Thursday, April 21, 2011

સ્વામી સચ્ચિદાનંદનું લેટેસ્ટ પુસ્તક કેવું છે?

ચિત્રલેખા  અંક તારીખ ૨ મે ૨૦૧૧માં પ્રકાશિત


રામાયણઃ પ્રેમકથા.... શૌર્યકથા


કોલમઃ વાંચવા જેવું 
    

            

રામાયણ એટલે ભારતીય અસ્મિતા અને હિંદુ સંસ્કૃતિનો એક મહાસ્તંભ. રામાયણ એક તરફ રાજા અને પ્રજાના વ્યવહારવર્તન માટે શાશ્વત માપદંડો સ્થાપિત કરે છે, તો બીજી બાજુ, સમયકાળ સાથે નવાં અર્થઘટનો ઊઘડી શકે તે માટે જરૂરી અવકાશ પણ છોડે છે. સ્વામી સચ્ચિદાનંદ જેવી અભ્યાસુ  વ્યક્તિ જ્યારે રામાયણનું મૌલિક વિશ્લેષણ કરે ત્યારે તેમાં એમના ખુદના જીવનચિંતન તેમજ વ્યક્તિત્ત્વના રંગો ઉમેરાયા વગર ન રહે.  ‘રામાયણનું ચિંતન’માં સ્વામીજીની કલમ બરાબરની ખીલી છે.

પ્રસ્તુત પુસ્તકના કેન્દ્રમાં વાલ્મીકિ રચિત રામાયણ છે. અહીં રામજન્મથી શરૂ થયેલી કથા અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડમાંથી પસાર થતી થતી આખરે ધરતીમાં સમાઈ જતાં સીતાજીની ઘટના પર વિરામ લે છે. રામકથાના વિવિધ પ્રસંગોથી કોણ અજાણ હોવાનું. આથી જાણીતી ઘટનાઓની વિગતોમાં ઊંડા ઉતરવાને બદલે સ્વામીજીને ખુદને જે અભિપ્રેત છે તેે વ્યક્ત કરવામાં વિશેષ રુચિ દાખવી છે. પાંગળી ધાર્મિકતા કે નિરથર્ક આધ્યાત્મિકતાના બોજ તળે દબાયેલી  ઢીલી પ્રજા વાસ્તવ સામે આંખ આડા કાન કરીને પલાયનવાદી બની જાય તેની સામે સ્વામીજીને તીવ્ર રોષ છે.  પ્રસ્તાવનામાં જ તેઓ સ્પષ્ટપણ લખે છે કે પ્રજાને ઝઝૂમતી કરવી છે, ભાગતી નહીં.  ‘રામાયણનું ચિંતન’ તેમણે આ દષ્ટિકોણથી લખી છે.

Swami Sachchidanand
સ્વામીજી લખે છે, ‘રામાયણમાં સીતાહરણના પ્રસંગ સિવાય ક્યાંય સાધુ દેખાતો નથી. બધા ઋષિઓ જ ઋષિઓ છે. ઋષિઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થોનું સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે. તેઓ પત્નીત્યાગી નથી. તેમને બાળકો છે. ગૃહસ્થ જીવન જીવે છે. યુદ્ધો કરે છે. નવાં નવાં શસ્ત્રોની રચના કરે છે. રાક્ષસોથી મુકિત અપાવે છે. ઋષિ એટલે માત્ર ભગતડો નહીં. તે માળાની સાથે તલવાર પણ ફેરવી જાણે છે. પ્રજાનું આ મુખ્ય પ્રેરક બળ છે.... આપણે સૌ આ ઋષિ જેવા થઈએ તો દેશ કેવો બને? પછી પ્રજા કમજોર રહે ખરી? આ ઋષિમાર્ગ છે.’

પુસ્તકનું મુખપૃષ્ઠ સૂચક છે. અહીં નથી રામનો કોમળ ચહેરો દેખાતો કે નથી તેના પર મધુર સ્મિત રેલાતું. અહીં  છાયાચિત્રમાં તેમનું સશક્ત પૌરુષિક શરીર  દ્રશ્યમાન છે અને તેઓ ધનુષ્ય ધારણ કરીને આક્રમક મુદ્રામાં ઊભા છે. આખા પુસ્તકનો અને લેખકનો આ જ મિજાજ છે.



