Friday, January 13, 2012

મૈં કૌન સા ગીત ગાઉં... ક્યા સુનાઉં...


 ચિત્રલેખા - અંક તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૨ માટે 


કોલમઃ વાંચવા જેવું 


                                                                                     
સૌથી પહેલાં તો આ ત્રણ ગીતો મનોમન ગણગણી લો. ‘મુગલ-એ-આઝમ’માં બંદીખાનામાં કેદ થયેલી ફૂલ જેવી કોમળ મધુબાલા લોખંડી ઝંઝીરોના ખણખણાટ વચ્ચે પરવરદિગારને આર્દ્ર સ્વરે પોકારી રહી છેઃ  ‘બેકસ પે કરમ કીજિએ... સરકારએમદીના...’ બીજ , નટખટ જયા ભાદુડી ‘ગુડ્ડી’માં સ્કૂલના એસેમ્બલી હૉલમાં સરસ પ્રાર્થના ગવડાવી રહી છેઃ ‘હમ કો મન કી શક્તિ દેના...’ અને હેમંત કુમારે ગાયેલું ત્રીજ  ગીત આઃ ‘દર્શન દો ઘનશ્યામ, નાથ મોરી અખિયાં પ્યાસી રે...’

આ ત્રણેય ભક્તિગીતો હોવા ઉપરાંત તેમની વચ્ચે એક ઓર વાત કોમન છે. આ ત્રણેય ગીતોની રચના રાગ કેદાર પર આધારિત છે. એક વાર ઉસ્તાદ અમીર ખાં સાહેબે વાતવાતમાં મ્યુઝિક ડિરેક્ટર ઓ. પી. નય્યરને કહ્યું કે રાગ કેદાર ભક્તિગીતમાં જેટલી જમાવટ કરે છે એવી અસર બીજા મૂડના ગીતોમાં પેદા કરી શકતો નથી. આખી કરીઅરમાં લતા મંગેશકર પાસે એક પણ ગીત ન ગવડાવનાર ઓ. પી. નય્યર કહેઃ ‘ઠીક હૈ. મૈં આપકો દૂસરે મૂડ મેં કંપોઝ કરકે સુનાઉંગા.’ થોડા દિવસો બાદ નય્યરસાહેબે ઉસ્તાદ અમીર ખાંને પોતાના મ્યુઝિક રૂમ પર આવવા આમંત્રણ આપ્યું અને કહ્યુંઃ ‘ગુસ્તાખી માફ ખાં સાહબ, અબ આપ યે ગાના સુનિયે અૌર ક્લાસિકલ મ્યુઝિક કે હિસાબ સે મૈંને સહી કિયા હૈ યા નહીં વો બતાઈએ.’

Ustad Amir Khan
ક્યું હતું એ ગીત? મોહમ્મદ રફી અને આશા ભોંસલેના અવાજમાં ગવાયેલું રાગ કેદાર પર આધારિત પેલું યાદગાર લવસોંગઃ આપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાએગા... ગીત સાંભળીને ઉસ્તાદજી ખુશ થઈ ગયા. કહેઃ ‘યાર, તુમને તો કમાલ કર દિખાયા!’

આ અને આવા જેવા કેટલાય રસપ્રદ કિસ્સા લેખકપત્રકાર અજિત પોપટે ‘ગાયે જા ગીત ફિલમ કે...’માં નોંધ્યા છે. વાસ્તવમાં આ પુસ્તકની સાથે ઓર બે પુસ્તકો પણ બહાર પડ્યાં છે ‘બેકરાર દિલ, તુ ગાયે જા...’ અને ‘સાજ અને સ્વરસાધકો’. પહેલાં બે પુસ્તકોમાં ‘ગુજરાત સમાચાર’માં છપાતી લેખકની ‘સિનેમેજિક’ કોલમના લેખોનું સંકલન થયું છે, જ્યારે ત્રીજામાં ‘ચિત્રલેખા’માં છપાયેલા પ્રમાણમાં વિસ્તૃત લેખોને આવરી લેવામાં આવ્યા છે. હિન્દી ફિલ્મસંગીતના રસિયાઓને જલસો કરાવી દે એવો આ સંપુટ છે.

લેખક કહે છે કે ફિલ્મસંગીતમાં ભૈરવી અને શિવરંજની રાગો છૂટથી વપરાયા છે. આ ઉપરાંત એક રાગ એવો છે જેનો ઉપયોગ કરીને રચવામાં આવેલાં ગીતો સંભવતઃ તમામ પ્લેબેક સિંગર્સ ગાઈ ચૂક્યા છે. તે છે રાગ પહાડી. સાંભળોઃ ‘જવાં હૈ મુહેબ્બત હસીં હૈ જમાના...’ (ફિલ્મ અનમોલ ઘડી, ગાયિકાઃ નૂરજહાં), ‘કોરા કાગજ થા યે મન મેરા લિખ લિયા નામ ઉસ પે તેરા...’ (આરાધના, કિશોર કુમાર), ‘આ જા રે... ઓ  મેરે દિલબર આ જા...’ (નૂરી, લતા મંગેશકર). આ બધા ઉદાહરણો રાગ પહાડીનાં છે. આ પુસ્તકમાં એક મસ્તમજાનું કામ થયું છે. ૨૯૫ જેટલાં લોકપ્રિય ફિલ્મી ગીતો કયા રાગ પર આધારિત છે તેનુ વિગતવાર લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે.

