Sandesh - Ardh Saptahik purti- 1 June 2016
ટેક ઓફ
અંગ્રેજોએ ભારત અને પાકિસ્તાનને સ્વાતંત્ર્ય આપ્યું તેની પહેલાં બલૂચિસ્તાનને આઝાદ કર્યું હતું. જોકે બલૂચિસ્તાનની આઝાદી અલ્પજીવી સાબિત થઈ. પાકિસ્તાને બળજબરીથી તેને પોતાનામાં ભેળવી દીધું. એક દમિત-શોષિત પ્રજા તરીકે જીવતા બલૂચીઓએ આજે પણ આઝાદીનું સપનું જોવાનું છોડ્યું નથી.
પાંચ વર્ષ પહેલાં અમેરિકાએ જે રીતે પાકિસ્તાનમાં ઘૂસીને ખૂંખાર ત્રાસવાદી ઓસામા બિન લાદેનને હણી નાખ્યો હતો બરાબર એ જ રીતે ગયા અઠવાડિયે બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં ઘૂસીને અફઘાન તાલીબાન ચીફ્ મુલ્લા અખ્તર મન્સૂરને મોતને ઘાટ ઉતારી દીધો. એક સુપર કોન્ફ્ડિન્ટ મહાસત્તાને છાજે એવું આ દાદાગીરીવાળું પગલું હતું. મુલ્લા મન્સૂર ઘરઆંગણે મર્યો એટલે પાકિસ્તાને કાગારોળ મચાવી દીધોઃ અમેરિકાએ આ કુચેષ્ટા કરીને પાક્સ્તિાનના સાર્વભૌમત્વનું ખંડન કર્યું છે. જનરલ શરીફે તો ત્યાં સુધી કહ્યું કે પાક્સ્તિાન જે રીતે આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે બલિદાન આપી રહ્યું છે એનો જોટો જડે તેમ નથી!
વોટ્સએપ પર ફોરવર્ડ થતા જોકસ તરીકે વાપરી શકાય એવાં આ નિવેદનો છે. છેક ૧૯૪૮થી બલૂચિસ્તાનને હડપીને બેઠેલું પાક્સ્તિાન સાર્વભૌમત્વના ખંડનનો કકળાટ કરે ત્યારે માત્ર હસી શકાય. બલૂચિસ્તાનને પાકિસ્તાને પછાત રાખી દીધું છે. મોટા ભાગના બલૂચીઓને પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. પાકિસ્તાનના અન્ય પ્રાંતોની તુલનામાં અહીં સૌથી વધારે ગરીબી છે, સૌથી વધારે માત્રામાં બાળકોનાં તેમજ સુવાવડી સ્ત્રીઓનાં મોત થાય છે. સૌથી વધારે નિરક્ષરતા પણ અહીં જ છે. બલૂચીઓ સ્વાતંત્ર્ય માટે દાયકાઓથી સતત લોહિયાળ સંઘર્ષ કરી રહૃાા છે. આ હિલચાલને દબાવી દેવા માટે બલૂચીઓ પર દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવાના આરોપ હેઠળ ભયાનક સિતમ ગુજારવામાં આવે છે તે જગજાહેર છે. આટલાં વર્ષોમાં પાક્સ્તિાન સિકયોરિટી ફોર્સે હજારો બલૂચીઓનાં અપહરણ ર્ક્યા છે ને ગાયબ કરી નાખ્યા છે. પાકિસ્તાન હકીક્તોને દબાવી રાખવાની લાખ કોશિશ કરે તોય વિગતો બહાર આવ્યા વિના રહેતી નથી. અપહરણ કરાયેલા બલૂચીઓમાંથી કેટલાકની ડેડબોડી રહસ્યમય સંજોગોમાં મળી આવે છે. એક અહેવાલ પ્રમાણે, આ લાશો જોતાં ખબર પડે કે હાથ-પગનાં હાડકાં ભાંગી નાખવામાં આવ્યાં હોય, નખ ખેંચી કાઢવામાં આવ્યા હોય, અંગઉપાંગો પર ડામનાં નિશાન હોય, અરે, માથા પર જાણે ડ્રિલિંગ મશીન ચલાવવામાં આવ્યું હોય તેવાં છિદ્રો ખોપડીમાં પડી ગયાં હોય. એેક્સ્ટ્રા-જ્યુડિશિયલ એટલે કે બિન-અદાલતી યા તો ન્યાયેતર હત્યાઓ બલૂચિસ્તાનમાં આમ ઘટના છે. બલૂચિસ્તાનમાં માનવ અધિકારોની ખુલ્લેઆમ થઈ રહેલી ક્ત્લેઆમ વિરુદ્ધ બૂમરાણ થાય છે, પણ મગર જેવી ચામડીવાળા પાક્સ્તિાની સત્તાધારીઓ માટે તે બધું અપ્રસ્તુત છે.
