Sandesh - Sanskar Purti - 2 June 2013
મલ્ટિપ્લેક્સ
હોલિવૂડની નકલ કર્યા વિના, ગીત-સંગીત-ડાન્સ જેવાં ભારતીયોને સ્પર્શતાં તત્ત્વોને અકબંધ રાખીને અને ટેકનિકલ ઊંચાઈ હાંસલ કરીને અદ્ભુત ફિલ્મો કેવી રીતે બનાવી શકાય એ મણિ રત્નમે્ ફિલ્મમેકરોની એક આખી પેઢીને શીખવ્યું છે
મણિ રત્નમ્નો આજે હેપી બર્થ ડે છે. આજે એમણે ૫૭ વર્ષ પૂરાં કર્યાં. સિનેમાના રસિયાઓને મણિ રત્નમ્ એટલે કોણ એ સમજાવવાનું ન હોય. હિન્દી ફિલ્મ જોતાં દર્શકોને મણિ રત્નમ્નાં નામ અને કામથી સૌથી પહેલો પરિચય ૧૯૯૨માં રિલીઝ થયેલી 'રોજા' નામની ડબ્ડ ફિલ્મથી થયો. આપણને ચકિત કરી નાખ્યા હતા આ ફિલ્મે. શું સ્ટોરીટેલિંગ!, શું વિઝ્યુઅલ્સ!, શું સંગીત! ત્યાર બાદ એક પછી એક ફિલ્મો આવતી ગઈ - 'બોમ્બે', 'દિલ સે','સાથિયા', 'યુવા', 'ગુરુ', 'રાવણ'. આ તો કેવળ હિન્દી ઓડિયન્સે જોયેલી ફિલ્મો થઈ. દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનેલી ફિલ્મોને ગણતરીમાં લઈએ તો અત્યાર સુધીની મણિ રત્નમે્ કુલ ૩૧ ફિલ્મો બનાવી. ૩૦ વર્ષની કરિયરમાં ૩૧ ફિલ્મો.
બારદ્વાજ રંગન નામના નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ક્રિટિક અને પત્રકારે મણિ રત્નમ્ની પ્રલંબ મુલાકાતો લઈને એક અફલાતૂન પુસ્તક લખ્યું છે - 'કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ્'. મણિસરની છાપ આમ તો ઓછાબોલા માણસ તરીકેની છે, પણ આ પુસ્તક માટે એમણે મન મૂકીને પોતાની ફિલ્મો વિશે વાતો કરી છે. પ્રસ્તાવના એ.આર. રહેમાને લખી છે. આપણા માટે 'રોજા' ખરેખર તો ડબલ બોનાન્ઝા જેવી પુરવાર થઈ હતી, કારણ કે આ ફિલ્મ થકી પેન-ઇન્ડિયન ઓડિયન્સને મણિ રત્નમ્ ઉપરાંત એ. આર. રહેમાન નામની એક ઔર સુપર ટેલેન્ટ પણ મળી હતી.
રહેમાનની આ સૌથી પહેલી ફિલ્મ 'રોજા'નાં ગીતો બનાવ્યાં ત્યારે એમની ઉંમર માંડ ૨૬ વર્ષ હતી. અગાઉ તેમણે જિંગલ્સ બનાવ્યાં હતાં અને ડોક્યુમેન્ટરી ફિલ્મો માટે સંગીત તૈયાર કર્યું હતું. અત્યાર સુધી મણિ રત્નમ્ની બધી ફિલ્મોમાં લેજેન્ડ ગણાતા ઇલિયારાજાએ સંગીત આપ્યું હતું. આ વખતે પહેલી વાર તેઓ બીજા કોઈ સંગીતકારને ટ્રાય કરી રહ્યા હતા. રહેમાન જેવા નવાનિશાળિયા માટે 'રોજા' બહુ મોટો બ્રેક હતો. 'પણ મારે બહુ હરખાઈ જવું નહોતું કે જેથી મારાં ગીતો નાપાસ કરીને મણિસર બીજા કોઈ મ્યુઝિક કમ્પોઝર પાસે જતાં રહે તો બહુ દુઃખી ન થવું પડે,' રહેમાન કહે છે, 'હું રિજેક્શન માટે પૂરેપૂરો તૈયાર હતો.'