સંશોધનોના આધારે સલાહ અપાતી હોય છે કે બાળકને ગણિત અને વિજ્ઞાનમાં એકાગ્ર કરવા એને સંગીત શીખવવું જોઈએ. આ સંગીત ભારતીય કે પાશ્ચાત્ય કોઈ પણ હોઈ શકે. બન્નેમાંથી કયું  સંગીત બહેતર? આ બન્ને પ્રકારના સંગીતના તુલનાત્મક અભ્યાસ પછી લેખકે જે અભિપ્રાય બાંધ્યો તેની નીચે જગવિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહીન સહી કરે છે. મેન્યુહીન કહે છે કે ભારતીય સંગીત વ્યક્તિગત છે. માત્ર એક કલાકાર મંચ પર બેસીને કલાકો સુધી રસિકોને ડોલાવી શકે છે, જ્યારે વેસ્ટર્ન મ્યુઝિક સમૂહલક્ષી છે.

લેખક કહે છે કે તમારા સંતાનને સંગીત શીખવા મોકલશો તો સૌથી પહેલાં રાગ ભૂપાલી શીખવવામાં આવશે. રાગના વ્યાકરણનો વ્યાયામ શરૂ થાય તે પહેલાં  બાળકને જો ભૂપાગી રાગ આધારિત ફિલ્મગીતો સંભળાવો તો એ સહેલાઈથી યાદ રાખી શકશે. આ રાગમાં માત્ર પાંચ સ્વરો (સા, રે, ગ, પ, ધ)નો ઉપયોગ થાય છે. ઈવન જાપાનીસ લોકસંગીતમાં રાગ ભૂપાલી જેવી સૂરાવલિ કોમન છે. કયા પોપ્યુલર ફિલ્મગીતોમાં આ રાગનો ઉપયોગ થયો છે? સાંભળોઃ ‘સાયોનારા... સાયોનારા... વાદા નિભાઉંગી સાયોનારા’ (લવ ઈન ટોકિયો), ‘પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં’ (ચોરી ચોરી) વગેરે.

કેટલાક વિદ્વાનોના મતે ‘ભાભી કી ચૂડિયાં’ ફિલ્મનું ‘જ્યોતિ કલશ છલકે’ ભૂપાલીમાં સ્વરબદ્ધ થયું છે, તો કેટલાકે ક્હ્યું કે ના, આ ગીત રાત દેશકારમાં બન્યું છે. આ બેમાંથી કઈ વાત સાચી? ગીતના ગાયક સુધીર ફડકેને આ વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો એમણે કહી દીધુંઃ વિદ્વાનો ભલે મલ્લકુસ્તી કર્યા કરે, આપણે તો ગીતની રસલ્હાણ માણવાની. તમે ફક્ત ગીત સાંભળો અને એનો સાત્ત્વિક આનંદ માણો!

Ustad Bade Gulam Ali Khan and Lata Mangeshkar

‘જ્યોતિ કલશ છલકે’ ગીત લતા મંગેશકરે પણ ગાયું છે. લતાબાઈ અને ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંનો એક મજાનો કિસ્સો લેખકે ‘બેકરાર દિલ... તું ગાયે જા’ પુસ્તકમાં ટાંક્યો છે. ઉસ્તાદને પાછલી ઉંમરે પેરેલિસિનો હુમલો આવ્યો ત્યારે લતા મંગેશકર એમની ખબર કાઢવા ગયાં હતાં. લતાજીએ બિસ્તર પર લેેટેલા ખાં સાહેબને તેમની જ એક અતિ લોકપ્રિય ઠુમરી ગાઈ સંભળાવી. લતાજીએ ખાં સાહેબની ગાયકીની તમામ ખૂબીઓ અકબંધ રાખીને એટલી સરસ રીતે ઠુમરી પેશ કરી કે ખાં સાહેબની આંખો છલકાઈ આવી. આ જ બડે ગુલામ અલી ખાં સાહેબે એક વાર લતાજી માટે પ્રેમથી કહ્યું હતુંઃ ‘સાલી કભી બેસૂરી નહીં હોતી...!’

Ustad Bade Gulam Ali Khan
લેખક અજિત પોપટ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મારો હેતુ વાચકોને શાસ્ત્રીય સંગીત શીખવવાનો કે રાગરાગિણીઓની ટેક્નિકલ માહિતી આપવાનો નથી. મારે તો વાચકોને ૧૯૩૫થી ૧૯૭૫ સુધીના સમયગાળાના શાસ્ત્રીય રાગો આધારિત ચુનંદા હિન્દી ફિલ્મી ગીતોનો રસાસ્વાદ કરાવવો છે.’

વેલ, લેખકનો હેતુ સરસ રીતે પાર પડ્યો છે. આ પુસ્તકો સહેજે ભારેખમ થયા વિના પોપ્યુલર ગીતોને શાસ્ત્રીય દષ્ટિકોણથી માણતા શીખવે છે. આ સંપુટમાં સંગ્રહાયેલો સંગીતમય ખજાનો ફિલ્મી ગીતોના રસિયાઓએ મન મૂકીને લૂંટવા જેવો છે. 000




ગાયે જા ગીત ફિલમ કે... 


 લેખકઃ અજિત પોપટ

 પ્રકાશકઃ પ્રવીણ પ્રકાશન, રાજકોટ

ફોનઃ (૦૨૮૧) ૨૨૩૨૪૬૦, ૨૨૩૪૬૦૨

કિંમતઃ  રૂ. ૧૩૦ /

પૃષ્ઠઃ ૧૦૦


૦ ૦ ૦






‘’

No comments:

Post a Comment