બલૂચિસ્તાનના આંતરિક મામલા સાથે આપણને નિસબત છે અને હોવી પણ જોઈએ કેમ કે બલૂચિસ્તાન ભારતનો પાડોશી પ્રદેશ છે. બલૂચિસ્તાન સાથે આપણે ઐતિહાસિક રીતે જોડાયેલા છીએ. અતીતના પડછાયા વર્તમાન અને ભવિષ્ય સુધી ખેંચાતા હોય છે. ભૌગોલિક રીતે જોઈએ તો બલૂચિસ્તાનની પશ્ચિમે ઈરાન, પૂર્વે પાકિસ્તાન, ઉત્તરે અફઘાનિસ્તાન અને દક્ષિણે ઓમાનનો અખાત આવેલો છે. બલૂચિસ્તાનનો એક ટુક્ડો ઈરાનમાં ને બીજો મોટો ટુક્ડો પાક્સ્તિાનમાં છે. બલૂચિસ્તાની ભૂમિનો ઘણો ખરો ભાગ પહાડો અને રણે રોકયો છે. મોટા ભાગના બલૂચીઓ પાક્સ્તિાનમાં પડતા હિસ્સામાં વસવાટ કરે છે.
બલૂચિસ્તાનના ઇતિહાસને સમજીશું તો તેનો વર્તમાન સંઘર્ષ વધારે સ્પષ્ટ થશે. બારમી સદીમાં મીર જલાલ ખાન નામના આગેવાને ૪૪ જેટલી બલૂચી જાતિઓને એકત્રિત કરીને આ પ્રદેશને પહેલી વાર બલૂચિસ્તાન એવું નામ આપ્યું હતું. બલૂચિસ્તાનનો સર્વપ્રથમ ઉલ્લેખ 'તુઝક-એ-બાબરી' અથવા 'બાબરનામા' પુસ્તકમાં જોવા મળ્યો હતો. આ શીર્ષકનો અર્થ થાય છે, 'બાબરનું પુસ્તક' અથવા 'બાબરના પત્રો'. ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર એટલે ભારતનો પહેલો મોગલ બાદશાહ (જન્મઃ ૧૪૮૩, મૃત્યુઃ ૧૫૩૦). ત્યાર બાદ અકબરના 'આઈના-એ-અકબરી' પુસ્તકમાં પણ બલૂચિસ્તાનનો નામોલ્લેખ થયો છે.
બલૂચિસ્તાનનાં મુખ્ય રાજ્ય કલાટની સ્થાપના ૧૪મી સદીમાં થઈ હતી. નસીર ખાને (૧૭૫૦-૧૭૯૫) નાનાં નાનાં રાજ્યોને સાંધીને એક કરી દીધાં. પર્શિયા (ઈરાન), અફઘાનિસ્તાન અને બ્રિટિશ ઈન્ડિયા વચ્ચે બફર સ્ટેટ બની રહેલા કલાટની સ્ટ્રેટેજિક પોઝિશન બહુ મહત્ત્વની હતી એટલે તેના પર સામ્રાજ્યવાદી અંગ્રેજોની નજર ન બગડે તો જ નવાઈ. બ્રિટિશરોનું સૈન્ય ૨૩ નવેમ્બર, ૧૮૩૯ના રોજ ક્લાટમાં પ્રવેશ્યું હતું. પછી કલાટ અને અંગ્રેજો વચ્ચે સંધિ થઈ. અફઘાનિસ્તાન જવા ભારતથી નીકળેલી અંગ્રેજ સેના કલાટમાંથી કોઈ પણ પ્રકારની રોકટોક વગર પસાર થઈ શકશે એવું નક્કી થયું.
