Sunday, June 3, 2012

કાન, કપડાં અને કલા


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 3-6-2012

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

 આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ઘોષિત થયેલી ફ્રેન્ચ ફિલ્મ ‘આમોર’ની સિનિયર એકટ્રેસનું નામ ઈમેન્યુએલ રિવા છે. દાયકાઓ પહેલાં સ્વ. ચંદ્રકાંત બક્ષી એનાથી એટલા પ્રભાવિત થયા હતા કે પોતાની દીકરીનું નામ એના પરથી ‘રિવા’ પાડ્યું હતું. 


Emmanuelle Riva in award winning French film Amour


પણે સામાન્ય રીતે વિદેશની બે ફિલ્મી ઈવેન્ટ વિશે વારાફરતી સાંભળતા રહીએ છીએ  ઓસ્કર અવોર્ડઝ નાઈટ અને કાન (કાન્સ નહીં) ફિલ્મ ફેસ્ટિવલ. થેન્ક્સ ટુ મિડીયા. ઓસ્કર અવોર્ડઝનો ખેલ થોડી કલાકોમાં ખતમ થઈ જાય છે, જ્યારે દર વર્ષે ફ્રાન્સમાં યોજાતો કાન ફિલ્મ ફેસ્ટિવલ દસ દિવસ સુધી ધમધમતો રહે છે. દુનિયાનો આ સૌથી ગ્લેમરસ ફિલ્મ ફેસ્ટિવલ છે. જુદા જુદા સેક્શનમાં દુનિયાભરની ઢગલાબંધ ફિલ્મો રજૂ થાય છે, વખણાય છે કે વખોડાય છે. કમનસીબે કાન ફિલ્મ ફેસ્ટિવલનું ઈમેજ મેકઓવર થઈ ગયું છે. અહીં રેડ કાર્પેટ પર કોણ કેવો ડિઝાઈનર ડ્રેસ પહેરીને આવ્યું હતું એનો તસવીરી હોબાળો એટલો બધો ગાજતો રહે છે કે આપણે પ્રયત્નપૂર્વક  યાદ રાખવું પડે કે ભાઈ, આ ઈવેન્ટ સિનેમા અને કળાને લગતી છે, ફેશનબેશનની નહીં. સાઉથ અમેરિકન લેખક પોલો કોએલ્હોની ‘ધ વિનર સ્ટેન્ડ અલોન’ નવલકથા કાન ફિલ્મ ફેસ્ટિવલના પશ્ચાદભૂમાં આકાર લે છે.    

૧૬ થી ૨૭ મે દરમિયાન ચાલેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ત્રણ બ્રાન્ડન્યુ ભારતીય ફિલ્મો રજૂ થઈ. અનુરાગ કશ્યપની બે ભાગમાં બનેલી ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ (કુલ સ્ક્રીન ટાઈમ પાંચ કલાસ દસ મિનિટ), અશિમ અહલુવાલિયાની ‘મિસ લવલી’ (જેમાં સીગ્રોડની ફિલ્મો બનાવતા અને એક જ સ્ત્રીને પ્રેમ કરતા બે ભાઈઓની વાત છે) અને વાસન બાલાએ ડિરેક્ટ કરેલી  મુંબઈની લાક્ષાણિકતા રજૂ કરતી ‘પેડલર્સ’.

Emmanuelle Riva... in young age
ખેર, આપણી એક પણ ફિલ્મ કોમ્પિટિશન સેક્શનનો હિસ્સો નહોતી. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મ સર્વશ્રેષ્ઠ ઘોષિત થઈ? માઈકલ હેનેકી નામના રાઈટરડિરેક્ટરની ફ્રેન્ચ ફિલ્મ, ‘આમોર’. આમોર એટલે પ્રેમ. એક વૃદ્ધ દંપતી છે. પતિપત્ની બન્ને એક સમયે મ્યુઝિક ટીચર હતાં. છેલ્લાં કેટલાંય વર્ષથી બન્ને રિટાયર્ડ છે. એમને એક દીકરી છે, જે વિદેશ રહે છે. વૃદ્ધા બાપડી મરવા પડી છે. પેરેલિસિસના હુમલાનો ભોગ બનવાને કારણે એનું અડધંુ શરીર માંડ કામ કરે છે. એક રીતે જોકે એ નસીબદાર છે. એના પતિદેવ એની ખૂબ ચાકરી કરી છે. અત્યંત સંવેદનશીલ કથાવસ્તુ અને અસરકારક પર્ફોર્મન્સવાળી આ ફિલ્મને સૌએ એકઅવાજે વખાણી છે.

