Sandesh - Ardh Saptahik Purti - 15 May 2013
ટેક ઓફ
ટૂરિઝમ એટલે માત્ર હિલ સ્ટેશન્સ કે દરિયાકિનારા કે મ્યુઝિયમો-મંદિરો-મહેલો-કિલ્લા જ નહીં. દુનિયામાં પ્રવાસના નામે જાતજાતના ફિતૂર થાય છે. પ્રવાસને વધારે યાદગાર બનાવવા થોડાઘણા હેરાન થવું જરૂરી છે!
ડેનિયલ કેનેમન નામના એક ઈઝરાયલી-અમેરિકન મનોવિજ્ઞાની'બિહેવિયર ઈકોનોમિક્સ' વિષય પર નોબેલ પ્રાઈઝ જીતી ચૂક્યા છે. તેમની ગણના વિશ્વના સૌથી તેજસ્વી સાઇકોલોજિસ્ટ્સમાં થાય છે. એક ઈન્ટરેસ્ટિંગ થિયરી છે તેમની. ડેનિયલ કહે છે કે આપણાં વ્યક્તિત્વના બે હિસ્સા હોય છે - એક હિસ્સો એ છે જે અનુભવ કરે છે (એક્સપીરિયન્સિંગ સેલ્ફ) અને બીજો હિસ્સો જે યાદ રાખે છે (રિમેમ્બરિંગ સેલ્ફ). ધારો કે તમે ઉનાળાની રજાઓમાં બે વીક માટે લેહ-લડાખના પ્રવાસ પર જાઓ છો અને બન્ને વીક દરમિયાન તમને એકસરખી મજા આવે છે. આ ટૂર એક જ વીકની હોત તો એની તુલનામાં તમે બે અઠવાડિયાંમાં બમણી મજા કરી એમ કહી શકાય. આ એક્સપીરિયન્સિંગ સેલ્ફની અનુભૂતિ છે. રિમેમ્બરિંગ સેલ્ફનો દૃષ્ટિકોણ જુદો છે. રિમેમ્બરિંગ સેલ્ફ માટે આ પ્રવાસ એક વીકનો હોત કે બે વીકનો એનાથી કશો ફર્ક પડતો નથી. શા માટે?કારણ કે બીજા વીક દરમિયાન મજાનું તત્ત્વ યથાવત્ રહ્યું છે. તમારી સ્મૃતિમાં મજા સિવાયની બીજી કોઈ લાગણી ઉમેરાઈ નથી. જો તમે બીજા વીક દરમિયાન હેરાન થયા હોત, પડયા-આખડયા હોત, બીમાર થયા હોત, હોમ-સીક થયા હોત કે આનંદ સિવાયના બીજા કોઈ 'શેડ'ની ફીલિંગ અનુભવી હોત તો વાત જુદી હોત. તો તમને વેકેશન વધારે યાદ રહેત! ટૂંકમાં, પ્રવાસને વધારે યાદગાર બનાવવો હોય તો થોડાઘણા હેરાન થવું જરૂરી છે!
ઉનાળાની સીઝન આવતાં જ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી હોર્મોન્સનાં ઈંજેક્શન લીધેલા બૉડીબિલ્ડરના શરીરસૌષ્ઠવની જેમ એકાએક ખીલી ઊઠે છે. ૧૯૯૦થી ૨૦૧૧ દરમિયાન ભારતમાં ટૂરિઝમ સેક્ટર ૨૨૯ ટકા વિકસ્યું એવો એક અંદાજ છે. વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલી ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીઝમાં ભારતનો ક્રમ પાંચમો છે. ૨૦૧૧માં ભારતમાં લગભગ ૬૩ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તેમાંથી સૌથી વધારે કુલ ૨૮.૬ ટકા જેટલા અમેરિકા અને ઈંગ્લેન્ડથી આવ્યા હતા. આમાં અફકોર્સ, ગ્રીનકાર્ડ ધારણ કરીને સુશીલ-સંસ્કારી-ગોરી કન્યાને પરણવા આવેલા મુરતિયાઓ સહિતના બિનનિવાસી ભારતીયોનો સમાવેશ પણ થઈ ગયો.
૨૦૧૦માં પ્રવાસીઓ જે રાજ્યોમાં સૌથી વધારે માત્રામાં ગયા હતા એ ટોપ ટેન સ્ટેટસ ઊતરતા ક્રમમાં આ રહ્યાં: આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને છેક છેલ્લે દસમા નંબરે આપણું ગુજરાત.
