Saturday, August 30, 2014

મલ્ટિપ્લેક્સ :સપનાં નવાં...

Sandesh - Sanskaar Purty - 31 Aug 2014

મલ્ટિપ્લેક્સ
"પહેલી ફિલ્મ બનાવતી વખતે એક ઝનૂન હોય છે, પોતાની જાત સામે અને દુનિયા સામે ખુદને પુરવાર કરી દેખાડવાનું પાગલપણું હોય છે," અભિષેક જૈન કહે છે, "કોઈ પણ ફિલ્મમેકરની બીજી ફિલ્મ હંમેશાં વધારે ચેલેન્જિંગ હોવાની. 'કેવી રીતે જઈશ' પછી 'બે યાર' બે વર્ષે આવી, પણ જે રીતે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ લોકોએ તેને પોતાની બનાવી લીધી. આઇ વોઝ સો રિલેક્સ્ડ!"

Abhishek Jain

મુંબઈસ્થિત એક હોટલની ખુલ્લી સી-સાઇડ લાઉન્જમાં મધ્યરાત્રિની ચહલપહલ છે. ઘટ્ટ અંધકાર તળે દબાઈ ગયેલા દરિયા પરથી ફૂંકાઈ રહેલા આહ્લાદક પવનમાં અભિષેક જૈનના વાળ ફરફરી રહ્યા છે.

"પહેલી ફિલ્મ બનાવતી વખતે એક ઝનૂન હોય છે, પોતાની જાત સામે અને દુનિયા સામે ખુદને પુરવાર કરી દેખાડવાનું પાગલપણું હોય છે," અભિષેક શરૂઆત કરે છે, "કોઈ પણ ફિલ્મમેકરની બીજી ફિલ્મ હંમેશાં વધારે ચેલેન્જિંગ હોવાની. 'કેવી રીતે જઈશ' પછી 'બે યાર' બે વર્ષે આવી, પણ જે રીતે તેના ટ્રેલરને ગજબનાક રિસ્પોન્સ મળ્યો અને ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ લોકોએ તેને પોતાની બનાવી લીધી. આઇ વોઝ સો રિલેક્સ્ડ!"

વાત તો સાચી છે. આ શુક્રવારે બે યાર' રિલીઝ થઈ, પણ અભિષેકના ચહેરા પર કે બોડી લેંગ્વેજમાં ક્યાંય નવર્સનેસ કે તનાવ નથી. એણે લખેલી અને ડિરેક્ટ કરેલી પહેલી ફિલ્મ 'કેવી રીતે જઈશ' જોઈને આપણને આનંદ અને આશ્ચર્યનો શોક લાગ્યો હતો. ગુજરાતીપણામાં ઝબોળાયેલી આ મોડર્ન અને યૂથફુલ ફિલ્મને લીધે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તવારીખમાં એક નવાં ઝળહળતાં પ્રકરણની શરૂઆત થઈ રહી હોય તેવી અસર ઊભી થઈ હતી. હવે 'બે યાર' રિલીઝ થઈ છે ત્યારેય જાણે એક મહત્ત્વની સિનેમેટિક ઈવેન્ટ આકાર લઈ રહી હોય તેવો માહોલ સર્જાયો છે. કેવી રીતે બની આ ફિલ્મ? અભિષેક 'બે યાર'ની સર્જનકથાનાં પાનાં ખોલે છે.
"જૂન ૨૦૧૨માં 'કેવી રીતે જઈશ' રિલીઝ થઈ પછી હું ભાવેશ માંડલિયા (જેમણે 'કાનજી વિરુદ્ધ કાનજી' જેવું યાદગાર નાટક અને પરેશ રાવલ-અક્ષયકુમારવાળી 'ઓહ માય ગોડ' જેવી સુપરહિટ ફિલ્મ લખી છે)ના સંપર્કમાં આવ્યો. અમારી વચ્ચે થોડું થોડું કમ્યુનિકેશન થયા કરતું હતું. ઓગસ્ટ-૨૦૧૨માં અમે પહેલી વાર મળ્યા. મને લાગે છે કે એના થોડા જ દિવસો બાદ 'ઓહ માય ગોડ' રિલીઝ થઈ હતી. અમે બે અને નીરેન ભટ્ટે (ઉમેશ શુક્લની આગામી ફિલ્મ 'ઓલ ઇઝ વેલ'ના લેખક) સાથે મળીને ઘણું બ્રેન ર્સ્ટોિંમગ કર્યું. બે-ચાર વાર્તાઓ ડિસ્કસ કરી. એક તબક્કે અમે અશ્વિની ભટ્ટની એકાદ લઘુનવલ પરથી ફિલ્મ બનાવવાની શક્યતા વિશે પણ ચકાસી રહ્યા હતા. અમે ત્રણેય 'કસબ', 'કમઠાણ' અને 'કસક' વાંચી રહ્યા હતા એ જ અરસામાં અશ્વિની ભટ્ટનું અવસાન થયું."
આ દુઃખદ ઘટનાને કારણે અભિષેકનું મન ઊઠી ગયું. અશ્વિની ભટ્ટની કથાનો આધાર લેવાને બદલે ઓરિજિનલ વાર્તા પરથી જ ફિલ્મ બનાવવાનું નક્કી થયું. સૌથી પહેલાં મુંબઈવાસી લેખકજોડીએ સત્તર-અઢાર પાનાંની 'બે યાર'ની વાર્તા અંગ્રેજીમાં લખીને અભિષેકને ઈ-મેઇલ પર મોકલી આપી. વાર્તાને વધારે રિજન-સેન્ટ્રિક બનાવવા, તેમાં સ્થાનિક ગુજરાતીપણું ઉમેરવા અમદાવાદી અભિષેકે કેટલાંક સરસ સૂચનો કર્યાં. નવા ડ્રાફ્ટ્સ બન્યા ને ધીમે ધીમે 'બે યાર'ની સ્ક્રિપ્ટને ઘાટ મળતો ગયો. ફિલ્મમાં યારી-દોસ્તીની, સંબંધોની, યુુવાન આંખે જોવાતાં સપનાંની, તે સાકાર કરવા માટે થઈ જતી ભૂલોની અને ભૂલનાં પરિણામોમાંથી બહારઆવવાની મથામણની વાત છે. 
"બીજી ફિલ્મમાં હું 'કેવી રીતે જઈશ'ના હીરો દિવ્યાંગ ઠક્કરને રિપીટ કરીશ એવો કોઈ વિચાર નહોતો. સ્ક્રિપ્ટ લખાયા પછી મને 'બે યાર'માંના એક યાર માટે દિવ્યાંગ પરફેક્ટ લાગ્યો. જોકે, મેં તેને કહી રાખ્યું હતું કે તારા કાસ્ટિંગનો બધો આધાર બીજા હીરો પર છે. તમારા બન્નેની જોડી જામવી જોઈએ. જો એવું નહીં થાય તો મારે બન્નેને પડતા મૂકીને નવી પેર શોધવી પડશે," આટલું કહીને અભિષેક ઉમેરે છે, "હીરોની શોધ માટે મેં ફેસબુકની મદદ પણ લીધી હતી. એક્ટરોની પ્રોફાઈલ વાંચું, તસવીરો જોઉં. એમના ફ્રેન્ડ્સ લિસ્ટમાં બીજા એક્ટરો હોવાના જ. એમની તસવીરો અને ડિટેલ્સ પણ જોઈ જાઉં!"
મુંબઈના થિયેટર એક્ટર પ્રતીક ગાંધીના નામનું સૂચન થયું તે પછી અભિષેકે ફેસબુક દ્વારા જ એનો સંપર્ક કર્યો હતો. "પહેલી વાર મુંબઈની કોઈ કોફી શોપમાં પ્રતીકને મળ્યો ત્યારે મેં એનું એક પણ નાટક કે પરફોર્મન્સ જોયું નહોતું, છતાંય ઈન્સ્ટિંક્ટવલી મને એ પસંદ પડી ગયો," અભિષેક કહે છે, "પછી દિવ્યાંગ સાથે એની સહિયારી મિટિંગ કરી કે જેથી બન્ને એકસાથે કેવા દેખાય છે તે જાણી શકાય. વડીલો ઉંમરલાયક છોકરા-છોકરીની મિટિંગ ગોઠવે ત્યારે બેયની પર્સનાલિટી મેચ થાય છે કે નહીં તે ચૂપચાપ ચકાસતા હોય એવો કંઈક ઘાટ હતો! પ્રતીક કે દિવ્યાંગ બન્ને એકબીજા માટે અજાણ્યા હતા અને બેમાંથી કોઈને જાણ નહોતી કે આ કમ્બાઈન્ડ મિટિંગ મેં શું કામ બોલાવી છે. વળી, મેં જાણીજોઈને એમને એવા ફૂડ જોઇન્ટ પર બોલાવ્યા હતા કે જ્યાં ઊભા ઊભા ખાવું પડે. મેં બહાનું કાઢીને જરા દૂર જઈને અલગ અલગ એન્ગલથી બન્નેની હાઇટ સરખાવી જોઈ. તેઓ એકસાથે સરસ દેખાતા હતા એટલે મનોમન નક્કી કરી નાખ્યું, ઈસી જોડી કો ચિપકા દેતે હૈ પિક્ચર મેં!"
(From L to R) Abhshek Jain, Pratik Gandhi and Divyang Thakkar

હિરોઈન સંવેદનાએ અભિષેકની માફક વ્હિસલિંગ વૂડ્સ ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં અભિનયનો કોર્સ કર્યો છે. આ જામનગરી કન્યા વાસ્તવમાં એમબીબીએસ ડોક્ટર છે! ફિલ્મમાં પ્રતીકના ભાગે હિરોઈન આવી છે તો દિવ્યાંગના ભાગે પપ્પા. આ રોલ દર્શન જરીવાલાએ કર્યો છે.
"દર્શનભાઈને હું સુરતમાં મળ્યો હતો," અભિષેક કહે છે, "મેં એમને લાંબું નેરેશન આપેલું. ત્રણ દિવસ પછી એમણે મને ફોન કર્યો,જે લગભગ બે કલાક ચાલ્યો હશે. પિતાના રોલમાં એમને એક-બે બાબતો ખૂંચતી હતી. એમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું કે આખી સ્ક્રિપ્ટના સંદર્ભમાં આ રોલ ખરેખર કેવી રીતે ઊપસવો જોઈએ. લેખકો સાથે ચર્ચા કરીને અમે જરૂરી ફેરફાર કર્યા. દર્શનભાઈની સૌથી મજાની વાત એ છે કે તેમને માત્ર પોતાના ડાયલોગ જ નહીં, બલકે આખેઆખી સ્ક્રિપ્ટના સંવાદો ભાવ સહિત યાદ હોય. એમના જેવા અદાકાર સાથે કામ કરવું ખરેખર લહાવો છે."
દર્શન જરીવાલાની માફક મનોજ જોષી પણ બોલિવૂડ સાથે સંકળાયેલું એક સરસ નામ. મુંબઈના ભાઈદાસ ઓડિટોરિયમમાં મિટિંગ દરમિયાન ટૂંકું નેરેશન સાંભળીને જ એમણે તરત હા પાડી દીધી હતી. થિયેટર અને બોલિવૂડ સાથે સંકળાયેલા અમિત મિસ્ત્રી પણ કારવાંમાં જોડાયા. ખૂબ બધી એડ્સ અને 'કિક' જેવી કેટલીય હિન્દી ફિલ્મોમાં આપણે જેને જોયા છે એ ગોળમટોળ કવિન દવેની ભલામણ દિવ્યાંગે કરી હતી. એની સાથે અભિષેકની પહેલી મુલાકાત સીધી અમદાવાદમાં સેટ પર જ થયેલી.
'બે યાર'ની સ્ટારકાસ્ટ જો મસ્તમજાની છે તો સંગીત પણ ઝુમાવી દે તેવું છે. 'એબીસીડી', 'શુદ્ધ દેસી રોમાન્સ', 'શોર ઈન ધ સિટી'જેવી કેટલીય ફિલ્મોમાં હિટ મ્યુઝિક આપીને બોલિવૂડના 'એ' લિસ્ટમાં સ્થાન મેળવી લેનારા સચીન-જીગરની જોડીએ 'બે યાર' માટે દિલથી સંગીત તૈયાર કર્યું છે. "આ બન્ને પાગલ છોકરાઓ છે!" અભિષેક હસે છે, "કામ પૂરજોશમાં ચાલતું હોય ત્યારે ચાર-ચાર દિવસ સુધી સ્ટુડિયોમાંથી બહાર નહીં નીકળે. એમના સ્ટુડિયોમાં તમને ભીનાં ટોવેલ અને ટૂથબ્રશ પણ મળી આવે! નખશિખ ગુજરાતી છે બન્ને. એટલી હદે કે હિન્દી ગીતોની ટયુન તૈયાર કરતી વખતે પણ તેઓ ડમી તરીકે ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરે છે!"
with Puskar Singh, the cinematographer

