Monday, February 18, 2013

હોલીવૂડ હંડ્રેડ: ‘જોઝ’ : સાગર કિનારે....


મુંબઈ સમાચાર- હોલીવૂડ હંડ્રેડ - મણકો ૧૦ - તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

સ્ટીવન સ્પીલબર્ગે આ લેન્ડમાર્ક ફિલ્મ બનાવી ત્યારે ૨૬ વર્ષના નવા નિશાળિયા હતા. આજની તારીખે દુનિયાભરની ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ્સમાં જોઝ સેલેબસમાં ભણાવવામાં આવે છે. ખાસ કરીને એનું શાર્ક થીમ મ્યુઝિક તો કેમેય કરીને ભુલાય એવું નથી.


  ફિલ્મ નંબર ૧૦. જોઝ’ 
મુંબઈનાં થિયેટરોમાં હાલ અબ્રાહમ લિંકનના જીવન પર આધારિત લિંકન નામની અફલાતૂન ફિલ્મ ચાલી રહી છે. બાર-બાર નોમિનેશન મેળવી ચુકેલી આ ફિલ્મ આ વખતની ઓસ્કર સિઝનમાં હોટ ફેવરિટ ગણાય છે. ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર છે સ્ટીવન સ્પીલબર્ગ. આજથી ૩૮ વર્ષ પહેલાં સ્પીલબર્ગ હજુ તો ફિલ્મમેકર તરીકે ઊગીને ઊભા થઈ રહ્યા હતા ત્યારે એમણે એક થ્રિલર-એડવન્ચર-હોરર ફિલ્મ બનાવી હતીજોઝ. આ ફિલ્મ સાઈન કરી ત્યારે સ્પીલબર્ગ માંડ ૨૬ વર્ષના હતા. ડિરેક્ટર તરીકેની તેમની પહેલી ફીચર ફિલ્મ હજુ તો રિલીઝ પણ થઈ નહોતી. પણ પુત્રનાં લક્ષણ પારણામાંથી. કરીઅરના પ્રારંભમાં જ સ્પીલબર્ગે સુપર સિક્સર ફટકારીજોઝ આજે એક લેન્ડમાર્ક ફિલ્મ ગણાય છે. દુનિયાભરની ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ્સમાં વિદ્યાર્થીઓને જોઝ’ સેલેબસમાં ભણાવવામાં આવે છે. સ્પીલબર્ગે પછી તો એક નહીં, કેટલીય ક્લાસિક ફિલ્મો બનાવી. તેમના વિશે પછી કયારેક. ફિલહાલજોઝ વિશે વાત કરીએ.

ફિલ્મમાં શું છે?

જોઝ એટલે જડબાં. ખૂંખાર, લોહતરસી શાર્ક માછલીનાં જીવલેણ જડબાં. ફિલ્મનો હીરો કહો તો હીરો અને વિલન કહો તો વિલન આ પચ્ચીસ ફીટ લાંબી અને ત્રણ ટન વજન ધરાવતી જાયન્ટ વ્હાઈટ શાર્ક જ છે. ખૂબસૂરત બીચ ધરાવતી અમિટી આઈલેન્ડ નામની એક કાલ્પનિક જગ્યાનું આખું અર્થતંત્ર ટુરિસ્ટો પર નિર્ભર છે. માર્ટિન બ્રોડી (રૉય શિડલર) અહીંના પોલીસ ચીફ છે. ફિલ્મની શરુઆતમાં જ દરિયાના પાણીમાં નહાવા ઉતરેલી એક ક્ધયા ભેદી રીતે અંદર ખેંચાઈ જાય છે. મેડિકલ એક્ઝામિનર પોલીસ ચીફને જણાવે છે આ પરાક્રમ શાર્કનું છે. ચીફ બીચને સહેલાણીઓ માટે બંધ કરી દેવા માગે છે, પણ મેયર ચોખ્ખી ના પાડે દે છે. એની દલીલ છે કે સમરની હાઈકલાસ સિઝન ચાલી રહી છે, સહેલાણીઓનાં ધાડેધાડાં ઉમટી રહ્યાં છે. આવા માહોલમાં જો શાર્કવાળી વાત ફેલાશે તો ટુરિસ્ટ બિઝનેસની વાટ લાગી જશે. પોલીસ ચીફે નછૂટકે વાત માની લેવી પડે છે.



