Tuesday, December 1, 2020

ભારતનો ગામડિયો અમેરિકામાં મલ્ટિ-મિલિયોનેર રાજકારણી શી રીતે બન્યો?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ - 3 ડિસેમ્બર 2020, રવિવાર માટે

શ્રીનિવાસ થાણેદારની સક્સેસ સ્ટોરી જોશ ચડાવી દે તેવી છે. અનુકૂળ માહોલમાં હોશિયાર, મહેનતુ અને ફૉક્સ્ડ માણસની શક્તિઓ પૂરબહારમાં ખીલતી હોય છે.  


હારગામથી મુંબઈ ભણવા આવેલો એક જુવાનિયો. શ્રીનિવાસ એનું નામ. ટૂંકમાં સૌ એને શ્રી કહીને બોલાવે. સાવ સાધારણ ઘરનું સંતાન. એક હમઉમ્ર છોકરા સાથે એની દોસ્તી થઈ. એ છોકરાનું નામ નૌશિલ. બન્ને એમ. એસસી.નું ભણતા હતા એ એક વાતને બાદ કરો તો તેમની વચ્ચે ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર. શ્રી કર્ણાટકના બેલગામથી આવેલો ગામડિયો, જ્યારે નૌશિલ નખશિખ બમ્બૈયા ગુજરાતી. સોફિસ્ટીકેશન, ટેબલ મેનર્સ, ઊંચી લાઇફસ્ટાઇલ આ બધા સાથે શ્રીને નહાવાનિચાવાનો સંબંધ નહીં, જ્યારે નૌશિલ એક સ્ટાઇલિશ બંદો. એના ઠાઠમાઠ રજવાડી. એ સિગારેટ પણ સ્ટાઇલથી પકડે. ટૅક્સી સિવાય કશેય જવાનું નહીં. ફાઇવસ્ટાર હોટલ કે મોંઘીદાટ રેસ્ટોરાં સિવાય કશેય ખાવાપીવાનું નહીં. એનું કદ ઊંચું, સોહામણું. હજારોમાં એક કહેવાય એવું એનું વ્યક્તિત્ત્વ. શ્રીને થાય કે નૌશિલે શું જોઈને મારી સાથે દોસ્તી કરી હશે.

નૌશિલે શ્રીનો પ્રવેશ નાટક, સિનેમા, ચિત્રકલા અને અંગ્રેજી પુસ્તકોની દુનિયામાં કરાવ્યો. નૌશિલને ખાસ કરીને પ્રયોગશીલ રંગભૂમિ વિશેષ આકર્ષે. પરેશ રાવલ, શફી ઇનામદાર, પ્રબોધ પરીખ આ બધા નૌશિલના ભાઈબંધો. ભેગા થઈને તેઓ નાટક, કળા અને સાહિત્યની બુદ્ધિની ધાર ઉતરી જાય એવી ચર્ચાઓ કરે ને શ્રી વિસ્મય અનુભવતો એ બધું સાંભળ્યા કરે. નૌશિલની સંગતની અસર એના પર ન થાય તેવું કેવી રીતે બને. શ્રી જાણે નાનકડા ખાબોચિયામાંથી વિરાટ સમુદ્રમાં પહોંચી ગયો હતો. એને થાય કે મારે નૌશિલ જેવા બનવું છે. નૌશિલ એના માટે ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઇડ અને ગુરૂ હતો. નૌશિલના માતા-પિતા પણ બહુ મજાનાં. તેઓને થાય કે આ શ્રી કેવો જવાબદાર છોકરો છે. મુંબઈમાં એકલો રહીને ભણે છે ને નોકરી પણ કરે છે, બચત કરીને ઘરે પૈસા મોકલે છે, જ્યારે અમારો મસ્તમૌલા નૌશિલ તો દિવસ-રાત કળાની દુનિયામાં જ રમમાણ રહે છે.

શ્રી સ્કૂલમાં સાવ સાધારણ વિદ્યાર્થી હતો, પણ એમએસસીમાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. એણે નિશ્ચય કરી લીધોઃ હું જીવનમાં કંઈક કરીને બતાવીશ, હું વિદેશ જઈશ, પીએચ.ડી. કરીશ. વિદેશ એટલે અમેરિકા. એણે નૌશિલને વાત કરી. નૌશિલને કંઈ અમેરિકા જવાનો મોહ નહોતો. એ રહ્યો લહેરી લાલો.  જોઈશું, કરીશું એવો એનો એટિટ્યુડ હોય. આમેય એને અહીં જ રહીને કળાજગતમાં આગળ વધવું હતું.

શ્રીએ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓ વિશે માહિતી એકઠી કરવા માંડી. આ વાત 1970ના દાયકાના ઉત્તરાર્ધની છે. એ વખતે ઇન્ટરનેટ કે ઇમેઇલનો જમાનો હજુ આવ્યો નહોતો એટલે શ્રીએ કેટલીય યુનિવર્સિટીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. આ આખી કસરતમાં નૌશિલ પણ એમ જ મસ્તી ખાતર જોડાયો. એડમિશન તો મળી જાય તેમ હતું, પણ ફી તોતિંગ હતી. શ્રીએ એવી જ યુનિવર્સિટી શોધવી પડે, જેમાં સ્કોલરશિપ મળતી હોય. આખરે લાંબી પ્રતીક્ષા પછી અમેરિકાના ઓહાયો સ્ટેટની એક યુનિવર્સિટી તરફથી શ્રી અને નૌશિલ બન્નેને કાગળ મળ્યો, જેમાં લખ્યું હતું કે તમને સ્કોલરશિપ મળશે, પણ તમારે અમારી જુનિયર કૉલેજમાં પાર્ટટાઇમ લેકચરર તરીકે કામ કરવું પડશે. શ્રી તો રાજી રાજી. એણે પાસપોર્ટ બનાવડાવવા માટે માટે મહેનત શરૂ કરી દીધી. પાસપોર્ટની અરજી પર જે જગ્યાએ નોકરી કરતા હોઈએ તેના અધિકારીની સહી લેવી પડે તેમ હતી. ઉપરીએ ચોખ્ખી ના પાડી દીધીઃ જો તમે નોકરીમાંથી રાજીનામું આપો તો જ હું આના પર તો જ સહી કરું. શ્રીએ એ જ વખતે રાજીનામું લખીને સાહેબ સામે ધરી દીધું: હવે તો સહી કરશોને, સાહેબ?

