Saturday, January 4, 2014

મલ્ટિપ્લેક્સ : મૈં કસમ ખાતા હૂં કિ...

Sandesh - Sanskaar Purti - 5 Jan 2014

મલ્ટિપ્લેક્સ 

૨૦૧૪માં અમિતાભને માધુરી દીક્ષિત સાથે કામ કરવું છેસલમાન ખાનને વર્જિનિટી પિલ્સ વેચવી છેહ્યતિક રોશનને પોતાનાં ઝુલ્ફાં બચાવવાં છે અને સોનાક્ષી સિંહાને...

ફિલ્મી દુનિયાનાં તારક-તારિકાઓએ નવા વર્ષે જે સંકલ્પો કર્યા છે એની કાલ્પનિક ફાઇલ અમારી પાસે આવી છે. તમારે જાણવું છે કોણે કેવા મક્કમ નિર્ધાર કર્યા છે? સાંભળો. શરૂઆત બિગ બીથી કરીએ.
અમિતાભ બચ્ચન

આ વર્ષે માધુરી દીક્ષિત સાથે એટલિસ્ટ એક ફિલ્મ કરીશ. મારા બાયોડેટામાં આવી અદ્ભુત એકટ્રેસ સાથે એક પણ ફિલ્મ ન બોલતી હોય તે કેમ ચાલે. હું સુભાષ ઘાઈની પાછળ પડી જઈશ. વર્ષો પહેલાં એમણે તમે મને અને માધુરી દીક્ષિતને લઈને 'શનાખ્ત' નામની ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી, જેનું કોઈ પણ કારણસર ભેદી બાળમરણ થઈ ગયું હતું. હું સુભાષજીને કહીશ કે તમે માળિયાં પર ચડો, જો તમને ફાવતું ન હોય તો મને માળિયા પર ચડાવો, પણ આપણે 'શનાખ્ત'નું જે કંઈ મટીરિયલ અવેલેબલ હોય તે શોધી કાઢીએ અને ફિલ્મ નવેસરથી શરૂ કરીએ. વાર્તા આઉટ-ઓફ-ડેટ થઈ ગઈ હોય તો નવી લખાવીશું. મને તો માધુરીના જમાઈનો રોલ કરવામાં પણ વાંધો નથી. શું હું 'પા'માં અભિષેકનો દીકરો બની શકતો હોઉં તો શું માધુરીની દીકરીનો વર ન બની શકું?
અભિષેક બચ્ચન

અરે યાર, આ ફેસબુક અને વોટ્સેપવાળા તો મારી પાછળ પડી ગયા છે. મારા વિશે જાતજાતના જોક્સ બનાવીને સરક્યુલેટ કર્યા જ કરે છે. મને શું કામ બધાં ફલોપ હીરો... ફ્લોપ હીરો કીધા કરે છે? શું મારી 'બોલ બચ્ચન' હિટ નહોતી? હતી જ. અરે, મારી લેટેસ્ટ ફિલ્મ 'ધૂમ-થ્રી' તો સુપરહિટ છે. ઉપરાછાપરી બબ્બે હિટ આપ્યા પછી પણ બોલિવૂડમાં મારી બોલબોલા નહીં? હું પ્રતિજ્ઞા લઉં છું કે હું વહેલામાં વહેલી તકે કોઈ સારી પીઆર એજન્સીને હાયર કરીશ, મીડિયામાં મારી વાહવાહી કરાવતા ન્યૂઝ-ફીચર્સ પ્લાન્ટ કરાવીશ અને મારી ઇમેજનું જોરદાર મેકઓવર કરીશ.


સલમાન ખાન

હવે આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે હું વર્જિન છું. થેન્કસ ટુ કોફી વિથ કરણ. મારી વર્જિનિટીનું રાઝ છે એક ગુપ્ત જડીબુટ્ટી. મારું નવા વર્ષનું કમિટમેન્ટ એ છે કે મારા કૌમાર્યના રહસ્યસમી પેલી જડીબુટ્ટીનું હું જથ્થાબંધ ઉત્પાદન કરાવીને ટેબ્લેટ સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવીશ. દિવસમાં ત્રણ વખત નિયમિત સેવન કરનાર પુરુષની વર્જિનિટી જોતજોતામાં રિ-સ્ટોર થઈ જશે. બસ, ફિર જિયો જી ભર કે!
અનિલ કપૂર


સાંભળ્યું છે કે સલમાન ખાન કંઈક પુરુષોનું કૌમાર્ય પુનઃ સ્થાપિત કરતી ટેબ્લેટ્સ મેન્યુફેક્ચર કરવાનો છે. નવા વર્ષે હું પ્રતિજ્ઞા લઉં છું કે કોઈ પણ ભોગે તે ટેબ્લેટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર હું જ બનીશ. આઈ મીન, વ્હાય નોટ? મારી હરીફાઈ કંઈ શાહરૂખ-સલમાન સાથે થોડી છે. એ લોકો તો બુઢા થઈ ગયા. મારે રણબીર કપૂર, રણવીર સિંહ અને સુશાંત સિંહ રાજપૂત જેવાં નવાં વછેરાંઓને હંફાવવાનાં છે. મારે વર્જિન ઇમેજ ઊભી કરવી જ પડે.
દીપિકા પદુકોણ

