Wednesday, November 28, 2018

થોડા ખુદની જાત ઉપર પ્રહારો જોઈએ...

દિવ્ય ભાસ્કર–કળશ પૂર્તિ –28 નવેમ્બર 2018
ટેક ઓફ 
પ્રેમમાં હોવું અને સ્વમાની હોવું – શું આ બન્ને વિરુદ્ધ સ્થિતિઓ છે? પ્રેમમાં અહમ ઓગાળી દેવો પડે તે બરાબર છે, પણ પ્રેમમાં શું સ્વમાન પણ ઓગાળી દેવાનો હોય?


રીઝ આપણી ભાષાના એવા સશક્ત સર્જક છે કે એમની ગઝલો પાસે જ્યારે જઈએ ત્યારે દર વખતે મનમાં નવા ઉઘાડ થાય, નવો ઉજાસ રેલાય. મૃત્યુના સાડાત્રણ દાયકા પછી પણ તેમની રચનાઓ તરોતાજા લાગે છે ને આવનારા દાયકાઓમાં પણ લાગતી રહેવાની, કેમ કે એમણે સર્વકાલીન મૂલ્યો અને સત્યોને વણી લીધાં છે.   

તાજગી યુવાનીનું લક્ષણ છે. યુવાનીમાં શરીર, એનું બળ અને આવેગો ઉચ્ચતમ સપાટી પર હોય છે. હોર્મોન્સ અશ્વની જેમ હણહણતા હોય છે. તેના કેફમાં ક્યારેક જિંદગીના અન્ય સૌંદર્યો ઢંકાઈ જાય એવું બને. મરીઝ એટલે જ કહે છે કે -  

છે બીજા કંઈક નશા એની મઝા લેવી છે,
ઓ જવાનીના નશા, થોડો હવે કમ થઈ જા!

યૌવન પોતાની સાથે જિંદગીની કેટલીક શ્રેષ્ઠતમ મજા અને શક્યતાઓ લઈને આવે છે તે સાચું, પણ યૌવન એ માત્ર શારીરિક અવસ્થા નથી. આ એક માનસિક સ્થિતિ છે. યુવાની એક એટિટ્યુડ છે, જેનો સંબંધ જીવન પ્રત્યેની ઉત્સુકતા અને તત્પરતા સાથે છે. જ્યાં સુધી પ્રશ્નો થતા રહે છે, ગ્રહણશક્તિ અકબંધ રહે છે અને વિસ્મયવૃત્તિ શમતી નથી ત્યાં સુધી માનસિક યુવાની ઓસરતી નથી. આ દષ્ટિએ ઘણા માણસો મૃત્યુપર્યંત મન-વિચાર અને કર્મથી યૌવનસભર જિંદગી જીવે છે. સમયની સાથે અનુભવોની સમૃદ્ધિ અને વૈવિધ્ય વધતાં જાય છે. જીવન આપણે કલ્પના પણ કરી ન હોય એવી રંગછટાઓમાં આંખ સામે ખૂલતું જાય છે. આ સંદર્ભમાં મરીઝનો આ શેર ખરેખર અદભુત છે -  

જિંદગાનીનું ઘડામણ એટલું સહેલું નથી,
થોડા ખુદની જાત ઉપર પ્રહારો જોઈએ.

પ્રહારો વગર શી રીતે જીવનનું ઘડતર ક્યાંથી થવાનું? સંજોગોના પ્રહારો, સંબંધોના પ્રહારો. અલબત્ત, જો મન ખૂલ્લું રાખીને જીવતાં શીખ્યા હોઈશું તો પીડાદાયી અનુભવો પણ જીવનને સરવાળે સમૃદ્ધ બનાવશે. જીવનની યાત્રા દરમિયાન ક્યારેક એવો પ્રશ્ન પણ જાગે કે પ્રેમમાં હોવું અને સ્વમાની હોવું – શું આ બન્ને વિરુદ્ધ સ્થિતિઓ છે? પ્રેમમાં અહમ ઓગાળી દેવો પડે તે બરાબર છે, પણ પ્રેમમાં શું સ્વમાન પણ ઓગાળી દેવાનો હોય?
બસ એટલી કમી છે કોઈ મહેરબાનમાં,
હો લાખ પ્રેમ તોય રહે છે સ્વમાનમાં.

મરીઝ કહે છે તેમ, કોઈના પ્રત્યે પારાવાર પ્રેમ હોવા છતાંય માણસ જો સ્વમાનભેર જીવતો હોય તો તે એની કમી ગણાઈ જાય છે. આ તે વળી કેવું? સ્વમાન રંગ અને આકારો બદલતું નથી. તે એક સ્થિર વસ્તુ છે. સ્વમાનભેર જીવવું છે? તો દુનિયાદારીને તમારા પર હાવી થવા ન દો! એટલે જ મરીઝ કહે છેને કે -     
ઇજ્જત એ શું કે જેની સ્થિતિ પર મદાર હો,
દુનિયાથી પર બને તે રહે છે સ્વમાનમાં.

પણ દુનિયાદારીથી પર થવું એટલું સહેલું નથી. જિદંગી મોટે ભાગે તો એક ગોઠવાયેલા લય પ્રમાણે વહ્યા કરતી હોય છે. પોતાની જિંદગીને ડિફાઇન કરવા માટે માણસ પાસે શું જોઈએ? જીવનની એકેએક ક્ષણનો હિસાબ કે પછી કેટલીક ખાસ પળો જે અત્યંત તીવ્રતાથી જીવાઈ હતી? રુટિન ક્રમમાં બંધાતા-છૂટતા સંબંધો કે પછી કેટલાક ખાસ સંબંધો જેણે આપણા જીવનને હર્યુંભર્યું બનાવી દીધું હોય? મરીઝ કહે છે તેમ, ડિફાઇનિંગ મોમેન્ટ બની શકે એવા પ્રસંગો અને સંબંધો તો મુઠ્ઠીભર જ હોવાના.

જીવવા જેવા હતા એમાં ફક્ત બેત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.
એ હવે રહી રહીને માગે છે, પરિવર્તન, મરીઝ,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

શું સારું હતું ને ખરાબ હતું તે સમજવામાં ક્યારેક આખી જિંદગી નીકળી જતી હોય છે. માણસનો વિનાશ નોતરતી ક્ષણો ક્યારેક અતિ રૂપાળું સ્વરૂપ લઈને આવતી હોય છે. મરીઝ કહે છે કે બદબાદીને હું આબાદી માનતો રહ્યો ને મને એની આદત પડી ગઈ. હવે સાવ સામે છેડે પહોંચ્યા પછી તમે મને એ છોડવાનું કહો તો તે કેવી રીતે શક્ય બને!