પાસપોર્ટ બન્યા પછી વિસા મેળવવાની ઝંઝટ. વિસા માટે ઇન્ટરવ્યુ લેનાર અમેરિકન મેડમે સવાલોની ઝડી વરસાવીને શંકા વ્યક્ત કરીઃ તમે પીએચ.ડી. પતાવીને ઇન્ડિયા પાછા આવશો જ તે વાતની શી ખાતરી? શ્રીએ પોતાની રીતે ઘણી સ્પષ્ટતાઓ કરી તોય વિસા પર રિજેક્ટેડનો થપ્પો લાગ્યો. શ્રીને જબરો આઘાત લાગ્યો. એણે રડમસ થઈને નૌશિલને કહ્યુઃ યાર, મને વિસા ના મળ્યા. નૌશિલ બેફિકરાઈથી કહેઃ એમાં શું? મને પણ ન મળ્યા!

પણ આટલી સહેલાઈથી હાર સ્વીકારી લે એ શ્રી નહીં. વિસા મેળવવા માટે એની ગડમથલ ચાલુ રાખી. વિસા મંજૂરીમાં ઉપયોગી બને તે માટે એણે જાતજાતનાં કાગળિયાં બનાવડાવ્યાં. વિસા ઇન્ટવ્યુનો બીજો પ્રયત્ન. ત્રીજો પ્રયત્ન. અમેરિકાના વિસા મળે જ નહીં. જે યુનિવર્સિટીમાં ભણવાનું હતું ત્યાંના અધિકારીએ અમેરિકન કોનસ્યુલેટ પર ભલામણનો પત્ર સુધ્ધાં લખી આપ્યોઃ શ્રી અને નૌશિલ બન્ને તેજસ્વી વિદ્યાર્થીઓ છે. અમારે ત્યાં જુનિયર કૉલેજમાં તેઓ પાર્ટટાઇમ ભણાવવાના પણ છે. અમને તેમની જરૂર છે. એમના વિસા મંજૂર કરો. લાગતું હતું કે ભલામણના જોરે આ વખતે વિસા મળી જ જશે, પણ પેલા અમેરિકન માનુની પિગળે તોને! એમણે ચોથી વખત પાસપોર્ટ રિજેક્ટ કર્યો. શ્રીની નિરાશાનો પાર નહીં. હવે? ઓર એક પ્રયાસ. ફાઇલ એની એ જ, ફક્ત અરજી નવી. આ વખતે નસીબ સારા હતા. પેલાં અમેરિકન મેડમ ચાર-પાંચ મહિના માટે રજા પર ઉતરી ગયાં હતાં. એની જગ્યાએ બીજા કોઈ સાહેબ આવ્યા હતા. એમને ફટાક કરતી વિસાની અરજી પર મંજૂરીની મહોર મારી દીધી!

માણસ હોશિયાર, મહેનતુ અને ફૉક્સ્ડ હોય અને એને જો અનુકૂળ માહોલ મળે તો એની શક્તિઓ પૂરબહારમાં ખીલે છે. શ્રીએ અમેરિકામાં 1982માં ઇનઑર્ગેનિક કેમિસ્ટ્રીમાં પીએચ.ડી.ની મેળવી મેળવી. હવે ગ્રીન કાર્ડની જરૂર હતી. બે વર્ષ પછી તે પણ મળ્યું. તેમણે રિસર્ચર-સાયન્ટિસ્ટ તરીકે જૉબ કરી, પછી કેમિર નામની લેબોરેટરીમાં જોડાયા, બિઝનેસ શીખ્યા, ખુદ બિઝનેસમેન બન્યા ને એવી પ્રગતિ કરી કે સૌ જોતા રહી ગયા. 2015માં એમની કંપની અમેરિકાના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ 5000 કંપનીઓના લિસ્ટમાં 673મા ક્રમે મૂકાઈ. સફળ એન્ત્રપ્રિન્યોર તરીકે એમણે કેટલાય પ્રતિષ્ઠિત અવૉર્ડઝ મેળવ્યા.

મલ્ટિ-મિલિયોનેર બિઝનેસમેન બની ગયેલા શ્રીએ 2018માં અમેરિકાના રાજકારણમાં પ્રવેશ કર્યો. તાજેતરમાં અમેરિકામાં પૂરી થયેલી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મિશિગન સ્ટેટમાં 93 ટકા મત સાથે તેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ચૂંટાઈ આવ્યા.

આપણે જેમના વિશે વિસ્તારથી વાત કરી રહ્યા છીએ એ શ્રી એટલે ડૉક્ટર શ્રીનિવાસ થાણેદાર અથવા ટૂંકમાં શ્રી થાનેદાર. આજે અમેરિકામાં વસતા ભારતીયો જ નહીં, પણ સ્થાનિક ભારતીયો પણ શ્રી થાનેદારને યાદ કરીને છાતી ગજ ગજ ફૂલાવે છે. એમના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ નૌશિલ એટલે રંગભૂમિનું મહત્ત્વનું અને અનોખું નામ ગણાતા નૌશિલ મહેતા. તેઓ અમેરિકામાં થોડાં વર્ષો વીતાવીને મુંબઈ પાછા ફર્યા હતા અને પોતાની મનગમતી પ્રવૃત્તિ રત બન્યા. શ્રી થાણેદાર અને નૌશિલ મહેતા આજે પણ એટલા જ સારા મિત્રો છે.

0 0 0 

Friday, November 27, 2020

કસરત રાજા છે... પૌષ્ટિક ખોરાક રાણી છે

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 નવેમ્બર 2020 બુધવાર

ટેક ઑફ
શરીરને ચુસ્તદુરસ્ત રાખવાનો શોખ હોવો જોઈએ. ઉંમરનું બહાનું તો કાઢતા જ નહીં. કસરતને ઉંમર સાથે કશું લાગતુંવળગતું નથી.

