Friday, August 9, 2013
હોલીવૂડ હંડ્રેડ: ગ્લેમર કે દલદલ મેં, ગોસિપ મેં, સ્કેન્ડલ મેં...
મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ - હોલીવૂડ હંડ્રેડ - તા. ૯ ઓગસ્ટ ૨૦૧૩
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
બોલિવૂડનાં ગીત અને નૃત્યવાળી ફિલ્મોની હાંસી કરતું હોલિવૂડ ખુદ જ્યારે મ્યુઝિકલ બનાવે છે ત્યારે સોંગ-એન્ડ-ડાન્સની રેલમછેલ કરી દે છે. ‘શિકાગો’ની આવી ૧૬ અફલાતૂન સિકવન્સમાં એટલી બધી એનર્જી છલકાય છે કે ન પૂછો વાત.
ફિલ્મ નંબર ૩૪. શિકાગો
વર્ષ ૧૯૨૪. અમેરિકાના શિકાગો શહેરમાં જાઝ કલ્ચર પૂરબહારમાં ખીલી ચુક્યું છે. રોક્સી હાર્ટ (રીની ઝેલવેગર) નામની એક રુપકડી સ્ટ્રગલર યુવતી શહેરની કોઈ નાઈટક્લબમાં કોરસ-ગર્લ તરીકે કામ કરે છે. એમોસ (જોન રીલી) નામના માણસની એ પત્ની છે. રોક્સી બડી ઉસ્તાદ છે, જ્યારે એમોસ લગભગ બોરિંગ કહી શકાય એટલી હદે ભોળોભટાક છે. અતિ મહત્ત્વાકાંક્ષી રોક્સીને એક્સ્ટ્રા કલાકાર બની રહેવામાં રસ નથી. એને તો સ્ટેજ પર મેઈન ડાન્સર બનીને પર્ફોર્મન્સ આપવાં છે, વેલ્મા કેલી (કેથરીન ઝેટા-જોન્સ) જેવા ગ્લેમરસ સ્ટાર બનવું છે. રોક્સીનો એક ચલતોપૂર્જો પ્રેમી છે. હું તને મોટો બ્રેક અપાવીશ એમ કહીને એણે રોક્સીને ફસાવી રાખી છે. એક દિવસ રોક્સીનો ઉપભોગ કરી લીધા પછી પ્રેમી ચોખ્ખું કહી દે છે: સાંભળ, તું ધારે છે એવા મારા કોઈ કોન્ટેક્ટ્સ નથી એટલે મહેરબાની કરીને સ્ટાર બનવાનાં સપનાં જોવાનું બંધ કર. રોક્સીને ભયંકર ગુસ્સો ચડે છે. ડ્રોઅરમાંથી રિવોલ્વર કાઢીને એ પેલાના જિસસ રમાડી દે છે. રોક્સીની નફ્ટાઈ જુઓ. એ પોતાના વર એમોસને પટાવે છે કે ખૂનનો ગુનો તું તારા માથા પર લઈ લે. કહેજે કે આ માણસ ઘરમાં ધાડ પાડવા આવેલો. ફિકર કરવાની જરુર જ નથી. તું જલદી જેલમાંથી છૂટી જઈશ! એમોસ માની જાય છે. એ તો છાનબીન કરી રહેલા ડિટેક્ટિવે પક્ડી પાડ્યું ત્યારે એને ખબર પડી કે એની પીઠ પાછળ રોક્સી આ માણસ સાથે રંગરેલીયા મનાવતી હતી. એમોસમાં એટલી અક્કલ તો છે કે બેવફા પત્નીનો ગુનો પોતાના માથે ન ઓઢાય. રોક્સી ખૂનના આરોપસર જેલભેગી થાય છે.
