દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 10 ફેબ્રુઆરી 2013
કોલમ: મલ્ટિપ્લેક્સ
કમલ હાસન અને રજનીકાંતે હીરો તરીકે એક સાથે, એક જ ફિલ્મથી શરુઆત કરી હતી. રજનીકાંતે સિગરેટ ઉછાળવાનો અને ગોગલ્સ ઘુમવવાનો સ્ટાઈલિશ રસ્તો પસંદ કર્યો, જ્યારે કમલ હાસન અર્થપૂર્ણ ફિલ્મો તરફ વળ્યા. કદાચ દરેક સફળતમ અદાકાર સામે આ યક્ષપ્રશ્ન ઊભો થઈ જતો હોય છે- ઈમેજમાં કેદ થઈને રહેવું છે? કે બીબાંઢાળ બન્યા વગર ખુદને ચેલેન્જ આપતા રહેવું છે?
કમલ હાસન જાદુગર માણસ છે. એની ફિલ્મી ટોપીમાંથી ક્યારે કઈ વસ્તુ નીકળશે એ કળી શકાતું નથી. જોવા જેવી વાત એ છે કે ભારતના મહાનતમ અદાકારોની સૂચિમાં હકથી સ્થાન પામતા આ તમિલ અભિનેતાની ખુદને ‘રિલક્ટન્ટ એક્ટર’ ગણાવે છે. મતલબ કે એક્ટિંગ કરવાની બહુ મરજી ન હોવા છતાંય એક્ટિંગ કરવી પડી હોય એવો એક્ટર. કલ્પના કરો. એ રિલક્ટન્ટને બદલે એન્થ્યુુુઝિએસ્ટિક (ઉત્સાહી) એક્ટર હોત તો ઓર કેવા કેવા ચમત્કાર કર્યા હોત. કમલ હાસન એક કંપલીટ પેકેજ છે. તેઓ અભિનય કરે, ડિરેક્ટ કરે, ફિલ્મો લખે, પ્રોડ્યુસ કરે અને એનું માર્કેટિંગ પણ કરે. કમલ હાસન લખિત-અભિનિત-દિગ્દર્શિત ફિલ્મ ‘વિશ્વરુપમ’ અથવા ‘વિશ્વરુપ’ ખૂબ બધા વિવાદો અને હૈયા-બળતરા પછી ત્રણેય ભાષાના ઓડિયન્સ સુધી પહોંચી ખરી. આ ફિલ્મે આતંકવાદ જેવા સંકુલ વિષય પર બનતી ભારતીય ફિલ્મોનું સ્ટાન્ડર્ડ ઊંચું કરી નાખ્યું છે.
સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર્સની વાત આવે એટલે સામાન્યપણે આ બે નામ આપણને સૌથી પહેલાં યાદ આવે - કમલ હાસન અને રજનીકાંત. એ કેટલી ઈન્ટરેસ્ટિંગ વાત છે કે આ બન્ને જણાએ હીરો તરીકેની શરુઆત એક સાથે, એક જ ફિલ્મથી કરી હતી. તેે હતી 1975માં રિલીઝ થયેલી કે. બાલાચંદરની ‘અપૂર્વ રાગંગલ’. કમલ હાસન ચાર વર્ષની ઉંમરથી બાળકલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં સક્રિય હતા, પણ આ ફિલ્મ થકી તેઓ રીતસર હીરો બન્યા. રજનીકાંતની કરીઅરની આ સર્વપ્રથમ ફિલ્મ. ‘અપૂર્વ રાગંગલ’ પરથી ‘એક નઈ પહેલી’ નામની હિન્દી રિમેક પણ બની હતી, જેમાં કમલ હસન અને હેમા માલિની મુખ્ય કલાકારો હતાં. અટપટા સંબંધોની વાત કરતી આ ફિલ્મે અવોર્ડઝ અને બોક્સઓફિસના આંકડા બન્ને જીત્યા. એ વખતે કોઈએ કલ્પના કરી હશે ખરી કે કમલ અને રજની બન્ને આગળ જતા મોટા લેજન્ડ બની જવાના છે!
‘મારી અને રજનીની કરીઅર સમાંતરે છતાંય બહુ જ જુદી રીતે આગળ વધતી રહી,’ કમલ હાસન એક મુલાકાતમાં કહે છે, ‘આ કંઈ આકસ્મિક નહોતું. અમે સભાનતાપૂર્વક પોતપોતના રસ્તા પસંદ કર્યા હતા. હું અને રજની નવા હતા ત્યારે ઘણી વાર ગપ્પાં મારતાં મારતાં ભવિષ્યનાં સપનાં જોતા. રજનીની પોતાની સ્ટાઈલ હતી - સિગરેટ ઊછાળવી, ચશ્મા ઘુમાવવા ને એવું બધું. ઓડિયન્સને એ બધું ગમતું. હું એને પૂછતો કે રજની, તું ભવિષ્યમાંય આ જ બધું કરતો રહીશ? એ કહેતો, હા. હું કહેતો કે મારે તો આગળ જતાં સિરિયસ ફિલ્મો કરવી છે. રજની કહેતો, ફાઈન, તને સિરિયસ ફિલ્મો વધારે સુટ થાય છે તો તું એ કર, મને સ્ટાઈલિશ ફિલ્મો વધારે સુટ થાય છે એટલે હું એ કરીશ.’