એવામાં બીજી દુર્ઘટના બને છે. પેલી શાર્ક એક છોકરાનો જીવ લઈ છે. છોકરાની મા જાહેર કરે છે: જે કોઈ શાર્કનો શિકાર કરશે એેને હું મોટી રકમનું ઈનામ આપીશ. આ જાહેરાત થતાં જ શિખાઉ શિકારીઓ અને માછીમારો હો... હો કરતાં શાર્કનો શિકાર કરવા ઉમટી પડે છે. જોકે આ બધામાં બે જણા અલગ તરી આવે છે. એક છે પ્રોફેશનલ શાર્ક હન્ટર ક્વિન્ટ (રોબર્ટ શૉ) અને મરીન બાયોલોજિસ્ટ મેટ હૂપર (રિચર્ડ ડ્રેફસ). આ બન્નેની સાથે ખુદ પોલીસ ચીફ પણ જોડાય છે. આ ત્રિપુટી ક્વિન્ટની બોટમાં નીકળી પડે છે અને પછી શરુ થાય છે શ્વાસ અધ્ધર ચડી જાય એવા કારનામા. ફિલ્મના અંતમાં, નેચરલી, પેલી આતંકવાદી શાર્કનો ખાત્મો બોલી જાય છે. એ કેવી રીતે શક્ય બને છે એનું વર્ણન વાંચવાનું ન હોય, બલકે સ્ક્રીન પર જોવાનું હોય.

કથા પહેલાંની અને પછીની

ફિલ્મના પ્રોડ્યુસરોએ જોકે દરિયામાં ખેલાતા જીવસટોસટના પરાક્રમો સૌથી પહેલાં કાગળ પર જ વાંચ્યા હતા. પીટર બેન્ચલી નામના લેખકે જોઝ નામની નવલકથા લખી હતી. એ પુસ્તક સ્વરુપે બહાર પડે એ તે પહેલાં જ નિર્માતાઓના હાથમાં એની કાચી પ્રત આવી ગઈ. તેઓ એટલા પ્રભાવિત થયા કે તાત્કાલિક આ નોવેલના રાઈટ્સ ખરીદી લીધા અને તેના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કરી નાખ્યું. મૂળ તેઓ જોન સ્ટુર્જીસ નામના ડિરેક્ટરને લેવા માગતા હતા, કારણ કે ભૂતકાળમાં તેઓ દરિયાના બેકગ્રાઉન્ડવાળી ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી નામની ઓસ્કર-વિનર ફિલ્મ બનાવી ચુક્યા હતા. (એક આડવાત. ઓલ્ડ મેન એન્ડ ધ સી નોબલપ્રાઈઝ વિનર અર્નેસ્ટ હેમિંગ્વેની લઘુનવલ છે. ચંદ્રકાંત બક્ષી આ મર્દાના સર્જક અને સર્જનથી અત્યંત પ્રભાવિત હતા.) કોઈક કારણસર જોન સ્ટુર્જીસનો મેળ ન પડ્યો. દરમિયાન સ્ટીવન સ્પીલબર્ગ નામના નવાસવા જુવાનિયાએ નિર્માતાઓના ટેબલ પર જોઝની ફાઈલ પડેલી જોઈ. સ્પીલબર્ગની પહેલી ફિલ્મ ધ સુગરલેન્ડ એક્સપ્રેસ આ જ નિર્માતાઓએ બનાવી હતી, જે હજુ રિલીઝ થવાની બાકી હતી. સ્પીલબર્ગે રાત જાગીને નવલકથા વાંચી ગયા. એની ઉત્સુકતા અને પેશન જોઈને પ્રોડ્યુસરોએ એમને સાઈન કરી લીધા.  

મૂળ લેખકે સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો. એના પર પછી તો ઘણા લેખકોનો હાથ ફર્યો. કોઈ મોટા સ્ટાર્સને સાઈન કરવા નથી તે નક્કી હતું. તર્ક એવો હતો કે અજાણ્યા ચહેરાઓને જોઈને ઓડિયન્સને લાગશે આવું અમારી સાથે પણ થઈ શકે છે! આમેય ફિલ્મની સુપરસ્ટાર તો પેલી શાર્ક માછલી જ હતીશૂટિંગ માટે પચ્ચીસ-પચ્ચીસ ફીટ લાંબી અને પ્રેશરાઈઝ્ડ ગેસ વડે હલનચલન કરી શકે એવી ત્રણ મિકેનિકલ શાર્ક માછલી બનાવવામાં આવી. એક ડાબેથી જમણી તરફ ગતિ કરે એવી, બીજી જમણેથી ડાબે ગતિ કરી એવી અને ત્રીજી મુખથી પેટ સુધીની અડધા કદની. આ એટલાં કોમ્પ્લીકેટેડ મોડલ હતાં એક માછલીને ચલાવવા ૧૪ ઓપરેટરની જરુર પડતી હતી

સ્ટીલબર્ગને એક તો નવાસવા ને પાછા પરફેક્શનના આગ્રહી. સામાન્યપણે દરિયાનાં દશ્યો સ્ટુડિયોના તોતિંગ હોજમાં શૂટ કરવામાં આવતા હોય છે, પણ સ્પીલબર્ગે ધરાર સાચુકલા દરિયામાં શૂટિંગ કરવાનો આગ્રહ રાખ્યો. મેસેચ્યુસેટ્સના એક દરિયાકાંઠે કામ શરુ થયું ને યાંત્રિક માછલીઓ ટીમનું લોહી પી ગઈ! દરિયાનું ખારું પાણી પૂરજાઓમાં ભરાઈ જવાથી એ વારેવારે બંધ પડી જતી હતી. આર્ટિફિશીયલ સ્કિન ખરાબ થઈ જતી. ફ્રસ્ટ્રેશનનો પાર નહીં. મૂળ બજેટ ૪ મિલિયન ડોલર હતું. એેમાંથી ત્રણ મિલિયન તો યાંત્રિક માછલીઓ જ ખાઈ ગઈ. બજેટ વધતું વધતું ૯ મિલિયન સુધી પહોંચી ગયું. મૂળ આયોજન પ્રમાણે શૂટિંગ પંચાવન દિવસમાં પૂરું કરી દેવાનું હતું, જે ૧૫૯ દિવસ સુધી ખેંચાયું. હોલીવૂડમાં ૧૦૦ કરતાં વધારે દિવસ શૂટિંગ ખેંચનાર ડિરેક્ટર અનપ્રોફેશનલ ગણાઈ જાય છે. સ્પીલબર્ગે માની લીધું કે પત્યું... આ જોઝ મારી કરીઅરની છેલ્લી ફિલ્મ બની રહેવાની!