બેસતા નવા વર્ષે આપણામાંથી ઘણાએ (ફરી એક વાર) નિયમિતપણે કસરત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હશે. સારી વાત છે. શરીર ચુસ્તદુરસ્ત રાખવું જોઈએ, ઘરમાં અથવા ખુલ્લામાં કસરત કરવી જોઈએ, જિમમાં જવું જોઈએ. તમે જિમમાં પગલું માંડો અથવા જિમને દૂરથી જુઓ ત્યારે જૅક લેલેન નામના મહાશયને યાદ કરજો. આ એ વ્યક્તિ છે જેમણે આજથી 84 વર્ષ પહેલાં, છેક 1936માં, અમેરિકાનું સૌથી પહેલું જિમ ખોલ્યું હતું. જૅક લેલેન એટલે અમેરિકામાં આધુનિક જિમ કલ્ચરને જન્મ આપનાર. આ કલ્ચર પછી દુનિયાભરમાં ફેલાયું ને હવે તો મહોલ્લે-મહોલ્લે જિમ ખુલી ગયાં છે. જૅકે ખુદ જિમનાં ઉપકરણો ડિઝાઇન કર્યાં હતા, જેમાંના કેટલાંક આપણે આજે પણ વાપરીએ છીએ.

મજા જુઓ. જૅક નાના હતા ત્યારે સતત માંદલા રહેતા. શરીરે સૂકલકડી. જેટલું વજન હોવું જોઈએ એના કરતાં પંદરેક કિલો ઓછું. નાની છોકરીઓ પણ એમને ધીબેડી જાય. લઘુતાગ્રંથિનો પાર નહીં. પંદર વર્ષના થયા ત્યાં સુધી તેઓ આવા જ રહ્યા. એક વાર એમણે એક હેલ્થ ફૂડના એક્સપર્ટનું ભાષણ સાંભળ્યું ને તેમની જિંદગી પલટાઈ ગઈ.

જૅક લેલને ખુદ બૉડી બનાવવાની અને જિમિંગ કલ્ચરની શરૂઆત કરી ત્યારે ડૉક્ટરોએ એમનો ખૂબ વિરોધ કર્યો હતો. તેઓ કહેતા કે આ તમારા જિમમાં લોકો કસરત કરશે તો એમને હાર્ટ એટેક આવી જશે, સ્ત્રીઓ ભાયડાછાપ બની જશે, પુરુષોની મર્દાનગી મુરઝાઈ જશે, એમની સેક્સલાઇફ ખતમ થઈ જશે. જૅક મક્કમ રહ્યા. એમની દઢતા અને મહેનત રંગ લાવ્યા. ક્રમશઃ તેમણે ખૂબ સફળતા મેળવી. એમણે પુસ્તકો લખ્યા, મોટિવેશનલ સ્પીકર બન્યા. ટીવી પર એમના નામે ધ જૅક લેલેન શો આવતો, જે ખૂબ જોવાતો.

બૉડીબિલ્ડર તરીકે દુનિયાભરમાં નામના કાઢનાર જૅક લેલેન કહે છે, કસરત રાજા છે અને પૌષ્ટિક ખોરાક રાણી છે. જો રાજા-રાણી ભેગાં થઈ જાય તો સમજો કે રજવાડું તમારું છે. તમે માઇન્ડ અને બૉડીને એકબીજાથી અલગ કરી ન શકો. તે શક્ય જ નથી. શરીરને ચુસ્તદુરસ્ત રાખવાનો તમને શોખ હોવો જોઈએ. ઉંમરનું બહાનું તો કાઢતા જ નહીં. કસરતને ઉંમર સાથે કશું લાગતુંવળગતું નથી.

સવારે વહેલા ઉઠીને કે દિવસના કોઈ પણ સમયે કસરત કરવા માટે મનોબળની જરૂર પડે છે. આપણા મન પાસે કસરત ન કરવાનાં પચાસ કારણો તૈયાર જ હોય છે. જૅક લેલેન એટલે જ કહેતા કે, જે લોકો એમ કહેતા હોય કે સવારે ઉઠીને જિમમાં જવું સહેલું છે તેઓ એક નંબરના જૂઠાડા છે! હું મારી જ વાત કરું તો મને ખુદને રોજ સવારે નિયમિતપણે જિમમાં જવામાં જોર પડે છે, પણ પછી એકસરસાઇઝ પૂરી કરીને હું અરીસામાં મારું પ્રતિબિંબ જોઉં છું ને ખુદને કહું છે કે જેક, યુ હેવ ડન ઇટ અગેન!’

કસરત એ જૅક લેલેનના જીવનની ટોપ પ્રાયોરિટી હતી. કંઈ પણ થઈ જાય, રોજ જિમ જવાનું એટલે જવાનું. એમણે ગોઠણના ઓપરેશન માટે બે વાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, પણ ત્યાંય  એનેસ્થેશિયાની અસર ઓછી થઈ નથી ને ડમ્બબેલ્સ હાથમાં લીધા નથી. જૅક લેલેન કહે છે, કેટલાય લોકોને આર્થરાઇટિસ હોય છે, પીઠનો કે ઘૂંટણનો દુખાવો રહેતો હોય છે. અમુક લોકોની ટચલી આંગળી સહેજ અમથી દુખતી હોય તો પણ કહી દેશે કે આજે મારાથી એક્સરસાઇઝ નહીં થાય! ભાઇસાહેબ, તમારા શરીરમાં 640 સ્નાયુઓ છે. શક્ય છે કે તમે અમુક કસરત ન કરી શકો, પણ તેની સામે એવી બીજી અઢળક કસરતો છે જે તમે કરી જ શકો છો. લોકો બહાનાં કાઢતા હોય છે કે હું હવે બુઢો થઈ ગયો છું, મારી પાસે ટાઇમ નથી, મારી પાસે જિમની ફી ભરવાના પૈસા નથી, વગેરે. તેઓ શરીર પ્રત્યે તદ્દન બેદરકાર રહેશે, પછી બીમાર પડશે ને ડૉક્ટરોની ફી તેમજ દવાદારૂમાં હજારો-લાખો રૂપિયા ફૂંકી મારશે.

કસરત જેટલું જ મહત્ત્વ યોગ્ય ખાનપાનનું છે. વર્કઆઉટ્સ અને યોગ્ય ડાયેટ આ બન્નેનું કોમ્બિનેશન થાય તો જ ધાર્યું પરિણામ આવે. જૅક લેલેન રોજ છથી સાત શાકભાજી અને પાંચેક તાજાં ફળ ખાય. રોજ એગ વ્હાઇટ પણ ખાય. જો બ્રેડ ખાવી પડે તેમ હોય તો આખા ઘઉંની બ્રાઉન બ્રેડ જ ખાય. દિવસમાં બે જ વાર જમવાનું - સવારે 11 વાગે અને સાંજે સાત વાગે. આ બન્નેની વચ્ચે કશું જ પેટમાં નહીં પધરાવવાનું.

