મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - હોલીવૂડ
હંડ્રેડ - તા. ૧૩ માર્ચ ૨૦૧૩
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી
ફિલ્મો
સ્ટીવન સ્પીલબર્ગની આ ફિલ્મે દસ-દસ વર્ષ સુધી સૌથી વધુ કમાણી
કરનારી ફિલ્મનો વિશ્વવિક્રમ ટકાવી રાખ્યો. આખરે આ રેકોર્ડ ‘જુરાસિક
પાર્કે’ તોડ્યો. આ ફિલ્મ બનાવનારા પણ સ્પીલબર્ગ જ હતા.
આને કહેવાય સાતત્ય!
ફિલ્મ નંબર ૧૪: ઈ.ટી. - ધ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીઅલ
સ્ટીવન સ્પીલબર્ગ શા માટે મહાન કહેવાય છે એનાં અનેક
કારણોમાંનું એક કારણ એટલે આજની ફિલ્મ, ‘ઈ.ટી. - ધ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીઅલ’ અથવા ટૂંકમાં ‘ઈ.ટી.’ સ્પીલબર્ગના કેટલાંય મહત્ત્વના ટ્રેડમાર્કસ આ ફિલ્મમાં છે - બાળકો, અજીબોગરીબ પ્રાણી (યા તો
એલિયન), હૃદય ભીંજવી દેતી લાગણીઓ અને આંખો પહોળી કરી દેતી સ્પેશિયલ
ઈફેક્ટ્સ. લાંબી પ્રસ્તાવના બાંધ્યા વગર સીધા ફિલ્મ પર આવી જઈએ.
ફિલ્મમાં શું છે?
અમેરિકાનાં એક નાનકડાં નગરમાં એેક દિવસ અજબગજબની ઘટના
બને છે. દૂર અવકાશમાંથી એક અજાણ્યું સ્પેસશિપ અચાનક અહીં ઉતરી આવે
છે. એમાંથી કેટલાક એલિયન્સ એટલે કે પરગ્રહવાસીઓ ઉતરે છે.
તેઓ કદાચ પૃથ્વી પરથી નમૂના લેવા આવ્યા છે. અચાનક
કેટલાક માણસોનું ટોળું આવી ચડતાં પરગ્રહવાસીઓ ગભરાઈને પાછા સ્પેસશિપમાં ચડીને અવકાશભેગા
થઈ જાય છે. બન્યું એવું કે એક એલિયન ફરતો ફરતો થોડો દૂર જતો રહ્યો
હતો. ધમાલ અને ઉતાવળમાં એના સાથીઓ એને લીધા વગર જ પાછા જતા રહ્યા.
એકલો પડી ગયેલો એલિયન નજીકની વસાહતમાં કોઈક ઘરના પાછલા વરંડામાં છુપાઈ
જાય છે.
આ ઘર ઈલિયટ (હેનરી થોમસ)
નામના દસ વર્ષના છોકરાનું છે. એના પરિવારમાં મા
છે, ટીનેજર ભાઈ માઈકલ (રોબર્ટ મેકનોટન)
છે અને નાનકડી ક્યુટ બહેન ગર્ટી (ડ્રુ બેરીમોર,
જે મોટી થઈને હોલીવૂડની સફળ હિરોઈન બની) છે.
મમ્મી મેરી (ડી વૉલેસ) એકલી
છે. પપ્પા સૌને છોડીને મેક્સિકો જતા રહ્યા છે. ઈલિયટ ઠીંગુજી એલિયનને જોઈને ફફડી ઉઠે છે. એલિયન પણ ટાબરિયાને
જોઈને ભયભીત થઈને પાછું જંગલમાં નાસી જાય છે. ઈલિયેટ ઘરમાં સૌને
એના વિશે વાત કરે છે, પણ આવી ચક્રમ જેવી વાત કોઈ કેવી રીતે માને?
ઈલિયેટ ઘરની બહાર બેઠો હોય છે ત્યારે પેલો એલિયન પાછો એની પાસે આવે છે.