નીરેન Bhattએ લખેલું 'સપનાં નવાં' ગીત ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ લોકજીભે ચડી ગયું છે, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા એન્ડ યુટયુબ. 'બે યાર'ના એડિટર સત્ચિત્ત પુરાણિક છે, જેમના બાયોડેટામાં 'શિપ ઓફ થિસિઅસ' જેવી વિશ્વસ્તરે વખણાયેલી ફિલ્મ બોલે છે. ફિલ્મમેકિંગની જુદી જુદી વિદ્યાઓના આટલા બધા સિતારા કોઈ ગુજરાતી ફિલ્મમાં એકસાથે કદાચ ક્યારેય ચમક્યા નથી. એમ તો કોઈ ગુજરાતી ફિલ્મ માટે પેરિસમાં બે દિવસનું શૂટિંગ કરવામાં આવ્યું હોય કે જુદાં જુદાં શહેરોમાં પ્રમોશનલ એક્ટિવિટીઝ કરવામાં આવી હોય કે 'સિંઘમ રિટર્ન્સ' જેવી હાઇપ્રોફાઈલ હિન્દી ફિલ્મની પહેલાં થિયેટરોમાં દેખાડાતાં ટ્રેલરોમાં દીપિકાની 'ફાઈન્ડિંગ ફેની' અને શાહરુખની 'હેપી ન્યૂ યર' સાથે કોઈ ગુજરાતી ફિલ્મની ઝલક જોવા મળતી હોય એવુંય ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં ક્યાં ક્યારેય બન્યું છે!
"આ વખતે મેં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કર્યું છે. 'કેવી રીતે જઈશ'માં એક-એક સિકવન્સનાં સ્ટોરીબોર્ડ બનતાં, જ્યારે 'બે યાર'માં તો મેં શોટ ડિવિઝન પણ કર્યાં નહોતાં. સેટ પર પણ આ વખતે હું ખાસ્સો રિલેક્સ્ડ હતો," આટલું કહીને અભિષેક સ્મિત કરે છે, "કદાચ લગ્ન થઈ ગયાં છે એટલે હું જરા શાંત થઈ ગયો છું!"
૨૮ વર્ષના અભિષેક પાસે વૈચારિક સ્પષ્ટતાઓ છે અને ઠાંસી ઠાંસીને ભરેલો નક્કર આત્મવિશ્વાસ છે. ટ્રેલરના લુક અને ફિલ પરથી અમુક લોકોને 'બે યાર' જાણે 'કેવી રીતે જઈશ'ની સિક્વલ હોય અથવા એના જ કુળની 'સેફ' ફિલ્મ હોય એવું લાગ્યું હતું, પણ અભિષેક પાસે એનોય જવાબ છે, "હું, મારો સિનેમેટોગ્રાફર પુષ્કર સિંહ અને સાઉન્ડ ડિઝાઈનર અજિત રાઠોડ બન્ને ફિલ્મોમાં કોમન છીએ એટલે કદાચ પહેલી નજરે એવું લાગતું હોઈ શકે, પણ તમે ફિલ્મ જોશો એટલે તરત સમજાશે કે 'બે યાર' મારી આગલી ફિલ્મ કરતાં સાવ જુદી છે."
બિલકુલ!

0 0 0 

Wednesday, August 27, 2014

ધ્રુવ ભટ્ટ શી રીતે નવલકથાઓ લખે છે?

Sandesh - Ardh Saprtahik Purti - 27 Aug 2014

ટેક ઓફ 

 ધ્રુવ ભટ્ટની કથાઓને અધ્ધરજીવે વાંચી જવાની હોતી નથી, પણ એની સાથે ધીમે ધીમે વહેવાનું હોય છે. વચ્ચે વચ્ચે અટકીને, ખુદમાં ડૂબકી લગાવતા રહીને, સંપૂર્ણ ગાંભીર્ય સાથે આગળ વધવાનું હોય છે. ધ્રુવ ભટ્ટની કૃતિઓ વાંચતી વખતે ભીતર કશુંક ઊઘડી રહ્યું હોય તેવી અનુભૂતિ થાય, એ ક્ષણમાં ક્યાંય સુધી રમમાણ રહેવાનું મન થાય. ધ્રુવ ભટ્ટની કથાઓ ટાઇમલેસ છે - એને સતત પ્રસ્તુત રહેવાનો આશીર્વાદ મળ્યો છે.



સ્ત. સરળ. સાચુકલાં. પ્રેમાળ. જીવનને ઠીક ઠીક સમજી ચૂકેલાં અથવા સમજવા મથી રહેલાં. સૌમ્ય છતાં મક્કમ. શાંત. આત્મવિશ્વાસ ધરાવતાં. સમગ્ર સજીવસૃષ્ટિ અને પ્રકૃતિ પ્રત્યે અપાર સમસંવેદન અને મજબૂત સંધાન ધરાવતાં. અલગારી. 
ધ્રુવ ભટ્ટની નવલકથાઓનાં પાત્રોની આ કોમન લાક્ષણિકતાઓ છે. એમનું ખુદનું વ્યક્તિત્વ ઘણે અંશે આવું જ છે. વર્તમાન ગુજરાતી નવલકથાજગતનું કોઈ એક નામ રાષ્ટ્રીય સ્તરે છાતી કાઢીને ઊભું હોય તો એ ધ્રુવ ભટ્ટનું છે. છાપાં-સાપ્તાહિકોમાં તેમની ધારાવાહિક નવલકથાઓ કે કોલમોનું બોર્મ્બાિંડગ થતું નથી. તેઓ કદાચ ગુજરાતનાં ઘરેઘરમાં જાણીતા નથી કે જેને આપણે ટિપિકલ અર્થમાં'માસ અપીલ' કહીએ છીએ એ તેઓ ધરાવતા નથી, પણ આ આખો અલગ વિષય થયો. ધ્રુવ ભટ્ટની કથાઓને અધ્ધરજીવે વાંચી જવાની હોતી નથી, પણ એની સાથે ધીમે ધીમે વહેવાનું હોય છે. વચ્ચે વચ્ચે અટકીને, ખુદમાં ડૂબકી લગાવતા રહીને, સંપૂર્ણ ગાંભીર્ય સાથે આગળ વધવાનું હોય છે. ધ્રુવ ભટ્ટની કૃતિઓ વાંચતી વખતે ભીતર કશુંક ઊઘડી રહ્યું હોય તેવી અનુભૂતિ થાય, એ ક્ષણમાં ક્યાંય સુધી રમમાણ રહેવાનું મન થાય. ધ્રુવ ભટ્ટની કથાઓ ટાઇમલેસ છે - એને સતત પ્રસ્તુત રહેવાનો આશીર્વાદ મળ્યો છે.
Dhruv Bhatt
હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું બન્યું- 'યાત્રા ભીતરનીઃ ધ્રુવ ભટ્ટની કથાઓનું રસદર્શન'. મુકેશ મોદીએ લખેલંુ આ પુસ્તક ધ્રુુવ ભટ્ટના ચાહકો માટે મસ્ટ-રીડ છે. એમાંય પુસ્તકના ઉત્તરાર્ધમાં અપાયેલો ૨૮ પાનાંનો અફલાતૂન ઇન્ટરવ્યૂ જોઈને ચાહકોને એવું લાગવાનું છે કે જાણે મીઠાઈના શોખીનને કોઈએ કંદોઈની દુકાનમાં પૂરી દીધા હોય.
'અગ્નિકન્યા', 'સમુદ્રાંતિકે', 'તત્ત્વમસિ', 'અતરાપિ', 'કર્ણલોક', 'અકૂપાર' અને 'લવલી પાન હાઉસ' જેવી નવલકથાઓના આ લેખક સંપૂર્ણ સહજતાથી કહે છે, "વાર્તા કેવી રીતે બને, એના ફોર્મ શું હોય, એના મીટર શું હોય એની બધી મને કાંઈ ખબર નથી. મારો કોઈ એવો અભ્યાસ નથી. નવલકથા વિશે પણ હું કંઈ નથી જાણતો. હું લખું છું એ નવલકથા સ્વરૂપ થાય છે કે શું થાય છે એ મને કાંઈ ખબર પડતી નથી. એટલે પછી જે લખું છું તેની મજા આવે છે."
લેખકો-કવિઓને સૌથી વધારે પુછાતો કોઈ સવાલ હોય તો એ છે, તમને આ બધું લખવાનું કઈ રીતે સૂઝે છેે? ઘણા સાહિત્યકારો આના ભારેખમ જવાબ આપતા હોય છે, પણ ધ્રુવ ભટ્ટ સાવ સહજભાવે કહે છે, "એવું મારા નોંધવામાં નથી આવ્યું કે મને શું કામ લખવાનું મન થાય છે. એવું છે કે નાનકડા બાળકને કેમ ચંદ્ર જોઈ બીજાને બતાવવાનું મન થાય છે કે જો, કેવો સરસ છે! મોટા થયા પછી પણ શુક્ર-ચંદ્રની યુતિ હોય તો બીજાને ફોન કરીને કહીએ, "જો બહાર નીકળીને જો..." એટલે મેં જે કંઈ જોયું તે તરત જ બીજાને બતાવવું એવો આશય લખવા પાછળ હશે."
ધ્રુવ ભટ્ટ નવલકથાનું પ્રકરણ લખવા બેસે ત્યારે ફક્ત પહેલો અને છેલ્લો પેરેગ્રાફ નક્કી હોય. કમ્પ્યૂટર
ઓન કરીને ટાઇપ કરવાનું શરૂ કરે એટલે ફ્લો શરૂ થાય અને શબ્દો-વાક્યો આપોઆપ આવતાં જાય. એવુંય બને કે આગલી રાતે કશુંક વિચારી રાખ્યું હોય,પણ લખવા બેસે ત્યારે કશુંક જુદું જ લખાય. એમની મોટાભાગની નવલકથાઓ નવરાત્રિના ગરબા ગવાતા હોય ત્યારે લખાઈ છે. અવાજ થતો હોય, સામે ટીવી ચાલતું હોય અને એમનું લખવાનું ચાલતું હોય. લખાયેલાં પ્રકરણો મિત્રો સાથે શેર કરવાં એમને બહુ ગમે. મિત્રોનાં સૂચનોને આધારે જરૂર લાગે તો પ્રકરણમાં ફેરફાર પણ થાય ને આખરી ઘાટ મળે.
ધ્રુવ ભટ્ટની કથાઓ અલગ અલગ લોકાલ પર આકાર લે છે, પણ તે વાંચતી વખતે એવું ન લાગે કે લેખક આ સ્થળો પર કેવળ 'રિસર્ચ' કરવા ગયા હશે. તેઓ જે-તે સ્થળ પર ખૂબ ઘૂમે (રખડપટ્ટી તેમનો મુખ્ય શોખ), ત્યાંના લોકોની સાથે એમના જેવા થઈને રહે. સ્થાનિક લોકોની બોલી, આંતરસૂઝ અને સંસ્કૃતિ સમજતા રહે, ભીતર ઉતારતા રહે. નવલકથા તો જાણે આ આખા અનુભવની સાઇડ પ્રોડક્ટ તરીકે યા તો બીજાઓ સાથે શેર કરવાની લાગણીની અભિવ્યક્તિ રૂપે આવે. 'અકૂપાર' લખવા માટે ત્યાં રીતસર પરિવાર સાથે ગીરમાં સ્થાયી થઈ ગયા. ગીર આ કથાનું લોકાલ પણ છે અને મુખ્ય પાત્ર પણ છે. નાયક ચિત્રકાર છે, જેને ગીરના 'પાણાથી માણા' સૌને જાણવા છે.
'અકૂપાર'ના અંત સુધી પહોંચતા આપણને સમજાય કે આ કંઈ કેવળ ગીર-સેન્ટ્રિક કૃતિ નથી. ગીર તો ફક્ત એક પ્રવેશદ્વાર છે. મૂળ વાત છે, પ્રકૃતિ સાથેના અનુસંધાનની. કથાનો નાયક એક જગ્યાએ કહે છે, "હું જે સૂત્રની શોધમાં છું તેનો એક તાંતણો મારા મનમાં કંડારાઈ રહ્યો છે. હું સ્તબ્ધ છું. જગતના જીવો વચ્ચેની એકાત્મકતાના અનેક પુરાવા પામી રહ્યો છું."
કેવળ મનુષ્યો અને પ્રાણીઓ નહીં, પણ સૃષ્ટિનાં સઘળાં તત્ત્વો એકબીજા સાથે કોઈક તંતુ દ્વારા જોડાયેલાં છે. સૌની એકમેક પર અસર પડે છે. આપણે સમષ્ટિ સાથે એકરૂપ છીએ, સમરસ છીએ એવું લેખક સીધેસીધું કહેતા નથી, પણ આ પ્રતીતિ 'અકૂપાર' વાંચતી વખતે આપોઆપ આપણને ક્રમશઃ થતી જાય છે.
'યાત્રા ભીતરની' પુસ્તકમાં ધ્રુવ ભટ્ટની નવલકથાઓના કેટલાંય ઉત્તમ સંવાદો યા વન-લાઇનર્સ સંગ્રહાયા છે. જેમ કે, કેમિકલનાં કારખાનાં નાખવાથી પર્યાવરણને બહુ નુકસાન થઈ જશે એવી 'સમુદ્રાંતિકે'ના નાયકને ચિંતા છે. એક બંગાળી બાવો એને પોલિટિકલી ઇનકરેક્ટ છતાંય સચોટ વાત કહી દે છે, "અપને આપકો ઇતના ઊંચા મત સમજ... પ્રકૃતિ સદાસર્વદા મુક્ત હૈ. કોઈ ઇસે બાંધ નહીં પાતા ઔર ન બિગાડ સકતા હૈ. તૂ ઇસે કુછ નહીં કરેગા તો ભી યે બદલને વાલા હૈ. તૂ ખુદ બદલા નહીં હૈ? જો તેરા કામ હૈ વો તો તુઝે કરના હી હૈ." 
'તત્ત્વમસિ'નો હીરો માણસને માણસ તરીકે નહીં, પણ કશીક પ્રોડક્ટિવિટીના ભાગરૂપે અથવા અર્થશાસ્ત્રના એકમ તરીકે જુએ છે. સુપ્રિયા નામનું પાત્ર એને સ્પષ્ટપણે કહી દે છે, "માણસ સંસાધન (રિસોર્સ) નથી... મધમાખીને પણ સંસાધન ન ગણશો. એ અસ્તિત્વ છે." 'કર્ણલોક'માં એક ધારદાર વાક્ય છેઃ "માણસજાતને માથે હજાર પીડાઓ ભૂલીને પણ આનંદથી જીવવાનો શાપ છે."
 ધ્રુવ ભટ્ટના કથાવિશ્વમાં મસ્તમૌલા થઈને પ્રવાસ કરવા જેવો છે, જો હજુ સુધી ન કર્યો હોય તો... 
0 0 0 