ક્લાટ અથવા બલૂચિસ્તાનનો રાજકીય ઇતિહાસ સતત અસ્થિર રહૃાો છે. ખૂબ બધા ચડાવઉતાર બાદ ૧૮૯૬માં સર હેનરી મેક્મોહને ક્લાટના ખાનને વિશ્વાસમાં લીધા વગર બ્રિટિશ-પર્શિઅન (ઈરાનીઅન) બાઉન્ડ્રી નક્કી કરી નાખી હતી. સિસ્તાન અને રેજિસ્તાન નામના બલૂચી પ્રદેશોને અફઘાનિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા, જ્યારે જેકોબાબાદ-દરાજાત-સીબી નામના પ્રદેશોને બ્રિટિશ-બલૂચિસ્તાનનો હિસ્સો બનાવી દેવામાં આવ્યા. આ હદરેખાઓ ૧૯૦૫માં ફયનલ થઈ ગઈ. મજા જુઓ. બ્રિટિશરો અગાઉ ગોલ્ડસ્મિડ એગ્રીમેન્ટ અનુસાર ક્લાટને ઓલરેડી એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપી ચુકયા હતા, પણ પછી અંગ્રેજોએ ગુલાંટ મારી અને ક્લાટને બ્રિટિશ ઈન્ડિયાનો ભાગ બનાવી દીધો.
બલૂચિસ્તાનનાં સ્વાતંત્ર્ય ચળવળ વીસમી સદીના પ્રારંભથી શરૂ થઈ ચૂકી હતી. ૧૯૨૦માં 'યંગ બલૂચ' મૂવમેન્ટ શરૂ થઈ. ૧૯૨૭માં અંજમન-એ-ઈસ્લાહ-એ-બલૂચિસ્તાન (ધ રિફોર્મ સોસાયટી ઓફ્ બલૂચિસ્તાન)ની સ્થાપના થઈ. એ જ વર્ષે દિલ્હીથી 'બલૂચિસ્તાન' નામનું અખબાર શરૂ થયું. અન્ય એક જૂથે ૧૯૨૬માં અંજુમન-એ-ઈસ્લાહ-એ-ક્લાટ (ક્લાટ રિફોર્મ સોસાયટી)ની સ્થાપના કરી હતી જે પછી ક્લાટ સ્ટેટ નેશનલ પાર્ટીમાં પરિવર્તિત થઈ. ૧૯૩૦-૩૧માં સ્થપાયેલા અંજુમન-એ-ઇતિહાદ-એ-બલૂચિસ્તાન (અસોસિયેશન ઓફ્ યુનિટી ઓફ્ બલૂચિસ્તાન) નામના જૂથે તમામ બલૂચી પ્રદેશોને એક થવા હાકલ કરી અને અંગ્રેજો સામે બાંયો ચડાવીઃ અમને બ્રિટિશ હકૂમત ન ખપે... અમને આઝાદી જોઈએે!
ગ્રેટ બલૂચિસ્તાનનો પહેલો નકશો ૧૯૩૩માં અઝીઝ કુર્દ નામના બલૂચીએ બહાર પાડયો. એમના જૂથની માગણીઓ સ્પષ્ટ હતીઃ ક્લાટ રાજ્યનો ઉદય, ટુક્ડાઓમાં વહેંચાયેલું નહીં પણ સંગઠિત બલૂચિસ્તાન, અંગ્રેજ હકૂમતનો અંત અને સ્વતંત્ર બલૂચી સરકાર!
ભારત સ્વતંત્ર થાય એના અગિયાર વર્ષ પહેલાં, ૧૯૩૬માં, મીર અહમદ યાર કે જે ક્લાટના ખાન હતા, તેમણે એક બાહોશ વકીલ રોકીને અંગ્રેજો સામે સંપૂર્ણ સ્વતંત્રતા માટે માગણી મૂકી. આ વકીલનું નામ હતું, મોહમ્મદ અલી ઝીણા! ૧૯૪૬માં ઝીણાએ કેબિનેટ મિશન સામે ક્લાટના ખાન વતી દલીલો કરી હતી હતી કે -
'ભૂતકાળમાં જુદા જુદા બ્રિટિશ રાજકરણીઓ ક્લાટને એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપી ચૂકયા છે. ૧૮૯૨માં સર ડબલ્યુ.એલ. મિઅરવેધર, કે જે ક્લાટ ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર હતા, તેમણે લખ્યું છે કે, “હિઝ રોયલ હાયનેસ ધ ખાન, ડી ફેક્ટો એન્ડ ડી જ્યુર (એટલે કે વાસ્તવમાં અને કાયદાકીય રીતે), ક્લાટ અથવા બલૂચિસ્તાનના કિંગ છે અને અમે એમની સાથે સંધિ કરી છે. આ સંધિ અનુસાર, અમે (એટલે કે અંગ્રેજો) કિંગના સાર્વભૌમત્વ પર આક્રમણ નહીં કરીએ. તેઓ (કલાટ યા બલૂચિસ્તાનના) એકમાત્ર શાસક છે.”