પણ ટૂરિઝમ એટલે માત્ર હિલ સ્ટેશન્સ કે દરિયાકિનારા કે મ્યુઝિયમો-મંદિરો-મહેલો-કિલ્લા અને જંગલો જ નહીં. યુરોપ-અમેરિકામાં ટૂરિઝમમાં પણ જાતજાતના ફિતૂર ફૂટી નીકળ્યા છે. તમે સ્કેર (સ્કેર એટલે ડર, ખોફ) ટૂરિઝમનું પેકેજ બુક કરો એટલે તમને વીણી વીણીને ભૂતિયાં ખંડેરો અને ડરામણી જગ્યાઓએ લઈ જવામાં આવે. પ્રવાસ દરમિયાન તમારા અપહરણનું નાટક પણ થાય! ખાસ ક્રોસવર્ડના શોખીનો માટે કેરેબિયન ક્રૂઝનું આયોજન થાય છે. એયને દરિયામાં તર્યા કરો ને આડા-ઊભા ચોકઠાં ભર્યાં કરો. ગ્રેવ સાઇટ ટૂરિઝમમાં તમને જોન એફ. કેનેડી, માર્ટિન લ્યુથર કિંગ, એલ્વિસ પ્રિસ્લી વગેરે જેવી પ્રસિદ્ધ વ્યક્તિઓની કબરોની મુલાકાતે લઈ જવામાં આવે. ભારતમાં આયુર્વેદ ટૂરિઝમ ખાસ્સું પોપ્યુલર બની રહ્યું છે. ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટેના રિસોર્ટ જેવાં ખૂબ બધાં સેન્ટરો ઊભાં થઈ ગયાં છે. વેકેશનમાં લોકો અહીં આઠ-દસ દિવસ રહે છે, વહેલી સવારે ઊઠીને યોગ-સાધનાની તાલીમ લે છે, પંચકર્મ ચિકિત્સા અને બૉડીમસાજ કરાવે છે, સાવ સાદું ડાયટ ફૂડ ખાય છે અને શરીરને ડી-ટોક્સિફાય એટલે કે દૂષિત તત્ત્વોથી મુક્ત કરી, તાજામાજા થઈ પોતપોતાના ઘરે પાછા જાય છે. સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ એટલે હરિદ્વાર-ઋષિકેશ કે અન્ય કોઈ સ્થળે આશ્રમમાં થોડા દિવસ રહેવાનું અને મેડિટેશન કે વિપશ્યના જેવી ક્રિયાઓ દ્વારા મન પર બાઝી ગયેલાં બાવાજાળાંને સાફ કરી મન શાંત કરવાનું. બેંગકોક્ - પટાયા - ફુકટના ભમરાળાં પ્રવાસોથી તૃપ્તિ થઈ ગઈ હોય તો આયુર્વેદિક અને સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ જેવાં પ્રવાસનનાં સાત્ત્વિક્ સ્વરૂપો અજમાવવાં જેવાં છે!
Elizabeth Gilbert |
આ સિવાય પણ એક ટૂરિઝમ છે જેનો લાભ અત્યંત ઓછા નસીબવંતોને મળે છે. એ છે ક્રિએટિવ ટૂરિઝમ! આ કઈ ચીડિયાનું નામ છે ભલા? વિદેશમાં પ્રકાશકો એમના ચુનંદા લેખકોને ટૂર સ્પોન્સર કરે છેઃ જાઓ, ફરી આવો દુનિયા... જુઓ, ઓબ્ઝર્વ કરો, રિસર્ચ કરો અને પછી પાછાં આવીને હાઈક્લાસ બેસ્ટસેલર પુસ્તક લખી આપો! એલિઝાબેથ ગિલ્બર્ટ નામની અમેરિકન લેખિકા બહુ જ મુશ્કેલ ડિવોર્સ પછી લગભગ ભાંગી પડી હતી. એના પબ્લિશરે એને એક આખાં વર્ષ (યેસ, વન ફુલ યર!)ની વર્લ્ડ ટૂર સ્પોન્સર કરી આપી. એલિઝાબેથ ઈટાલી, ભારત અને બાલીમાં ચાર-ચાર મહિના રહી. વિચારોનું, લાગણીઓનું અને અનુભવોનું સમૃદ્ધ ભાથું લઈ એ પાછી અમેરિકા ફરી. પછી 'ઈટ, પ્રે, લવ' નામનું અફલાતૂન આત્મકથનાત્મક પુસ્તક લખ્યું, જે સુપરડુપર હિટ થયું. લાગલગાટ ૧૮૭ વીક એટલે લગભગ પોણા વર્ષ સુધી તે 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના બેસ્ટસેલર લિસ્ટમાં સ્થાન પામતું રહ્યું. પછી તો તેના પરથી જુલિયા-રોબટ્ર્સને લઈને બિગબજેટ ફિલ્મ પણ બની.
ગુજરાતી લેખકો માટે આવી સ્પોન્સર્ડ ક્રિએટિવ ટૂરનું સપનું જોવું પણ વર્જ્ય છે! પ્રકાશકો બહુ બહુ તો એને કહેશેઃ અમદાવાદમાં કોર્પોરેશનનો પુસ્તકમેળો થવાનો જ છે, આઈ જજોને સાહેબ! પછી પોતાનાં કાઉન્ટર પર એને ખડો કરી દેશે. આવી ધખધખતી ગરમીમાં ગરીબ ગુજરાતી લેખકને એરકંડિશન્ડ તંબૂની હવા ફ્રીમાં ખાવા મળે એ પણ કંઈ નાનીસૂની વાત થોડી છે! 0 0 0
sadlly its true !
ReplyDeletenice piece of reading
ReplyDelete