તેઓ સતત લોકોને કહેતા કે વજન માપવાના મશીન પર બહુ ભરોસો ન કરવો. તમે કૉલેજમાં હો ત્યારે માનો કે તમારું વજન 70 કિલો છે ને તમારી કમર 30 ઇંચની છે. શક્ય છે કે પંચાવન વર્ષની ઉંમરે પણ તમારું વજન 70 કિલો જ હશે, પણ ત્યારે તમારી કમર 35 ઇંચની થઈ ગઈ હશે. એવું બને કે તમે 10થી 15 કિલો જેટલાં મસલ્સ ગુમાવી ચુક્યા હશો ને એટલા જ વજન જેટલી ચરબી તમારા શરીર પર ચડી ગઈ હશે. તેથી જ વચ્ચે વચ્ચે મેઝરટેપથી કમર અને નિતંબ માપતા રહેવું. મેઝર ટેપ ક્યારેય ખોટું નહીં બોલે. તમે જુવાનીમાં ચુસ્તદુરસ્ત હતા તે વખતના આંકડા તમારી માપપટ્ટી ન દેખાડે ત્યાં સુધી કસરત કરતા રહેવાની ને વધારાની કેલરી બાળતા રહેવાની.        

જૅક લેલેન મન કે શરીરથી કદી વૃદ્ધ ન થયા. પાછલી ઉંમરે પણ તેમણે શરીરબળના હેરતઅંગેજ કારનામા કર્યા. તેઓ કહેતા, હું મરી ન શકું. હું મરું તો મારી ઇમેજ ખરાબ થઈ જાય!’ જીવતેજીવ ફિટનેસ લેજન્ડ બની ચુકેલા જૅક લેલેન, ખેર, 96 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.

જૅક લેલેન પાસેથી શીખવા જેવી વાત એ છે કે ફિઝિકલ ફિટનેસ માટે પોતાની જાત સાથે કમિટમેન્ટ કરવું પડે ને તે આજીવન નિભાવવું પડે. કહેવાય છેને કે રેસ્ટ ઑફ યોર લાઇફ ઇઝ ધ બેસ્ટ ઑફ યોર લાઇફ. તમારા જીવનનાં જેટલાં વર્ષો હજુ બાકી છે તે શ્રેષ્ઠ વર્ષો હોવાનાં. હવે પછીનું જીવન સાચા અર્થમાં ઉત્તમ પૂરવાર થાય તે માટે નિયમત કસરત કરવાનો આ બેસતા વર્ષે લીધેલો નિર્ણય અતૂટ રાખવો પડશે. યાદ રાખજો!  

0000

 

 

Wednesday, October 7, 2020

જિંદગી ખૂબસૂરત છે, પણ હું તે જીવી શકું તેમ નથી

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 7 ઓક્ટોબર 2020, બુધવાર

ટેક ઑફ

કન્ફેશનલ પોએટ્રીઃ પોતાની કૃતિમાં કલાકાર ખુદને કેટલો વ્યકત કરતો હોય છે? કરી શકતો હોય છે? કેટલું વ્યક્ત થવું ને કેટલું ઢાંકી રાખવું તે કલાકારે જાતે નક્કી કરવાનું છે.


વિતાનો ધર્મ શો? ફોર ધેટ મેટર, કોઈ પણ કલાકૃતિનો ધર્મ શો? હસાવીને, રડાવીને, ડરાવીને, ચોંકાવીને, વિચારતા કરી મૂકીને ભાવકનું મનોરંજન કરવાનો? કે પછી, કલાકારના લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરવાનો? કદાચ સૌથી અધિકૃત ઉત્તર આ જ છેઃ બન્ને. કલાકૃતિએ કલાકારની લાગણીઓને વાચા પણ આપવાની છે ને સાથે સાથે ભાવકની લાગણીઓને આંદોલિત પણ કરવાની છે. કલાકૃતિ જ્યારે માંહ્યલાના ઊંડાણમાંથી પ્રગટે છે ત્યારે કલાકારનાં સત્યો સપાટી પર આવીને દશ્યમાન થઈ જતાં હોય છે. એક કવિની રચના જ્યારે આ સત્યોને ધારણ કરે ત્યારે તે કન્ફૅશનલ પોએટ્રી બની જાય છે. આ સત્યો કદરૂપાં, ભયાવહ કે આઘાતજનક પણ હોઈ શકે છે.

કન્ફૅશન એટલે પોતાની સચ્ચાઈની કબૂલાત. કન્ફૅશનલ પોએટ્રી એ 1950-60 દરમિયાન અમેરિકામાં જન્મેલો સાહિત્યપ્રકાર છે. જે અડધોક ડઝન સર્જકોએ કન્ફૅશનલ પોએટ્રીને નક્કર ઘાટ આપ્યો એમાંનું એક નામ ઍન સેક્સટન નામની કવયિત્રીનું છે (જન્મઃ 1928, મૃત્યુઃ 1974). ત્રણ દિવસ પહેલાં, ચોથી ઑક્ટોબરે એમનાં મૃત્યુને 46 વર્ષ પૂરાં થયાં. ઍન સેક્સટને આત્મહત્યા કરી ત્યારે એમની ઉંમર પણ 46 વર્ષ હતી. ઍનને એમના લિવ ઓર ડાઇ સંગ્રહ માટે પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. પોતાની કવિતાઓ તેઓ અંગતમાં અંગત, પ્રતિબંધિત કહેવાય એવા વિષયો પર  બેધડક લખતાં. તેઓ ડિપ્રેશન અને બાઇપોલર ડિસઑર્ડર જેવી ગંભીર માનસિક બીમારીઓનો ભોગ બન્યાં રહ્યાં. એમની કવિતાઓમાં આ બીમારીઓએ પેદા કરેલી પીડા, પોતાના જાતીય શોષણ, પતિ-પ્રેમીઓ-સંતાનો સાથેના સંબંધો, વ્યભિચાર, ડિવોર્સ, પોતાની આત્મઘાતક વૃત્તિ વગેરેની વાતો તીવ્રતાપૂર્વક વ્યક્ત થતી.        