Mani Ratnam with A.R. Rehman |
સદ્ભાગ્યે એવું ન થયું. બન્નેની ક્રિએટિવ એનર્જી ગજબનાક પરિણામ લાવી. 'રોજા' થકી રહેમાન ફિલ્મસંગીતના ક્ષેત્રમાં બોમ્બની જેમ ફાટયા. પછી જે થયં તે ઇતિહાસ છે. રહેમાને લગભગ 'ગજિની' સુધીની પોતાની તમામ ફિલ્મોનાં ગીતો ફાઇનલાઇઝ કરતાં પહેલાં મણિસરને મોકલ્યાં છે. એક શિષ્ય પોતાના ગુરુ પાસે પોતાની કૃતિ મોકલતો હોય એમ. એ ગીતો અન્ય ફિલ્મમેકરો માટે બનાવ્યાં હોય તોપણ મણિ રત્નમ્ ધ્યાનથી ગીતો સાંભળે,પોતાનો અભિપ્રાય આપે. 'આવું સરસ ગીત તેં મને કેમ ન આપ્યું?' કહીને મીઠી મજાક કરે અથવા તો 'નહીં, આ ગીત જામતું નથી, તું વધારે સરસ કરી શકે એમ છે' એવી ટિપ્પણી કરીને આને બદલે આ ટ્રાય કર, પેલું ટ્રાય કર એમ કહીને સૂચનો કરે. મણિ રત્નમ્ સાથે કામ કરતાં કરતાં રહેમાન ઘણી નવી વાતો શીખતા જતા હતા. જેમ કે,આ બન્ને એક વાતે સહમત થયા હતા કે 'બોમ્બે' ફિલ્મમાં 'હમ્મા હમ્મા' પ્રકારનું જોશીલું ગીત ઉમેરવું જ પડશે, કેમ કે તો જ 'કહના હૈ ક્યા' જેવું સંવેદનશીલ ગીતને સંતુલન મળશે. ગીતોમાં વેરાઇટી હોય, જુદા જુદા શેડ્ઝનાં કમ્પોઝિશન્સ હોય તો જ આલબમ વધારે વેચાય.
'દિલ સે'માં મણિ રત્નમે્ ઔર એક ક્રિએટિવ ટેલેન્ટ સાથે કામ કર્યું - ગુલઝાર. આ વખતે મણિ રત્નમ્ પહેલી વાર ફિલ્મ સીધી હિન્દીમાં શૂટ કરી રહ્યા હતા. સંવાદો તમિલમાં લખાયા હતા. એનું વાયા અંગ્રેજી થઈને હિન્દીમાં અનુવાદ થતો. હિન્દીકરણ કરવાનું કામ કરનાર ઉત્સાહી યુવાનનું નામ હતું, તિગ્માંશુ ધુલિયા! 'રોજા' અને 'બોમ્બે'ની જેમ 'દિલ સે'નાં ગીતો પણ આપણાં ફેવરિટ છે. મણિરત્નમ્નું આ પર્સનલ ફેવરિટ આલબમ છે. 'તૂ હી તૂ સતરંગી રે' ગીત તૈયાર કરતી વખતે તેમણે સાંજે રહેમાનને પ્રેમના સાત તબક્કા વિશે વાત કરી. સવારે ધૂન રેડી હતી! ગુલઝાર પણ ચેન્નાઈમાં જ ડેરા-તંબુ તાણીને બેસી ગયા હતા. એમણે ટયૂન પરથી ગીતના શબ્દો લખ્યા. ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિઓ વચ્ચે કેમિસ્ટ્રી જામે એટલે જાદુ થવાનો જ.
મણિ રત્નમ્ને હિન્દીના આજની તારીખેય ફાંફાં છે, પણ ફિલ્મો બનાવતી વખતે અપરિચિત ભાષા ક્યારેય અંતરાય બનતી નથી. તમિલભાષી મણિ રત્નમ્ની પહેલી જ ફિલ્મ 'પલ્લવી અનુ પલ્લવી' કન્નડમાં હતી, જેણે એવોડ્ર્સ જીત્યા. 'દિલ સે' વખતે પોતાને એક્ઝેક્ટલી શું જોઈએ છે તે ગુલઝાર સાથે વ્યવસ્થિત રીતે કમ્યુનિકેટ કરી લેતા હતા. જેમ કે, ફિલ્મમાં વિસ્ફોટક માહોલમાં એક લવસોંગ આવે છે. મણિ રત્નમ્ ઇચ્છતા હતા કે ગીતમાં પ્રેમની વાત ભલે હોય, પણ તે સીધેસીધી ન આવવી જોઈએ. ગીતની પેટર્ન સહેજ અસુરેખ અને એબ્સટ્રેક્ટ હોવી જોઈએ. ભારતીયાર નામના એક રાષ્ટ્રવાદી તમિલ કવિ છે. મણિરત્નમે્ એમની કેટલીક કવિતાઓનો હિન્દી-અંગ્રેજીમાં અનુવાદ કરીને ગુલઝારને સંભળાવ્યો અને કહ્યું કે મારે આવું કશુંક જોઈએ છે. ગુલઝારસાહેબે પછી ગીત લખ્યું અને રહેમાને તે કમ્પોઝ કર્યું. આ ગીત એટલે 'દિલ સે રે... દિલ સે રે'.
રહેમાને લતા મંગેશકર પાસે એક સરસ ગીત ગવડાવ્યું - 'જિયા જલે', જે પ્રીતિ ઝિન્ટા પર ફિલ્માવાયું. આખી 'દિલ સે' ફિલ્મમાં હળવું સેક્સ્યુઅલ એલિમેન્ટ આ એક જ ગીતમાં આવે છે. શબ્દો આમ તો સીધાસાદા છે, પણ રહેમાને આ હિન્દી ગીતમાં મલયાલમ કોરસ ઉમેરી દીધું. તેને લીધે ગીત અનકન્વેન્શનલ અને 'હટકે' બની ગયું. 'દિલ સે'નું સૌથી પહેલું રેકોર્ડ થયેલું ગીત જોકે 'છૈયા છૈયા' હતું, જે એની ટયૂન, શબ્દો અને વિઝ્યુઅલ્સ ત્રણેયને કારણે યાદગાર બની ગયું છે.
મણિરત્નમ્ની છેલ્લી અભિષેક-ઐશ્વર્યાવાળી હિન્દી ફિલ્મ 'રાવણ' ખાસ જામી નહોતી. એમની આગામી હિન્દી ફિલ્મ વિશે જુદી જુદી વાતો સંભળાય છે. એક રિપોર્ટ એવો છે કે એમની હવે પછીની ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત હશે અને 'રંગ દે બસંતી'ના લેખક રેન્સિલ ડી સિલ્વા તે ઓલરેડી લખી રહ્યા છે. બીજી વાત એવી છે કે મણિરત્નમ્ની નેક્સ્ટ હિન્દી ફિલ્મ એકતા કપૂર પ્રોડયુસ કરવાની છે. ખેર, નવી હિન્દી ફિલ્મ આવે ત્યારે ખરી. દરમિયાન મણિસરની સાઉથ ઇન્ડિયન ફિલ્મો સબટાઇલ્સના સહારે ડીવીડી પર માણવા જેવી છે.
શો-સ્ટોપર
લગ્ન પહેલાં હું સાવ વેરવિખેર માણસ હતો. લગ્ન પછી ટ્વિન્કલે મને નાના બાબાની જેમ 'ઉછેર્યો' છે!
–અક્ષયકુમાર .
–અક્ષયકુમાર .
ઉપર મણિરત્નમ અને રહમાન સાહેબ નો ફોટો મણી સર ની લેટેસ્ટ રીલીઝ "કાદલ" ના શુટીંગ વખત નો છે. ફિલ્મ તમિલ માં છે.
ReplyDeleteમણિરત્નમ ની કોઈ પણ ફિલ્મ માં બે મેઈન પાત્રો વચ્ચે પ્રેમ થવા માં વાર નથી લાગતી, એમાં જે સમય બચે એમાં એ એની ફિલ્મ ની મેઈન વાર્તા ને વધુ સારી રીતે કહી શકે.
દિલ સે.. પોતાના સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સહુથી ક્રિયેટિવ લોકો ની એવી ટીમ હતી જે પોતાની ક્રિયેટીવીટી ની ટોચ પર હતી, ફરાહ ખાન, એ આર રહમાન, ગુલઝાર સાહબ, સંતોષ સિવન ઉપરાંત પ્રોડ્યુસર તરીકે રામગોપાલ વર્મા અને શેખર કપૂર જેવી સરસ ટીમ ભેગી થઇ હતી.
Hindi na aavadtu hovathij to teni hindi filmo flop rahi.
ReplyDeleteTks Prasham Trivedi.
ReplyDelete