સ્વામી સચ્ચિદાનંદ  કહે છેઃ  ‘રામાયણ પરાક્રમનો ગ્રંથ છે. કોરા ત્યાગવૈરાગ્યનો ગ્રંથ નથી. ત્યાગવૈરાગ્ય તો પૂરી કથાના પ્રાણ છે, પણ તે પરાક્રમના પગે ચાલે છે. પગ વિનાનાં લૂલાં ત્યાગવૈરાગ્ય મડદાં બરાબર હોય છે. જો પ્રજા પલાંઠીપૂજક થઈ જશે તો નિષ્ક્રિયતા અને કાયરતા વધી જશે. રામકૃષ્ણ પલાંઠી નથી વાળતા. શસ્ત્રો લઈને ઝઝૂમે છે. તેમના ઝઝૂમવાથી રાક્ષસોથી પ્રજાનું રક્ષણ થાય છે. આ સાચો આદર્શ છે. ’ આટલું કહીને તેઓ ઉમેરે છેઃ ‘પોતાને સતત મહાન હોવાનાં બણગાં ફૂંકનારા બણગાખોરોને પૂછો કે તમે કેટલાં પાળિયાં પેદા કર્યાં? છપ્પન ગજની ધજા અને સોનાના કળશવાળાં ભલે હજારો મંદિરો બાંધ્યાં. બાંધો, હજુ વધુ બાંધો, પણ હૃદય પર હાથ મૂકીને જવાબ આપો કે ગામની ભાગોળે તમારો કોઈ પાળિયો છે? સોનાનો ઈતિહાસ નથી હતો. કદાચ હોય તો લૂંટાઈ જવાનો હોય. ઈતિહાસ તો પેલાં પાળિયાઓનો જ હોય છે.’



સ્વામીજી એક ઘા ને બે કટકા કરવામાં માને છે. તેમની વાણી અને લેખનમાં કશું જ ગોળ ગોળ નથી હોતું. સીધી વાત અને આકરા મર્માઘાત. તેઓ ઘણાને અપ્રિય લાગી શકે મુદ્દા છેડે છે, વાચકને વિચારતા કરી મૂકે છે. તેઓ કહે છે કે દુખોને દૂર કરવા અને સુખોને વધારવાં તે જીવનનું પ્રાથમિક લક્ષ્ય છે. સંસારસુખના પાંચ કેન્દ્રો છે ૧. વહાલસુખ, ૨. વિષયસુખ, ૩.વાત્સલ્યસુખ, ૪. વૈભવસુખ, પ. સત્તાસુખ. સ્વામીજી લખે છે કે સંપત્તિ અને વૈભવ ત્યાં સુધી જ સુખ આપે છે, જ્યાં સુધી માણસની લાગણીઓની હત્યા થઈ નથી જતી. વિશ્વાસઘાતથી મોટી કોઈ હત્યા નથી.

આ સંદભર્માં અહલ્યા અને તેમના પતિ ગૌતમ ઋષિની વાત જાણવા જેવી છે. અન્ય ગ્રાંથોમાં અહલ્યાને નિદોર્ષ બતાવ્યાં છે, પણ વાલ્મીકિએ તેમનું અલગ ચરિત્ર આલેખ્યું છે. એક વાર અહલ્યા આશ્રમમાં એકલાં હતાં ત્યારે ઈન્દ્ર તક ઝડપીને ગૌતમ ઋષિના વેશમાં આવ્યા. અહલ્યા  ઓળખી ગયાં કે આ પોતાના પતિ નહીં પણ ઈન્દ્ર છે. છતાં પણ તેઓ ઈન્દ્રને અનુકૂળ થયાં અને બન્નેએ ભરપૂર રતિસુખ માણ્યું. ક્રોધિત થયેલા ગૌતમ ઋષિએ પછી ઈન્દ્રને નપુંસક અને અહલ્યાને શ્રાપ આપીને શિલા બનાવી દીધાં. લાંબા અંતરાલ પછી આખરે રામના સ્પશર્થી શિલાનું પુનઃ અહલ્યામાં રૂપાંતર થયું.  અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી  આ પાંચ મહાસતીઓનું રોજ સવારે નામસ્મરણ કરવાનું કહેવાયું છે. સ્વામી સચ્ચિદાનંદ લખે છે, ‘આ પાંચેયમાં ચારિત્ર્યના સ્ખલન છતાં પહેલું નામ અહલ્યાનું છે તે સમજવા જેવું છે. અહલ્યા પતિત થઈ તે વાત સાચી પણ પણ પછી તે સુધરી ગઈ. પછીની જિંદગીમાં ફરીથી એણે આવી ભૂલ નથી કરી તેથી તેને સતી માનવામાં આવે છે.’