જીવનમાં સંબંધો બનતા રહે છે, છૂટતા રહે છે. સંબંધ ધીમે ધીમે અસ્ત થવો તે એક વાત છે અને એક સંઘાત સાથે એના પર પૂર્ણવિરામ મૂકાઈ જવું તે તદન જુદી વસ્તુ છે. જીવન અકળ છે તો મોત એના કરતાંય વધારે અણધાર્યું છે. મૃત્યુ પૂર્વસૂચના આપ્યા વિના કોઈ પણ ક્ષણે ત્રાટકી શકે છે. જે સ્વજન કે પ્રિયજન સાથે અત્યારે બેઠા છીએ તે અંતિમ મુલાકાત નથી જ એની શી ગેરંટી? તેથી જ વિખૂટા પડવાનું આવે ત્યારે મનમાં કડવાશ બિલકુલ ન હોય તેની કાળજી લેવી. આવજો કહેવાની ક્ષણ હંમેશાં મીઠી હોવી જોઈએ, કેમ કે -
થા વિખૂટો પ્રેમથી કે કંઈ ખબર હોતી નથી,
કે મિલન કોનું ને ક્યારે આખરી થઈ જાય છે.

માણસને ઘણી ખબર હોય છે, એણે ઘણા અનુભવો લીધા હોય છે, પણ અનુભવમાંથી એ હંમેશાં શીખે જ તે જરૂરી નથી. ક્યારેક તેજીને ટકોર બસ થઈ પડે છે તો ક્યારેક ઘા પર ઘા પડતા રહેવા છતાં માણસ સમજતો નથી.
મરીઝ ઉપર અસર પડતી નથી કોઈ અનુભવની,
હજુ એ માન્ય રાખે છે ગમે તેની જુબાનીને.

ભૂતકાળમાં કેટલીય વાર ભરોસો કરીને પસ્તાવો કરવો પડ્યો છે, પણ તોય કોણ જાણે આ મન એવું છે કે સામેના માણસ પર અવિશ્વાસ કરી જ શકતું નથી. હજુ પણ માણસનું એની ફેસ-વેલ્યુ પરથી મૂલ્યાંકન કરી નાખે છે. અમુક પ્રકારની ચતુરાઈ કેમેય કરીને કેળવી શકાતી નથી. આ ચાતુર્ય નસીબમાં હોય તો કેળવી શકાતું હોય છે?

સફળતા-નિષ્ફળતા, યશ-ગુમનામી, મીઠા-કડવા સંબંધો... શું આ બધું નસીબની વાત છે? માણસના પ્રયાસોની સીમા ક્યાં પૂરી થાય છે અને સદનસીબની પ્રતિક્ષાનો ઈલાકો ક્યાંથી શરૂ થતો હોય છે?  

પ્રયત્નોનું ન પૂછો એ હજુ પણ લાખ સૂઝે છે,
પરંતુ હું તો બેઠો છું, મુકદ્દરમાં જ માનીને.

લોકો કહેતા રહે છે કે સૌ સારા વાના થઈ જશે. વાદળાં વિખરાઈ જશે ને સારા દિવસો પાછા આવશે. ધારો કે સારા વાના ક્યારેય ન થયા તો? વાદળોનું ઘટાટોપ યથાવત રહ્યું ને સૂર્યનાં દર્શન ક્યારેય ન થાય તો?
મોડું ન કર કે આવી જીવનગત નહીં રહે,
જેવી છે આજ તેવીય હાલત નહીં રહે.

ચાહું તો જિંદગીને ફરીથી બનાવું હું,
પણ એ ફરી બગાડવા ફૂરસદ નહીં રહે.

એક ક્ષમતા હોય છે જીવવાની. ઉપરવાળા પાસે માગતી વખતે પણ સતર્ક કહેવું, કારણ કે -


ન માગે એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એવી દેશે વિતાવી નહીં શકે.

નિવૃત્તિ હંમેશાં સુખદ હોય તે જરૂરી નથી. જીવનના પાછલાં વર્ષોનો વિશ્રામ બેધારી તલવાર જેવો હોય છે. જો વીતી ચુકેલા જીવનનું સરવૈયું સુખદ હશે અથવા તેનો ભાર ઊંચકીને જીવતાં આવડી ગયું હશે તો ઉત્તરાવસ્થા મજાની વીતશે, પણ જો ન આવડ્યું તો તકલીફનો પાર નહીં રહે. પછી તો બસ, મૃત્યુ એ જ અંતિમ ઉપાય બની રહે છે. મરીઝ કદાચ એટલા માટે જ કહે છે કે -

જે મને ગમતો નથી એવો જીવનઆરામ છે,
આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે.

લાગણી જ્યાં જોઈ ત્યાં ફોકટમાં વેચાઈ ગયા,
કોઈ ન જાણી શક્યું કે શું અમારા દામ છે!

અમે તો લાગણીના ભૂખ્યા હતા. જરા અમથી લાગણી જોઈ ને અમે વહી ગયા. જો કડકાઈ રાખી હોત, ગણતરી કરી હોત, આટલી આસાનીથી હળતામળતા ન હોત તો દુનિયાને અમારી સાચી કિંમત સમજાત! ખેર, દુનિયાએ આખરે અમને નમન કર્યું ખરું, પણ ક્યારે? અમને કબરમાં પોઢાડયા ત્યારે.  

માટી દીધી, મરીઝ, બધાયે ઝૂકી ઝૂકી,
જ્યારે મરી ગયો તો આ દુનિયા ઝૂકી મને.
0 0 0

Monday, November 19, 2018

આત્મવિનાશ... આગળ વધવાનો આ જ એક રસ્તો છે!


દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર - 18 નવેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
આલિયા ભટ્ટની મોટી બહેન શાહીને આખા જીવનને પીંખી નાખતા ડિપ્રેશનના રોગનો સામનો શી રીતે કર્યો?


ને આજકાલ બહુ રડવું આવે છે. અચાનક જ હું એકદમ ઉદાસ થઈ જાઉં છું. મને લાગે છે કે મને કશું આવડતું નથી.
તેર વર્ષની તરૂણીને જો આવી લાગણી થતી હોય તો એ સમજી શકાય એવું છે. અઢાર વર્ષની ઉંમરે આ તરૂણી પોતાની અંગત ડાયરીમાં લખે છેઃ   
કોઈને મારામાં વિશ્વાસ નથી. મને લાગે છે કે હું ઢોંગી ને ધોખેબાજ છું. મેં ફક્ત મોહરું પહેરી રાખ્યું છે, અંદરથી હું ખાલીખમ છું. હું સતત ભયભીત રહું છું. હું જે વ્યક્તિ નથી એ બનવા માટે મારે હજુ કેટલા પ્રયત્નો કરવા પડશે ને કેટલી વાર નિષ્ફળ જવું પડશે?’