જોકે બીજા વિશ્વયુદ્ધ પછી બલૂચીઓના બે પ્રકારના અભિગમ સામે આવ્યા હતા. બલૂચીઓનું એક જૂથ સંપૂર્ણ આઝાદી માગતું હતું. બીજું જૂથ, કે જે મુસ્લિમ લીગ સાથે સંકળાયેલું હતું, તેમનું કહેવું હતું કે સમગ્ર બલૂચી પ્રદેશનેે ભેગા કરીને એક નવું મુસ્લિમ સ્ટેટ જરૂર બનાવવું જોઈએ, પણ તે ભાવિ પાક્સ્તિાનની ભીતર રહીને! સંપૂર્ણ સ્વાયત્તતા માગનારા બલૂચીઓ બહુમતીમાં હતા. બલૂચ રિફોર્મ સોસાયટી, અસોસિયેશન ઓફ્ બલૂચ યુનિટી અને રિફોર્મ સોસાયટી ઓફ્ ક્લાટ આ ત્રણેય સંગઠનો સંપૂર્ણ સ્વરાજ્યના પક્ષમાં હતા. આ ત્રણેએ સાથે મળીને ક્લાટ સ્ટેટ નેશનલ પાર્ટીની રચના કરી. આ પાર્ટી ઈરાનના હિસ્સામાં આવેલા સિસ્તાન-બલૂચિસ્તાનને પણ સ્વતંત્ર બલૂચિસ્તાન હેઠળ ભેળવી દેવા માગતા હતા.
ભારતને આઝાદ કરવાનો સમય નિકટ આવી રહૃાો હતો. દેશ સ્વતંત્ર થાય તેના બાર દિવસ પહેલાં, ૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ, સ્ટેન્ડસ્ટિલ એગ્રીમેન્ટ અથવા બ્રિટિશ-પાકિસ્તાન-બલૂચ અગ્રીમેન્ટ તરીકે ઓળખાતા કરારનામા પર દસ્તખત કરવામાં આવ્યા. બલૂચિસ્તાનને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો. કરારની પહેલી કલમમાં જરા વિચિત્ર લાગે એવી કાનૂની ભાષામાં લખાયું હતું કે -
'પાક્સ્તિાનની સરકાર ક્લાટ (એટલે કે બલૂચિસ્તાન)ને એક મુક્ત અને સ્વતંત્ર (ફ્રી એન્ડ ઈન્ડીપેન્ડન્ટ) રાષ્ટ્ર તરીકે સ્વીકારે છે, કે જે બ્રિટિશ અને અન્ય રાષ્ટ્રો સાથે સાર્વભૌમપૂર્ણ દ્વિપક્ષી સંબંધો (સોવેરીન બાઈલેટરલ ક્નેક્શન્સ) ધરાવે છે.'
ચોથી ઓગસ્ટે જ બલૂચિસ્તાનના ભવિષ્ય વિશે ચર્ચા કરવા દિલ્હીમાં રાઉન્ડ-ટેબલ કોન્ફરન્સ યોજાઈ, જેમાં લોર્ડ માઉન્ટબેટન, મોહમ્મદ અલી ઝીણા, લિયાકત અલી ખાન (જે પછી સ્વતંત્ર પાક્સ્તિાનના પહેલા વડાપ્રધાન બન્યા) તેમજ ક્લાટના ચીફ મિનિસ્ટર સર સુલતાન અહમદ હાજર હતા.