પણ સ્પીલબર્ગની કુંડળીમાં ધ સ્ટીવન સ્પીલબર્ગ બનવાનું લખાયું હતું. સાઈકો ફેમ હિચકોક માનતા કે તમે સ્ક્રીન પર જેટલું ઓછું બતાવશો એટલી વધારે થ્રિલ પેદા કરી શકશો. ખટારા જેવી યાંત્રિક માછલીઓની કડાકૂટથી બચવા સ્પીલબર્ગે એમ જ કર્યું. એમણે નિર્ણય લીધો: આખી શાર્ક બતાવવાની જ નહીં, માત્ર એની પાંખ જેવા અંગનો ત્રિકોણાકાર ટુકડો પાણીની સપાટી પર સરકતો બતાવવાનો. આ જ ટેક્નિક ફિલ્મનો હાઈ-પોઈન્ટ બની ગઈ! આખી શાર્કને બદલે માત્ર એની હાજરીના સંકેતથી થવાથી ટેન્શન જબરદસ્ત વધી જતું હતું. શાર્કના સરકતા ત્રિકોણીયા અંગ સાથે ખાસ પ્રકારનું ટેન્શન-સૂચક સંગીત સાંકળી લેવાયું. આ સંગીતને કારણે ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા.  શાર્ક થીમ મ્યુઝિક ઓલ-ટાઈમ-ગ્રેટ બેકગ્રાઉન્ડ સ્કોરમાં હકથી સ્થાન પામે છે. અમુક અન્ડરવોટર દશ્યો માટે ઓસ્ટ્રેલિયા જઈને સાચુકલી શાર્ક સાથે પણ શૂટિંગ કરવામાં આવ્યું.

આખરે ફિલ્મ રિલીઝ કરવાનો સમય આવ્યો ત્યારે નિર્માતાઓએ ટેલીવિઝન પર પ્રોમોનો મારો ચલાવ્યો. આખા અમેરિકામાં એકસાથે  હજારો થિયેટરોમાં ફિલ્મ પ્રદર્શિત કરી આવી. આ ૧૯૭૫ની વાત છે. આવું અમેરિકામાં અગાઉ ક્યારેય નહોતું બન્યું. જોઝે બોક્સઓફિસના અગાઉના તમામ રેકોર્ડઝ તોડી નાખ્યા. પાંચ વર્ષથી મંદીથી પીડાતા હોલીવૂડમાં નવી ચેતના આવી. જાઝની સફળતાએ હોલીવૂડમાં ફિલ્મનું માકેર્ટિંગ કરવાની એક નવું બિઝનેસ મોડલ ઈન્ટ્રોડ્યુસ થયું. ધૂમ પ્રમોશન અને એકસાથે હજારો પ્રિન્ટ્સ દ્વારા  શરુઆતના દિવસોમાં જ હાઈ કોન્સેપ્ટ ધરાવતી ફિલ્મનો પ્રોડક્શન ખર્ચ રિકવર કરી લેવાની કોશિશ કરવાની. હોલીવૂડના સ્ટુડિયોઝ માટે આ મોડલ ખૂબ નફાકારક પૂરવાર થયું. બોલીવૂડમાં છેક હવે ખાસ કરીને બિગ બજેટ બ્લોકબસ્ટરના કેસમાં આ બિઝનેસ મોડલનો અમલ થાય છે. હા, તેને કારણે દેશ-વિદેશમાં નાની આર્ટ ફિલ્મોને નુક્સાન પણ થયું છે તે અલગ વાત થઈ. જાઝને વિવેચકોએ ફિલ્મને ખૂબ વખાણી. ત્રણ ઓસ્કર એવોર્ડઝ પણ મળ્યા. પછી તો એના જેવી તો કેટલીય ફિલ્મો બનીજોઝના જ બીજા ત્રણ પાર્ટ બન્યા. આમાંથી જોકે સ્પીલબર્ગ એકેયમાં સંકળાયેલા નહોતા. જાઝ ટીવી પર અવારનવાર દેખાડાતી રહે છે. જો હજુ સુધી જોઈ ન હોય તો હવે મિસ ન કરતા.  

જો ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર          : સ્ટીવન સ્પીલબર્ગ 
કલાકાર          :  રૉય શિડર, રોબર્ટ શૉ, રિચર્ડ ડ્રેફસ    
મૂળ નવલથાકાર  : પીટર બેન્ચલી
રિલીઝ ડેટ        : ૨૦ જૂન ૧૯૭૫  
અવોર્ડઝ          : બેસ્ટ એડિટિંગ, બેસ્ટ ઓરિજિનલ ડ્રામેટિક સ્કોર, બેસ્ટ સાઉન્ડ   માટેના ઓસ્કર                       ૦૦૦
  

No comments:

Post a Comment