Thursday, August 21, 2014

ટેક ઓફ : ધિસ ઇઝ ધ પ્રોબ્લેમ આઈ વોન્ટ ટુ હેવ!

Sandesh -Ardh Saptahik Purti - 20 Aug 2014

ટેક ઓફ 

સામેનો માણસ તો જ તમારો પ્રિન્સ ર્ચાિંમગ હોઈ શકે જો એ તમને અહેસાસ કરાવી શકતો હોય કે એની ડ્રીમગર્લ તમે જ છો! આનાથી વિરુદ્ધ છેડાની વાત પણ એટલી જ સાચી. સામેની સ્ત્રી તો જ તમારી ડ્રીમગર્લ હોઈ શકે જો એ તમને અહેસાસ કરાવી શકતી હોય કે એના પ્રિન્સ ર્ચાિંમગ તો તમે જ છો!




કોણે કહ્યું ફેસબુક પર ફક્ત નકામી અને અર્થ વગરની બાબતો જ સરક્યુલેટ થયા કરતી હોય છે? હમણાં એક બહુ જ મસ્તમજાની વાત વાંચવા મળી. અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટના કોઈ વાચકે એની સાથે વચ્ચે પ્રેમ વિશેનું એક સરસ લખાણ શેર કર્યું. ગેલ્વે કિનેલ નામના એક વયસ્ક અમેરિકન કવિનું આ લખાણ છે. એલિઝાબેથને એ એટલું બધું પસંદ પડી ગયું કે તે પોતાના ફેસબુક પેજ પર એણે મૂળ લખાણની લિન્ક શેર કરી. એ લિન્ક પર ક્લિક કરતાં જાણે મહામૂલા ખજાનાનો પટારો ખૂલી ગયો. આજે તમારી સાથે તે ખજાનો શેર કરવો છે. વાત પ્રેમની છે, સંબંધોની છે. આ એક એવો વિષય છે જે સૌ કોઈને સ્પર્શે છે.
શરૂઆત ગેલ્વે કિનેલથી કરીએ. તેઓ કહે છે કે આપણે સૌને જિંદગીમાં રાઇટ પર્સન યા તો આદર્શ વ્યક્તિની ઝંખના હોય છે. આદર્શ એટલે એવી વ્યક્તિ જે આપણને પૂરી સચ્ચાઈથી ભરપૂર પ્રેમ કરતી હોય, જે આપણને જેવા હોઈએ એવા સ્વીકારી શકતી હોય, જેની હાજરીમાં આપણે પૂરેપૂરા ખૂલી અને ખીલી શકતા હોઈએ, જેના હોવા માત્રથી આપણું જીવન વધારે સમૃદ્ધ, વધારે સાર્થક બનતું હોય. પ્રત્યેક ગાઢ સંબંધમાં આપણે આવી વ્યક્તિને શોધતા રહીએ છીએ. જો સંબંધોનો પૂરતો અનુભવ હોય તો ધીમે ધીમે શંકા થવા થવા લાગે છે કે આદર્શ વ્યક્તિ જેવું કશું હોય છે ખરું? જે કોઈ મળે છે તે સૌ અધૂરા યા રોંગ પર્સન હોય છે, માત્ર એમનાં રંગરૂપ જુદાં હોય છે.
કેમ આવું બને છે? આવું એટલા માટે થાય છે કે આપણે ખુદ કોઈક ને કોઈક બાબતમાં અધૂરા છીએ અને એવો સાથી ઝંખતા હોઈએ છીએ કે જે ખુદ અધૂરો હોવા છતાં આપણને પૂરક બની શકે તેમ હોય. આપણે ખુદ કઈ કઈ બાબતોમાં ક્યાં ઓછા ઊતરીએ છીએ તે સમજવામાં વર્ષો નીકળી જતાં હોય છે. જ્યાં સુધી આપણે આપણી ભીતર ધરબાયેલી નકારાત્મક વૃત્તિઓનો સામનો કરતા નથી, કેટલીય વણઉકેલાયેલી સમસ્યાઓ કે ગ્રંથિઓની આંખોમાં આંખ પરોવીને જોતા નથી (આ એ જ વૃત્તિઓ, ગ્રંથિઓ અને સમસ્યાઓ છે જેણે આપણું અસલી વ્યક્તિત્વ ઘડયું હોય છે) ત્યાં સુધી સમજવાનું કે આદર્શ વ્યક્તિની શોધ માટે આપણે હજુ સજ્જ થયા નથી. ખુદની અસલિયતને જાણી-પારખી લઈએ ત્યારે જ આપણને સમજાય છે કે સામેની વ્યક્તિ પાસેથી આપણે એક્ઝેક્ટલી શું ઝંખીએ છીએ. અલબત્ત, આખરે તો આપણને અધૂરી વ્યક્તિ જ મળવાની છે, પણ કોઈ પણ અધૂરી વ્યક્તિ નહીં,બલ્કે 'આદર્શ' અધૂરી વ્યક્તિ. એવી વ્યક્તિ જેના માટે તમે પોતાની જાતને કહી શકો કે, "આ માણસ સાથે સંબંધ બાંધવાથી સમસ્યાઓ તો ઊભી થવાની જ, બટ યસ, મારે એક્ઝેક્ટલી આ જ સમસ્યાઓ જોઈએ છે... ધિસ ઇઝ ધ પ્રોબ્લેમ આઈ વોન્ટ ટુ હેવ!"

સ્પેશિયલ પર્સન હૂ ઇઝ રોંગ ફોર મી ઇન જસ્ટ ધ રાઇટ વે... જો નસીબ સારું હશે તો આખરે એ પ્રિયજન જરૂર મળશે જેનું અધૂરાપણું આપણા માટે એકદમ પરફેક્ટ હોય. બસ, એની અધૂરપો અને મારી અધૂરપો એકમેકના પ્રેમમાં પડવી જોઈએ!
કેટલી સુંદર વાત! પ્રેમ અને સંબંધો વિશે પછી તો ખૂબ બધા રિજોઇન્ડર્સ મુકાયા. અહીં નામોલ્લેખ કર્યા વગર માત્ર વિચાર પર ફોકસ કરીએ. કોઈએ કહ્યું કે, કોઈને તીવ્રતાથી પ્રેમ કરવો એટલે તે વ્યક્તિ સામે પોતાની જાતને ખોલી નાખવી. ખુદની નબળાઈઓ, અધૂરપો, ભય અને આશાઓને બધું જ એને પ્રામાણિકપણે દેખાડી દેવું. આપણે એક ઇમેજ બનાવીને જીવતા હોઈએ છીએ. આ ઇમેજની પાછળ આપણું અસલી વ્યક્તિત્વ છુપાઈ જતું હોય છે. કોઈને પ્રેમ કરવો એટલે ઇમેજને એક બાજુ ફગાવી દઈને વાસ્તવિક વ્યક્તિત્વ છતું કરવું. આના જેટલું ખતરનાક અને સંતોષ આપનારું બીજું કશું હોતું નથી. આ અતિ જોખમી બાબત છે... પણ જોખમ ઉઠાવવા જેવું છે!
બીજા લોકો, આ લોકો જોખમ ન પણ સમજે. કોઈએ સરસ કહ્યું કે રિલેશનશિપ્સ ડોન્ટ ઓલવેઝ મેક સેન્સ. દરેક સંબંધ કંઈ બહારથી તરત સમજાઈ જાય તેવો કે અર્થપૂર્ણ કે ઉપયોગી ન પણ દેખાતો હોય. બીજાને તીવ્રતાથી ચાહવાનું જોખમ ક્યારે ઉઠાવવું જોઈએ? જ્યારે તમે ખુદને ભરપૂરપણે ચાહતા હો તો! જો તમે પોતાની જાતને ચાહી શકતા ન હોય તો તમે બીજા કોઈને સો ટચના સોના જેવો પ્રેમ કરી શકવાના નથી. તમે ધારો કે પ્રેમસંબંધમાં બંધાશો તોપણ તે પ્રેમ તંદુરસ્ત નહીં હોય. ખુદની સાચી કિંમત નહીં કરો તો અયોગ્ય વ્યક્તિ સાથે સંંબંધ બંધાઈ જવાનો. પહેલાં ખુદને સમજો અને પછી બીજી વ્યક્તિને તમને સમજવાની તક આપો, નહીં તો પછી એના જેવો ઘાટ થશે કે તમે કોઈને એવી નવલકથા વાંચવા આપી દીધી જેનાં બધાં પાનાં કોરાં હોય!