ઓસ્ટ્રિયન રાઈટર-ડિરેક્ટર માઈકલ હેનેકી ખુદ ૭૦ વર્ષના છે. એમણે ૧૪ વર્ષના લાંબા અંતરાલ પછી આ ફિલ્મ બનાવી છે. વૃદ્ધાની ભુમિકા ઈમેન્યુએલ રિવા નામની ફ્રેન્ચ અભિનેત્રીએ ભજવી છે. એ હાલ ૮૫ વર્ષનાં છે! એમની સૌથી પહેલી ફિલ્મ ‘હિરોશીમા, મોં આવુર’ ૧૯૫૯માં રિલીઝ થઈ હતી. આપણા અતિવહાલા સાહિત્યકાર સ્વ. ચંદ્રકાંત બક્ષી આ અભિનેત્રીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. એટલે સુધી કે ઈમેન્યુએલ રિવાના નામ પરથી એમણે પોતાની દીકરીનું નામ ‘રિવા’ પાડ્યું હતું!

આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોકે બેસ્ટ એકટ્રેસનો ખિતાબ જોકે ‘બિયોન્ડ ધ હિલ્સ’ નામની રોમાનિઅન ફિલ્મની નાયિકાઓ ક્રિસ્ટિના ફ્લટર અને કોસ્મિના સ્ટ્રેટનને સંયુક્તપણે મળ્યો. બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ પાછી ત્રીજી ફિલ્મના ખાતામાં નોંધાયો. ‘પોસ્ટ ટિનીબ્રાસ લક્સ’ (અર્થાત, અંધકાર પછીનો ઉજાસ) નામની મેક્સિકન ફિલ્મના ડિરેક્ટર કાર્લોસ રેગેડ્સે આ ખિતાબ જીત્યો. ૪૧ વર્ષના કાર્લોસની બે વસ્તુ માટે જાણીતી છે સેક્સ અને ગંધારા ગોબરાં પાત્રો. એક દંપતીના જીવન વિશે વાત કરતી ‘પોસ્ટ ટિનીબ્રાસ લક્સ’ આંશિક રીતે આત્મકથનાત્મક છે.
Mikkelson in Hunt


કાર્લોસે એક વાર કહ્યું હતું, ‘મારું એવું છે કે હું પહેલાં ફિલ્મ બનાવી કાઢું અને પછી એનાં આંતરપ્રવાહોને સમજવા બેસું. પત્રકારો ફિલ્મ જોયા પછી જાતજાતને સવાલ કરે ત્યારે એમને સંતોષ થાય એવા ખુલાસા તો કરવા પડેને. એ વાત અલગ છે કે હું પોતે એ ખુલાસાઓ પર વિશ્વાસ કરતો નથી!’

બેસ્ટ એક્ટરનો અવોર્ડ જીતનાર ડેનિશ અભિનેતાનું નામ છે, મેડ્સ મિકેલસન. આ એવોર્ડ તેને ‘ ધ હન્ટ’ નામની ફિલ્મને મળ્યો છે. મેડ્સને તમે જેમ્સ બોન્ડની ફિલ્મ ‘કેસિનો રોયલ’માં જોયો છે. ૪૭ વર્ષના મેડ્સને કેટલીય વાર ‘ધ સેક્સીએસ્ટ મેન ઓફ ડેનમાર્ક’ના ખિતાબથી નવાજવામાં આવ્યો છે. ‘ધ હન્ટ’માં એક માણસ કોઈક કારણસર રોષે ભરાયેલા ગામલોકોની બરાબરની હડફેટમાં આવી જાય છે એવી કથા છે.

A still from Italian film, Reality

આ વખતનો ગ્રા પ્રિ અવોર્ડ (એટલે કે જ્યુરી અવોર્ડ) ‘રિઆલિટી’ નામની ઈટાલિયન ફિલ્મને મળ્યો. આખી ફિલ્મ ‘બિગ બોસ’ જેવા એક રિયાલિટી શોમાં આકાર લે છે!

સિનેમાના ચાહકો આ લેખમાં સ્થાન પામેલી બધી ફિલ્મોનાં નામ નોંધી રાખે અને તક મળે ત્યારે જોઈ પણ લે. આમાંની એક પણ ફિલ્મ પાસેથી હોલીવૂડની બિગ બજેટ મસાલા ફિલ્મ જેવી અપેક્ષા નથી રાખવાની એ ખાસ યાદ રાખવાનું!


શો-સ્ટોપર

‘બેન્ડ બાજા બારાત’વાળા રણબીર સિંહને અભિનેતા બનતા પંદર વર્ષ લાગી જશે. આ બધા જિમમાં તૈયાર થયેલા એક્ટરો છે. 

 - તિગ્માંશુ ધૂલિયા (‘પાન સિંહ તોમર’ના ડિરેક્ટર)

No comments:

Post a Comment