ઍન સેક્સટન પોતાના જીવનકાળ દરમિયાન જ મશહૂર થઈ ચૂક્યાં હતાં. ઇવન આજે પણ સાહિત્યિક વર્તુળોમાં એમની કવિતાઓ વિશે જોરશોરથી ચર્ચા થતી રહે છે. 19 વર્ષની ઉંમરે એમણે લગ્ન કરી લીધાં હતાં. પછી તેઓ ફૅશન મોડલ બન્યાં. પહેલા સંતાનના જન્મ પછી તેઓ ડિપ્રેશન સરી પડેલાં, એટલી હદે કે તેમને ન્યુરોસાઇકિએટ્રિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. એમણે કેટલીય વાર માનસિક રોગોનો ઇલાજ કરતી હોસ્પિટલોમાં એડમિટ થવું પડ્યું હતું. મૃત્યુ પામ્યાં ત્યાં સુધી તેઓ માનસિક બીમારીઓ સામે ઝૂઝતાં રહ્યાં. ઇન ફૅક્ટ, કવિતાની દુનિયામાં તેમનો પ્રવેશ માનસિક બીમારીઓને કારણે જ થયો હતો. એમના થેરાપિસ્ટે સૂચન કર્યું હતું કે ઍન, તારા મનમાં જે કંઈ વિચારોનો વંટોળિયો ફૂંકાતો હોય, તને જે ફીલ થતું હોય, તને સપનાંમાં જે દેખાતું હોય તે બધું તું કાગળ પર ઉતારતી જા. ઍન સેક્સટને થેરાપીના ભાગ રૂપે આ બધું લખવાનું શરૂ કર્યું. એમનું લખાણ વાંચીને થેરાપિસ્ટ ખૂબ પ્રભાવિત થયા. એમણે કહ્યું, ઍન, તું બહુ સરસ લખે છે, તું હજુ વધારે લખ. આ લખાણોએ ઍન સેક્સટનને સ્થાનિક કવિ-લેખકોના જૂથમાં પ્રવેશ અપાવ્યો. ચિકિત્સાના ભાગ રૂપે લખાયેલાં લખાણોમાંથી એમનું પહેલું પુસ્તક ઇન બેડલમ એન્ડ પાર્ટ વે બૅક (1960) પ્રગટ થયું. પછી ક્રમશઃ બીજાં પુસ્તકો આવતાં ગયાં. એક કવિતામાં તેઓ લખે છે -



હું તારા મોઢામાં તેં આપેલાં વચનો

ઠાંસી રહી છું

અને પછી એ બધાની તું મારા મોં પર ઊલટીઓ કરે છે

તે હું જોઈ રહી છું.

ખાસ્સી અપ્રિય કે કુત્સિત લાગે એવી આ પંક્તિઓ છે, પણ ઍન સેક્સટને આ પ્રકારની કન્ફૅશનલ કવિતાઓ કેવળ શૉક વેલ્યુ પેદા કરવા માટે લખતાં નહોતાં. એમની કન્ફૅશનલ કવિતાઓમાં સચ્ચાઈનું પોત રહેતું. સર્જનાત્મક કલાકૃતિ તરીકે તેમનાં કાવ્યો સશક્ત પૂરવાર થતાં. એટલેસ્તો આટલા દાયકાઓ પછી ઍન સેક્સટન રિલેવન્ટ લાગે છે.  

પોતાની કૃતિમાં કલાકાર પોતાની જાતને કેટલો વ્યકત કરતો હોય છે? કરી શકતો હોય છે? કેટલું વ્યક્ત થવું ને કેટલું ઢાંકી રાખવું તે કલાકારે જાતે નક્કી કરવાનું છે. અભિવ્યક્તિ છેતરામણી પણ હોઈ શકે છે. કલાકાર પોતે જે નથી તે પણ વ્યક્ત કરતો હોય, એવું બને. જોકે ખુલ્લા થવાનો દેખાવ કરીને ચતુરાઈપૂર્વક ઢાંકી રાખતો માણસ લહિયો અથવા સ્માર્ટ કારીગર છે, તે કલાકાર બની શકતો નથી.   

કન્ફૅશનલ કાવ્યો ગુજરાતીમાં પણ લખાતાં આવ્યાં છે. પન્ના નાયકથી લઈને મનીષા જોશી સુધીની દરજ્જેદાર ગુજરાતી કવયિત્રીઓની કેટલીય રચનાઓને વિવેચકોએ કન્ફૅશનલ પોએટ્રીનું નામ આપ્યું છે. કલાનો ધર્મ જ કલાકારની અંતરતમ લાગણીઓને અભિવ્યક્તિ આપવાનો છે. મન-હૃદયનાં ઊંડાણમાંથી પ્રગટેલી કલાકૃતિ – પછી એ કવિતા, વાર્તા, પેઇન્ટિંગ, સિનેમા – કંઈ પણ હોય, તેની મૂળભૂત પ્રકૃતિ કન્ફૅશનલ જ નથી હોતી શું?

ઍન સેક્સટનનું અપમૃત્યુ એમની કવિતાઓ જેવું જ વિચલિત કરી દેનારું પૂરવાર થયું. તેઓ પોતાના ઘરના ગેરેજમાં પૂરાઈ ગયાં, કારનું ઍન્જિન ચાલુ કરી દીધું. ધીમે ધીમે ગેરેજમાં કાર્બન મોનોક્સાઇડ જમા થવા લાગ્યો. આ વાયુના ઝેરથી એમનો જીવ ગયો. જીવતાં હતાં ત્યારે કેટલીય વાર તેઓ મરવાની વાતો લખી ચૂક્યાં હતાં. જેમ કે પોતાની જાતને ઉદ્દેશીને લખેલું આ લખાણ -   

  


ઍન, મારે જીવવું નથી. જો, સાંભળ. જિંદગી ખૂબસૂરત છે, પણ હું તે જીવી શકું તેમ નથી. હું તને સમજાવી શકતી નથી. મને ખબર છે, સાંભળવામાં આ ગાંડુંઘેલું લાગશે... પણ જો તને ખબર હોત કે મને કેવું લાગે છે, તો તું આવું ન વિચારત. જીવવું, હા, જીવતા હોવું, પણ જીવી ન શકવું... હું પેલા ખડક જેવી છું, જે જીવ્યા જ કરે છે, વાસ્તવથી કપાઈને... ઍન, તું કશું જાણે છે, તું સાંભળી શકે છે? હું આશા રાખું છું કે... અથવા મને લાગે છે, મને એવી આશા છે કે, હું કોઈક એવા કારણસર મરું જેના માટે મને પછી ગર્વ થાય, પણ ન મરી શકવું, અને છતાંય... અને છતાંય એક દીવાલની પાછળ ધકેલાઈ જવું ને બધાને એકબીજા સાથે હળતામળતા જોતા રહેવું... હું આ કરી શકતી નથી... એ ધુમ્મસ જેવી દીવાલની પાછળ બોલતા રહેવું, જીવવું પણ કશેય ન પહોંચવું અથવા ખોટી જગ્યાએ પહોંચવું... બધું જ ખોટું કરવું... તું માનીશ? (માની શકીશ?).... શું ખોટું છે એ? મારે ભળવું છે. હું એવી યહૂદી વ્યક્તિ જેવી છું જેણે ખોટા દેશમાં જન્મ લઈ લીધો છે. હું મારી આસપાસના વાતાવરણનો હિસ્સો નથી. હું મારી આસપાસના સમુદાયની સભ્ય નથી. હું થીજી ગઈ છું.