કોઈએ કહ્યું કે, ખુદને પ્રેમ ન કરી શકતા હોઈએ ત્યારે એ ખોટ પૂરી શકે તેવી વ્યક્તિને શોધવા કરતાં ખુદના પ્રેમમાં પડીને પછી તે પ્રેમ મનગમતી વ્યક્તિ સાથે શેર કરવાનું વધારે સારું. આપણે કોઈને પ્રેમ કરીએ એટલે એણે પણ સામો પ્રેમ કરવો જ પડે એવો કોઈ નિયમ નથી. પ્રેમની આ સૌથી મોટી કમબખ્તી છે. મને પ્રેમ કરનારું કોઈ છે, મારામાં પાર વગરની ખામીઓ છે તે જાણતા હોવા છતાં મને પ્રેમ કરનારું કોઈ છે - આ અહેસાસ જીવનનું સૌથી મોટું સુખ છે.
સપનોં કા રાજકુમાર અથવા સપનોં કી રાની મળી જાય એટલે સુખ જ સુખ, રાઇટ? ડ્રીમગર્લ કે ડ્રીમલવર જેવું કશું હોય છે ખરું?કોઈએ કહેલી એક ચોટદાર વાત સાથે લેખ પૂરો કરીએઃ સામેનો માણસ તો જ તમારો પ્રિન્સ ર્ચાિંમગ હોઈ શકે જો એ તમને અહેસાસ કરાવી શકતો હોય કે એની ડ્રીમગર્લ તમે જ છો! આનાથી વિરુદ્ધ છેડાની વાત પણ એટલી જ સાચી. સામેની સ્ત્રી તો જ તમારી ડ્રીમગર્લ હોઈ શકે જો એ તમને અહેસાસ કરાવી શકતી હોય કે એના પ્રિન્સ ર્ચાિંમગ તો તમે જ છો! 
0 0 0 

Wednesday, August 13, 2014

ટેક ઓફ : જિંદગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ

Sandesh - Ardh Saptahik Purty - 13 August 2014

ટેક ઓફ 

 શું જે દૃશ્યમાન છે તે જ 'સત્ય' છે? સ્વપ્નિલ ભાવસ્થિતિમાં નહીં પણ કદાચ ખુલ્લી આંખે દર્શન થઈ જાય તો સત્ય, સૌંદર્ય અને શાંતિનું રહસ્ય ખૂલી જાય છે. જરૂર હોય છે કેવળ આંતરિક ને આધ્યાત્મિક સજ્જતાની. આ સજ્જતા કેળવવામાં આખી જિંદગી નીકળી જાય છે.


Makarand Dave


કેવી હોઈ શકે ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણ? શું તે પળને અને તે અનુભૂતિને શબ્દોમાં બાંધી શકાય? જો વાત કવિ મકરંદ દવેની થઈ રહી હોય તો હા, આ શક્ય છે. મકરંદ દવે (જન્મઃ ૧૯૨૨, મૃત્યુઃ ૨૦૦૫) કશુંક 'ભાળી ગયેલો' કવિ છે. માનવમનની ગૂઢ આધ્યાત્મિક અનુભૂતિની મિમાંસા તેમના વગર શક્ય નથી - ગુજરાતી કાવ્યજગતના સંદર્ભમાં. આંગળી મૂકીને સ્પર્શી ન શકાય એવી છતાંય વજ્ર જેવી નક્કર દૈવી લાગણીઓનું આલેખન મકરંદ દવેએ કર્યું છે તેવું પ્રતીતિપૂર્ણ અને અસરકારક આલેખન અન્ય બહુ ઓછા કવિઓ કરી શક્યા છે.  'હળવે ટકોરા' નામની કવિતામાં તેઓ કહે છેઃ 
દીવો રે ઓલવાયો અધમધ રાતનો,
થંભી ગઈ ઝૂલણ ખાટ,
બારણે ટકોરા પડયા તે સમે,
કોઈ જાણે જુએ મારી વાટ!
હળવા ટકોરા કોના હેતના?

મધરાત છે. કવિ નિદ્રાધીન થયા નથી, પણ તેઓ કદાચ ઓસરીમાં કે ફળિયામાં હીંચકા પર ઝૂલી રહ્યા છે. મનોમન પ્રભુસ્મરણ થઈ રહ્યું છે અથવા વિચારવલોણું ચાલી રહ્યું છે. અચાનક ઝૂલણ ખાટ થંભી જાય છે. ખાટ અહીં મનનું પ્રતીક છે. મન સ્થિર થતાં અચાનક બારણે ટકોરા પડે છે. આ બારણું બહાર નથી, ભીતર છે. ટકોરાની સાથે જ કશાંક સ્પંદન જાગે છે. આ ટકોરા બીજું કશું નહીં બલકે પરમ પિતાના હેતનો ધ્વનિ છે! ધ્વનિની સાથે કેટલાક પ્રશ્નો પણ રેલાય છે. કોણ ઊભું હશે હ્ય્દય-દ્વારની પેલી તરફ? કેવું હશે એનું રૂપ? કેવી હશે એની વાણી? એ અગમ દેશનો અતિથિ હશે એટલું તો નક્કી. દરવાજો ખોલતાં જ આંતરચક્ષુને પ્રભુનાં દર્શન થાય છે. તે ક્ષણે જે પ્રગટે છે તે છે કેવળ અને કેવળ નિર્ભેળ આનંદ. જુઓઃ
મુખ રે જોયું એક મલકતું
જોઈ એક ઝળઝળ મશાલ,
બીજું તે જોવાની કોને ઝંખના?
મનનો ઊંડે મત્ત ગુલાલ
હૈયે રે હિલોળા એના હેતના.
અંતરનાં દ્વાર ઊઘડતાં જ કવિને મુસ્કુરાતો ચહેરો ને ઝળહળતી મશાલ દેખાય છે અને બસ, જીવન જાણે ધન્ય ધન્ય થઈ જાય છે. બસ, અત્યાર સુધી જે કંઈ જિવાયું છે એની આ જ તો ઈતિ છે. આ જ તો લક્ષ્ય છે. વહાલાનાં દિવ્ય દર્શન થઈ ગયાં. બસ, હવે કોઈ ઝંખના નથી, કોઈ અપેક્ષા નથી.  
મકરંદ દવે લિખિત આ કુળની અન્ય કેટલીય કવિતાઓની વાત ને વિવરણ 'મકરંદ દવેની કવિતામાં રહસ્યવાદ' પુસ્તકમાં થયાં છે. ડો. રાજેન્દ્રસિંહ રાયજાદાએ આ નાનકડું પણ સુંદર પુસ્તક લખ્યું છે. વાસ્તવમાં તે 'અર્વાચીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદ'વિષય પર લખેલા શોધનિબંધનો એક અંશ છે. મકરંદ દવે સાથે લેખકને સારો પરિચય. વાસ્તવમાં, નાથાલાલ જોશી અને મકરંદ દવેનું સાન્નિધ્ય માણવા માટે જ તેમણે ગોંડલમાં નોકરી સ્વીકારી હતી. એયને રોજ રાતે અગિયાર-બાર વાગ્યા સુધી સાહિત્ય ઉપરાંત અધ્યાત્મ, સાધના અને ચમત્કારી અનુભૂતિઓની અલકમલકની વાતો થયા કરે. આ ગોઠડીઓમાંથી જ આ પુસ્તક જન્મ્યું છે.
અગમનિગમ અને અધ્યાત્મની વાત આવે ત્યારે સહેજે સવાલ જાગે કે શું ગૂઢ તત્ત્વ અનિવાર્યપણે અદૃશ્ય જ હોય? જરૂરી નથી. કદાચ દૃશ્યમાન પદાર્થોમાં પણ ગૂઢ તત્ત્વો સમાયેલાં હોઈ શકે છે. તેને જોવાની દૃષ્ટિ કેળવવી પડે. પાઠ શીખવા પડે. કેવા પાઠ?
એક પાઠ પઢીને સૌ
ભેદ પામી ગયા અમે
કોયડા ગૂઢ અદૃશ્યે
નથી, દૃશ્યે સદા રમે.
અનંત તરતા રહી,
વાતો જે ગૂંથતા ગેબી
તેની તે ધૂળમાં અહીં
ધરામાં ધબકી રહેલાં
તરણાં મને કહી.



અહીં 'ભાળી જવાની' વાત છે. જો આંતરપ્રજ્ઞાા સતેજ હોય તો ગૂઢતાને સંવેદી શકાય છે, સેન્સ કરી શકાય છે. ગરજતું આકાશ,વરસતો વરસાદ, ભીંજાતી ધરતી, બીજમાંથી અંકુર ફૂટવા, વનસ્પતિનું વિકસવું - આ બધું અપાર વિસ્મય પમાડે એવું નથી શું?આ બધું શી રીતે બને છે તેના વૈજ્ઞાાનિક ખુલાસા આપી શકાય છે, પણ છતાંય એક પ્રશ્ન નાગની ફેણની જેમ સતત ડોલતો રહે છેઃ ઘટનાની શૃંખલાઓ તો જાણે બરાબર છે, પણ આ એવું તે શું છે જેના આધારે આ શૃંખલાઓ દિમાગ કામ ન કરે તેટલી ચોકસાઈથી ચાલતી થતી રહે છે? એ કયું ગેબી પ્રેરકબળ છે? કઈ ગૂઢ ચેતના છે? કવિ વાતને ઔર વળ ચડાવે છે-

સત્ય, સૌંદર્ય ને શાંતિ
રહસ્યોના રહસ્યમાં
વાતો બોલે સદા ખુલ્લી
અદૃશ્ય નહીં, દૃશ્યમાં.
તો શું જે દૃશ્યમાન છે તે જ 'સત્ય' છે? સ્વપ્નિલ ભાવસ્થિતિમાં નહીં પણ કદાચ ખુલ્લી આંખે દર્શન થઈ જાય તો સત્ય, સૌંદર્ય અને શાંતિનું રહસ્ય ખૂલી જાય છે. જરૂર હોય છે કેવળ આંતરિક ને આધ્યાત્મિક સજ્જતાની. આ સજ્જતા કેળવવામાં આખી જિંદગી નીકળી જાય છે.
જિંદગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
અને જિંદગી તો સૂરજનું બિંબ,
આંસુના દરિયાની આંખો લૂછે છે અહીં
સોનેરી હ્રાસનો કિનારો.

મકરંદ દવે જિંદગીને ધુમ્મસના ગૂઢ પડદા તરીકે વર્ણવે છે. અંદરથી પ્રકાશ પ્રગટે યા તો ઈશ્વરનો અદીઠ સાથ સાંપડે તો જ આ ધુમ્મસ દૂર થાય. ઉપરવાળા કરતાં મોટો જાદુગર બીજો કયો હોવાનો ? રહસ્ય તત્ત્વની પ્રકૃતિ કરતાં બહેતર અભિવ્યક્તિ બીજી કઈ હોવાની. ડો. રાજેન્દ્રસિંહ રાયજાદા કહે છે તે પ્રમાણે, રહસ્યવાદ અથવા મિસ્ટીસિઝમ શબ્દના કેટલાય અર્થો અને સંદર્ભો છે. કોઈ એને ધર્મ અને અધ્યાત્મ સાથે જોડે છે. કોઈ મંત્ર, તંત્ર, ત્રાટક, ગૂઢવિદ્યા, જાદુ અને હિપ્નોટિઝમ સાથે રહસ્યવાદને જોડે છે. અમુક શબ્દકોશ પ્રમાણે રહસ્ય શબ્દનો અર્થ ખેલ, વિનોદ, મજાક, મશ્કરી, મૈત્રી અને પ્રેમ પણ થાય છે!
છેલ્લે, મકરંદ દવેની આ પંક્તિઓ જુઓઃ
પગલું માંડું હંુ અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
અવકાશ પગલું માંડવું એટલે ઉર્ધ્વગતિ કરવી. ઈશ્વર ભલે અદીઠ હોય, પણ તે સાથે જ છે, એણે મારો હાથ ઝાલ્યો છે તેવી પ્રતીતિ ખૂબ નક્કર હોઈ શકે છે. અંતિમ પંક્તિ ખૂબ સૂચક છે. જાગ્યા પછી એટલે કે ભાવસ્થિતિમાંથી બહાર આવ્યા પછી કવિને લાગે છે કે ફક્ત પોતે જ નહીં, બલકે કોઈ એકલું નથી! એક વાર ઈશ્વરીય તત્ત્વ સાથે સંધાન થઈ જાય પછી માણસને ક્યારેય એકલતા સતાવતી નથી. 