આ મીટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે, 'પાંચમી ઓગસ્ટ, ૧૯૪૭થી ક્લાટ સ્ટેટ સ્વતંત્ર બને છે. ક્લાટનું આ એ સ્ટેટસ હશે જે તે ૧૮૩૮માં ધરાવતું હતું કે જ્યારે ક્લાટને પાડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો હતા તેમજ તે આઝાદી ભોગવતું હતું. ક્લાટ ૧૮૩૯ અને ૧૮૪૧ની સંધિ મુજબનું પોતાનું ઓરિજિનલ લીગલ સ્ટેટસ જાળવી શકે તે માટે બ્રિટિશ સરકાર જરૂરી કાર્યવાહી કરશે.'
૧૧ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સ્ટેન્ડસ્ટિલ એગ્રીમેન્ટ જાહેર કરવામાં આવ્યું. બલૂચિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દુનિયાની નજરમાં ઓફિશિયલી અસ્તિત્ત્વમાં આવ્યું. બલૂચિસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર કાયદેસર ચૂંટણી યોજાઈ. બાવનમાંથી ૩૯ બેઠકે પર ક્લાટ સ્ટેટ નેશનલ પાર્ટીના સભ્યો જીતી ગયા. આ રીતે સ્વતંત્ર બલૂચિસ્તાનની સર્વપ્રથમ સ્થાનિક સરકાર રચાઈ.
૧૫ ઓગસ્ટે ભારતને આઝાદી મળી. પાક્સ્તિાન અલગ થયું. પાક્સ્તિાનના જનક એવા મોહમ્મદ અલી ઝીણા મૃત્યુપર્યંત દેશના ગવર્નર-જનરલ તરીકે સક્રિય રહૃાા. આઝાદીના આઠ જ મહિનામાં પાક્સ્તિાને પોતાનો રંગ દેખાડયો. બલૂચિસ્તાનને કબજે કરવા માટે ઝીણાએ પાકિસ્તાની લશ્કરને છોડી મૂકયું. બલૂચિસ્તાનના ખાન ઘા ખાઈ ગયા. તેમણે કહ્યું: 'ઝીણાસાહેબ, બલૂચિસ્તાનની આઝાદી માટે તમે જ મારા વતી અંગ્રેજો સામે દલીલો કરી હતી અને હવે તમે જ બલૂચિસ્તાન પર આક્રમણ કરો છો?' ઝીણાએ ઠંડે ક્લેજે કહ્યું: 'અગાઉ હું તમારો વકીલ હતો, આજે પાક્સ્તિાનનો વડો છું! મારી ભૂમિકા બદલાઈ ગઈ છે. પાક્સ્તિાનના ગવર્નર-જનરલ હોવાના નાતે હું બલૂચિસ્તાનને મારા દેશનો હિસ્સો બનાવવા માગું છું!'
ક્લાટના ખાન પાસે હાર માનવા સિવાય બીજો કોઈ વિક્લ્પ નહોતો. આમ, બલૂચિસ્તાનની આઝાદી અલ્પજીવી સાબિત થઈ. ૧૫ એપ્રિલ, ૧૯૪૮ના રોજ બલૂચિસ્તાનને પાક્સ્તિાન સાથે જોડી દેવામાં આવ્યું. આઝાદીવાંછુઓએ જોકે બલૂચિસ્તાનને પાક્સ્તિાનની પક્ડમાંથી મુકત કરાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. એના પરિણામરૂપે બલૂચિસ્તાનને પ્રાદેશિક સ્વાયત્તતા આપી શકાય તેમ છે કે નહીં તે ચકાસવા માટે ૧૧ માર્ચ, ૧૯૪૯ના રોજ કોન્સ્યુલેટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી. ક્લાટ અને દરિયાકાઠાના કેટલાક પ્રદેશને આંશિક સ્વાયત્તતા આપવામાં આવી.
બલૂચિસ્તાનનું કોકડું હજુ જોરદાર ગૂંચવાયેલું છે. બલૂચીઓ આજેય પાક્સ્તિાનની એક દમિત-શોષિત પ્રજા છે જેણે આઝાદીનું સપનું જોવાનું છોડયું નથી. આવનારા સમયમાં બલૂચિસ્તાન-પાક્સ્તિાનનો મુદ્દો કેવો રંગ પક્ડે છે અને એમાં ભારત કેવો ભાગ ભજવે છે તે જોવાનું રસપ્રદ પુરવાર થવાનું.
0 0 0
No comments:
Post a Comment