ચાલો, જુવાનીમાં કદમ મૂકી રહેલા છોકરા-છોકરીના મનમાં આ પ્રકારની ગૂંચવણ હોઈ શકે છે એ પણ સ્વીકારી શકાય, પણ આ જ છોકરી દસ વર્ષ પછી પણ, 28 વર્ષની ઉંમરે પોતાની ડાયરીમાં આવું લખે ત્યારે એનો શો અર્થ થાય? વાંચોઃ

આત્મવિનાશ, પોતાની જાતને ખતમ કરી નાખવી... આગળ વધવાનો આ જ એક રસ્તો છે. મારે મારી આસપાસના તમામ લોકોથી અલગ થઈ જવું છે. મારે કોઈની ફિકર કરવી જ નથી. મારે પ્રેમમાંથી પણ મુક્તિ જોઈએ છે. હું ભાંગી પડી છું ને લોકો મને સતત નિરખી રહ્યા છે એવી લાગણી મને લાંબા સમય પછી થઈ રહી છે. મારે આ બધામાંથી બહાર આવી જવું છે. અબ્બી હાલ. ઇનફ.

આ શાહીન મહેશ ભટ્ટના શબ્દો છે. શાહીન ભટ્ટ એટલે આલિયા ભટ્ટની સગી મોટી બહેન, જેના વિશે આપણે અત્યાર સુધી ભાગ્યે જ કશું જાણતા હતા. લગભગ ગુમનામીમાં રહેલી શાહીન ભટ્ટ વિશે આમજનતા અને ઇવન મિડીયામાં સંભવતઃ પહેલી વાર ચર્ચા થઈ રહી છે એનું કારણ એણે લખેલું પુસ્તક છે. આ નાનકડા અંગ્રેજી પુસ્તકનું શીર્ષક છે, આઇ હેવ નેવર બીન (અન)હેપીઅર. હું આટલી સુખી (કે દુખી) અગાઉ ક્યારેય નહોતી! કૌંસમાં મૂકાયેલું અનનું છોગું સૂચક છે. જેનાં પિતા, માતા, બહેન, કઝિન્સ, કાકાઓ બધા જ સેલિબ્રિટી હોય એવા ફેમસ પરિવારમાં જન્મેલી શાહીન શા માટે દુખી રહેતી હતી અને શા માટે એનામાં ખુદને ખતમ કરી નાખવાનું ઝનૂન ઊપડતું હતું એના વિશે એણે પોતાના પુસ્તકમાં અત્યંત પારદર્શક થઈને હિંમતભેર વાત કરી છે.


ડિપ્રેશન! શાહીન ક્લિનિકલ ડિપ્રેશન તરીકે ઓળખાતી માનસિક બીમારીની દર્દી હતી. હજુય છે. ડિપ્રેશન એટલે સાદી ભાષામાં કહીએ તો તીવ્ર, સમજાય નહીં એવો માનસિક સંતાપ. દિમાગનાં કેમિકલ્સમાં કંઈક એવા અનીચ્છનીય ફેરફાર થાય કે જેના કારણે માણસને એવું લાગે કે જાણે એની તમામ શક્તિ નિચોવાઈ ગઈ છે. એને કલાકોના કલાકો, દિવસોના દિવસો સુધી એમને એમ પડ્યા રહેવાનું મન થાય, કારણ વગર રડવું આવે, કોઈ કામમાં જીવ ન ચોંટે, સતત નકારાત્મક વિચારો આવ્યા કરે. સામાન્ય માણસના મનમાં આવી લાગણી જાગે ખરી, પણ તે થોડી વારમાં જતી રહે, એ પાછો હસતો-ખેલતો થઈ જાય, પણ ડિપ્રેશનનો દર્દી આ ત્રાસદાયક માનસિક અવસ્થામાં દિવસો, અઠવાડિયાં, મહિના કે ઇવન વર્ષો સુધી સબડતો રહે છે. આ એક એવી મેડિકલ કંડીશન છે જેનો ઉપચાર માનસિક બીમારીના ક્વોલિફાઇડ ડોક્ટર પાસે કરાવવો પડે છે.    
શાહીન ભટ્ટ પોતાના પુસ્તકમાં લખે છે, હું ઓગણત્રીસની થઈ. સમજણી થઈ ત્યાર પછીનું લગભગ આખું જીવન મેં ડિપ્રેશનમાં ગાળ્યું છે. હું સતત સંતાપમાં જીવું છું. સંતાપ એટલે... ઓહ, નેટફ્લિક્સ પર મારો ફેવરિટ શો કેન્સલ થઈ ગયો કે ઓહ ગોડ, દાળના ટીપાં પડવાથી મારો ડ્રેસ ખરાબ થઈ ગયો એ પ્રકારની ઝીણી ઝીણી વાતે થતી ચીડ નહીં, બલ્કે મારી ભીતર આ કેવો વિષાદ છે જે મને અંદરથી કોરી ખાય છે?’ અને હવે સહન નથી થતું... મારે મરી જવું છે એ પ્રકારનો તીવ્ર સંતાપ.  
આ પુસ્તક વાંચ્યું ત્યારે ફિલ્મમેકર પિતા મહેશ ભટ્ટ કાંપી ઉઠ્યા હતા. એમને થયું કે મારી દીકરી કેટલી પ્રામાણિકતાથી જીવનના અંધકાર સામે આ છોકરી ઝઝૂમી છે અને એ પણ આટલી નાની ઉંમરે. શાહીને સત્તર વર્ષની ઉંમરે પપ્પાને એક પત્ર લખેલો, જે આલિયાએ પછી એમને વાંચી સંભળાવ્યો હતો. શાહીને લખ્યું હતું કે, મારા ફાધર મારા હીરો પણ છે અને દોસ્ત પણ છે. હીરો એટલા માટે નહીં કે એ પરફેક્ટ છે, પણ એટલા માટે કે એમણે મને શીખવ્યું છે કે આપણી જાતમાં, આપણી પસર્નાલિટીમાં ખામીઓ હોય તો એમાં કશો વાંધો નથી. ઇટ ઇઝ ઓકે ટુ બી ઇમ્પરફેક્ટ. પપ્પાએ મને ઇમ્પરફેક્ટ હોવાની કળા શીખવી છે.