મને લાગે છે કે મને એક્સ-બોયફ્રેન્ડ્ઝ બહુ ફળે છે. જુઓને, રણબીર કપૂર સાથે મારું બ્રેકઅપ થયું તે પછી જ અમારી 'યે જવાની હૈ દીવાની' સુપરહિટ થઈને. ક્યાં ગયું કેલેન્ડર? આ રહ્યું. જુઓ, એપ્રિલના એન્ડમાં હું રણવીર સિંહ સાથે બ્રેકઅપ કરું તો મેમાં અમારી નવી ફિલ્મ શરૂ કરાવી શકું. આહા, એ તો 'રામ-લીલા' કરતાંય વધારે હિટ થશે. તે પછી સમજોને કે જુલાઈ-ઓગસ્ટમાં ૨૦૧૪માં હૃતિક રોશન સાથે અફેર પ્લાન કરું. આમેય એ હવે ડિવોર્સી છે એટલે અમારાં અફેરની વાતો જંગલની આગની જેમ ફેલાશે. ડિસેમ્બર ૨૦૧૪ સુધી હૃતિક સાથે ચલાવવાનું. પછી નવા વર્ષે નવો ઘોડો. કૂલ!
રિતિક રોશન

હેય, કોણ કહે છે કે હું ડિવોર્સી છું? સુઝેન અને હું માત્ર સેપરેટ થયાં છીએ. છૂટાછેડા તે કંઈ લેવાતા હશે? ધારો કે છૂટાછેડા થાય તો મારે સુઝેનને ખાધાખોરાકીના કમસેકમ સો-બસ્સો કરોડ રૂપિયા ગણી આપવા પડે. એમાં તો મારી ટાલ પડી જાય. મારા પપ્પાની ટાલ ઓલરેડી વર્ષો પહેલાં પડી ચૂકી છે. એક ઘરમાં બબ્બે ટાલિયા કેવા લાગે? એના કરતાં હું સુઝેનને સમજાવી-ફોસલાવીને ઘરે પાછી લાવીશ અને પછી મીડિયામાં 'લગ્ન કેવી રીતે ટકાવવાં' તે વિશેના ડાહ્યા ડાહ્યા ઈન્ટરવ્યૂ આપીશ. એ સસ્તું પડશે.
રણબીર કપૂર

મારું ન્યૂ યર રિઝોલ્યુશન એ છે કે આ આખા વર્ષ દરમિયાન હું દર મહિને કેટરીનાને સૌથી સ્ટાઈલિશ અન્ડરગાર્મેન્ટ્સ ગિફ્ટ કરતો રહીશ. આઈ મીન, અરે યાર, પેલા પાપારાઝી ફોટોગ્રાફમાં એણે જે માથામેળ વગરની લાલ-સફેદ બ્રા-પેન્ટી પહેર્યાં હતા એમાં એ કેટલી વાહિયાત ગામડિયણ દેખાતી હતી! કમસે કમ એણે મારી ઈજ્જતનો વિચાર તો કરવો જોઈતો હતો. મને જો ખબર હોત કે તે આવા વેશ કાઢવાની છે તો હું એને બીચ પર લઈ જ ન જાત. ખેર.
સોનાક્ષી સિંહા


હું આ વર્ષે પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા વજન પર ધ્યાન આપીશ. કોણ બોલ્યું, વેઈટલોસ? ખામોશ! હું વજન વધારવાની વાત કરી રહી છું. ત્રીસ-પાંત્રીસ કિલો વજન તો હું ચપટી વગાડતાં વધારી લઈશ. મારી સિક્રેટ એમ્બિશન છે, મહિલા પહેલવાન બનવાનું. ક્યાં સુધી હિરોઈનગીરી કરતાં રહીને ગંદી-ગંદી-ગંદી-બાત પર ઠૂમકાં માર્યા કરવાના? કેટલું બધું કરવાનું છે લાઇફમાં. મારે પહેલવાન બનવું છે, પછી રેસલર બનીને મહિલાઓ માટેના ડબલ્યુ.ડબલ્યુ.એફ.ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કરવું. યુ નો વોટ, મારા ફેન્સ તો હું ફિલ્મોમાં આવી ત્યારથી જ મને પહેલવાન... પહેલવાન કરવા લાગ્યા છે. આઈ લવ માય ફેન્સ! મને આજ સુધીમાં મળેલી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કઈ છે, જાણો છો? એ જ કે હું વિન્દુ દારા સિંઘની ટ્વિન સિસ્ટર જેવી દેખાઉં છું. હાઉ સ્વીટ!
શો-સ્ટોપર

સ્વર્ગસ્થ ફારૂક શેખે એક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જેનું ટાઈટલ હતું 'ઘેર ઘેર માટીના ચૂલા'. એમનાં સહકલાકારો હતાં રીટા ભાદુરી, સુષ્મા વર્મા, દીના પાઠક, અરવિંદ જોશી ઈત્યાદિ. સાહિત્યકાર ધીરુબહેન પટેલે ફિલ્મનાં ગીતો લખ્યાં હતાં.

                                                    o o o 

1 comment:

  1. મજ્જા પડી ગઇ ...
    રક્ષિત પંડિત, ગાંધીનગર

    ReplyDelete