ્રિન્સ ર્ચાિંમગ હોઈ શકે જો એ તમને અહેસાસ કરાવી શકતો હોય કે એની ડ્રીમગર્લ તમે જ છો! આનાથી વિરુદ્ધ છેડાની વાત પણ એટલી જ સાચી. સામેની સ્ત્રી તો જ તમારી ડ્રીમગર્લ હોઈ શકે જો એ તમને અહેસાસ કરાવી શકતી હોય કે એના પ્રિન્સ ર્ચાિંમગ તો તમે જ છો!
કોણે કહ્યું ફેસબુક પર ફક્ત નકામી અને અર્થ વગરની બાબતો જ સરક્યુલેટ થયા કરતી હોય છે? હમણાં એક બહુ જ મસ્તમજાની વાત વાંચવા મળી. અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટના કોઈ વાચકે એની સાથે વચ્ચે પ્રેમ વિશેનું એક સરસ લખાણ શેર કર્યું. ગેલ્વે કિનેલ નામના એક વયસ્ક અમેરિકન કવિનું આ લખાણ છે. એલિઝાબેથને એ એટલું બધું પસંદ પડી ગયું કે તે પોતાના ફેસબુક પેજ પર એણે મૂળ લખાણની લિન્ક શેર કરી. એ લિન્ક પર ક્લિક કરતાં જાણે મહામૂલા ખજાનાનો પટારો ખૂલી ગયો. આજે તમારી સાથે તે ખજાનો શેર કરવો છે. વાત પ્રેમની છે, સંબંધોની છે. આ એક એવો વિષય છે જે સૌ કોઈને સ્પર્શે છે.
શરૂઆત ગેલ્વે કિનેલથી કરીએ. તેઓ કહે છે કે આપણે સૌને જિંદગીમાં રાઇટ પર્સન યા તો આદર્શ વ્યક્તિની ઝંખના હોય છે. આદર્શ એટલે એવી વ્યક્તિ જે આપણને પૂરી સચ્ચાઈથી ભરપૂર પ્રેમ કરતી હોય, જે આપણને જેવા હોઈએ એવા સ્વીકારી શકતી હોય, જેની હાજરીમાં આપણે પૂરેપૂરા ખૂલી અને ખીલી શકતા હોઈએ, જેના હોવા માત્રથી આપણું જીવન વધારે સમૃદ્ધ, વધારે સાર્થક બનતું હોય. પ્રત્યેક ગાઢ સંબંધમાં આપણે આવી વ્યક્તિને શોધતા રહીએ છીએ. જો સંબંધોનો પૂરતો અનુભવ હોય તો ધીમે ધીમે શંકા થવા થવા લાગે છે કે આદર્શ વ્યક્તિ જેવું કશું હોય છે ખરું? જે કોઈ મળે છે તે સૌ અધૂરા યા રોંગ પર્સન હોય છે, માત્ર એમનાં રંગરૂપ જુદાં હોય છે.