શાહીન સ્વીકારે છે કે એની જિંદગીમાં ભયાનક કહેવાય એવું કશું જ બન્યું નથી. આધુનિક વિચારસરણી ધરાવતાં મા-બાપ તરફથી ભરપૂર સુખસુવિધા અને હૂંફ મળ્યાં છે, એની લાઇફસ્ટાઇલમાં ક્યાંય કશુંય ખૂંચે એવું નથી. શાહીન કહે છે કે મને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી છે, મારા પર ક્યારેય કોઈ જાતની જવાબદારી થોપવામાં આવી નથી તો પણ ડિપ્રેશનને કારણે હું આટલી બધી હેરાન થઈ હોઉં તો વિચાર કરો કે ગરીબ યા તો સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા, કમાવાની-ભણવાની-ઘરનાં કામ કરવાની-સંતાનો ઉછેરવાની જવાબદારીઓ ધરાવતા લોકોને ડિપ્રેશનની બીમારી લાગુ પડતી હશે તો એની હાલત કેટલી બદતર થઈ જતી હશે!
શાહીને એક કિસ્સો નોંધ્યો છે. એ નાની હતી ત્યારે એની સાવકી મોટી બહેન પૂજા ભટ્ટનો બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે સિક્કો ચાલતો હતો. એક વાર પૂજાને કોઈ મેગેઝિન માટે પોતાની બન્ને નાની બહેનો સાથે ફોટોસેશન કરાવવાનું હતું. શાહીન ત્યારે ટીનેજર હતી અને આલિયા તો સાવ નાની ટેણકી. ત્રણેય બહેનોના ફોટા લેવાયા પછી પૂજા અને આલિયાનું અલગથી સેશન કરવામાં આવ્યું. બન્યું એવું કે મેગેઝિનમાં પૂજા અને આલિયાની તસવીર જ છપાઈ. શાહીનની બાદબાકી કરી નાખવામાં આવી. શાહીનને એ વખતે ખૂબ લાગી આવ્યું હતું, પણ પછી એને સમજાયું કે મેગેઝિનના દષ્ટિકોણથી આ બરાબર જ હતું. શાહીને ખા-ખા કરીને શરીર બેડોળ કરી મૂક્યું હતું. ગ્લેમરસ પૂજા અને અત્યંત ક્યુટ આલિયા સાથે અદોદળી શાહીન બંધબેસતી નહોતી!
આલિયાને 2012માં સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મમાં બ્રેક મળ્યો ત્યારે ઘરમાં ખુશાલીનું વાતાવરણ હતું. નાની બહેન હિરોઈન બની રહી હતી, એનું જીવન હવે હંમેશ માટે પલટાઈ જવાનું હતું, શાહીનને આ વાતનો ખૂબ ગર્વ હતો છતાંય એ આનંદપૂર્વક ભાગ લઈ શકતી નહોતી, કેમ કે તે વખતે એ ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી, એનું વાસ્તવ જુદું હતું! શાહીન લખે છેઃ

લોકો મને સતત પૂછતા હોય છે કે તારા આખા ફેમિલીમાં એક તું જ ફેમસ નથી, તને આ વાતની તકલીફ થતી નથી? હું જવાબ આપું કે હા, મને તકલીફ જરૂર થાય છે, પણ તમે જે વિચારો છે તે કારણસર નહીં. મેં પ્રસિદ્ધિને બહુ જ નજીકથી જોઈ છે. હું જાણું છું કે આ પ્રસિદ્ધિ રિઅલ નથી. હું અને આલિયા ઘરમાં બેઠાં હોઈએ કે કબાટમાં કપડાં ગોઠવતાં હોઈએ ત્યારે એ ફેમસ હિરોઈન હોતી નથી, એ મારી નાની બહેન આલિયા જ હોય છે. પપ્પા મારી સાથે ડાઇનિંગ ટેબલ પર ડિનર લેતા હોય ત્યારે તેઓ અવોર્ડવિનિંગ ડિરેક્ટર હોતા નથી, તેઓ માત્ર મારા પપ્પા જ હોય છે. અલબત્ત, મેં પ્રેશરનો અનુભવ જરૂર કર્યો છે. તેને પરિણામે બન્યું એવું કે ડિપ્રેશનને જ મેં મારી ઓળખ બનાવી દીધી... પણ મારા અનુભવો પરથી આજે હું એટલું શીખી છું કે જીવનમાં બધું જ પસાર થઈ જાય છે. સુખ ક્ષણજીવી છે, તો દુખ પણ ક્ષણજીવી છે. હું મારી જાતને કહેતી રહું છું કે તીવ્રમાં તીવ્ર પીડાઓમાંથી હું ઓલરેડી પસાર થઈ ચુકી છું. મેં બધું જ જોઈ લીધું છે. હું આ તમામ માનસિક વિપદાઓનો સામનો કરીને આજે ટટ્ટાર ઊભી છું...    
ડિપ્રેશન હોવું એ કંઈ શરમાવાની વસ્તુ નથી. એનો ઇલાજ ચોક્કસપણે થઈ શકે છે. ડિપ્રેશનનું દરદ અને દરદી બન્નેને સમજવામાં ઉપયોગી થાય એવું સરસ રીતે લખાયેલું આ નાનકડું અંગ્રેજી પુસ્તક વાંચવા જેવું તો ખરું.

0 0 0 

Wednesday, November 14, 2018

શું ફેસબુકના બિગ બોસ માર્ક ઝકરબર્ગ દુનિયાનો સૌથી ખતરનાક માણસ છે?

દિવ્ય ભાસ્કર - કળશ પૂર્તિ- 14 November  2018
ટેક ઓફ
ફેસબુકના માલિક પાસે કરોડો નહીં, અબજો લોકોનો કેટલા અધધધ ડેટાનો કેટલો વિપુલ ભંડાર છે.  એને દુનિયાનો સૌથી પાવરફુલ માણસ ગણવામાં આવે છે તેનું કારણ આ જ. એ સૌથી ખતરનાક માણસ પણ બની શકે છે, જો એ પોતાની પાસે રહેલા ડેટાબેઝનો દુરુપયોગ કરે તો!



માર્ક ઝકરબર્ગ એટલે કોણ એ આમ તો સમજાવવાનું ન હોય, છતાંય ઔપચારિકતા પૂરતું નોંધી લઈએ કે માર્ક ઝકરબર્ગ એટલે ફેસબુક નામના દુનિયાના સૌથી મોટા સોશિયલ નેટવર્કનો સ્થાપક અને સીઈઓ. હજુ સુધી જેમણે ફેસબુક પોતાનું અકાઉન્ટ બનાવ્યું નથી એવા લોકો પણ ફેસબુકના નામથી પરિચિત જરૂર હોવાના. જેમને ફેસબુકની લત લાગી ચુકી છે તેઓ સવારે આંખ ખૂલ્યા પછી ઘરના સભ્યોના ફેસ પછી જુએ છે, પહેલાં મોબાઇલ પર ફેસબુકના દર્શન કરે છે અને પછી જાગૃત અવસ્થાની કેટલીક કલાક ફેસબુક પર જ પડ્યાપાથર્યા રહે છે.