આ વખતે બન્ને એકમેકથી ડરતા નથી. આ વખતે ઈલિયેટ
એને ધ્યાનથી જુએ છે. વિચિત્ર કાર્ટૂન જેવો એનો દેખાવ.
બદામી રંગનું લીસ્સુ વાળ વગરનું નીચું શરીર, ઘાટઘૂટ
વગરનું તોતિંગ માથું, મોટી મોટી આંખો અને થઈ શકતી ગરદન.
ઈલિયટ એને ફોસલાવીને પોતાના કમરામાં લાવી છુપાવી દે છે.
બીજા દિવસે તાવનું બહાનું કરીને ઈલિયટ સ્કૂલ બંક કરીને
આખો દિવસ એલિયન સાથે ગાળે છે. એને જુદી જુદી વસ્તુઓ બતાવે
છે, એની સાથે વાતો કરવાની કોશિશ કરે છે. એલિયન પણ એને સરસ રિસ્પોન્સ આપે છે. ઈલિયટને સમજાય છે
કે એલિયન તો મારો બેટો ભારે રમતિયાળ અને મજા પડે એવો છે. સાંજે
પોતાના ભાઈ માઈકલ અને ગર્ટીને વારાફરતી કહે છે: હું તમને એક વસ્તુ
બતાવીશ, પણ પ્રોમીસ કરો કે તમારે એના વિશે કોઈને કશું જ કહેવાનું
નહીં! તેઓ હા પાડે છે એટલે તેમની સામે એલિયનને પેશ કરવામાં આવે
છે. આ વખતે એલિયન પોતાની જાદુઈ શક્તિનો પરચો બતાવે છે.
ઘરમાં એક મુરઝાયેલો ઈન્ડોર પ્લાન્ટ પડ્યો હતો. એલિયન કંઈક એવો જાદુ કરે છે કે ફુલ અને પાંદડાં પાછાં ખીલી ઉઠે છે.
બચ્ચાઓને નવાઈનો પાર નથી. ગર્ટી એને બોલતા શીખવવાની
કોશિશ કરે છે. ઈલિયટ એને નામ આપે છે - ઈ.ટી. મતલબ કે એક્સ્ટ્રા ટેરિસ્ટ્રીઅલનું શોર્ટ ફોર્મ.
ઈ.ટી. કોઈક રીતે એને સમજાવે
છે કે એને એક એવું મશીન બનાવવું છે જેના થકી એ મારા ગ્રહના લોકો સાથે કમ્યુનિકેટ કરી
શકે. મમ્મીને હજુ ખબર પડી નથી કે છોકરાઓએ ઘરમાં એક વિચિત્ર જીવ
છુપાવી રાખ્યો છે.
ગામમાં હેલોવીનનો તહેવાર આવે છે. આ તહેવારમાં લોકો જાતજાતના વેશ કાઢે એવો રિવાજ છે. મોકાનો
લાભ લઈને ઈલિયટ ઈ.ટી. પર કપડું ઢાંકીને
ગામની બહાર જંગલમાં લઈ જાય છે. અહીં ઈ.ટી.
કમ્યુનિકેશન માટેનું મશીન બનાવી સંદેશો રવાનો કરે છે. રાત પડી જાય છે, પણ એના હોમ-પ્લેનેટ
પરથી કોઈ સંદેશો આવતો નથી. ઈલિયટ થાકીને સૂઈ જાય છે. બીજે દિસવે એની ઊંઘ ઉડે છે ત્યારે જુએ છે કે ઈ.ટી.