કેમ આવું બને છે? આવું એટલા માટે થાય છે કે આપણે ખુદ કોઈક ને કોઈક બાબતમાં અધૂરા છીએ અને એવો સાથી ઝંખતા હોઈએ છીએ કે જે ખુદ અધૂરો હોવા છતાં આપણને પૂરક બની શકે તેમ હોય. આપણે ખુદ કઈ કઈ બાબતોમાં ક્યાં ઓછા ઊતરીએ છીએ તે સમજવામાં વર્ષો નીકળી જતાં હોય છે. જ્યાં સુધી આપણે આપણી ભીતર ધરબાયેલી નકારાત્મક વૃત્તિઓનો સામનો કરતા નથી, કેટલીય વણઉકેલાયેલી સમસ્યાઓ કે ગ્રંથિઓની આંખોમાં આંખ પરોવીને જોતા નથી (આ એ જ વૃત્તિઓ, ગ્રંથિઓ અને સમસ્યાઓ છે જેણે આપણું અસલી વ્યક્તિત્વ ઘડયું હોય છે) ત્યાં સુધી સમજવાનું કે આદર્શ વ્યક્તિની શોધ માટે આપણે હજુ સજ્જ થયા નથી. ખુદની અસલિયતને જાણી-પારખી લઈએ ત્યારે જ આપણને સમજાય છે કે સામેની વ્યક્તિ પાસેથી આપણે એક્ઝેક્ટલી શું ઝંખીએ છીએ. અલબત્ત, આખરે તો આપણને અધૂરી વ્યક્તિ જ મળવાની છે, પણ કોઈ પણ અધૂરી વ્યક્તિ નહીં,બલ્કે 'આદર્શ' અધૂરી વ્યક્તિ. એવી વ્યક્તિ જેના માટે તમે પોતાની જાતને કહી શકો કે, "આ માણસ સાથે સંબંધ બાંધવાથી સમસ્યાઓ તો ઊભી થવાની જ, બટ યસ, મારે એક્ઝેક્ટલી આ જ સમસ્યાઓ જોઈએ છે... ધિસ ઇઝ ધ પ્રોબ્લેમ આઈ વોન્ટ ટુ હેવ!"
સ્પેશિયલ પર્સન હૂ ઇઝ રોંગ ફોર મી ઇન જસ્ટ ધ રાઇટ વે... જો નસીબ સારું હશે તો આખરે એ પ્રિયજન જરૂર મળશે જેનું અધૂરાપણું આપણા માટે એકદમ પરફેક્ટ હોય. બસ, એની અધૂરપો અને મારી અધૂરપો એકમેકના પ્રેમમાં પડવી જોઈએ!
કેટલી સુંદર વાત! પ્રેમ અને સંબંધો વિશે પછી તો ખૂબ બધા રિજોઇન્ડર્સ મુકાયા. અહીં નામોલ્લેખ કર્યા વગર માત્ર વિચાર પર ફોકસ કરીએ. કોઈએ કહ્યું કે, કોઈને તીવ્રતાથી પ્રેમ કરવો એટલે તે વ્યક્તિ સામે પોતાની જાતને ખોલી નાખવી. ખુદની નબળાઈઓ, અધૂરપો, ભય અને આશાઓને બધું જ એને પ્રામાણિકપણે દેખાડી દેવું. આપણે એક ઇમેજ બનાવીને જીવતા હોઈએ છીએ. આ ઇમેજની પાછળ આપણું અસલી વ્યક્તિત્વ છુપાઈ જતું હોય છે. કોઈને પ્રેમ કરવો એટલે ઇમેજને એક બાજુ ફગાવી દઈને વાસ્તવિક વ્યક્તિત્વ છતું કરવું. આના જેટલું ખતરનાક અને સંતોષ આપનારું બીજું કશું હોતું નથી. આ અતિ જોખમી બાબત છે... પણ જોખમ ઉઠાવવા જેવું છે!
બીજા લોકો, આ લોકો જોખમ ન પણ સમજે. કોઈએ સરસ કહ્યું કે રિલેશનશિપ્સ ડોન્ટ ઓલવેઝ મેક સેન્સ. દરેક સંબંધ કંઈ બહારથી તરત સમજાઈ જાય તેવો કે અર્થપૂર્ણ કે ઉપયોગી ન પણ દેખાતો હોય. બીજાને તીવ્રતાથી ચાહવાનું જોખમ ક્યારે ઉઠાવવું જોઈએ? જ્યારે તમે ખુદને ભરપૂરપણે ચાહતા હો તો! જો તમે પોતાની જાતને ચાહી શકતા ન હોય તો તમે બીજા કોઈને સો ટચના સોના જેવો પ્રેમ કરી શકવાના નથી. તમે ધારો કે પ્રેમસંબંધમાં બંધાશો તોપણ તે પ્રેમ તંદુરસ્ત નહીં હોય. ખુદની સાચી કિંમત નહીં કરો તો અયોગ્ય વ્યક્તિ સાથે સંંબંધ બંધાઈ જવાનો. પહેલાં ખુદને સમજો અને પછી બીજી વ્યક્તિને તમને સમજવાની તક આપો, નહીં તો પછી એના જેવો ઘાટ થશે કે તમે કોઈને એવી નવલકથા વાંચવા આપી દીધી જેનાં બધાં પાનાં કોરાં હોય!