યોગાનુયોગે રોક્સી જેના જેવી બનવા માગતી હતી એ ડાન્સિંગ સ્ટાર વેલ્મા પણ એ જ જેલમાં છે. વેલ્માને ખબર પડી કે પોતાના પતિ અને સગી બહેન વચ્ચે અફેર ચાલે છે. વેલ્માએ બન્નેને પતાવી નાખ્યાં. ડબલ મર્ડર કેસમાં એને અંદર કરી દેવામાં આવી છે. જેલની મેટ્રન મોર્ટન ઉર્ફ ‘મામા’ (ક્વીન લતીફા) એક નંબરની ભ્રષ્ટ ઔરત છે. એ કેદીઓ પાસેથી લાંચ લઈને એમને સિગારેટ અને બીજી ચીજવસ્તુઓ પૂરી પાડે છે. વેલ્માનો વકીલ બિલી ફ્લીન (રિચર્ડ ગિઅર) બાહોશ માણસ છે. એ બિન્દાસ કહે છે કે જો જિસસ ક્રાઈસ્ટ શિકાગોમાં રહેતા હોત અને મને વકીલ તરીકે રોક્યો હોત તો બાઈબલની કહાણી કંઈક જુદી જ હોત! બિલી જોકે વકીલ કરતા સેલિબ્રિટી પી.આર. વધારે છે. શહેરનાં સનસનાટીભર્યાં ટેબ્લોઈડ્સ એટલે કે અડધિયાં છાપાંના રિપોર્ટરોને એ વેલ્મા વિશે જાતજાતનો મસાલો આપ્યા કરે છે. છાપાં તે બધું છાપ્યાં કરે છે જેના લીધે વેલ્મા સતત ન્યુઝમાં રહે છે. ચતુર રોક્સી તરત સમજી જાય છે કે જો વક્ીલ કરવો જ હોય તો આ બિલીબોયને જ હાયર કરવો જોઈએ. એ પતિદેવને નવેસરથી પટાવે છે. પતિદેવ રોક્સીનો કાનૂની કેસ લડવા બિલીને રોકે છે. હવે બિલી અને રોક્સી મળીને નવી સ્ટ્રેટેજી ઘડી કાઢે છે. પ્રેસ કોન્ફરન્સમાં રોક્સી જાણે શોષિત નારી હોય એવું ચિત્ર બિલી ઊપસાવે છે. છાપાંવાળા અને રેડિયોવાળાઓને મજા પડી જાય છે. એમને તો રોક્સીના રુપમાં નવું ગ્લેમરસ ‘રમકડું’ મળી ગયું છે.
રોક્સીની ઊપજાવી કાઢેલી દર્દભરી કહાણીઓ વાંચી વાંચીને શિકાગો એના પ્રેમમાં પડી જાય છે. દેખીતું છે કે વેલ્માના પેટમાં તેલ રેડાવાનું જ. એક તો, મિડીયાનું ધ્યાન હવે એના પરથી હટીને રોક્સી પર જતું રહ્યું છે. બીજું, વકીલ બિલી પણ હવે એને પહેલાં જેવું અટેન્શન આપતો નથી. ઘાંઘી બનેલી વેલ્મા રોક્સી સાથે બહેનપણા કરવાની કોશિશ કરે છે. એ કહે છે: ‘રોક્સી, મારા શોમાં મારી બહેન પણ પર્ફોર્મ કરતી હતી, પણ હવે એ રહી નથી એટલે એની જગ્યા ખાલી પડી છે. એક વાર આપણે છુટી જઈએ પછી મારી બહેનનો રોલ તું કરજે. આપણે બન્ને સાથે મળીને ધમાલ મચાવીશું.’ પણ હવે રોક્સીને વેલ્મામાં રસ રહ્યો નથી!
આ બન્ને વચ્ચે ચડસાચડસી ચાલી રહી હતી ત્યાં જેલમાં ઓર એક માથાભારે સ્ત્રીની એન્ટ્રી થાય છે. એ ટ્રિપલ મર્ડર કેસમાં અંદર થઈ છે - એણે પતિ અને એની સાથે સાગમટે શય્યા સુખ માણી રહેલી બે સ્ત્રીઓ આ ત્રણેયને ઉડાવી દીધા છે! મિડીયા હુડુડુડુ કરતું હવે એની પાછળ પડે છે. સૌનું ધ્યાન પોતાની તરફ ટકાવી રાખવા રોક્સી પ્રેગનન્ટ હોવાનું નાટક કરે છે. પ્રેગનન્સી ટેસ્ટ કરવા આવેલા ડોક્ટરને પણ એણે પટાવી લીધો છે. રોક્સીનો કેસ જાહેર જોણું બની ગયો છે. બિલી એવી કંઈક કરામત કરે છે કે જેને લીધે રોક્સી અને વેલ્મા બન્નેનેે જેલમાંથી મુક્તિ મળે છે, પણ ત્યાં સુધીમાં રોક્સીમાંથી લોકોનો રસ ઓછો થઈ ગયો છે. ભોળા પતિદેવને ખબર પડે છે કે પોતે કંઈ બાપ બનવાનો નથી, આ તો રોક્સીનું નાટક હતું. એ રોક્સીને છોડી દે છે. રોક્સી સ્ટેજ ડાન્સર-સિંગર તરીકેની પોતાની કરીઅર પાછી શરુ તો કરે છે, પણ એને ધારી સફળતા મળતી નથી. વેલ્માની કરીઅર પણ ઠંડી છે. એ ફરી રોક્સીને પૂછે છે: હવે બોલ, સાથે કામ કરવું છે? રોક્સી પાસે હવે હા પાડવા સિવાય છુટકો નથી. બન્ને ખૂની બાઈઓ સાથે પર્ફોર્મન્સ આપવાનું શરુ કરે છે અને જોરદાર સફળતા મેળવે છે. સ્ટેન્ંિડગ ઓવેશનના દશ્ય પર ફિલ્મ પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
ચકાચાૌંધ કરી દેતાં કુલ ૧૬ જેટલાં ડાન્સ અને ગીતોવાળી ‘શિકાગો’ ફિલ્મ આ જ નામના બ્રોડવે મ્યુઝિકલ પર આધારિત છે. ન્યુયોર્કમાં ૧૯૭૫માં ઓપન થયેલા આ સક્સેસફુલ મ્યુઝિકલે ૯૩૬ શોઝ કર્યા હતા. ખૂનના આરોપમાં સપડાઈ ચુકેલી બે અસલી જાઝ સિંગર-ડાન્સર્સની જીંદગી પરથી મ્યુઝિકલ તૈયાર કરવામાં આવ્યું હતું. બોબ ફોસ નામના વિખ્યાત ડિરેક્ટર-કોરિયોગ્રાફરે એને ઘાટ આપ્યો હતો. વાસ્તવમાં આ ફિલ્મનું ડિરેક્શન પણ બોબ ફોસ જ કરવાના હતા, પણ એમનું મૃત્યુ થતા બોબ માર્શલને પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો.
ફિલ્મમાં આજથી ૯૦ વર્ષ પહેલાંના અમેરિકાની વાત છે, પણ સનસનાટી પેદા કરતા સમાચારોની પાછળ ભૂખ્યા વરુની જેમ દોડતું મિડીયા, પબ્લિસિટી મેળવવા માટે કોઈ પણ સ્તરે ઊતરી જતા માણસો, શો બિઝનેસનું છળકપટ વગેરે તત્ત્વો આજે પણ એટલા જ રિલવન્ટ છે. ફિલ્મમાં ડગલે ને પગલે ડાન્સ-ગીતો આવતાં રહે છે. આજ સુધીમાં બોલિવૂડની કોઈ ફિલ્મે કોર્ટમાં ડાન્સ દેખાડવાની હિંમત કરી નથી, પણ ‘શિકાગો’માં તો અદાલતની કારવાઈવાળાં સીનમાં વકીલ બનેલો રિચર્ડ ગિઅર રીતસર ટપ-ડાન્સ કરવા લાગે છે. ભારે ક્યુટ લાગે છે રિચર્ડ આ સિક્વન્સમાં! ટપ ડાન્સ શીખવા માટે એણે ત્રણ મહિના રીતરસ ટ્રેનિંગ લીધી હતી. ‘શિકાગો’માં તો જેલમાં પણ ડાન્સ છે અને પ્રેસ કોન્ફરન્સમાં પણ ડાન્સ છે. અલબત્ત, આ નૃત્યો પ્રતીકાત્મક છે યા તો ફેન્ટસી તરીકે પેશ થાય છે. ફિલ્મનો પ્રકાર મ્યુઝિકલનો છે એટલે એમાં ગીત-સંગીત-નૃત્યોની રેલમછેલ હોવાની જ. ‘ઓલ ધેટ જાઝ’, ‘રેઝલ-ડેઝલ’, ‘વ્હેન યુ આર ગુડ ટુ મામા’ અને ‘ઓલ આઈ કેર અબાઉટ’ ગીતો સૌથી વધારે યાદ રહી જાય એવાં છે. નૃત્યો અને કોરિયોગ્રાફીનું સ્તર દેખીતી રીતે જ અવ્વલ દરજ્જાનું છે. જે રીતે ડાન્સ સિકવન્સીસનું શાર્પ એડિટિંગ થયું છે એ કમાલનું છે. આપણને થાય કે હિન્દી ફિલ્મોમાં આ પ્રકારના ડાન્સ પડદા પર પેશ થાય છે એમાં આ સ્તરની અસર કેમ ઊભી થતી નથી. મધુર ભંડારકરની ‘હિરોઈન’ થોડા મહિના પહેલાં આવી હતી. સંજય છેલે બડી ખૂબસુરતીથી લખેલાં એનાં ટાઈટલ સોંગની કોરિયોગ્રાફીમાં એક જગ્યાએ ‘શિકાગો’ની નકલ થઈ છે. ‘શિકાગો’માં એક સાથે અનેક અરીસામાં ડાન્સ કરી રહેલી રીની ઝેલવેગરનાં પ્રતિબિંબ ઝીલાય છે, તો ‘હિરોઈન’નાં ગીતમાં આવું ડિટ્ટો કરીના કપૂરનું વિઝ્યુઅલ છે.