ગાયબ છે. એ ઘરે પણ નથી. ઈલિયટ
આખી રાત ગાયબ રહ્યો હતો એટલે મમ્મીને ચિંતા કરી કરીને અડધી થઈ ગઈ હતી. ઈલિયટ માઈકલ ઈ.ટી.ને જંગલમાં એક
ખાબોચિયા પાસેથી અધમૂઈ હાલતમાં શોધી કાઢે છે. ઈ.ટી.ને જોઈને મમ્મી છળી ઉઠે છે. ઈલિયટ કહે છે કે મમ્મી, તું ડર નહીં. ઈ.ટી. તો બહુ મજાનો ‘માણસ’ છે. એ મરી રહ્યો છે. એને ટ્રીટમેન્ટની
જરુર છે. ટ્રીટમેન્ટની જરુર તો ઈલિયટને પણ છે, કારણ કે બીમાર તો એ પણ પડી ગયો છે.
એ જ વખતે અચાનક સ્પેસ સુટ પહેરેલા માણસો ઘરમાં ઘૂસી
આવે છે. એ સરકારી માણસો છે, જે લાંબો સમયથી ઈલિયટના
ઘરની એકેએક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. એમણે આખા ઘરને સીલ
કરી નાખ્યું છે. સરકારને ડર છે કે આ પરગ્રહવાસી માનવજાત માટે
ખતરારુપ હશે તો? પૃથ્વી વિરુદ્ધ કોઈ ષડયંત્રના ભાગરુપે તે અહીં
આવ્યો હશે તો? તાત્કાલિક ધોરણે ઘરમાં મેડિકલ સેટ-અપ ઊભું કરવામાં આવે છે. ઈલિયટ ચીસો પાડતો રહે છે કે
ઈ.ટી. મને સોંપી દો, હું એની સંભાળ રાખીશ, પણ માંદા છોકરાનું કોણ સાંભળે?
આ ધમાલ દરમિયાન ઈ.ટી. પ્રાણ
ત્યજી દે છે. ઈલિયટને થોડો સમય ઈ.ટી.ના મૃતદેહ સાથે એકલો છોડવામાં આવે છે. છોકરો એને વળગીને
ખૂબ રડે છે. એ જ વખતે જાણે ચમત્કાર થાય છે. ઈલિયટને ખબર પડે છે કે ઈ.ટી. મર્યો
નથી, એ તો જીવે છે! ઈ.ટી. સંકેતથી સમજાવે છે કે મારા ગ્રહ પરથી મને લેવા માટે
અવકાશયાન આવી રહ્યું છે. હવે ઈ.ટી.ને ચુપચાપ ઘરમાંથી બહાર કાઢીને જંગલમાં પેલું કમ્યુનિકેશન મશીન ગોઠવેલું છે
ત્યાં લઈ જવાનો છે.
હવે શરુ થાય છે જોરદાર ધમાચકડી. ઈલિયટ અને માઈકલના દોસ્તોની સાઈકલધારી ગેંગ ઈ.ટી.ને લઈને નાસે છે, પાછળ પોલીસના માણસો દેકારો બોલાવતા
પીછો કરે છે. આખરે ઈ.ટી.ને જેમતેમ કરીને એના સ્પેસશિપ સુધી પહોંચાડવામાં આવે છે. હવે એને વિદાય આપવાની છે. ઈલિયટનું દિલ તૂટી જાય છે.
આટલા દિવસોમાં ઈલિયટ અને ઈ.ટી. વચ્ચે લાગણીનો ગાઢ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. ઈ.ટી. જતાં જતાં પેલો પ્રસિદ્ધ ડાયલોગ બોલે છે:
‘આઈ
વિલ બી રાઈટ હિઅર...’ મતલબ કે ઈલિયટ, હું તારા દિલમાં રહીશ, તારા વિચારોમાં રહીશ. આખરે ઈ.ટી.ને લઈને સ્પેસશિપ દૂર
અવકાશમાં અદશ્ય થઈ જાય છે.
કથા પહેલાંની
અને પછીની
સ્ટીવન સ્પીલબર્ગ ‘રેઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક’નું શૂટિંગ
કરી રહ્યા હતા તે દરમિયાન સ્ક્રિપ્ટ-રાઈટર મેલિસા મેથિસનને
પોતે અગાઉ વિચારેલી એક વાર્તા વિશે વાત કરી. વાર્તામાંથી એવું
હતું કે માથાભારે એલિયન્સની ટોળકી એક પરિવારના સભ્યોને હેરાનપરેશાન કરી મૂકે છે.