જો બંધાણવાળા પાસાને બાદ કરો તો ફેસબુક પહેલી નજરે નિર્દોષ લાગે, અમુક રીતે ઇવન ઉપયાગી પણ લાગે. મુદ્દો એ છે કે આ સોશિયલ નેટવર્કનો માલિક માર્ક ઝકરબર્ગ આજે વિશ્વસ્તરે થઈ રહેલી એક વ્યાપક ચર્ચાના કેન્દ્રમાં છે. શું છોકરડા જેવો દેખાતો 34 વર્ષનો માર્ક દુનિયાનો સૌથી પાવરફુલ અને સૌથી ખતરનાક માણસ છે? શું અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ કરતાંય એની પાસે વધારે પ્રભાવ છે? શું એ દુનિયાનો સૌથી જોખમી સરમુખત્યાર છે? આ પ્રકારની સંભાવનાની છણાવટ કરતી વિશદ ચર્ચા છેલ્લા કેટલાક સમયથી અખબાર-મેગેઝિનો, ટીવી ચેનલો, જાહેર વ્યાખ્યાનો, અન્ય સોશિયલ નેટવર્ક્સ, પોડકાસ્ટ વગેરેમાં સતત ચાલી રહી છે. શા માટે આ પ્રકારની ચર્ચા કરવાની જરૂરિયાત ઊભી થઈ? માર્ક ઝકરબર્ગને આટલી હદે મહત્ત્વ આપવાનું કારણ શું?

એક જ શબ્દમાં જો ઉત્તર આપવો હોય તો તે આ છેઃ ડેટા! આપણે પ્રખર ડિજિટલ યુગમાં પ્રવેશી ચુક્યા છીએ. ત્રણ અઠવાડિયા પહેલાં ઇઝરાયલી ઇતિહાસકાર અને બેસ્ટસેલિંગ લેખક-ચિંતક યુવલ હરારી વિશેના લેખમાં આપણે જોયું હતું કે એક જમાનામાં જેની પાસે વધારે જમીન હોય એવા માણસ પાવરફુલ ગણાતા હતા, પછી જેમની પાસે વધારે ફેક્ટરી અને ઉદ્યોગો હોય એવા બિઝનેસમેન પાવરફુલ ગણાવા લાગ્યા. એકવીસમી સદીનો આવનારો સમય કહે છે કે હવે જેની પૈસા સૌથી વધારે ડેટા હશે એ સૌથી વધારે પાવરફુલ ગણાશે. અહીં ડેટા એટલે આપણા જેવા માણસોના ફોનનંબર, ઇમેઇલ આઇડી, તસવીરો, પસંદ-નાપસંદ, વિચારો, વર્તન, વલણ, લાઇફસ્ટાઇલ વગેરે અંગેની જાણકારી. આ પ્રકારના જંગી ડેટાને માર્કેટિંગ અર્થે વેચી શકાય છે, ડેટાને પ્રોસેસ કરીને ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરી શકાય છે, એમના સુધી પહોંચી શકાય છે, વિચારો-થિયરીઓ-ટ્રેન્ડ્ઝ વહેતા કરી શકાય છે, સમાજ-દેશ-દુનિયામાં ચોક્કસ પ્રકારની હવા ઊભી કરી શકાય છે, ફેક ન્યુઝને આગની જ્વાળાની જેમ ફેલાવી શકાય છે, ટૂંકમાં, લોકોને ખબર પણ ન પડે એ રીતે તેમને પ્રભાવિત કરી શકાય છે.

હવે માર્ક ઝકરબર્ગ કેટલા રાક્ષસી કદનો ડેટા દબાવીને બેઠો છે એ જુઓ. આજે દુનિયાભરમાં આશરે 2.2 અબજ કરતાં વધારે લોકો ફેસબુક વાપરે છે. ચીન વિશ્વનો સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે, પણ એના પોપ્યુલેશન કરતાંય ફેસબુક યુઝર્સનો આંકડો મોટો છે. એક મિનિટ. માર્ક ઝકરબર્ગ પાસે માત્ર ફેસબુક નથી, એ વોટ્સએપનો પણ માલિક છે. આજની તારીખે દુનિયામાં દોઢ અબજ કરતાંય વધારે લોકો વોટ્સએપ વાપરે છે. હજુ એક મિનિટ. ઇન્સ્ટાગ્રામ! શબ્દો કરતાં તસવીરોને વધારે મહત્ત્વ આપતા આ સોશિયલ નેટવર્ક પર પણ માર્ક ઝકરબર્ગની માલિકી છે. જુવાનિયાઓમાં તે ગજબનું પોપ્યુલર છે. દુનિયાભરમાં ઇન્સ્ટાગ્રામ વાપરનારાઓની સંખ્યા પોણોથી એક અબજની વચ્ચે છે. ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ આ ત્રણેય અથવા ત્રણમાંથી બે નેટવર્ક વાપરનારા કોમન ઉપયોગકર્તાઓની સંખ્યા ખાસ્સી મોટી હોવાની. પૃથ્વી પરની કુલ માનવવસતીનો  30 ટકા હિસ્સો ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ વાપરે છે. દુનિયામાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ સૌથી વધારે છે – 2.2 અબજ. આનો અર્થ એ થયો કે દુનિયાના કોઈ પણ ધર્મ કરતાં  ફેસબુક-વોટ્સએપ ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારે છે!  



કલ્પના કરો કે આ ત્રણ-ત્રણ મહાપોપ્યુલર સોશિયલ નેટવર્ક્સની માલિકી ધરાવતા માર્ક ઝકરબર્ગ પાસે કરોડો નહીં, અબજો લોકોનો કેટલા અધધધ ડેટાનો કેટલો વિપુલ ભંડાર હશે! આટલા બધા લોકોને માર્ક ફેસબુક-વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ દ્વારા સીધો સ્પર્શ કરી શકે છે. આ જ કારણ છે કે એને દુનિયાનો સૌથી પાવરફુલ માણસ ગણવામાં આવે છે. માર્ક ભલે ન્યુક્લિયર શસ્ત્રો બનાવતો નથી, છતાંય એ દુનિયાનો સૌથી ખતરનાક માણસ પણ બની શકે છે, જો એ પોતાની પાસે રહેલા ડેટાબેઝનો દુરુપયોગ કરે તો!