કોઈએ કહ્યું કે, ખુદને પ્રેમ ન કરી શકતા હોઈએ ત્યારે એ ખોટ પૂરી શકે તેવી વ્યક્તિને શોધવા કરતાં ખુદના પ્રેમમાં પડીને પછી તે પ્રેમ મનગમતી વ્યક્તિ સાથે શેર કરવાનું વધારે સારું. આપણે કોઈને પ્રેમ કરીએ એટલે એણે પણ સામો પ્રેમ કરવો જ પડે એવો કોઈ નિયમ નથી. પ્રેમની આ સૌથી મોટી કમબખ્તી છે. મને પ્રેમ કરનારું કોઈ છે, મારામાં પાર વગરની ખામીઓ છે તે જાણતા હોવા છતાં મને પ્રેમ કરનારું કોઈ છે - આ અહેસાસ જીવનનું સૌથી મોટું સુખ છે.
સપનોં કા રાજકુમાર અથવા સપનોં કી રાની મળી જાય એટલે સુખ જ સુખ, રાઇટ? ડ્રીમગર્લ કે ડ્રીમલવર જેવું કશું હોય છે ખરું?કોઈએ કહેલી એક ચોટદાર વાત સાથે લેખ પૂરો કરીએઃ સામેનો માણસ તો જ તમારો પ્રિન્સ ર્ચાિંમગ હોઈ શકે જો એ તમને અહેસાસ કરાવી શકતો હોય કે એની ડ્રીમગર્લ તમે જ છો! આનાથી વિરુદ્ધ છેડાની વાત પણ એટલી જ સાચી. સામેની સ્ત્રી તો જ તમારી ડ્રીમગર્લ હોઈ શકે જો એ તમને અહેસાસ કરાવી શકતી હોય કે એના પ્રિન્સ ર્ચાિંમગ તો તમે જ છો!
0 0 0
વિચાર રેશનલ અને આદર્શ છે ... પરંતુ ઈવોલ્યુશનનાં નિયમ મુજબ શરૂઆત પ્રેમમાં પડવાની બાહ્ય આકાર થી-જ થવાની ... અને જો કોઈ વિજાતીય-મિત્રતા લાંબો સમય ટકે અને પછી જો સમજાય કે આ વ્યક્તિ સાથે વેવ-લેન્થ 70%+ મળે છે ... અને તેની સાથે જીવન-ભર ખુલ્લા દિલથી જીવન માણી શકાય ... તો આવો આદર્શ અને રેશનલ પ્રેમ શક્ય છે ... જ્યાં શરીરનો આકાર અને ઉંમર ગૌણ રહી જાય છે અને પ્રેમ એક ઉચ્ચ અવસ્થા પામે છે ...
ReplyDeleteકોઈને તીવ્રતાથી પ્રેમ કરવો એટલે તે વ્યક્તિ સામે પોતાની જાતને ખોલી નાખવી. ખુદની નબળાઈઓ, અધૂરપો, ભય અને આશાઓને બધું જ એને પ્રામાણિકપણે દેખાડી દેવું..... (y) બિલકુલ સાચી વાત...
ReplyDeleteમને પ્રેમ કરનારું કોઈ છે, મારામાં પાર વગરની ખામીઓ છે તે જાણતા હોવા છતાં મને પ્રેમ કરનારું કોઈ છે - આ અહેસાસ જીવનનું સૌથી મોટું સુખ છે... સુપર્બ!