અંતમાં એલિયન્સ પૃથ્વી છોડીને જતા રહે છે, માત્ર
એક એલિયન પાછળ રહી જાય છે. આ એલિયન સજ્જન છે, માણસોનો દોસ્ત છે. સ્ટીવને મેલિસાને કહ્યું કે તું આ
છેડો પકડીને એક નવી વાર્તા બનાવ. મેલિસાએ આઠ અઠવાડિયામાં સ્ક્રિપ્ટ
લખી કાઢી. સ્પીલબર્ગને સંતોષ થયો. બે ઓર
ડ્રાફ્ટ બન્યા અને ‘ઈ.ટી.’ કાગળ પર રેડી થઈ ગઈ.
સૌથી મોટો પડકાર ઈ.ટી.
બનાવવાનો હતો. લખખૂટ ખર્ચે ઈ.ટી.ના એનિમેટ્રોનિક્સ બનાવવામાં આવ્યા. સ્પીલબર્ગની એક જ સૂચના હતી: ઈ.ટી.નો દેખાવ એવો ઘાટઘૂટ વગરનો હોવો જોઈએ કે જેની પાસે
માનું દિલ હોય એને જ એના માટે વહાલ થાય! માનો યા ન માનો,
પણ ઈ.ટી.નો ચહેરો બનાવવા
માટે વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેની તસવીરોને રેફરન્સ
તરીકે ઉપયોગ કરવામાં આવી હતી! ઈ.ટી.નાં દશ્યોને શૂટ કરવા માટે બે સાચુકલા ઠીંગુજી અને પગ વગર જન્મેલા બાર વર્ષનાએક
છોકરાનો ઉપયોગ કરવામાં આવેલો. એેમના માથા પર ઈ.ટી.ની માસ્ક પહેરાવી દેવામાં આવતી. આઈડિયા ચોરાય ન જાય એ માટે ‘અ બોયઝ લાઈફ’ ટાઈટલથી ફિલ્મનું શૂટિંગ શરુ કરવામાં આવ્યું. ૬૧ દિવસમાં
આખી ફિલ્મ શૂટ થઈ ગઈ.
ફિલ્મ રિલીઝ થતાં જ ધમાલ મચી ગઈ. ઓડિયન્સ અને સમીક્ષકો બન્ને પરગ્રહવાસીનાં ઊંધેકાંધ પ્રેમમાં પડી ગયા.
દોસ્તી, કરુણા, સહિષ્ણુતા
તેમજ મનુષ્ય અને પરગ્રહવાસી વચ્ચેના પ્રેમની વાત કરતી આ ફિલ્મ અત્યંત હૃદયસ્પર્શી પૂરવાર
થઈ. છેલ્લે ઈ.ટી. વિદાય લે છે એ દશ્ય વખતે ઈલિયટની સાથે પ્રેક્ષકો પણ રડી પડતા. આ ફિલ્મ ૨૯ વર્ષ પહેલાં બનેલી છે, છતાંય એની સ્પેશિયલ
ઈફેક્ટસ તેમજ ટેક્નિકલ પરફેક્શન આજે પણ પ્રભાવશાળી લાગે છે. ‘ઈ.ટી.’એ બોક્સઓફિસના તમામ રેકોર્ડસ તોડી નાખ્યા. આ ફિલ્મે એટલી બધી કમાણી કરી કે આગલા દસ વર્ષ સુધી બીજી કોઈ ફિલ્મ એની સફળતાને
આંબી ન શકી. આખરે તેનો વિક્રમ ‘જુરાસિક
પાર્ક’એ
તોડ્યો. આ ફિલ્મ પણ સ્ટીવન સ્પીલબર્ગે જ બનાવી હતી! ‘ઈ.ટી.’ને ચાર-ચાર ઓસ્કર અવોર્ડ
મળ્યા. બેસ્ટ ફિલ્મનો અવોર્ડ, અલબત્ત,
રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ જીતી ગઈ. જોકે એટનબરોએ ખુદ પછી કબૂલ્યું હતું કે આ અવોર્ડ
ખરેખર તો ‘ઈ.ટી.’ને જ મળવો
જોઈતો હતો.