આ લખાણ ખરેખર આત્મહત્યા કરી ચૂકેલી વ્યક્તિએ લખ્યું છે તેવી પ્રતીતિ ધ્રૂજાવી મૂકે તેવી છે!

 

0 0 0 

 

   

     

Monday, September 21, 2020

‘ધ સોશિયલ ડાયલેમા’ નામની ભયાવહ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં એવું તે શું છે?

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 20 સપ્ટેમ્બર 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

સોશિયલ મિડિયા નામના દાનવને ઓળખી લેજો!


થિંગ વાસ્ટ એન્ટર્સ ધ લાઇફ ઑફ મોરટલ્સ વિધાઉટ અ કર્સ. જેને વિરાટ કહી શકાય એવું કંઈ પણ મનુષ્યોના જીવનમાં પ્રવેશે છે ત્યારે તે એકલું હોતું નથી, એક ન સમજાય એવો - ન કળાય એવો અદશ્ય શ્રાપ પણ તેની સાથે પ્રવેશતો હોય છે.

અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા ગ્રીક નાટ્યકાર સોફિકિલીસનું આ વાક્ય છે. સોફિકિલીસ ટ્રૅજેડીનો બાદશાહ ગણાતો. ધ સોશિયલ ડાયલેમાના પ્રારંભમાં જ આ વાક્ય આ અવતરણ ફ્લૅશ થાય છે. બૅકગ્રાઉન્ડમાં ભયાવહ, લગભગ કુત્સિત કહી શકાય તેવું સંગીત ફૂંકાય છે. આ વાક્ય અને સંગીત આખી ડૉક્યુમેન્ટરી ફિલ્મનો મૂડ સેટ નાખે છે.

નેટફ્લિકસ પર તાજેતરમાં મૂકાયેલી ધ સોશિયલ ડાયલેમા નામની દસ્તાવેજી ફિલ્મ આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. ડાયલેમા એટલે દ્વિધા. ડૉક્યુમેન્ટરી ફિલ્મો શુષ્ક અને કંટાળજનક હોય છે એવું કોણે કહ્યું0 એક કલાક 34 મિનિટની ધ સોશિયલ ડાયલેમા તમે લગભગ અધ્ધર શ્વાસે જોઈ જાઓ છો. આનું મુખ્ય કારણ તેનો વિષય છે, સોશિયલ મિડિયા, જે તમને સીધો સ્પર્શે છે. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરયુટ્યુબ વગર એક આખો દિવસ પસાર કરવાનું કલ્પી શકો છો? સોશિયલ મિડિયા આપણી સાથે કેવળ વ્યક્તિગત સ્તરે જ નહીં, પણ સામૂહિક સ્તરે પણ જે રીતે ખતરનાક રમત રમી શકે છે એની વિગતો ધ્રૂજાવી મૂકે તેવી છે.

સોશિયલ મિડિયા પહેલી નજરે નિર્દોષ લાગે એવી વસ્તુ છે. તે મનોરંજન, માહિતી, જ્ઞાન, સંપર્કો બધું જ પૂરું પાડે છે અને તે પણ બિલકુલ ફ્રી! આ ડૉક્યુમેન્ટરીમાં એક વાક્ય આવે છેઃ જો તમે કોઈ પ્રોડક્ટ માટે પૈસા ચૂકવતા ન હો તો એનો મતલબ એ થયો કે તમે પોતે જ એક પ્રોડક્ટ છો. અહીં તમે એટલે તમારો સમય, તમારું અટેન્શન. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ... આ બધા ઇચ્છે છે કે તમે વધુને વધુ સમય આ પ્લેટફૉર્મ પર વીતાવો. સમગ્ર સોશિયલ મિડિયા એવી રીતે ડિઝાઇન થયું છે કે જેથી લોકોને તેનું બંધાણ થઈ જાય, તેઓ વધુને વધુ સમય ઓનલાઇન રહે.

જેફ ઓર્લોવ્સ્કીએ ડિરેકટ કરેલી ધ સોશિયલ ડાયલેમા ડૉક્યુમેન્ટરીમાં સોશિયલ મિડિયા ચલાવતી ટોચની કંપનીઓમાં ચાવીરૂપ કામ કરનારા અંદરના લોકોના ઇન્ટરવ્યુ લેવાયા છે. જ્યારે સોશિયલ મિડિયા ડિઝાઇન કરનારો માણસ ખુદ રાઝ ખુલ્લા કરવા માંડે ત્યારે વાત અધિકૃત બની જાય છે. વિખ્યાત ઇઝરાયલી લેખક યુવલ નોઆહ હરારી અવારનવાર કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રતાપે એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે તમે તમારા વિશે જાણો છો એના કરતાં ઇન્ટરનેટના જુદાં જુદાં સર્ચ એન્જિન તમારા વિશે વધારે જાણતા હશે. ગૂગલસર્ચનાં રિઝલ્ટ વ્યક્તિ અનુસાર બદલાઈ જાય છે. ધારો કે એક જ વિસ્તારમાં રહેતા, એક જ ક્લાસમાં ભણતા ને દિવસમાં પુષ્કળ સમય સાથે વિતાવતા બે કોલેજિયનો છે. તેઓ જ્યારે ગૂગલના સર્ચ બૉક્સમાં કોઈ એક વિષય ટાઇપ કરશે ત્યારે ગૂગલ બન્નેને અલગ અલગ ઇન્ફર્મેશન દેખાડશે, કેમ કે બન્નેની પર્સનાલિટી અલગ છે, તેમના ગમા-અણગમા અલગ છે ને ગૂગલ આ બધું જ જાણે છે.