Thursday, August 7, 2014

ટેક ઓફ : બ્રાહ્મણ જાતિએ હિંદુસ્તાનનું સૌથી વધુમાં વધુ નુકસાન કર્યું છે ?

Sandesh - Ardh Saptahik purty - 6 Aug 2014

ટેક ઓફ 

"બ્રાહ્મણ નામે જ (સ્વામી આનંદને) હડહડતો તિરસ્કાર ને નફરત. બ્રાહ્મણે ઊંચનીચ અને જન્મજાત અધિકારની ભાવના હિંદુઓના લોહીમાં અમીટપણે સીંચી ને પોતે ઈશ્વર, નીતિનિષેધ, તત્ત્વજ્ઞાાન બધાંને ઘોળીને પી જઈ ગજવેનેવે મૂકીને હજારો વર્ષ વર્ત્યો. આખા સમાજને પોતાની એડી હેઠળ રાખ્યો અને વિદ્યા, જ્ઞાાન, સંસ્કાર અને ઉત્કર્ષથી વંચિત રાખ્યો. અતિદ્વેષી, ડંખીલો, પામર, અનસ્ક્રુપ્યુલસ (એટલે કે નૈતિકતાની ઐસીતૈસી કરનારા) અને સ્વાર્થી. આખી બ્રાહ્મણ કોમના ઇતિહાસમાં દ્રોણ સૌથી પામર, હલકટ અને અધમ નમૂનો હતો, જેનો પુત્ર અશ્વત્થામા ઈવિલ પર્સોનીફાઈડ (એટલે કે સાક્ષાત્ શેતાન) કે અક્યુમ્યુલેટેડ ઈવિલ ઓફ ધ રેસ (માનવજાતમાં જે કંઈ અશુભ છે તે તમામનો સરવાળો) હતો. પરશુરામ હિંદુઓમાં હિંસા-મારફાડનો સૌથી મોટો પ્રતિનિધિ હતો તેમ (સ્વામી આનંદ) માને."

                                                                                        Pic courtesy : Gujarati Sahitya Parishad

હિંમતલાલ દવેેને તમે ઓળખતા ન હો તેવું બને, પણ ગુજરાતી ભાષાને પ્રેમ કરનારા કોઈ બંદા માટે સ્વામી આનંદનું નામ અજાણ્યું નથી, ન હોઈ શકે. હિંમતલાલ તેમનું મૂળ નામ. ૧૨૭ વર્ષ પહેલાં જન્મેલા સ્વામીનાં ગુજરાતી ગદ્યમાં એવી તાકાત છે કે તે વાંચતી વખતે આજે પણ નવેસરથી તરંગિત થઈ જવાય છે. એમનાં લખાણના ચિરંજીવીપણાનો સીધો સંબંધ એમના અનુભવોના વ્યાપ સાથે છે. ૧૧ વર્ષની ઉંમરે બાવા સાથે ભાગી જઈ, સંન્યાસ લઈ સ્વામી આનંદ નામ ધારણ કરવું, નેપાળ સરહદે રામકૃષ્ણ મિશનના અદ્વૈતાશ્રમમાં રહેવું, અઢાર વર્ષની ઉંમરે ગાંધીજીના સંપર્કમાં આવવું, 'નવજીવન' સામયિકની જવાબદારી સંભાળવી, ભારતભરમાં ફરીને લોકોની સેવા કરવી અને ક્યારેય વિધિસર ભણતર લીધું ન હોવા છતાં એકએકથી ચડિયાતાં ૨૯ જેટલાં પુસ્તકો લખવાં (એમનું અપ્રગટ અને અગ્રંસ્થ સાહિત્ય પણ પુષ્કળ છે)... એમનું ૮૯ વર્ષનું જીવન ખરેખર ઘટનાપ્રચુર રહ્યું.
દિનકર જોષીએ અત્યંત જહેમતપૂર્વક સ્વામી આનંદના અગ્રંસ્થ સાહિત્યના કેટલાક હિસ્સાનું ચાર ભાગમાં સંપાદન કર્યું છે -'ધોધમાર', 'ઉગમણી દિશાનો ઉજાસ', 'અમરતવેલ' અને 'આંબાવાડિયું'. આમાંથી 'અમરતવેલ'ના એક ખંડમાં સ્વામી આનંદના કેટલાક આત્મકથનાત્મક લેખોનો સંગ્રહ થયો છે. તેઓ પોતાની જાતને કઈ રીતે નિહાળતા? તેમની સેલ્ફઇમેજ કેવી હતી? આનો જવાબ સ્વામી આનંદ કરતાં બહેતર બીજું કોણ લખી શકે? 'મારી કેટલીક ખાસિયતો' નામના મજેદાર લેખમાં સ્વામી આનંદની કલમ હંમેશ મુજબ નિર્બંધપણે વહી છે. અઘરા અંગ્રેજી શબ્દો પણ એમણે છૂટથી વાપર્યા છે. તો કેવા હતા સ્વામી આનંદ? સૌથી પહેલાં તો એક લેખક તરીકેની એમની ખાસિયતો એમના જ શબ્દોમાં સાંભળોઃ   
- કોઈ નવી કે પ્રસિદ્ધ વ્યક્તિ જોડે ઓળખાણ કરવાનું મન ન થાય. કોઈ લિટરરી માણસના સંપર્કમાં આવવાનું મન ન થાય. લિટરરી માણસો સામાન્યપણે રાગદ્વેષવાળા, ચારિત્ર્યના નબળા ને નમાલા હોય એવો પ્રેજ્યુડાઇસ બહુ વહેલી વયથી જ ઘર કરી બેઠેલો.
- તાકીદના પ્રયોજન વગર લખવાનું સામાન્યપણે કદી મન ન થાય. લખેલું છપાય એવી ઉત્સુકતા ન થાય. પોતાનાં લખાણ, ફોટા વગેરે પ્રસિદ્ધ થાય એવી કશી ખાસ ઇચ્છા ન થાય. પોતાના લખાણ વિશે બીજાઓ અભિપ્રાય આપે કે લખે એવી ઇચ્છા ન થાય. પોતાના પુસ્તકની કોઈ પાસે પ્રસ્તાવના લખાવવાની કે પોતાનો પાડેલો ફોટો પ્રગટ થયેલો જોવાની કદી ઇચ્છા ન થાય.
- લખવા માટે સારો કાગળ, શાહીઓ, વતરણાં, સ્ટેશનરી, ચોડવાની ટેપ, ટેગ, ટાંકણીઓ, નોટબુકો, નોંધબુકો એ બધું સફેદ અને ઊંચા પ્રકારનું ખૂબ ગમે. જોઈને જ લખવાનું મન થાય. ન હોય તો મન મરી જાય.
- છાપભૂલો ને ગોબરાં પ્રકાશનો તરફ અતિ નફરત. સહન જ ન થાય. તેથી જ ગુજરાતમાં પ્રકાશન કળાની અમાવસ્યા વર્તે છે એમ માને. બંગાળીઓએ અને હિંદીઓએ બધાં પ્રાંતોને આજે માત કર્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈલસ્ટ્રેટેડ વીકલીવાળાઓ પ્રત્યે અતિ તિરસ્કાર. એ લોકો હિંદુ ઘરાકોનાં કામ કરે ને તેમનાં સારાંમાં સારાં ચિત્રો કે ફોટા છાપે તેમાં હિંદુઓ જોડે પારસી યુરોપિયન કરતાં બહુ જુદી રીતે - ગુરુતાગ્રંથિથી વર્તે. પૈસા ડબલ ને કામમાં પેલાઓનાં કામોના પ્રમાણમાં અરધું લક્ષ ન દે. "વાનિયા લોક સું સમજે?" કહે.
- ગુજરાત અને ગુજરાતીઓ બદલ મુદ્દલ માન આદર નહીં (યાદ રહે, આ સ્વામીજીના ખુદના શબ્દો છે). બાયલી પ્રજા. સુખસ્વાદના ઓશિયાળા ને લડવાના કાયર ગણે. પૈસાથી બધું થાય એમ ગણનારા. વાચકાછના શિથિલ - બિઝનેસ નીતિ પણ ઢીલીપોચી. લશ્કર, વિમાન કે ઈજનેરી જેવા જોખમી કે શરીરકામના ધંધામાં ન પડે. સર્જક ઉદ્યોગો કરતાં દલાલીના ધંધા વધુ પ્રિય. પરપ્રાંત કે વિદેશીઓ જોેડે બહુ લબાડી થઈને રહે તેની પાછળ બીકણપણું (કારણભૂત). રેલવે મુસાફરીમાં બહુચરાજીનો કમાળિયો ખાનામાં આવી પડે ને બેસે તો સ્ત્રીપુરુષ બેઉને જે જાતના ડિસકમ્ફર્ટની લાગણી થાય તેવી લાગણી ગુજરાતીઓના પામરવેડા જોઈને થાય ને એમના બધા ગુણોની કદર આ એક અવગુણ પ્રત્યેની નફરત આગળ ધોવાઈ જાય. 
- કાઠિયાવાડી, અમદાવાદી તેમજ નાગર, અનાવલા, પાટીદાર પ્રત્યે અતિ અણગમો. એ લોકો જૂઠ-પ્રપંચ અને કાવતરામાં જ પેદા થયા અને જિંદગી આખી એમાં જ રચ્યાપચ્યા રહીને જીવે એવી પાયાની માન્યતા. એથી અવળો અનુભવ થાય ત્યારે રાવણ કુળમાં વિભીષણ ગણીને તેટલા પૂરતો પોતાના અભિપ્રાય વગર આનાકાનીએ અને રાજી થઈને બદલે પણ પાયાની માન્યતા તો કાયમ જ રહે.
- બ્રાહ્મણ નામે જ હડહડતો તિરસ્કાર ને નફરત. બ્રાહ્મણ જાતિએ હિંદુસ્તાનનું આદિકાળથી માંડીને સૌથી વધુમાં વધુ નુકસાન કર્યું છે એવી દૃઢ માન્યતા. બ્રાહ્મણે ઊંચનીચ અને જન્મજાત અધિકારની ભાવના હિંદુઓના લોહીમાં અમીટપણે સીંચી ને પોતે ઈશ્વર, નીતિનિષેધ, તત્ત્વજ્ઞાાન બધાંને ઘોળીને પી જઈ ગજવેનેવે મૂકીને હજારો વર્ષ વર્ત્યો. આખા સમાજને પોતાની એડી હેઠળ રાખ્યો અને વિદ્યા, જ્ઞાાન, સંસ્કાર અને ઉત્કર્ષથી વંચિત રાખ્યો. સમાજમાં જે કોઈ સજ્જન પાક્યો તેનો હંમેશાં પર્સિક્યુશન - છળ જ કર્યો. અતિદ્વેષી, ડંખીલો, પામર, અનસ્ક્રુપ્યુલસ (એટલે કે નૈતિકતાની ઐસીતૈસી કરનારા) અને સ્વાર્થી. આખી બ્રાહ્મણ કોમના ઇતિહાસમાં દ્રોણ સૌથી પામર, હલકટ અને અધમ નમૂનો હતો, જેનો પુત્ર અશ્વત્થામા ઈવિલ પર્સોનીફાઈડ (એટલે કે સાક્ષાત્ શેતાન) કે અક્યુમ્યુલેટેડ ઈવિલ ઓફ ધ રેસ (માનવજાતમાં જે કંઈ અશુભ છે તે તમામનો સરવાળો) હતો. પરશુરામ હિંદુઓમાં હિંસા-મારફાડનો સૌથી મોટો પ્રતિનિધિ હતો તેમ માને.
સ્વામી આનંદ અગુજરાતીઓમાં કેમ જાણીતા ન બન્યા? આનો જવાબ નારાયણ દેસાઈ આપે છે, "સ્વામી અવિખ્યાત રહ્યા તેનું સાચું કારણ એ છે કે પોતાના સહજ સંન્યાસમાં એમણે પોતાની નામનાને ડુબાડી દીધી હતી. તેથી જ ગાંધીજીના આંદોલનના વાજતા ને ગાજતા દિવસોમાં પણ સ્વામી તમને મંચ પર બિરાજેલા ન દેખાતા. એ તો કોઈ ટ્રેડલ પ્રેસ ચલાવતા, બીબાં ગોઠવતા, પ્રૂફ જોતા, કોષો ઊથલાવતા કે ચોક્કસ ઉચ્ચારણોનાં મૂળ શોધતા. એમની મિજબાની તો ચાલતી હોય. ઘોડાગાડીમાં બેસીને ચણા ફાકવામાં કે બિહારનાં ગામડામાં રખડતાં પ્રેમથી સત્તૂ આરોગવામાં." 
સ્વામી આનંદના વિચારો સાથે સહમત હોઈએ કે ન હોઈએ તે અલગ વાત છે, પણ જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી ગુજરાતી ગદ્યના શૈલીસમ્રાટ તરીકે સ્વામી આનંદનું નામ ધબકતું રહેશે તે હકીકત છે.  