એટલેસ્તો આ વર્ષની શરૂઆતમાં ફેસબુકની પ્રાઇવસી પોલિસીનું ભોપાળું ખોલી દેતો કાંડ પ્રકાશમાં આવ્યો ત્યારે ખળભળાટ મચી ગયો હતો. બન્યું એવું કે એલેકઝાન્ડર કોગન નામના ડેટા સાયન્ટિસ્ટને છેક 2013માં ફેસબુકની એપ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એની પાસે ફેસબુક યુઝર્સનો ડેટા એક્સેસ કરવાની પરવાનગી હતી. એલેક્ઝાન્ડરે 8 કરોડ 70 લાખ ફેસબુક યુઝર્સની પ્રોફાઇલ ગુપચુપ કેમ્બ્રિજ એનેલિટિકા નામની કંપનીનો વેચી માર્યો. કેમ્બ્રિજ એનેલિટિકાએ આ જંગી ડેટાનો ઉપયોગ ફેસબુક યુઝર્સને શંકા પણ ન જાય તે રીતે અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પવાળી ચુંટણી વખતે, બ્રેક્ઝિટ વોટિંગ વખતે તેમજ મેક્સિકોના જનરલ ઇલેક્શન વખતે રાજકીય સ્તરે કર્યો. આ ડિજિટલ કૌભાંડ બહાર આવ્યું પછી માર્ક ઝકરબર્ગે જાહેરમાં માફી માગી, પોતે નિર્દોષ હોવાની તેમજ આ બધું એલેકઝાન્ડર કોગન તેમજ કેમ્બ્રિજ એનેલિટિકાવાળાઓએ પોતાની જાણ બહાર કર્યું છે એવા ખુલાસા કર્યા, પણ જે નુક્સાન થવાનું હતું તે થઈ ચુક્યું હતું. વાસ્તવમાં ફેસબુકની ટેક્નિકલ ટીમે બહુ પહેલાં માર્કને ચેતવ્યો હતો કે યુઝર્સ ડેટાબેઝનો આ રીતે મિસયુઝ થઈ શકે છે, પણ માર્કે સતર્ક થઈને ફેસબુકની સિક્યોરિટી પોલિસી વધારે સજ્જડ બનાવવાને બદલે લાપરવાહી દેખાડીને મોટી ભૂલ કરી નાખી.

આ ઘટનાક્રમને કારણે સોશિયલ મિડીયાની સિક્યોરિટી પોલિસીમાં કેવાં કેવાં છીંડા હોઈ શકે છે તેમજ જુદી જુદી વેબસાઇટ્સ દ્વારા એકઠા કરવામાં આવતી આપણી પર્સનલ ડિટેલ્સનો કેવી રીતે દુરુપયોગ થઈ શકે છે તે વિશે આખી દુનિયા એકદમ જાગૃત થઈ ગઈ. સાથે સાથે માર્ક ઝકરબર્ગ નામનો માણસ ધારે તો પોતાની માલિકીના ડેટાબેઝના આધારે સાચાખોટા સમાચારો, અમુક વ્યક્તિઓની ઇમેજ, જે-તે ઘટનાને જોવાના દષ્ટિકોણ વગેરેને મેનિપ્યુલેટ કરીને કરોડો-અબજો માણસો પણ આડકતરો પ્રભાવ પાડી શકે છે એ શક્યતા પણ ધક્કા સાથે ઊછળીને બહાર આવી.

માર્ક ભલે કહે કે ના ના, અમેરિકન પ્રેસિડન્ટના પદ માટે ચુંટણીમાં ઝુકાવવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ એ ટોચના પોલિટિકલ સ્ટેટેજિસ્ટ્સ સાથે ઉઠબેસ તો કરે જ છે. માર્ક ઝકરબર્ગની અને ફેસબુકની વિશ્વસનીયતા પર હવે શંકાનું આવરણ ચઢી ગયું છે. જોકે માર્કના ફળદ્રુપ ભેજમાં નવા નવા આઇડિયાઝ તો ઊછળતા જ રહે છે. જેમ કે, ફેસબુક હવે એ ડેટિંગ સર્વિસ લોન્ચ કરવા માગે છે. અત્યારે જુવાનિયાઓમાં ટિંડર નામની ડેટિંગ એપ ખાસ્સી એપ પોપ્યુલર છે. ડેટિંગ એપ શું છે એ ન જાણતા નિર્દોષ મનુષ્યોની જ્ઞાનવૃદ્ધિ ખાતર જણાવવાનું કે, આ એક એવા પ્રકારની મોબાઇલ એપ છે જેમાં રોમેન્ટિક દોસ્તી બાંધવા ઇચ્છતા લોકો સભ્ય બને છે.  એમાં અપલોડ થયેલા અસંખ્ય લોકો એકમેકના ફોટા અને પ્રોફાઇલ પરથી દોસ્તી કરવાની કોશિશ કરે છે. જો બન્ને પક્ષને પરસ્પર રસ પડે તો સામાન્ય ચેટિંગથી શરૂઆત થયેલો સંબંધ આખરે સેક્સ સુધી (ક્યારેક ઇવન લગ્ન સુધી) પહોંચે છે. માર્ક ઝકરબર્ગ કહે છે કે ફેસબુક પર આજની તારીખે 20 કરોડ સભ્યો ખુદને સિંગલ (એટલે કે અપરિણીત, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ વગરના) ગણાવે છે. એમના ભલા માટે અમે ડેટિંગ સર્વિસ લોન્ચ કરવા માગીએ છીએ! આનો સાદો અર્થ એ થયો કે હવે લોકોના જીવનની સૌથી અંગત, સંવેદનશીલ અને ખાનગી લાગણીઓમાં પણ ફેસબુકનો પ્રભાવ વર્તાશે.  

ફેસબુક ઉપરાંત ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને એપલ – ટેકનોલોજી ક્ષેત્રની આ ટોચની પાંચ કંપનીઓ ડેટાબેઝનો મહાસાગર સમેટીને બેઠી છે. માણસ જેટલો તાકાતવાન બને એટલો જવાબદાર પણ બનવો જોઈએ. જો માણસજાત નસીબદાર હશે તો માર્ક ઝુકરબર્ગ અને બાકીની ચાર કંપનીના બિગ બોસ પરિપક્વતા દેખાડશે ને પોતાની માલિકીના ડેટાબેઝનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરશે. ટચવૂડ!  