કેટલાય રાજકીય – સામાજિક મુદ્દા વિશે પર તમને અલગ અલગ પ્રકારના વિડિયોઝ રિકમન્ડ થતા રહે છે, જે તમને લગભગ કન્વિન્સ કરી નાખે છે કે અમુક રીતે વિચારનારા લોકો ખોટા છે અને અમુક રીતે વિચારનારા લોકો જ સાચા છે. જુદા જુદા વિડિયોઝને રિકમન્ડ કરવાનું આલ્ગોરિધમ (સાદી ભાષામાં કહીએ તો પ્રોગ્રામિંગ) દિવસે ને દિવસે વધારે સ્માર્ટ અને શાર્પ બનતું જાય છે. ફેક ન્યુઝ અને કન્સ્પિરસી થિયરીઝ આ જ રીતે ફેલાય છે. ટ્વિટર પર સાચા સમાચારની સરખામણીમાં ફેક ન્યુઝ છ ગણી વધારે ઝડપથી ફેલાય છે! આનું એ કારણ છે કે જૂઠ ચટપટું અને મસાલેદાર હોય છે, જ્યારે સત્ય બોરિંગ અને શુષ્ક હોય છે. સત્ય કરતાં જૂઠ વધારે વેચાય છે. કોરોના વિશે શરૂઆતમાં અમેરિકામાં સોશિયલ મિડિયા પર એવી માહિતી ફેલાઈ હતી કે કોવિદ-બોવિદ જેવું કશું છે જ નહીં, આ તો અસલી મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે અમેરિકન સરકારે ઊભું કરેલું ડિંડવાણું છે! સોશિયલ મિડિયાને કારણે જ્યાં-ત્યાંથી સાંભળેલી સાચી-ખોટી વાતો એટલી ભયાનક ઝડપથી ફેલાય છે કે એક તબક્કા પછી ખબર જ પડતી નથી કે સાચું શું છે ને ખોટું શું છે. કામના મુદ્દા, કામની વાતો બાજુ પર રહી જાય છે.

ગૂગલમાં અગાઉ ડિઝાઇન એથિસિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા ટ્રિસ્ટેન હેરિસ નામનો યુવાન કહે છે, જો એમ કહેવામાં આવે કે ટેકનોલોજીને લીધે માનવજાત પર એક્ઝિસ્ટેન્શિયલ થ્રેટ (અસ્તિત્ત્વ પર ખતરો) ઊભી થઈ છે, તો માનવામાં ન આવે. વેલ, ખતરો ટૅકનૉલોજીમાં નથી, પણ ટૅકનૉલોજી સમાજના સૌથી ખરાબ પાસાં, સમાજનું સૌથી ખરાબ વર્તન, જે કદાચ અત્યાર સુધી ક્યારેય સપાટી પર આવ્યાં નહોતાં, તેને ઢંઢોળીને જગાડી શકે છે. ખરાબ વર્તન એટલે આંધાધૂંધી, તોડફોડ, એકબીજા પર અવિશ્વાસ, એકલા પાડી દેવું, પોલરાઇઝેશન, ઇલેક્શન હેકિંગ, મુખ્ય મુદ્દાઓથી વધારે દૂર જતા રહેવું, સમાજની ખુદના ઘાવને રુઝાવી શકવાની ક્ષમતા ક્ષીણ થતી જવી... ખતરો આમાં છે.

ટૅક્નોલૉજીના દુષ્પ્રભાવને વધારે અસરસકાર રીતે પેશ કરવા માટે ધ સોશિયલ ડાયલેમામાં અસલી લોકોની સાથે સાથે એક ફિક્શનલ અમેરિકન પરિવારની વાત પણ વણી લેવાઈ છે. આ ડૉક્યુમેન્ટરી ખાસ જોજો. હાઇલી રિકમન્ડેડ.     

                                                0 0 0    

‘’

Thursday, September 17, 2020

ક્રિયેટિવ અધોગતિમાંથી બહાર આવવાની કળા

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ - 6 સપ્ટેમ્બર 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ 

એક સમયે હોલિવૂડમાં 'નેક્સ્ટ સ્પીલબર્ગકહેતા મનોજ નાઇટ શ્યામલનની ક્રમશઃ એવી પડતી થઈ કે એમની ખુદની ફિલ્મના પોસ્ટરમાંથી એમનું નામ કાઢી નાખવામાં આવતું. આ ક્રિયેટિવ કટોકટીમાંથી તેઓ શી રીતે બહાર આવ્યા?


'ને સમજાતું નથી કે ઓડિયન્સ સાથે હવે હું શા માટે કનેક્ટ કરી શકતો નથી. શું હું કંઈક ભળતી જ સિનેમેટિક ભાષા બોલી રહ્યો છું? ખરેખર ખબર નથી પડતીકારણ કે આજે પણ મારા કામમાં હું એટલો સિન્સિયર અને પેશનેટ છું જેટલો હું મારી સુપરડુપર હિટ થયેલી પહેલી ફિલ્મ બનાવતી વખતે હતો.

કોઈ ફિલ્મમેકરે આવા શબ્દો ઉચ્ચારવા પડે એના જેવી કરૂણતા બીજા કોઈ નહીં. કલાકારનો માંહ્યલો કરપ્ટ થઈ જાય અને એ નિષ્ફળ જવા માંડે તો તે સમજાય એવું છેપણ એની નિષ્ઠામાં લેશમાત્ર ફર્ક પડયો ન હોય છતાંય ઉત્તરોત્તર ઓડિયન્સ સાથેનું એનું સંધાન તૂટતું જાય ત્યારે શું સમજવું?