Saturday, August 2, 2014

મલ્ટિપ્લેક્સ : આ ગ્રે ફિલ્મ બડી રંગીન છે

Sandesh - Sanskar Purty - 3 August 2014

મલ્ટિપ્લેક્સ 
'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'ના ટ્રેલર માત્રથી તીવ્ર પ્રતિક્રિયા જાગી છે તેનું કારણ એ છે કે જે પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે તે વિશ્વકક્ષાએ ઓલરેડી બેસ્ટસેલર બની ચૂક્યું છે. ફિલ્મનું કન્ટેન્ટ શું હશે તે આખી દુનિયા જાણે છે. 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' પર 'મમ્મી પોર્ન'નું લેબલ ચિપકાવી દેવામાં આવ્યું છે. જે કંઈ છપાયેલા કાગળ પર છે એ જ બધું સ્ક્રીન પર દેખાવાનું છે એટલે સતર્ક વાલીઓને અત્યારથી ટેન્શન થઈ ગયું છે.


ફિલ્મ રિલીઝ થાય ત્યારે એક યા બીજા કારણસર વિવાદ જાગે તે સમજાય એવું છે, પણ 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'નું હજુ તો માંડ પહેલું ટ્રેલર રિલીઝ થયું ને જોરદાર વિવાદ ફાટી નીકળ્યો. હોલિવૂડની આ ફિલ્મ રિલીઝ થવાની છે છેક આવતા વર્ષના વેલેન્ટાઈન્સ ડે પર, પણ એનું પહેલું ટ્રેલર તાજેતરમાં બહાર પડતાં જ અમેરિકાની ધ પેરેન્ટ્સ ટેલિવિઝન કાઉન્સિલ નામની સંસ્થાએ એનબીસી નામની ચેનલનો ઉધડો લઈ લીધોઃ સવારના પહોરમાં બાળકો સ્કૂલે જવા માટે તૈયાર થતાં હોય કે નાસ્તો કરતાં હોય એવા સમયે 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'નો પ્રોમો બતાવ્યો જ કેમ? બાળકોના માનસ પર આની ખરાબ અસર થઈ શકે છે એવી સાદી સમજણ પણ ચેનલવાળાઓને નથી?
કેમ અમેરિકન વાલીઓ રાતાપીળા થઈ ગયા? એવું તે શંુ હતું આ પ્રોમોમાં? કાઉન્સિલની પ્રતિનિધિ કહે છે કે આ ફિલ્મમાં સેક્સ્યુઅલ વાયોલન્સને રોમાન્ટિસાઈઝ કરવામાં આવ્યું છે. સેક્સ ક્રિયા દરમિયાન હિંસા આચરવામાં કશો વાંધો નથી, ઊલટાનું, આવું કરવું 'કૂલ' ગણાય, સ્વીકાર્ય ગણાય એવો સંદેશ જાણે કે આ ફિલ્મ આપી રહી છે. બસ, મમ્મી-પપ્પાઓને, ખાસ કરીને ટીનેજ કન્યાઓનાં પેરેન્ટ્સને આની સામે વાંધો પડી ગયો.
'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'ના ટ્રેલર માત્રથી તીવ્ર પ્રતિક્રિયા જાગી છે તેનું કારણ એ છે કે જે પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે તે વિશ્વકક્ષાએ ઓલરેડી બેસ્ટસેલર બની ચૂક્યું છે. ફિલ્મનું કન્ટેન્ટ શું હશે તે આખી દુનિયા જાણે છે. જે કંઈ છપાયેલા કાગળ પર છે એ જ બધું સ્ક્રીન પર દેખાવાનું છે એટલે સતર્ક વાલીઓને અત્યારથી ટેન્શન થઈ ગયું છે.
E.L. James 
આગળ વધતા પહેલાં 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' પુસ્તક વિશે થોડું જાણી લઈએ. એની લેખિકાનું નામ છે, એરિકા લિઓનાર્ડ. લંડનમાં રહેલી ૫૧ વર્ષની આ મહિલા મૂળ તો સીધીસાદી ટીવી એક્ઝિક્યુટિવ. એણે તો આ લખાણ એમ જ શોખ ખાતર લખ્યું હતું, પણ બોમ્બની જેમ એવું તો ફાટયું કે એરિકા આંતરરાષ્ટ્રીય કક્ષાની સેલિબ્રિટી બની ગઈ. એરિકા 'ટ્વિલાઈટ' નામની વેમ્પાયરની થીમવાળી ફેન્ટસી રોમેન્ટિક નવલકથા સિરીઝની મોટી ફેન. આના પરથી ફિલ્મો પણ બની છે. સિરીઝનાં મુખ્ય પાત્રોને ઉઠાવીને એરિકાએ એક ફેન ફિક્શન લખવાની શરૂઆત કરી. આપણને કોઈ ફિલ્મ કે નવલકથા બહુ ગમી જાય તો એનાં પાત્રો વિશે'એડિશનલ' કલ્પનાઓ કરવાનું, વાર્તાના તંતુને મનોમન આગળ વધારવાનું ગમતું હોય છે. ઉદાહરણ તરીકે, 'શોલે'ના એન્ડમાં વીરુ અને બસંતી ટૂંક સમયમાં પરણી જશે એવી સ્પષ્ટ હિન્ટ છે, તો લગ્ન પછી એમનું શું થયું? એમનું જીવન કેવી રીતે વીત્યું?થોડાં વર્ષો પછી રામગઢ પર ગબ્બર સિંહ કરતાંય વધારે મોટું નવું સંકટ આવી પડે તો? ધારો કે ગામમાં અમિતાભ યા તો ગબ્બર સિંહનો હમશકલ આવી ચડે તો? બસ, આ રીતે કલ્પનાના ઘોડા દોડાવીને તમે જે વાર્તા ઘડી કાઢો તેને ફેન ફિક્શન કહેવાય. એરિકાએ પણ બનાવટી નામ ધારણ કરીને એક વેબસાઈટ પર વાર્તા લખવા માંડી.
શું છે વાર્તામાં? એનાસ્ટાશિયા અથવા તો એના નામની ૨૧ વર્ષની એક વર્જિન કોલેજકન્યા કોઈક અસાઈન્મેન્ટના ભાગરૂપે પોતાની બહેનપણી વતી ક્રિસ્ટયાન ગ્રે નામના અત્યંત ધનાઢય ઉદ્યોગપતિનો ડરતાં ડરતાં ઈન્ટરવ્યૂ લેવા જાય છે. યુવાન ક્રિસ્ટયાન જેટલો ધનિક છે એટલો જ હેન્ડસમ અને પ્રભાવશાળી છે. ભલીભોળી એના ક્રિસ્ટયાન તરફ આકર્ષાય છે. એટ્રેક્શન દ્વિપક્ષી છે. બન્ને વચ્ચે રોમેન્ટિક સંબંધ બંધાય તો છે, પણ ક્રિસ્ટયાનની એક વિચિત્રતા છે. એ કંટ્રોલ-ફ્રીક છે. દરેક બાબતમાં બધું પોતાના જ હિસાબે થવું જોઈએ. સેક્સના મામલામાં પણ. એનાને ખબર પડે છે કે પોતાના બોયફ્રેન્ડને શયનખંડમાં હિંસા પસંદ છે. સ્ત્રીને પલંગ પર બાંધી દઈને, એની આંખે પટ્ટી લગાવીને એને સોટીથી ફટકારવાથી ક્રિસ્ટયાનને ગજબની ઉત્તેજનાનો અનુભવ થાય છે. એના આ બધું સહન કરતી જાય છે.
ફેન ફિક્શન તરીકે લખાયેલી આ નવલકથાને એટલો બધો પ્રતિસાદ મળ્યો કે લેખિકા એરિકાએ એને સ્વતંત્ર નવલકથા તરીકે વિકસાવી. ૨૦૧૨માં ઔર એક ઉપનામ ઈ.એલ. જેમ્સ ધારણ કરીને નવલકથાને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી. ચક્કર આવી જાય એટલી હદે તે સુપરડુપર હિટ થઈ. બાવન ભાષામાં અનુવાદ થયા. એરિકાએ ધડાધડ બે સિક્વલ લખી નાખી. આજની તારીખે આ ત્રણ ચોપડીઓની કુલ દસ કરોડ કરતાં વધારે નકલો વેચાઈ ચૂકી છે. હેરી પોટરથી વિખ્યાત થઈ ગયેલી જે. કે. રાઉલિંગ કરતાં વધારે વકરો 'ફિફ્ટી શેડ્ઝ'નાં ત્રણ પુસ્તકોએ કર્યો છે. 'ટાઈમ' મેગેઝિને વિશ્વની સૌથી વગદાર ૧૦૦ વ્યક્તિઓની સૂચિમાં ઈ. એલ. જેમ્સનું નામ સામેલ કર્યું છે. આધેડ વયની એરિકાએ તો ખુદની સેક્સ્યુઅલ ફેન્ટસીઓ વ્યક્ત કરવા માટે આ વાર્તા લખી હતી.'ફિફ્ટી શેડ્ઝ...'ની ગજબનાક સફળતાથી એને ખુદને એટલો શોક લાગ્યો છે કે એમાંથી હજુ સુધી બહાર નથી આવી!


'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' પર 'મમ્મી પોર્ન'નું લેબલ ચિપકાવી દેવામાં આવ્યું છે. 'મમ્મી પોર્ન' એટલે બચ્ચાં પેદા કરીને ઠરીઠામ થઈ ગયેલી અને ફ્રસ્ટ્રેટ થઈને મનોમન સેક્સનાં સપનાં જોઈને સંતોષ માની લેતી મધ્યવયસ્ક મમ્મીઓને ગલગલિયાં કરે તેવી સામગ્રી. જોકે ટીનેજર અને કોલેજિયન કન્યાઓમાં પણ આ નવલકથા ખૂબ પોપ્યુલર બની છે. નવલકથાની શૈલી પ્રવાહી અને ગતિશીલ છે તે સાચું, પણ આમાં સાહિત્યિક સ્પર્શ કે ઊંડાણ શોધવાની ભૂલ કરવા જેવી નથી. આમાં માત્ર કામુક વર્ણનોનો ચટાકો છે. કોઈક નવશીખિયાએ લખેલું આ મટીરિયલ છે એવું તરત જ સ્પષ્ટ વર્તાઈ આવે છે. આ લખનારે વીસ-ત્રીસ પાનાં વાંચીને કંટાળીને ચોપડી એક બાજુ મૂકી દીધી હતી.
ખેર, આવી બમ્પર સફળતા મેળવનાર સેક્સ-બોમ્બ જેવી નવલકથા જોઈને હોલિવૂડની લાળ ન ટપકે તે શી રીતે બને. મોટા મોટા લગભગ તમામ સ્ટુડિયોઓના પ્રતિનિધિઓ એરિકા પાસેથી પુસ્તકોના રાઈટ્સ મેળવવા હુડુડુડુ કરતા લંડન ભાગ્યા. એરિકા એક મુલાકાતમાં કહે છે,'આ બધામાંથી મને યુનિવર્સલ સ્ટુડિયોની ચેરપર્સન ડોનાની વાત ગમી ગઈ. એણે કહ્યું કે અગાઉ સ્ત્રીઓ ફક્ત ઘર સંભાળતી, જ્યારે બાકીની તમામ જવાબદારીઓ પુરુષો ઉપાડતા. આજે એકવીસમી સદીમાં સ્ત્રીઓએ ઘર ઉપરાંત ઓફિસનાં કામ પણ કરવાં પડે છે, ડગલે ને પગલે નિર્ણયો લેવા પડે છે. બહુ સ્ટ્રેસફુલ હોય છે આ બધું. આવી સ્થિતિમાં એને કોઈ એવો પુરુષ મળી જાય જે તમામ જવાબદારી ઉપાડી લે, ઈવન બિસ્તરમાં શું કરવું ને શું ન કરવું તે પણ એ જાતે નક્કી કરે તો એના કરતાં વધારે રિલેક્સિંગ બીજું શું હોવાનું! ડોનાએ મને આવું કહ્યું એટલે મને લાગ્યું કે યેસ, આ લેડી 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'નો સૂર બરાબર પકડી શકી છે! બસ, પુસ્તકના રાઈટ્સ માટે ડોનાના યુનિવર્સલ સ્ટુડિયો પર પસંદગી ઉતારવાનું મારા માટે આસાન થઈ ગયું.' 


યુનિવર્સલ સ્ટુડિયોએ મૂળ પુસ્તક વત્તા બે સિક્વલ ગણીને ત્રણેય પુસ્તકોના અધિકાર માટે એરિકાને રોકડા પાંચ મિલિયન ડોલર ગણી આપ્યા. તે સાથે જ 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' હોલિવૂડનો સુપરહોટ પ્રોજેક્ટ બની ગયો. ટોપ ડિરેક્ટરો આ અસાઇનમેન્ટ મેળવવા તૈયાર હતા, પણ એ સૌને એક બાજુ ખસેડીને સેમ ટેલર-જોન્સન નામની બ્રિટિશ ડિરેક્ટરને નિર્દેશનની જવાબદારી સોંપવામાં આવી છે. 'નોવેર બોય' પછીની આ એની બીજી જ ફુલલેન્થ ફિલ્મ છે. સૌનું ધ્યાન હવે એ વાત પર હતું કે એના અને ક્રિસ્ટયાનના રોલ માટે કોની પસંદગી થાય છે. એનાના કિરદાર માટે ૨૩ વર્ષની ડેકોટા જોન્સન સિલેક્ટ થઈ. અગાઉ 'સોશિયલ નેટવર્ક'માં આપણે એને જોઈ છે. હીરો તરીકે ચાર્લી હનનેમ નામનો એક્ટર પસંદ તો થયો, પણ નવલકથાના ચાહકોએ ફેસબુક અને ટ્વિટર પર ચાર્લી વિરુદ્ધ બુમરાણ મચાવી દીધી. સ્ટુડિયોના માલિકો કરતાં ચાર્લી પર એની વધારે અસર થઈ. છેલ્લી ઘડીએ એણે 'મારી ટીવી સિરિયલોને કારણે મને ટાઈમ નહીં મળે' એવું બહાનું બતાવીને ફિલ્મ છોડી દીધી. તેની જગ્યાએ જેમી ડોર્મન નામના હેન્ડસમ આઈરિશ એક્ટરને કાસ્ટ કરવામાં આવ્યો. અગાઉ એ 'શેડો ઈન ધ સન' જેવી બે-ત્રણ ફિલ્મો કેલ્વિન ક્લાઈન જેવી ટોપ બ્રાન્ડ્સની કેટલીક એડ્સમાં ચમકી ચૂક્યો છે. આ ફિલ્મ મળવાને કારણે અત્યારથી એ હોલિવૂડની હોટ પ્રોપર્ટી ગણાવા લાગ્યો છે. પાપારાઝીઓ પડછાયાની જેમ એની આગળપાછળ ફર્યા કરે છે.
                                                                                                                             Photo courtesy : FameFlynet.uk.com

'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' રિલીઝ થવાને હજુ સાડાછ મહિનાની વાર છે, પણ જે રીતે અત્યારથી તેને મીડિયા અટેન્શન મળી રહ્યું છે તે જોતાં એની બોક્સઓફિસ સકસેસ ગેરંટેડ છે. આમેય ચોપડી વાંચનારાઓ કુતૂહલવશ એક વાર તો ફિલ્મ જોવા જશે જ. ફિલ્મ જો ખરેખર ખૂબ મોટી હિટ થઈ તો એની બબ્બે સિક્વલ કતારમાં તૈયાર જ ઊભી છે. એવું નથી કે ફિલ્મ અત્યંત સેક્સપ્રચુર હશે. આના કરતાં અનેકગણી વધારે કામુક ફિલ્મો આવી ચૂકી છે. આ ઈરોટિક કરતાં રોમેન્ટિક વધારે હશે. ફિલ્મને હાઈપ નવલકથાને કારણે મળ્યો છે. સુપરડુપર પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનો આ જ ફાયદો છે.
શો-સ્ટોપર

મારી ફિલ્મો ગમે તેટલી હિટ થાય, પણ મારાં મમ્મી-પપ્પા પર એની બહુ અસર થતી નથી. તેઓ શાંતિથી કહેશે કે ચલો અચ્છા હૈ, અબ આગે બઢો. એમના આવા રવૈયાના કારણે જ હું ક્યારેય સફળતાથી ફુલાઈને ફાળકો થઈ શકતી નથી.
- દીપિકા પદુકોણ

હૉલીવૂડ હન્ડ્રેડ : ફિલ્મ ૮૨ : ‘અ પ્લેસ ઈન ધ સન’

Mumbai Samachar - 2 August 2014

દુશ્મન દિલ કા જો હૈ મેરે...

હૉલીવૂડ હન્ડ્રેડ -મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો 

એલિઝાબેથ ટેલર શા માટે આજેય સ્ત્રી-સૌંદર્યનો માપદંડ ગણાય છે? જવાબ મેળવવા માટે ‘અ પ્લેસ ઈન ધ સન’ જોજો. અઢાર વર્ષની એલિઝાબેથે પુખ્ત વયે કરેલી આ સર્વપ્રથમ ફિલ્મ છે.




ફિલ્મ ૮૨ :‘અ પ્લેસ ઈન ધ સન’ 

ઝાઝી પિષ્ટપેષણ કર્યા વગર સીધા ફિલ્મની વાર્તા પર આવી જઈએ

ફિલ્મમાં શું છે?

જ્યોર્જ ઈસ્ટમેન (મોન્ટગોમરી ક્લિફ્ટ) એક ગરીબ પણ મહત્ત્વાકાંક્ષી યુવાન છે. શિકાગોમાં પોતાની ધાર્મિક મા સાથે રહે છે અને કોઈ હોટલમાં સર્વિસબોય તરીકે કામ કરે છે. એક વાર એની હોટલમાં અચાનક એના શ્રીમંત કાકા ચેક-ઈન કરે છે. કાકા મોટા બિઝનેસમેન છે. વાતવાતમાં એ જ્યોર્જને પોતાને ત્યાં કેલિફોર્નિયા આવવાનું આમંત્રણ આપે છે. એમ્બિશિયસ જ્યોર્જ આવો મોકો કેવી રીતે છોડે. એ અંકલ પાસે પહોંચી જાય છે. અંકલ એને પોતાની ફેક્ટરીમાં સાદી કારીગર કક્ષાની નોકરી આપે છે. જ્યોર્જ મનોમન નક્કી કરી લે છે કે ભલે મહેનત કરવી પડે, પણ હું અંકલને ઈમ્પ્રેસ કરીને અને લાઈફમાં આગળ વધીને જ રહીશ.

અંકલનો એક નિયમ છે કે ફેક્ટરીમાં કામ કરતી ક્ધયાઓ સાથે નયનમટકા નહીં કરવાના. જ્યોર્જ તોય એલિસ (શેલી વિન્ટર્સ) નામની કારીગર સાથે દોસ્તી કરે છે. ગરીબ ને સીધીસાદી એલિસ વરણાગી જ્યોર્જથી પ્રભાવિત થઈ જાય છે. એને એમ કે માલિકનો સગી ભત્રીજો છે એટલે એય ફટાફટ સાહેબ બની જવાનો. જ્યોર્જ સાહેબ તો નથી બનતો, પણ ધીમે ધીમે આગળ જરૂર વધતો જાય છે. એને સુપરવાઈઝરની પોસ્ટ આપવામાં આવે છે. પ્રોડક્શન કેવી રીતે વધારવું જોઈએ તે માટેના કેટલાંક સૂચનો અંકલને ગમી જાય છે. અંકલે ઘરે પાર્ટી જેવું રાખ્યું હતું. તેઓ જ્યોર્જને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપે છે.

જ્યોર્જ બનીઠનીને પાર્ટીમાં પહોંચી જાય છે. શહેરમાં તમામ સોશ્યલાઈટ્સ અહીં આવ્યા છે. એમાં એન્જેલા (એલિઝાબેથ ટેલર) નામની રૂપરૂપના અંબાર જેવી સોસાયટી ગર્લ પણ છે. બન્ને વચ્ચે પરિચય થાય છે. ચાર્મિંગ જ્યોર્જ એન્જેલાને પણ ઈમ્પ્રેસ કરી નાખે છે. એન્જેલા નિર્દોેષ છોકરી છે. એ જ્યોર્જના પ્રેમમાં પડે છે. એન્જેલાના બોયફ્રેન્ડ તરીકે જ્યોર્જ હાઈ સોસાયટીની પાર્ટીઓમાં મહાલવાનું અને મોટા મોટા માણસોને મળવાનું શરૂ કરે છે. જ્યોર્જ આવી જ લાઈફસ્ટાઈલ ઈચ્છતો હતો. એના બેય હાથમાં લાડુ છે. એક બાજુ એ એલિસ સાથે પેમલાપેમલીની રમત રમી રહ્યો છે, તો બીજી બાજુ એન્જેલાને ડેટિંગ કરી રહ્યો છે.



પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે એલિસ પ્રેગ્નન્ટ થઈ જાય છે. એ ચોખ્ખું કહે છે: જ્યોર્જ, તારે હવે મારી સાથે લગ્ન કરવાં પડશે. જ્યોર્જ અબોર્શન કરાવવાનો આગ્રહ કરે છે, પણ એલિસ માનતી નથી. જ્યોર્જ બરાબરનો ગૂંચવાય છે. દરમિયાન રૂપકડી એન્જેલા સરોવર કાંઠે આવેલા પોતાના હોલિડે હોમમાં વીકએન્ડ સાથે ગાળવા માટે જ્યોર્જને આમંત્રણ આપે છે. જ્યોર્જ એલિસ સામે જૂઠું બોલે છે કે ફેક્ટરીના કામે મારે બે દિવસ માટે બહારગામ જવું પડે તેમ છે. સરોવરને કાંઠે એ એન્જેલા સાથે ખૂબ મોજમસ્તી કરે છે. એને ખબર પડે છે કે આ જ સરોવરમાં થોડા સમય પહેલાં એક યુગલ ડૂબી ગયેલું. એમની બોડીનો પછી પત્તો જ ન લાગ્યો. જ્યોર્જના શેતાની દિમાગમાં આઈડિયા સૂઝે છે: મારે એન્જેલા સાથે લગ્ન કરવા હશે તો એલિસનો કાંટો કાઢવા આ જગ્યાએ લાવવી પડશે.

જૂઠ કેટલો સમય છુપાય? એન્જેલા પકડી પાડે છે કે એની પીઠ પાછળ જ્યોર્જ કોઈની સાથે છાનગપતિયાં કરી રહ્યો છે. એક વાર ડિનર પાર્ટીમાં જ્યોર્જના કાકાનો પરિવાર અને એન્જેલાનો પરિવાર એકઠા થાય છે. જ્યોર્જ મોટો મીર મારવાની અણી પર છે ત્યાં કાળઝાળ એન્જેલાનો ફોન આવે છે: હમણાં ને હમણાં મારી પાસે આવ. જો તું નહીં આવ તો અબઘડીએ હું પાર્ટીમાં પહોંચી જઈશ ને તારું ભોપાળું છતું કરી દઈશ! જ્યોર્જ બહાનું બતાવીને ઊભી પૂંછડીએ ભાગે છે.

બીજા દિવસે સવારે બન્ને લગ્ન કરવા કોર્ટ પહોંચે છે, પણ જાહેર રજાને કારણે કોર્ટ બંધ છે. જ્યોર્જના મનમાં પાછી શેતાની યોજના સળવળવા લાગે છે. એ લટુડોપટુડો થઈને એલિસને કહે છે: જો, આજે આમેય કંઈ થવાનું નથી. એક કામ કરીએ. શહેરથી થોડે દૂર એક સરસ સરોવર છે. ચાલને આજનો દિવસ ત્યાં વિતાવીએ. એલિસ માની જાય છે.