0  0 0 

Saturday, November 3, 2018

આયુષ્યમાન ભવ

દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર - 4 નવેમ્બર 2018 
મલ્ટિપ્લેક્સ
સાવ સીધીસાદી પર્સનાલિટી ધરાવતા આયુષ્યમાન ખુરાનામાં એવું તે શું છે કે ઉત્તમ સ્ક્રિપ્ટ ધરાવતી ફિલ્મોને એ પોતાની તરફ લોહચુંબકની જેમ ખેંચી લે છે?


સાડાત્રણ વર્ષ પહેલાં, ટુ બી પ્રિસાઇઝ, ફેબ્રુઆરી 2015માં, આયુષ્યમાન ખુરાનાએ ક્રેકિંગ ધ કોડ - હાઉ ટુ સર્વાઇવ એન્ડ થ્રાઇવ ઇન બોલિવૂડ નામનું આત્મકથનાત્મક પુસ્તક બહાર પાડેલું ત્યારે આશ્ચર્ય થયું હતું. એક નવોસવો હીરો, જે હજુ માંડ એકત્રીસ વર્ષનો છે અને જેની ચાર ફિલ્મો (વિકી ડોનર, નૌટંકી સાલા, બેવકૂફીયાં, હવાઇઝાદા)માંથી પહેલીને બાદ કરતાં બાકીની ત્રણેય ખરાબ રીતે પીટાઈ ગઈ છે, એને વળી આત્મકથા લખવાના શા અભરખા જાગ્યા? ફ્રેન્કલી, એ વખતે એનાં પુસ્તક પર નજર કરવાનો ધક્કો નહોતો લાગ્યો, પણ આ છેલ્લાં સાડાત્રણ વર્ષમાં પરિસ્થિતિ નાટ્યાત્મક રીતે બદલાઈ છે. એક મેરી પ્યારી બિંદુના અપવાદને બાદ કરો તો એની બાકીની પાંચેય ફિલ્મો લાગલગાટ હિટ થઈ છે - દમ લગા કે હઈશા (2015), બરેલી કી બરફી (2017), શુભ મંગલ સાવધાન (2017) અને હમણાં બે જ અઠવાડિયાના અંતરે રજુ થઈને આપણને જલસો કરાવી દેનાર અંધાધુન તેમજ બધાઈ હો. આયુષ્યમાનનો કરીઅર ગ્રાફ હાલ ઝળહળ ઝળહળ થઈ રહ્યો છે.

...અને એટલે જ આયુષ્યમાનનું પેલું પુસ્તક વાંચવાનો ધક્કો હવે લાગ્યો! સાવ મામૂલી દેખાવવાળા, અમોલ પાલેકરના આધુનિક વર્ઝન જેવા લાગતા, છેલછોગાળો નહીં પણ તાપસી પન્નુ મનમર્ઝિયામાં કહે છે એવી રામજી ટાઇપ (એટલે કે બોરિંગ, વધુ પડતી સીધીસાદી) પર્સનાલિટી ધરાવતા આ પંજાબી યુવાનમાં એવું તે શું ખાસ છે? શા માટે આટલી તગડી સ્ક્રિપ્ટ્સ ધરાવતી અફલાતૂન ફિલ્મો એના ખોળામાં આવી પડે છે? ક્રેકિંગ ધ કોડ પુસ્તકમાંથી પસાર થતી વખતે આ સવાલના જવાબ કંઈક અંશે મળે છે. પુસ્તક સુંદર રીતે લખાયેલું છે. જો તમે વાંચનના રસિયા હો અને તમને સિનેમા-ટીવીની દુનિયામાં રસ પડતો હોય તો એકી બેઠકે આખેઆખું વાંચી શકાય એવું પ્રવાહી આ અંગ્રેજી પુસ્તક છે. તાહિરા કશ્યપ સહલેખિકા છે. તાહિરા કશ્યપ એટલે આયુષ્યમાનની કોલેજકાળની ગર્લફ્રેન્ડ, જે આજે એનાં બે બાળકોની મા છે.



આયુષ્યમાન જેવો ફિલ્મી દુનિયા સાથે નાહવાનિચોવાનોય સંબંધ ન ધરાવતા પરિવારમાં જન્મેલો ચંડીગઢી છોકરો હીરો શી રીતે બની ગયો? આયુષ્યાન લખે છે, શું આને તમે નસીબ કહેશો? આગલાં જન્મનાં કર્મોનું ફળ કહેશો? કે પછી આ કોઈ કોડ છે? (અહીં સી-ઓ-ડી-ઇ કોડ એટલે દિમાગ અને વ્યક્તિત્ત્વનું અકળ પ્રોગ્રામિંગ, આંતરિક દિશાસૂચન, છૂપો સાંકેતિક નક્શો.) મે મારા જીવનમાં જે નિર્ણયો લીધા કે પગલાં ભર્યાં એમાં મને હવે એક ચોક્કસ પેટર્ન દેખાય છે. એને તમે કોડ પણ કહી શકો. કદાચ આ કોડને હું અભાનપણે અનુસરતો હતો. અમુક પ્રકારના કોડ હોવા એ નસીબની વાત હોઈ શકે, પણ આપણી ભીતર આ કોડ હોય છે એ તો નક્કી. બસ, આપણને એ ઉકલેતા આવડવા જોઈએ.

આયુષ્યમાનને નાનપણથી જ નાટકમાં ઉતરવાનો, ડિબેટ વગેરેમાં ભાગ લેવાનો, લોકો સામે પર્ફોર્મ કરવાનો ખૂબ શોખ. એને ગાવા-વગાડવાનું પણ બહુ ગમે. બારમા સાયન્સ પછી એને ડોક્ટર બનવાની ઇચ્છા હતી, પણ એને એડમિશન મળ્યું ડેન્ટલ કોલેજમાં. આયુષ્યમાને વિચાર્યુ કે જો હું ડોક્ટર બનવાને લાયક હોત તો મને એમબીબીએસમાં એડમિશન મળી ગયું હોત. જો હું શ્રેષ્ઠ બની શકું એમ ન હોઉં, જે કામમાં મને દિલથી રસ પડતો ન હોય એને જે ક્ષેત્રમાં ખુદને લાયક પૂરવાર કરવા આખી જિંદગી સંઘર્ષ જ કર્યા કરવાનો હોય તો એનો કશો મતલબ છે ખરો? ના! આયુષ્યમાને ડાહ્યાડમરા થઈને આર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. એના જીવનનો આ એક અત્યંત શ્રેષ્ઠ નિર્ણય.   