વાત હોલિવૂડમાં મેઇન્સ્ટ્રીમ ફિલ્મો બનાવતા ભારતીય મૂળના ફિલ્મમેકર મનોજ નાઇટ શ્યામલન વિશે થઈ રહી છે. તેમણે જે સુપરડુપર હિટ ફિલ્મનો ઉલ્લેખ કર્યો તેનું ટાઇટલ છે, ધ સિક્સ્થ સેન્સ (1999). આ સુપરનેચરલ ફિલ્મ પર આખું જગત આફરીન પોકારી ઉઠ્યું હતું. મનોજ શ્યામલનની બીજી ફિલ્મ 'અનબ્રેકેબલ' (૨૦૦૦) 'ધ સિક્સ્થ સેન્સ' જેવી સુપરડુપર હિટ તો ન થઈપણ તેણે એક વાત નીચે અન્ડરલાઇન કરી આપી કે ઓડિયન્સને એક ચોક્કસ દિશામાં દોરતા જઈને ક્લાઇમેક્સમાં જબરદસ્ત ટ્વિસ્ટ આપવામાં, અમૂર્ત - અસ્પષ્ટ અને ભેદી કહી શકાય એવાં પાત્રો કે ઘટનાઓને આકાર આપવામાં મનોજ શ્યામલનની માસ્ટરી છે. તેઓ હજુ પણ મિડિયાના ડાર્લિંગ હતા. આ હોનહાર માણસ હોલિવૂડની સિકલ બદલી નાખશે, એને રિ-ડિફાઇન કરશે એવું કહેવાતું રહ્યું. તે પછી આવી એલિયન્સના આક્રમણના વિષયવાળી 'સાઇન્સ', જેમાં મેલ ગિબ્સન મુખ્ય હીરો હતો. આ ફિલ્મના રિલીઝ વખતે પ્રતિષ્ઠિત 'ન્યૂઝવીક' વીકલીએ શ્યામલનને 'નેક્સ્ટ સ્પીલબર્ગ'નું ભારેખમ બિરુદ આપી દીધું હતું. 'સાઇન્સે' સારો બિઝનેસ કર્યો, રિવ્યુ પણ પ્રમાણમાં સારા આવ્યા, પણ આમાંય 'ધ સિક્સ્થ સેન્સ' જેવી મજા નહોતી.

બસ, મનોજ શ્યામલનની ક્રિયેટિવ અધોગતિની શરૂઆત હવે થઈ. સાઇન્સ પછી 'ધ વિલેજ', 'લેડી ઇન ધ વોટર' અને 'ધ હેપનિંગવારાફરતી આવી. શ્યામલન હવે રિપિટીટિવ બની રહ્યા હતા. ચાહકો અને સમીક્ષકોની નારાજગીઅકળામણ તેમજ ગુસ્સો વધતાં જતાં હતાં. તે પછી આવેલી 'ધ લાસ્ટ એરબેન્ડર' (2010)ની ભયાનક ટીકા થઈ. 'ડેવિલનામની ફિલ્મની સ્ક્રિપ્ટ એમણે લખી. પડદા પર શ્યામલનનું નામ આવતું ત્યારે પ્રેક્ષકો અણગમાથી ડચ્ ડચ્ કરતા ડચકારા બોલાવતા. તે પછીની ફિલ્મ 'આફ્ટર અર્થ(2013) વખતે મામલો એટલો કથળી ગઈ હતી કે પોસ્ટરોમાંથી રાઇટર-ડિરેક્ટર શ્યામલનનું નામ જ કાઢી નાખવામાં આવ્યું! માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘડનારાઓનો ડર સાચો પડયો. વિલ સ્મિથ જેવો સુપરસ્ટાર હોવા છતાં 'આફ્ટર અર્થપીટાઈ ગઈ. જે હોનહાર માણસ હોલિવૂડની સિકલ બદલી નાખશે, હોલિવૂડને રિ-ડિફાઇન કરશે એવું કહેવાતું હોય એ માણસ એટલા બૂંદિયાળ થઈ જાય કે એની ખુદની ફિલ્મના પોસ્ટરમાં એનું નામ છાપવામાં ન આવે, એ બીકે કે ફિલ્મને નુકસાન ન થઈ જાય.... કોઈ પણ ફિલ્મમેકર માટેફોર ધેટ મેટરકોઈ પણ કલાકાર માટે આના કરતાં વધારે ક્ષોભજનક અને દયાજનક સ્થિતિ બીજી કઈ હોવાની?



આવી સ્થિતિમાં એક કલાકાર શું કરી શકે? જો એનામાં વિત્ત હોય તો ખુદને રિ-ઇન્વેન્ટ કરી શકે. અત્યાર સુધી ખર્ચાળ ફિલ્મો બનાવતા આવેલા મનોજ શ્યામલને હવે પોતાની સ્ટ્રૅટેજી બદલી. એમણે ફિલ્મના બજેટ પર કુહાડો મારી દીધો. આફ્ટર અર્થનું બજેટ 130 મિલિયન ડોલર હતું, પણ તે પછીની ફિલ્મ ધ વિઝિટ (2015) એમણે ફક્ત પાંચ મિલિયનમાં બનાવી નાખી. આ ફિલ્મે 98.5 મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો. તે પછી આવી સ્પ્લિટ (2016). 9 મિલિયનના બજેટમાં બની ગયેલી આ ફિલ્મે બોક્સઑફિસ પર કેટલા કમાવી આપ્યા? 278.5 મિલિયન ડોલર! મનોજ શ્યામલનની તળિયે પહોંચી ગયેલી પ્રતિષ્ઠા પાછી ઊંચકાવા લાગી હતી. ટકી રહેવાની, સફળ થવાની ફૉર્મ્યુલા તેમને જડી ગઈ હતી - બજેટ ઓછામાં ઓછું, બિઝનેસ વધુમાં વધુ. શ્યામનનની છેલ્લી ફિલ્મ ગ્લાસ (2019)માં પણ આ જ ફૉર્મ્યુલા કારગત નીવડી - બજેટ 20 મિલિયન, કમાણી 247 મિલિયન.   

મનોજ શ્યામલન હાલ સર્વન્ટ નામની વેબસિરીઝની બીજી સિઝન બનાવી રહ્યા છે. નેટફ્લિકસ અને અમેઝોન પ્રાઇમ વિડિયો પ્રકારના એપલ ટીવી પ્લસ નામના સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ પર તે ગયા વર્ષે રિલીઝ થઈ છે. આ સાઇકોલોજિકલ હોરર શોના સારા એવા વખાણ થયા છે. ટૂંકમાં, આપણા મનોજભાઈ ધીમે ધીમે તળિયે પહોંચી ગયેલા પોતાના ક્રિયેટિવ ગ્રાફને પુનઃ લઈ જવામાં સફળ થઈ રહ્યા છે. એક મેકર તરીકે એમની સૌથી મોટી મર્યાદા એ છે કે તેઓ સુપરનેચરલ અને હોરરકેન્દ્રી વિષયોમાંથી બહાર આવી શકતા નથી. બસ, હવે તેઓ પોતાની ક્રિયેટિવ રેન્જ વધારી શકે છે કે કેમ તે આપણે જોવાનું છે.   

0 0 0