કમલ હાસન અને રજનીકાંત વચ્ચે સતત તીવ્ર સ્પર્ધા રહી. બન્ને સમકાલીન હતા અને બન્નેના ગુરુ એક જ હતા - કે. બાલાચંદર. કમલ અને રજનીએ કુલ 15 ફિલ્મો સાથે કરી છે, જેમાંથી આઠ કે. બાલાચંદરે ડિરેક્ટ કરી છે. ભુલેચુકેય બન્નેમાંથી કોઈમાં એકમેકને પછાડવાનો એટિટ્યુડ સહેજ અમથો દેખાતો તો કે. બાલાચંદર એમને ધધડાવી નાખતા.
કમલ હાસને ‘એક દુજે કે લિએ’થી હિન્દી સિનેમામાં જોરદાર એન્ટ્રી તો મારી, પણ ક્યારેય મેઈનસ્ટ્રીમ હિન્દી હીરો તરીકે જમાવટ ન કરી શક્યા. આ વાતનો અફસોસ એમના એમના આપણા જેવા ચાહકોને સતત રહ્યો છે. કદાચ તેઓ ક્યારેય મુંબઈમાં બોરિયા-બિસ્તર લઈને સેટલ ન થયા એ એક મહત્ત્વનું કારણ હતું. ‘એક દુજે કે લિયે’ 1981માં રિલીઝ થઈ હતી. એ જ વર્ષે અમિતાભની ‘લાવારિસ’ આવી હતી. પછી ‘શક્તિ’ અને ‘કૂલી’ આવી. ત્યાર બાદ અમિતાભ પોલિટિક્સમાં ગયા ને લાંબો વિરામ લીધો. ‘એક દુજે કે લિયે’ના સુપર સક્સેસ પછીય કમલ હાસન સાઉથ ઈન્ડિયન ફિલ્મો સતત કરતા રહ્યા. કેવળ હિન્દી ફિલ્મો પર તેમણે ક્યારેય સંપૂર્ણપણે ફોકસ ન કર્યું. ખેર. બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને કમલ હસન બન્ને મહત્ત્વનાં પાવર સેન્ટર હોત તો કેવી પરિસ્થિતિ સર્જાત એ કલ્પનાનો વિષય છે. કમલ હસનને જુદી જુદી ટેક્નિક્સનો ઉપયોગ કરીને જાતજાતના વેશ કાઢવાની આદત છે. ક્યારેક એ ઠીંગુજી બનશે, ક્યારેક સ્ત્રી તો ક્યારેક બીજું કંઈ. ‘દશાવતાર’માં એમણે દસ રોલ કર્યા હતા. અમિતાભે ‘પા’માં પોતાના લૂક સાથે સરસ પ્રયોગ કર્યો હતો. આપણી પાસે બિગ બી છે તો કમલ હાસન સાઉથના બિગ ‘કે’ છે. ટેલેન્ટ અને પોઝિશનની દષ્ટિએ કમલ હસન બચ્ચનસાહેબ કરતાં જરાય ઊતરતા નથી.
‘હા, હવે કદાચ મારી અને અમિતજી વચ્ચે એવી તુલના કરી શકાય ખરી,’ કમલ કહે છે, ‘હું બડાશ નથી હાંકતો, પણ અમિતાભે ‘પા’માં જે કયુર્ર્ં એવું હું વર્ષોથી કરતો આવ્યો છું. અમિતજીએ કરીઅરની પહેલી ઈનિંગ્સ દરમિયાન પોતાની ખ્યાતિ અને ઈમેજની કેદમાં બંધાઈ રહેવાનું સ્વેચ્છાએ પસંદ કર્યું હતું. તેઓ ધારત તો આસાનીથી બીજો રસ્તો પકડી શક્યા હોત. પણ એમણે એવું ન કર્યું.’