કોલેજનાં વર્ષોમાં આયુષ્યમાને ઘણાં નાટકો કર્યાં. થિયેટરે એને ઘડતર કર્યું છે. આજે એ ફિલ્મ અભિનેતા તરીકે સફળ છે એનું એક તગડું કારણ એણે રંગભૂમિ પર મેળવેલી તાલીમ છે. વર્ષો પહેલાં ચેનલ વી પર પોપસ્ટાર્સ નામનો મ્યુઝિકલ રિયાલિટી શો આવેલો. આયુષ્યમાન એમાં ટોપ-એઇટ સુધી પહોંચ્યો. એમટીવીના સુપરડુપર હિટ શો રોડીઝની બીજી સિઝનનો એ વિજેતા બન્યો. રોડીઝની જર્ની દરમિયાન એક વાર એના ભાગે એક અતિવિચિત્ર ટાસ્ક કરવાનું આવ્યું - અલાહાબાદની એક સ્પર્મ બેન્ક માટે વીર્યદાન કરવાનું! આયુષ્યમાન પોતાનાં પુસ્તકમાં કોડ નંબર ફોર એવું મથાળું ટાંકીને લખે છે, મને વીર્યદાન કરવાનો અનુભવ હતો એટલે જ હું વિકી ડોનર જેવી ફિલ્મ કરવા તૈયાર થઈ શક્યો! આ વાતમાંથી હું એ શીખ્યો કે, ખુલ્લા રહેવાનું. જિંદગી આપણને જાતજાતના અનુભવો કરાવશે - સારા, માઠા, આનંદદાયક, કરુણ, ક્ષોભજનક, રમૂજી. તમામ પ્રકારના અનુભવોને ઝીલવા માટે, એમાંથી પસાર થવા માટે સજ્જ રહેવાનું. જીવનના પ્રત્યેક અનુભવમાંથી કશુંક તો શીખવાનું મળતું જ હોય છે.



એમ.એ. પૂરું કરીને એ તરત ફિલ્મોમાં કામ કરવા મુંબઈ આવી ગયો. કોઈ પણ સ્ટ્રગલરની માફક ઓડિશન આપ્યાં, ટીવી સિરિયલોમાં કામ કર્યું. પછી બિગ એફએમનો એ જમાનાનો હાયેસ્ટ પેઇડ રેડિયો જોકી બન્યો, એમટીવીમાં સફળ વિડીયો જોકી બન્યો, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને હૃતિક રોશનવાળા જસ્ટ ડાન્સ જેવા ટેલેન્ટ રિયાલિટી શોનું સંચાલન કરીને બેસ્ટ એન્કરનો અવોર્ડ જીત્યો. આયુષ્યમાન કહે છે (કોડ નંબર એઇટ), કોઈ પણ તકને જવા નહીં દેવાની. ભુલેચુકેય કોઈ કામને એન્ડરએસ્ટિમેટ નહીં કરવાનું. જે પણ કામ મળે એમાં આપણું શ્રેષ્ઠ રેડી દેવાનું. આપણાં ભૂતકાળનાં કામોમાંથી જ ભવિષ્યનો રસ્તો ખૂલતો હોય છે.

એવું જ થયું. જસ્ટ ડાન્સને કારણે ફિલ્મમેકર શૂજિત સરકારનું ધ્યાન આયુષ્યમાન પર પડ્યું. તેઓ વિકી ડોનર (2012) બનાવવાની તૈયારી કરતા હતા. ઓરિજિનલ પ્લાન તો વિવેક ઓબેરોયને લઈને ફિલ્મ બનાવવાનો હતો, પણ છેલ્લી ઘડીએ નિર્માતાનો વિચાર બદલાયો. પછી શર્મન જોશીને આ ફિલ્મની ઓફર આપવામાં આવી. શર્મને નમ્રતાપૂર્વક ના પાડી. આખરે આ રોલ માટે આયુષ્યમાનનો સંપર્ક કરવામાં આવ્યો. આયુષ્યમાને અગાઉ તીન થે ભાઈ, આઇ હેટ લવસ્ટોરીઝ, ભાગ મિલ્ખા ભાગ જેવી ઘણી ફિલ્મો માટે ઓડિશન આપેલાં, પણ બધાંમાં એ રિજેક્ટ થયેલો. જોકે ઓડિશન સારાં ગયેલાં એટલે જોગી નામના કાસ્ટિંગ ડિરેક્ટરની નજરમાં એ આવી ગયેલો. એમણે પણ શૂજિત સરકારને આયુષ્યમાનના નામની ભલામણ કરેલી. આયુષ્યમાનને આ ફિલ્મમાં લીડ રોલ મળ્યો, એટલું જ નહીં, કોલેજકાળના દોસ્તાર રોચક સાથે કંપોઝ કરેલા પાની દા રંગ દેખ કે ગીતને  ફિલ્મમાં વાપરવાની તક પણ મળી. ફિલ્મ અને આ ગીત બન્ને હિટ થયાં. આમ, ચંડીગઢનો છોકરો આખરે બોલિવૂડનો હીરો બની જ ગયો.



સફળતા પોતાની સાથે કલ્પના કરી ન હોય એવા સંઘર્ષો પણ લેતી આવતી હોય છે. આયુષ્યમાન એટલો વ્યસ્ત થઈ ગયો કે પત્ની અને સંતાન માટે એની પાસે સમય બચતો નહોતો. લગ્નજીવન ડગમગવા માંડ્યું, પણ સંબંધનો પાયો મજબૂત હતો એટલે કટોકટી ટળી ગઈ, ઘર-પરિવાર સચવાઈ ગયાં. આથી જ આયુષ્યમાન પુસ્તકના અંતે કોડ નંબર પંદરમાં લખે છે, જીવનના તમામ કોડ્સમાં ઇમોશનલ કોડને સમજવો અને ઉકેલવો સૌથી મહત્ત્વનો છે. તમે દુનિયાના સૌથી પાવરફુલ અને પૈસાદાર બની જાઓ, પણ જો લાગણીના સ્તરે અશાંત રહેતા હશો તો બધું અર્થહીન બની જશે. માત્ર જીવનસાથી કે પાર્ટનર સાથેના સંબંધની વાત નથી. તમે ભલે સિંગલ હો, પણ જો તમે માનસિક અશાંતિ પર કાબૂ મેળવી લીધો હશે તો તમારું જીવન મોટે ભાગે સુખમય વીતશે.

ક્રેકિંગ ઘ કોડ્સ પુસ્તક સિનેમા, ટીવી, રેડિયોનાં ફિલ્ડમાં સફળ થવાનું સપનું જોઈ રહેલા જુવાનિયાઓને ઉપયોગી ટિપ્સ આપશે અને આયુષ્યમાનના કદરદાનોને સંતોષનો અનુભવ કરાવશે. રિકમન્ડેડ!             

shishir.ramavat@gmail.com