હૃતિક રોશનની ‘કાઈ મિલ ગયા’માં ‘ઈ.ટી.’ના કેટલાય આઈડિયાઝ અને દશ્યોની બેઠી ઉઠાંતરી કરવામાં
આવી હતી તે સૌ જાણે છે, પણ તમને એ ખબર છે કે મહાન બંગાળી ફિલ્મમેકર
સત્યજિત રેઅે સ્પીલબર્ગ પર ઉઠાંતરીનો આક્ષેપ લગાવ્યો હતો? એમની
‘ધ
એલિયન’ નામની ફિલ્મની સ્ક્રિપ્ટ હોલીવૂડમાં કેટલાય લોકોના હાથમાં ફરી હતી.
આ ફિલ્મ ભલે ક્યારેય બની નહીં, પણ સત્યજિત રેનું
કહેવું હતું કે જો ‘ધ એલિયન’ લખાઈ ન હોત તો ‘ઈ.ટી.’નો જન્મ ક્યારેય થયો ન હોત. સિનિયર ફિલ્મમેકર્સ માર્ટિન સ્કોર્સેઝી અને રિચર્ડ એટનબરોએ પણ કહ્યું હતું
કે ‘ઈ.ટી.’ની વાર્તા પર સત્યજિત રેની સ્ક્રિપ્ટની તીવ્ર અસર છે. સ્પીલબર્ગ જોકે આ આક્ષેપોને નકારી
કાઢે છે. સાચું ખોટું ભગવાન જાણે, બાકી
‘ઈ.ટી.’ જેટલી વાર જોઈએ ત્યારે દર વખતે જોરદાર જલસો પડે છે તે હકીકત
છે.
‘ઈ.ટી.’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર-પ્રોડ્યુસર : સ્ટીવલ સ્પીલબર્ગ
સ્ક્રીનપ્લે : મેલિસા
મેથિસન
કલાકાર : ડી વૉલેસ, હેનરી થોમસ, ડ્રુ બેરીમોર, રોબર્ટ
મેકનોટન
સંગીત : જોન વિલિયમ્સ
રિલીઝ ડેટ : ૧૧ જૂન,
૧૯૮૨
મહત્ત્વના અવોર્ડઝ: ઓરિજિનલ સ્કોર,
સાઉન્ડ, સાઉન્ટ ઈફેક્ટ એડિટિંગ અને વિઝ્યુઅલ ઈફેક્ટસ
માટેના ઓસ્કર અવોર્ડઝ
ઈ.ટી. નો ચહેરો બનાવવામાં આઈનસ્ટાઈન અને હેમિગ્વે ઉપરાંત અમેરિકન લેખક કાર્લ સેન્ડબર્ગ , જે પોતાની કવિતા માટે જાણીતા છે, તેમનો પણ રેફરન્સમાં ઉપ્યોગ થયો હતો. તેમની બૂક્ અબ્રાહમ લિકંન: ધ વૉર યર્સ. માટે ઇતિહાસનુ પૂલિત્ઝર પ્રાઈઝ મળ્યુ હતુ. આ ઉપરાંત તેમને બે પૂલિત્ઝર પ્રાઈઝ મળ્યા છે. જેમાનુ એક્ મને યાદ છે ત્યા સુધી કવિતા માટે છે. ૧૯૭૫ની સ્પિલબર્ગની "JAWS" પણ યાદ કરવા લાયક છે. સ્પિલ્બર્ગ ઉપર એક આખો અલગ લેખ લખો તો મજા આવસે. બાકી મને વિશ્વાસ છે કે જય વસાવડા આ લેખની તૈયારી કરતાંજ હશે. આફ્ટર ઓલ મજાનો લેખ છે.
ReplyDelete