કદાચ સફળતમ અદાકારો સામે આ યક્ષપ્રશ્ન હંમેશા આવીને ઊભો રહી જતો હોય છે. દાયકાઓ પહેલાં દિલીપ કુમારે એક વાર મિત્ર રાજ કપૂરને સવાલ કર્યો હતો કે તું શા માટે તારી બધી ફિલ્મોમાં ભલાભોળા આમઆદમી રાજુનો એકનો એક રોલ રીપીટ કર્યા કરે છે? કંઈક નવું કેમ નથી કરતો? અત્યારના એક્ટર્સની વાત કરીએ તો આમિર ખાન બીબાંઢાળ બની જવાને બદલે સભાનતાપૂર્વક, જોખમ ઉઠાવીને અલગ અલગ શૈલીની ફિલ્મો કરી ખુદની ક્ષિતિજો વિસ્તારતા રહેવાનો પ્રયત્નો કરતો રહે છે. આમિર એક સમયે એક જ ફિલ્મ કરવાનું કમલ હાસન પાસેથી શીખ્યો છે. સામે પક્ષે, શાહરુખમાં ભરપૂર ક્ષમતા હોવા છતાં (‘સ્વદેસ ’ કે ‘ચક દે ઈન્ડિયા’ જેવા સુખદ અપવાદોને બાદ કરતાં) રાજ અને રાહુલની પોપ્યુલર ઈમેજની સિક્યોરિટી સંતોષ માની લે છે.
શાહરુખે એક વખત કમલ હસન વિશે સરસ વાત કરેલી, ‘હું સુપરસ્ટાર ગણાઉં એટલે ચાહકો મારી સાથે હાલ મિલાવવા કે મને ભેટવા ઈચ્છતા હોય છે. આવી ચેષ્ટા હું પોતે ન કરું. સામે અમિતાભ બચ્ચન હોય તોય ન કરું ને રજનીકાંત હોય તોય ન કરું. ફક્ત એક જ અપવાદ છે - કમલ હાસન. હું એમને પહેલી વાર મળ્યો હતો ત્યારે પૂછ્યું હતું કે સર, કેન આઈ ટચ યુ? કમલ હાસન જે રીતે પડદા પર સ્પેસનો ઉપયોગ કરે છે એ કમાલનું છે. વૃદ્ધ માણસ બન્યા હોય તો એમની ઊભા રહેવાની રીત જ એવી હોય કે ઓડિયન્સ વગર કહ્યે કિરદારની ઉંમર પામી જાય. એમના એક્સપ્રેશન્સ અને મુદ્રાઓ એટલાં અદભુત હોય કે મેકઅપ ન કરે તો પણ એ વૃદ્ધ માણસ જ દેખાય. એ તમારી સામે માત્ર એક નજર ફેંકીને રડાવી શકે છે. કમલ હાસન ખુદનું પ્રતિબિંબ ડસ્ટિન હોફમેનમાં જુએ છે (જેમણે ‘રેઈનમેન’, ‘ટૂટસી’, ‘ક્રેમર વર્સસ ક્રેમર’ જેવી ફિલ્મો કરી છે), પણ મારી દષ્ટિએ તો કમલસર હોફમેન અને રોબર્ટ દ નીરોના સરવાળા કરતાંય ઊંચા છે. કમલસર, બચ્ચનજી, નસીરુદ્દીન શાહ... ધે આર ગોડ્સ ઓફ એક્ટિંગ. કમલસર બરાબર જાણે છે કે ઓડિયન્સને શું જોઈએ છે. એમના જેવા બ્રિલિયન્ટ ટેક્નિશીયન્સ બહુ ઓછા છે ઈન્ડસ્ટ્રીમાં. એમનું જે નોલેજ છે, પોતાના ક્રાફ્ટ પર જે કંટ્રોલ છે... ઓહ માય ગોડ! દરેક એક્ટરે કમલસરનું અનુસરણ કરવું જોઈએ.’
કમલ હસન જોકે પોતાને મિડીયોકર એક્ટર માને છે. આવું માનવા માટે એમની પાસે કારણો પણ છે. એ જે હોય તે, બાકી કમલ હાસન નામના જાદુગર પાસેથી આપણે હજુ બહુ બધા જાદુના ખેલ જોવાના બાકી છે એ તો નક્કી.
શો સ્ટોપર
સ્ક્રીન પર તમે કંઈ પણ કરતા હો, તેમાં કન્વિક્શન જોઈએ જ. ઊંઘવાની એક્ટિંગ કરતા હો તો પણ તમે એવું બિલકુલ વિચારી ન શકો કે ઠીક છે હવે, કિસી કો ક્યા પતા ચલેગા?
- વિદ્યા બાલન
'કમાલ' કરતે હો શીશીરભાઈ!
ReplyDeleteકમલ સર હોય કે આમિર ખાન.આ બંને એકટરો હંમેશાથી કલાસ ઓરીએન્ટેડ હોય છે.સામે પક્ષે અમિતજી,રજનીસર કે સલમાનખાન તેમની 'માસિવ'ઈમેજથી ખુશ છે અને સિક્યોર છે.કમલ સરનું વિશ્વરૂપ મને સ્ક્રિનપ્લેની દ્ર્ષ્ટીએ થોંડુ માર ખાઈ ગયું હોય એવું ફીલ થયું છે.દશાવતારવાળા જુદાં દસ અવતારો હોય કે 'હે રામ'નો કીલર આર્ટ કમલ.પુષ્પક હોય કે ચાચી-૪૨૦..કમલ હંમેશા કમાલ કરે છે.
હિરેન જોશી