રોક્સી બનતી રીની ઝેલવેગર ઉત્તમ ડાન્સર નથી, પણ એની આ ‘કમજોરી’ ફિલ્મના વિષય સાથે બંધબેસતી હતી. રોક્સીનું પાત્ર પણ પૂરી પ્રતિભા ન હોવા છતાં સ્ટાર બનવાના સપનાં જુએ છે. એન્જેલીના જોલીએ વેલ્માના કિરદાર માટે ઓડિશન આપેલું. મડોનાનો પણ વિચાર થયેલો, પણ રોલ મળ્યો ખૂબસૂરત કેથરીન ઝેટા-જોન્સને. કેથરીન ટ્રેઈન્ડ ડાન્સર છે. ડિરેક્ટરની ઈચ્છા વિરુદ્ધ જઈને કેથરીને આ ફિલ્મમાં ટૂંકા બોબ્ડ હેર રાખ્યા છે. એનો તર્ક એવો હતો કે કોમ્પ્લીકેટેડ ડાન્સ સિકવન્સીસમાં મારો ચહેરો કેમેરામાં સ્પષ્ટ દેખાવો જોઈએ. વાળ લાંબા હશે અને ચહેરો ઢંકાઈ જશે તો ઓડિયન્સ એવું જ માની લેશે કે ડાન્સનાં અઘરાં સ્ટેપ્સ ડુપ્લિકેટ પાસે કરાવવામાં આવ્યાં છે! આ રોલ માટે કેથરીને ઓસ્કર જીતી લીધો. રોક્સીની ભુમિકા માટે નિકોલ કિડમેન, ગીનેથ પેલ્ટ્રો, ગોલ્ડી હૉન તેમજ જેલર ‘મામા’ માટે વૂપી ગોલ્ડબર્ગ તેમજ કેમરોન ડિઆઝનાં નામો કન્સિડર થયાં હતાં. કરપ્ટ જેલરનો રોલ આખરે ક્વીન લતીફાએ એવા કોન્ફિડન્સ અને છટાથી ભજવ્યો કે એ ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ ગણાઈ. વકીલ બિલીનો રોલ ડાન્સિંગ સ્ટાર જોન ટ્રવોલ્ટાએ રિજેક્ટ કર્યો હતો, જે પછી રિચર્ડ ગિઅરને મળ્યો. ટ્રવોલ્ટાએ રિજેક્ટ કરેલો અને રિચર્ડ ગિઅરે અપનાવેલો આ ચોથો રોલ છેે. (આગલી ત્રણ ફિલ્મો: ‘અમેરિકન જિગોલો’, ‘ડેઝ ઓફ હેવેન’, ‘અન ઓફિસર એન્ડ અ જેન્ટલમેન’.) જોન ટ્રવોલ્ટાએ જોકે પછી ‘શિકાગો’ છોડ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
ઝાકઝમાળ અને એનર્જીથી છલકાતી ‘શિકાગો’ બોક્સઓફિસ પર સુપરહિટ થઈ. હોલિવૂડની અત્યાર સુધીની શ્રેષ્ઠ મ્યુઝિકલ ફિલ્મોમાં એનું નામ ગર્વભેર શામેલ થયું. ફિલ્મને ૧૩ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી છ તેણે જીતી લીધાં. ફિલ્મ જોતી વખતે ગીતો આવે ત્યારે કંટાળીને સિગારેટ પીવા બહાર નીકળી જતા ઔરંગઝેબ પ્રકૃતિ ધરાવનારાઓએ ‘શિકાગો’થી દૂર જ રહેવું. બાકી જો તમને સોંગ-એન્ડ-ડાન્સમાં જલસો પડતો હોય તો વારેવારે જોવાનું મન થયા કરે એટલી માતબર આ ફિલ્મ છે.
‘શિકાગો’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર-કોરિયોગ્રાફર: રોબ માર્શલ
મૂળ મ્યુઝિકલ : બોબ ફોસનું ‘શિકાગો’
સ્ક્રીનપ્લે : બિલ કોન્ડન
કલાકાર : રીની ઝેલવેગર, કેથરીન ઝેટા-જોન્સ, રિચર્ડ ગિઅર, ક્વીન લતીફા
રિલીઝ ડેટ : ૨૭ ડિસેમ્બર ૨૦૦૨
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, સપોર્ટિંગ એક્ટર (કેથરીન ઝેટા-જોન્સ), આર્ટ ડિરેક્ટર, કોસ્ચ્યુમ ડિઝાઈન, એડિટિંગ અને સાઉન્ડ મિક્સિગં માટેના ઓસ્કર અવોર્ડ્ઝ
No comments:
Post a Comment