બન્ને સરોવર પાસે પહોંચી એક બોટ ભાડે કરે છે. જ્યોર્જની નર્વસનેસનો પાર નથી. એ પોતાનું ખોટું નામ લખાવે છે. લેકમાં બીજી બોટ્સ છે કે કેમ તે જાણવાની કોશિશ પણ કરે છે. બોટિંગની મજા માણી રહેલી એલિસ બાપડી ખુશ ખુશ છે. એ ભવિષ્યનાં સપનાં જોઈ રહી છે. એયને આપણું સરસ મજાનું બાળક હશે, આપણે મજાની જિંદગી વિતાવીશું ને એવું બધું. એની વાતો સાંભળીને જ્યોર્જનું હૃદય ભરાઈ આવે છે. એલિસને પતાવી નાખવાનો પ્લાન એ મનોમન કેન્સલ કરી નાખે છે.... પણ આજે એલિસના નસીબમાં યેનકેન પ્રકારેણ મોત લખાયેલું છે. એ બોટમાં ઊભી થવા જાય છે ત્યાં અચાનક બોટ ઊંધી વળી જાય છે. જ્યોર્જ તો જેમ તેમ પાણીની બહાર આવી જાય છે, પણ એલિસ ડૂબી જાય છે.



જ્યોર્જને ટેન્શનનો પાર નથી, પણ એ કોઈને કશું કહેતો નથી. એલિસની ડેડબોડી મળી આવે છે. પ્રથમદર્શી પુરાવા પરથી પોલીસને લાગે છે કે એની હત્યાનો પ્રયાસ થયો છે. છાનબીનનો રેલો જ્યોર્જ સુધી પહોંચે છે. જ્યોર્જની વિરુદ્ધમાં ઘણા મુદ્દા છે: બોટ ભાડે લેતી વખતે એણે ખોટું નામ કેમ લખાવ્યું? એણે એલિસને બચાવવાની કોશિશ કેમ ન કરી?

પોલીસમાં અકસ્માતની કમ્પ્લેઈન કેમ ન નોંધાવી? એન્જેલાના પિતા દીકરીનો હાથ જ્યોર્જના હાથમાં આપવા તૈયાર થાય છે તે જ વખતે પોલીસ એની ધરપકડ કરે છે. એ લાખ સમજાવવાની કોશિશ કરે છે. એ કબૂલ સુધ્ધાં કરે છે કે મારા મનમાં એલિસને મારવાનો ઈરાદો જરૂર હતો, પણ મેં નથી એને ધક્કો માર્યો કે નથી એના પર પ્રહાર કર્યો. બોટ એની જાતે પલટી ગઈ ને એલિસ પાણીમાં ડૂબી ગઈ.

જ્યોર્જને મોતની સજા સુણાવવામાં આવે છે. એની મા ખ્રિસ્તી પાદરી સાથે એને મળવા આવે છે. પાદરી એને પૂછે છે: તું ધારત તો એલિસને બચાવી શક્યો હોત. જવાબ આપ, જ્યારે બોટ ઊંધી વળી ગઈ ત્યારે તારા મનમાં કોણ હતું - એલિસ કે એન્જેલા? જ્યોર્જ વિચારમાં પડી જાય છે. એન્જેલા સાથે વિતાવેલી રોમેન્ટિક પળો એના દિમાગમાં ઝબકી જાય છે. એ કશું બોલતો નથી. આખરે એન્જેલા પણ એને મળવા આવે છે. એ કબૂલે છે કે તારા પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય મરવાનો નથી. અંતિમ સીનમાં જ્યોર્જને ઈલેક્ટ્રિક ચેર તરફ લઈ જવામાં આવે છે. તે વખતે પણ એના મનમાં આ જ વસ્તુ રમી રહી છે - એન્જેલા સાથેની રોમેન્ટિક પળો...

કથા પહેલાંની અને પછીની

‘અ પ્લેસ ઈન ધ સન’ મૂળ તો થિયોડોર ડ્રીઝર નામના લેખકે લખેલી ‘એન અમેરિકન ટ્રેજેડી’ નામની નવલકથા. ૧૯૩૧માં આ જ નામની ફિલ્મ પણ બની હતી, પણ એ ચાલી નહોતી. વીસ વર્ષ પછી જ્યોર્જ સ્ટિવન્સે રિમેક બનાવી ત્યારે ટાઈટલ બદલવાનું નક્કી કરવામાં આવ્યું. ઘણાં ટાઈટલ વિચારાયાં. સૌથી ઉત્તમ ટાઈટલ સજેસ્ટ કરનાર માટે ઈનામની ઘોષણા પણ થઈ. એક નામ ‘ધ પ્રાઈઝ’ વિચારવામાં આવેલું. આખરે ઈવાન નામના અસોસિએટ ડિરેક્ટરે ‘અ પ્લેસ ઈન ધ સન’ નામ સુઝાડ્યું જેને આખરે ફાઈનલાઈઝ કરવામાં આવ્યું.

આ ફિલ્મની સૌથી મોટી હાઈલાઈટ હોય તો એ છે, એલિઝાબેથ ટેલર. એણે કરીઅરની શરૂઆત કરેલી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે, પણ ‘અ પ્લેસ ઈન ધ સન’માં પહેલી વાર એ એડલ્ટ ભૂમિકા કરી રહી હતી. માત્ર અઢાર વર્ષની એલિઝાબેથ આ ફિલ્મમાં એટલી અદ્ભુત દેખાય છે કે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એનું રૂપ જોઈને આખી દુનિયાના પુરુષોની ડાગળી સાગમટે ચસકી ગયેલી! હોલિવૂડ લેજન્ડ રિચર્ડ બર્ટને (કે જેણે પછી લિઝ ટેલર સાથે બબ્બે વાર લગ્ન કરેલાં) આ ફિલ્મ જોઈને અભિભૂત થઈને કહેલું, ‘શી વોઝ સો એક્સ્ટ્રાઓર્ડિનરિલી બ્યુટિફુલ ધેટ આઈ નિયરલી લાફ્ડ આઉટ લાઉડ... શી વોઝ અનક્વેશ્ર્ચેનેબલી ગોર્જીઅસ... શી વોઝ લેવિશ, શી વોઝ ડાર્ક.... શી વોઝ, ઈન શોર્ટ, ટુ મચ....’

એલિઝાબેથ કામુક અને માસૂમ બન્ને એકસાથે દેખાય છે આ ફિલ્મમાં. એલિઝાબેથ શા માટે આજેય સ્ત્રીના સૌંદર્યનો માપદંડ ગણાય છે તે સમજાય એવું છે. એક લેજન્ડ તરીકેના એના ફિલ્મી જીવનનું આ પ્રારંભબિંદુ હતું. ફિલ્મ રિલીઝ થઈ પછી એલિઝાબેથે પહેરેલાં કોસ્ચ્યુમ્સની જોરદાર ફેશન ફાટી નીકળી હતી. એમાંય લિઝનો વ્હાઈટ લાઈલેક ગાઉન તો ખૂબ હોટ-એન્ડ-હેપનિંગ ગણાતો હતો. પુખ્ત થયા પછીની એલિઝાબેથની આ પહેલી ફિલ્મ છે છતાંય એનાં પર્ફોેર્મન્સમાં મેચ્યોરિટી છે. ૨૯ વર્ષના મોન્ટગોમરી ક્લિફ્ટ સાથેની એની જોડી પણ સરસ લાગે છે.



એલિસ બનતી શેલી વિન્ટર્સની ઈમેજ એ વખતે એક સેક્સ સિમ્બોલની હતી, પણ આ ફિલ્મમાં એને બિલકુલ નોન-ગ્લેમરસ દેખાડવામાં આવી છે. સામે એલિઝાબેથ ટેલર જેવી અતિ બ્યુટિફુલ હિરોઈન કો-સ્ટાર હતી એટલે સમગ્ર શૂટિંગ દરમિયાન શેલી વિન્ટર્સ ખૂબ લઘુતાગ્રંથિ અનુભવતી રહી. આ એણે ખુદ કબૂલ્યું છે. ફિલ્મમાં લિઝ ટેલર સફેદ રંગની મસ્ત કેડિલેક ક્ધવર્ટિબલ કાર ચલાવે છે. લઘુતાગ્રંથિમાંથી બહાર આવવા માટે શેલી ફિલ્મ પૂરી થઈ ગયા પછી પણ વર્ષો સુધી અસલી જીવનમાં આવી સેમ-ટુ-સેમ કાર ચલાવતી રહી!

પેરેમાઉન્ટ સ્ટુડિયોની ‘સનસેટ બુલેવાર્ડ’ નામની માસ્ટરપીસ ગણાયેલી અને ખૂબ હિટ થયેલી ફિલ્મ છે (તેના વિશે આપણે ‘હોલિવૂડ હંડ્રેડ’ સિરીઝમાં અગાઉ વાત કરી ચૂક્યા છીએ). ‘અ પ્લેસ ઈન ધ સન’નું શૂટિંગ ૧૯૪૯માં પૂરું થઈ ગયું હતું, પણ સ્ટુડિયોની ઈચ્છા હતી કે ઑસ્કરની રેસમાં પેરેમાઉન્ટની જ આ બન્ને ફિલ્મો સામસામી હરીફાઈમાં ન ટકરાય તે માટે ‘અ પ્લેસ ઈન ધ સન’ને જરા મોડી રિલીઝ કરવી. જ્યોર્જ સ્ટિવન્સને તો મજા પડી ગઈ, કેમ કે તેમને પોસ્ટ પ્રોડક્શન માટે વધારે સમય મળતો હતો. જોકે સ્ટુડિયોનું પ્લાનિંગ સફળ ન થયું. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે બન્ને ફિલ્મો આખરે એક જ વર્ષમાં રિલીઝ કરવી પડી. ઑસ્કરમાં બન્ને વચ્ચે તડાફડી થઈ જ. ‘અ પ્લેસ ઈન ધ સન’ને છ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી છ એણે જીતી લીધાં.

બોક્સ ઓફિસ પર ફિલ્મ ખૂબ ચાલી. ચાર્લી ચેપ્લિન તો એના પર સમરકંદ બુખારા ઓવારી ગયા હતા. એટલી હદે કે ‘અ પ્લેસ ઈન ધ સન’ને એમણે અમેરિકન કલ્ચર વિશેની ગે્રેટેસ્ટ ફિલ્મ ગણાવી. અમુક ક્રિટિક્સને ભલે આ ફિલ્મ સદાબહાર ન લાગતી હોય, પણ સર્વકાલીન મહાનતમ ફિલ્મોની સૂચિઓમાં તે નિયમિત સ્થાન પામતી રહી છે. ફિલ્મ જોજો. કોઈપણ ભોગે કરીઅરમાં આગળ વધવા માટેના હવાતિયાં, હાઈ-સોસાયટીના હિસ્સા બનવાના ધખારા, લવ-ટ્રાયેન્ગલ - આ બધું તમને પણ અપીલ કરશે જ.

અ પ્લેસ ઈન ધ સન’ ફેક્ટ ફાઈલ

ડિરેક્શન-સ્ક્રીનપ્લે : જ્યોર્જ સ્ટિવન્સ

મૂળ નવલકથાકાર : થિયોડોર ડ્રીઝર (‘એન અમેરિકન ટ્રેજેડી’)

કલાકાર : મોન્ટગોમરી ક્લિફ્ટ, એલિઝાબેથ ટેલર, શેલી વિન્ટર્સ

રિલીઝ ડેટ : ૧૪ ઓગસ્ટ, ૧૯૫૧

મહત્ત્વના અવૉર્ડ્ઝ : બેસ્ટ ડિરેક્ટર, સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી (બ્લેક એન્ડ વ્હાઈટ), કોસ્ચ્યુમ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ), એડિટિંગ અને મ્યુઝિક માટેનાં ઓસ્કર અવૉર્ડ્ઝ. બેસ્ટ પિક્ચર, એક્ટર અને એક્ટ્રેસ (શેલી વિન્ટર્સ) માટેનાં ઑસ્કર નોમિનેશન્સ.

0 0 0