સ્વામીજીએ આખા પુસ્તકમાં મનીમોરલ, સેક્સમોરલ અને સ્ત્રીપુરુષના સંબંધો વિશે ખૂબ લખ્યું છે. તેઓ કહે છે, ‘સ્ત્રીને સાચવવી પડતી હોય છે. સચવાયેલી સ્ત્રી જ પોતાના માટે અને પતિ માટે સુખદાયી થઈ શકતી હોય છે. સાચવવાનો અર્થ છે, તેને મોકો ન આપો. એને અવિશ્વનીય પુરુષોથી દૂર રાખો. જોકે કામવાસના એટલી પ્રબળ હોય છે કે વિશ્વસનીય પણ ક્યારે અવિશ્વનીય થઈ જાય તે કહેવાય નહીં. જ્યાં સેક્સમોરલ હોતું નથી તેવી પ્રજા સુખી સુખી દામ્પત્ય ભોગવી શકતી નથી. સુખી દામ્પત્ય તો વફાદારી, વિશ્વાસ અને એકનિષ્ઠામાંથી પ્રા થતું હોય છે. દામ્પત્ય સ્ત્રી જ જમાવતી હોય છે, પુરુષ નહીં. વ્યભિચારિણી સ્ત્રી કદી પણ વિશ્વાસુ હોતી નથી. એટલે પ્રચંડ આવેગોનું ઉત્તમ સમાધાન પોતાનો પતિ કે પત્ની જ કરી શકે છે. ધર્મભાવના તેમને પરસ્પરનો સંતોષ આપે, એકબીજાને ખીલે બાંધી દે છે. લગ્ન એ મીઠી ગુલામી છે.’

પ્રસ્તુત પુસ્તકમાં શબ્દબદ્ધ થયેલો સ્વામી સચ્ચિદાનંદનો ચિંતનયુક્ત રોષ અને આક્રમકતાના ઘણા અંશ તેમનાં અગાઉનાં પુસ્તકોમાં વ્યક્ત થઈ ચૂક્યાં છે. આ જ પુસ્તકમાં અમુક મુદ્દા સતત પુનરાવતર્ન પામતા રહે છે. ક્યારેક અમુક મુદ્દે ઓવરસિમ્પ્લીફિકેશન થતું હોય તેવું પણ લાગી શકે. સ્વામીજી ‘ચિત્રલેખા’ને કહે છે, ‘તુલસીદાસના રામાયણ અને વાલ્મીકિના રામાયણ વચ્ચે ભેદ છે. તુલસીદાસ માટે શ્રીરામને ઈષ્ટદેવ છે, પરબ્રહ્મ પરમાત્મા  છે, જ્યારે વાલ્મીકિ શ્રીરામને એક આદર્શ રાજા અને મહાપુરુષ રૂપે જુએ છે. તુલસીદાસનું રામાયણ ભાવનાપ્રધાન છે, જ્યારે વાલ્મીકિનું રામાયણ તકપ્રર્ધાન છે અને વધારે પ્રામાણિક છે. મેં તુલસીદાસ કૃત રામાયણ વિશે અગાઉ ‘સંસારરામાયણ’ નામનું પુુસ્તક લખ્યું જ છે.’

સ્વામીજીના સાદગીભર્યા લખાણમાં જે  લાક્ષાણિક ચુંબકત્વ છે તે વાચકને સતત જકડી રાખે છે. આ નખશિખ સુંદર અને વિચારોત્તેજક પુસ્તક ધર્મચિંતનમાં રસ ધરાવનારાઓ માટે તેમજ સ્વામીજીના પ્રશંસકો માટે મસ્ટરીડ છે.

રામાયણનું ચિંતન

લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ

પ્રકાશકઃ  ગૂજર્ર સાહિત્ય ભવન,
રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ૧
ફોનઃ  (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩

કિંમતઃ ૧૦૦ રૂપિયા
પૃષ્ઠઃ  ૨૫૦)

૦૦૦












2 comments: